નામ તો એનું ઇન્દ્ર હતું. પણ એને તો બધા ઇન્દર કહીને જ બોલાવતા. સવારથી રાત સુધી આખા ઘરમાં ઇન્દરના નામની બૂમો પડતી રહેતી. અને ઇન્દરના પગ દોડતા અને હાથ કામ કરતા રહેતા. નોકરોની જીભને બંધ રહેવાનું હોય અને હાથ પગ સતત ચાલવા જોઇએ તે ઇન્દર સારી રીતે સમજી ગયો હતો. તેના ચહેરા પર સતત સાચુકલુ હાસ્ય રમ્યા કરતું. કોઇ ફરિયાદ વિનાનું.. તેનો ચહેરો અકારણ હસતો રહેતો. નાનું બાળક હોય તો પરાણે વહાલો લાગે. પણ ઇન્દર તો ઘરઘાટી. “શું આખો દિવસ આમ ખિખિયાટા કરે છે ? એવું કયારેક સાંભળવું પણ પડતું.
જોકે ઇન્દરનું હસવુ શાંત હતુ. ઘાટીથી કંઇ મોટેથી ખડખડાટ હસાય નહીં એટલી તો આ સતર વરસના કિશોરને ભાન હતી. તેના કામમાં કયારેય કશું કહેવાપણુ ન હોય. કામમાં તે ઝડપી હતો.અંકિત શેઠના ઘરમાં બે વરસ પહેલા તેનો બાપ કામ માટે મૂકી ગયો હતો. અને કયારેય તેણે ફરિયાદનો કોઇ મોકો આપ્યો નહોતો. કામથી તે થાકતો નહીં. કોઇ આડું અવળુ વ્યસન નહીં.. માળાના બધા ઘાટીઓ બપોરે નવરા થઇને નીચે ભેગા થઇ બેઠક જમાવતા.અને પોતપોતાની શેઠાણીઓની કથા કરતા રહેતા.. નવા આવેલ ઘાટીઓને તેઓ ચીડવતા, શિખામણ આપતા..અનેક નખરાઓ શીખવતા..પણ આ ઇન્દર તો ઘરની બહાર નીકળે જ નહીં ને. હા, તેને ટી.વી. જોવાનો ગાંડો શોખ. જલદી જલદી બધા કામ પતાવી ટી.વી.ની સામે બેસવું તેને ખૂબ ગમે. ન અનુભવેલ..ન જોયેલ દુનિયાનો એહસાસ કરી તે ખુશ થતો. શેઠાણી પણ તે બહાર ન જાય ને બીજાની સંગતમાં બગડે નહીં માટે કામ પતાવી ટી.વી. જોવા દેતા. જોકે ટી.વી. પાસે ખાલી હાથે તો કયારેય બેસવા પામતો નહીં. હાથમાં કશું સુધારવાનું ..વીણવાનું કે કશું ન હોય તો તુલસીપત્ર છૂટા પાડવાનું.. એવા નાના મોટા કામો તેની પ્રતીક્ષા કરતા જ હોય. પરંતુ ઇન્દરને કામનો કયાં કંટાળો હતો ?રાત્રે પણ ટી.વી. સામે અડ્ડો જમાવી સોફા પાસે નીચે બેસી કયારેક શેઠના પગે માલિસ કરતો હોય ..કયારેક તુલસીપત્ર ચૂંટતો હોય.કયારેક ભાજી વીણતો હોય..હાથ કામ કરતા હોય અને આંખ ટી.વી.ના રંગીન પડદા પર ફરતી હોય..ચહેરા પર એ જ નિખાલસ હાસ્ય ફરકતું હોય. મૌન રહીને મરક મરક હસતાં હસતાં ટી.વી.ના પાત્રો સાથે કલ્પનાની દુનિયામાં વિહરવાની તેને કદાચ આદત પડી ગઇ હતી. આમ પણ ઘરમાં કોઇ ને કોઇ ટી.વી. જોતું જ હોય. અને ઇન્દરને વળી પસંદગી કેવી ? સમાચાર આવતા હોય કે કોઇની સીરીયલ..કે ન સમજાતું અંગ્રેજી પિકચર..ઇન્દરને કોઇ ફરક પડતો નહીં. પોતાને કોઇ પસંદગી કરવાની ન હોય તે સત્ય તે સારી રીતે સમજતો અને સ્વીકારતો. તે ખુશ હતો અને શેઠ શેઠાણી પણ ખુશ હતા.
શેઠાણીને ગમે ત્યાં જવું હોય તો ઘરની ચિંતા રહેતી નહીં. અને ઇન્દરની પ્રામાણિકતાની કસોટી તો તેની જાણ બહાર અનેકવાર તેઓ લઇ ચૂકયા હતા.અને ઇન્દર બધી કસોટીમાંથી સો ટચના સોના જેવો નીકળ્યો હતો. તેથી તેને ભરોસે ઘર છોડીને બધા આરામથી જઇ શકતા. કોઇના ફોન આવે તો પણ વ્યવસ્થિત જવાબ આપતા તે શીખી ગયો હતો. દોડીદોડીને બધાનું કામ હોંશથી કરતા આ છોકરાએ આ ઘરમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી લીધુ હતું. નોકરોના પ્રોબ્લેમથી થાકેલા લોકો અંકિત શેઠના આ સદભાગ્યની ઇર્ષ્યા કરતા,આવો સરસ નોકર મળવા બદલ તેમને નશીબદાર માનતા. કેટલાકે તો ઇન્દ્રને વધારે પગાર આપી ખેંચી જવાની કોશિશ પણ કરી લીધી હતી. પરંતુ ઇન્દરને અહીં ફાવી ગયુ હતું.
આજે પણ રોજની માફક ઇન્દર ઘરમાં એકલો હતો. તે સોફા ઝાપટતો હતો. લીસા..સુંવાળા સોફા પર તેનો હાથ નાજુકાઇથી ફરતો હતો. પોતે રોજ આ સાફ કરતો હતો.આની પર બેસવાનું કેવું લાગતું હશે.! કેટલા વખતથી આ લીસા સોફા પર એક વાર બેસીને જોવાનું તેને મન થતું હતું.કેવા અન્દર ઘૂસી જવાય છે. આમ સોફા પર બેસી આરામથી ટી.વી. જોવાની કેવી મજા પડતી હશે…!
એક મિનિટ..બસ..એક મિનિટ તે એ અનુભવ લેવા માટે સોફા પર ગોઠવાયો. હાથમાં રહેલ લૂછવાનું કપડું એકાદ મિનિટ માટે બાજુ પર મૂકી તેણે રીમોટ હાથમાં લીધું. બરાબર ત્યાં જ આજે કસમયે શેઠનો ઘરમાં પ્રવેશ થયો. દરવાજો હજુ ખુલ્લો જ હતો. શેઠને દાખલ થતાં જોઇ ઇન્દર ઓઝપાઇ ગયો. ઝડપથી તે નીચે બેસી સોફા પર કપડું ફેરવવા માંડયો. હમણાં શેઠ ખીજાશે. કોઇ દિવસ નહીં ને આજે તેને આવું કેમ સૂઝયું ? એક ભય તેની આંખોમાં તરી આવ્યો. અને આજે અચાનક… કયારેય કશું સાંભળવું પડે તેવું તેણે કર્યું નથી. પણ હવે આજે તો રંગે હાથે પકડાઇ ગયો હતો.!! એક ડર તેના આખા ચહેરા પર ફરી વળ્યો હતો. તેનું હમેશનું હાસ્ય વિલાઇ ગયું હતું.
શેઠ બે પાંચ ક્ષણ ઇન્દરની આંખમાં જોઇ રહ્યા. ન જાણે તેને ત્યાં કયું પ્રતિબિંબ દેખાયું…તેમની આંખો છલકી આવી. તેમણે ધીમેથી કહ્યું, ‘ઇન્દર, આજે બહું ઠંડી છે. નીચે ન બેસતો. નિરાંતે સોફા પર બેસ…’ અને પોતાની છલકી આવેલ આંખો ઇન્દર જુએ તે પહેલા તે અંદર ચાલ્યા ગયા. કયારેક તેને પણ આમ જ….!
nilam doshi
yes, t happens in life.
ખબર નહી… કેમ જાણે છેલ્લો ફકરો વાંચતા મારા રુંવાડા ઉભા થઇ ગયા.
VEDANA——-koi paribhasa nahi koi tafavat nahi.
વાર્તાતો ફક્ત છેલ્લી ૨ લીટીઓમાં જ વીણાઈ જવા પામી ….
ખુબ જ સુંદર …