પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

અરૂપ શું બોલે ? (1 ) April 9, 2008

Filed under: લઘુનવલ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 4:13 pm

1……અનિકેત આવ્યો છે..!

“ તૂટી પડે જો વાદળા યાદોના દેશના,
આંખોનું દ્વાર ભીડવું સહેલુ નથી જરાય. “

જેને પસાર થઇ ગયેલી ક્ષણો માનીને બેઠી હતી..એ ક્ષણો અંદર આટલી હદે….

એક સાદ…અને ઇતિનું જીવન એક ઝાટકે દસ વરસ પાછળ ઠેલાઇ ગયું. સ્મૃતિઓનું ઘેઘૂર વન આજે યે આટલું લીલુછમ્મ હતું. અને પોતાને પેલા કસ્તુરી મૃગની માફક તેની જાણ પણ નહોતી ? અસ્તિત્વમાં રાતરાણી, પારિજાત કે મોગરાની સઘળી સુગંધ એકસામટી કયાંથી ઉતરી આવી ? કોઇ ઝાકળભીની ગંધ મનના પટારામાં સચવાઇને પડી હતી ? અને આજે..એક સાદે…!! સમયની કઇ છીપમાં આ સંબંધ સચવાઇને અકબંધ પડયો હતો ? વરસાદ વિના આ મેઘધનુષી રંગો કયા આકાશમાં ઉગી નીકળ્યા ?

મૂગ્ધાવસ્થાના મોંસૂઝણામાં ફૂટેલ કૂંપળો ઘેઘૂર વૃક્ષ બની ને અંદર કોઇ ખૂણામાં સચવાયેલ હતી ? કેટલાક સંબંધો ની સુવાસ, કુમાશ, મુગ્ધતા અને રોમાંચ કાળના સ્પર્શથી પણ વણબોટાયેલ રહેતા હોય છે ?

અને તે અજ્ઞાત હતી..આ બધાથી.. ? મનની સામે કરેલ કિલ્લેબંદી એક કાંગરો ખરતાં જ….

ઇતિના મનની ક્ષિતિજે તેજના ટશિયા ફૂટી નીકળ્યા.
’ અનિકેત આવ્યો છે. અને તને યાદ કરે છે. બેટા, એકવાર તુરત આવી જા….’

અને વધુ વાત થાય તે પહેલાં ફોન કપાઇ ગયેલો. અને પછી લાગ્યો જ નહીં.

ફોનમાંથી રેલાતા મમ્મીના આ શબ્દો તેના મનમાં પડઘાતા રહ્યા. “અનિકેત “ હ્રદયના અજ્ઞાત ખૂણામાં થીજી ગયેલ એક નામ..! એ ઉચ્ચાર સાથે જ અસ્તિત્વમાં જાણે પીઠીવરણું પ્રભાત ઉઘડી રહ્યું. ચહેરા પર ઉષાની લાલાશ…એક ઉજાસ….! અને એ ઉજાસમાં …

આ વરસે ઇતિ પ્રથમ વાર ગૌરીવ્રત રહી હતી. અને તેથી આજુબાજુની તેના જેવડી બધી છોકરીઓ સાંજે સાથે મળીને રોજ કંઇ નવી રમતો રમતી હોય. આજે આભાની મમ્મી પોતાની દીકરીની સાથે બધી છોકરીઓને ગીત ગવડાવતા હતા અને એકશન શીખવાડતા હતા.છોકરીઓ ઉમંગે છલકતી નાચતી હતી.

‘હો મારા આંગણામાં… નાચે મોર…
કે મોર ને પૂછે ઢેલ..
કે ઢેલ ને પૂછે મોર..
કોણ આવ્યો તો ચોર ? “

અને થોડે દૂર ચૂપચાપ ઉભેલ અનિકેતને જોઇ ઇતિને જાણે ચાનક ચડી હતી..તેણે મસ્તીથી લલકાર્યું હતું

’અનિકેત આવ્યો ‘તો ચોર..’ બધી છોકરીઓએ તેને હસીને ઝિલી લીધું હતું. અને તેમના મુકત,ચંચળ હાસ્યથી વાતાવરણ ગૂંજી રહ્યું. અનિકેત રિસાઇ ગયો હતો. આમ પણ આ પાંચ દિવસથી તે થોડો એકલો પડી ગયો હતો. તે છોકરો હતો અને તેનાથી આ વ્રત ન કરાય..! ‘ કેમ ન કરાય ? ‘ એવા તેના પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેની અને ઇતિની મમ્મી કેટલું હસતા હતા ! અનિકેત ગુસ્સે થઇને ત્યાંથી દોડી ગયો હતો. પોતે છોકરી હોત તો..! એવો વિચાર પણ તેના બાળમનમાં …

અનિકેત દોડી ગયો હતો…

દોડી ગયો હતો..

દોડી ગયો હતો …જાણે એક ની એક ટેપ બંધ આંખો સામે રીવાઇન્ડ થઇ રહી હતી. કયાં ? કેમ ? ઇતિ પરસેવે રેબઝેબ….! બંધ આંખોમાં દેખાતા આ પ્રશ્નો કોઇ જોઇ તો નથી જતું ને ?અનાયાસે ઇતિની પાંપણો જોશથી બીડાઇ ગઇ.

પણ એ દિવસો હવે કયાં ?હવે એવો કોઇ ડર રાખવાની જરૂર જ નથી. હવે તો ખુલ્લી આંખમાં દેખાતી વાતો…પ્રશ્નો પણ કયાં કોઇ જોઇ શકે છે ?

અને ફ્રેમમાં બીજું દ્રશ્ય “ હાજિર હૂં.. “ કરતાં દોડીને પોતાની હાજરી પૂરાવવા ગોઠવાઇ ગયું.

વ્રતનો છેલ્લો દિવસ હતો. ઇતિને મંદિરે પૂજા કરવા જવાનું હતું. તેની મમ્મીને આગલા દિવસથી થોડું તાવ જેવું હતું. છતાં તેણે ઇતિને તૈયાર કરી. નાનકડી ઇતિ સરસ મજાના મરુન કલરના ચણિયા ચોળી, માથા ઉપર ટીપકીવાળી,ચમકતી ઓઢણી, હાથમાં મેંચીંગ બંગડીઓનો ઝૂડો, પગમાં ખનકતા ઝાંઝર, કપાળે સુન્દર ચાન્દલો, માથાથી કપાળ સુધી લટકતો નાનકડો ટીકો, ગળામાં શોભી ઉઠતો મરુન નેકલેસ, કાનમાં લટકતાં ઝૂમ્મર..! અને હાથમાં પૂજાની થાળી..!

દીકરીને શણગારી તો ખરી..પણ હવે ઇતિની મમ્મીને તાવ સાથે ઠંડી ચડી હતી. ઇતિ સાથે જવું કેમ ? ઘરમાં બીજુ કોઇ નહોતું જે તેની સાથે જઇ શકે.

ત્યાં અનિકેતના મમ્મી કેમ છે ? એમ પૂછવા આવ્યા. અને બધું સમજી ગયા. તેમણે તુરત ઇતિની મમ્મીને કહ્યું,’તમે ચિંતા ન કરો…હું ઇતિને લઇને મંદિરે જાઉં છું. તમારી પૂજામાં કોઇ ચોક્ક્સ વિધિ કરાવવાનો હોય તો મને કહો..મને કદાચ કંઇ ખબર ન પડે.’
‘ના, રે સુલભાબહેન, ત્યાં મંદિરે ગોર મહારાજ હશે જ..એ કહે તેમ કરવાનું છે. મારાથી તો..’ વચ્ચે જ સુલભાબહેન બોલ્યા,
‘ તમે શાંતિથી આરામ કરો. ઇતિ મારી પણ દીકરી જ છે ને ? એ બહાને અમે મા દીકરો પણ મંદિરે દર્શન કરી આવીશું. ‘ અને સુલભાબહેન નાનકડા ઇતિ અને અનિકેતને સાથે લઇ મંદિરે ચાલ્યા.

રોજની ચંચળ ઇતિ આજે શાંત હતી. અનિકેત ઇતિની મસ્તી કરવાનું ચૂકયો નહોતો.’ ઇતિ, આજે તું તારી પેલી ઢીંગલી છે ને… ..તેના જેવી લાગે છે.

ઇતિએ અનિકેત સામે જોયું. પરંતુ કશું બોલી નહીં. અનિકેતને ચાનક ચડી. તેણે ઇતિને વધારે ચીડવી.

‘ અને સાડી પહેરી છે તેમાં રોફ મારે છે ! કંઇ બોલતી નથી..’

‘મારી સાડી ઢીલી થઇ ગઇ છે. મારાથી સરખું ચલાતું નથી. ‘

એક હાથે સાડી પકડી ધીમે ધીમે ચાલતી ઇતિ રડમસ અવાજે બોલી ઉઠી હતી.

અનિકેત ખડખડાટ હસી પડયો. ઇતિ મોઢુ ફૂલાવી ચાલતી રહી. સુલભાબહેન પુત્રને ખીજાયા અને ઇતિને પ્રેમથી કહ્યું,’ બેટા, હમણાં મંદિરે પહોંચી સાડી સરખી કરી આપું હૉં. ‘ ઇતિએ અનિકેત સામે જોઇ જીભડો કાઢયો. અનિકેતે ઇતિ સામે હાથ ઉગામ્યો. જવાબમાં ઇતિએ પોતાને અંગૂઠો બતાવ્યો. અને પછી હમેશની માફક બંને ખડખડાટ હસી પડયા.

આ ક્ષણે પણ ઇતિનો અંગૂઠો બંધ આંખે અનાયાસે ઉંચો થઇ ગયો. જાણે અનિકેતને ડીંગો બતાવી રહી. મોઢા પર એક સુરખિ છવાઇ, એક મંદ મુસ્કાન, બંધ આંખોમાં એક પ્રતિબિંબ..અને………

ગોર મહારાજ એકી સાથે કેટલીયે છોકરીઓને પૂજા કરાવતા હતા. ઇતિ પણ તેમાં સામેલ થઇ હતી. અનિકેત અને તેની મમ્મી બાજુમાં ઉભા હતા. સાત વરસનો અનિકેત રસપૂર્વક..કૂતુહલથી બધું નીરખી રહ્યો હતો. નાનકડી ઇતિ પરમ શ્રધ્ધાથી ગોર મહારાજ કહે તે મુજબ નાગરવેલના લીલાછમ્મ પાન પાથરી તેમાં એક પછી એક વસ્તુ ગોઠવતી જતી હતી. તો ઘડીકમાં એક હાથે ઓઢણીનો છેડો સરખી કરતી જતી હતી. જવારાને નાગલા વીંટાળ્યા..કંકુ ચોખાથી વધાવ્યા. અંતે મહારાજે આરતી કરાવી.

દીવાના પ્રકાશમાં નાનકડી કુમારિકાઓના અદીઠ ઓરતા ઝગમગી ઉઠયા. ઇતિની આંખો ચમકી રહી. નિર્દોષ બાલિકાઓના ચહેરા પર એક આભા છવાઇ ગઇ હતી. પરમ આસ્થાથી ઇતિ આંખો બંધ કરી શંકર ભગવાનને વન્દી રહી હતી. અનિકેત કશું સમજયા વિના તેની સામે જોઇ રહ્યો હતો. તેનાથી પણ અનાયાસે હાથ જોડાઇ ગયા હતા.

આરતી પૂરી થતાં ઇતિ પૂરી શ્રધ્ધા અને ગંભીરતાથી સૌ છોકરીઓ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી રહી હતી. જાણે એક નાનકડી દુલ્હન ચોરીના ચાર ફેરા ફરી રહી હતી. પગમાં રૂમઝૂમ ઝાંઝર ખનકી રહ્યા હતા.

સુલભાબહેને અનિકેતને પણ ભગવાનને પગે લાગવાનું કહ્યું. બંને બાળકોને સાથે પગે લાગતા જોઇ સુલભાબહેને પણ આંખો બંધ કરી.. તેમની બંધ આંખોમાં જાણે ભવિષ્યનું કોઇ શમણુ ઉભરી આવ્યું હતું કે શું ? તેમણે ઇતિને માથે વહાલથી હાથે ફેરવ્યો. ઇતિ આંખો ખોલી આન્ટી સામે જોઇ રહી.

આજે આ ક્ષણે ઇતિ આન્ટીને અને તેમની બંધ આંખોમાં શમાયેલ શમણાને જોઇ શકતી હતી.. અને આજે તો ઓળખી પણ શકતી હતી. પરંતુ ત્યારે તો કશી સમજ કયાં હતી ? આજે આ સમજનું ભાન અચાનક આવવાથી ઇતિની આંખો ખૂલી ગઇ..ન સમજાતી અનેક વાતો……ન સમજાતા અનેક દ્રશ્યો આજે કેમ….?

એક વ્યાકુળતા….અને ઇતિએ ગભરાઇને ફરીથી જોશથી આંખો બંધ કરી દીધી.

દર્શન કરીને સુલભાબહેન બંને બાળકોને લઇ ને મંદિરના બગીચામાં બેન્ચ પર બેઠા હતા. ઘણાં બાળકો ત્યાં રમી રહ્યા હતાં અનિકેતે પણ પ્રસ્તાવ મૂકયો. ’ ઇતિ, ચાલ, તું મને પકડવા આવ. તે દિવસનો તારો દાવ દેવાનો બાકી છે યાદ છે ને ? ‘ ’ના, હોં.. સાડી પહેરીને મારાથી ન દૉડાય..એટલે હું તો હારી જ જાઉં ને ? ‘

સાત વરસની ઇતિ તેના જેવડા જ અનિકેતને કહી રહી હતી. અનિકેત વારંવાર પોતાનો દાવ આપવાનું કહી રહ્યો હતો.પરંતુ પોતે સાડી પહેરેલ હોવાથી દોડી શકે તેમ નહોતી. તેથી બોલી ઉઠી. ’ ના, હોં..આજે નહીં..’

બેંચ પર બેઠા બેઠા પગ હલાવતાં..ઝાંઝર રણકાવતા ઇતિ બોલી ઉઠી હતી. અનિકેત ઇતિના ઝાંઝરનો રણકાર સાંભળી રહ્યો હતો.

ઇતિની આંખો ફરીથી ખૂલી ગઇ. વર્તમાન અને અતીત આમ ભેળસેળ કેમ થતા હતા ? ઇતિના પગ અજાણતા આ ક્ષણે હલી ઉઠ્યા. પણ..ઝાંઝર કયાં હતા તે રણકે ? ઇતિ અભાનપણે ઊભી થઇ ને બે ડગલા ચાલી..કદાચ હવે ઝાંઝર રણકશે…..! પણ…પણ ખાલી પગ થૉડા રણકવાના હતા…!

અને અરૂપને તો ઝાંઝર ગામડિયા જેવા લાગતા હતા..!

અરૂપ…!

આ નામ જીવનમાં કયાંથી..કયારે આવી ગયું ?

( તા. 7-4-2008..દિવ્યભાસ્કર ગોલ્ડ માં પ્રકાશિત લઘુનવલનો પ્રથમ હપ્તો. )

ક્રમશ:

 

6 Responses to “અરૂપ શું બોલે ? (1 )”

  1. Vijay Shah Says:

    khuba ja saras ane bhava vahI
    Itinu nu vrat ane tenI aniket satheni balcheShtanu adbhut alekhan!
    abhinandan

  2. chetu Says:

    abhinandan didi… khub saras lakhan che..!..hamesh mujab…!!

  3. Harish Khatri Says:

    Dear Nilamben,
    Congrats on beginning of your new short novel in
    Bhaskar. Opening chapter is interesting and would make reader to
    eagerly wait for the next. Feelings of the small girl, Eeti, are very
    well depicted.
    Harish Khatri

  4. વિશ્વદીપ બારડ Says:

    wah kya javab aapka!! la-jawab!!

  5. Dhwani joshi Says:

    congratulations Nilamdidi…khub j rasprad ane bhav vahi story chhe…good going..

  6. NEETAKOTECHA Says:

    પહેલા તો ખુબ માફી માંગુ છુ. કે આટલા દિવસ થી મે આ લઘુનવલકથા વાંચી નહી…
    પણ જિંદગી ક્યારેક બહુ રસ્તા બદલાવી ને મુશ્કેલી માં મુકી દે કે કાંઇ ખબર ન પડે શું કરવું…
    પણ નીલમ દીદી હવે હું આખી વાર્તા એકી સાથે વાંચી શકીશ્..
    આજનો પહેલો હપ્તો વાંચ્યો એમ થાય છે જાણે દ્રશ્ય આખું નજર સમક્ષ ચાલે છે..
    ખુબ સરસ છે..
    હવે આખી વાર્તા સાથે વાંચી ને લખીશ…
    તબીયત સંભાળજો…

Leave a Reply