પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

અરૂપ શું બોલે ?…. April 21, 2008

Filed under: લઘુનવલ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

5….વિદાય લેતું વરસ..

” એક પળ સાયુજયની રૂડી હોય છે.
જિન્દગીભરની એ મૂડી હોય છે. “

ઇતિ અને અનિકેત હવે આઠમા ધોરણમાં આવ્યા હતા. ઇતિને ભારતનાટયમ્ શીખવાની ખૂબ હોંશ હતી. પરંતુ એક તો ડાન્સીંગ કલાસ તેના ઘરથી ખાસ્સા દૂર…અને ઇતિનો સમય સાંજનો. તેથી તેને એકલી કેમ મોકલવી ? તેને તેડવા મૂકવા જઇ શકે તેવું ઘરમાં કોઇ હતું નહીં. પણ રામના હનુમાનની જેમ અનિકેત હાજર હતો જ ને ? ઇતિને તેડવા મૂકવાનું કામ સહજ રીતે જ તેના ભાગમાં આવ્યું.
કિશોરાવસ્થાની મુગ્ધતાનો અદ્રશ્ય સંચાર ધીમે ધીમે તન, મનમાં છવાતો જતો હતો.પણ સાવ નાનપણથી શરૂ થયેલ આ સથવારો એટલો સહજ..સ્વાભાવિક બંને માટે બની ચૂકયો હતો કે….

ઇતિ નૃત્યમાં નિપુણ હતી. અનિકેત તેના વખાણ કરતાં થાકતો નહીં. ‘ ઇતિ, તું મોટી થઇને ડાન્સ કરવા દેશ અને પરદેશમાં જઇશ..તારા સ્ટેજ પ્રોગ્રામો થશે..ઇતિની વાહ વાહ થશે…અને હું તારો પી.એ. બનીશ. મારા સિવાય એ બધું મેનેજ કોણ કરવાનું હતું ? ‘
‘ હા, અનિ..તારા સિવાય….’ કોઇ ઊંડી ગુફામાંથી દબાયેલ કોઇ અસ્ફૂટ સ્વર સંભળાયો કે શું ? ઇતિ અતીતમાં હતી કે વર્તમાનમાં ? આ કયો સંધિકાળ હતો ?

દ્રશ્યો પલટાતા રહ્યા. જાણે બગડી ગયેલ ટેપમાં રીવાઇન્ડ, ફોરવર્ડ ની પ્રક્રિયા આપોઆપ ચાલી રહી હતી.

સમયની સાથે ઇતિ અને અનિકેત વિકસતા રહ્યા. ઇતિના ડાન્સીંગ કલાસ પૂરા થયા હતા અને હવે આરંગેત્રમની ભવ્ય તૈયારીઓ ચાલી રહી હતી. કલ્પનાની પાંખે તે અને અનિ દેશ અને પરદેશની ગલીઓમાં ઘૂમતા રહેતા. ઇતિના શો યોજાતા અને અનિકેત તેનો પડછાયો હતો..તેનો શ્વાસ..તેનો આત્મા હતો. અને બધું કેટલું સહજ…સ્વાભાવિક… કોઇ આયાસ વિનાનું હતું. જાણે બીજો કોઇ વિકલ્પ..બીજો કોઇ અવકાશ..બીજા કોઇ વિચારની ગુંજાઇશ જ નહોતી. કોઇ સગપણ વિનાના..નામ વિનાના સંબંધો મહોરી રહ્યા હતાં.જેની સુવાસથી બે આત્મા મઘમઘ થઇ રહ્યા હતા.

બારમું ધોરણ પૂરું થયું. અને ઇતિનું આરંગેત્રમ યોજાયું.

આરંગેત્રમની આગલી રાત્રે…. ‘ઇતિ, એક દિવસ તું મહાન કલાકાર થઇશ. તારી વાહ વાહ દેશ અને પરદેશમાં થશે.’

‘ મને તો સારા ઘરની છોકરીઓ ડાન્સ કરે એ જરાયે ન ગમે…’ જીવનમાં આ કયા શબ્દોની ભેળસેળ થઇ રહી હતી..?

અનિકેતની વાતો ઇતિ પરમ શ્રધ્ધાથી સાંભળતી અને સ્વીકારતી રહેતી.અનિકેતની કોઇ વાતમાં તેને કયારેય અવિશ્વાસ આવી જ ન શકે. અનિ કહે છે તેમ થાય જ..કોઇ શંકાને સ્થાન કયાં હતું ?

ઇતિની મહેનત અને અનિકેતની આસ્થા,અને દોડાદોડી રંગ લાવી. આરંગેત્રમનું ખૂબ ભવ્ય આયોજન થયું. અને તેવી જ ભવ્ય સફળતા. અને ઇતિથી વધુ ખુશખુશાલ અનિકેત. અનિકેતે ઇતિને એક સરસ મજાની ઘડિયાળ ભેટ આપી.

’ આપણો સંબંધ આ ઘડિયાળના કાંટા થી પર…સમયથી પર હશે “ એવું કશું બોલ્યા સિવાય.

શબ્દોની જરૂર કયાં હતી ? શબ્દો તો બિચારા સાવ વામણા….. !

ઘડિયાળ…! ઇતિની નજર પોતાના કાંડા પર પડી. સરસ મજાની રોલેક્ષ ઘડિયાળ ગયા વરસે જ અરૂપે તેને ભેટ આપી હતી. અનિની ઘડિયાળ તો પડી હતી…ઇતિની બેગના કોઇ એક ખૂણામાં..અનિકેતની જેમ જ.

સમય બધો કયાં દોડી ગયો હતો…! કાશ ! સમયથી પર જઇ શકાયું હોત..! પણ…. અશકય…અસંભવ લાગતી હોય તેવી વાતો જીવનમાં બનતી જ રહે છે ને ? તેનો ખ્યાલ મુગ્ધાવસ્થામાં ન આવે તે સહજ હતું.

જેમ સૂર્યનું ઊગવું એક સનાતન સત્ય હતું…સ્વાભાવિક હતું. તેમ ઇતિ અને અનિકેતને તેમનો સાથ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના સહજ લાગતો હતો. જાણે પથ્થરની લકીર પર કોતરાયેલ એક નામ..! અનિકેત પંજાબી હતો અને ઇતિ ગુજરાતી હતી…પરંતુ એવા કોઇ ભેદભાવની તો કયારેય જાણ પણ કયાં થવા પામી હતી ?

યૌવનાવસ્થામાં પ્રવેશતા આ તરૂણો હવે કોલેજમાં આવ્યા હતા. તેમના સાથમાં, વર્તનમાં કોઇ ફરક નહોતો પડયો. બંનેની સાહજિકતા એવી જ રહેવા પામી હતી. અને દિવસો દોડતા રહેતા હતા.

આમ પણ કોલેજના દિવસો દરેકની જિંદગીનો અણમોલ સમય બની રહેતો હોય છે. આંખોમાં શમણા ઉઘડવાની વેળા..ભાવિના સપના ,દિલમાં છલક્તી લાગણીઓ..એક થનગનાટ. ઉત્સાહ, કશુંક કરવાની ઝંખના, મનગમતા સાથીદારની જાણ્યે અજાણ્યે થતી રહેતી તલાશ, દિલમાં પ્રગટતો રેશમી એહસાસ…. આ સઘળા તત્વો કોલેજજીવનને યાદગાર બનાવે છે. અને ભવિષ્યની સુમધુર..ખાટીમીઠી સ્મૃતિઓ તરીકે સચવાઇ રહે છે.

શૈશવથી શરૂ થયેલ ઇતિ,અનિકેતનો સંગાથ બંને એક જ કોલેજમાં હોવાથી એવો જ લીલોછમ્મ રહ્યો હતો. તે દિવસે કબીરવડના સાન્નિધ્યમાં..નર્મદાને કિનારે યુવક યુવતીઓનો મેળો જામ્યો હતો, પરીક્ષા પછીનો રવિવાર હતો તેથી કેટલી બધી કોલેજની બસો નર્મદાના કિનારે આવી પહોંચી હતી. કબીરવડ એ પિકનીક માટેનું આ તરફનું સૌથી નજીકનું, વિશાળ અને રળિયામણું સ્થળ હતું. યૌવનના ઉત્સાહ અને રંગીનીથી વાતાવરણ છલકતું હતું. કોઇ નર્મદામાં નાહવાનો લહાવો લેતા હતા. કોઇ વડલાની વિશાળ છત્રછાયામાં આરામ ફરમાવતા હતા. કોઇ અમસ્તા અમસ્તા ટહેલતા હતા. કોઇ મંદિરમાં દર્શન કરતા હતા. કોઇ પંખીઓના કલરવને માણતા હતા. તો કોઇ ઇતિહાસના શોખીન કબીરવડના ઇતિહાસની વાતો જાણવામાં મશગૂલ હતા. તો અંતાક્ષરીના ચાહકોએ અહીં પણ ગીતોની રમઝટ જમાવી હતી. કયાંક પ્રેમીપંખીડાને તક મળતા એકાંત શોધી પારેવાની જેમ ઘૂ.. ઘૂ કરી રહ્યા હતા. પસંદ અપની અપની..ખયાલ અપના અપના… ઇતિ અને અનિકેત મૌન બની નર્મદાના પાણીમાં પગ બોળી ઊભા હતા. શબ્દો નહોતા છતાં વાતો નહોતા કરતા તેમ કેમ કહી શકાય ? અચાનક

‘ ઇતિ, જો આ નાનકડી માછલી બરાબર તારા જેવી જ દેખાય છે ને ?

‘હું કંઇ માછલી જેવી છું ? કૃત્રિમ ગુસ્સાથી માનૂની બોલી ઉઠી.

’ના રે, મેં એમ કયાં કહ્યું ? તું કંઇ માછલી જેવી થોડી છે ? એ તો માછલી તારા જેવી છે..’

‘ અને તું મગરમચ્છ જેવો..જા..’

કહેતી ઇતિ છણકો કરી અનિકેતને ગુસ્સે કરવાના ઇરાદાથી પાણીમાં આગળ જવા લાગી. બે મિનિટ તો અનિકેત એ ગુસ્સાને માણી રહ્યો અને મૌન રહ્યો. અને પોતે ત્યાં જ ઉભો રહ્યો. ..પરંતુ આગળ પાણીનો ફોર્સ વધારે હતો. તેથી ગભરાઇને તેણે બૂમ પાડી, ઇતિ, પાછી વળ…ત્યાં પાણી વધારે છે..’ પણ આજે ઇતિ ન જાણે કયા મૂડમાં હતી ? અનિકેતની બૂમ તેણે સાંભળી તો ખરી..પણ રોકાવાને બદલે કે પાછા વળવાને બદલે તે તો રીસે ભરાયેલ મહારાણીની માફક આગળ ને આગળ વધતી રહી…અને પાછળ ફરીને અનિકેતને અંગૂઠો બતાવતી રહી.. અનિકેતનો શ્વાસ થંભી ગયો હતો.

એક ક્ષણ….અને તે પાણીમાં દોડયો. ઝડપથી ઇતિને પક્ડી લીધી. અને કશું બોલ્યા સિવાય કે ઇતિ કશું સમજે તે પહેલાં ઇતિને એક લાફો લગાવી દીધો. અનિએ તેને માર્યું ? તેણે તેની સામે જોયું. પરંતુ અનિકેત તો ભરપૂર ગુસ્સામાં હતો. ઇતિ સામે નજર પણ નાખ્યા સિવાય તે ઇતિનો હાથ ખેંચી તેને પાણીની બહાર લઇ આવ્યો. અને ત્યાં જ કિનારે બેસી પડયો. અનિકેતના ચહેરા સામે જોઇ ઇતિ કશું બોલી શકી નહીં.

થોડીવાર બંને મૌન બેસી રહ્યા. પછી ધીમેથી અનિકેતે પૂછયું,’ બહું લાગી ગયું ? ‘ ઇતિએ અનિકેત સામે જોયું. ધીમેથી નકારમાં ગરદન હલાવી…બંનેની આંખમાં અસ્ત થતાં સૂરજની લાલિમાનું પ્રતિબિંબ ઉભરતું હતું.

અને એ લાલિમા આ ક્ષણે પણ ઇતિના ચહેરા પર ચમકી રહી હતી. આ ક્ષણે તેને અનિકેતના ગુસ્સાની પૂરી સમજણ કદાચ પડી હતી. તેની બંધ કીકીઓમાં આ કયો પ્રકાશ પથરાતો હતો ?કયારેક કોઇ કોઇ સંબંધ સંજોગોની દીવાલોમાં ચણાઇ ગયેલ લાગતો હોય છતાં દીવાલના પોલાણમાં એના પડઘા ..એનો સળવળાટ દ્રશ્ય કે અદ્રશ્ય રીતે હાજર જ રહે છે. એ સંબંધો કાળને પણ અતિક્રમી જતાં હોય છે. સમયની સાથે એ ઝાંખા પડવાને બદલે એ દિલના અતલ ઉંડાણમાં સચવાઇને પડી રહે છે.

અને ફિલ્મની રીલ રીવાઇન્ડ થતી રહી. એક પછી એક દરિયાના મોજા ઊછળતા હતા કે શું ? આ કઇ ભરતી આજે અણધારી..સાવ અણધારી ઇતિના મનોઆકાશમાં ઉછાળા મારતી હતી. ? દીવાલના પોલાણમાં વરસોથી અકબંધ રહેલા પડઘા આજે બહાર આવવા કેમ ઉછાળા મારી રહ્યા હતા ? ફિનીકસ પક્ષીની માફક રાખમાંથી આજે વરસો સજીવન થતા હતા કે શું ?

“ અનિકેત “ નામની એક ચિનગારી પ્રજવળી હતી અને……

( દિવ્ય ભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલનો પાંચમો હપ્તો…)

 

4 Responses to “અરૂપ શું બોલે ?….”

  1. pragnaju Says:

    લઘુ નવલનો પાંચમો હપ્તો મજાનો.અમારા પણ ફિનીકસ પક્ષીની માફક રાખમાંથી આજે વરસો સજીવન થયા.ઇતિને એક લાફો લગાવી દીધો -વાંચતા અમારા ગાલ પર ચણચણાટ ટ્ થયો-

  2. chetu Says:

    કયારેક કોઇ કોઇ સંબંધ સંજોગોની દીવાલોમાં ચણાઇ ગયેલ લાગતો હોય છતાં દીવાલના પોલાણમાં એના પડઘા ..એનો સળવળાટ દ્રશ્ય કે અદ્રશ્ય રીતે હાજર જ રહે છે. એ સંબંધો કાળને પણ અતિક્રમી જતાં હોય છે. સમયની સાથે એ ઝાંખા પડવાને બદલે એ દિલના અતલ ઉંડાણમાં સચવાઇને પડી રહે છે.

    very true… ! & we r waiting for part 6….

  3. Dhwani Says:

    humm.. maja aave chhe… wt a grt frndship..! aava dost hoy to vaat j kai aur chhe..

  4. સુરેશ જાની Says:

    તમારી ફ્લેશબેકની શૈલી સરસ છે.
    એક ટીકા…
    ‘યૌવનાવસ્થા’ શબ્દ બરાબર લાગતો નથી. યૌવન અથવા યુવાવસ્થા જોઈએ.

Leave a Reply