અરૂપ શું બોલે….3

3.... રેતીનું ઘર….

“ બોલ્યા તમે એ વાતને વરસો થઇ ગયા
દિલમા હજુ યે કેમ પડઘાય છે એ અવાજ ? “

ઇતિ અને અનિકેત… બંને વરસોથી બાજુબાજુમાં રહેતા હતા. અને બંનેના ઘર વચ્ચે…. પાડોશીઓ વચ્ચે સુગંધી સંબંધો હતા. અનિકેતના મમ્મી સુલભાબહેન અને ઇતિના મમ્મી નિશાબહેન બંને પાક્કા બહેનપણી. નિશાબહેનના ગુજરાતી વાતાવરણની મજા સુલભાબહેન માણતા તો સુલભાબહેનના ઘરના પંજાબી રીતિરિવાજોમાં નિશાબહેન સામેલ થતાં. બંને કુટુંબ વચ્ચે એક ઘરોબો સ્થપાઇ ગયેલ..કોઇ ભેદભાવ વિનાનો. ઇતિ અનિકેતની જેમ જ આ બંને બહેનપણીઓ પણ હમેશાં સાથે જ હોય. કોઇ ફોર્માલીટી વિનાના…. દિલના સંબંધોથી જોડાયેલ બંને કુટુંબો વચ્ચે ઇતિ અને અનિકેત ખીલતા રહેતા.

તે દિવસે અનિકેતની બહેનના લગ્ન હતા. બહાર મંડપ નીચે ભાંગડાની રમઝટ ચાલી રહી હતી. ઇતિ અને અનિકેત પણ નવા કપડાં પહેરી મહાલી રહ્યા હતા. અને કૂતુહલથી બધી વિધિઓ જોતા રહ્યા હતા. ઇતિ થોડી ગંભીર બનીને બધું નીરખી રહી હતી. કદાચ સાસરે જવામાં શું કરવાનું હોય તેનું નિરીક્ષણ કરી રહી હતી ! અનિકેતની બહેન આજે કેવી સરસ લાગતી હતી.. કેવી સરસ તૈયાર થઇ હતી. સાસરે જવાનું હોય ત્યારે આવું તૈયાર થવાનું હોય.. પોતે પણ આવી જ સરસ તૈયાર થશે.. પણ…ના, ના, પોતાને સાસરે જવું જ નથી..ત્યાં તો મમ્મી ન હોય..પણ કદાચ જવું પણ પડે. બધી છોકરીઓને જવું જ પડે..મમ્મી ખોટું થોડી કહે….?

અને અનિકેતની બહેનને વિદાયના સમયે રડતી જોઇ ઇતિની આંખો પણ છલકી આવી. દીદી આટલું રડે છે તો પણ આન્ટી તેને સાસરે શા માટે મોકલી દે છે તે ઇતિને કેમેય સમજાયું નહીં. અને તેમાંયે નાનકડા અનિકેતને ભેટીને તેની બહેન રડી ત્યારે અનિકેત પણ બહેનને ભેટી મોટેથી રડી પડયો..હવે બહેન તેનાથી દૂર જાય છે બીજે ઘેર તે સમજી ચૂકેલ અનિકેતના ડૂસકા શમતા નહોતા. અને અનિકેતને રડતો જોઇ ઇતિના આંસુ કેમ રોકાય ? તેને તો આન્ટી પર ખૂબ ગુસ્સો આવ્યો. પણ શું કરે ? અને પછી તો દીદી કારમાં બેસીને ચાલી ગઇ. વાતાવરણની ઉદાસી બંને ઘરમાં દિવસો સુધી પથરાઇ ગયેલી.

અને ઇતિએ તો મનમાં નક્કી કરી નાખેલ ..’ના રે, આપણે તો સાસરે જવું જ નથી ને..! ‘

અને છતાં ઇતિ સાસરે આવી જ ને ? એકદમ અચાનક આવી…ખૂબ ઝડપથી આવી.. જોકે સાસરે સાસુ તો નહોતા..કોઇ દુ:ખ પણ આમ તો કયાં હતું ? નાનપણમાં કલ્પના કરીને ડરતી હતી તેવું ખરાબ સાસરું પણ કયાં હતું ? બધું સારું જ હતું. છતાં આજે કેમ કશુંક ખૂટતું હોવાની લાગણી મનમાં જાગી રહી છે..! સાસરે શરૂઆતમાં કશો અભાવ લાગતો હોય ઇતિને તો તે દરિયાનો. નાનપણથી દરિયાકિનારે ઉછરેલ ઇતિને દરિયા સાથે એક આત્મીયતા બંધાઇ ગયેલ. દરિયા વિના તેને અતડું લાગતું હતું. પરંતુ પછી તો એના વિના પણ રહેવાની આદત પડી ગઇ. અનિકેત જેવા અનિકેત વિના પણ તે આટ્લા વરસો રહી જ ને ? તો પછી દરિયાની શી વિસાત ?

જોકે હવે તો છેલ્લા પાંચ વરસથી તેઓ ફરીથી દરિયાના સાન્નિધ્યમાં આવી શકયા હતા. અને પહેલીવાર અરૂપ સાથે દરિયે કેટલી હોંશથી..છલકતા ઉત્સાહથી ઇતિ ગઇ હતી. ભીની રેતીમાં આટલા વરસે પણ ઘર બનાવવાની ઇચ્છા જાગી હતી. પણ અરૂપને એવી બાલિશતા ન જ ગમે તેટલું તો તે જાણી જ શકી હતી. પરંતુ એ વાત અરૂપને કહ્યા સિવાય તે રહી શકી નહીં. તે અને અનિકેત રેતીમાં કેવી રીતે ઘર બનાવતા..પછી તે ઘર મોજામાં કેવા તણાઇ જતા.. તે બધી વાત કરતાં ઇતિના હૈયામાં અને આંખોમાં એક અનેરી ચમક ઉભરી આવી હતી.. વીતેલા દિવસોની મીઠી યાદ.. અને ડૂબતા સૂરજની લાલિમા તેના ચહેરા પર છવાઇ હતી. અરૂપે મૌન બની તે વાતો સાંભળી હતી. કોઇ પ્રતિભાવ આપ્યા સિવાય. ‘ આપણે દર રવિવારે દરિયે આવીશું. ‘ ઇતિ ઉત્સાહથી બોલી ઉઠી હતી. અરૂપ મૌન જ રહ્યો હતો.

જોકે દર રવિવારે દરિયે આવવાનું બનતું નહીં. કેમકે રવિવાર સિવાય અરૂપને સમય ન હોય અને રવિવારે અરૂપનો કોઇ ને કોઇ કાર્યક્રમ ગોઠવાઇ જ ગયો હોય. કયારેક પિકચર..કયારેક કલબ,,કોઇ પાર્ટી, કે પછી કોઇ મિત્રને ઘેર..કયારેક લોંગ ડ્રાઇવ પર જવાનું અરૂપને મન થતું. ઇતિ દરિયાનું કહે તો તરત ..’અરે, એ ને એ પાણી..એમાં શુ રોજ નવું હોય ? કેટલી રેતી ઊડતી હોય છે. બસ..બેન્ચ કે રેતી પર ખાલી બેસી રહો…..’

જોકે પછી ઇતિનો વિલાઇ ગયેલ ચહેરો જોઇ તુરત કહેતો ..’ઓકે..આવતા રવિવારે ચોક્કસ દરિયે બસ..ખુશ ? ‘ અને ઇતિને ખુશ થતાં કયાં વાર લાગતી હતી ? તેની સરળતા તેને વધારે અપસેટ થવા નહોતી દેતી. અને અરૂપને ગમે તે કરવા તે તત્પર બની જતી. જોકે પછી પેલો રવિવાર જલદીથી આવતો નહીં એ અલગ વાત હતી. સંજોગો જ એવા આવતા રહેતા કે દરિયે જવાનો કાર્યક્રમ જલદી બની શકતો નહીં.

બાકી તે દિવસોમાં તો…..

વરસોથી રવિવારની સાંજ દરિયાકિનારે સાથે ગાળવાનો ઇતિ અને અનિકેતના કુટુંબનો વણલખ્યો નિયમ બની ગયો હતો.ત્યાં જ જમવાનું…આખો દિવસ મોજ મસ્તી ….અને નિર્ભેળ આનંદ….

રવિવારની સાંજે સૂર્ય પશ્વિમ ક્ષિતિજે ગુલાલના છાંટણા વેરી દરિયામાં અંતિમ ડૂબકી મારી રહ્યો હોય ત્યારે બંનેના માતા પિતા વાતોમાં ડૂબેલા હોય અને બંને બાળકો… ઇતિ અને અનિકેત ભીની રેતીમાં ઘર બનાવવાના મહાન કાર્યમાં મશગૂલ હોય.

જો કે ઘર બનાવવાનું કામ તો ઇતિ જ કરતી. અનિકેત તો બાજુમાં બેઠો બેઠો નિરીક્ષણ કરે અને સલાહ સૂચન આપવાનું કામ કર્યા કરે. ઇતિ હોંશે હોંશે એ સૂચનોનો અમલ કરતી રહે. આમ પણ ઇતિનો તો સ્વભાવ જ એવો..કોઇ ખાસ આગ્રહ વિનાનો..બધાની બધી વાતનો સ્વીકાર.! એટલે અનિકેતની દરેક વાતનો સહજ સ્વીકાર થતો. તેની કોઇ પણ વાત દલીલ વિના માનવી એ ઇતિ માટે સહજ હતું. શંખલા, જાતજાતના છીપલાઓની હાર વડે ભીની રેતીમાં ઇતિ ઘરની અંદર કેટલાયે ઓરડાઓ બનાવે..

’અનિ, આ તારો રૂમ…બાજુમાં આ મારો રૂમ…અહીં આપણે રમવાનું..અને આ આપણું કીચન.. આ આપણી અગાશી…આ……’

ઇતિ ઉત્સાહથી અવિરત બોલ્યે જતી. અને અચાનક અનિકેત કહેશે,
‘ ના, ઇતિ, અહીં આ સારું નથી લાગતું. ‘ અને મહામહેનતે બનાવેલ એ ઘર એક પળના યે વિલંબ વિના વિખેરાઇ જાય…અને અનિકેતની સૂચના પ્રમાણે નવેસરથી ઇતિ ઘર બનાવવામાં વ્યસ્ત..!

કલ્પનાની પાંખે બાળવિશ્વમાં એક રંગીન દુનિયા રચાતી રહે. અને કયારેક બંનેને સંતોષ થાય તેવું ઘર બની રહે ત્યાં દરિયાનું કોઇ મોટું મોજુ ઊછળતું આવીને એક ક્ષણમાં ઘરને તાણી જાય. ઇતિ, અનિકેત જોઇ રહે…અને દુ:ખી થવાને બદલે બંનેના નિર્ભેળ હાસ્યથી દરિયાની આથમતી સાંજમાં એક ઉજાસ પ્રગટી રહે. અને ફરીથી થોડે દૂર નવું ઘર બનાવવાની મથામણો ચાલુ. કોઇ ફરિયાદ વિના..કોઇ વિષાદ વિના. અને દરેક વખતે એમાં કલ્પનાના અવનવા રંગો ઉમેરાતા રહે. આથમતો સૂર્ય બંને બાળકો પર એક હેતભરી નજર નાખી,બીજે દિવસે આવવાનો વાયદો કરી ધીમેથી પાણીમાં અંતિમ ડૂબકી મારી અદ્રશ્ય બની જાય.

આવી તો અગણિત રવિવારની સાંજ..ઘૂઘવતા દરિયાના મોજા..અને ડૂબતા સૂરજની સાક્ષી..!

કયારેક ઇતિ કહેશે, ‘ અનિ, તું યે અહીં મારી બાજુમાં બીજું ઘર બનાવ ને ‘ નાનકડો અનિકેત તરત કહે,’ ના, હું શું કામ જુદુ ઘર બનાવું ? હું તો તારા ઘરમાં જ રહીશ. ’
પણ…..

કાળદેવતાને આ બાળકો પર કદાચ વહાલ તો ઉપજતું હશે. પરંતુ તેણે તો તેના હિસાબ કિતાબ સાક્ષી ભાવે જ પતાવવાના રહ્યા ને ? અને તેના હિસાબ કિતાબ કયારેય કોઇને ગમ્યા છે ?
દિવસો હરખભેર દોડયે જતા હતા. બંનેની અન્દર વહેતી સ્નેહની સરવાણી તેમની પણ જાણ બહાર એક અલગ રંગ રૂપ ધારણ કરતી જતી હતી..બંનેની મસ્તી, દોસ્તી એક નવી ઉંચાઇ સાથે નિખરતી રહેતી.
અને તેમનું શૈશવ સાથે વીત્યું અને કિશોરાવસ્થા પણ સાથે જ…! સ્કૂલે સાથે આવવા જવાનો ક્રમ કયારેય તૂટયો નહીં. અનિકેત સાથે હોય એટલે ઇતિના મમ્મી, પપ્પાને કોઇ ચિંતા હોય જ નહીં.

સામાન્ય રીતે અનિકેત સ્કૂલમાં ઓછાબોલો અને શાંત ગણાતો હતો. પરંતુ તે દિવસે….

તે દિવસે.. સાવ નાની વાતમાં તે મલય સાથે ઉશ્કેરાઇને ઝગડી પડયો. ! વાત બોલાચાલીથી થઇ હતી અને જો શિક્ષક સમયસર વચ્ચે પડયા ન હોત તો કદાચ મારામારી સુધી પહોંચી જાત. આજે મલય અનિકેતના હાથનો માર ચોક્કસ ખાત. ઇતિ માટે અનિકેતનું આ સ્વરૂપ બહું નવું…આશ્રવર્યજનક હતું. તેને સમજાયું નહીં આજે આવી નાની વાતમાં અનિકેત આમ ઉશ્કેરાઇ કેમ ગયો ?
વાત પણ કયાં બહું મોટી હતી ? દસ વરસના ઇતિ અને અનિકેત પાંચમા ધોરણમાં ભણતા હતા. તેમની સ્કૂલમાં ટીખળી છોકરાઓ અવારનવાર છોકરીઓની મસ્તી કરતા રહેતા. અને છોકરીઓ સામાન્ય રીતે તેને હસવામાં ટાળી દેતી. અવારનવાર આવું ચાલતું રહેતું.
આજે મલયે ઇતિની મશ્કરી કરી ત્યારે અનિકેત ત્યાં જ હતો. અને બસ…! અનિકેતનો પારો સાતમા આસમાને. ઇતિના લાખ વારવા છતાં અનિકેત કંઇ સાંભળવા તૈયાર જ કયાં હતો ?

સાંજે સ્કૂલ પૂરી થયા બાદ સાથે ઘેર જતી વખતે ઇતિએ અનિકેતને પૂછયું પણ ખરું..’અનિ, આજે કેમ આટલો બધો ?..’ અનિકેત મૌન રહ્યો. જવાબ આપ્યા સિવાય તેણે એક નજર ઇતિ સામે નાખી. ઇતિએ હવે આગળ પૂછવાનું માંડી વાળ્યું. અને વાત ત્યાં પૂરી થઇ હતી.
પણ તે દિવસ પછી ઇતિની મસ્તી કરવાનું છોકરાઓ ભૂલી ગયા હતા.જોકે અનિકેતનું નામ ઇતિના બોડીગાર્ડ તરીકે પડી ગયું હતું. એ અલગ વાત હતી.પરંતુ અનિકેતને એવી પરવા કયાં હતી ?

સ્મૃતિઓના પાના ફરફર કરતાં ઊડી રહ્યા હતા. ઇતિની નજર સામે એક પછી એક દ્રશ્યો જાણે ઊઘડતા જતા હતા. જાણે આજે જ આ ક્ષણે બધું બની રહ્યું હતું.

કયાં છે ઇતિનો એ બોડીગાર્ડ આજે ? કાળની કઇ ગુફામાં ખોવાઇ ગયો ?

એ બોડીગાર્ડનું નામ અરૂપ કેમ કરતા..કયારે થઇ ગયું ? અરૂપ…..!

કાળ કરવટ લે છે ત્યારે સમય નથી બદલાતો..બદલાય છે જીવન..ઇતિનું પણ જીવન બદલાયું હતું.

( દિવ્ય ભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલનો ત્રીજો હપ્તો….)

4 Comments

  1. 1
    Dhwani Says:

    :-) didi, thodu vadhare vadhare aapo ne..atyar sudhini to bahu j mast story chhe..

  2. 2
    pragnaju Says:

    “પડઘાય છે એ અવાજ -”
    એકે એક પ્રસંગો જાણે અનુભવેલા!
    ફરી યાદ આવે-
    એ યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,
    પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,
    ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
    છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા!
    હવે તો………………………….
    એકલતાની વાત કોઠે પડી છે
    તમારી એ યાદોના ઉપવનમાં ફરશું

  3. 3
    chetu Says:

    story jakdi rakhe છ્e… sundar…!

  4. 4

    Nice story,

RSS Feed for this entry

Leave a Comment