સંબંધસેતુ…8 March 24, 2008
“એ જ આશ્વાસન બધા સંબંધોનું ,
છે ગણિત અઘરું ઋણાનુબંધોનું.”
જીવનમાં ઘણી વખત અચાનક કોઇ સાથે સંબંધો જોડાઇ જાય છે. ક્ષણિક પરિચય શાશ્વત બની જાય છે. કયારેક કોઇ કારણ વિના કોઇ વ્યક્તિ ગમી જાય છે. તો કયારેક વિનાકારણ કોઇ વ્યક્તિ માટે અંદરથી અભાવ જન્મતો હોય તેવું પણ અનુભવાતું હોય છે. મનમાં નેગેટીવ કે પોઝીટીવ વાઇબ્રેશન જન્મતા રહે છે. અને સંબંધો ખીલતા કે ખરતા રહે છે. અને આવા ન સમજાય..તર્કથી બુધ્ધિથી જેનો તાળો ન મેળવી શકાય તેવા સંબંધોને આપણે ઋણાનુબંધ કહીએ છીએ. અને આ ઋણાનુબંધ કયારે કોની સાથે જોડાઇ જાય તેની સમજ નથી પડતી હોતી. તેના કારણો સમજાતા નથી.અને ત્યારે પૂર્વજન્મની લેણાદેણી કે ઋણાનુબંધ એ નામનો સહારો લેવામાં આવે છે. ઋણાનુબંધના આવા અનેક ઉદાહરણો સમાજમાં આપણી આસપાસ જોવા મળતા રહે છે.
આજે આવા જ એક સાચા ઉદાહરણની વાત કરીશ. ફકત નામ બદલેલ છે. ઘટના સાવ સાચી છે.અને આપણા અમદાવાદની જ છે.
” કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇ ને ચાલ્યો.
પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત;
પૈડુ સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે.
અને જાન ઉઘલતી મહાલે….”
અનિલ જોશીના આ શબ્દોની યાદ અપાવતા શરણાઇના કરૂણ મંગલ સૂર વાતવરણમાં રેલાઇ રહ્યા હતા. શકુંતલાને સાસરે વળાવતી વખતે કણ્વ જેવા ઋષિ પણ જો અસ્વસ્થ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસો માટે તો આ પ્રસંગ ધન્ય હોવા છતાં વહાલસોયી પુત્રીની વિદાયની ઘડી સૌ સ્નેહીજનોની આંખ છલકાવી દે તે સ્વાભાવિક જ છે ને ?
પૈડુ સીંચતી અમિતાની આંખો પણ વરસી રહી હતી. જયારે પુત્રી ઇશા ની આંખોમાં તો જાણે શ્રાવણ ભાદરવાના પૂર ઊમટયા હતા. અને કેમ ન ઊમટે ? તેની નજર સમક્ષ કેટલાયે દ્રશ્યો તરવરી રહ્યા હતા. આખી વાત કયા સંબંધની..કયા ઋણાનુબંધની હતી તે કોણ કહી શકે ?
વાતની શરૂઆત વરસો પહેલાં થઇ હતી. ઇશાની જનેતા તો હંસાબેન હતા. અને તે વરસોથી અમિતાને ઘેર કામ કરતા હતા. અને ઘરમાં પતિ દારૂડિયો હોવાથી સાત વરસની પુત્રીને એકલી રાખી શકે તેમ નહોતા. તેથી પુત્રી પણ મા ની સાથે જ અમિતાને ઘેર આવતી. તેનું નામ ઇશા પણ અમિતાએ જ હોંશથી પાડેલ અને અમિતાએ તેની પાસે કામ કરાવવાને બદલે તેને સ્કૂલમાં ભણવા બેસાડી હતી. ત્યારે હંસાબેને અમિતાને અંતરના આશીર્વાદ આપ્યા હતા. અમિતાની પોતાની પુત્રી બે વરસની હતી. નાનકડી પરી જેવી ઝરણા ઇશાને ખૂબ વહાલી હતી.સ્કૂલેથી આવી ઇશા ઝરણાને રમાડતી રહેતી. સાત વરસની ઇશા અને બે વરસની ઝરણા ..બંનેને એકબીજા વિના ચાલે નહીં. અમિતા કે તેના પતિ આકાશને પૈસાનું કોઇ અભિમાન સ્પર્શ્યું નહોતું. બંને ઉદાર દિલના અને માયાળુ હતા.ઇશ્વરે ખોબે ખોબે આપ્યું હતું.અને એ વાપરવામાં કયારેય કોઇ કંજૂસાઇ કરે તેમ નહોતા. તેમના દિલમાં છલોછલ કરૂણા ભરી હતી. તેમનું જીવન સુખ,સંતોષ અને શાંતિથી સભર હતું. આવા ઘરમાં કામ મળવા બદલ હંસાબહેન પોતાની જાતને નશીબદાર માનતા. અને દિલ દઇ ને કામ કરતા. આખા ઘરની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. તેઓ જાણે ઘરના એક સભ્ય જ બની ગયા હતા. એક ઘર ખુશીથી ચહેકતું રહેતું.
પણ અચાનક એક દિવસ હંસાબેન શાક લઇને આવતા હતા ત્યાં એક ગોઝારો અકસ્માત…અને કોઇ કશું કરી શકે તે પહેલાં જ તેમનો જીવનદીપ ઓલવાઇ ગયો. ઇશા ત્યારે દસ વરસની હતી… હંસાબેનનો દારૂડિયો પતિ તો બે વરસ પહેલાં જ અવસાન પામેલ.હવે ઇશા અનાથ હતી. પણ અમિતા અને આકાશ સો ટચના માનવ હતા. ઝરણા અને ઇશા વચ્ચે સ્નેહનો છલકતો સાગર જોઇ તેમના મનમાં એક વિચાર સ્ફૂર્યો..કે પછી ઇશ્વરે પ્રેરણા આપી..કે પૂર્વભવનોકોઇ ઋણાનુબંધ જાગ્યો…..જે હોય તે પણ અનાથ બનેલી ઇશાને અમિતા અને આકાશે કાયદેસર દત્તક લઇ લીધી. અને ઇશા ઝરણાની વહાલી મોટી બહેન બની. ઇશાને તો એ ઉમરે બીજી શું સમજણ હોય ? પરંતુ એ એટલું જરૂર સમજી કે હવે તેને હમેશા આ ઘરમાં જ રહેવાનું છે. અને હવે ઝરણાની જેમ જ તેણે પણ અમિતાબહેનને મમ્મી કહેવાનું છે. શરૂઆતમાં તો તેને આ બધું અડવું…નવું લાગ્યું. અને તે પોતાની મા ને શોધતી રહી.. પણ બાળકને પરિસ્થિતિને અનૂકુળ બનતાં સમય નથી લાગતો. અને આમ પણ સમય ગમે તેવા ઘા ને ભરવા સમર્થ છે જ. તો પછી આ તો એક નાદાન બાળકી હતી. નવા સંબંધો અપનાવતા તેને સમય ન લાગ્યો. અને આમ દેવકી ભલે હંસાબેન હતા. પરતુ યશોદા તો અમિતા જ બની. તેમણે કયારેય ઝરણા કે ઇશા વચ્ચે કોઇ ભેદભાવ ન રાખ્યા. ઇશા તો ઝરણા માટે પ્રાણ સમાન હતી. બંને બહેનો વચ્ચેનું વહાલ જોઇ અમિતા અને આકાશ ખુશી થી છલકી રહેતા.
અને આજે એ ઇશાને સાસરે વળાવતી વખતે અમિતા અને આકાશ ની આંખો તો છલકી હતી. પણ ઇશાના આંસુ કેમ રોકાય ? આ માતા પિતાએ તેને જે આપ્યું હતું તે કયા સંબંધે ? શું હક્ક હતો તેનો ? અને છતાં તે આ ઘરમાં જે પામી હતી..તેનું ઋણ ચૂકવવું કયારેય શકય હતું ખરું? જોકે અહીં તો કોઇને રૂણનો કે એવો કોઇ વિચાર પણ કયાં હતો ? ઝરણાની જેમ જ તે આ ઘરની વહાલસોયી પુત્રી બની હતી. ઝરણા તેની વહાલી દીદીને વળગી રહી હતી. અને ઇશાને પણ આ નાની..વહાલસોયી નાની બહેનથી છૂટા પડવું આકરું લાગી રહ્યું હતું.
કયું નામ આપીશું આ સંબંધને ? આ કયો ઋણાનુબંધ ? આવા સંબંધો માનવજીવનના ગૌરવરૂપ બની રહેતા હોય છે. આજે માનવીના મન સાંકડા બન્યા છે ..સંબંધો પરથી ધીમે ધીમે વિશ્વાસ ઉઠતો જાય છે. સંબંધોમાં સ્વાર્થ ભળતો રહે છે. માનવમનમાં સંકુચિતતા ની દીવાલો ચણાતી રહે છે.સંબંધોની ગરિમા ઓછી થતી જાય છે. ત્યારે ગુલમહોરની જેમ ખીલતા આવા કોઇ સંબંધો દિલને ઠંડક અર્પી જાય છે. ભરઉનાળે જેમ ગુલમહોર ખીલી ને લાલાશ પાથરી રહે છે તેમ આવા સંબંધોની સુંદરતા જીવનને લીલુછમ્મ બનાવે છે. કયારેક ચાનક કોઇ ની સાથે લાગણીના તાણાવાના જોડાઇ જાય..અને સંબંધોનું સૌન્દર્ય પ્રગટી શકે તે માનવજીવનની ધન્યતા જ ને ? આજે લોહીના સંબંધો પણ ફિક્કા પડતા જાય છે..સગાઓ વચ્ચે મીઠાશ ને બદલે કડવાશ જન્મતી રહે છે. આપ્યું..લીધું ના સરવાળા બાદબાકી..હિસાબ કિતાબ થતાં રહે છે ત્યારે કોઇ ખૂણે મહોરતા આવા સંબંધો ની સુવાસ આયખુ મહેકી ઉઠે છે. અને અન્યને પણ પોતાની મહેકથી સુવાસિત કરી રહે છે.
નામ વિનાના આવા અગણિત સંબંધો આપણી આસપાસ પથરાયેલા જોવા મળતા રહે છે. ત્યારે …..જીવન સભર લાગે છે.આવા સંબંધો જાળવવા નથી પડતા…એ આપમેળે જળવાઇ રહેતા હોય છે. બની શકે કયારેક ઇશા પણ આ રીતે કોઇને પ્રેમ અર્પી શકે…અને આ પરંપરા ચાલુ રહી શકે..એક દીપથી અનેક દીપ જલી શકે છે તે સત્યથી આપણે પરિચિત છીએ જ ને ? અને આવા અનેક દીપ પ્રગટી ઉઠે ત્યારે તેની રોશનીથી…એ પ્રકાશથી સમાજ ઝળહળી શકે. રણમાં મીઠી વીરડીની માફક આવા સંબંધો સમાજમાં ઘણી જગ્યાએ સચવાયેલ હોય જ છે. એ સંબંધો માં કોઇ હિસાબ કિતાબ નથી હોતા…આવા સંબંધોને સલામ..
(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

Yes, It is better not to give any NAME to this relation.
Let the fragrance of this relation spread in the humanity.
Beautiful Nilamben
Read jIndagi tara zuzava rupa
http://www.pravinash.wordpress.com
આંખો વરસી પડી દીદી…! ખરેખર આવા કેટ્-કેટ્લા ઋણાનુબંધ આપણને બધાને એક તાંતણે બાંધી રાખે છે.?.. લેણ દેણનાં આવા સંબંધોને કોઇ જ નામ નથી હોતુ.. અને આવા અનામી સંબંધો બીજા બધા સબંધો કરતા સફળ નીવડે છે..!
શકુંતલાને સાસરે વળાવતી વખતે કણ્વ જેવા ઋષિ પણ જો અસ્વસ્થ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસો માટે તો આ પ્રસંગ ધન્ય હોવા છતાં વહાલસોયી પુત્રીની વિદાયની ઘડી સૌ સ્નેહીજનોની આંખ છલકાવી દે તે સ્વાભાવિક જ છે ને ? આ પ્રસંગ-શાકુંતલના ચોથા અધ્યાયનો ચોથો શ્લોક વાંચી ગેથે પણ ઝૂમી ઉઠ્યો હતો!
…. અમે તો ચાર દિકરીઓને ચાર દેશમાં વળાવી અનુભવેલી વાત!
બહુ જ હ્રદયસ્પર્શી વાત .
જીવનમાં ઘણી વખત અચાનક કોઇ સાથે સંબંધો જોડાઇ જાય છે. ક્ષણિક પરિચય શાશ્વત બની જાય છે. કયારેક કોઇ કારણ વિના કોઇ વ્યક્તિ ગમી જાય છે. તો કયારેક વિનાકારણ કોઇ વ્યક્તિ માટે અંદરથી અભાવ જન્મતો હોય તેવું પણ અનુભવાતું હોય છે.
satya vachan..aavaa anubhavo no hu saaxi chu
this is too good…so sas but true story…I am away from my place but due to ur stories i can feel n touch my tradition and culture…thanks a lot.
સામાજિક સંબન્ધોની સુન્દર છણાવટ….કોઇના સબ્નધમાં ઉજાસ પ્રગટાવી શકે એ આશા અસ્થાને નથી.