6….અનિકેત ગયો…?
“ ગીત ગાતુ પંખી ત્યાં ઊડી ગયું,
ડાળને દઇ વસમો કંપ દૂર ટહુકો અંતરીક્ષ વિશે વિલીન..
ને હવે આ મૌન……”
ઇતિ અને અનિકેતનું કોલેજનું આ છેલ્લું વરસ હતું. કોલેજમાં દર વરસની જેમ વાર્ષિક કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી. ઇતિને રાજા દુષ્યંતની પ્રતીક્ષા કરતી શકુંતલાનો ડાન્સ કરવાનો હતો. આમ પણ ભારતનાટયમમાં તે કુશળ હતી.તેનું આરંગેત્રમ કયારનું પૂરું થઇ ગયું હતું. હવે તે આ ડાન્સની પ્રેકટીસમાં વ્યસ્ત હતી. અને અનિકેતે એક નાટકમાં ભાગ લીધો હતો. શેણી વિજાણંદની નૃત્યનાટિકામાં અનિકેત વિજાણંદનું પાત્ર કરતો હતો. બંનેની પ્રેકટીસ પૂરજોશમાં ચાલી રહી હતી.
અને અંતે કાર્યક્રમનો દિવસ આવી પહોંચ્યો. દુષ્યંતના વિરહમાં ભટકતી શકુંતલા આશ્રમના વૃક્ષોને, પુષ્પોને, વેલીઓને, હરણના બચ્ચાને ..એમ દરેકને પૂછતી રહે છે. વિરહીણીની એ અવસ્થાને ઇતિએ જે સુંદર રીતે વ્યકત કરી…દરેક પ્રેક્ષકોની આંખ ભીની બન્યા સિવાય રહી નહીં.
તો વિજાણંદના પાત્રમાં ‘શેણી ..શેણી ‘ કરતો વિજાણંદ હેમાળો ગાળવા નીકળે છે ત્યારે તેના અભિનયમાં જાન રેડી અનિકેતે બધાને રડાવ્યે જ છૂટકો કર્યો. વિજાણંદની વ્યથા જોઇ ઇતિના ડૂસકા તો શમવાનું નામ નહોતા લેતા.
કાર્યક્રમમાં બંનેએ ઇનામ મેળવ્યા. પ્રોગ્રામ પૂરો થયા બાદ તે રાત્રે ઘેર જતી વખતે બંને મૌન હતા. કદાચ શું બોલવું તે બેમાંથી કોઇને આજે સમજાતું નહોતું.
‘અરૂપ. ડાન્સમાં હું શકુંતલા બની હતી..અને અનિકેત નાટકમાં વિજાણંદ…અને અમારા બંનેના અભિનયે બધાને રડાવ્યા હતા. એકવાર કોઇ કાર્યક્રમની વાત નીકળતા ઉત્સાહમાં આવી જઇ ઇતિએ અરૂપને કહેલું.
‘ મને તો સારા ઘરની છોકરીઓ આવા કોઇ આલતુ ફાલતુ પ્રોગ્રામમાં ભાગ લે તે જ ન ગમે. ‘ ’ પણ અરૂપ એ કંઇ કોઇ આલતુ ફાલતુ પ્રોગ્રામ નહોતો. અમારી કોલેજનો વાર્ષિક કાર્યક્રમ હતો. અને અનિકેતે વિજાણંદના પાત્રમાં જાન રેડી દીધો હતો. ‘ ’ મને તો એવા નાટકિયા માણસો …’ વાકય પૂરું કરતા પહેલા અરૂપથી ઇતિ સામે જોવાઇ ગયું અને પછી ઇતિની આંખો સામે જોઇને કે પછી ગમેતેમ તેણે એ વાકય પૂરું ન કર્યું. અને ઇતિ પણ પછી કશું ન બોલી.
પરંતુ તે દિવસે કરેલ વિરહનો અભિનય… હવે વાસ્તવિક જીવનમાં પણ તેનો અનુભવ સાચ્ચે જ કરાવવા કાળદેવતા જાણે તૈયાર થયા હતા કે શું ? સમય જેવો કઠોર કે સમય જેવો મૃદુ પણ અન્ય કોણ હોઇ શકે ? ઇતિ, અનિકેતના જીવનમાં વિધાત્રીએ એવી કોઇ ક્ષણ લખી હતી કે શું ?
એકત્રીસ ડીસેમ્બરની રાત્રે સૌ કોઇ વિદાય લેતા વરસને આવજો અને આવનાર વરસને આવકારવાની ઉજવણીમાં પોતપોતાની આગવી રીતે વ્યસ્ત હતા. ઇતિ અને અનિકેતની કોલેજના કેમ્પસમાં પણ યૌવન હિલ્લોળે ચડયું હતું. વાતાવરણમાં ઠંડીની ચમક હતી. પરંતુ કેમ્પફાયરની ઉષ્મા તેને રંગીન બનાવતી હતી.
સાંજથી શરૂ થયેલ વિવિધ પ્રોગ્રામો છેલ્લા તબક્કામાં પ્રવેશ્યા હતા. ખાણીપીણીની જયાફતો જામી હતી. સાંજે અંતાક્ષરી ની રમઝટમાં આજે ઇતિ ખીલી ઉઠી હતી.
‘કહીં દૂર જબ દિન ઢલ જાયે…’ ઢળતા સૂર્યની સાક્ષીએ ગવાયેલ આ ગીતે ઇતિના ચહેરા પર એક આભા પ્રગટાવી હતી.જેનો ઉજાસ અનિકેત ની આંખોમાં પ્રગટયો હતો. સુમધુર ગીતોની રમઝટ હમણાં જ પૂરી થઇ હતી. બધાને પ્રતીક્ષા હતી ઘડિયાળમાં બારના ટકોરાની… પ્રિયજનોને આવકારવા, અભિનન્દવા સૌ જાણે અધીર બન્યા હતા. અને હવે એ પ્રતીક્ષાનો અંત નજીક હતો. વીતેલ વરસને અલવિદા કરી, આવનાર વરસને વધાવવાનો એક અદમ્ય ઉત્સાહ સૌના મનમાં છલકતો હતો. વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. કેમ્પફાયરની ઉષ્મા સૌને મીઠી લાગતી હતી. ખુશનુમા વાતાવરણથી દરેક હૈયા છલોછલ હતા. કેમ્પફાયરની આસપાસ સંગીતના તાલે સૌના પગ થિરકતા હતા.
અચાનક ઇતિની એક ચીસ વાતાવરણમાં ગૂંજી ઉઠી. કેમ્પફાયરની આસપાસ ઘૂમતી ઇતિ અચાનક બેલેન્સ ગુમાવતા સીધી ..અંગારાની જવાળામાં જઇ પડી. એક ક્ષણ તો કોઇ કશું સમજી ન શકયું. ત્યાં અનિકેતે એક છલાંગ લગાવી..સીધો અંગારામાં…અને બીજી જ ક્ષણે ઇતિને ઉપાડી બહાર.! ઇતિ તો ભય અને પીડાથી બેહોશ થઇ ગઇ હતી. અનિકેત પોતે પણ દાઝયો હતો..પણ કયાં..કેટલું તેનું તો અત્યારે તેને કયાં ભાન હતું ? વાતાવરણની પ્રસન્નતા એક પળમાં ગમગીનીમાં પલટાઇ હતી.સૌ બેબાકળા બની ગયા હતા.એમ્બ્યુલન્સ આવી અને ઇતિ,અનિકેતને લઇ ને ચાલી ત્યારે ઘડિયાળમાં બરાબર બારના ટકોરા પડતા હતા. નવા વરસની શરૂઆત થઇ ચૂકી હતી.
પૂરા પંદર દિવસ ઇતિને હોસ્પીટલમાં રહેવું પડયું..ઇતિ ના માતા પિતા ઇશ્વરનો આભાર માની રહ્યા.એક ઘાત ગઇ સમજીને..અને ઘાત અનિકેતને લીધે ટળી શકી હતી તેથી તેનો આભાર માન્યા સિવાય કેમ રહેવાય? પરંતુ અનિકેતને એવી કોઇ જરૂર કયાં હતી ?
હોસ્પીટલમાં ઇતિનો ચાર્જ સ્વાભાવિક રીતે જ અનિકેતે લઇ લીધો હતો. અનિકેતને પણ થોડા દિવસ ડ્રેસીંગ કરાવવું પડયું હતું.
અનિકેત ઇતિને જોક કહેતો રહેતો…સરદારજીના જોક સાંભળવા ઇતિને ખૂબ ગમતા..અને અનિકેત પાસે તેનો કયાં તૂટો હતો ?ડ્રેસીંગની અસહ્ય પીડા અનિકેતના જોકમાં થોડી વાર વિસરાઇ જતી. ‘
‘ અનિ, તને જરાયે બીક ન લાગી ? આગમાં જંપ મારતા ?’
એવો વિચાર કરવા જેટલો…બીક અનુભવવા જેટલો સમય કયાં હતો ? ‘
’તો પણ…! અનિ,તું કયાંક વધારે દાઝયો હોત તો ? ‘
’તો તારી સાથે હોસ્પીટલમાં રહીને આપણે બંને આખી હોસ્પીટલ માથે લેત. ‘ બીજું શું ? ‘
અને અનિકેત તરત વાત ને બીજે પાટે વાળી દેતો.
‘ અને ઇતિ, તેં મને ઓછો હેરાન કર્યો હતો ? યાદ છે..હું નાનો હતો અને મને તાવ આવેલ ત્યારે કેવી દાદાગીરી મારી પર તેં કરેલી. ? હું કંઇ ભૂલ્યો નથી હૉં. ‘
ઇતિને દવા પીવડાવતી વખતે અનિકેત કહેતો.
’હા, તું નાનો હતો ત્યારે….! અને હું તો ત્યારે બહું મૉટી હતી ખરું ને ?’
ઇતિ હસતી. અને પીડાને છૂપાવવાનો વ્યર્થ પ્રયાસ કરતી રહેતી.
‘હવે હું તો ગણી ગણીને બદલો લેવાનો..માંડ આટલા વરસે મોકો મળ્યો છે. ‘
’ તું મને કેટલી પ્રાર્થના ગવડાવતો..! એ હું પણ કંઇ ભૂલી થોડી છું ?ચાલ, હવે તારો વારો.’ ઇતિ ચહેકતી.
‘હું ગાઇશ ને તો આ હોસ્પીટલમાંથી બધા દર્દીઓ અહીં તારા રૂમમાં એકઠા થઇ જશે. અને મને મારશે…માથુ દુખાડવા બદલ ‘
’હું કંઇ ન જાણું. ‘
અને ઇતિની ફરમાઇશ અનિકેત પૂરી ન કરે તેવું તો આમ પણ કયારે બનતું હતું ? તો અત્યારે તો ઇતિ રાજાપાઠમાં હતી..તેનો હક્ક હતો.અને અનિકેત ધીમા અવાજે બે લાઇન ગણગણી રહેતો.ઇતિ આંખો બંધ કરી તેમાં ખોવાઇ જતી.
‘તું પ્યારકા સાગર હૈ…તેરી એક બુંદ કે પ્યાસે હમ….’
આ ક્ષણે..આ ગીત કયાંથી..કઇ દિશાથી રેલાઇ રહ્યું ? ઇતિના કાનમાં આ સ્વરો કયાંથી પડઘાઇ રહ્યા ? આ તો અનિકેતનો અવાજ…!
‘આ શું રાગડા તાણવાના ? મને તો અંતાક્ષરી જરા યે ન ગમે. મન ફાવે તેમ ગમે તેવા અવાજે..ગાતા આવડતું હોય કે નહીં.. બધા લલકારે…અરે, ગીતો સાંભળવા હોય તો કેસેટ કે સી.ડી.ની કયાં ખોટ છે ? ‘
આ વરસે જ અરૂપને ઘેર નવા વરસની ઉજવણી માટે બધા મળ્યા હતા અને ઇતિએ અંતાક્ષરીનો પ્રસ્તાવ મૂકયો હતો ત્યારે અરૂપ બોલી ઉઠયો હતો.એક ક્ષણ ઇતિ ઝંખવાઇ ગઇ હતી.કશું ખૂંચ્યું હતું..પણ શું..? એ વિચારવાનો સમય ત્યારે કયાં હતો ?
અને પછી અંતાક્ષરીને બદલે મ્યુઝિક્લ ચેરની રમત અરૂપે શરૂ કરાવી હતી. અને ઇતિ પણ તેમાં સામેલ થઇ હતી.
અરૂપ માટે ઇતિ એટલું તો કરી જ શકે ને ?
કાળ જયારે કરવટ બદલે છે ત્યારે તેનો સળવળાટ ભલભલાના જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે. એ સત્યથી કોઇ અજાણ નથી હોતું. અને છતાં જયાં સુધી જાતે અનુભવ ન થાય ત્યાં સુધી બેપરવા બનીને તે જીવે છે. એ વિશે લખે છે, બોલે છે..પરંતુ એ મહેસૂસ નથી કરી શકતો. અને કદાચ જીવનની મજા જ એમાં છે ને ?
ઇતિ અને અનિકેત જીવનમાં કયારેય છૂટા પડી શકે તેવી તો કલ્પના પણ કયાં હતી ? પરંતુ જેની કલ્પના ન હોય તે બને તેનું નામ જ કદાચ જિંદગી કહેવાતું હશે !
અનિકેતની બહેન અમેરિકામાં હતી અને વરસો પહેલાં તેણે પોતાના માતા,પિતા અને ભાઇ માટે ગ્રીનકાર્ડ માટે ફાઇલ મૂકી હતી. અને હવે તેમની અરજીનો વારો આવ્યો હતો. અને ત્રણેને વીઝા પણ મળી ગયા. અને શરૂ થઇ જવાની તૈયારીઓ. એક મહિનામાં તો ત્યાં પહોંચી જવાનું હતું. અનિકેતને હવે ત્યાં ભણવાનું હતું. તૈયારીના કામમાં ઇતિ અને તેના કુટુંબને પણ સ્વાભાવિક રીતે જ કેટલાયે કામો કરવાના આવ્યા. ઘર સમેટીને જવાનું હતું. પાછા આવવાની કોઇ ખાતરી નહોતી. પરંતુ આવવું હોય ત્યારે આવી શકાય એ ગણતરીથી ઘર વેચવાને બદલે બંધ કરી ને રાખવાનું નક્કી કરેલ. ઇતિના ઘરના તો ત્યાં જ હતા..તેથી બીજી કોઇ ચિંતા નહોતી. હવે તો ઘરમાં આખો દિવસ ધમાલ રહેતી.ઇતિ અને અનિકેત બધા પેપર્સ તૈયાર કરવામાં લાગી ગયા. કશું વિચારવાનો ..થાક ખાવાનો સમય જ કયાં હતો ?
આખો દિવસ અનિકેતનો અવાજ આવતો રહેતો અને ઇતિ દોડતી રહેતી. ’ઇતિ, આ કાગળો કયાં ? ડોકયુમેન્ટસનું લીસ્ટ બની ગયું ? જરા જોને, કંઇ રહી તો નથી જતું ને ? ‘
‘ ઇતિ, આજે મારી સાથે શોપીંગમાં આવવાનું છે. મને તો ત્યાં શું લઇ જવું, કેવું લઇ જવું એ કંઇ ખબર નહીં પડે. તું સાથે હોય તો સારું રહે. ‘ અનિકેતની મમ્મી કહેતી..અને ઇતિ તેમની સાથે દોડતી રહેતી.
‘ અને ઇતિ બેટા, આવું ન ચાલે હોં. તું આંટીના અને અનિકેતના બધા કામ કરે અને અંકલને ભૂલી જાય એ ન ચાલે હોં..! જો તો આ શર્ટ મને સારું લાગશે ? આ અમેરિકાની આપણને બહુ ખબર ન પડે.. ‘
ઇતિ પતંગિયાની જેમ ઊડતી રહેતી. તેને ઘડીભરની ફુરસદ કયાં હતી ? પોતે શું કરે છે તે વિચારવાનો સમય પણ કયાં મળ્યો હતો ? બંને હવેથી છૂટા પડે છે એવો વિચાર પણ હજુ સુધી કદાચ સ્પર્શ્યો નહોતો. બસ એક અભાનાવસ્થામાં કામ થતું જતું હતું. વરસોનો સાથ છૂટવાની પળ આવી છે…અને આ બધી તેની તૈયારીઓ પોતે કરી રહ્યા છે એ સભાનતા તો આવી છેક અંતિમ દિવસે..ત્યાં સુધી તો કેટકેટલા કામો..! અનિકેતના મમ્મી, પપ્પા એક તરફ ઘર અને સામાનની પળોજણમાં પડયા હતા. તો બીજી તરફ શોપીંગ…બેંકના કામો પતાવવામાં પણ સારો એવો સમય જતો હતો. ઇતિના ઘરના બધા પણ એમાં સાથ પૂરાવતા રહ્યા.આમ બંને ઘરમાં ધમાલ ચાલી રહી હતી.સમય તો દોડયે જતો હતો.
અને અંતે જવાને આગલે દિવસે અનિકેત નીચે કંઇક કામમાં હતો. અનિકેતની બધી તૈયારીની જવાબદારી તો વગર કહ્યે…બિલકુલ સ્વાભાવિકતાથી ઇતિને ભાગે જ હતી.
ઉપરના રૂમમાં ઇતિ અનિકેતની બેગ છેલ્લી એકવાર સરખી ગોઠવી રહી હતી.. ત્યારે તેની ધૂંધળી બનેલી આંખોને બેગમાં કંઇ સ્પષ્ટ દેખાતું નહોતું.
“ આંખમા તો પાણી આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી. “
તે બેગમાં અનિકેતના કપડાં ઉપર નીચે કરી રહી હતી…ન જાણે શું કરી રહી હતી ..તે તેને પણ કયાં સમજાતું હતું ? કદાચ આજે જ તેને ભાન આવ્યું હતું કે અનિકેત તેનાથી દૂર..ખૂબ દૂર જાય છે. અત્યાર સુધી અનિકેતના કામની ધમાલમાં ડૂબેલ ઇતિને ભાન હતું જ નહીં…કે આ તૈયારીઓ પોતે કરે છે..તે અનિકેતના જવાની છે ! અચાનક જાણે આકાશમાં વીજળીનો ચમકાર થાય અને સઘળુ ઝળાહળા થઇ જાય તેમ ઇતિ એક ક્ષણમાં ભાનમાં આવી હતી. તેની પાંપણે અનાયાસે બે બુંદ ચળકી રહ્યા. ત્યાં અનિકેત ઉપર આવ્યો,
’ઇતિ, શું કરે છે તું ? ‘ ઇતિએ જવાબ ન આપ્યો. તેણે જલદી જલદી આંખો લૂછી. અને કામમાં મશગૂલ હોય તેમ બેગમાં કપડાં ઉપર નીચે કરી કરી રહી. અનિકેત ઇતિની આંખોમાં જોઇ રહ્યો. શું દેખાતું હતું ઇતિની વિશાળ,પાણીદાર આંખોમાં ?
‘ઇતિ, ‘અનિકેતનો અવાજ પણ જાણે સાતમા પાતાળમાંથી આવતો હતો. મૌન ઇતિ અનિકેત સામે જોઇ રહી. અનિકેતને પણ શું બોલવું તે કયાં સમજાતું હતું ?
“ આંખ મીંચીને આ કોણ મંથર મંથર ઉઘડે ?
જન્મજન્માંતરના થર એક પછી એક ઉઘડે.”
‘ ઇતિ તેં શું શું ભર્યું છે..મને તો કંઇ ખબર નથી..’ જે બોલવું હતું તેને માટે શબ્દો કયાં હતા ? બધું લીસ્ટ બનાવીને અહીં ઉપરના ખાનામાં રાખ્યું છે.’
ફરી પાછુ મૌન. હવે…? હવે શું બોલવાનું ? થોડી મૌન ક્ષણો પસાર થઇ રહી. કાળદેવતા બંનેને સ્નેહભરી નજરે નીરખી રહ્યા. કદાચ તે પણ આ પળની મૌન મહેકથી…. ’ ઇતિ……..’ અને મૌન. ’ અનિ…’ …….અને મૌન.
એક ક્ષણ…એક ક્ષણ…અને ઇતિ અનિકેત ને વળગી રહી. બંને એક્બીજાને આલિંગી રહ્યા.અનિકેતનો હાથ ઇતિના માથા પર હળવેથી ફરી રહ્યો હતો. દિવ્યતાની આ પરમ ક્ષણમાં ભંગ ન થાય..તેમ ધીમેથી, જરાયે અવાજ કર્યા સિવાય કાળદેવતા ત્યાંથી સરકી રહ્યા. સમાધિની આ પરમ ધન્ય ક્ષણમાં ખલેલ પહોંચાડવાનું તેને પણ યોગ્ય નહોતું લાગતું. ઇતિ,અનિકેતનો કદાચ..આ પહેલો અને….. છેલ્લો..(.?) સ્પર્શ ….!
શું એ હતું સ્પર્શમાં ? શબ્દોમાં એ સમર્થતા કયાં ?
આ ભાવસમાધિનો ન જાણે કયારે ભંગ થાત ? કદાચ… પરંતુ ત્યાં અનિકેતની મમ્મીનો નીચેથી અવાજ આવ્યો,’ અનિ, કેટલી વાર ? નીચે આવો છો ને ? ‘ ઇતિના ગળામાં ડૂસકુ થીજી ગયું. અનિકેત….
અને બીજે દિવસે સવારે અનિકેતને વળાવી ઇતિ ઘેર આવી ત્યારે શું કરવું તે તેને સમજાતું નહોતું..દૂર દૂર ઉડતા પ્લેનને તે નીરખી રહી…નીરખી રહી..જે તેના અનિને તેનાથી દૂર…સાત સાગર પાર લઇને ઊડી રહ્યું હતું…ઊડી રહ્યું હતું. અને ઇતિ બેબસ હતી…બિલકુલ બેબસ…!
ઇતિની નજર બારીમાંથી દૂર દેખાતા આસમાન પર પડી..પણ કયાંય દૂર સુધી અનિકેતના પ્લેનનું નામોનિશાન નહોતું. તેને બદલે અરૂપની ચમકતી હોન્ડાસીટી ત્યાં જોઇ શકાતી હતી.

…અનિકેતને વળાવી ઇતિ ઘેર આવી ત્યારે શું કરવું તે તેને સમજાતું નહોતું.
યાદ આવી બારડોલીથી નીકળીને ટોરન્ટો ગઈ એ દીકરી-જેના નાના ટિફિનમાં હું રોજ સેન્ડવિચ મૂકી આપતી,તેનો ફોન આવે છે:મંમી,હું સુખી છું-પછી ખામોશી.મૌન વધારે કહી જાય છે,અવાજ કરતાં અને એ વિદેશી બની રહેલી દીકરીનો અવાજ ફરીથી સંભળાય છે :મંમી,હું સુખી છું !હું કહું છું :બેટા,તબિયત સંભાળજે !અવાજને સ્વસ્થ રાખવાની મારી કોશિશ.એક શાયરે ગાયું છે એમ જ…. દબા-દબા-સા, રૂકા-રૂકા-સા, દિલ મેં શાયદ દર્દ તેરા હૈ!
કાળ જયારે કરવટ બદલે છે ત્યારે તેનો સળવળાટ ભલભલાના જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે. એ સત્યથી કોઇ અજાણ નથી હોતું. અને છતાં જયાં સુધી જાતે અનુભવ ન થાય ત્યાં સુધી બેપરવા બનીને તે જીવે છે. એ વિશે લખે છે, બોલે છે..પરંતુ એ મહેસૂસ નથી કરી શકતો. અને કદાચ જીવનની મજા જ એમાં છે ને ?
ઇતિ અને અનિકેત જીવનમાં કયારેય છૂટા પડી શકે તેવી તો કલ્પના પણ કયાં હતી ? પરંતુ જેની કલ્પના ન હોય તે બને તેનું નામ જ કદાચ જિંદગી કહેવાતું હશે !
its true…!!!!!!!!!!!!!!!!!!!
આજે એકી સાથે બધા હપ્તા વાંચ્યા. એકાદ હપ્ત વાંચીશ એમ માની વાંચવાનું શરૂ કરેલું અને બધા હપ્તા વાંચવા માટે મજબૂર થઇ જવાયું. વાચકોને જકડી રાખવાની ક્ષમતા વાર્તામાં છે. અભિવ્યક્તિની અનોખી કલા માટે સલામ…હવે સાતમા હપ્તાની પ્રતીક્ષા આપોઆપ જાગી છે. ખૂબ સુન્દર વાર્તા જામે છે.અંતમા ઇતિૢ અનિકેતને અલગ ન પાડતા હોં…આવા પ્રેમને છૂટા પાડવાનું પાપ ન કરતા……!!!
વાત સરસ વળાંકે જઈ રહી છે…
અભિનંદન…
What is the meaning of ” Arup” ? Here we are able to see the different rups of Arup.
Excellent way of expressing the inner most.
Thanks for giving us such a beautiful….
Waiting for next
સુંદર રીતે આગળ વધી રહેલી વાર્તા… માનવીય લાગણીઓ ને સંવેદનાઓનું રસભર વર્ણન કર્યું છે આપે. ખૂબ સરસ..
didi,
Khubaj saras ane interesting story chhe.. khub maja aave chhe.. aaje to varta vanchva ma aankho ne koi bhinashe pan thodo sath didho..!! very nice..