..શણગારેલી ઢીંગલી…
” હાથમાં ગાડીંવ, ધનુષબાણ હોય અને છતાં
પાર્થ જેવા પાર્થને પણ કયાંક લૂંટે છે સમય.”
અમેરિકા પહોંચ્યા પછી અનિકેતના નિયમિત ફોન આવતા રહેતા.તેના મમ્મી,પપ્પા પણ ઇતિ સાથે અને તેના મમ્મી, પપ્પા સાથે વાતો કરતા રહેતા. અનિકેતની કોલેજ ચાલુ થઇ ગઇ હતી.તેને ભણવા માટે હોસ્ટેલમાં રહેવું પડયું હતું. શૈશવથી સતત સાથે રહેલ બે વ્યક્તિ ભૌગોલિક રીતે તો દૂર થઇ હતી. પરંતુ હૈયાને દૂર શું અને નજીક શું ? આમ પણ….
“ માઇલોના માઇલોનું અંતર ખરી પડે.
જયાં અંતરનો સેતુ નિરંતર.. “
અનિકેત ફોનમાં ઇતિને ત્યાંની વાતો કરતો રહેતો. અને ઇતિના પ્રશ્નોનો તો પાર જ કયાં હતો ? ‘ આજે શું બનાવ્યું ? શું ખાધું ? કયાં ગયો ? શું કર્યું ? ‘ ઇતિ અહેવાલ લેતી રહેતી. અને અનિ હોંશે હોંશે આપતો રહેતો.કયારેક અનિકેતે કંઇ બનાવ્યું ન હોય..’ સમય નથી મળ્યો ‘ એવું અનિકેત કહે ત્યારે ઇતિ તેને ખખડાવવાનો પોતાનો અબાધિત અધિકાર ભોગવવાનું ચૂકતી નહીં. ઇતિ બહુ ખીજાય ત્યારે અનિકેત કહેતો, ‘એ તો તું અહીં આવીશ ત્યારે જ તને સમજાશે. ‘ઇતિ ત્યાં કેમ આવશે..શા માટે આવશે ? એવા પ્રશ્નોનો કોઇ અર્થ નહોતો.વણબોલાયેલી વાતો કેટલું કહી જતી હોય છે ! એકાદ વરસ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. પણ પછી…..
કાળે ફરી એકવાર કરવટ બદલી હતી. અને કાળ કરવટ બદલે ત્યારે……..!
બે વરસની ઉંમરથી અસ્તિત્વ સાથે વણાઇ ગયેલું એક નામ જીવન ક્ષિતિજમાંથી એકદમ અણધારી રીતે કેમ, કયાં અદ્રશ્ય થઇ ગયું…તે સમજાયું નહીં. અચાનક અનિકેત, તેના મમ્મી, પપ્પા સૌના ફોન આવતા બંધ થઇ ગયા ! ઇતિએ જુદી જુદી ઘણી રીતે..ઘણાં દ્વારા પ્રયત્નો કર્યા..પરંતુ દરેક સંપર્કસૂત્ર કપાઇ ગયા. ઇતિ ફોન કરતી તો શરૂઆતમાં વોઇસ મેઇલ પર જતા. પછી તો એ પણ બંધ. મેઇલના પણ કોઇ જવાબ નહીં. અનિકેત કયા વિશ્વમાં અદ્રશ્ય થઇ ગયો તે સમજાયું નહીં. ઇતિના મમ્મી પપ્પાએ પણ ઘણાં પ્રયત્નો કરી જોયા..પરંતુ આ તો કાળની કરવટ હતી.. એનો તાગ કોને મળી શકે ? મઘમઘ થતું પુષ્પ અચાનક ખરી પડે તેમ સંબંધો અચાનક જાણે ખરી પડયા. જો કે પુષ્પ ખરી શકે..તેની સૌરભ તો કયાં ખરવાની હતી ? કેટલીક મહેક શરીરને જ નહીં આત્માને.. પ્રાણને સ્પર્શી હોય છે..જે કયારેય…
ઇતિ સ્તબ્ધ ! સાત જનમ બેસીને વિચારે તો પણ એનું કોઇ કારણ તે શોધી શકે તેમ નહોતી. આમ બની જ કેમ શકે ? પણ…બન્યું હતું એ હકીકત હતી.અને ઇતિને કોઇ ફરિયાદ વિના હકીકતનો સ્વીકાર કરવાનો હતો. ઇતિના મમ્મી, પપ્પાને પણ આશ્ર્વર્ય થયું. પણ એ ડોલરિયા દેશમાં જઇને ભલભલા બદલાઇ જાય છે તો અનિકેત તેમાંથી બાકાત કેમ રહી શકે ? કદાચ કોઇ ધોળી છોકરી ગમી ગઇ હોય અને… અને શરમનો માર્યો અનિકેત કે તેના માતા પિતા જણાવી ન શકતા હોય તેથી સંબંધ કાપી નાખ્યા..કે પછી..જાતજાતના વિચારો કરતાં રહ્યા. જોકે કોઇ પણ વિચાર મગજમાં બેસતો તો નહોતો જ. પરંતુ જે પણ હોય તે..પણ હવે તે લોકો કોઇ સંબંધ રાખવા નથી માગતા એ તો દીવા જેવું સત્ય દેખાતું હતું. નહીંતર એકાદ ઇ મેઇલ તો કરી શકે ને ?
અને અંતે..જે હોય તે..કયારેક તો જાણ થશે ને ? આવું વિચારી ઇતિના મમ્મી, પપ્પાએ તો મન મનાવી લીધું અને પુત્રીને પણ એ જ સમજાવી.
જો કે આ બધું ઇતિની સમજ બહારનું હતું. પરંતુ સમજાય કે ન સમજાય સ્વીકારવાનું તો હતું જ ને ? આ પળે તો જે સામે આવ્યું તે એક માત્ર સત્ય હતું. બાકી અત્યાર સુધી અનુભવેલું બધું…….!
જોકે ઇતિમાં કંઇ વિચારવાની શક્તિ કયાં હતી ?તે કશું વિચારવા માગતી પણ નહોતી. તેનો સહજ, અતિ સરળ સ્વભાવ ..બધું સ્વીકારી લેવાની આદતને લીધે તે એટલું જ વિચારતી ‘અનિ જયાં રહે ત્યાં ખુશ રહે..બસ અનિની જે ઇચ્છા હોય તે ઇતિને મંજૂર જ હોય. અનિની ઇચ્છાને ઇતિ માન ન આપે તેવું તો બને જ નહીં ને ?કોઇ ફરિયાદ વિના પૂર્ણ શ્રધ્ધાથી તેણે હકીકત સ્વીકારી લીધી. એક ક્ષણ માટે પણ કોઇ કડવાશ તેના મનમાં પ્રવેશી શકી નહીં. આમ પણ તેમણે કયાં કયારેય સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા ? તેથી દગો કે વિશ્વાસઘાત એવા કોઇ સવાલો તો ઉપસ્થિત જ કયાં થતા હતા ? બસ..અનિ ખુશ રહે…! અંતરની અમીરાતથી ધબકતા,મધુરતાથી ધબકતા હૈયામાં કડવાશની કોઇ કણી માટે જગ્યા કયાં હતી ? અનિની છબી તેના મનમાં એ જ રહી.બહાર સપાટી પર દેખાતી રહેતી હતી તેને બદલે હવે અંદર ઊંડે ઉતરતી ગઇ..બસ..આટલો જ ફરક પડયો. કોઇ આગ્રહ તો તેની પ્રકૃતિમાં હતો જ કયાં ?
અનિકેત તેની સ્મૃતિ બની ગયો હતો. તેના જીવનની પ્રત્યેકક્ષણમાં અનિકેતની હાજરી હતી..તેને અસ્તિત્વથી અલગ કેમ કરી શકાય ? અને અલગ કરવાની જરૂર પણ કયાં હતી ? કોઇ પીડા વિના પૂરી સહજતાથી દરેક વાત..દરેક પરિસ્થિતિનો સ્વીકાર એ કદાચ ઇતિની પ્રકૃતિ હતી. અને અનિકેત ભૌતિક અર્થમાં તેનાથી દૂર ભલે ગયો હોય..બાકી ઇતિથી દૂર તે જઇ શકે તેવી તો ઇતિ કલ્પના પણ કરી શકે તેમ નહોતી.
સમયની એક વામન ક્ષણમાં કેટલી વિરાટ..અનંત શકયતાઓ…આશ્ર્વર્યો.. ભરેલ હોય છે..તે એહસાસ તો સ્વાનુભવે જ સમજાય ને ?
ઇતિનું ભણવાનું હવે પૂરુ થયું હતું. કોઇપણ માતા પિતાની જેમ ઇતિના મા બાપ પણ દીકરીના લગ્નની ચિંતામાં…છોકરો શોધવામાં પડયા. ઇતિ તો કશું વિચારતી જ નહોતી. કદાચ વિચારવા માગતી પણ નહોતી. ત્યાં જ તેના જીવનમાં અરૂપનું આગમન એકદમ અણધાર્યું થયું. ઇતિના માસીએ એક છોકરો બતાવ્યો. ભણેલ ગણેલ, દેખાવડો, સારું કમાતો, અને કુટુંબમાં પણ ખાસ કોઇ નહોતું. તે પણ અમેરિકાથી આવ્યો હતો.
વાત ચાલી અને એક દિવસ અરૂપ ઇતિને જોવા આવ્યો. તે તો ઇતિને જોઇને જ મુગ્ધ થઇ ગયો. ઇતિની ભાવવાહી, વિશાળ,ચમકતી,પાણીદાર આંખોમાં તે ખોવાઇ ગયો. તેણે તો ત્યાં જ હા પાડી દીધી.
ઇતિના મમ્મી, પપ્પાને પણ અરૂપ ગમ્યો. ઇતિને પૂછતાં તે જવાબ ન આપી શકી. આ બધું શું થઇ રહ્યું છે તેની જિંદગીમાં ? ના પાડવાનું કોઇ દેખીતું કારણ નહોતું. તો હા પાડવાની …..? લગ્ન કરવાના ? સાસરે જવાનું ? જોકે સાસરાનો અર્થ હવે કોઇને પૂછવો પડે તેમ નહોતો. અને પૂછવું હોય તો પણ જવાબ આપનાર પોતે જ એક સવાલ બનીને રહી ગયો હતો.
બાકી ઇતિની જિંદગી વિશે વિચાર તો અનિકેતે કરવાનો હોય. ઇતિનું જીવન કેવું હશે તેની કલ્પના તો અનિકેત કરતો. અત્યારસુધી પોતે કયારેય કોઇ ચિંતા..કોઇ કલ્પના..કોઇ વિચાર પોતાના ભાવિ વિશે કર્યો હતો ? એ બધું ઇતિનું કામ થોડું હતું ? એને તો અનિ કહે એમ કરવાનું હોય..બસ…બાકી બધું એની જવાબદારી. પણ હવે ?હવે આ ક્ષણે અનિ ને શોધવો કયાં ? તેને એટલી પણ ભાન નથી પડતી કે ઇતિ એકલી શું કરશે ? કેમ કરશે ? આવો મોટો નિર્ણય તે અનિ વિના કેમ લઇ શકે ?
’તે અનિને પરણી શકે ? અનિ હોત તો પોતે અને અનિ પરણ્યા હોત ? ઇતિના મનમાં પહેલીવાર વીજળીની જેમ વિચાર ઝબકી ગયો. અનિ સાથે લગ્ન ? આવો વિચાર તો આજ સુધી કયારેય નથી આવ્યો..આજે આમ અચાનક ?
તે અને અનિ પ્રેમી, પ્રેમિકા થૉડા હતા ? હા, એકબીજાનું સર્વસ્વ જરૂર હતા.પણ આવું તો બેમાંથી કોઇએ કદી કયાં વિચાર્યું હતું ? હકીકતે તે અને અનિ છૂટા પડી શકે એવી કોઇ કલ્પના જ નહોતી આવી. ઇતિ અજબ અસમંજસમાં અટવાઇ. એક તરફ માતા પિતા હતા. જે તેને સમજાવતા હતા કે અરૂપ જેવો છોકરો નશીબદારને જ મળે.ઇતિને તો કોઇ બહેનપણી..કોઇ મિત્ર પણ કયાં હતા ? જે હતો તે એકમાત્ર અનિકેત…અને તે આમ ઇતિની પરમ જરૂરિયાતની પળે ખોવાઇ જાય..રિસાઇ જાય..ઇતિની આંખો છલકાઇ આવી. એક અકથ્ય મૂંઝારો તેના પ્રાણને ઘેરી વળ્યો. જેની આરપાર તે કશું જોઇ શકવા અસમર્થ હતી.
અને તેના મૌનને સંમતિ માની ઇતિની સગાઇ નક્કી થઇ ગઇ. બે દિવસમાં તો સગાઇની બધી તૈયારી પણ થઇ ગઇ. જેમ અનિકેતના જવાની વાત ઇતિના મગજમાં જવાના આગલા દિવસ સુધી નોટીસ નહોતી થઇ. તેમ જ સગાઇની વાત પણ ઇતિનું મગજ નોંધી શકયું નહીં. હા, ત્યાં હતો એક મૌન સ્વીકાર…જે થાય તે.. ! જાણે ઇતિને આ બધા સાથે કોઇ નિસ્બત જ નહોતી. પહેલા કશું વિચાર્યા સિવાય અનિકેત કહેતો તેમ તે કરતી રહી હતી.. આજે માતા પિતા કહે તેમ તે કરતી રહી.
અને અરૂપને ઉતાવળ હતી..તરત સગાઇ…અને મહિનામાં લગ્ન..કરવાનું નક્કી થયું.
સગાઇને બીજે દિવસે અરૂપે ઇતિને એક સરસ મજાની બાર્બી ડોલ ભેટ આપી. જે દુલ્હનના શણગારથી શોભતી હતી. ઇતિ સ્તબ્ધ..! મૂઢની માફક તે ઢીંગલી હાથમાં લઇ બેસી રહી. આ ભેટમાં તેને અનિકેતની હાજરી..તેની સુવાસ કેમ અનુભવાતી હતી ? ઘડીકમાં ઢીંગલી તરફ તો ઘડીકમાં અરૂપ તરફ. અરૂપે કહ્યું..’ આ તો જસ્ટ મસ્તી..મજાક..’
પણ ઇતિ માટે આ મજાક કયાં હતી ?
તેની સાથે પોતાના શૈશવ ની યાદ સંકળાઇ હતી એની જાણ અરૂપને થોડી જ હોય ?
તેની નજર સમક્ષ તો દસ વરસનો અનિકેત હસતો હતો. અને તેના જેવડી જ ઇતિને કહેતો હતો..’ તારા લગ્ન થશે ને ત્યારે હું તને શું ભેટ આપીશ..ખબર છે ? ‘ ગૌરીવ્રતના ત્રીજા વરસે પૂજા કરીને આવેલ ઇતિને અનિકેતે કહ્યું હતું અને ઇતિ બોલી ઉઠી હતી. ‘શું આપીશ “ ’તારા જેવી જ શણગારેલ ઢીંગલી…બાર્બી ડોલ…! .’ અને બંને ખડખડાટ હસતા હતા !
અને આજે અરૂપની આ ભેટ…! તેનાથી અરૂપને પૂછાઇ જ ગયું,’તમે અનિકેતને ઓળખો છો ? એ પણ અમેરિકામાં જ છે. ‘
’અનિકેત..કોણ અનિકેત ? ‘ જવાબમાં ઇતિ મૌન રહી.અને અરૂપે પણ આગળ કોઇ પૂછપરછ કરી નહીં.
તે પછી પણ અરૂપે કેટલીયે ભેટો ઇતિને આપી જ હતી ને? પણ…
( દિવ્યભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલનો સાતમો હપ્તો..)

kyaak unde unde man ma hatu k vaarta no avo valank to kadach nahi j aave.. pan, tame Ani ne US mokli ne j rahya em ne.. well, good turng.. bt wot cud b the reason for Ani to do so..!?
”Yado na zanzavat va’ta rahya,
shamna haiya ma jagavta rahya”.
excellent story…generally i dont read novel published in newspaper…but this is something different..sahityik touch also can feel in this stry.
good turning point…
have agal kaya lai javana cho ? itne dukhi n karata…
atlu saras character sarjine pachi heran n karata…pl………….
ek maya bandhai gai ti aniket sathe..alaga bhale kaaarya pan bhega karavana cho ke nahi ?
nicely going on…abhinandan..
Nice going.U have a very sweet n soft language n touch that binds….carry on…
સરસ વાર્તા
…”તેમ જ સગાઇની વાત પણ ઇતિનું મગજ નોંધી શકયું નહીં.હા,ત્યાં હતો એક મૌન સ્વીકાર…જે થાય તે” આ વાંચતા મનમાં ગણગણાટ થયો -ભીંતે ચીતરેલ ગરવા ગણપતિ- પછી કંઠ રું ધા ઈ-
જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે. જયારે ઇછ્છવા છતાં શબ્દો બહાર આવી શકે નહી…બધુ નજર સામે થતું હોવા છતા સમજી શકાય નહી.પામી શકાય નહી..તટસ્થ ઉદાસીની આ ચરમ સીમાએ માનવી આમ જ મૌન થઇ જતો હોય છે. ઇતિની મનોભાવનાનુ અદભૂત આલેખન…કોઇના મનની સંવેદનાને પામી શકવાના સામર્થય બદલ..તેને શબ્દોમા કંડારવા ( સચોટ રીતે ) બદલ લેખિકાને સલામ
અભિનન્દન્…
ચાલો જોઈએ. આગળ શું થાય છે.