પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

મુક્તિપળ…… March 31, 2008

એક ઘેરી સ્તબ્ધતા…અકળ સન્નાટો..કીકીઓમાં ચકળવિકળતા..સમસ્ત પ્રાણમાં જાગી ઉઠેલ વિહ્વવળતા..ક્ષણમાં આકળવિકળ અસ્તિત્વ…આંખોમાં ન ઓળખાતા અજાણ્યા ભાવોનું ઉભરાતું પૂર.. કાનમાં અથડાતાં, પણ ન સંભળાતા.. ન સમજાતા આ શબ્દો.. કયા દિગંતમાંથી રેલાઇ રહ્યા છે ? પોતે આ શું સાંભળ્યું ? મોક્ષાએ જોશથી આંખો ચોળી..ઉઘાડ બંધ કરી..શમણું ? સત્ય ? ત્યાં એ જ અર્ધબોલાયેલ..થીજી ગયેલ શબ્દો ફરીથી કાનમાં પડઘાયા. એ શબ્દોનો અર્થ સમજવા તે મથી રહી. આંખોની પૂતળીઓ સ્થિર..અસ્તિત્વ સ્થિર..!

દિલમાં કેમ અપેક્ષિત ઉથલપાથલ નથી મચતી ? વિશ્વ કેમ ખળભળી નથી ઉઠતું ? અંતરમાંથી આક્રન્દ કેમ નથી પ્રગટતું? આંખો કોરીધાકોર કેમ બની રહી ? અત્યારે તો આંખોમાંથી સમંદર નીતરતો હોવો જોઇએ..સાવન ભાદરવો વહેવો જોઇએ. તેને બદલે પોતાની અંદર આ શું થઇ રહ્યું છે ?
મોક્ષા ડરી ગઇ. ધીમે ધીમે બધાના બોલવાનો અર્થ સ્પષ્ટ થતો હતો. એક પળ…ફકત એક પળ..ધ્રૂજારીની એક લહેરખી અણુ અણુમાં ફરી વળી…અચાનક પોતાની આંખો ખુલ્લી છે..એ અહેસાસ થયો. અને તેને ડર લાગ્યો..કોઇ તેની આંખો વાંચી લેશે તો ? આંખોની જે લિપિ હજુ તો પોતે પણ ઉકેલી કે સમજી શકી નથી..એ કોઇ જાણી જશે તો ?

મૂંગા મંતર હોઠ તો મારા, પણ બોલકી આ આંખોનું શું ? “

અને ભયના એક ઓથાર સાથે તે દોડી..આકળવિકળ થઇ ને દોડી. કોઇ રોકે..કંઇ કહે, કંઇ સમજે તે પહેલાં દોડી…તેના પગના ઝાંઝર તેના દોડવાની ચાડી ખાતાં રણકી ઉઠયા. જાણે તેણે તેની ફરજ બજાવી લીધી હતી. એક ક્ષણ..એક ક્ષણ તે અટકી. ઝાંઝર સામે જોયું. એ નજરમાં ઝાંઝર માટે નર્યો તિરસ્કાર કેમ છલકતો હતો ? તેણે એક ઝાટકે પગના ઝાંઝર ઉતાર્યા..એક આવેશથી ઘા કરી પાછળ કોઇ ભૂત પડયું હોય તેમ ભાગીને સીધી દાદર ચડી ગઇ.. કયાંય એક નજર સુધ્ધાં નાખ્યા સિવાય. રૂમ માં…પોતાના રૂમ માં પહોંચી તેણે જોશથી ધડાધડ બારણું બંધ કરી દીધું. તેની છાતી ધમણની જેમ હાંફતી હતી…ઉછળતી હતી. શું થતું હતું..તે તો આ ક્ષણે પોતાને પણ કયાં સમજાતું હતું ?

ડરતાં ડરતાં… બીકણ સસલી વાઘના ભયથી આસપાસ જોઇ રહે તેમ રૂમમાં ચારે તરફ નજર કરી. કોઇ આસપાસમાં છૂપાયું તો નથી ને ? કોઇના ભણકારા..પડઘા કેમ મનમાં પડે છે ? વરસોની આદતને લીધે ? બહાવરી બની તે ચારે તરફ જોઇ રહી. વિશ્વાસ નહોતો આવતો. પલંગ નીચે, કબાટ પાછળ, બારણા પાછળ, પલંગ ની ચાદર નીચે,..કયાંય કોઇ દેખાયું નહીં.

ખરેખર ? માન્યામાં કેમ નથી આવતું ? અને છતાં આ સત્ય હતું..આ ક્ષણે તો સત્ય જ હતું.. આ રૂમમાં તે એકલી હતી. નિતાંત એકલી…કોઇના દ્રશ્ય કે અદ્રશ્ય ચોકી પહેરા સિવાય… કોઇ નો અણસાર કે ઓછાયો નહીં.. પોતાનો પડછાયો પણ નહીં.

હાંફતી છાતીને સંયમિત કરવાં તેણે ખાસ્સા પ્રયત્ન કરવા પડયા. નીચેથી ઘણાં બધાના અવાજો આવતા હતા. પણ આ પળે તેને એ બધા સાથે કોઇ નિસ્બત નહોતી. અંતરમાં એક નીરવતા હતી. તોફાન પછી ની કે પહેલાની નીરવતા..?

આ પળની કલ્પના યે તેણે કયાં કદી કરી હતી ? કે આ પળની ઝંખના પણ કયારેય દિલમાં કયાં ઉગી હતી ? પ્રતીક્ષા પણ નહોતી કરી…અરે, આવું કંઇ બની શકે એવો અણસાર આઘે આઘે પણ તેના અંતરમાં કદી ઉઘડયો નહોતો. પોતાની નિયતિ માની દરેક પરિસ્થિતિનો કોઇ ફરિયાદ વિના મૌન સ્વીકાર કરી આયખાના દિવસો ખૂટાડી રહી હતી.

પરંતુ….અત્યારે.. આ પળે તેની અંદર શું ખળભળી રહ્યું છે ? એક પછી એક આ કઇ ભરતીના મોજા મનના મહાસાગરમાં કયાંથી ધસી આવી ને ઉછાળા મારી રહ્યા છે ? કંઇ ખબર નથી પડતી. આ ખુશી નથી..તો ગમ પણ નથી, હાસ્ય નથી તો રૂદન પણ નથી.. મનની ક્ષિતિજે આ કઇ અજ્ઞાત સંવેદના ઉગી રહી છે ?

મોક્ષાએ ધીમેથી બારી ખોલી. વરસોથી જાણે કોઇના એક ધક્કાની જ પ્રતીક્ષામાં હોય તેમ ફટાક બારી ખૂલી ગઇ. અને..અને ઓહ..! આ સુરભિત વાયરો કેવા યે જોશથી આવી ને મોક્ષાને આલિંગી રહ્યો… વીંટળાઇ રહ્યો. અને મોક્ષા તો સુગંધ…સુગંધ…! સામે ઊગમણા આકાશી ઝરૂખે વીજળીનો એક ચમકાર મોક્ષાની આંખોમાં તેજના ટશિયા ભરી ગયો. આ કોરુંધાકોર આકાશ એકાએક રંગીન કાં લાગે ? વૃક્ષોની ડાળી ઓ કેમ હરખુડી થઇ ને ડોલી રહી હતી ? આ આટઆટલા પુષ્પો એકી સાથે કેમ ખીલી ઉઠયા ? પીઠીવરણી કુંવારી કન્યાની જેમ કંકાવટીમાં કુમકુમ ઘોળી ને સંધ્યા દસે દિશાઓમાં અબીલ ગુલાલના છાંટણા કેમ છાંટી રહી ? આ સાંધ્યદીપો સહસ્ત્રગણા તેજે ઝળહળી ઉઠયા કે શું ? છાતીમાં ધરબાયેલ સદાબહાર પાનખરમાં આ કઇ લીલી કૂંપળૉ અનાયાસે ફૂટી રહી હતી ? સાંધ્યઆરતી ગાતા પંખીઓનો મીઠો કલરવ તેના અસ્તિત્વમાં કેમ ગૂંજી રહ્યો ? આ કંઇ ખુશીની પળ નહોતી જ. પરમ વિષાદની આ પળે આ કયો એહસાસ તેને બહેકાવી રહ્યો છે ? ભટકાવી રહ્યો છે ? ભાન ભૂલાવી રહ્યો છે ? ઇચ્છાઓના હરણાં બેબાકળા..બહાવરા બનીને કયાં ઘૂમી રહ્યા છે ? તેની અંદર આ કયું અગોચર તત્વ પ્રગટી રહ્યું છે ? ચોતરફ આ કયું પૂર ઉમટયું છે ? કઇ ક્ષિતિજો આ પળે અચાનક તેના મનમાં ઊગી રહી છે ? આયખુ કઇ અજાણી ગંધથી મહોરી ઉઠયું છે ? અંતરમાં આ કઇ ઉથલપાથલ મચી રહી
છે ?

“ આ શ્વાસ અને ઉચ્છશ્વાસ સાથે કોણ મંથર ઉઘડે ?
જન્મ જન્માંતરના બધા થર પછી થર ઉઘડે ? “

કોણ..આ કોણ તેના કાનમાં આવી ને સંભળાવી જાય છે ? મોક્ષા ગભરાઇ ગઇ. આખા શરીરે પરસેવો બાઝી ગયો. ફરી એકવાર ગભરાઇને તેણે રૂમમાં ચારે તરફ નજર ફેરવી. અચાનક તેનું ધ્યાન ધીમેથી હલતાં પડદા તરફ ગયું. તેના મોં માંથી હળવી ચીસ નીકળી ગઇ. તો વાઘ ત્યાં સંતાયો હતો..! હિંમત કરી એકદમ ધીમે પગલે પડદા પાસે પહોંચી..આંખ બંધ કરી તેણે પડદો ખસેડયો. એક ક્ષણ ઉભી રહી. હવે પછી શું થશે..તેનાથી તે કયાં અજાણ હતી ? પણ અહો..આશ્ર્વર્ય..! તેણે પોતાના ગાલ પર, વાંસા પર ધીમેથી હાથે ફેરવ્યો. ના, કયાંય કોઇનો પ્રહાર નહોતો થયો..કયાંય લાગ્યું નહોતું. તેણે ધીમેથી આંખો ખોલી. ત્યાં કોઇ નહોતું.! પણ બાથરૂમમાંથી જરૂર કંઇક અવાજ આવતો હતો ! તેણે બાથરૂમના અધખુલ્લા બારણા માંથી અંદર એક હાંફળીફાંફળી નજર કરી. પરંતુ ત્યાં પણ કોઇ ન દેખાયું. હવે ? તે રૂમમાં ચારે તરફ પાગલની જેમ બધું ખસેડીને દોડી રહી. પણ આ શું ? તે ચાલી..દોડી તો યે પગના ઝાંઝરે ચાડી કેમ ન ખાધી ? રણકયા કાં નહીં ? તે અત્યારે કઇ જગ્યાએ છે તેની જાણકારી માટે પગમાં વરસોથી પહેરાવેલ રૂપાની એ બેડી કેમ રણકી નહીં ? ના, એ તો પોતે જ હમણાં જ કાઢીને ફેંકી દીધી હતી. ખરેખર ? હવે તેને કોઇ પાસે હાજરી નહોતી પૂરાવવાની ? શું હવે તે સ્વતંત્ર હતી ? મુકત હતી ?

એટલે…એટલે..આ શું તેની મુક્તિની પળ હતી ? મનના સાતમા પાતાળના કોઇ ખૂણે સંઘરાઇને, સચવાઇને , સંતાઇને પડેલ મુક્તિપળ ? જીવનઆકાશમાં અણધારી ઉગી નીકળેલ મુક્તિપળ..? એ અપરિચિત પળનો આ અપરિચિત અહેસાસ હતો ? મુક્તિની ઝંખના….પ્રતીક્ષા કરવા પણ કયાં કદી પામી હતી ?

મનમાં કોઇ વિચારો પણ કયારેય પ્રવેશી ન શકે એ હદે મૂઢ બનીને અર્ધમૂર્છિત અવસ્થામાં તે જીવતી હતી. ખરેખર જીવતી હતી ? હા, આ ક્ષણે તો જીવતી જ હતી. તેની સાબિતી આપતા તેના શ્વાસ જોશથી ધમણની જેમ ચાલી રહ્યા હતા. અને આ મુક્તિપળ હોય તો તે આથમી જાય તે પહેલાં……

ફરી તેની નજર બારી બહાર દોડી ગઇ. રજનીરાણી રૂપેરી ઓઢણી ઓઢી કોઇ નવોઢાની માફક, કોઇ અભિસારિકાની જેમ શરમાતી, ધીમે પગલે આકાશમાં કોને મળવા આવી રહી છે ? આ ઝગમગ રજનીને કાજળઘેરી કયા મૂર્ખે કહી હશે ? ચંદ્ર તેના બહાવરાપણા પર હસી રહ્યો છે કે શું ? ગોખમાં મલકતા સાંધ્ય દીપોનો પ્રકાશ તો લાખ લાખ સૂરજના તેજને પણ આજે ફિક્કો પાડી દે તેવો છે. આજે જ આ બધું કેમ દેખાય છે ? કે પછી આ બધું પણ આજે જ પ્રગટયું છે ?

વરસોથી બારી સુધી પહોંચવા મથી રહેલ આંગળાનો ધક્કો કોઇ અજ્ઞાત ભયને લીધે કયારેય બારી ને લાગી શકયો નહીં. તેની દુનિયા આ ચાર દીવાલમાં જ સીમિત હતી ને ? છેલ્લે તે કયારે હસી હતી ? કે રડી હતી ? વરસોથી કોઇ સંવેદન તેણે કયાં ઝિલ્યું હતું ? સિવાય સતત એક ડર..ભયનો ઓથાર… કયારે કઇ દિશામાંથી તન કે મન પર કેવો માર પડશે…એ આશંકાથી ફફડતું રહેતું મન….

તે ધીમેથી પાછી ફરી. સામે અરીસામાં તેનું ધ્યાન ગયું. અને તે ધ્રૂજી ઉઠી. આ કોણ બોલ્યું, ‘ હા, હા, અરીસામાં જોઇ લો…રાજરાણી, કેવા રૂપાળા છો તે. કોઠામાં બેસવા લાયક રૂપ સંઘર્યું છે. જાવ, ત્યાં તમારી રાહ જોવાતી હશે.’

અનાયાસે તેનો હાથ પોતાના ગાલ પર હળવેથી ફર્યો. ના, અરીસામાં જોવા છતાં કોઇ તમાચો આજે નહોતો પડયો. ! વરસો બાદ તે આયનામાં પોતાની જાતને નીરખી રહી. આ રૂપ ..આ સૌન્દર્ય..તેનો દુશ્મન બની ગયું હતું. ? કે પછી બીજલનું સંકુચિત, વિકૃત..લઘુતાગ્રંથિથી પીડાતું માનસ તેનો દુશ્મન બની જિંદગી વેરાન કરી રહ્યું હતું ? ભરબપોરે રણને યે તરસનો એહસાસ થતો હશે… જળની ઝંખના જાગતી હશે પણ પોતે તો બિલકુલ મૂઢ…જડની જેમ એવા કોઇ અહેસાસથી પર થઇ ગઇ હતી. જિંદગી જાણે ઠિંગરાઇ ગઇ હતી.

અને આ કંઇ આજકાલની વાત થોડી જ હતી ? શૈશવ એટલે શું ? તેનો કોઇ આનંદ હોઇ શકે તેવી તેને ખબર જ કયાં હતી ? બીજા બાળકોને ઘણીવાર તે રમતાં જોતી ત્યારે તેને અપાર આશ્ર્વર્ય થતું. આ બધાને તેમની મા મારતી નહીં હોય? ધીમે ધીમે સમજણની ક્ષિતિજો થોડી વિસ્તરતાં ખબર પડી કે પોતે જન્મથી અભિશાપ લઇ ને જન્મી હતી. મા તો પોતાને જન્મ આપી ચાલી ગઇ હતી. સાવકી મા ના રાજમાં કયારેય પિતાની ઉષ્મા પણ પામી શકી નહીં. તેનું રૂપ અદભૂત હતું. પરાણે વહાલી લાગે તેવી એ કિશોરીને કયારેય ચપટી ભરીને વહાલ મળ્યું નહીં. કિશોરાવસ્થામાં યે શમણાં સુધ્ધાં જોઇ શકી નહીં. જીવનમાં વસંત કદી આવી જ નહીં. કોઇ લીલીછમ્મ કૂંપળ ક્દી ફૂટી જ નહીં. અને અઢાર વરસ પૂરા કરે તે પહેલાં જ સાપના આ સુંદર ભારાને જે પહેલો છોકરો દેખાયો તેને વળગાડી દીધો. બીજલ નું તન તો કદરૂપુ હતું જ. પણ મન તો એથી યે વધું…! એક વિકૃત માનસ, સતત લઘુતાગ્રંથિ, શંકા, પત્નીના અનર્ગળ રૂપે અને પોતાના કદરૂપાપણાના ભાને તેને વધુ વિકૃત બનાવ્યો. સાત જનમના મૂંઝારા અને આઠ જનમની કેદ માં તે પૂરાઇ હતી. ભમ્મરિયા કૂવામાં ઘૂમરાતી રહી. ક્ષણના તાર પર અને ઇચ્છાઓના દ્વાર પર મણમણના તાળા વસાઇ ગયા હતા. અને શરૂ થઇ હતી યાતનાની એક વણથંભી વણઝાર.

અચાનક મોક્ષા ચમકી. કયાં ખોવાઇ ગઇ હતી તે ? કેટલા યુગો જાણે થોડી પળૉમાં જીવી લીધા. કોઇ બહાર બારણા ખખડાવી રહ્યું હતું. તેને ભાન આવ્યું. પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. હવે ? નીચે માણસો એકઠા થઇ ગયા લાગતા હતા. મોક્ષાએ પોતાના હાથ સામે નજર કરી. ગળા પર હાથ ફરી વળ્યો. હાથમાં કાચની લાલ બંગડીઓ ખનકી રહી. અને ગળામાં મંગલસૂત્ર..સૌભાગ્યનું પ્રતીક ઝૂલી રહ્યું હતું. તેણે એક ઝાટકે બંગડીઓ તોડી.. મંગલસૂત્ર ખેંચી કાઢયું. ખનનન..કરતાં કાળા પારા જમીન પર વેરાઇ રહ્યા, પગ નીચે કચડાઇ રહ્યા. હાથમાં કાચ ના ટુકડા અને તૂટેલ મંગલસૂત્ર લઇ વિક્ષિપ્ત મોક્ષાએ દરવાજો ખોલ્યો.

બીજલના મિત્રો, સગા વહાલાઓ એકઠા થઇ ગયા હતા. મોક્ષાના હાથમાં બંગડીના ટુકડા અને તૂટેલ મંગલસૂત્ર જોઇ બધાની આંખમાં સહાનુભૂતિ… કરૂણતા ઉભરી આવી. હમેશાં બીજલની સાથે જ તેમણે મોક્ષાને જોઇ હતી. અને એટલે અકસ્માતના આવા ભયંકર સમાચાર સાંભળી ..અચાનક આવી પડેલ વૈધવ્યના દુ:ખને સહન કરવું થૉડું આસાન છે ? એ સૌનો સ્વાભાવિક પ્રત્યાઘાત હતો. બધાએ હમેશાં પતિ પત્નીને સાથે જ જોયા હતા. મોક્ષા એકલી તો કયારેય બહાર નીકળતી જ નહોતી ને.! એ તેઓ કયાં નહોતા જાણતા ? એટલે આ ક્ષણે મોક્ષાને કેટલું એકલવાયું લાગતું હશે..તે કલ્પવું તેમને માટે અઘરું નહોતું. બધા તેને આશ્વાસન આપતા હતા. પણ એ શબ્દો મોક્ષા સુધી કયાં પહોંચતા હતાં ? પતિના અવસાનના અચાનક લાગેલ આઘાતથી મોક્ષા રડી સુધ્ધાં નથી શકતી…મૂઢ બની ગઇ હતી..એ વિચારે બધા તેને રડાવવાના પ્રયત્નો કરતાં રહ્યા. મોક્ષાની આંખો કોરીધાકોર…. અને કાન બહેરા….!

‘ બિચારી, હજુ કયાં એવડી મૉટી થઇ ગઇ છે ? હજુ તો પાંત્રીસ માંડ થયા હશે. ત્યાં આ દુ:ખ..? ‘

‘ અને નથી બિચારીને છૈયા છોકરા.. હવે કોના આધારે…? ’ ’ બીજલભાઇ એક મિનિટ તેને રેઢી નહોતી મૂકતા. તેના વિના જરા વાર પણ કયાં રહી શકતા હતા? કેટલો પ્રેમ હતો ! ‘ ’ અરે, એટલે તો ઓફિસ સુધ્ધાં ઘરમાં જ બનાવી હતી. મોક્ષા વિના એક ઘડી યે ન ચાલે ને તેમને. નશીબદાર હોય તેને ધણીનો આવો પ્રેમ મળે..’ ‘ આ તો આજે પહેલીવાર એકલા જવું પડયું..અને ….આ અકસ્માત….’

‘ આઘાત તો લાગે જ ને ? બિચારીના આંસુ યે સૂકાઇ ગયા છે. કેવી મૂઢ બની ગઇ છે ? ’

મોક્ષા ચૂપચાપ જડની માફક સંવાદો સાંભળી રહી.

અને પછી તો માણસો..સગા સ્નેહીઓ આવતા ગયા. બીજલના બા ગામડે એકલાં રહેતાં..તે પણ આવ્યા. લૌકિક ક્રિયાઓ બધી થતી ગઇ. ગીતાપાઠ, ગરુડપુરાણ વંચાતા રહ્યા. મોક્ષા એક ખૂણામાં સફેદ સાડલો પહેરી મૌન બની બેસી રહેતી, તેની અંદર મેઘધનુષી રંગો ઉમટી રહ્યા હતા. પણ…..

સામે બીજલના ફોટા પર સુખડનો હાર મઘમઘતો હતો. તેનો કદરૂપો ચહેરો હારથી સુંદર દેખાવાને બદલે વધારે કદરૂપો લાગી રહ્યો હતો.

મોક્ષા જરાયે ડર્યા સિવાય આજે પહેલીવાર તેની સામે એકીટશે જોઇ રહી હતી. પોતાના ઝાંઝર વિનાના….કોઇ બેડી વિનાના પગ જાણે તે બીજલને બતાવી રહી. બધા તેની દયા ખાતા હતા. ત્યાં તેના સાસુ ‘ મોક્ષાની તબિયત સારી નથી થોડીવાર ઉપર ભલે સૂતી. અહીં તો હું છું ને ? ‘ કહી ધીમે ધીમે મોક્ષાનો હાથ પકડી ઉપર લઇ ગયા. અને તેને ઉપર જ સૂઇ રહેવાની સૂચના આપી પોતે નીચે બધું સંભાળી લેશે એમ કહી કોઇ આવે તે પહેલાં બારણું અટકાવી , મોક્ષા સામે એક નજર નાખી નીચે ઉતરી ગયા. જતાં જતાં સાસુની આંખો તેને કંઇક કહેતી હોય તેવું કેમ લાગ્યું ? શું કહેતી હતી એ આંખો ?

પોતાના લગ્ન થયા ત્યારે સાસુને અલપઝલપ જોયેલા. પછી સાસુ ગામડે ચાલ્યા ગયેલ. સાસુનો પરિચય પામવાનું કયારેય બન્યું નહીં. મા દીકરા વચ્ચે લાગણી તો શું બોલવાનો પણ કોઇ વહેવાર હોય તેવું તે કયારેય જાણી શકી નહોતી. પૂછી શકાય તેવું પણ કોણ હતું ? કે એવી અનુકૂળતા પણ કયાં હતી ? આજે આ સંજોગોમાં સાસુનો આ પહેલો પરિચય. તે થોડી ગભરાઇ. હવે પછીના તેના ભવિષ્યનો દોર સાસુના હાથમાં હશે ? સાસુની આંખો કંઇક કહેતી હતી કે શું?
એકાએક તે સફાળી ઉભી થઇ. ધીમેથી ત્યાં રાખેલ બુલબુલના પિંજર પાસે પહોંચી. હજુ ગઇ કાલે જ આ પિંજર પાસે ઉભા ઉભા તેના મનમાં કેવા વિચારો ઉભરાતા હતા.

પિંજરમાં બંધ બુલબુલને કેવી નિરાંત હતી. રોજ સવાર પડે ને બધાની જેમ ખોરાકની શોધમાં ભટકવાની કોઇ ઝંઝટ નહીં. બધું તૈયાર ઘેર બેઠા મળી જાય..મન થાય ત્યારે પાંખો ફફડાવવાની. ઉડવાની ઉપાધિ જ નહીં ! મોક્ષા એકી ટશે બુલબુલ સામે તાકી રહી હતી..બધા કહેતા, “ બુલબુલ કેવું સરસ ગાય છે…કેવું મીઠું બોલે છે. કલરવથી તમારા ઘરને ગૂંજતું રાખે છે. “

પણ ન જાણે કેમ મોક્ષાને તો કયારેય બુલબુલનું ગીત સંભળાયું જ નહીં. તેને તો સંભળાતું હતું..બુલબુલનું રૂદન… એક નાનકડું પક્ષી એકીટશે પોતાની સામે જોઇ રહેતું કંઇક કહેવા મથી રહ્યું હોય તેવું કેમ લાગતું હતું ? તેની આંખોમાં વણલખી કઇ આજીજી તેને વંચાતી હતી ?

મીઠી નદીઓ સાગરમાં ભળી જઇ ને ખારી બની જાય છે. કવિઓ તેને સમર્પણનું રૂપાળુ નામ આપે છે..પણ કોને ખબર છે..એ મજબૂરી પણ હોઇ શકે. મીઠી નદીને ખારી બનાવતા સમન્દર માટે તેના મનમાં રોષ કેમ જાગતો રહ્યો હતો ? મનમાં એક ગોરંભો ઘેરાતો રહેતો. વાદળા વરસતાં અને આકાશનો ગોરંભો તો સાફ થઇ જતો. તેને હમેશાં વાદળની ઇર્ષ્યા આવતી. કેટલા નશીબદાર છે..! છલકાઇ જાય..ભરાઇ જાય..એટલે વરસી તો શકે..વરસાવા માટે પૂર્ણપણે ભરાવું એ જ એક માત્ર શરત. અને ભરાઇ જાય એટલે સૂરજ જેવાં સૂરજને પણ ઢાંકી દે. વરસીને… અન્યને તૃપ્ત કરી શકે. તેના નશીબમાં તરસવાનું કે વરસવાનું કંઇ જ નહોતું લખાયું ?

કેટલીયે વાર વિચારોના વંટોળથી થાકેલી મોક્ષા બુલબુલના સુંદર પિંજરને એકીટશે તાકતી રહેતી..બુલબુલ પાસે જતી. . હળવેથી પિંજરનું દ્વાર ખોલવા તેના હાથ આગળ આવતા. પણ…પણ પછી અટકી જતાં. અનાયાસે પાછા વળી રહેતા.. બંધ દ્વાર ખોલવું કંઇ આસાન હતું ? કેટકેટલા કોઠા ઓળંગવા પડે..આ બંધ પિંજર ખોલતા પહેલાં ? છે પોતામાં એટલી હિંમત ? બંધ બારણાને ધીમેથી સ્પર્શી તે પાછી વળતી….

પણ.. આજે…આજે તો કાળે કરવટ બદલી હતી. આ પળે તો તે… મુકત છે. બિલકુલ મુકત. એ ભાન અંતરમાં ઉગી આવતાં તેણે ધીમેથી પિંજર ખોલ્યું. બુલબુલે જાણે મોક્ષાની સામે જોયું. થોડી પળો તો કંઇ સમજી ન શકયું. આ અચાનક આવી ચડેલ સ્વતંત્રતાનું શું કરવું તે તેને સમજાયું નહીં. બીજી પળે તેણે અનંત આસમાન સામે અને પિંજરના ખુલ્લા દ્વાર સામે જોયું. એક ચક્કર આદત મુજબ પિંજરમાં જ લગાવ્યું. અને મોક્ષાને ‘ થેન્કયુ ‘ કહી તેની સામે એક નજર નાખી, આસમાનમાં વિહરતાં તેના સાથીઓ..સ્નેહીઓ સાથે વાતો કરવાં ઊડી ગયું. મોક્ષા નીતર્યા આનંદની અનુભૂતિ પહેલીવાર માણી રહી.

આજે તેને વાદળાની ઇર્ષ્યા ન આવી. તેર…ફકત તેર દિવસ સુધી આ અંચળો ઓઢીને ફરવાનું હતું. પછી તે આઝાદ હતી. તે ગીત ગાઇ શકશે..આયનામાં જોઇ શકશે. બધા સાથે વાતો કરી શકશે. ઇચ્છા થશે તે ખાઇ શકશે..બનાવી શકશે..તેના તન, મન પર રોજ નવાં નવાં ઉઝરડાઓ..જખમો નહીં હોય. અને..અને ખાસ તો બારી પાસે..બારી ખોલીને અસીમ આકાશને માણી શકશે. પંખીઓના કલરવ. પુષ્પની સુગંધને હૈયામાં ભરી ને છલકી શકશે. ઊગતા, આથમતા સૂર્યને, ઉષા, સંધ્યાની રંગછટાને મનભરી નીરખી શકશે. અમાસની રાતે તારલાનું સૌન્દર્ય ખુલ્લી આંખે માણી શકશે. કેટકેટલી નાની નાની છતાં અતૃપ્ત ઇચ્છાઓ..! પણ..પણ..

સાસુ.. એક અજ્ઞાત ભય ફરી એકવાર તેના ત્રસ્ત ,બીકણ બની ગયેલ મનમાં ફરી વળ્યો.

આ પળે તો જોકે બહું સારું લાગ્યું. સાસુ તેને ઉપર તેના રૂમમાં મૂકી ગયા. એકલી મૂકી ગયા હતા. તેણે અરીસા માં નજર કરી. નિરાંતે પોતાની જાતને જોઇ. મોં પર ફિક્કાશ હતી. કોઇ માવજત વિના રૂપ થોડું કરમાયું હતું. પણ છતાં તેને સારું લાગ્યું. વરસો બાદ..કદાચ પૂરા સતર વરસો બાદ તે મોકળા મને આયનામાં જાતને નીરખવા પામી હતી.

અચાનક તેને નાહવાની ઇચ્છા થઇ આવી. આ સમયે નહાવાય ? બહું હિંમત તો નહોતી ચાલતી. પરંતુ બદલાયેલ સંજોગો એ તેને થોડી તાકાત આપી. એ બાથરૂમમાં ગઇ. ફુવારા નીચે ઉભી રહી. ઠંડા પાણીની છાલક તેના તન, મનને ભીંજવી રહી. વાંસા માંના ઉઝરડા પર પાણી પડતાં થોડું સારું લાગ્યું. કેટલાયે જખમ તાજા હતા. વાસી કે તાજા..જખમોની કયાં ખોટ હતી ? મન તો કોઇ જખમ…ઉઝરડાની પીડા પણ હવે નહોતું અનુભવી શકતું. તન દર્દથી ચીખતું રહેતું. કોઇને ન દેખાય તેવી જગ્યાએ ઉઝરડાઓ ઉમેરાતા રહેતાં. જખ્મો દૂઝતાં રહેતાં. પણ ના, આજે તેને એ કંઇ યાદ નથી કરવું. તે પાણી ની શીતળ, મીઠી ફુહારને માણી રહી. જાણે વરસતા પહેલાં વરસાદમાં ભીંજાઇ રહી.

નહાવાથી તેને થોડું સારું લાગ્યું. એક હાશકારો અનુભવાયો. નીચે જાતજાતના અવાજો આવતા હતાં. ગીતાપાઠ કદાચ હજુ ચાલુ હતાં. બીજલને અને ગીતાપાઠ ને કોઇ સંબંધ ખરો ? તેના મનમાં અનાયાસે પ્રશ્ન ઉઠયૉ. તે પલંગ પર આડી પડી. ઓહ ! આજે તે પલંગ પર એકલી સૂતી હતી ! આજે કોઇ તેનું શરીર ચૂંથવાનું નહોતું. કોઇ બળાત્કાર નહીં ..કયાંય કોઇ યાતના નહીં..સિગરેટના ડામ નહીં. કોઇ દંતક્ષત નહીં. કોઇના નખના ઉઝરડા નહીં. કોઇ શબ્દોની ચોટ નહીં. ! આવા સરસ ભવિષ્યની કલ્પના યે તેને કયાં આવી હતી ? એક દિવસ આમ જ તે ઇશ્વરને ફરિયાદ કરવા પહોંચી જશે..એમ સ્વીકારી લીધું હતું. આત્મહત્યા કરવાની તાકાત પણ તેનામાં કયાં રહી હતી ? અને આજે..અચાનક ઇશ્વર જાણે તેના પર……? આવું વિચારાય ? પાપ લાગે ?

મનને કોઇ જવાબ મળે તે પહેલાં નીચેથી સાસુનો અવાજ સંભળાયો,’ લાવ, હું જ ઉપર જઇ ને જમવાનું આપી આવું. તેને બહુ વસમુ લાગ્યું છે. આ આઘાત જીરવવો કંઇ સહેલો છે ? સૂનમૂન થઇ ને પડી છે. ઉઠવાની યે કયાં તાકાત છે ? અંદર જ સોસવાય છે. તમે બધાં જમતાં થાવ..ત્યાં હું આવું છું. ‘

સાસુ ધીમે પગલે બધા ને શું યે સમજાવી ઉપર આવ્યા. અંદર આવી બારણું બંધ કર્યું. હાથમાં રહેલ થાળી એક તરફ મૂકી ‘ બેટા, ચાલ ખાઇ લે. ‘ આ અવાજ સાંભળી, બંધ કરી દીધેલ આંખો મોક્ષાએ ખોલી. સાસુ સામે જોયું. કોઇ ભયનો એહસાસ ન થયો. તે ઉભી થવા ગઇ. ઘસીને લૂછાવાથી વાંસાના જખમમાંથી લોહી નીતરતું હતું કે શું ? તેના મોં માંથી એક આછો ઉંહકારો નીકળી ગયો. સાસુ એ તે સાંભળ્યો. કંઇ બોલ્યા સિવાય ઉભા થયા. કયાંકથી કોઇક મલમ લઇ આવ્યા, મોક્ષાને આંખથી જ કદાચ પાછળ ફરવાનું કહ્યું કે કેમ..પણ મોક્ષા પાછળ ફરી. સાસુએ જખમ પર હળવે હાથે મલમ લગાવ્યો. અને તેના ગળામાંથી અસ્ફૂટ શબ્દો સરી રહ્યા,

’ મને તો કોઇ મલમ લગાડી આપવાવાળું પણ કયાં હતું ? તું સતર વરસ બાદ છૂટી. હું પૂરા ત્રીસ વરસ બાદ …..’

મોક્ષા સડાક દઇ ને આગળ ફરી. સાસુની સામે એક ક્ષણ જોઇ રહી. સાસુએ ધીમેથી માથુ હલાવી મોક્ષાએ ન પૂછેલ પ્રશ્નનો જવાબ આપ્યો. સાસુની વરસતી આંખોમાં મોક્ષાની આંખોના નીર ભળી રહ્યા.

સાસુ વહુ એકબીજાને નરી મમતાથી આલિંગી રહ્યા.

નીલમ દોશી.

( નવનીત સમર્પણ…એપ્રિલ 2008માં પ્રકાશિત વાર્તા..)

 

સંબંધસેતુ…8 March 24, 2008

“એ જ આશ્વાસન બધા સંબંધોનું ,
છે ગણિત અઘરું ઋણાનુબંધોનું.”

જીવનમાં ઘણી વખત અચાનક કોઇ સાથે સંબંધો જોડાઇ જાય છે. ક્ષણિક પરિચય શાશ્વત બની જાય છે. કયારેક કોઇ કારણ વિના કોઇ વ્યક્તિ ગમી જાય છે. તો કયારેક વિનાકારણ કોઇ વ્યક્તિ માટે અંદરથી અભાવ જન્મતો હોય તેવું પણ અનુભવાતું હોય છે. મનમાં નેગેટીવ કે પોઝીટીવ વાઇબ્રેશન જન્મતા રહે છે. અને સંબંધો ખીલતા કે ખરતા રહે છે. અને આવા ન સમજાય..તર્કથી બુધ્ધિથી જેનો તાળો ન મેળવી શકાય તેવા સંબંધોને આપણે ઋણાનુબંધ કહીએ છીએ. અને આ ઋણાનુબંધ કયારે કોની સાથે જોડાઇ જાય તેની સમજ નથી પડતી હોતી. તેના કારણો સમજાતા નથી.અને ત્યારે પૂર્વજન્મની લેણાદેણી કે ઋણાનુબંધ એ નામનો સહારો લેવામાં આવે છે. ઋણાનુબંધના આવા અનેક ઉદાહરણો સમાજમાં આપણી આસપાસ જોવા મળતા રહે છે.

આજે આવા જ એક સાચા ઉદાહરણની વાત કરીશ. ફકત નામ બદલેલ છે. ઘટના સાવ સાચી છે.અને આપણા અમદાવાદની જ છે.

” કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇ ને ચાલ્યો.
પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત;
પૈડુ સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે.
અને જાન ઉઘલતી મહાલે….”

અનિલ જોશીના આ શબ્દોની યાદ અપાવતા શરણાઇના કરૂણ મંગલ સૂર વાતવરણમાં રેલાઇ રહ્યા હતા. શકુંતલાને સાસરે વળાવતી વખતે કણ્વ જેવા ઋષિ પણ જો અસ્વસ્થ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસો માટે તો આ પ્રસંગ ધન્ય હોવા છતાં વહાલસોયી પુત્રીની વિદાયની ઘડી સૌ સ્નેહીજનોની આંખ છલકાવી દે તે સ્વાભાવિક જ છે ને ?

પૈડુ સીંચતી અમિતાની આંખો પણ વરસી રહી હતી. જયારે પુત્રી ઇશા ની આંખોમાં તો જાણે શ્રાવણ ભાદરવાના પૂર ઊમટયા હતા. અને કેમ ન ઊમટે ? તેની નજર સમક્ષ કેટલાયે દ્રશ્યો તરવરી રહ્યા હતા. આખી વાત કયા સંબંધની..કયા ઋણાનુબંધની હતી તે કોણ કહી શકે ?

વાતની શરૂઆત વરસો પહેલાં થઇ હતી. ઇશાની જનેતા તો હંસાબેન હતા. અને તે વરસોથી અમિતાને ઘેર કામ કરતા હતા. અને ઘરમાં પતિ દારૂડિયો હોવાથી સાત વરસની પુત્રીને એકલી રાખી શકે તેમ નહોતા. તેથી પુત્રી પણ મા ની સાથે જ અમિતાને ઘેર આવતી. તેનું નામ ઇશા પણ અમિતાએ જ હોંશથી પાડેલ અને અમિતાએ તેની પાસે કામ કરાવવાને બદલે તેને સ્કૂલમાં ભણવા બેસાડી હતી. ત્યારે હંસાબેને અમિતાને અંતરના આશીર્વાદ આપ્યા હતા. અમિતાની પોતાની પુત્રી બે વરસની હતી. નાનકડી પરી જેવી ઝરણા ઇશાને ખૂબ વહાલી હતી.સ્કૂલેથી આવી ઇશા ઝરણાને રમાડતી રહેતી. સાત વરસની ઇશા અને બે વરસની ઝરણા ..બંનેને એકબીજા વિના ચાલે નહીં. અમિતા કે તેના પતિ આકાશને પૈસાનું કોઇ અભિમાન સ્પર્શ્યું નહોતું. બંને ઉદાર દિલના અને માયાળુ હતા.ઇશ્વરે ખોબે ખોબે આપ્યું હતું.અને એ વાપરવામાં કયારેય કોઇ કંજૂસાઇ કરે તેમ નહોતા. તેમના દિલમાં છલોછલ કરૂણા ભરી હતી. તેમનું જીવન સુખ,સંતોષ અને શાંતિથી સભર હતું. આવા ઘરમાં કામ મળવા બદલ હંસાબહેન પોતાની જાતને નશીબદાર માનતા. અને દિલ દઇ ને કામ કરતા. આખા ઘરની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. તેઓ જાણે ઘરના એક સભ્ય જ બની ગયા હતા. એક ઘર ખુશીથી ચહેકતું રહેતું.

પણ અચાનક એક દિવસ હંસાબેન શાક લઇને આવતા હતા ત્યાં એક ગોઝારો અકસ્માત…અને કોઇ કશું કરી શકે તે પહેલાં જ તેમનો જીવનદીપ ઓલવાઇ ગયો. ઇશા ત્યારે દસ વરસની હતી… હંસાબેનનો દારૂડિયો પતિ તો બે વરસ પહેલાં જ અવસાન પામેલ.હવે ઇશા અનાથ હતી. પણ અમિતા અને આકાશ સો ટચના માનવ હતા. ઝરણા અને ઇશા વચ્ચે સ્નેહનો છલકતો સાગર જોઇ તેમના મનમાં એક વિચાર સ્ફૂર્યો..કે પછી ઇશ્વરે પ્રેરણા આપી..કે પૂર્વભવનોકોઇ ઋણાનુબંધ જાગ્યો…..જે હોય તે પણ અનાથ બનેલી ઇશાને અમિતા અને આકાશે કાયદેસર દત્તક લઇ લીધી. અને ઇશા ઝરણાની વહાલી મોટી બહેન બની. ઇશાને તો એ ઉમરે બીજી શું સમજણ હોય ? પરંતુ એ એટલું જરૂર સમજી કે હવે તેને હમેશા આ ઘરમાં જ રહેવાનું છે. અને હવે ઝરણાની જેમ જ તેણે પણ અમિતાબહેનને મમ્મી કહેવાનું છે. શરૂઆતમાં તો તેને આ બધું અડવું…નવું લાગ્યું. અને તે પોતાની મા ને શોધતી રહી.. પણ બાળકને પરિસ્થિતિને અનૂકુળ બનતાં સમય નથી લાગતો. અને આમ પણ સમય ગમે તેવા ઘા ને ભરવા સમર્થ છે જ. તો પછી આ તો એક નાદાન બાળકી હતી. નવા સંબંધો અપનાવતા તેને સમય ન લાગ્યો. અને આમ દેવકી ભલે હંસાબેન હતા. પરતુ યશોદા તો અમિતા જ બની. તેમણે કયારેય ઝરણા કે ઇશા વચ્ચે કોઇ ભેદભાવ ન રાખ્યા. ઇશા તો ઝરણા માટે પ્રાણ સમાન હતી. બંને બહેનો વચ્ચેનું વહાલ જોઇ અમિતા અને આકાશ ખુશી થી છલકી રહેતા.

અને આજે એ ઇશાને સાસરે વળાવતી વખતે અમિતા અને આકાશ ની આંખો તો છલકી હતી. પણ ઇશાના આંસુ કેમ રોકાય ? આ માતા પિતાએ તેને જે આપ્યું હતું તે કયા સંબંધે ? શું હક્ક હતો તેનો ? અને છતાં તે આ ઘરમાં જે પામી હતી..તેનું ઋણ ચૂકવવું કયારેય શકય હતું ખરું? જોકે અહીં તો કોઇને રૂણનો કે એવો કોઇ વિચાર પણ કયાં હતો ? ઝરણાની જેમ જ તે આ ઘરની વહાલસોયી પુત્રી બની હતી. ઝરણા તેની વહાલી દીદીને વળગી રહી હતી. અને ઇશાને પણ આ નાની..વહાલસોયી નાની બહેનથી છૂટા પડવું આકરું લાગી રહ્યું હતું.

કયું નામ આપીશું આ સંબંધને ? આ કયો ઋણાનુબંધ ? આવા સંબંધો માનવજીવનના ગૌરવરૂપ બની રહેતા હોય છે. આજે માનવીના મન સાંકડા બન્યા છે ..સંબંધો પરથી ધીમે ધીમે વિશ્વાસ ઉઠતો જાય છે. સંબંધોમાં સ્વાર્થ ભળતો રહે છે. માનવમનમાં સંકુચિતતા ની દીવાલો ચણાતી રહે છે.સંબંધોની ગરિમા ઓછી થતી જાય છે. ત્યારે ગુલમહોરની જેમ ખીલતા આવા કોઇ સંબંધો દિલને ઠંડક અર્પી જાય છે. ભરઉનાળે જેમ ગુલમહોર ખીલી ને લાલાશ પાથરી રહે છે તેમ આવા સંબંધોની સુંદરતા જીવનને લીલુછમ્મ બનાવે છે. કયારેક ચાનક કોઇ ની સાથે લાગણીના તાણાવાના જોડાઇ જાય..અને સંબંધોનું સૌન્દર્ય પ્રગટી શકે તે માનવજીવનની ધન્યતા જ ને ? આજે લોહીના સંબંધો પણ ફિક્કા પડતા જાય છે..સગાઓ વચ્ચે મીઠાશ ને બદલે કડવાશ જન્મતી રહે છે. આપ્યું..લીધું ના સરવાળા બાદબાકી..હિસાબ કિતાબ થતાં રહે છે ત્યારે કોઇ ખૂણે મહોરતા આવા સંબંધો ની સુવાસ આયખુ મહેકી ઉઠે છે. અને અન્યને પણ પોતાની મહેકથી સુવાસિત કરી રહે છે.

નામ વિનાના આવા અગણિત સંબંધો આપણી આસપાસ પથરાયેલા જોવા મળતા રહે છે. ત્યારે …..જીવન સભર લાગે છે.આવા સંબંધો જાળવવા નથી પડતા…એ આપમેળે જળવાઇ રહેતા હોય છે. બની શકે કયારેક ઇશા પણ આ રીતે કોઇને પ્રેમ અર્પી શકે…અને આ પરંપરા ચાલુ રહી શકે..એક દીપથી અનેક દીપ જલી શકે છે તે સત્યથી આપણે પરિચિત છીએ જ ને ? અને આવા અનેક દીપ પ્રગટી ઉઠે ત્યારે તેની રોશનીથી…એ પ્રકાશથી સમાજ ઝળહળી શકે. રણમાં મીઠી વીરડીની માફક આવા સંબંધો સમાજમાં ઘણી જગ્યાએ સચવાયેલ હોય જ છે. એ સંબંધો માં કોઇ હિસાબ કિતાબ નથી હોતા…આવા સંબંધોને સલામ..

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

 

સંબંધસેતુ….7.. March 16, 2008

કયાંય કશું સંપૂર્ણ નથી,
સૌમાં થોડી વધઘટ છે. “

પૂરેપૂરા સારા દુનિયામાં બે જ માણસ હોઇ શકે..એક હજુ ન જન્મેલ…અને બીજા જે મૃત્યુ પામ્યા છે તે. બાકી તો દરેક વ્યક્તિમાં થોડી વધઘટ..થોડા ગુણ દોષ હોય જ છે ને ? જીવનના આ સત્યથી આપણે કોઇ જ અજાણ નથી હોતા. અને છતાં..છતાં વ્યવહારમાં આ સત્ય આપણે સ્વીકારી શકતા નથી. અને કોઇની પણ ભૂલ થાય ત્યારે ન્યાયાધીશ બની જઇએ છીએ..બીજાનો ન્યાય કરવા આપણે તત્પર બની જઇએ છીએ..અને સંબંધોમાં જયારે બીજાના દોષ શોધવાનું ચાલુ થાય ત્યારે…. અને જેને જે શોધવું હોય તે મળી જ રહે છે. ગુણગ્રાહી વ્યક્તિને ગુણ જ દેખાશે. દોષ શોધનારને દોષ મળી જ રહેશે..ગાંધીજીના વ્યક્તિત્વમાંથી દોષ શોધનાર ને પણ તે મળી જ રહે છે ને ? તો પછી આપણે સૌ તો સામાન્ય માનવી છીએ..દોષ શોધવા તો બહુ આસાન છે.

રોહિત અને અરૂપાના નવા નવા લગ્ન થયા હતા. આર્થિક રીતે બંનેના કુટુંબ સાધનસંપન્ન હતા. પરંતુ બંને કુટુંબની વિચારસરણીમાં આસમાન જમીનનું અંતર હતું. સગાઇ પછી બે જ મહિનામાં લગ્ન લેવાયા.અને તેથી બંનેને એકબીજાનો વધારે પરિચય કરવાનો સમય ન મળી શકયો. કુંડળી..જન્માક્ષર બધું મેચ થયું હતું. બાહ્ય રીતે બધું બરાબર હતું. અને ધામધૂમથી લગ્ન થયા.

પરણીને અરૂપા સાસરે આવી. અરૂપાના ઘરમાં બધા ખૂબ આધુનિક વિચારના હતા. અરૂપાનો ઉછેર પણ એ જ રીતે થયો હતો.તેણે તો લગ્ન પછી હનીમુનના કેટલાયે સપના જોઇ રાખ્યા હતા. આર્થિક રીતે કોઇ પ્રશ્ન નહોતો તેથી કયાંક કોઇ સરસ જગ્યાએ રોહિત સાથે ફરવા જશે..એકબીજાને સમજશે..જાણશે.. સ્વાભાવિક રીતે જ કેટલી યે રંગીન કલ્પનાઓ..શમણાઓ તેના મનમાં હતા. પરંતુ અહીં તો હનીમુન માટે જવાની જરૂર કોઇને નહોતી લાગતી. રોહિતને પૂછતા તેણે જવાબ આપ્યો, ’આપણા ઘરમાં એવો કોઇ રિવાજ નથી. અને આપણા ઘરમાં મમ્મી જે કહે તે ફાઇનલ..પછી તેની સામે કોઇ દલીલ કરે જ નહીં.. અરૂપા તો સાંભળી જ રહી..આટલા પૈસા અને છતાં આવા વિચારો ? આ પૈસા શા કામના ? તેના સપના બધા પડી ભાંગ્યા.અને લગ્ન પછીનો થોડો સમય જે એકબીજાને સમજવાનો..એકબીજાની નજીક આવવાનો તે માનતી હતી..તેને બદલે તે સગાવહાલાઓને મળવામાં તેમને ઘેર રોજ જમવા જવામાં ને બધા વહેવારોમાં ગૂંથાઇ ગઇ. ગૂંથાઇ જવું પડયું. તે સંસ્કારી હતી.તેથી કશું બોલી તો નહીં. પરંતુ તેના મનમાં એક અસંતોષ રહી ગયો. રોહિત પણ કશું બોલી ન શકયો.. તે તેને જરા યે ન ગમ્યું. તેના વર્તનમાં તેનો પડઘો ઘણીવાર અનાયાસે પડતો રહ્યો. છતાં જે હકીકત હતી તે સ્વીકારવી જ રહી ને ?

પરંતુ રહેણીકરણીનો જે મૂળભૂત ફેરફાર હતો તે દરેક વાતમાં જણાવા લાગ્યો. અરૂપા ના ઘરમાં બધા ખૂબ આધુનિક વિચારના હતા. અને તેના ઘરમાં છોકરા,છોકરી વચ્ચે એવા કોઇ ભેદભાવ નહોતા. તેથી છોકરાઓ સાથે પણ તે એટલી જ મુકત રીતે ..છૂટથી હળીમળી શકતી. જોકે હવે અહીં તે એક છોકરી નહીં..બલ્કે વહુનું લેબલ તેની પર લાગી ગયુ હતું. અને વહુથી શું કરાય અને શું ન કરાય..કોની સાથે બોલાય અને કોની સાથે ન બોલાય તેના સ્પષ્ટ વિચારો….માન્યતાઓ આ ઘરમાં હતા. અને તેથી જયારે અરૂપાનો ખાસ મિત્ર તેના શહેરમાં આવ્યો ત્યારે અરૂપાએ તેને પોતાને ઘેર જમવા માટે બોલાવેલ.શશિન ની વાત તેણે રોહિતને પણ કરેલી. અને જયારે શશિન નો ફોન આવ્યો ત્યારે ઘરમાં સાસુ કે કોઇ હતા નહીં. અને આવી નાની વાતમાં પૂછવાનું શું હોય ? તેમા મિત્રને તે જમવા પણ ન બોલાવી શકે ? એવો તો વિચાર સુધ્ધાં તેને ન આવ્યો. સાંજે સાસુ આવ્યા ત્યારે અરૂપા એ સ્વાભાવિકતાથી તેમને વાત કરી.સાસુ તો ડઘાઇ ગયા.મને પૂછયું પણ નહીં..અને કોઇ છોકરો..વહુનો દોસ્તાર ઘેર જમવા આવે છે.. !! વહુએ પોતાને પૂછયા સિવાય તેને જમવાનું પણ કહી દીધું..! આ બધું એક સાસુ..જૂનવાણી સાસુ કેમ ચલાવી લે ? અને અરૂપા તો ડઘાઇ ગઇ..આવી નાની વાત,..! અને રોહિતે તો હમેશની માફક હાથ ઊંચા કરી દીધા..અમારા ઘરમાં એવા રિવાજ નથી..મમ્મી કહે તે સાચું. આ કંઇ તારું પિયર નથી..અહીં ના રિવાજ અલગ છે. અમે તમારા જેવા આધુનિક નથી.એ તારે સમજી લેવું જોઇએ…અને મને પણ હવે એ બધું પસંદ નથી. હવે તું કોલેજમાં ભણતી છોકરી નથી. અરૂપા સ્તબ્ધ..! આટલી શિક્ષિત, ભણેલ ગણેલ વ્યક્તિ પણ આવું બોલી શકે ? તે કયા જમાનાની વાત કરે છે ? આટલી સંકુચિતતા ? તેનું મન વિદ્રોહ કરી ઉઠયું..ત્યારે તો તે કશું બોલી ન શકી.

પણ પછી તો શશિન આવ્યો..જમ્યો..પણ તે સરખી રીતે તેની સાથે બોલી ન શકી. રોહિત જરૂર પૂરતા બે વાકયો તેની સાથે બોલ્યો..પણ શશિનને ખ્યાલ આવી ગયો.અરૂપાની સ્થ્તિ તે સમજી શકયો…અને માંડમાંડ થોડું જમીને તે જલદીથી ત્યાંથી નીકળી ગયો. અરૂપા પોતાના આ અપમાનથી સમસમી ગઇ. અત્યાર સુધી તેણે સમાધાન કરવાના પ્રયત્નો કરી જોયા હતા. પણ આ તો તેનું ઘર હતું..એવુ કોઇ કયાં માનતું હતું ? આ તો તેનુ સાસરું હતું. પિયરમાં હતી ત્યારે મમ્મી ઘણીવાર કહેતી. ‘તારે જે કરવું હોય તે હવે તારે ઘેર જઇને કરજે..’ અને અહીં..? આ પણ તેનું ઘર નહોતું. આતો ફકત હતું તેનું સાસરું..તો..તો તેનું ઘર કયું હતું ? તેને કોઇ ઘર હતું કે નહીં ? મારું ઘર કયું ? શું સ્ત્રીને પોતાનું ઘર કોઇ જ ન હોય ? જયાં તે પોતાની ઇચ્છા મુજબ કરી શકે? તો પછી આખો દિવસ તે તૂટી મરે છે તે કોના ઘર માટે ? કયા ઘર માટે ? આવા અનેક વિચારો તેના મનમાં ઘૂમતા રહ્યા…અને અંતે એક દિવસ તે ડીપ્રેશનનો ભોગ બની ગઇ. તેના તન મનમાં એક નિરાશા વ્યાપી ગઇ. આખી જિંદગી તેણે સમાધાન જ કર્યા કરવાનું ?

આ કેવા સંબંધો ? જયાં ડગલે ને પગલે તેણે એકલીએ જ સમાધાન કરવાનું ? કેમ સ્વીકારવા આ સંબંધો ? કેમ નિભાવવા આ સંબંધો આખી જિંદગી ?
તેણે કંટાળીને પિયરનો રસ્તો પકડયો. ત્યાં ડોકટરની કેટલી ટ્રીટમેન્ટ કર્યા બાદ તે નોર્મલ બની શકી. રોહિતે તેને બોલાવવાના પ્રયત્નો કર્યા.. તે અરૂપાને પ્રેમ તો કરતો હતો પરંતુ પોતાના દાયરામાંથી બહાર નીકળી નહોતો શકતો. મમ્મી જે કરે તે બરાબર ..એમ માની અત્યાર સુધી જીવ્યો હતો…

પણ અરૂપાની ગેરહાજરીએ તેને વિચારવા મજબૂર કરી દીધો. તેણે આખી વાત તેના ખાસ દોસ્ત આર્યન ને કરી. સદનશીબે આર્યન તેને સમજી શકયો..અને અરૂપાની વાત પણ તે સમજી શકયો.તેણે રોહિતને સાચી વાત..સારી રીતે સમજાવી. અને મિત્રની વાત રોહિતને ગળે આસાનીથી ઉતરી ગઇ. તેને પોતાની ભૂલ સમજાઇ.અને તે અરૂપાને ઘેર ગયો.પોતાની ભૂલ સ્વીકારી..અને હવે પછી એવુ નહીં થાય..તેવો સધિયારો આપ્યો.અને અરૂપાએ પણ રોહિતની વાત માની અને પોતાને ઘેર પાછી ફરી.
અને હવે રોહિત અરૂપાની ખુશી નો વિચાર કરવા લાગ્યો.મમ્મીએ ના પાડવા છતાં..તેણે અરૂપા સાથે થોડા દિવસો ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી જ લીધો. અને રોહિતની મક્કમતા જોઇ તેની મમ્મીને પણ થયું કે હવે બોલવામાં સાર નથી..રોહિત પોતાનું નહીં માને તેની ખાત્રી થતાં..દીકરો દૂર ચાલ્યો જશે કે જુદો રહેવા જશે..એ ડરે તે મૌન બની ગયા..અને ધીમે ધીમે તેમણે પણ બદલાયેલ સંજોગોને મને કે કમને સ્વીકારી લીધા..અને આમ ઘી ના ઠામમાં ઘી પડી શકયું. અરૂપાએ પણ બધું ભૂલી સાસુ માટે મનમાં કોઇ દ્વેષ ન રાખ્યો. અને એક કુટુંબ તૂટતું બચી ગયું. એક મૂરઝાતી જિંદગી ખીલી ઉઠી..એક સ્ત્રી જયારે હસી ઉઠે ત્યારે તે અન્યની જિંદગીમાં પણ ખુશી ભરી શકે..એ સત્ય યાદ રાખી શકાય તો ? સંબંધોને થોડી સમજદારીથી નિભાવવામાં આવે તો ? પતિ પત્નીના સંબંધો બહુ નાજુક હોય છે. શરૂઆતમાં જો તેમાં ગાંઠ પડી ગઇ તો પછી તે ઉકેલવી બહું અઘરી પડે છે. બંને અલગ વાતાવરણમાંથી આવ્યા છે. બંનેના વિચારો , ઉછેર બધું સ્વાભાવિક રીતે જ અલગ હોવાનું. ત્યારે બંને એ એકબીજાને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરી એકબીજાને થોડો સમય આપવો જ રહ્યો. એક છોકરી બધું છોડી તેને ભરોસે.તેને એક ને વિશ્વાસે આ ઘરમાં આવી છે. તેને લીધે તેણે ઘરની બીજી વ્યક્તિઓને પણ તેણે સ્વીકાર્યા છે. તો તેના પ્રત્યે તેની પણ કોઇ ફરજ છે. અને સમય પ્રમાણે માન્યતાઓમાં ફેરફાર કરી સંકુચિતતા છોડવી જ રહી. આખરે સંબંધોને કંઇ એમ નાની વાતમાં વણસવા થૉડા દેવાય ?

સંબંધો તો એક મોટી જવાબદારી છે. તેને સમજણથી નિભાવાય તો જ સંબંધનો સેતુ બનાવી શકાય. અને વ્યક્તિ ને વ્યક્તિ સાથે જોડી શકાય..તોડવું તો બહું આસાન છે..જોડવું કઠિન જરૂર છે..પણ એ જોડાય છે ત્યારે જ સંબંધોનું અને જીવનનું સૌન્દર્ય પ્રગટી શકે છે.

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ…)

 

લીસો લીસો સોફો….. March 13, 2008

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 9:14 am

નામ તો એનું ઇન્દ્ર હતું. પણ એને તો બધા ઇન્દર કહીને જ બોલાવતા. સવારથી રાત સુધી આખા ઘરમાં ઇન્દરના નામની બૂમો પડતી રહેતી. અને ઇન્દરના પગ દોડતા અને હાથ કામ કરતા રહેતા. નોકરોની જીભને બંધ રહેવાનું હોય અને હાથ પગ સતત ચાલવા જોઇએ તે ઇન્દર સારી રીતે સમજી ગયો હતો. તેના ચહેરા પર સતત સાચુકલુ હાસ્ય રમ્યા કરતું. કોઇ ફરિયાદ વિનાનું.. તેનો ચહેરો અકારણ હસતો રહેતો. નાનું બાળક હોય તો પરાણે વહાલો લાગે. પણ ઇન્દર તો ઘરઘાટી. “શું આખો દિવસ આમ ખિખિયાટા કરે છે ? એવું કયારેક સાંભળવું પણ પડતું.

જોકે ઇન્દરનું હસવુ શાંત હતુ. ઘાટીથી કંઇ મોટેથી ખડખડાટ હસાય નહીં એટલી તો આ સતર વરસના કિશોરને ભાન હતી. તેના કામમાં કયારેય કશું કહેવાપણુ ન હોય. કામમાં તે ઝડપી હતો.અંકિત શેઠના ઘરમાં બે વરસ પહેલા તેનો બાપ કામ માટે મૂકી ગયો હતો. અને કયારેય તેણે ફરિયાદનો કોઇ મોકો આપ્યો નહોતો. કામથી તે થાકતો નહીં. કોઇ આડું અવળુ વ્યસન નહીં.. માળાના બધા ઘાટીઓ બપોરે નવરા થઇને નીચે ભેગા થઇ બેઠક જમાવતા.અને પોતપોતાની શેઠાણીઓની કથા કરતા રહેતા.. નવા આવેલ ઘાટીઓને તેઓ ચીડવતા, શિખામણ આપતા..અનેક નખરાઓ શીખવતા..પણ આ ઇન્દર તો ઘરની બહાર નીકળે જ નહીં ને. હા, તેને ટી.વી. જોવાનો ગાંડો શોખ. જલદી જલદી બધા કામ પતાવી ટી.વી.ની સામે બેસવું તેને ખૂબ ગમે. ન અનુભવેલ..ન જોયેલ દુનિયાનો એહસાસ કરી તે ખુશ થતો. શેઠાણી પણ તે બહાર ન જાય ને બીજાની સંગતમાં બગડે નહીં માટે કામ પતાવી ટી.વી. જોવા દેતા. જોકે ટી.વી. પાસે ખાલી હાથે તો કયારેય બેસવા પામતો નહીં. હાથમાં કશું સુધારવાનું ..વીણવાનું કે કશું ન હોય તો તુલસીપત્ર છૂટા પાડવાનું.. એવા નાના મોટા કામો તેની પ્રતીક્ષા કરતા જ હોય. પરંતુ ઇન્દરને કામનો કયાં કંટાળો હતો ?રાત્રે પણ ટી.વી. સામે અડ્ડો જમાવી સોફા પાસે નીચે બેસી કયારેક શેઠના પગે માલિસ કરતો હોય ..કયારેક તુલસીપત્ર ચૂંટતો હોય.કયારેક ભાજી વીણતો હોય..હાથ કામ કરતા હોય અને આંખ ટી.વી.ના રંગીન પડદા પર ફરતી હોય..ચહેરા પર એ જ નિખાલસ હાસ્ય ફરકતું હોય. મૌન રહીને મરક મરક હસતાં હસતાં ટી.વી.ના પાત્રો સાથે કલ્પનાની દુનિયામાં વિહરવાની તેને કદાચ આદત પડી ગઇ હતી. આમ પણ ઘરમાં કોઇ ને કોઇ ટી.વી. જોતું જ હોય. અને ઇન્દરને વળી પસંદગી કેવી ? સમાચાર આવતા હોય કે કોઇની સીરીયલ..કે ન સમજાતું અંગ્રેજી પિકચર..ઇન્દરને કોઇ ફરક પડતો નહીં. પોતાને કોઇ પસંદગી કરવાની ન હોય તે સત્ય તે સારી રીતે સમજતો અને સ્વીકારતો. તે ખુશ હતો અને શેઠ શેઠાણી પણ ખુશ હતા.

શેઠાણીને ગમે ત્યાં જવું હોય તો ઘરની ચિંતા રહેતી નહીં. અને ઇન્દરની પ્રામાણિકતાની કસોટી તો તેની જાણ બહાર અનેકવાર તેઓ લઇ ચૂકયા હતા.અને ઇન્દર બધી કસોટીમાંથી સો ટચના સોના જેવો નીકળ્યો હતો. તેથી તેને ભરોસે ઘર છોડીને બધા આરામથી જઇ શકતા. કોઇના ફોન આવે તો પણ વ્યવસ્થિત જવાબ આપતા તે શીખી ગયો હતો. દોડીદોડીને બધાનું કામ હોંશથી કરતા આ છોકરાએ આ ઘરમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી લીધુ હતું. નોકરોના પ્રોબ્લેમથી થાકેલા લોકો અંકિત શેઠના આ સદભાગ્યની ઇર્ષ્યા કરતા,આવો સરસ નોકર મળવા બદલ તેમને નશીબદાર માનતા. કેટલાકે તો ઇન્દ્રને વધારે પગાર આપી ખેંચી જવાની કોશિશ પણ કરી લીધી હતી. પરંતુ ઇન્દરને અહીં ફાવી ગયુ હતું.
આજે પણ રોજની માફક ઇન્દર ઘરમાં એકલો હતો. તે સોફા ઝાપટતો હતો. લીસા..સુંવાળા સોફા પર તેનો હાથ નાજુકાઇથી ફરતો હતો. પોતે રોજ આ સાફ કરતો હતો.આની પર બેસવાનું કેવું લાગતું હશે.! કેટલા વખતથી આ લીસા સોફા પર એક વાર બેસીને જોવાનું તેને મન થતું હતું.કેવા અન્દર ઘૂસી જવાય છે. આમ સોફા પર બેસી આરામથી ટી.વી. જોવાની કેવી મજા પડતી હશે…!

એક મિનિટ..બસ..એક મિનિટ તે એ અનુભવ લેવા માટે સોફા પર ગોઠવાયો. હાથમાં રહેલ લૂછવાનું કપડું એકાદ મિનિટ માટે બાજુ પર મૂકી તેણે રીમોટ હાથમાં લીધું. બરાબર ત્યાં જ આજે કસમયે શેઠનો ઘરમાં પ્રવેશ થયો. દરવાજો હજુ ખુલ્લો જ હતો. શેઠને દાખલ થતાં જોઇ ઇન્દર ઓઝપાઇ ગયો. ઝડપથી તે નીચે બેસી સોફા પર કપડું ફેરવવા માંડયો. હમણાં શેઠ ખીજાશે. કોઇ દિવસ નહીં ને આજે તેને આવું કેમ સૂઝયું ? એક ભય તેની આંખોમાં તરી આવ્યો. અને આજે અચાનક… કયારેય કશું સાંભળવું પડે તેવું તેણે કર્યું નથી. પણ હવે આજે તો રંગે હાથે પકડાઇ ગયો હતો.!! એક ડર તેના આખા ચહેરા પર ફરી વળ્યો હતો. તેનું હમેશનું હાસ્ય વિલાઇ ગયું હતું.

શેઠ બે પાંચ ક્ષણ ઇન્દરની આંખમાં જોઇ રહ્યા. ન જાણે તેને ત્યાં કયું પ્રતિબિંબ દેખાયું…તેમની આંખો છલકી આવી. તેમણે ધીમેથી કહ્યું, ‘ઇન્દર, આજે બહું ઠંડી છે. નીચે ન બેસતો. નિરાંતે સોફા પર બેસ…’ અને પોતાની છલકી આવેલ આંખો ઇન્દર જુએ તે પહેલા તે અંદર ચાલ્યા ગયા. કયારેક તેને પણ આમ જ….!

nilam doshi

 

આજની ખાટી મીઠી… March 12, 2008

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:20 am

આવતીકાલ માટે તમે આકુળવ્યાકુળ થશો નહીં..તમે સહી શકો એટલી વ્યાકુળતા એની સાથે આવવાની જ છે.!

 

થોડું વાંચીશું..વિચારીશું ? March 10, 2008

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 5:58 pm

For 8 March, 2008, International Women’s Day

A Letter from Women of this World to Educated Men…

My fellow educated human beings,

Yes. Our condition is much better today. We go to schools. We go to jobs. Not only that, we are also providing leadership in all the fields and walks of life. Yes, the womanhood is celebrated today, as it never has been. But yet, the battle is far from over. For all those who are educated, who feel that all these women empowerment cries are bogus or distorted, we have some questions -

• “Mama! I also want to come out in this world!”- Cry of a baby girl from womb! : The discrimination starts much before when the doctor says, “It’s a girl”. Do people kill girl-foetus even today or not? And who is party to this unimaginable crime? Aren’t they all doctors and paramedical, educated professionals?
• The unwanted burden: The moment a girl is born, there are many who are not happy. Some wanted inheritor for their business, wealth and so on. And many, many of these people are educated, aren’t they?
• Good Education just to get good groom! : Not all girls have freedom for education. And worse, don’t many people educate their daughters so that “they get good grooms”? So even if the girls are educated with this motivation, is it fair? Is it wholly right?
• Yes to being master chefs in five star hotels but not to help in a home! : Today many girls are brought up like boys. Some families declare this very proudly. But do they bring up their boys as “girls”? Do they teach all household chores to boys too? And till they do it, is real fairness to women possible?
• Earth is round for boys and flat for girls! : If girls want to venture out, aren’t they admonished as if the earth is flat for them and they will fall off the edge if they go out?
• Saved from soldier but not from husband! : “Marriage for women is the commonest mode of livelihood, and the total amount of undesired sex endured by women is probably greater in marriage than in prostitution”, says Bertrand Russell in his book “Marriage and Morals”. Is this right even today or not?
• Trapped in their own homes! : We have a special mindset for housewife. Why houses require only wife? Are husbands, fathers not required for making a home?
• Self always last? : Women have the special, natural privilege to be mothers. But who will decide what is more important for them? Do we, knowingly or unknowingly, interfere or not?
• Men are slaves of sex, women slaves of security : Women’s weakness is their conditioning to long for security. Like any fractured limb, they can’t feel free unless some exercises are done; some pain is taken to move their muscles that have been unused for a long time. Do we seek to help them be free or do we take the advantage of their insecurity for our convenience?
• Wrong if weak. Wrong if strong. : A woman feels guilty if she is smarter than men. It is said that a man is taught to apologize for his weaknesses, a woman for her strengths. If she shows more capabilities than her spouse or her colleagues, she is frowned at. This is observed no less with educated people than illiterate. Isn’t this ridiculous, yet a fact?
• Who made all these rules? : Can a man find fulfillment staying at home, raising children and running house chores? If yes, why is he not doing that? Is there a way for woman, as for man, to find her self except by her own creative work?
• Are there sexes for self-confidence and self-esteem too? : It is believed, if a woman stays out, her children or their upbringing would suffer. Do we ever try to see what such women do for 24 hours within four walls and whether they are really helping children? Can they ever teach them any lofty values that result in achievements and high self-esteem if they first do not do the same ever? Aren’t they human beings before they are wives and mothers?

And that’s not all. One last question to all fellow man-beings is- do you think your life will be fulfilled if you don’t understand women, their struggles, their aspirations? Is women empowerment the issue of liberation of woman alone or does that concern liberation of man equally?

We do not believe in any kind of woman empowerment campaign that is anti-man, anti-feminine, and anti-family; or that is wrongly rebellious, impulsive or reactionary. But if you will look at this issue with deep honesty, you would not ignore this for sure, for your own sake. Do ponder over this on the occasion of International Women’s Day being celebrated on 8th March this month.

Please do remember, in spite of all, we always love you.

Yours Sincerely,

Women of this world

Sanjiv Shah (Oasis)

 

સંબંધસેતુ…6 March 6, 2008

” કિસ્સો કેવો મજાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો;
પલ્લુ તારી તરફ નમ્યાનો તને,
મુજને આનંદ ઊંચે ગયાનો છે.”

સંબંધોની પણ એક આગવી મોસમ હોય છે. કયારેક પાનખરમાં ખરતા પર્ણૉની માફક ખરી જાય છે. તો કયારેક ભરઉનાળે પણ ગુલમહોરની જેમ ખીલી ઉઠે છે. તો કયારેક ચોમાસામાં ફૂટતી કૂંપળની જેમ સંબંધો ફૂટતા હોય છે.ઉછરતા હોય છે. જીવનપથ પર આવા અનેક સંબંધોની આવનજાવન,ભરતી ઓટ અવિરત ચાલ્યા કરતી હોય છે.કોઇ સંબંધોથી આપણે છલકાતા હોઇએ છીએ..કોઇ સંબંધોથી મૂરઝાતા પણ હોઇએ છીએ. કોઇ સંબંધો દિલને ટાઢક અર્પે છે..તો કોઇ તાપ પણ અર્પે છે. કોઇ સંબંધોમાં પીંછાની હળવાશ હોય છે. તો કોઇ સંબંધોનો ભાર જીવનભર વેઠવો પડતો હોય છે. જીવનમાં અનેક અનુભવો થતા રહે છે. અને માનવી ઘડાતો રહે છે. કયારેક કોઇ સાથેના કટુ અનુભવથી મનમાં કડવાશ વ્યાપી જાય છે. તો કયારેક કોઇ સુંદર અનુભવ પ્રસન્નતાની લહાણી પણ કરી જાય છે. ત્રાજવાનું પલ્લુ નમ્યાનો અને ઊંચે ગયાનો એમ બંને આનંદ જે સંબંધોમાં માણી શકાતો હોય તે સંબંધોનું પોત અનેરું હોય છે.

અમુક સંબંધો ન ગમે તો આપણે તોડી શકીએ છીએ..કે ઓછા પણ કરી શકીએ છીએ..પણ જયાં લોહીના સંબંધો હોય છે..એ તોડવા કે ઓછા કરવા આસાન નથી…અને છતાં એવું કરવું પડે છે ત્યારે દિલમાં ખુશી તો નથી જ થતી. ઘણીવાર એક ઘરમાં રહેવા છતાં..સંબંધો જળવાતા નથી હોતા તેવા ઉદાહરણો પણ જોવા મળે જ છે.
સંગીતાબહેનના ઘરમાં કંઇક આવી જ પરિસ્થિતિ છે. દસ વરસથી એક જ ઘરમાં દેરાણી જેઠાણી રહે છે…રહેવું પડે છે. કેમકે જુદા રહેવા જવા જેટલી આર્થિક સગવડ નથી. તેથી સાથે રહેવાની મજબૂરી છે. પરંતુ બે ભાઇઓ વચ્ચે એક શબ્દ પણ બોલવાનો વહેવાર નથી. એક જ રસોડામાં જેઠાણી રસોઇ કરી લે પછી દેરાણી પોતાની રસોઇ બનાવે છે. એ મેં નજરે જોયેલ છે. બંનેની વસ્તુઓ અલગ અલગ કબાટમાં રાખી છે. દેરાણીના કોઇ સગા આવ્યા હોય તો તે પોતાની રીતે સાચવી લે..જેઠાણી પોતાના વહેવાર પોતે સાચવે.કોઇ એકબીજાને કશું જ પૂછે નહીં..કહે નહીં. કયારેક કશું પૂછવાની જરૂર ઊભી થાય તો પણ જવાબ એક શબ્દ થી વધારે મળે જ નહીં. આ સંબંધમાં મજાની વાત એ છે કે બંનેના બાળકો એક જ સ્કૂલમાં ભણે છે. અને સ્કૂલમાં બંને સારા મિત્રો છે. બંને ને એકબીજા વિના ચાલતું નથી. પણ બાળકો પણ સમજી ગયા છે કે તેમને ઘેર કોઇને ખબર ન પડવી જોઇએ.ઘેર બંને એક્બીજાથી અજાણ્યા હોય તે રીતે જ વર્તે છે. કયારેક ઘરમાં કોઇ ન હોય ત્યારે સાથે રમી લે. કે કયારેક ઇશારાથી વાતો કરી લે. આવું જોઇએ ત્યારે થાય કે મોટાઓ પોતાના રાગ દ્વેષ, ગમા, અણગમા પોતાના સુધી જ સીમિત રાખતા હોય તો ? બાળકોને શૈશવથી જ ખોટું બોલતા, દંભ કરતા શીખવું પડે છે. બની શકે અત્યારે સહજ રીતે સાથે રમતા બાળકો મોટા થતાં માતા પિતાના ઝગડાનો વારસો પણ જાળવે..તો આ બધાનો અંત કયારે ..કેમ આવે ? પાછું જોવાની ખૂબી એ છે કે દેરાણી જેઠાણી બંને નિયમિત ..રામાયણની કથા સાંભળવા જાય. ટી.વી. માં આવતી મોરારીબાપુની કથા કયારેય ન ચૂકે. પોતપોતાના ટી.વી. પર જ જુએ…આ કથા સાંભળવાનો પણ કોઇ અર્થ ખરો ?

આજે માનવી દુનિયાને પ્રેમ કરવાની વાત કરી શકે છે. સમાજને સુધારવાની વાતો કરી શકે છે. પણ પોતાના એક નાનકડા કુટુંબને પ્રેમ કરી શકતો નથી.તેને માટે એ વાત કદાચ સૌથી અઘરી બની રહે છે.. અલબત્ત એના કારણો ઘણાં હોઇ શકે..વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઇ શકે…પણ સામાન્ય રીતે એવા કોઇ મૉટા કારણો હોતા નથી..જેનો અંત ન આવી શકે..હા, એ માટે બંનેના દિલમાં સંબંધો સુધારવાની તત્પરતા..પૂરી જાગૃતિ ..દિલની પૂરી ઇચ્છા હોવી એ પ્રથમ આવશ્યક શરત છે. થોડું જતંધ કરવાની ભાવના,મનને થોડું ઉદાર બનાવવાની પહેલ કોઇ એકે કરવી જ રહી.. અહમને ઓગાળવાની તૈયારી હોય તો જ એ થઇ શકે..અને એકવાર એ થાય તો વહેલું કે મોડું એનું સારું પરિણામ જરૂર આવે જ. કરેલું કયારેય નકામું જતું જ નથી. કર્મનો સિધ્ધાંત અહીં યાદ રાખવા જેવો છે. સાર કર્મનું સારું ફળ વહેલું કે મોડું મળે જ છે. જોકે કહેવું..બોલવું જેટલું આસાન છે..કરવું એટલું આસાન કયારેય હોતું નથી.. છતાં ધારીએ તો કશું અશકય પણ હોતું નથી..એ પણ એટલી જ સાચી વાત છે. થોડી ધીરજ રાખી સંબંધોને માંજવાની પ્રેકટીસ કરવી રહી. રીપેર થઇ શકે તેવા સંબંધોને રીપેર કરવા રહ્યા.હા,ઘણીવાર નિશ્ઠાપૂર્વકના દરેક પ્રયત્નો પછી પણ ધાર્યું પરિણામ ન મળે તો એમાંથી બહાર નીકળી જવાનું..કોઇ અફસોસ કર્યા સિવાય. પ્રયત્ન કર્યાનો સંતોષ તો મળશે ને ? દિલમાં એક આશ્વાસન તો રહેશે ને કે મેં તો મારાથી શકય બધા પ્રયત્નો કરી લીધા…અંતે તો દરેક સંબંધમાં કોઇ ને કોઇ ઋણાનુબંધ ભાગ ભજવી જતો હોય છે.

બીજી પણ એક વાત યાદ આવે છે. સ્નેહાના લગ્ન થયે હજુ બે વરસ જ થયા છે. આર્થિક રીતે સુખી છે. પતિ તરફથી પણ કોઇ ફરિયાદ નથી. જે ફરિયાદ છે તે સાસુ માટે છે. ઘર ઘરકી કહાની..! વહુને સાસુ માટે અને સાસુને વહુ માટે..! કયારેય આવી શકશે આ લડાઇનો અંત ?

તે હમણા ઘેર આવી હતી. મને કહે,’આંટી, અમારા ઘરમાં કોઇ વાતની કમી નથી. પણ મારા સાસુની કચકચથી હું થાકી જાઉ છું. દરેક વાતમાં સલાહ સૂચન ઊભા જ હોય.આમ આટલો ગેસ ન બળાય. આટલો સાબુ વપરાઇ ગયો ? તેલ થોડું ઓછું વાપરજે. વિગેરે..વિગેરે..આંટી, એના કંજૂસાઇનો પાર નથી. ઘરમાં કયાં તાણ છે ? પરંતુ એની કરકસર કરવાની સલાહો નો કોઇ અંત જ નહી ! “ સ્નેહા ઉભરો ઠાલવે છે. હું તેને શાંતિથી સાંભળું છું. પછી પૂછું છું ‘બાકી બીજો કોઇ પ્રશ્ન નથી ને ?’ સ્નેહા આમ તો પ્રામાણિક છે. તરત કહે છે, ’ ના, બીજું તો શું હોય ? પણ આ રોજની કરકસર કરવાની તેમની કથાથી હું થાકી જાઉ છું અને પછી મને ગુસ્સો આવે છે અને મારાથી પણ તેમની સામે બોલાઇ જવાય છે. એવી જરૂરિયાત હોય તો બરાબર છે. પણ આ તો……’ હું ધીમેથી તેને પૂછું છું. ‘ સ્નેહા, માણસનો સ્વભાવ જલદી બદલાઇ શકે ? તને કોઇ આદત પડી હોય તો બદલવી અઘરી પડે કે નહીં ? ‘ સ્નેહા કહે ‘હા, પણ કોશિશ તો કરવી જોઇએ ને ? ‘

‘તેં કેમ માની લીધું ? કે તેઓ કોશિશ કરતા નથી ? હા, કદાચ સફળ ન થતા હોય તેવું બની શકે. પણ સ્નેહા, તું તો આ ઘરમાં બે વરસથી આવી છો. અને હવે ઇશ્વરની કૃપાથી આર્થિક પરિસ્થિતિ સારી છે. પરંતુ તને જાણ છે..? જયારે તમારા ઘરની અર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે આ તારા સાસુએ કેટલી કરકસર કરીને.. રાત દિવસ લોકોના કપડા સીવી સીવીને તારા વરને..અલયને મોટો કર્યો છે અને આટલું ભણાવ્યો છે ? તેણે એ દિવસો જોયા છે. સહન કર્યા છે તેથી તારે માટે પાંચ જ રૂપિયા છે પરંતુ તેને માટે એ પાંચ..રૂપિયા સો રૂપિયા જેવા છે. હવે કરકસર કરવાની જરૂર નથી એ સમજાતા..સ્વીકારતા,તેને બદલાતા સમય લાગશે. પોતે આટલું સહન કરીને ઘરને ઉંચે લાવ્યા છે અને વહુ આવીને ઉડાવે છે..એ માન્યતામાંથી બહાર આવવામાં તેને થોડો સમય તો લાગે જ ને ? જોકે તારી વાત પણ સાચી છે કે તેમણે સહન કર્યું..એ તેમના નશીબ..મારા સમયમાં હવે એવા સંજોગો નથી તો મારે શા માટે આ બધું કરવું ? એમણે સહન કર્યું માટે મારે પણ કરવાનું ? એમાં મારો કયાં કોઇ દોષ હતો ? તારી આ બધી દલીલ..વાત સર આંખો પર…!પણ તો પછી આ વાતનો કોઇ અંત જ નહીં આવે..અને ઘરમાં કાયમ તંગ વાતાવરણ જ રહેશે..તો એના કરતાં થોડો સમય તું તેને સાચવી લે તો ? તો બની શકે સારું પરિણામ આવે. પ્રયત્ન કર્યા સિવાય હાર શા માટે માની લેવી ? તું તો આટલી હોંશિયાર છે,સમજુ છે. બે પેઢી વચ્ચે વિચારોનો થોડો તફાવત તો રહેવાનો જ ને ? તું તારા વીસ વરસના વિચારો નથી છોડી શકતી તો તેમના પચાસ વરસના વિચારો એમ આસાનીથી થોડા છૂટી શકે ? મારી વાત સમજાય છે તને ?’ સ્નેહા વિચારમાં તો જરૂર પડી.’સારું આંટી, હું પછી નિરાંતે આવીશ.બની શકે તમારી વાત સાચી પણ હોય. ‘ સ્નેહા તો ચાલી ગઇ.પણ મને વિચારોના વમળમાં જરૂર નાખતી ગઇ. નાનકડી જિંદગી..! અને કેટકેટલા પ્રશ્નો…! મોટેભાગે મુઠ્ઠી જેવડા મનના જ ઉધામા ને ?

જીવનમાં ડગલે ને પગલે સમાધાન દરેકે કરવા જ પડતા હોય છે ને ?કોઇએ થોડા ઓછા..તો કોઇએ થોડા વધારે. તો જ સંબંધો બારમાસી બની શકે… બારમાસી સંબંધો ઇચ્છવા લાયક છે એવું નથી લાગતું ?

( સ્ત્રી માં પ્રકાશિત કોલમ..)

 

આજની ખાટી મીઠી….. March 5, 2008

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:58 am

જયારે કશું ખાવાનું ન હોય ત્યારે એક વાત બને છે..: તમારું મગજ બીજી ચિંતાઓથી મુકત થઇ જાય છે.

 

સખ્યજીવન…. March 2, 2008

શ્યામલ રજની પોતાનો સઘળો અસબાબ એકઠો કરી ધીમે પગલે ધરતીને અલવિદા કરી રહી હતી. સૂરજદાદાની યે પહેલાં જાગી ગયેલ પંખીઓ વહેલી સવારને પોતાના કલરવથી જીવંત બનાવી રહ્યા હતા. અને રોજીરોટીએ જવાની તૈયારી કરી રહ્યા હતા. સીઝનનું બાર માસનું અનાજ તેઓ થોડા ભરતા હતા ? રોજ કમાવું ને રોજ ખાવું. આજની વાતો આજે અને કાલની વાતો કાલે. વર્તમાનમાં જીવતાં આ પંખીડાઓ રોજ સવારે પોતાના ગુંજારવથી સમસ્ત સૃષ્ટિને જગાડી પોતાના નિત્ય ક્રમમાં પ્રવૃત થઇ જાય. એ તો રોજિંદા દાડિયા હતા. કાલની ચિંતાથી મુકત.

પરંતુ માનવ એમ કાલથી ચિંતાથી મુકત હઇ શકે છે ખરો ? અરે, મોટા સાધુ સન્યાસીઓ જે કાલની ફિકર કરવાની ના પાડે છે..ધાર્યું ધણીનું જ થાય…એ બધું કહે તો છે..પણ એ મુજબ કરી શકે છે ખરા ?

તો પછી દિશા તો સામાન્ય સ્ત્રી હતી. એ ચિંતા મુકત કેમ થઇ શકે ? આજે સવારના ન જાણે કેમ તેના મનમાં અનેક વિચારો ઉગી રહ્યા હતા. બારીમાંથી પંખીઓનો કલશોર તે સાંભળી રહી હતી. ઉઠવાની ઇચ્છા આજે નહોતી થતી. પણ ઉઠયા વિના છૂટકો યે કયાં હતો ? ચિનારનો સ્કૂલે જવાનો સમય હમણાં થઇ જશે. પતિનો ઓફિસે જવાનો સમય થશે. પોતાને કયાં કશે જવાનું હતું? પોતે તો કયાં કંઇ કરતી હતી ? બસ… માત્ર અને માત્ર હાઉસ વાઇફ….બધાના સમય સાચવવાના…. સગવડ સાચવવાની…બધાના મિજાજ નો..મૂડનો ખ્યાલ રાખવાનો.. એ મુજબ બધાને એડજસ્ટ થવાનું. પોતાનો તો કોઇ સમય નહીં..કોઇ સગવડ નહીં. કોઇ રવિવાર નહીં ..કોઇ સીક લીવ..કોઇ કેઝયુઅલ નહીં..પી.એલ. નહીં…કેમકે પોતે તો કંઇ કરતી જ નથી. પછી હક્કની વાત જ કેમ આવે ?

દિશા મનોમન અકળાઇ ગઇ. કાલે પાર્ટીમાં પેલી ચીબાવલી અનેરી કહેતી હતી ‘ તમારે તો જલસા છે. એ ય ને મન ફાવે ત્યારે ઉઠવાનું…મન ફાવે ત્યારે બધું કરવાનું.. ન બોસ ખીજાશે તેની ચિંતા..ન ફાઇલોની ચિંતા. અરે મારી બઇ. તારે તો ઓફિસમાં એક જ બોસ..અહીં અમારે તો ઘરમાં જેટલા માણસ એટલા બોસ. અમારે તો બધાની નોકરી.. અને એ પણ વગર પગારની..ને છતાં અમે કંઇ કરીએ છીએ કયાં ? એ મજાના ઘરમાં જલસા કરીએ છીએ. આવ, મારી બઇ, તું યે મારી જેમ જલસા કર..એવા આશીર્વાદ આપું છું.’

મનમાં ઉઠતાં વિચારના વંટૉળને પ્રયત્નપૂર્વક ખંખેરી તે ઉભી થઇ..થવું પડયું. આ ઘડિયાળ પણ સવારના કેટલી ફાસ્ટ ભાગે છે! બાજુમાં નજર કરી. પતિદેવ હજુ આરામથી નસકોરાનું સંગીત વગાડી રહ્યા હતા.એને તો દસ વાગે જવાનું હતું. અત્યારથી શા માટે ઉઠે ? ચિનારને સાત વાગ્યે સ્કૂલે મૂકવા જવાનું હતું. પહેલાં પોતે તૈયાર થઇ..પછી ચિનારને ઉઠાડી..જલ્દી જલ્દી તૈયાર કરી..તેનું લંચ બોક્ષ ભરી,,દૂધ પીવડાવી તેની સાથે દોડવાનું ચિનાર પણ કંઇ એમ સહેલાઇથી દૂધ થોડો પી લે છે ?

એને મૂકીને આવીને પતિદેવનું ટિફિન તૈયાર કરવાનું..વચ્ચે જલ્દી જલ્દી ચા પી લેવાની. સવારે નિરાંતે નાસ્તો કરવાનો તો સમય જ કયાં મળે છે ? અને આજે તો પતિદેવનો ઓર્ડર હતો..ટિફિનમાં થોડું વધારે મૂકજે..આજે નિકેતની વાઇફ પિયર ગઇ છે. એણે તો જીભ હલાવી લીધી એટલે પૂરું. દોસ્તાર આગળ સારા પોતે દેખાશે..અને…! આમે ય..સકરમીની જીભ અને અકર્મીના પગ જ નહીં..હાથ ને હૈયું બેઉ બળે. બડબડાટ ગમે તેટલો કરે..પણ કર્યે તો છૂટકો જ ને ?
અને આજે તો થોડું મોડું થઇ ગયું હતું. દિશા એ જલ્દી હાથ હલાવ્યે જ છૂટકો. એના કરતાં પોતે નોકરી કરતી હોત તો કેવા જલસા. એ.સી. ઓફિસમાં બેસી ફાઇલો વચ્ચે ખોવાયેલ રહેવાનું. સાંજ પડે પર્સ ઝૂલાવતાં બહાર. કહેવાય કે હું પણ નોકરી કરું છું થાકી ને આવી છું.

પતિનું હમેશનું ધ્રુવ વાકય..તારે કયાં કંઇ કરવાનું છે ? ઘેર જલસા જ ને ? મન ફાવે ત્યારે કરો..છે કોઇ કહેવાવાળું ? ‘ એ સાંભળી સાંભળીને તે થાકી ગઇ હતી. હા, કોઇ કહેવાવાળું નથી..પણ વગર કહ્યે તમારા બધાના સમય સાચવું છું એ નથી દેખાતું? તેમાં કાલે અનેરીના શબ્દોએ જાણે