પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

રોંગ નંબર…. May 30, 2008

જીવનની અંતિમ સાંજ…! બસ…હવે બહું થયું. આ જીવનનો કોઇ અર્થ નથી. કોઇને મારી પડી જ નથી. આખી જિંદગી શું બધાનું સાંભળ્યા કરવાનું અને સહન કર્યા કરવાનું ? કોઇને મારી જરૂર નથી. હું જાણે વધારાની થઇ ગઇ છું…નકામી..સાવ નકામી બની ગઇ છું ખાલી શીશીમા મેઘધનુશી સપના ઉછેરવાની રમત રમ્યા કરુ છુ. અર્થહીન જિંદગીની માફક અર્થહીન રમત……

આવા જીવન કરતાં તો…..

અને હવે આ નિર્ણયમાં કોઇ ફેરફર નહીં…. આમ પણ આ ચાર દિવસ એકલી છું. આવો મોકો બીજી વાર મળે ન મળે…બસ….જેને જે માનવું હોય,..જે વિચારવું હોય તે વિચારે. મર્યા પછી મને શો ફરક પડે છે ? દુનિયા આખી સ્વાર્થી છે. બે દિવસમાં બધું ભૂલી જશે..દિશા હોય કે ન હોય કોને ફરક પડે છે ? મારા એક વિના દુનિયા અટકી તો નથી પડવાની. અને હું નહીં હોઉં ત્યારે જ બધાને મારી કીંમત સમજાશે.

હાથમાં ફિનાઇલની આખી બોટલ સાથે બેસેલ દિશાની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં જ બાજુમાં ટીપોય પર રહેલ ફોન રણકયો. દિશાએ કંટાળાથી ફોન તરફ જોયું. આને પણ છેલ્લી ઘડીએ રણકવું છે ? નથી ઉપાડવો..હવે ઉપાડીને કામ પણ શું છે ? ભલે વાગતો….મારે હવે આ બધી બાબતો સાથે કોઇ નિસ્બત ખરી ?

પણ ફોન કરનાર જાણે જિદે ભરાયું હોય તેમ રણકવાનું બંધ જ નહોતું થતું..કંટાળીને કે ગુસ્સાથી દિશાએ ફોન ઉપાડયો.’ લાવ, જોઉં તો ખરી.. મારા નશીબમાં અંતિમ વાત કોની સાથે કરવાની લખાઇ છે ..’

‘હલ્લો…’ ’વિરલ છે ?

‘ કોણ વિરલ ? ‘ વિરલ…વિરલ શાહ..’ સોરી..રોંગ નંબર…અહીં કોઇ વિરલ રહેતો નથી. ‘

તો કોણ રહે છે ત્યાં ?

’તમારે મતલબ ? ‘દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.

પૂછવાનો અર્થ એ હતો કે આપ કોણ બોલો છો ?

‘ હું વિરલ તો નથી જ બોલતી…એટલું પૂરતું નથી ? ‘

’એ તો સમજાઇ ગયું..આ અવાજ વિરલનો નથી.પણ..પ્લીઝ કોઇ ગેરસમજ ન કરશો. આ તો જસ્ટ તમારો અવાજ ખૂબ સરસ.. બહું મીઠો લાગ્યો તેથી પૂછાઇ ગયું. સોરી..કંઇ ખરાબ લાગ્યું હોય તો…. ‘

દિશાનો ગુસ્સો થોડો શાંત થયો.. એકાદ પળ મૌન રહી તેણે જવાબ આપ્યો. ’હું દિશા બોલુ છું. આઇ મીન…મારું નામ દિશા છે. ‘

ઓહ. .! ગ્રેટ.. જીવનમાં બધાને ગાઇડ કરનાર…દિશા બતાવનાર….વાહ..! ‘
’ સોરી…હું કોઇને ગાઇડ કરતી નથી. ‘
’અગેઇન સોરી …આઇ વોઝ જસ્ટ જોકીંગ.. ‘
’અજાણ્યાઓ સાથે જોક કરવાની તમને આદત છે ? ‘
’ના, પણ તમે અજાણ્યા લાગ્યા જ નથી..એનું શું ? ‘
’વાત કરવામાં તો સ્માર્ટ લાગો છો. ‘
’ખાલી વાત કરવામાં ? હું આખ્ખો સ્માર્ટ છું. ‘
’તમારી જાત વિશે બહું ઊંચી માન્યતા ધરાવતા લાગો છો. ‘
પોતાની જાત વિશે માન હોવું એ કંઇ ખરાબ બાબત તો મારા ખ્યાલ મુજબ નથી જ. જાતની અવગણના શા માટે ?
લેખક છો ?’
લેખક થવાના સ્વપ્નો જોઉં છું ખરો..’
’સ્વપ્નો જોવા કંઇ ખરાબ વાત નથી જ.. પણ દિવાસ્વપ્નોમાં રાચો છો કે પછી મહેનત પણ કરો છો? ‘
દિશા અજાણપણે વાતમાં ગૂંથાતી જતી હતી.

’આ અત્યારે શું કરી રહ્યો છું ? મહેનત જ ને ? દિશા નામની કોઇ સુંદર છોકરીને પટાવવાની…’
’વોટ ? હવે દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.

‘સોરી..સોરી..મીઠાશની સાથે તીખાશ પણ છે કે નહીં તે જરા ચકાસતો હતો.એકલી મીઠાશ બહું સારી નહીં. ડાયાબીટીશ થઇ જાય. મને રોગીઓ પ્રત્યે બહુ માન નથી જ. પણ તમારે વાંધો નથી..મીઠાશ..તીખાશ બંને છે તમારામાં. ‘ બોલતા મસ્કા મારતા સારું આવડે છે…’

થેન્કસ ફોર કોમ્પ્લીમેન્ટસ..તમારા જેવી સુંદર યુવતીઓની શુભેચ્છાઓ ની મહેરબાની હમેશા મારી ઉપર રહી છે. ‘
હું સુંદર છું ..એમ કોણે કહ્યું ? ‘

યુવતીઓને હું સુંદર જ ગણુ છું. આમ પણ સુંદરતા તો દ્રષ્ટિમાં છે…અને મારી દ્રષ્ટિ સુંદર છે જ. તેથી મને વિશ્વમાં કશું અસુંદર દેખાતું જ નથી. હું તો સીધો કવિ કલાપીનો વંશજ..

‘સૌન્દર્ય પામતા પહેલાં સૌન્દર્ય બનવું પડે..’ એટલે હું સૌન્દર્ય જ બની ગયો છું. અને તેથી હવે બધેથી સૌન્દર્ય પામી રહ્યો છું. ‘

’જાતે સુંદર બની જવાનો તમારો આ આઇડીયા સારો છે. પેલા દલા તરવાડીની વાર્તા વાંચી લાગે છે.’

’તમે બધા નાહક દલા તરવાડીને વગોવો છો..તેણે બિચારાએ તો આપણને કેટલી બધી સગવડ કરી આપી છે. ‘

’ઓહ..! તમને દલા તરવાડી માટે પક્ષપાત લાગે છે..કે પછી એના પણ વંશજ છો ? એની વે……તમારી સેન્સ ઓફ હ્યુમર સારી લાગે છે. ‘

નહોતું હસવું તો પણ દિશાના ચહેરા પર એક મંદ સ્મિતની લહેરખી તો ફરી જ વળી. બાકી આત્મહત્યાની અંતિમ પળે વળી હાસ્ય કેવું ? જીવનમાં હાસ્યની પળો નિર્માણી હોત તો તો આવો વિચાર જ ….

‘મારી સેન્સ ઓફ હ્યુમર માટે મિત્રોને માન છે. ‘
’તમારા મિત્રોને હ્યુમર એટલે શું ? એ ખબર નહીં હોય ‘
કેમ તમને હ્યુમરમાં ખબર નથી પડતી ? ‘
’હું તમારી મિત્ર થોડી છું ? ‘

’નથી ? હું તો ભ્રમમાં હતો કે તમે મારા મિત્ર બની જ ગયા છો. રોંગ નંબર સાથે કોઇ આટલી વાત થોડી જ કરે ? ‘

દિશાએ ધડ દઇને ફોન કાપી નાખ્યો..સમજે છે શું એના મનમાં ?

બે પાંચ મિનિટ એમ જ પસાર થઇ. ત્યાં વળી ફોન રણકયો. ન જાણે કેમ પણ દિશાથી આ વખતે ફોન તુરત ઉપાડાઇ ગયો. નક્કી એ જ..! એમ સહેલાઇથી પીછો છોડે તેમ નથી લાગતું. જરા ખખડાવવો પડશે. સમજે છે શું પોતાની જાત ને ?

’ હેલ્લો…’ દિશા સાચી હતી. સામેથી ફરી એ જ અવાજ..

’ સોરી દિશાજી , મારો ઇરાદો તમને હર્ટ કરવાનો નહોતો. આ તો મને એમ કે જીવનની અંતિમ પળે કઇ નશીબદાર વ્યક્તિ સાથે વાત કરીને હું સંસારને અલવિદા કરીશ ? એ જાણવાના લોભમાં….

દિશા ચમકી..આ પણ કોઇ પોતાના જેવું સમદુખિયુ છે કે શું ? નહોતું બોલવું તો યે મોં માંથી નીકળી જ ગયું.

’ એટલે ? તમે યે મારી જેમ…? ‘
સામે છેડે એકાદ ક્ષણ મૌન…

’ મારી જેમ એટલે ? તમે પણ…? ‘

’ હા, મારી પણ આ અંતિમ સાંજની અંતિમ વાત છે. આપણી મુલાકાત કંઇક અનોખી નથી લાગતી ? ‘

’ અનોખી છે જ. અંતિમ પળના સાથીદાર નહીં ? ‘

‘ પણ તમે તો પુરુષ છો..તમારે વળી આત્મહત્યાનું શા માટે વિચારવું પડે ? ‘? એકાદ બે ક્ષણના મૌન પછી .. ’ કેમ પુરુષને કોઇ તકલીફ ન હોય એવો કોઇ નિયમ છે ? ‘

દિશા ગૂંચવાઇ….’ ના, ના, નિયમ તો નથી..પણ સામાન્ય રીતે આપણો સમાજ પુરુષપ્રધાન છે તેથી જે સહન કરવાનું આવે તે મોટે ભાગે સ્ત્રીઓને જ ફાળે આવે છે ને ?’

’ એ તમારો ભ્રમ છે. ..તમારી અંતિમ સાંજે હવે કહીને કે એ ભ્રમ તોડીને શું ફાયદો ? નહીંતર જરૂર કહેત. જતાં પહેલા કદાચ દિલ હળવું કરવાની એક તક …..પણ,,ના જવા દો…અંતિમ સાંજે દિલ હળવું થાય કે નહીં..શો ફરક પડે છે ખરું ને ? ‘

’હા….ના.. સાવ એવું તો નહીં….કોઇ સહ્રદયી વાત સાંભળનાર મળે તો જરૂર ગમે. હસતા હસતા દુનિયાને અલવિદા કહેવાનું સદનશીબ બધા પાસે નથી હોતું. ‘

’ તમે તો ફિલસૂફની માફક વાત કરવા લાગ્યા..’ ’ અંતિમ પળે કદાચ દરેક માનવી ફિલસૂફની અવસ્થાએ આપોઆપ પહોંચી જતો હશે. નહીં ?

દિશા અનાયાસે વાતોના પ્રવાહમાં ખેંચાઇ. આમ તો પોતાની વાતો સાંભળવાનો સમય કોઇની પાસે હતો જ કયાં ?

‘ બની શકે તમે સાચા હો… પણ મને તો આ પળે મોત જેવું બીજું કોઇ સુખ દેખાતું નથી. ‘

સામે છેડેથી નિરાશ અવાજ સંભળાયો ’ ના, ના, સાવ એવું નથી.. તમે તો પુરુષ થઇને પણ સાવ હિમત હારી ગયા. આમ સાવ નિરાશાવાદી થવું તમને બરાબર લાગે છે ? ‘

’ મને તો કશું જ બરાબર નથી લાગતું…બરાબર લાગતું હોત તો મરવાનો વિચાર જ શા માટે આવત ? ‘ દિશા અનાયાસે જાણે કાઉન્સેલરની ભૂમિકામાં આવી ગઇ.

’ બધું બરાબર હોય ત્યારે તો સૌ કોઇ જીવે..મરવું તો બહું આસાન છે. બની શકે તમે જીવવાનો પૂરતો પ્રયત્ન જ ન કર્યો હોય ? ‘
’ બની શકે..બધું બની શકે…પણ હવે એક વાર નિર્ણય લેવાઇ ગયો એમાં ફેરફાર કરવાની મને કોઇ ઇચ્છા નથી. ‘

’ જીવનમાં કેટલીયે વાર આપણે આપણા નિર્ણયો ફેરવતા નથી હોતા ? દ્રષ્ટિ થોડી બદલીએ..થોડા પોઝીટીવ થઇએ તો બની શકે દુનિયા કંઇક અલગ પણ દેખાય. ‘

‘ કદાચ તમારી વાત સાચી હશે..’ ’ કદાચ નહીં..સો ટકા સાચી જ છે. ‘

દિશા જાણે એક ઝનૂનમાં આવી ગઇ. ’ હશે..પણ મારે હવે એવું કશું વિચારવું નથી. જીવવા માટે આટલા બધા સમાધાન કરવાના હોય …ડગલે ને પગલે આપણે જ….’ સામે છેડેથી શબ્દો અધૂરા જ રહ્યા.

‘ મુશ્કેલીઓથી હારીને રણમેદાન છોડી દેવું..એ તો કાયરતા કહેવાય.. ઇશ્વરે આવું અણમોલ જીવન આપ્યું છે તે આમ વેડફી દઇએ તો એના ગુનેગાર ન ગણાઇએ ? ઘણીવાત સાવ નાની વાતમાં આપણે આવેશમાં આવી જતા હોઇએ એવું પણ બને. ‘ ’ હા, બની તો બધું શકે…આમ તો કોઇએ કહ્યું જ છે ને કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો આપોઆપ ખૂલે છે. ફકત આપણી દ્રષ્ટિ જ એ ખુલ્લા દરવાજા તરફ બદલવાની જરૂર હોય છે.

એમ તો કોઇ કવિએ ગાયું જ છે ને કે ..

.” આગલા વળાંકે વાટ જુએ છે વસંતો….”

અરે, વાહ.! તમે તો કવિતાના શોખીન લાગો છો ? ‘

’ કવિતા ? સારું છે તમારું નામ કવિતા નથી.
સમજાયું નહીં…’

‘ મને પણ પૂરું કયાં સમજાયું છે ? આમ પણ આપણે બધી વાત સમજીને જ બોલીએ છીએ એવું થોડું છે ? સમજયા વિના પણ જીવનમાં કેટકેટલું થતું હોય છે..કરતા હોઇએ છીએ..

‘’ તમે તો સારું એવું વાંચ્યું લાગે છે …અભ્યાસી છો..’ ’ થેન્કસ ફોર કોમ્પ્લીમેન્ટસ… પણ વાંચેલું બધું અમલમાં થોડું મૂકી શકાય છે ? એ બધું તો પોથીમાના રીંગણ જેવું. બીજાને કહેવું આસાન છે..બાકી પોતાની ઉપર થોડા પ્રોબ્લેમ આવે ત્યારે માણસ પોતે બધું ભૂલી જાય છે. જુઓ કોઇ હૈયાફૂટો લેખક શું કહે છે ?

“ ફૂલે નિસાસો નાખ્યો હાય…મારુ ઝાકળબિન્દુ સૂકાઇ ગયુ.. પણ સવાર પડી ત્યારે આસમાનનો તો આખો તારાલોક ખોવાઇગયો હતો.”

લેખકોને તો ઠીક છે લખી નાખવું છે. ‘

‘ ના, ના, સાવ એવું તો નથી. ઘણાં પુસ્તકોએ અનેકની દુનિયા બદલી નાખી હોય એવા ઉદાહરણોની ખોટ નથી જ.

‘ તમારી વાત વિચારવા લાયક તો ખરી જ. અને સાચું કહું તો કયારેક એવો વિચાર પણ આવે છે કે હું તો આત્મહત્યા કરીને છૂટી જઇશ..મારે તો પછી કંઇ જોવાનું રહેતું નથી…પણ એટલો સ્વાર્થી હું થઇ શકું ? કદાચ આપણા જવાથી દુનિયાને ખસ કોઇ ફરક ન પડે..પણ…પણ એકાદ બે વ્યક્તિ તો કયાંક હોવાની જ ..જેમને આપણા જવાથી ખરેખર દુ:ખ થાય. અને તેથી જ આટલા સમય સુધી વિચારતો હતો. ‘

’ તે વિચારી વિચારીને અંતે તો આવું નેગેટીવ જ વિચાર્યુંને ? ‘

‘ શું કરું ? આદત સે મજબૂર…’

’ ના, ના, એમ કહીને છૂટી જવાનો કોઇ હક્ક નથી આપણને..આપણી અત્યાર સુધીની જિંદગીમાં કેટલાયે લોકોનો ફાળો હશે જ. માતા પિતા, સગા વહાલાઓ. મિત્રો..કોઇક તો હશે જ જેમણે આપણા માટે…

બોલતા બોલતા દિશા અચાનક અટકી ગઇ. પોતે આમ વાતોના પ્રવાહમાં આવીને કોઇ અપરિચિત વ્યક્તિ સાથે આ બધું શું બોલી રહી છે ? અને પોતે પણ જયારે મરવાનું નક્કી કરી લીધું છે ત્યારે આવી કોઇ દલીલો પોતાને શોભે ખરી ? પણ ના, પોતાની દલીલોથી કોઇનું જીવન બચી શકતું હોય તો….’

’ કેમ , તમે પણ બોલતા બંધ થઇ ગયા ને ? પોતાની વાત આવે એટલે બધા આમ જ..બીજાને ઉપદેશ આપવો કે મોટી મૉટી વાતો કરવી જ આસાન છે. અમલ આસાન થોડો જ છે ? જીવન અણમોલ છે. અને આપણા જીવન પર કેટલાનો અધિકાર છે..અરે, સમાજમાં આપણાથી વધારે દુ:ખી અગણિત લોકો છે..હશે..તેમના તરફ દ્રષ્ટિ રાખીએ ત્યારે જ સમજાય કે ઇશ્વરે આપણને કેટલું આપ્યું છે…! ‘

’ આવું જ કંઇક કહેવું છે ને તમારે ? અરે, મેડમ..આવું ઘણું બધું હું સાંભળી ચૂકયો છું…અને મને હવે એની કોઇ અસર નથી થતી.’
દિશાને થોડો ગુસ્સો ચડયો. બધું જાણવા છતાં જેને સમજવું જ
નથી..એને કોણ સમજાવી શકે ?

છતાં…જાણ્યા પછી કોઇને આમ મરવા થોડા દેવાય ? જિંદગી કંઇ આમ ફેંકી દેવા માટે થોડી જ છે ?

‘ જુઓ મીસ્ટર, તમે જે હો તે…પણ …લેટ મી ટેલ યુ વન થીંગ…. તમે નિર્ણય ભલે કરી લીધો પણ એક કામ કરો..તમે વધારે નહીં તો એક દિવસ માટે તમારો આ વિચાર મુલતવી રાખી ન શકો ? આત્મહત્યા કરવી જ હોય તો આવતીકાલે કરો તો પણ ચાલે ને ? ‘
‘ એક દિવસમાં શું ફરક પડી જવાનો ? ‘

’ એ તો મને યે નથી ખબર…પણ કદાચ તમે આ પગલું કોઇ ક્ષણિક આવેશમાં લીધું હોય…બની શકે આવતી કાલનો સૂરજ તમારે માટે કોઇ શુભ સંદેશ લઇને પણ ઊગે….તમારા કારણોની તો મને જાણ નથી..પણ બની શકે કાલે તમને જિંદગી જીવવાલાયક પણ લાગે…’

’દલીલ પૂરતી તમારી વાત સાચી છે. તમને લોકોને સમજાવતા સારું આવડે છે. કોઇ કવિની એક પંક્તિ યાદ આવે છે..

“ બારણુ ખોલીને મે જોયુ નહી એક રસ્તો ઘર સુધી આવ્યો હતો… “ બોલવા માટે..લખવા માટે બહું સરસ છે નહીં ? ખેર..! પણ તમે
એક કામ કરો ને.. એક કાઉન્સેલીંગ સર્વીસ ખોલી નાખો..સારી ચાલશે. ‘

’ તમારી ઉપર મારા કાઉન્સેલીંગની કોઇ અસર થતી નથી તો મારી સર્વીસ સારી ચાલશે એમ કેમ કહી શકાય ? ‘

’કોણે કહ્યું ? અસર નથી થઇ ? ‘

’ એટલે ? તમે…તમે મારી વાત સ્વીકારી ? ‘

’ આ પળે તો લાગે છે એક વધુ દિવસ રાહ જોવાનું તમારું સૂચન કંઇ ખોટું તો નથી જ. વિચારવાલાયક તો ખરું જ. ‘

’ ફકત વિચારવાલાયક જ નહીં..અમલમાં મૂકવાલાયક પણ ખરું જ..’ દિશાએ ભારપૂર્વક પોતાની વાત દોહરાવી.

‘ ઓકે..મેડમ..તમે જીત્યા…અને હું હાર્યો…તમારી વાત સ્વીકારી હું આજનો દિવસ..મરવાનો મારો કાર્યક્રમ મુલતવી રાખુ છું. બની શકે આપ મારા માટે ખરા અર્થમાં દિશાસૂચક બનો…ખૂબ ખૂબ આભાર..સો નાઇસ ઓફ યુ…’

અને રોંગ નંબર કપાઇ ગયો.

દિશાના કાનમાં પોતાના શબ્દો જ પડઘાઇ રહ્યા…

બે પાંચ મિનિટ મૌન પસાર થઇ ગઇ. તેના મનમાં આખી વાતચીત પડઘાતી રહી.
અને થોડીવારે તેણે હાથમાં રહેલી ફિનાઇલની બોટલનો ઘા કર્યો.

અને રોંગ નંબર ત્યારે ખુશખુશાલ થતો પિકચર જોવા જતો હતો.

બાજુમાં બેસેલ તેનો મિત્ર પૂછતો હતો…’ શું હતું આ બધું ? આ આત્મહત્યાની વાતો કોની સાથે કરતો હતો ?

‘ હું જરા જોક કરવાના મૂડમાં હતો….અને સામે સાચેસાચ….

કોઇ દિશા નામની સ્ત્રી હતી…આત્મહત્યા કરવાના વિચારોમાં અટવાયેલી હતી. મેં મારી સાયકોલોજી કામે લગાડી. બની શકે તેણે તેનો વિચાર પડતો મૂકયો હોય ‘

અને રોંગ નંબરે ખુશ થઇ મોઢેથી વ્હીસલ વગાડી..

 

સંબંધસેતુ…11 May 28, 2008

“ શી રીતે સંબંધ જાળવવો હવે ?
હું સ્વમાની છું અને તું મગરૂર છે.”

સ્વમાન અને અભિમાન વચ્ચે બહું બારીક ભેદરેખા હોય છે. જો એ સમજી ન શકાય તો માનવી એની ભૂલભૂલામણીમાં જીવનભર અટવાતો રહે છે. અને સંબંધોમાં ગોથા ખાતો રહે છે. સ્ત્રી અને પુરુષ..જીવનરથના બે પૈડા…બંને ધરતી પર હોય તો જ રથ ચાલી શકે. સ્ત્રી ને પુરુષ વિના કે પુરુષને સ્ત્રી વિના ચાલતું નથી..કુદરતની આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. લગ્નસંસ્થાનું અસ્તિત્વ સ્ત્રી..પુરુષના સહજીવનને..સખ્યજીવનને હોંશે હોંશે આવકારે છે.

લગ્ન થવાના હોય ત્યારે બંને પક્ષે અગાઉથી કેટકેટલી તૈયારીઓ થતી રહેતી હોય છે. હોંશથી જાતજાતની ખરીદીઓ થતી રહે છે. શરીરની સાર સંભાળ લેવાતી રહે છે. છોકરીપક્ષે જાતજાતની બ્યુટી ટ્રીટમેન્ટ થતી રહે છે. સ્કીનને ચમકીલી બનાવવા કેટલાયે પ્રયત્નો તે કરતી રહે છે. ફેસિયલ,વેક્સીંગ,બ્લીચીંગ,બોડી મસાજ…હેરસ્ટાઇલ.મેઇકઅપ.મહેંદી….કોઇ કચાશ ન રહેવી જોઇએ….ઘરના લોકો પણ પોતપોતાની સગવડ અને શક્તિ મુજબ જરૂરી તૈયારીઓ કરતા રહે છે.કેટલાયે વહેવારો નિભાવાતા રહે છે. લગ્ન જેવો મોટો પ્રસંગ છે. તૈયારીઓ તો કરવી જ રહી ને ? અને આ તૈયારીઓ છોકરી અને છોકરા બંને પક્ષે ચાલતી રહે છે.

બહું સરસ વાત છે. આ પ્રસંગ કંઇ જીવનમાં વારંવાર નથી આવતો. પરંતુ કયારેક પ્રશ્ન થાય છે. બીજી બધી તૈયારીઓ તો થાય છે..થતી રહે છે અને થતી રહેશે. લગ્ન પછી આપણી સંસ્કૃતિ મુજબ..આપણી પરંપરા મુજબ છોકરીને છોકરાને ઘેર જવાનું હોય છે. પારકા ઘરને પોતાનું બનાવવાનું હોય છે. લગ્ન પછી એક છોકરીનું સ્ત્રીમાં રૂપાંતર થાય છે..થવાનું છે..તો એ માટેની માનસિક તૈયારી આમ તો બંને વ્યક્તિએ ..અરે, વ્યક્તિએ જ શા માટે ઘરના સૌએ એક બદલાવની તૈયારી કરવી જ રહી. પરંતુ એ તૈયારી ખરા અર્થમાં આપણે કરીએ છીએ ખરા ?

સહજીવનના રંગીન શમણા તો સ્વાભાવિક રીતે જ આંખોમાં અંજાતા રહે છે. કલ્પનાની દુનિયા સજાવાતી રહે છે.પરંતુ લગ્ન પછી ફકત કલ્પનાની રંગીન દુનિયા જ નથી હોતી..વાસ્તવિકતાની કઠોર ધરતી પણ હોય છે. અને એ ધરતીમાં ફકત ફૂલો જ નથી હોતા…કડવી મીઠી વાસ્તવિકતા પણ હોય છે. તેને માટે લગ્ન પહેલા કોઇ સજ્જ્તા કેળવાવી જોઇએ..કોઇ માનસિક તૈયારી થવી જોઇએ તેવું નથી લાગતું ?

હા. ખાસ કરીને છોકરીને સગાસ્નેહીઓ પાસેથી અમુક સલાહ સૂચનો મળતા રહે છે..પરંતુ એમાં કયારેક ફકત આદર્શની વાતો હોય કે કયારેક સાવધાન રહી બધા પર પોતાની ધાક કઇ રીતે જમાવવી..પતિ અને સાસુને કઇ રીતે વશમાં રાખવા એવી સલાહો હોય છે. અને એક છોકરીના મનમાં પૂર્વગ્રહના તાણાવાણાઓ બંધાતા રહે છે. જે ભવિષ્યમાં બંધાનાર સંબંધોમાં અસરકારક બની રહે છે. આજે છોકરી ઉચ્ચ શિક્ષણ મેળવતી થઇ છે. ઘરની અંદર રહેવાનો સમય તેને બહુ ઓછો મળ્યો હોય છે. ત્યારે ઘણી વાતોથી તે અજાણ રહી જતી હોય છે.

આવું જ કંઇક સંજનાની બાબતમાં પણ બનેલ. લગ્ન પહેલા બીજી ઘણી બધી તૈયારીઓ તો કરેલ..પણ માનસિક તૈયારીનો કદાચ અભાવ રહી ગયો હતો.. જેના પરિણામ સ્વરૂપ આજે ફરી એકવાર તે પિયરમાં આવી પહોંચી હતી. આ એક વરસમાં તે સાત વાર આવી ચૂકી હતી. નાની નાની વાતમાં તેને સાસુ સાથે વાંકુ પડી જતું.. અને પિયર નજીક હોવાથી તે કોઇને કશું કહ્યા સિવાય પિયર પહોંચી જતી. સાસરામાં પતિ સિવાય બધા તેને પારકા લાગતા. ઘરની જવાબદારી..વહેવારો નિભાવવા.. ઘરમાં કોઇનો સમય કે સગવડ સાચવવા.. એ બધું તેને ફાવતુ કે ગમતુ નહી.. સાસુ તેને કચકચિયા લાગતા.નણંદ તેને હરીફ જેવી લાગતી. તે પોતાના પિયર સાથે બધી વાતની સરખામણી મનોમન કર્યા કરતી.. આ ઘરમાં તેને બધી ખામીઓ જ દેખાતી.

”અમારે ત્યાં તો આવું ન હોય..” આ તેનું ધ્રુવ વાકય રહેતું. સમીર તેને સ્નેહથી સમજાવવાનો પ્રયત્ન કરતો. ઘરમાં સાસુ,નણંદના સ્વભાવ પણ સારા હતા..પરંતુ જયાં કોઇ માનસિક સ્વીકાર ન થયો હોય..ત્યારે નાની વાત પણ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. સંજનાને તો જાણે બધી વાત નો એક જ ઉકેલ હોય તેમ તે પોતાને ન ગમતી કોઇ વાત થાય ત્યારે પિયર પહોંચી જતી.પછી બે ચાર દિવસે સમીર બધું ભૂલી ને તેને મનાવીને લઇ આવતો..આમ ગાડુ ગબડયા કરતું હતું. જોકે સમીર સમજદાર હતો.પણ હવે તે થાકયો હતો.

આજે ફરી એકવાર પુનરાવર્તન થયુ હતું..અને સંજના પિયર આવી હતી. બસ..હવે મમ્મી અને ભાભી પાસે પોતાની તકલીફના ગાણા ગાવાનું શરૂ થાય એટલી જ વાર હતી. તેના ઘરના બધા સમજદાર હતા..તેમને પણ પુત્રી આ રીતે વારંવાર પિયર આવતી રહે એ ગમતું નહોતું. પુત્રીના સાસરામાં બધા સારા જ હતા..સદનશીબે દીકરીનો વાંક તેઓ જોઇ શકતા હતા. પરંતુ લાડકોડે ઉછેરેલ દીકરીને વધારે કહી શકતા નહોતા. અને પુત્રીને જાકારો કેમ આપવો..? કયાંક આવેશમાં આવી ને કોઇ આડુઅવળુ પગલું ભરી બેસે તો ? તેથી અચકાતા હતા.

આજે સંજના આવી ત્યારે ઘરમાં ભાભી બહાર જવાની તૈયારી કરતા હતા. અને મમ્મીને થોડુ ઠીક નહોતું તેથી સૂતા હતા. ‘સંજનાબહેન, તમે જમી લેજો..મારે બહાર જવાનું છે.. ‘ કહી બીજી કશી પૂછપરછ કર્યા સિવાય ભાભી બહાર નીકળી ગયા..સંજનાને અપમાન જેવુ લાગ્યું.
મમ્મીને કહેતા તેણે રુક્ષ સ્વરે જવાબ આપ્યો,

’ બેટા, હવે આ ઘર તેનું છે..મારું શું ચાલે ? રોજ ઝગડા થોડા કરાય છે ? અને તે પિયર ચાલી જાય તો અહીં મારાથી તો હવે બહુ થતું નથી..તેથી જેમ ચાલે તેમ હું તો ચાલવા દઉં છું..બીજું શું થાય ?

કહી તે માથે ઓઢી સૂઇ ગયા. સંજના મનમાં તો સમસમી ગઇ. છતાં તેને થયું કે સાંજે ભાઇ આવશે ત્યારે પોતે કહેશે. પોતે ભાઇની લાડલી હતી. સાંજે ભાઇ આવ્યો..ત્યારે તેને સંજના સાથે ખાસ વાત કરવાનો સમય જ નહોતો. તે ફોનમાં બીઝી હતો અને તેને સવારે વહેલા જવાનું હતું તેથી થાકી ગયો છું..કહી સૂઇ ગયો. ભાભી તો જાણે આ વખતે સાવ બદલાઇ ગયા હતા. સંજનાને ઓછું આવી ગયું. અહીં કોઇને તેને માટે સમય નહોતો. બીજે દિવસે પણ બધાનું વર્તન એવું જ શુષ્ક રહ્યું. તે ઊઠી ત્યારે બધાએ નાસ્તો કરી લીધો હતો.અને ભાઇ તો બહાર નીકળી ગયો હતો. નહીતર તે આવતી ત્યારે બધા સાથે નાસ્તો કરતા..વાતો કરતા..હસી મજાક ચાલુ રહેતા..અને આ વખતે..? ભાભી તો કેવા પ્રેમાળ હતા. પણ આજે ભાભી…!! અને મમ્મીને આ વખતે તબિયત સારી ન હોવાથી તે રૂમમાંથી બહુ બહાર નીકળતી નહોતી. સંજના ભાભીને કશું કહેવા ગઇ ત્યાં ભાભી તરત બોલી ઉઠયા,

’ અહીં અમારા ઘરમાં તમારે માથુ મારવુ નહીં…તમારી રીત અહીં ચલાવવાની જરૂર નથી…’ સંજના સ્તબ્ધ..! આ ઘર પોતાનું નથી..? આવું અપમાન ?

તે આખો દિવસ સંજના વિચારોમાં ડૂબેલી રહી..જાણે એક સત્ય નજર સમક્ષ ઉજાગર થતું હતું. બીજે દિવસે તે સમીર પાસે જવા નીકળી..જેમ ચૂપચાપ આવી હતી..તેમ જ તે હવે સાસરે નહીં..પરંતુ પોતાને ઘેર જઇ રહી હતી…ઘરનો અર્થ કદાચ હવે તેને સમજાઇ રહ્યો હતો. અને ત્યારે સંજનાની ભાભી સમીરને ફોન કરી રહી હતી..અને નણંદ ત્યાં આવવા નીકળી છે તેવા સમાચાર આપી રહી હતી.અને તેની મમ્મી બાજુમાં બેઠા બેઠા પોતાની વહુની સમજદારી જોઇ મરકી રહી હતી. પુત્રીને સમજાવવા કરેલ નાટક સફળ થયું હતું. હવે સંજના નાની નાની વાતમાં પિયર નહી દોડી આવે તેવી શ્રધ્ધા જાગી હતી.

આમ અહીં તો કોઇની સમજદારીથી એક સરસ સંબંધ તૂટતો બચી ગયો હતો.. એક ઘર અને બે જિંદગી બરબાદ થતાં રહી ગયા હતા.પરંતુ જો સંજના ના ઘરના એ પુત્રીનો પક્ષ લઇ તેને ઉત્તેજન આપ્યું હોત તો..? તો આ સંબંધ કયારેય ટકી ન શક્ત.

પિયરમાં હવે કોઇ પોતાનું નથી..ત્યાં પહેલા જેવો આવકાર નથી મળવાનો…હવે એ ઘર પોતાનું નથી..એ ખાત્રી થતાં સંજનાની માનસિકતા આપોઆપ બદલાઇ…અને હવે આ ઘર જ પોતાનું છે એ અહેસાસ તેને થયો..અને એ સમજે તેનામાં સુખદ પરિવર્તન આવ્યું. અને ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.

અને પછી તો પિયરથી કેટલા ફોન આવ્ય ત્યાર પછી તે પિયરમાં સમીર સાથે ગઇ ત્યારે તેને પહેલા જેવા જ સ્નેહાળ ભાઇ, ભાભી મળ્યા. ઘણીવાર સંબંધો જાળવવા આવી કોઇ યુકતિનો સહારો પણ લેવો પડે તો તેમાં કશું અજુગતુ નથી જ ને ? સીધી આંગળીએ ઘી ન નીકળે તેમ હોય તો આંગળી ટેઢી કરવી જ રહી ને ? બાકી કઇ માને દીકરી વહાલી ન હોય ? પરંતુ જેમ સોનાની કટારીને પેટમાં ન મરાય તેમ દીકરીની ખોટી વાતો ને ઉત્તેજન આપી તેની જિંદગી ન બગાડાય. અને ઘણીવાર કેટલીયે સલાહ સૂચનો જે કામ નથી કરી શકતા..તે કામ પરોક્ષ રીતે કરવામાં આવે તો આસાનાથી થઇ જતું હોય છે. સો શબ્દો કરતા એક નાનકડું વર્તન ઘણીવાર વધુ અસરકારક નીવડે છે. અને સંબંધો સચવાઇ જાય છે. જરૂર પડયે દીકરીને કડવી દવા આપવી જ રહી.. અગણિત સંબંધો જીવનમાં તૂટતા રહે છે …ત્યારે આવી નાની સમજદારી કોઇ એક પક્ષ દાખવે ત્યારે શકય છે સંબંધો જળવાઇ રહે..અને સંબંધો જળવાઇ શકે એનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે ?

( સ્ત્રી સાપ્તાહિકમાં પ્રકાશિત કોલમ )

 

સંબંધસેતુ…10… May 22, 2008

સંબંધસેતુ…

વાવ્યું હશે બીજ મીઠાશનું તો,
વૃક્ષ કદી મહોરશે લીલુછમ્મ.

આપણે સૌ જાણીએ છીએ કે કેકટસ વાવીને કાંટા જ મળે અને ગુલાબ વાવીએ તો જ ગુલાબની ખુશ્બુ મળી શકે..લીંબોળી વાવીને આંબાની આશા રાખનારને આપણે મૂરખ જ કહીએ ને ? કુદરતનો આ સ્વાભાવિક ક્રમ જીવનમાં પણ એટલો જ સાચો છે. “ વાવો તેવું લણો અને આપો એવું પામો “ આ વાત જીવનની પરમ સચ્ચાઇ છે. આપણે હમેશા ઘણાં લોકો પાસેથી ફરિયાદ સાંભળતા હોઇએ છીએ કે હું તો બધાનું ગમે તેટલું કરું..બધા માટે તૂટી મરું તો પણ મારા હાથમાં તો જશની રેખા જ નથી.. જયારે પેલી વ્યક્તિ કશું કર્યા સિવાય જશ લઇ જાય છે. કયારેક આવી ફરિયાદમાં તથ્ય પણ હોતું હશે તેની ના નહીં…પરંતુ સામાન્ય રીતે આપણે આપણી ભૂલ જોવા નથી માગતા હોતા… કે પછી આપણને આપણી ભૂલ દેખાતી નથી હોતી. આમ પણ આપણી પહાડ જેવી ભૂલ પણ આપણને રાઇ જેવા લાગતી હોય છે.અને બીજાની રાઇ જેવી ભૂલ પણ પર્વત જેવી જ દેખાતી હોય છે. કોઇ અપવાદ વિના દરેક માટે એ સ્વાભાવિક છે. અને ઘણીવાર જીવનમાં એવું પણ બનતું હોય છે..કે આપણા પોતાના આપણને સમજી શકતા નથી જયારે પારકા વધારે સારી રીતે સમજી શકે છે તેવું આપણને લાગે છે.અને ઘણીવાર એ સાચુ પણ હોય છે એનો ઇન્કાર કેમ થઇ શકે ? આજે વાત કરવી છે આવા જ એક સંબંધની…

સામાન્ય રીતે સાસુ વહુના સંબંધો આપણા સમાજમાં વગોવાયેલા જ રહ્યા છે. કયારેક તેમની વચ્ચે સારા સંબંધો હોય તો પણ એ ફરજના ભાગરૂપે જ હોય છે. બંને એકબીજાના વર્તનના લેખા જોખા લેતા જ રહે છે. પોતપોતાની રીતે દરેક વાતનું અર્થઘટન કરતા રહે છે. એમાં લાગણીની મધુરતા કે સ્નેહની સુવાસ નથી હોતી. જોકે અપવાદરૂપ કિસ્સા પણ હોય જ છે. જયાં સાસુ વહુ ના સંબંધો સ્નેહના તાણાવાણાથી ગૂંથાયેલ હોય છે. સાસુ વહુના આવા જ એક સુવાસિત કિસ્સાની વાત આજે કરવી છે.

વિરાજ પરણીને સાસરે આવી..તે એમ.બી.એ. થયેલ આધુનિક યુવતી હતી. તે અને અસીમ સાથે ભણતા હતા…અને પરિચયમાંથી પ્રેમ પાંગર્યો હતો. અને સ્વાતિબહેન દીકરાની વાત નો વિરોધ આમ પણ જલદી કરી શકતા નહીં. અને હવે તો છ મહિના પહેલા પતિનો અચાનક સ્વર્ગવાસ થતાં તેઓ એકલતા મહેસૂસ કરી રહ્યા હતા. દીકરાના લગ્ન થયા..ભણેલગણેલ વહુ હવે પોતાને શું સાચવવાની હતી ? પોતે આમ પણ જૂનવાણી વિચારના હતા..એમ દીકરો કહેતો રહેતો.સ્વાતિબહેન સેવા પૂજામાં આટલો બધો સમય કાઢે તે બધું આધુનિક જમાનાના દીકરાને સમય બગાડવા જેવું જ લાગતું. તે તો મમ્મીને ઘરની બહાર નીકળી બીજા ઘણા કામ કરવાના છે તેવુ કહેતો રહેતો. તેને માટે આ બધું નકામુ હતું. જોકે મા માટે તેને લાગણી જરૂર હતી..પણ તેના આચારવિચાર સાથે તેનો મેળ પડતો નહીં. અત્યાર સુધી તો પતિ હતા તેથી સ્વાતિબહેન ને કંઇ પણ કરવાનું મન થાય તો બધું થ ઇ જતું. તેમને અવારનવાર હવેલીમાં રાજભોગ કરાવવો..ઓચ્છવ કરાવવા…સત્સંગ કરાવવા..મનોરથ કરાવવા..વિગેરે કરાવવું બહુ ગમતું. પણ હવે પતિ હતા નહીં..અને દીકરો તો એવી બધી વાતો નો સખત વિરોધી હતો. તેથી હમણાં ઇચ્છા હોવા છતાં તેઓ એવી કોઇ વાત કરતા નહીં. અને હવે તો ઉલટુ વહુ પણ એવી જ ભણેલી આવી. આ બધા નવા જમાનાવાળા…સુધારાવાદી પોતાને થોડા સમજી શકવાના ? જોકે તેમણે હવે એ બધું ઘણુ ઓછું કરી નાખેલ..

પરંતુ હમણાં પતિની પહેલી પુણ્યતિથિ આવતી હતી. અને તે દિવસે તેમને હવેલીમાં બધું કરાવવું હતું. ઘણી વિધિ બ્રાહ્મણને બોલાવીને કરાવવી હતી. પરંતુ પુત્રને એ બધું કહેતા ડર લાગતો હતો. પુત્ર ના પાડી દેશે તો..? તો પોતે સહન નહીં કરી શકે..અને કોઇ બોલાચાલી થાય તે તેમનાથી સહન થાય તેમ નહોતું. ચર્ચાના તે કાયર હતા કે પછી ડરપોક હતા. દીકરાના આકરા સ્વભાવને પોતે બરાબર ઓળખતા હતા. તેથી મન મારીને બેસી રહ્યા.વહુને તો કશું કહેવાનો સવાલ જ નહોતો.જયાં દીકરો જ પોતાને નથી સમજી શકતો ત્યાં વહુ શું સમજી શકવાની હતી ? અને હવે તો એ બધું કરવા માટે પૈસા પણ પુત્ર પાસે માગવાના હતા. મનમાં ને મનમાં સંકોચાતા તે મૌન બેસી રહ્યા. સાસુને મૌન જોઇ વિરાજને થયું કે જરૂર કંઇક વાત છે. સાસુ અસ્વસ્થ છે તે પોતે જોઇ શકી…તે આધુનિક વિચારની જરૂર હતી..પરંતુ તેનો ઉછેર સંયુકત કુટુંબમાં થયેલ હતો. અને વડીલો માટે તેના દિલમાં આદર હતો. સાસુ માટે પણ તેને કોઇ ફરિયાદ નહોતી. તે નોકરી કરતી..આ ખો દિવસ તેને બહાર રહેવું પડતું. પરંતુ જયારે ઓફિસેથી આવે ત્યારે કે જયારે સમય મળે ત્યારે તે સ્વાતિબહેન પાસે બેસીને વાતો અચૂક કરતી. સ્વાતિબહેનને પણ વહુ માટે કોઇ ફરિયાદ નહોતી. પરંતુ પોતાના સંકોચશીલ સ્વભાવને લીધે તે કયારેય ખુલીને મનની વાત કરી શકતા નહીં. ઔપચારિક વાતો થતી રહેતી. તેઓ મનમાં વિચારતા રહેતા કે ભણેલી વહુ ના વિચારો આધુનિક જ હોય અને તે પોતાને જૂનવાણી ગણશે તેવી માન્યતાને લીધે તેઓ વહુ સાથે કયારેય દિલની કોઇ વાત કરતા નહીં.

વિરાજે આજે સાસુને અસ્વસ્થ જોઇ પૂછયું,’કેમ મમ્મી, ઢીલા દેખાવ છો ? ‘ ’ના, ના, ખાસ કશું નહીં…’ સ્વાતિબહેને જવાબ આપ્યો. ’ના, મમ્મી, કંઇક વાત તો છે..મને કહેશો તો મારાથી શકય હશે તે હું જરૂર કરીશ. ‘ પણ સ્વાતિબહેન મૌન રહ્યા. દીકરો જ જયાં પોતાને નથી સમજતો ત્યાં વહુ શું સમજવાની છે ? ’કેમ મમ્મી, મારામાં વિશ્વાસ નથી ? હું તમારી વાત નહીં સમજી શકું ? કે પછી હું વહુ છું તેથી મનની વાત મને ન કહી શકાય ? ‘ ’ના, એવું ખાસ કશું નથી..’’ ’ખાસ ન હોય તો કહેવામાં શું વાંધો, મમ્મી ? હું કદાચ કશું કરી નહી શકુ તો પણ મનની વાત કયાંક ઠાલવીને તમે હળવા તો જરૂર થશો..’’

વહુનો આગ્રહ હવે સ્વાતિબહેન ટાળી ન શકયા.તેણે અચકાતા અચકાતા પોતાની ઇચ્છા જણાવી.અને ઉમેર્યું,’મને ખબર છે ..તમે લોકો આવી બધી વાત માનો નહીં. અસીમને પણ આવું બધુ ગમતુ નથી..પણ હું એવી સુધારાવાદી નથી..ને મને બહુ ઇચ્છા છે..’

કહી સ્વાતિબહેન મૌન થઇ ગયા. ’અરે, મમ્મી, આવી નાની વાતમાં તમે આમ મૂંઝાવ છો ? અમે માનીએ કે ન માનીએ..એ અલગ વાત છે. અને તમારી લાગણીની વાત અલગ છે. તમે ચિંતા ન કરો..બધું થઇ જશે..’ ’પણ..અસીમને નહીં ગમે..અને તેનો સ્વભાવ તને ખબર છે થોડો આકરો છે..ખાસ કરીને આવી બધી બાબતમાં…’’

’ મમ્મી,એ બધી ચિંતા તમે છોડી દો…અને એક વાત કહું ? આજ સુધી તમે પણ તમને ન ગમતી ઘણી વસ્તુ અસીમ માટે કરી હશે..તો કયારેક તેને ન ગમતી વાત તે પણ મા માટે કરી જ શકે..તમે જરાયે ચિંતા ન કરો..અને એક વાત કહું મમ્મી ? ‘

સ્વાતિબહેન પ્રશ્નભરી આંખે મૌન રહી વહુના કદી ન જોયેલા આ નવા સ્વરૂપ સામે જોઇ રહ્યા. ’મમ્મી, તમને તો ખબર છે..અમે સંયુકત કુટુંબમાં રહ્યા છીએ..અને મારા દાદીમાને આવું બધું ખૂબ ગમતું.અને અમારા ઘરમાં તો આવું બધું ખૂબ થતું. મારા દાદીમા તો કેટલા મરજાદી હતા…ખબર છે ? ‘ અને પછી વિરાજે તો પોતાના દાદીમાની કેટલીયે વાતો સ્વાતિબહેનને કરી તેમનો બધો ભાર હળવો કરી નાખ્યો.

અને પછી વિરાજે અસીમને શી વાત કરી,…અને કેવી રીતે અસીમને સમજાવ્યો તે તો સ્વાતિબહેનને ખબર ન પડી પરંતુ પતિની પુણ્યતિથિએ તેમની ઇચ્છાથી પણ વધારે સારી રીતે રાજભોગ,મનોરથ,સત્સંગ અને બધું થયું. સ્વાતિબહેન ખુશખુશાલ થઇ ગયા. અને આવી વહુ મળવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા..અને હમેશ માટે સાસુ વહુ વચ્ચે સાચા મિત્રોનો સંબંધ મહોરી ઉઠયો. બંને એકબીજાને અનૂકુળ થવાની સ્નેહભરી હોડમાં જાણે ઉતર્યા હોય તેમ વર્તી રહ્યા. અને સ્નેહના સરોવરમાં સંબંધોનું સૌન્દર્ય કમળની માફક ખીલી ઉઠયું.

થોડી સમજદારીથી માનવહૈયામાં સ્નેહના ઝરણા છલકી રહે છે. અને સંબંધનો સેતુ જળવાઇ રહે છે. દરેક કામ આપણી માન્યતા મુજબ જ થવું જોઇએ એવો આગ્રહ કે દુરાગ્રહ શા માટે ? કયારેક બીજાની માન્યતા મુજબ કરવાથી કે બીજાની લાગણીને માન આપવાથી જે સુખ..સંતોષ મળે છે તે માણવા…અનુભવવા જેવો છે એવું નથી લાગતું ?

સ્ત્રી માં પ્રકાશિત કોલમ… )

 

અરૂપ શું બોલે ..? 12.. May 21, 2008

Filed under: લઘુનવલ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 12:16 am

…. અરૂપ શું બોલે ? 12..

શબ્દો છૂટી જાય..શ્વાસ તૂટી જાય
બોલી બોલીને હવે અરૂપ શું બોલે ?

સિમલાના પંદર વરસ જેવા પંદર દિવસો માંડ માંડ ફગાવી,અધીરતાથી..વિહવળતાથી, ટેક્ષીમાંથી ઊતરી,અરૂપની રાહ જોયા સિવાય ઇતિએ દોડીને ઘરનું તાળુ ખોલ્યું. આ પંદર દિવસ જે ઘૂટન વેઠી હતી..તે હવે અસહ્ય બની હતી. ગાંડાની માફક તે ફોન તરફ દોડી..ત્યાં પગમાં કોઇ કવર આવ્યું. તેણે કવર ઉંચક્યું તો ખરું.પણ તેની પર નજર નાખવા જેટલી ધીરજ કયાં બચી હતી ? તેની ધ્રૂજતી આંગળીઓ ફોનના નંબર દબાવતી રહી, અંદર એક આશંકા, ભયનો ઓથાર….

પણ ફોન સતત એન્ગેજ આવતો હતો. ઇતિની અધીરતા પરાકાષ્ઠાએ પહોંચી હતી. કયારેય સંતુલન ન ગુમાવતી શાંત ઇતિને આ ક્ષણે ફોનનો છૂટો ઘા કરવાનું મન થઇ આવ્યું. અને કદાચ ઘા થઇ જ જાત.ત્યાં… ત્યાં અચાનક તેનું ધ્યાન નજર હાથમાંના કવર પર પડયું.. ’આ ….આ ..તો અનિકેતના અક્ષર..! બંધ આંખોએ પણ તે ઓળખી શકે..! અધીરતાથી કવર ફાડવા જતાં અંદરનો કાગળ પણ થોડો ફાટયો. પરંતુ..

ઇતિ,

જીવનમાં કયારેક તને કાગળ લખીશ એવી કલ્પના પણ કયાં કરી હતી ? આ પળે મને પણ આશ્ર્વર્ય થાય છે..હું..ઇતિને કાગળ લખું છું ? કાગળ લખવો પડે એટલા દૂર છીએ આપણે..?

આટલા વરસોમાં કાગળ લખવાની જરૂર નથી લાગી..તું દૂર કયાં હતી મારાથી ? રોજ સવારે ખીજાઇને તું મને ઉઠાડતી જ રહી છે ને ? મારી કઇ ક્ષણ તારા વિનાની હતી ? છે ? છતાં…છતાં…

કદાચ આજે પણ ન લખત. પણ એકવાર તને અલવિદા કહ્યા સિવાય જવાનું મને ગમશે નહીં. એક છેલ્લી વાર તને જોઇ લેવાની..મન ભરીને નીરખી લેવાની આ કઇ તડપન..કઇ વ્યાકુળતા પ્રાણમાં જાગી છે ? છેલ્લી ક્ષણોમાં આ લોભ કેમ છૂટતો નથી ?
તારા સમાચાર તો હમેશ મળતા રહ્યા છે. તું ખુશ છે..અરૂપ તને ખૂબ સાચવે છે..તારી મમ્મી પાસેથી એવું બધું સાંભળીને ખુશ થતો રહું છું. છતાં..ઇતિ, એકવાર તારા મોઢેથી તારી ખુશીની વાતો સાંભળી..તેમાં તરબોળ થવું છે..ભીંજાવું છે..

આ દિવસોમાં… દરેક ક્ષણે મારા ચિત્તમાં કયું દ્રશ્ય સતત રમી રહ્યું છે કહું ?તને યાદ છે ? આપણે નાના હતા અને તેં એકવાર વ્રત રાખેલ..પહેલીવાર સાડી પહેરી હતી. શણગાર સજયા હતા..અને સાડી સાચવતી તું ધીમા પગલા ભરતી હતી.! મંદિરમાં તારા નાનકડા બે હાથ જોડી ઊભેલ દુલ્હન ઇતિ મારી કીકીઓમાં હમેશ માટે કેદ થઇ ગઇ છે. તારી આંખો તો એ ક્ષણે બંધ હતી. પરંતુ કશું સમજયા વિના ખુલ્લી આંખે હું તારી સામે અપલક નજરે..

અરૂપની ઓળખાણ મને અહીં અમેરિકામાં થઇ હતી. તારી કેટકેટલી વાતો હું તેને કરતો. તે મારો મિત્ર બની ગયો હતો. અને એટલે જ તો તે ત્યાં આવતો હતો ત્યારે તને ખાસ મળવાનું કહ્યું હતું. હું અરૂપને તારી કેટલી વાતો કરતો. એ તો અરૂપે તને કહ્યું જ હશે. તું અરૂપને મારી વાત કરે છે કે નહીં ? તારા પતિદેવ પાસે આખો દિવસ મારી વાતો કરીને બોર નથી કરતી ને ?

અરૂપને તારું એડ્રેસ આપી તેની સાથે તારા માટે દુલ્હનના ડ્રેસમાં ઢીંગલી મોકલી હતી. તને ગમી હતી કે નહીં ? એ તો તેં કોઇ દિવસ કહ્યું જ નહીં.! અરૂપનો પણ પછી કોઇ જવાબ આવ્યો જ નહીં…..અહીંની મારી વાતો અરૂપે તને કહી જ હશે.

અને અરૂપના ગયા પછી એક એક્સીડન્ટ થતાં ચાર મહિના હું હોસ્પીટલમાં..જીવનમરણ વચ્ચે ઝઝૂમતો રહ્યો. ઇતિ, યાદ છે ? નાનો હતો ત્યારે મને એકવાર થોડો તાવ આવેલ અને તું મને પોતા મૂકતી, મારી પાસે બેસી પ્રાર્થના ગાતી. દવા પીવડાવવા માટે કેટલું ખીજાતી..! અને આજે આટલો માંદો છું ત્યારે…!!! અને ઇતિ તને ખબર છે..? અને એ અકસ્માતમાં મમ્મી, પપ્પા…બંને….!! ઇતિ, તારો અનિ..એકલો..સાવ એકલો….! જો કે મારી પળેપળમાં તું હતી..અને છતાં….છતાં હું તને ઝંખતો રહ્યો.

જયારે તને ફોન કરવાની ભાન આવી અને ફોન કર્યો ત્યારે સમાચાર મળ્યા કે તારા લગ્ન થઇ ગયા છે. અરૂપ સાથે…મારા જ મિત્ર સાથે. જેની પાસે હું તારા વખાણ કર્યા કરતો. તારા લગ્ન થાય અને હું ખુશ ન થાઉં એ તો કેમ બને? યાદ છે હું તને કહેતો..’છોકરીઓએ સાસરે જવું પડે..જો, તારે જવું પડયુંને ? તને દુલ્હનના સ્વરૂપમાં જોવાની ઇચ્છા હતી પણ… અરૂપનો સંપર્ક સાધવાની બે ચાર વાર કોશિશ કરી..પણ.. ! ખેર..! પછી મન મનાવ્યુ..તું તારી દુનિયામાં ખુશ છે..તારી મમ્મી પાસેથી તારા સમાચાર મળતા રહેતા..તને લગ્નનાઅભિનન્દન આપવા ફોન કરેલ પણ અરૂપે કહેલ કે તું બહારગામ ગઇ છે..તેથી વાત ન થઇ શકી..અને પછી કયારેય તને ફોન કર્યો નહીં…તું ખુશ હતી…છે..એટલું મારે મારે પૂરતું જ હોય ને ?

અને હું પણ એક જુદી દુનિયામાં ખોવાઇ ગયો. તારી યાદ મારા અસ્તિત્વની અંદર ઓગળી ગઇ હતી. અને હું ઓગળી ગયો હતો..નાના નાના અનાથ ભૂલકાઓની દુનિયામાં…કયાં..કયારે..કેમ..એ બધું લખવાની આ ક્ષણે તાકાત નથી. જોકે હવે તારી મમ્મીને બધી જાણ છે. તને મન થાય તો તેની પાસેથી જાણી શકીશ..

આ ક્ષણે તો એટલી જ ખબર છે. હવે મારી પાસે બહું ઓછો સમય બચ્યો છે. કેમ શું થયું…એ બધી વાતો અહીં આવીશ ત્યારે તને જાણ થવાની જ છે. અત્યારે એટલું બધું લખવાની તાકાત નથી. પરંતુ જિંદગીના કદાચ છેલ્લા દસ બાર દિવસ મારી પાસે બચ્યા છે. વતનના એ જ ઘરમાં અંતિમ શ્વાસ લેવાની અદમ્ય ઝંખના મને અહીં ખેંચી લાવી છે. આ ઓરડાની દીવાલોમાં તારી હાજરી ની સુગંધ હજુ ઓસરી નથી. અહીં હું તને પ્રત્યક્ષ અનુભવી શકુ છું. રોજ તારી સાથે વાતો કરતો રહું છું. છતાં માનવનું મન લાલચુ ..લોભી છે. મોહ છૂટતો નથી. એકવાર…અંતિમ વાર તને પ્રત્યક્ષ જોવાની ઝંખના છૂટતી નથી. અરૂપ સાથે પણ મનભરીને ઝગડો કરવો છે. મને ભૂલી ગયો એની ફરિયાદ કરવી છે. તારા પતિ સાથે ઝગડો કરાય ને ?
ખેર..! બસ..એકવાર..છેલ્લી વાર તને…

મમ્મીને કહ્યું છે. તેણે તને ફોન કર્યો છે. અને મને જાણ છે. હવે કઇ પળે અચાનક તું આવી ચડીશ. આવીશને ? એવો પ્રશ્ન અસ્થાને છે. કેમકે હું જાણું છું..તું આવીશ. એક પળના પણ વિલંબ વિના આવીશ. પણ કદાચ તું આવ અને હું ત્યારે બોલી શકું તેમ ન હોઉં..તો ? હવે નિયતિ પર ભરોસો નથી રહ્યો.તેથી અંતિમ વાર મન ભરીને તારી સાથે વાત કરી રહ્યો છું. ઇતિ, સાચ્ચે જ મેં કયારેય અરૂપની ભાગ્યની ઇર્ષ્યા નથી કરી..નહીં કરું. પરંતુ આ અંતિમ ક્ષણે ખોટું કેમ બોલું ? ઇતિ, આ ક્ષણે તો મને તેની ઇર્ષ્યા આવે જ છે..પહેલી ને છેલ્લી વાર. મને માફ કરી દેજે. ઇતિ,

અરૂપ સાથે પણ ઘણી વાતો કરવી છે. તારી સાથે તો ફરી એક્વાર લડવું છે, ઝગડવું છે..રિસાવું છે,મનાવું છે..મારી આંખોને ..મારા પ્રાણને તારી પ્રતીક્ષા છે.

ઇતિ, મને અંતિમ અલવિદા કરવા કયારે આવે છે ? મને ખીજાઇશ નહીં ને ? ના, ના, મન ભરીને ગુસ્સે થજે..તારા ગુસ્સાની પ્રતીક્ષા મને ટકી રહેવાનું બળ આપે છે. ઇતિ…..મોડું નહીં કરે ને ? નહીં કરે ને ? ના. મને વિશ્વાસ છે..મારો સાદ આવે ને તું મોડી ન જ પડે…….

ઇતિની આંખોમાં બારે મેઘ ખાંગા થયા હતા..તેના હાથમાંથી પડેલ પત્ર અરૂપે ઉપાડયો. ત્યાં ફોન રણકયો..સામેથી કોઇ કશું બોલે તે પહેલાં જ… ઇતિ..

’હા, મમ્મી, હું આવું છું…આ ક્ષણે જ નીકળુ છું. મમ્મી…..’ ડૂસકાઓની વચ્ચે ઇતિનો અવાજ તૂટતો જતો હતો.

’ના, બેટા, હવે તું તારે નિરાંતે આવીશ તો પણ ચાલશે.બહું મોડું કરી નાખ્યું તે..ઇતિ, બહું મોડું…અનિકેત હવે…….આ દુનિયામાં …. …સામે છેડેથી ધૂજતો અવાજ ઇતિના કાનમાં પડઘાઇ રહ્યો..

‘ અને બેટા, અરૂપને બધી વાત કરી તો હતી…છતાં….

છેલ્લી મિનિટ સુધી અનિકેતની આંખો દરવાજા પર…. તારી પ્રતીક્ષામાં….’ અને ફોન કપાઇ ગયો કે મૂકાઇ ગયો કે ઇતિના હાથમાંથી રીસીવર છટકી ગયું…?

મૂઢ ઇતિની આંખો અરૂપને તાકી રહી. તેમાં ઉઠતા અગણિત અનુત્તર પ્રશ્નો……! અરૂપ શું બોલે ?

( દિવ્ય ભાસ્ક્ર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલનો અંતિમ હપ્તો…)

વાર્તા અહીં પૂરી થાય છે…આખી વાર્તા વાંચી હોય તેઓ પોતાના નિખાલસ….અભિપ્રાય આપશે તો આભાર સાથે આનંદ …ટીકાત્મક અભિપ્રાય પણ સર આંખો પર…જે ગમ્યું હોય તે અને જે ન ગમ્યું હોય તે પણ..જણાવશોને ..
જોકે અંત માટે મારે ઘણાનું સાંભળવાનું છે તેનો મને ખ્યાલ છે. કેમકે ઇતિને દુખી ન કરતા..કે વાર્તાનો અંત કરૂણ ન લાવતા એવા પત્રો મને ઇ મેઇલમાં પણ મળેલ છે..તેમની લાગણી બદલ આભાર….અને તેમની અપેક્ષા મુજબનો અંત ન લાગે તો તે માટે દિલગીર છું. એક લેખક તરીકે…..આટલું જ કહી શકું ને ?

આ વાર્તા આગળ લંબાવવા અંગે પણ ઘણાં પત્રો મળેલ છે..જયારે છાપામાં છપાઇ હતી ત્યારે પણ અમુક વાચકોના પત્રો એ માટે મળેલ…..
આપ સૌ શું માનો છો..વાર્તા આગળ લંબાવવી જોઇએ કે પછી અહીં જ….અંત થવો જોઇએ..
ઇતિનું આગળનું જીવન કેવું હોઇ શકે…અરૂપ સાથેના તેના દામ્પત્યજીવનમાં આગળ શું થવું જોઇએ… ?
આ બધી વાતો કરવી કે નહીં…આપનો અંગત અભિપ્રાય…આપશોને ?
મેં હજુ સુધી નક્કી નથી કર્યું કે વાર્તા આગળ ચલાવવી કે નહીં…
આપ સૌના સહકાર..સાથ બદલ આભાર..
નીલમ દોશી..

 

અરૂપ શું બોલે ? ….11 May 19, 2008

Filed under: લઘુનવલ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:25 pm

….અદીઠ ભયના વાદળો…

લાખ મોજા એ પર ચાલી ગયા
એક પગલું તો યે ભૂંસાતું નથી..

સિમલાની ગુલાબી ઠંડીમાં … ત્યાંના લીસા, પહોળા, અદભૂત માલ રોડ પર જીવનસાથીની સાથે ટહેલતાં એ ભવ્ય સૌન્દર્યમાં પણ ઇતિને કોઇ રંગીની નો અનુભવ ન થયો. એ ઠંડક તેને શીતલતા ન જ અર્પી શકી. સામે દેખાતા રમણીય નજારા એ,..એ ધવલ, ઉત્તુંગ શિખરોએ આજે ઇતિને આમંત્રણ ન આપ્યું કે પછી ઇતિ તે આમંત્રણ નો એહસાસ ન કરી શકી ? વાતાવરણ તો બદલ્યું..પરંતુ મનની ઋતુ કયાં બદલી શકી હતી ? આંખ ફરતે છવાતા પાતળા ઝાકળમાં કોણ છવાતુ જતું હતું ?

સમય આકાશમાંથી આ કઇ ઉદાસીની ક્ષણો વરસતી હતી..? તે સિમલામાં હતી..તે યાદ રાખવું પડતું હતું. સમય પણ જાણે પોતાની પગલી ભૂલીને કયાંક સરી ગયો હતો..ખસવાનું નામ જ કયાં લેતો હતો ? આટલી ધીમી તો તેની ગતિ કયારેય નહોતી.

જોકે ત્યાંથી અરૂપે ઇતિને ઘેર ફોન કરવાના બે ચાર વાર પ્રયત્નો કર્યા હતા પણ કયારેય લાગ્યો જ નહીં.!

અને પછી અરૂપનો મુડ જોઇ ઇતિ કશું બોલી શકી નહીં.અરૂપ માટે તે એટલું તો કરી જ શકે ને ? જોકે અરૂપ માટે ઇતિ પોતાનો મુડ તો લાખ પ્રયત્ન કર્યા પછી પણ ઠીક ન જ કરી શકી.અંદર શું ખૂંચતું હતું..એ સમજાતું નહીં.પણ સતત એક બેચેની..એક અજંપો..તેના મનને ઘેરી રહ્યો.

અસ્તિત્વમાં જાણે અજંપાનું એક પૂર ઉમટયું હતું. અરૂપ તેને ખુશ કરવાના પ્રયત્નો કરતો રહ્યો. પણ ઇતિનું ધ્યાન જાણે ફકત કેલેન્ડર પર જ હતું.

આજે સવારથી ઇતિને તાવ હતો.તેને સખત ઠંડી ચડી હતી.શરીર અને મન બંને કદાચ ધૂજતા હતા..અરૂપે ડોકટરને બોલાવ્યા હતા. અને પોતે તેની સેવા કરી રહ્યો હતો.ઇતિ મનોમન ગીલ્ટી ફીલ કરતી હતી..અરૂપ કેટલી હોંશથી પોતાને અહીં લાવ્યો છે.અને પોતે આમ…!? ’અરૂપ,સોરી…મારે લીધે તારી કોઇ હોંશ પૂરી ન થઇ શકી…’ ’અરે, ઇતિ,મારે તો તું જલદી સારી થઇ જાય..એટલે બધું આવી ગયું.’ ઇતિ કયારેક ઘેર ફોન કરવાનું કહેતી.. ’ના, ઇતિ .તારે ઘેર અત્યારે ફોન કરીને તેને તારી માંદગીના સમાચાર મારે નથી આપવા. નાહકના તેમને પણ ચિંતા કરાવવી ? એક્વાર તું સાજી થઇ જાય..પછી બીજી બધી વાત…

ઇતિને પણ થતું..’વાત તો અરૂપની સાચી છે.મમ્મીને કેટલી ચિંતા થાય..! આમ પણ મમ્મીનો સ્વભાવ ચિંતાવાળો છે..અને હવે તો તેમની પણ ઉમર થઇ.અહીં તો ધ્યાન રાખવા માટે અરૂપ છે જ ને ? ‘

ઇતિનો તાવ થોડો લંબાયો.અરૂપ તેની સેવામાં કોઇ કચાશ રાખતો નહીં. તેને આનંદમાં રાખવાના શકય તેટલા પ્રયત્નો કરતો રહેતો. ઇતિ અફસોસ કરતી રહેતી.તેના મનમાં અવારનવાર કોઇ ન વિસરાયેલ દ્રશ્યો ઝબકી રહેતા…

તાવના ઘેનમાં સૂતા સૂતા તેની નજર સમક્ષ કેટલીયે દ્રશ્યો ઉભરતા રહ્યા. તે અને અનિકેત ત્યારે ચોથા ધોરણમાં ભણતા હતા. સ્કૂલમાં કઠપૂતળીનો ખેલનો કાર્યક્રમ ગોઠવાયો હતો. સૌ બાળકો સાથે ઇતિ અને અનિકેતપણ હરખભેર નીરખી રહ્યા હતા. પંચતંત્રની વાર્તાઓ…ચકાચકીની વાર્તાઓ વિગેરે કઠપૂતળીના માધ્યમથી બાળકો સમક્ષ રજૂ થ ઇ રહી હતી. બાળકોની તાળીઓના અવાજથી સ્ટેજ ગૂંજી રહ્યું હતું.

નાચતું સસલું..દોડતું હરણ.. બોલતો પોપટ.. ઊડાઊડ કરતાં ચકારાણાને જોઇ ઇતિની વિશાળ આંખોમાં આશ્ર્વર્ય પ્રગટયું હતું. તે કેવાયે અહોભાવથી નીરખી રહી હતી. અનિકેત પણ ખુશ થઇ તાળીઓઅ પાડતો હતો. પછી રાજા રાણીનો ખેલ શરૂ થયો હતો. ઠસ્સાદાર રાણીના કહેવા મુજબ રાજાને નાચતા જોઇ ઇતિનું હસવું રોકાતુ નહોતું. રાજા પર રાણી કેવો રોફ મારે છે ! તેણે અનિકેત સામે જોયું. તે તો ખેલ જોવામાં મશગૂલ હતો. રાણીના હુકમનું પાલન કરતા રાજાને ઇતિ આનંદ અને ઉત્સાહથી નીરખી રહી. હવામાં લટકતા રાજા રાણીને જોવાની બધાને મોજ પડી હતી. અને ઇતિ તો પોતે જાણે એ રાણી હોય તેમ હસી રહી હતી…

રાણી…હા..ઇતિ રાણી તો જરૂર બની હતી..અરૂપના ઘરની રાણી…પેલા રાજાની જેમ અરૂપ તેન ોપડયો બોલ ઝિલી રહેતો. પરંતુ કઠપૂતળી ગમે તેટલી ખુશ ભલે હોય..તેની દોર તેના પોતાના હાથમાં થોડી જ હોય શકે ? તેણે તો હમેશા બીજાની ઇચ્છા મુજબ જ…

તાવના ઘેનમાં ઇતિની નજર સમક્ષ ન જાણે કેટલાયે દ્ર્શ્યો ઉભરતા રહ્યા.

તે અને અનિકેતપકડદાવ રમી રહ્યા છે. અનિકેત દોડે છે..તેને પકડવા તેની પાછળ દોડતી ઇતિ હાંફી ગઇ છે. અનિકેત પકડાતો નથી..ઇતિ દોડી રહી છે..દોડી રહી છે…અનિકેત કેમ પકડાતો નથી.? દૂરથી અંગૂઠો બતાવતો હસી રહ્યો છે.. અનિ..હું થાકી ગઇ છું..થાકી ગઇ છું..બહું દોડયો … હવે ઉભો રહેને..પ્લીઝ..પ્લીઝ….! પણ અનિકેત તો ઉભા રહેવાને બદલે કયાંક સંતાઇ ગયો છે…ઇતિ તેને શોધવા મથી રહી છે..પણ અનિકેત કયાં ? દુનિયાના કયા ખૂણામાં સંતાઇ ગયો છે..? તેને ભાન નથી પડતી કે ઇતિ બીમાર છે. અત્યારે તે આમ સંતાકૂકડી કેમ રમી શકે ?

તાવના ઘેનમાં ઇતિ પ્લીઝ..પ્લીઝ..બબડતી રહી. બાજુમાં બેસેલ અરૂપ સ્નેહથી ઇતિને કપાળે. પોતા મૂકતો રહ્યો અને માથે સ્નેહથી હાથ ફેરવતો રહ્યો.

ર્ધીમે ધીમે ઇતિને થોડું સારું તો થયું. તાવ તો ઉતર્યો પણ નબળાઇ તો હતી જ.

કેટલા પ્રયત્નો છતાં પરમ વિષાદની એક છાયા તેની અંદરથી નીકળી શકી નહી. અદીઠ ભયના વાદળો મનમાં સતત ગોરંભાયેલ જ રહ્યા. અરૂપનો કોઇ પ્રેમ,કોઇ સંવાદ તેને હટાવી શકયા નહીં. રહી રહીને પાછા જવાની તીવ્ર ભાવના મનમાં કેમ જાગતી હતી ? અરૂપને બે ચાર વાર કહી પણ જોયું.’અરૂપ, ખબર નહીં કેમ..પણ મને કોઇ અશુભના ભણકારા કેમ વાગે છે ? ચાલને પાછા..’

અરૂપ ખડખડાટ હસી પડતો,’અરે, એ તો તું થોડી બીમાર પડી ગઇ ને તેથી તારું મન નબળુ પડી ગયું છે.. અને આપણા કુટુંબમાં આપણે બે જ તો છીએ..અને આપણે બંને તો સાથે છીએ..પછી…. આ બધા મનના ઉધામા છે. તારો સ્વભાવ વધુ પડતો લાગણીશીલ છે..તેથી કયારેક આવું થાય..તું ચિંતા ન કર પ્લીઝ..મારે માટે થઇ ને…અને માંડ આટલો સમય મળ્યો છે તેને વેડફી ન નાખ..’

ઇતિના હોઠ સુધી શબ્દો આવી જતા,’ ના, અરૂપ, આપણે બે જ નહીં…મારી દુનિયામાં ત્રીજુ કોઇ પણ છે..તેનો એહસાસ આ ક્ષણે મને થઇ રહ્યો છે. એ હું તને કેમ સમજાવું ? મને એક અસુખ સતત પીડી રહ્યું છે..હું એક ભયંકર વેદનાના ઓથારમાંથી પસાર થઇ રહી છું તે તું નથી અનુભવી શકતો ?મારી આંખોમાં તું એ નથી વાંચી શકતો ? આ પળે મને એક હૂંફની જરૂર છે. અરૂપ, એ હૂંફ હું તારામાંથી કેમ નથી પામી શકતી ? તું મને કેમ સમજી નથી શકતો ? કે પછી…?

ઇતિ વલોવાતી રહી..અંદર જ..

અનિકેતથી કોઇ વાત છૂપાવવી હોય ત્યારે તે આંખો બંધ કરી દેતી.અને તો પણ અનિ…

આજે ખુલ્લી આંખોમાં તેના અસ્તિત્વના એક એક અણુમાં જાગેલ આ ઘેરા વિષાદને અરૂપ જોઇ, જાણી કે અનુભવી નથી શકતો ? ઇતિની પરમ વેદનાની આ પળે તે કયા સુખની વાતો કરે છે !

અલબત્ત આ વેદના શેની છે તે તો પોતાને પણ કયાં સમજાય છે ? પરંતુ કંઇક હતું..ચોક્કસ હતું..જે પોતે સમજી કે સમજાવી શકતી નહોતી અરૂપ તેની વાતને ભલે હસવામાં કાઢી નાખે..પણ..તેના પ્રાણમાં નિરંતર ઉઠતી આ વ્યાકુળતા ફકત તેના મનનો વહેમ છે..! એ વાત સાથે પોતે કેમે ય સંમત થઇ શકતી નથી તેનું શું ? અંતે પંદર યુગ જેવા પંદર દિવસ પૂરા તો થયા..અને ઇતિની અધીરતા પરાકષ્ઠાએ પહોંચી…

બસ…હવે ઘર કયાં દૂર હતું ? મંઝિલ સામે જ હતી. જઇ ને પહેલું કામ ફોન..અને તરત અનિને મળવા જવાનું.. હવે તે અરૂપની કોઇ વાત નથી સાંભળવાની.. એક ક્ષણનો પણ વિલંબ નથી કરવાની.

પણ…વિલંબ થઇ ચૂકયો હતો કે શું ?

( દિવ્ય ભાસ્કર ગોલ્ડ માં પ્રકાશિત લઘુનવલનો 11મો હપ્તો..)

 

રજનું ગજ…!!! May 18, 2008

વાંચનના શોખીન આપણા બાબુભાઇએ હમણાં એક જગ્યાએ કોઇ વર્તમાનપત્રમાં વાંચ્યું કે “ જીવનમાં પતિ પત્ની વચ્ચે હમેશાં પૂરી પારદર્શકતા હોવી જોઇએ. બંનેએ એકબીજાના અવગુણ નિખાલસતાથી એકબીજા સાથે ચર્ચી તે સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. મનમાં કોઇ પણ વાત છૂપાવ્યા સિવાય બંને એ એકબીજાની ન ગમતી બાબતોની મુકતમને ચર્ચા કરવી જોઇએ….” ( લેખક નું ઘર જરૂર આવા કોઇ પ્રયોગથી ભાંગેલ હશે જેથી બીજા પણ એ પરમ અનુભવથી વંચિત રહી ન જાય એવી ઉમદા હેતુથી જ આ લેખ લખ્યો હશે. ! )

અને બાબુભાઇ ગાંધીજીની જેમ રહ્યા પ્રયોગવીર..! બસ..વર્તમાનપત્રની સલાહ બાબુભાઇને ગળે તો શીરાની જેમ સડસડાટ ગળે ઉતરી ગઇ. ને મગજમાં ફેવીકોલથી જડબેસલાક ચોંટી ગઇ. બસ પતિ પત્ની વચ્ચે તો નિખાલસતા હોવી જ જોઇએ. આ સંબંધમાં યે પારદર્શકતા ન હોય તે કેમ ચાલે ? …કોઇ દંભ..કોઇ મહોરા આ પરમ પવિત્ર સંબંધમાં ન જ હોવા જોઇએ. ( વાસ્તવિકતા કર કાંટાળી ભલે ને હોય…! એ તો કાંટા લાગે પછી ની વાત છે ને ? અને હમેશા બીજાના અનુભવ પરથી શીખીએ એ કેમ ચાલે ? આપણા પોતાના અનુભવો..સ્વાનુભવોનું કોઇ મૂલ્ય ખરું કે નહીં ? ) બાબુભાઇએ તો તરત દાન અને મહાપુણ્ય…ની જેમ તરત પરમ આવેશમાં આવી ને બચીબહેનને એવા જોશથી બૂમ પાડી કે બચીબહેન રસોડામાંથી ચા નો કપ લઇ ને આવતા હતાં તે ધ્રૂજી ગયા. અને હાથમાંથી કપ છટકીને નીચે પડયો. કપ તો તૂટયો..પણ ગરમાગરમ ચા એ પોતાના દિલની ઉષ્માથી બચીબહેનને પણ સારા એવા ભીંજવી દીધા.

બચીબહેન ઘડીકમાં બાબુભાઇ સામે ને ઘડીકમાં તૂટેલા કપ સામે ને હાથની દાઝી ગયેલ..ગરમાગરમ આંગળીઓ સામે કરૂણાસભર નેત્રે..દયામણી દ્રષ્ટિએ જોઇ રહ્યા ને ત્રિશંકુની હાલતમાં ત્યાં જ ઉભા રહી ગયા. પહેલાં શું કરવું તે જલ્દી નક્કી ન કરી શકયા. અને હજુ કંઇ નક્કી કરે ત્યાં બાબુભાઇનો પ્રેમાળ, કદીન અનુભવેલ એવો મધમાં ઝબોળાયેલ મીઠો, મધુર,મૃદુ અવાજ બચીબહેનના કાનમાં કલરવ કરી ઉઠયો. રોજ કરતાં તદન જુદા આ અવાજે બચીબહેનને એક વધુ આઘાત આપ્યો. ‘અરે, કપ તૂટયો ..તો તૂટવા દે. એવી ક્ષણભંગુર,ક્ષુલ્લક વસ્તુઓનો અફસોસ ન હોય. એવા નાના મોટા છમકલાઓ તો જીવનમાં ચાલ્યા કરે. તું અહીં આવ…આજે આપણે સાથે બેસીને એક નવી જ વાત કરવાની છે. …’

બચીબહેન બાબુભાઇની આ નવી વાતથી ચમકયા તો નહીં. કેમકે બાબુભાઇને આવતા આવા આંચકાઓથી તે સુપરિચિત થઇ ગયા હોવાથી હવે તે ખમતીધર બની ગયા હતા. આજે કયો આંચકો..કયો પ્રયોગ હશે તેની કલ્પના જોકે તે કરી ન શકયા. બાબુભાઇના મગજમાં ગમે ત્યારે ગમે તે વાત ફીટ થઇ શકતી. તેથી વધુ કંઇ કલ્પના કર્યા સિવાય બચીબહેન સોફા પર ગોઠવાઇ ગયા.એમ તો પટલાણી હતા..કંઇ ગાંજયા થોડા જાય ?

બાબુભાઇએ તેને પ્રેમથી પેલા છાપાની લાઇનો પોતાના સુમધુર અવાજે વાંચી સંભળાવી. ને ઉમેર્યું, ‘ જો, તું યે ઘણીવાર મારા સ્વભાવની ઘણી ફરિયાદો છૂટક છૂટક હપ્તાવાર કરતી રહે છે.અને એમ મને યે તારી ઘણી નાની મોટી વાતો નો રંજ રહ્યા કરતો હોય છે.હા, એ જુદી વાત છે કે હું તારી જેમ એ કહેતો ન હોઉં..કહી ન શકતો હોઉં… એ અલગ વાત છે. ! પણ ટૂંકમાં આપણે કોઇ સર્વગુણસંપન્ન નથી. બરાબર ? દુનિયામાં કોઇ ન હોઇ શકે…આપણી ખામીઓનો આપણે નિખાલસતાથી સ્વીકાર કરી શકીએ તો જ સુધારી શકાય..અને સંસાર હર્યોભર્યો બની શકે. અને પતિ પત્ની તો એક રથના બે પૈડા જેવા..તેમની વચ્ચે તો પૂરી પારદર્શકતા હોવી જ જોઇએ તો જ જીવનરથ સીધો ચાલી શકે.’ બાબુભાઇએ બગાસા ખાતાં ખાતાં એક નાનુ સરખુ ભાષણ જ ..માઇક વિના કરી નાખ્યું.

બચીબહેન કહે, ‘ઝાઝી વાતે ગાડા ભરાય..હવે મારે કરવાનું શું છે ? એ સીધુ કહો તો સમજણ પડે. ‘ બાબુભાઇએ મંદ મંદ મુસ્કાતા વાત આગળ ચલાવી. ’ એટલે એમ કે આજે આપણે બંને એ નિખાલસતાથી એકબીજાની બધી ખામીઓ..દિલ ખોલીને..છાતી ફાડીને કે છાતી ઠોકીને…એક બીજાને કહેવાની છે. અને પછી એનો સ્વીકાર કરીને એ ખામીઓ દૂર કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરવાનો છે. જેથી આપણું દામ્પત્યજીવન એક ઉમદા..ઉદાહરણરૂપ બની શકે. અને આપણે એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ. ચાલ, લેડીઝ ફર્સ્ટ. પહેલાં તું મને મારે ખામીઓ..જો કોઇ હોય તો..ફટાફટ કહી દે. અને હું પૂરી પ્રામાણિકતાથી એને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. બસ ? અને પછી હું તારી દરેક ખામીઓ તને જણાવીશ..અને એ તારે સુધારવાનો પ્રયત્ન કરવાનો.બસ…અને પછી આપણે બની જશું..એક આદર્શ ઉગલ.એક સર્વગુણ સંપન્ન દંપતી જેમાં કોઇને એકબીજાથી કોઇ અસંતોષ મનમાં યે નહીં હોય..વાહ ! શું આદર્શ કલ્પના છે. ! બચુભાઇ જાણે બંધ આંખે પોતાના આદર્શ દામ્પત્યનું સ્વપ્ન જોઇ રહ્યા હોય તેમ બોલતા ગયા.

બચીબહેન કહે, ‘ અરે, રહેવા દો..એ છાપાવાળા તો ગમે તેમ લખ્યા કરે. એમ છાપાની બધી વાતુ માનીને જીવનમાં એના અખતરા કરવાના ન હોય.! (ગમે તેમ તો યે બચીબહેન હતા દુનિયાદારીના માણસ.તેથી એટલી સમજણ તો તેમનામાં હતી જ. ! ) આપણે જે છીએ..તે બરાબર છે. એવું કંઇ કરવાની જરૂર નથી.

’ જો, બચી, તારું આ જ દુ:ખ છે. તું કોઇ નવી વાત સ્વીકારવા જલ્દી તૈયાર જ નથી થતી. અને મારા બધા ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દે મને ટાઢોબોળ કરી દે છે.અરે, આપણે ફકત વાત જ કરવાની છે. એમાં કંઇ ગુમાવવાનું તો નથી જ. કદાચ તારી બહુ ભૂલો હોય ને તું બધી કદાચ સુધારવા અસમર્થ હોય તોયે થોડો ફાયદો તો જરૂર થવાનો જ ને ? આ તો એમકે ઘણીવાર આપણને આપણી કોઇ ભૂલ ને દેખાતી હોય..અને બીજા એ જોઇ શકતા હોય..અને આપણને નિખાલસતાથી કહે તો..આપણને સ્વસુધારની એક અણમોલ તક મળે..તું સમજતી કેમ નથી ? આમાં કોઇ મોટી વાત જ કયાં છે ?

બચીબહેને હજુ યે સમજાવવાની એક છેલ્લી નાકામિયાબ કોશિશ કરી જોઇ. જોકે મનમાં તો સમજતા હતા કે હવે આ બધું નકામું છે. એકવાર બાબુભાઇના મગજમાં કોઇ વાત ફીટ થઇ જાય પછી…..છતાં છેલ્લો પ્રયત્ન તો કરવો જ રહ્યો ને ?

’ જુઓ, એ બધી વાતમાં કોઇ માલ નથી. એવા આખતરાઓ હમેશાં ખતરા જ ઉભા કરે.પોતાની ભૂલ સાંભળવી..ને સ્વીકારવી..એ બોલવું જ સહેલું છે. બાકી ઉશ્કેરાઇ જતાં વાર ન લાગે. માટે મારી વાત માનો..ને આ બૈલ મુઝે માર..કરવું રહેવા દો..લપ બધી પડતી મૂકોને હું બીજી ગરમાગરમ ચા બનાવી આવું છું.. એ પી ને શાંતિથી છાપા ઉથલાવ્યા કરો. એમાં માથા ઉથલાવવા જેવું નથી.’

બચીબહેને લાખ રૂપિયાની વાત કહી. પણ…બાબુભાઇ જેનું નામ !

‘અરે, હું આટલી મહત્વની વાત કરું છું..સ્વસુધારણાની…અને તને ચા જેવી વાહિયાત વસ્તુ અત્યારે..આ પરમ પળે સૂઝે છે ? અને હું તને વચન આપું છું કે તારી કોઇ વાતથી હું નહીં ઉશ્કેરાઉં..આમ તો જોકે મને ખ્યાલ છે જ કે મારામાં કોઇ એવી મોટી ખામીઓ નથી જ. છતાં કોઇ નાનું એવું કંઇ સુધારવા જેવું હશે તો હું તે હસતા મોં એ સ્વીકારીને સુધારીશ. મારી જાતને ઓળખવાનો..સમજવાનો ને સુધારવાનો મોકો મળ્યો એમ માનીશ. આ મારું વચન છે બસ ?

“ રઘુકૂલ રીતિ સદા ચલી આઇ, પ્રાણ જાય, વચન ન જાય. “
તો ચાલ, આજે તો… મન મૂકી ને હળવા થઇએ..

હળવા થઇ ને હેતે વરસીએ
ને પ્રેમથી થોડા છલકીએ.

બાબુભાઇ તો જાણે કવિતાના રંગમાં રંગાઇ ગયા. બચીબહેને જોયું, ‘અરે, હવે તો આને કવિતા યે ચડી. હવે બચવાનો…છૂટવાનો..છટકવાનો કોઇ આરો કે ઓવારો નથી. કોઇ કિનારો નથી. માટે હથિયાર હેઠા મૂકી શરણાગતિ સિવાય કોઇ છૂટકારો નથી. જીદે ચડેલા મમતા કે સોનિયાને સમજાવવા સહેલા..પણ બાબુભાઇના દિમાગમાં ચડેલ ભૂત ઉતારવું અશકય.. આમ વિચારી થાકી ને હારી ને કે કંટાળીને બચીબહેને સોફામાં નિરાંતે જમાવી.

સહુ ચલો જીતવા જંગ, યાહોમ કરી ને ફતેહ છે આગે.. આમ નર્મદને યાદ કરીને બચીબહેન સોફામાં ગોઠવાયા.

‘લો કરો શરું..’
બાબુભાઇ કહે , ‘ના લેડીઝ ફર્સ્ટ… તું પહેલાં મને મારી ખામીઓની વાત કર. તારું દિલ હળવું કર..તું હળવી થઇશ ને એ હળવાશની હેલી મારા હૈયા સુધી પહોંચીને મને યે ભીંજવશે. અને આમે ય મારી ખામીઓ બહુ ન હોય એટલે જલ્દી પતી જાય..’ ’એટલે મારી ખામીઓ શું વધારે છે એમ કહેવા માગો છો ? ‘ ’ અરે, હજુ તો મેં કંઇ કહ્યું પણ નથી ને..તું આમ…..ઉકળી જઇશ તો આપણે આગળ કેમ વધીશું ? ‘ ’ તો આગળ વધવાની જરૂર જ કયાં છે ? આપણે જે છીએ..જેવા છીએ..તેવા જ સારા છીએ. ‘

’ના હવે તો ડગલું ભર્યું કે ના હટવું..ના હટવું…’

બચીબહેન હવે જાણે મેદાનમાં ઉતરી આવ્યા. હળવેથી તેમણે પહેલી સીક્ષર મારી…’ જુઓ, પહેલી વાત તો મને આ તમારા અવનવા તુક્કાઓની…અખતરાઓની..ચિત્રવિચિત્ર તરંગોની જ વાત નથી ગમતી. જે કંઇક આડુ અવળું ગમે તે કયાંકથી વાંચી લો એટલે કંઇ વિચાર્યા સિવાય અખતરાઓ ચાલુ કરી દો છો…અને એમાં કેટલીયે વાર મિત્રો વચ્ચે પણ હાસ્યાસ્પદ બનો છો.. એની તમને યે ખબર નથી પડતી…! ‘
’ અરે, અત્યારે તારે મારી ખામીઓ કહેવાની છે. આ તો મારી ખૂબી છે.માનવીમાં સમય પ્રમાણે પરિવર્તન તો આવવું જ રહ્યું ને ? નવું નવું વાંચવું..અને એનો અમલ ન કરીએ તો પોથીમાના રીંગણની જેમ બધું નકામું .વાંચીએ પણ અમલ ન કરીએ તો શા કામનું બધું ? ‘ વાંચે પણ કરે નહીં વિચાર…’ કવિ દલપતરામ અમસ્તા થોડા કહી ગયા હશે ? એટલે તારે કરવી હોય..તને કોઇ દેખાતી હોય તો મારી ખામીઓની વાત કર..મારી ખૂબીઓ તો હું જાણું જ છું. દરેક વ્યક્તિ કંઇ મારી જેમ બધી વાતનો અમલ ન કરી શકે..સામાન્ય માનવીનું એ ગજુ નહીં..એ તો મારા જેવી કોઇ વિરલ વ્યક્તિ જ કરી શકે..’ બાબુભાઇએ એકી શ્વાસે સરસ મજાનું ભાષણ પૂરું કર્યું.

બચીબહેન કંઇ એમ ગભરાઇ થોડા જાય ? ;પણ તમારી આ ખૂબી કે જે કહો તે મારે માટે તો ખામી જ બની જાય છે એનું શું ? ’ એટલે તું કહેવા શું માગે છે ? આ ગામડાના ભોથાઓ કંઇ સમજે જ નહીં ને ! અરે, હવે તું ગામડામાં નથી રહેતી..ગામડાની બચી નથી..હવે તું મીસીસ બચીબહેન બાબુભાઇ છે..સમજી ? જરા સુધર..સમજ અને નવી દુનિયાના રંગઢંગ શીખ..અજે એકવીસમી સદીમાં દુનિયા કયાંની કયાં પહોંચી ગઇ છે..ખબર છે ? ‘ બાબુભાઇ ફરીથી એક નાની સરખી તક ઝડપી લીધી..વગર માઇકે જાહેરાત કરવાની… ’

દુનિયા જયાં પહોંચી હોય ત્યાં…તમારા આ બધા ધખારાથી હું તો થાકી…રોજ ઉઠીને મનમાં શેખચલ્લીની જેમ કંઇક તુક્કા આવ્યા જ કરે ને તમે થઇ જાવ ચાલુ….! અરે, તમારા દોસ્તો પણ બધા પાછળથી કેટલી મશ્કરી કરે છે તમારી એ તમને ખબર છે ? ‘

’ અરે, પાછળથી તો લોકોએ રાજા રામને યે નહોતા છોડયા. ગામને મોઢે કંઇ ગરણા બાંધવા થોડા જવાય છે ? મારા મહાન વિચારોને..આદર્શોને..મારા પ્રયોગોને પામર સમાજ સમજી ન શકે તે સ્વાભાવિક છે. તેથી વાતો કરે..પણ તું સમજી શકે તો પણ મારે તો ઘણું છે. હવે ભગવાને બે પૈસા આપ્યા છે અને સમય મળ્યો છે તો આવા મહાન વિચારો કરી ને તેનો અમલ કરીએ તો જીવન ધન્ય બની જાય..’

’ આના કરત