અરૂપ શું બોલે ? ..4 April 18, 2008
4……… મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..
“ વહી ગયેલ કો ક્ષણ ઓગળે
ભીતર ભીના સ્મરણ ઓગળે”
‘ એકવાર ના પાડી ને કે તારે ઉઠવાનું નથી. ‘
બાર વરસની ઇતિ સત્તાવાહી અવાજથી અનિકેતને ધમકાવી રહી હતી.
અનિકેતને ચાર દિવસથી તાવ આવતો હતો. સૂઇસૂઇને સ્વાભાવિક રીતે જ તે કંટાળી ગયો હતો. અને હવે તેને બહાર રમવા જવાની ઇચ્છા થતી હતી. પણ આ ઇતિ જોને……તેના કડક ચોકી પહેરામાંથી છટકવું કયાં આસાન હતું ? સ્કૂલમાં વેકેશન હતું. અને વેકેશનમાં આમ સૂઇ રહેવું કયા કિશોરને ગમે ? તેની મમ્મી સુલભાબહેન થોડા દિવસ માટે બહારગામ ગયા હતા. ઘરમાં બાપ દીકરો એકલા હતા…અને ત્યાં આ તાવ…!
તેના પપ્પા મૂંઝાઇ ગયા હતા. પણ ઇતિનું કુટુંબ બાજુમાં હતું તેથી ખાસ ચિંતા નહોતી. અને વેકેશન હોવાથી ઇતિ પણ આખો દિવસ ઘરમાં જ હતી. ઇતિની મમ્મી આંટાફેરા કર્યા કરતી. જમવાનું તો આમ પણ વરસોથી એક્બીજાની ગેરહાજરીમાં એક્બીજાને ત્યાં જ ગોઠવાતું. તેથી એવો કોઇ પ્રશ્ન નહોતો.
આજે તાવ વધારે હોવાથી ઇતિને તેની મમ્મીએ અનિકેતને કપાળે પોતા મૂકવા બેસાડેલી. અને ઇતિ પૂરી જવાબદારીથી પોતાની ડયુટી બજાવતી હતી માતૃત્વનો ઝરો બાર વરસની ઇતિમાં ફૂટી નીકળ્યો હતો.
અનિકેતને દવા આપવાનો સમય થયો છે કે કેમ તે જોવા પોતા મૂકતી ઇતિ પાંચ પાંચ મિનિટે દીવાલ ઉપરની ઘડિયાળમાં જોતી રહેતી હતી. જરાયે મોડું ન થવું જોઇએ. આજે તેનું ધ્યાન કોઇ વાતોમાં ..કોઇ મસ્તીમાં નહોતું. આજે તો તે અનિકેતની ચોકીદાર હતી. તેણે અનિકેતનું ધ્યાન રાખવાનું હતું. કંઇ ઓછી જવાબદારી હતી ? અને અનિકેત તો કંઇ સમજતો જ નહોતો. તાવ હોય તો સૂતુ રહેવું જ જોઇએ ને ? અને સમયસર દવા તો પીવી જ પડે ને ? અનિકેત તેની ઉપર કૃત્રિમ ગુસ્સો કર્યા કરતો હતો. પણ ઇતિ કંઇ એવી પરવા કરે તેમ કયાં હતી ? અનિકેત ગમે તેટલા નખરા ભલેને કરે..પણ ઇતિ પાસે તેનું થોડું ચાલવાનું હતું ?
બોલબોલ કરતા અનિકેતના મોં પર હાથ મૂકી ઇતિ દાદીમાની જેમ તેને ધમકાવી નાખતી.
‘મોં બંધ….! ડોકટરે બહું બોલવાની ના પાડી છે. તારે આરામ કરવાનો છે . ‘
’હા, તને તો ખીજાવાની મજા પડી ગઇ.! એકવાર સાજો થવા દે ને..પછી જો…’
’ પછીની વાત પછી..મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. ચાલ,ચૂપચાપ દવા પી લે.’
અને ચમચીમાં દવા કાઢી ઇતિ ધીમેથી અનિકેતના મોં માં દવા ખોસી દેતી. અનિકેત ગમે તેટલું કટાણુ મોઢુ ભલે કરે..પણ તેને ખબર હતી કે દવા તો પીવી જ પડશે. આ ઇતિ કંઇ તેને છોડે તેમ છે નહીં. તેની પાસે પોતાનું કંઇ ચાલવાનું નથી. અનિકેતે ગુસ્સામાં દવા તો પીધી પણ પોતાના ભીના હાથ ઇતિના ફ્રોકમાં લૂછવાનું ભૂલ્યો નહીં. કૃત્રિમ રોષથી ઇતિ કહે,
‘ ચાલ , હવે ચૂપચાપ સૂઇ જવાનું છે.’
‘ કેમ કંઇ તારી દાદાગીરી છે ? તું કહે ત્યારે મારે સૂઇ જવાનું ? હું નહીં ચલાવી લઉં..જા..’
’બધું ચલાવવું પડે. માંદો કેમ પડયો ?’
’તે કંઇ ગુનો કર્યો છે ? તું તો મને થોડીવાર પણ ઉભો નથી થવા દેતી.’
’ પણ તો પછી જલદી સાજા ન થવાય ને ? ચાલ, તું તો બહું ડાહ્યો છે ને ? ’
ઇતિ ના અવાજમાં થોડી નરમાશ આવી.
‘ના, મારે કંઇ ડાહ્યા નથી થવું. એકવાર મને સાજો થવા દે ને પછી જો..હું પણ તને કેવો હેરાન કરું છું.’ ’ પછી ની વાત પછી..અત્યારે અંકલે અને મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. એટલે હું કહું એમ તારે કરવાનું…’ ’ ચાલ હવે બહુ વાતો થઇ. ચૂપચાપ સૂઇ જા. ‘
ઇતિ એ રોફ છાંટયો.
‘તું કહે ત્યારે મારે સૂવાનું..તું કહે ત્યારે મારે દવા પીવાની..તું કહે એ જ મારે ખાવાનું. બધુ તું કહે તેમ કરવાનું. તારી દાદીગીરી નહીં ચલાવું.’ ’ બધું ચલાવવું પડે..’ ’ પણ તું તો મને થોડીવાર પણ ઉભો નથી થવા દેતી…’ ઇતિને દયા આવી ગઇ.
’ચાલ, આમાંથી કઇ વાર્તા વાંચુ ? તું આંખ બંધ કરીને સાંભળ..’
’ના, વાર્તા નહીં…આપણે રોજ સ્કૂલમાં ગાઇએ છીએ..તે પ્રાર્થના ગા.મને એ બહું ગમે છે.’
’તું આંખો બંધ કરીને સૂઇ જા તો હું પ્રાર્થના ગાઉં. બસ ? ’
કહ્યાગરા છોકરાની માફક અનિકેતે આંખો બંધ કરી દીધી. અને ઇતિના હાથ અનાયાસે અનિકેતના વાળમાં ફરતા ગયા…અને ગળામાંથી સ્વરો ગૂંજી ઉઠયા.
” મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે..શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે…એવી ભાવના નિત્ય રહે…”
ઇતિના મોં પર એક દિવ્ય આભા છવાઇ રહી. અને એક પછી એક પ્રાર્થના સરતી રહી..
“ એક જ દે ચિનગારી..મહાનલ..એક જ દે ચિનગારી.. “ કે પછી
“ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા..”
વચ્ચે વચ્ચે અનિકેત આંખ ખોલી છાનોમાનો ઇતિને જોઇ લેતો. ઇતિ કંઇ બોલ્યા સિવાય અનિકેતની આંખો પર હાથ મૂકી દે…અને પ્રાર્થના આગળ સરતી રહે.
ઇતિના ગળામાંથી આ ક્ષણે પણ એ સ્વરો વરસો બાદ આપમેળે ગૂંજી ઉઠયા.. એકાદ ક્ષણ તે ચોંકી ગઇ. પણ એ સમાધિમાંથી બહાર આવવું તેને ગમ્યું નહીં. ફરીથી આંખો બંધ.
એક કિશોર અને કિશોરી કયા ભાવવિશ્વની સફરમાં ખોવાયેલ હતા તેની જાણ તેમને પોતાને પણ કયાં હતી ?
કાળદેવતા આ કિશોર કિશોરીના નિર્વ્યાજ સ્નેહઝરણામાં એકાદ ક્ષણ ડૂબકી મારી.. મૌન આશીર્વાદ વરસાવતા હળવેથી ત્યાંથી ખસી રહ્યા. આ પવિત્ર,દિવ્ય વાતાવરણમાંથી ખસવાની ઇચ્છા તો તેમને યે નહોતી થતી. પણ….
અનિકેતના પપ્પા સાંજે ઓફિસેથી આવીને કહેતા,
‘ઇતિ બેટા, હવે તું થાકી ગઇ હઇશ. લાવ, થોડીવાર હું પોતા મૂકુ. પણ ઇતિ અનિકેત પાસેથી ખસવાનું નામ કેમ લે ? અનિકેતને તે પૂરેપૂરો ઓળખેને..! દવા પીવાનો કેવો ચોર છે..તેની જાણ અંકલને થોડી હોય ? અને અનિકેત માટે ઇતિ કોઇનો વિશ્વાસ કરી કેમ શકે ?
અનેકેતે તો તુરત કહ્યું, ‘હા, ઇતિ, તું જા..હવે તો પપ્પા છે ને..તે મને દવા આપી દેશે. ‘
ઇતિ કરતાં પપ્પાને પટાવવા સહેલાં હતા તે અનિકેત જાણતો હતો. પણ જવાબમાં ઇતિએ અનિકેતને હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવાનું કહ્યું. અને અંકલન
ે ..’ ના, અંકલ..તમે તમારે છાપુ વાંચો. પોતા હું મૂકુ છું. તેને દવા પીવાનો સમય થશે પછી દવા પીવડાવીને જ જઇશ. તમારી પાસે તો અનિ નખરા કરશે.
અંકલને પણ ઇતિની વાત સાચી લાગી. અને તેમણે હાથમાં પેપર લીધું અને ઇતિએ અનિકેતની સામે વિજયી અદાથી જોયું. અનિકેતે કશું બોલ્યા સિવાય ચાદર માથા સુધી ખેંચી લીધી. કદાચ તેમાં જ પોતાની સલામતી છે તે સમજતાં તેને વાર નહોતી લાગી.
અનિકેતની મમ્મી આવી ત્યાં સુધીમાં તેનો તાવ ઉતરી ગયો હતો. અને ઇતિ પોતાને કેવો હેરાન કરતી હતી ..કેવી ખીજાતી હતી..તેની ફરિયાદ અનિકેત મમ્મીને કરતો હતો. અનિકેતની મમ્મી નો વહાલભર્યો હાથ બંને બાળકો પર ફરતો હતો. ઇતિ તો ખડખડાટ હસતી હતી. અને અનિકેતની મમ્મી પોતાને માટે લાવેલ ફ્રોક પહેરીને તે કેવું લાગે છે તે અરીસામાં જોવામાં મશગૂલ હતી.
‘ બહું રૂપાળી લાગે છે..બસ હવે..’ અનિકેત ખડખડાટ હસતો હતો.
’મારી ઇતિ ગમે તે પહેરે…સરસ જ લાગે..’
અનિકેતની મમ્મીએ હમેશની જેમ પુત્રને બદલે ઇતિનું જ ઉપરાણું લીધું. અને ઇતિ વટથી અનિકેત સામે…..!
’ઇતિ, આ સાડી સાવ સાદી લાગે છે. સાવ મણિબેન જેવી તું આમાં દેખાય છે. સારી સાડી પહેર ને..’ ઇતિના કાનમાં અરૂપના શબ્દો કયાંથી….કયારે ઘૂસી ગયા ?
(દિવ્ય ભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલનો ચોથો હપ્તો…)

laghu navalakathaa સરસ ચાલી રહી છે. http://www.gadyasarjan.wordpress.com par pan mukavaa vinaNti
ખૂબ સુંદર. “માતૃત્વનો ઝરો બાર વરસની ઇતિમાં ફૂટી નીકળ્યો હતો”અમે ફરી અનુભવ્યો તેની સાથે ગાઈ ઉઠ્યા-
મૈત્રીભાવનુંગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,એ સંતોના ચરણકમળમાં,મુજ જીવનનું અર્ઘ્ય રહે …
મૈત્રીભાવનુંદીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,કરૂણાભીની આંખોમાંથીઅશ્રુનો શુભ સ્ત્રોત વહે …
મૈત્રીભાવનુંમાર્ગ ભૂલેલાં જીવન પથિકને,માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,તોય સમતા ચિત્ત ધરું …
અને
અરૂપના શબ્દો અમારા અર્ધ બહેરા કાનમાં પણ ગુંજે છે!
રોજ નવી વાતની રાહ જોઈશું
good