પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

અરૂપ શું બોલે ?…2 April 11, 2008

Filed under: લઘુનવલ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 9:33 pm

2…
સાસરું એટલે ?

“ ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસોનું
મનને છે કેવું આ જર્જરિત આ જણસનું ? “

‘અનિ, તને કેટલી વાર કહ્યું.. ? મારા ચોટલાની મસ્તી નહીં હોં.! છોડ હવે..મને ખેંચાય છે. ‘
આ કોણ તેના વાળ ખેંચતું હતું ? એક ક્ષણમાં ઇતિનો હાથ અનાયાસે પોતાના વાળમાં ફર્યો. ના..ના.. ત્યાં હવે લાંબા બે ચોટલા કયાં રહ્યા હતા ? અને વાળ ખેંચવાવાળુ પણ કયાં……
અને છતાંયે નજર સમક્ષ તો……

‘ અનિ મારો ચોટલો છે. કંઇ દોરી નથી. મને ખેંચાય છે. તું રોજ ખેંચી ખેંચી ને મારા કેટલા વાળ તોડી નાખે છે..ખબર છે ? ‘
અનિકેતના હાથમાંથી ચોટલા છોડાવવાનો પ્રયત્ન કરતાં ઇતિ બોલી.. પણ એમ કંઇ અનિકેત થોડો છોડે ? ઇતિની મસ્તી કરવાનો એક પણ મોકો ગુમાવવો અનિકેતને ન જ પોષાય.

’ઓહ..! તારો ચોટલો છે ? મને તો એમ કે……. ‘ અને મમ્મીને રસોડામાંથી બહાર આવતી જોઇને અનિકેતના શબ્દો અધૂરા જ રહી ગયા. કેમકે મમ્મી તો હમેશા ઇતિનો જ પક્ષ લેવાની..તેની જાણ તેને હતી જ.
અને ઇતિ પણ એ કયાં નહોતી જાણતી ? તેણે જીભડો કાઢયો…અને….

‘ લે બોલ હવે..બહું બોલબોલ કરતો હતો ને ? આન્ટી આવ્યા એટલે બોલતી બંધ થઇ ગઇ ને ! પણ આંટી બંનેને કયાં નહોતા ઓળખતા ? બહાર આવતા જ તેણે ઇતિને અનિકેત સામે જીભ કાઢતા અને અનિકેતને ઇતિના વાળ ખેંચતા જોઇ લીધા હતા. કશું બોલ્યા સિવાય તે મોટેથી હસી પડયા. અને તેમને હસતાં જોઇ ઇતિ ,અનિકેત થોડા શાંત રહી શકે ? અને હાસ્યનું એક ઘેઘૂર પૂર…! ત્રણેના મીઠા હાસ્યથી ઓરડાની દીવાલો પણ પુલકિત પુલકિત…

સુલભાબહેનને ઇતિ ખૂબ વહાલી હતી. અને ઇતિ હતી પણ એવી જ. સૌ કોઇને પરાણે વહાલી લાગે તેવી. અને આ તો બેઉ છોકરાઓના રોજના ધમાલ મસ્તી હતા.અનિકેતની મમ્મીને આવેલ જોઇ ઇતિએ તુરત ફરિયાદ કરી.’ આંટી, અનિકેતને કહોને.. રોજ મારા વાળ ખેંચે છે..’ ’અનિ..છોડ મારી દીકરીના વાળ..રોજ બિચારીને હેરાન કરે છે.’
‘બિચારી..! અનિકેત ચાળા પાડતો બોલ્યો..તેણે મને કેટલું પાણી ઉડાડયું..જો આ મારું શર્ટ આખું ભીનુ થઇ ગયું. અને હવે તને જોઇને ચાગલી થઇને ફરિયાદ કરે છે. તારી ચમચી છે તે મને ખબર છે..’

‘ આંટી….જાણી જોઇને થોડું પાણી ઉડાડયું હતું. એ તો ભૂલથી..’ ’ અને મારાથી પણ ભૂલથી જ ચોટલા ખેંચાઇ ગયા છે. જો આમ કેવા ભૂલથી ખેંચાઇ જાય છે. ‘ અનિકેતે ફરી એકવાર ઇતિના વાળ ખેંચવાની તક ઝડપી લીધી. અનિકેત અને ઇતિની ધમાલ મસ્તીથી બંને ઘર ગૂંજતા રહેતા. લડતાં..ઝગડતાં અનિકેત..ઇતિને એકબીજા વિના જરાયે ચાલતું નહોતું એ વાત બંનેના ઘરના જાણતા હતાં. અને તેથી કયારેય બંનેના ઝગડામાં વચ્ચે પડતા નહીં. કેમકે ઝગડયા પછી પાંચ મિનિટમાં બંને સાથે ખિલખિલાટ હસતાં જ હોય.

બંધ આંખે ઇતિના ચહેરા પર આજે પણ એ મલકાટ ઝગમગી ઉઠયો.
અને દ્રશ્ય બદલાયું.
તે દિવસે ઇતિ ન જાણે કઇ વાત પર અનિકેત પર ગુસ્સે થતી હતી. અને અનિકેત સફાઇ આપતો હતો.
’ કાલે તું મને મારીને ભાગી ગઇ હતી..તેનું શું ?
’ તેં દાખલા પછી શીખડાવીશ..એમ કેમ કહ્યું હતું ? ‘
’ એ તો મારી મરજી..તું કહે એટલે મારે…..’
’ ના, તારે મારી મરજી મુજબ જ કરવાનું. ‘
’કેમ , કંઇ તારી દાદાગીરી ચાલે છે ? ‘ ’હા, ચાલે છે. જા સાત વાર ચાલે છે..તારી ઉપર તો મારી દાદાગીરી ચાલવાની જ…’

‘ચાલ, આપણે એક શરત કરીએ…હું કહું એમ તારે કરવાનું…અને તું કહે એમ મારે કરવાનું . બરાબર ?’
’હમેશા ? ‘ ઇતિએ નિર્દોષતાથી પૂછયું. ’
હા, હમેશા ..’
’ અને કયારેક હું એમ ન કરું તો ?’ અનિકેતને ગુસ્સે કરવા ઇતિએ પૂછયું.
’ તો પણ હું તો ઇતિ કહેશે એમ જ કરીશ..બસ ? ‘ ’ સ્યોર ? ‘ ’ સ્યોર..પાક્કું. ‘
ઇતિનો હાથ અનાયાસે લંબાયો…પણ પ્રોમીસ આપવાવાળો હાથ ત્યાં કયાં હતો ?

એ હાથ સમય અને સંજોગોના વમળમાં કયાંક તણાઇ ગયો હતો. પોતાને પણ એની જાણ કયાં થઇ શકી હતી ? પોતે આટલી બેપરવા તો કયારેય નહોતી…. અનિકેત વિના ઇતિ આટલા વરસો….! એક નાનકડી વાત પણ પોતે અનિકેતને પૂછયા સિવાય કયારેય કરી હતી ? ઇતિની બધી જવાબદારી અનિકેતની હતી. ઇતિ તો કયારેય કંઇ વિચારતી જ નહીં. બિન્દાસ..! બસ…અનિકેત કહે તે આંખ મીંચીને કરવાનું..સ્વીકારવાનું. અને આવડો મૉટો નિર્ણય…તેણે એકલીએ લઇ લીધો હતો ? એક ઋણાનુબંધ આમ અડધેથી છૂટી ગયો હતો…અને કોઇ અન્ય ઋણાનુબંધ અચાનક જોડાઇ ગયો હતો ? એ સિવાય આવું બની જ કેમ શકે ? રૂણાનુબંધ..! મન મનાવવાનું કોઇ સબળ કારણ કે બીજું કશું ?

પોતાની એક એક ક્ષણના સાથીદારથી આમ અચાનક જીવનભર છૂટી પડી ગઇ…? કયારે ? કેમ ? આટલા વરસે જાણ થઇ ? કે પછી અંતરના કોઇ ખૂણામાં સતત જલતા રહેલ આ ધૂપની સુવાસથી તે જાણ્યા છતાં અજાણ બની રહી હતી ?

આજે એક ફોન…. અનિકેત નામનો એક ઉચ્ચાર…અને તે કયા તાણાવાણામાં અટવાઇ ગઇ છે ? અતીતના કયા જાળાઓમાં ગૂંથાઇ રહી છે ? ઇતિએ જોશથી માથું ધૂણાવ્યું. જાણે મનમાંથી બધા વિચારો એક ઝાટકે ખંખેરી નાખવા માગતી ન હોય ! પણ…પણ એમ માથું ધૂણાવવાથી વિચારો ખંખેરી શકાતા હોત તો માણસ સહેલાઇથી સુખી થઇ શકત. પણ માનવી તો અટવાતો રહે છે.. મનની ભૂલભૂલામણીમાં…અને ઘણી વાર એ ભૂલભૂલામણી છે તેવી નથી જાણ થતી કે નથી જીવનભર તેમાંથી બહાર નીકળી શકાતું.
ઇતિ પણ કયાં નીકળી શકી હતી ? તેને તો પોતે ભૂલભૂલામણીમાં ફરતી હતી કે કેમ તેની પણ કયાં જાણ હતી ?

અતીતના ચલચિત્રની શરૂ થયેલ પટ્ટી ફરતી રહી. એક પછી એક દ્રશ્યોની વણથંભી વણઝાર…!

પ્રોમીસ આપ્યાના બીજે દિવસે સ્કૂલમાં અનિકેતના નાસ્તાના ડબ્બામાંથી સેવ મમરા ખાતા ખાતા ઇતિએ પૂછયું,

‘તને તો સેવ મમરા નથી ભાવતા..તો કેમ લાવ્યો છે ? ‘ ’ તને બહુ ભાવે છે ને એટલે..’

અને તું આ ચીક્કી કેમ લાવી ? તને કયાં ભાવે છે ? ‘ ’તને ભાવે છે એટલે..’
ખડખડાટ હસતા હસતા ઇતિએ જવાબ આપ્યો હતો. ’ અને અનિ , આજે સાંજે તારે મને દાખલા શીખડાવવાના છે એ યાદ છે ને ? ‘
‘ના, રે , આજે સાંજે તો અમે બધા છોકરાઓ ક્રિકેટ રમવાના છીએ..દાખલા કાલે..’ ’ એ હું કંઇ ન જાણું..આજે તારે મને દાખલા કરાવવાના છે બસ..તને એક વાર કહી દીધું. ‘ ’ લો, કહી દીધું..જાણે મહારાણી સાહેબાનો હુકમ ! ‘ ’હા, હુકમ તો હું હમેશા તારી ઉપર ચલાવવાની
શું સમજયો ? ‘ ’ હમેશા ? ‘ ’હા..હા..હમેશા.. ‘ બેધ્યાન ઇતિ બોલી. ’ જા..જા..તારા લગ્ન થશે એટલે તું તો સાસરે જવાની..છોકરીઓને સાસરે જવાનું હોય છે. ‘

અનિકેતે તેનું જ્ઞાન પ્રદર્શિત કરતાં કહ્યું. ’ પણ હું તો સાસરે જ નહીં જાઉં. ‘ ’ બધી છોકરીઓ એમ જ બોલે. મારી બેન પણ એમ જ બોલે છે. પણ તેના હમણાં લગ્ન થશે એટલે એ પણ સાસરે જશે.’

અનિકેતની બહેનની સગાઇ થઇ ગઇ હતી અને હવે લગ્ન આવતા હતા તેથી અનિકેતને એટલી પાક્કી જાણ હતીકે છોકરીઓએ સાસરે જવાનું હોય.તેનું જનરલ નોલેજ તેને આજે કામમાં આવ્યું.

ઇતિ થોડી ગંભીર બની ગઇ. ’ હેં અનિ, બધી છોકરીઓએ સાસરે જવું પડે ?

‘ ’હા.. છોકરીઓએ જવું પડે..’
છોકરાઓએ કેમ ન જવું પડે ? ‘
’છોકરાઓ સાસરે ન જાય..ખાલી છોકરીઓ જાય..’
’પણ એવું કેમ ?’
’ એ તો મને પણ ખબર નથી..’ મમ્મીને પૂછી જોશું.

’મારી મમ્મી પણ મને ઘણીવાર કહેતી હોય છે, ‘ સાસરે જઇશ ને એટલે ખબર પડશે. ‘ હેં અનિ, સાસરું કેવું હોય ? ‘

’મને કેમ ખબર પડે ? મેં થોડું સાસરું જોયું છે ? ‘

’મમ્મી કે’તી તી કે બધી છોકરી મોટી થાય એટલે સાસરે જાય.અને સાસરે કંઇ મમ્મી ન હોય.. પણ અનિ, મને તો મમ્મી વિના ન ગમે..મારે યે સાસરે જવું પડશે..?
રડમસ ઇતિ બોલી.

‘ હા, એ વાત સાચી. મમ્મી વિના તો કોઇને ન ગમે.આપણે મમ્મીને પૂછીશું..તું સાસરે ન જાય તો ન ચાલે ? ‘

‘ અને મમ્મી કહેતી હતી કે સાસરે મરજી પડે તેમ ન કરાય…ત્યાં સાસુ હોય…અને સાસુ કહે તેમ કરવું પડે..

’ના, ના, સાસુ નહીં અરૂપ કહે તેમ. સાસરે સાસુ તો ન હોય તેવું પણ બને. પોતાને કયાં હતી ? પણ..સાસરે અરૂપ જરૂર હોય..એ કહે તેમ કરવાનું હોય. તેને ગમે તે પહેરવાનું..તેને ગમે તેવી અને તેટલી જ વાતો કરવાની.. એ ખુશ થાય તો ખુશ થવાનું..એ દુ:ખી હોય ત્યારે દુ:ખી થવાનું..એને સાસરું કહેવાય..! ‘

ઇતિ કેટલી સમજદાર થઇ ગઇ હતી. !

વર્તમાન અને અતીતના તાણાવાણા સાથે ગૂંથાતા હતા કે શું ? પોતે આ ક્ષણે કયાં હતી ? બંને વચ્ચે ફંગોળાતી હતી કે શું ?

દિવ્યભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલનો બીજો હપ્તો…)

 

6 Responses to “અરૂપ શું બોલે ?…2”

  1. Dhwani joshi Says:

    didi, story khub j jakdi akhe em chhe…

    ”બધી છોકરી મોટી થાય એટલે સાસરે જાય.અને સાસરે કંઇ મમ્મી ન હોય.. પણ , મને તો મમ્મી વિના ન ગમે..મારે યે સાસરે જવું પડશે..?”

    mara jevi ketliye dikari o na man ma ramto sawal..!! aa line thi aagal badhu zakh zakhu vanchay chhe..!!!

  2. nilam doshi Says:

    ધ્વનિ, આગળ વાંચતા દ્રષ્ટિ ધૂંધળી બની કે શબ્દો…?

  3. વિવેક ટેલર Says:

    સુંદર લઘુનવલ…

    એક પછી એક નિતનવા આયામો સર કરતા જવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, નીલમબેન…

    “ ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસોનું
    મનને છે કેવું આ જર્જરિત આ જણસનું ? “
    -આ શેરમાં બીજી કડીમાં ઘેલું શબ્દ રહી ગયો લાગે છે:

    મનને છે કેવું ઘેલું આ જર્જરિત આ જણસનું ?

  4. સુરેશ જાની Says:

    Nice flash back technique. I have yet to try it in my stories.
    Thank you for inspiring.
    Story is slowly building up. GOOD .

  5. Dhwani joshi Says:

    આપના શબ્દો કદી ધુંધળા પડી શકે..??અરે એમાં તો એટલી તાકાત છે, કે આપ એની ધાર થી સમાજ સુધારણા ના વિચારો પણ વહાવી શક છો, નાજુક સંબંધો નું ભાવવિશ્વ પણ રચી શકો છો,અને ક્યારેક લાગણીઓ ના ઘોડાપુર ને આંખો થી વહેવડાવીપણ શકો છો..

  6. Pinki Says:

    સાસરે સાસુ તો ન હોય તેવું પણ બને.
    પણ..સાસરે અરૂપ જરૂર હોય..એ કહે તેમ કરવાનું હોય.
    તેને ગમે તેવી અને તેટલી જ વાતો કરવાની..
    એ ખુશ થાય તો ખુશ થવાનું..એ દુ:ખી હોય ત્યારે દુ:ખી થવાનું..એને સાસરું કહેવાય..! ‘

    કદાચ એકપક્ષીય લાગી શકે કોઈ વાચક/ભાવકને…
    પણ દરેક વ્યક્તિ પોતાની લાગણીને વ્યકત ના કરી શકે
    અને આપ સ્ત્રીના મનોજગતને વાચા આપી રહ્યા છો……

    મહ્.દ અંશે ભારતીય સંસ્કૃતિમાં આ જ વલણ રહ્યું છે
    તો આપનું લેખન પ્રશંસનીય જ છે.
    કારણ ભવિષ્યમાં આવા લેખો જ સમકાલીન કે દીર્ઘકાલીન
    દસ્તાવેજો પુરવાર થઈ શકે છે…!!
    વળી,સમાજ સુધારકનું કર્તવ્ય પણ કરે….સ્ત્રી પુરુષ બન્નેને જાગૃત પણ કરી શકે

    બાકી તટસ્થપણે ૧૦% પુરુષ પણ પોતાની જવાબદારી સમજતો
    થયો છે - પણ બાકીની સ્ત્રીઓ વિશે પણ વિચારવું જ રહ્યુ….. !!

Leave a Reply