“ છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.”
સંબંધોની ભીની માટીમાંથી જો ભેજ….અર્થાત ઉષ્મા…સંવેદન ઊડી જાય તો તેને કોરી રેતી સમાન બની રહેતા વાર નથી લાગતી. અને પછી કોરી રેતી જેમ હાથમાંથી સરી જાય છે તેમ જ જીવનમાંથી સંબંધો સરી જાય છે. સંબંધોની સુવાસ ને સાચવવી આસાન નથી..પરંતુ અશકય પણ નથી જ. કયારેક થોડું જતું કરવાની વૃતિ જો બંને પક્ષ દાખવી શકે તો સંબંધો વરસો સુધી લીલાછમ્મ રહી શકે છે.
સંબંધોના કેટકેટલા સ્વરૂપો..! પતિ, પત્ની, ભાઇ બહેન,માતા પુત્રી, દેરાણી જેઠાણી, સાસુ, વહુ,નણંદ ભાભી, મા દીકરો, બે મિત્રો, બોસ અને તેના કર્મચારી, પડોશીઓ..! અગણિત સંબંધોમાંથી કેટલાક જીવનભર સાચવવા જેવા હોય છે. કેટલાક પ્રોફેશનલ સંબંધો હોય છે. કેટલાક ઘડીભરના સંબંધો હોય છે. ઓફિસ ફલાવર જેવા..સવારે ખીલે ને સાંજે કરમાય..દરેક માણસ સંબંધો બનાવવા તો આતુર હોય છે. પરંતુ તેને જાળવવાની કલા દરેક પાસે નથી હોતી. તેથી નવા સંબંધો બનતા રહે છે. જૂના વિસરાતા કે તૂટતા રહે છે.
ગિરાબહેન અને નિશાબહેન બને પાડોશીઓ વચ્ચે સારો સંપ હતો. રોજ દિવસમાં એકાદ વાર તો બંને વચ્ચે વાતો થાય જ. જેમાં કુટુંબની, ઘરની બાળકોની સાસુ ની, સગાઓથી માંડીને રાજકારણ સુધીના વિષયો હોય. આમે ય બે સ્ત્રીઓ ભેગી થાય ત્યારે વિષયની ખોટ ભાગ્યે જ નડે છે.
જોકે પાડોશીઓ વચ્ચે સામાન્ય રીતે હોય છે તેવો વાટકી વ્યવહાર બંને કયારેય નહોતો રાખ્યો. કેમકે નિશાબહેન હમેશા બોલતા રહેતા…’ મને તો એ ટેવ ગમે જ નહીં..વસ્તુ ન હોય તો હું તો ચલાવી લઉં..પણ માગવાની વાત ખોટી…સંબંધો એમાંથી જ બગડે. ગિરાબહેનની માન્યતા જોકે જરા જુદી હતી. તેમને થતું કે જરૂર પડયે પડોશીઓ ને ન કહે તો કોને કહે ? પરંતુ તે કંઇ બોલતા નહીં. એવામાં અચાનક એક દિવસ સંજોગો એવા આવ્યા કે નિશાબહેનને ઘેર કોઇ મહેમાન અચાનક આવ્યા.અને ઘરમાં કંઇ શાક નહોતું.અને આજુબાજુમાં કંઇ મળતું નહોતું.તેથી પહેલીવાર ન છૂટકે ગિરાબહેનને ત્યાં બે ચાર બટેટા માગવા જવું પડયું. ગિરાબહેને તો તરત આપ્યા..અને નિશાબહેન ના આભારના જવાબમાં કહ્યું પણ ખરું,’આવી નાની વાતમાં શું ? આપણે એકબીજાને કામ ન આવીએ તો કોણ આવશે ? તમે જરાયે અચકાતા નહીં..બીજુ કંઇ પણ જોઇએ તો જરૂર કહેજો.’ નિશાબહેન કહે, ‘ મને માગવું જરાયે ન ગમે.કાલે પાછા આપી જઇશ હોં.’ ; ના રે, બે બટેટામાં પાછું શું આપવાનું ? આપણે કયાં રોજ માગીએ છીએ ?કયારેક મારે જરૂર પડશે તો હું પણ તમને જ કહેવાની ને ? આપણે ગામથી દૂર રહીએ છીએ..તેથી કયારેક આવું તો થાય..તેમાં શું ? ‘ બીજે દિવસે નિશાબહેન ચાર ને બદલે સાત આઠ બટેટા લઇ ને ગિરાબહેનને પાછા આપવા આવ્યા.ગિરાબહેને ઘણી ના પાડી.પણ નિશાબહેનનો તો એક જ જવાબ ..’ મને તો કોઇનું લેવું ગમે જ નહીં.અને સંજોગોવશાત્ લેવું પડયું તો વ્યાજ સાથે પાછું આપું. કોઇનો ઉપકાર મારી પર રહી જાય એ મને ન પોષાય.’
કહી હસતા હસતા આઠ બટેટા ત્યાં મૂકી ને ચાલ્યા ગયા. ગિરાબહેનનું મન ખાટું થઇ ગયું. પોતાના મનમાં તો ઉપકાર કે એવી કોઇ ભાવના નો ખ્યાલ સુધ્ધાં નહોતો આવ્યો. આ તો પાડોશીઓ વચ્ચે ની એક સામાન્ય વાત હતી. તેને નિશાબહેન અભિમાની લાગ્યા. બહુ એવું હતું તો લેવા જ નહોતા ને ?મારે કંઇ વ્યાજની જરૂર નહોતી.મને શું સમજે છે એ ?ગિરાબહેન ને પણ ગુસ્સો આવ્યો. અને તેમણે પોતે આપ્યા હતા તેટલા બટેટા રાખી બાકીના પાછા મોકલાવી દીધા કે ‘ અમે કોઇનું વ્યાજ લેતા નથી.વેપારી તમે છો ..અમે નથી..’ મને વેપારી કહી ? આવું અપમાન ? બસ…વાતનું વાતેસર થતાં કેટલી વાર લાગે ? તે દિવસથી બંને વચ્ચે વાતોનો વ્યવહાર બંધ થઇ ગયો.કયારેક બોલવું પડે તો એકાદ બે વાકય ની આપ લે કરી લે.
કેટલી નાની વાત..પણ પરિણામ ?
હું કોઇનું કંઇ લઉં જ નહીં.. નિશાબહેનનું આ સૂક્ષ્મ અભિમાન તેમના સંબંધોને ગ્રહણ લગાડી ગયું.
જીવનમાં આપણા પર જાણ્યે અજાણ્યે કેટકેટલા લોકોનું ઋણ ચડતું જ હોય છે. જે કદાચ કયારેય ચૂકવી શકાતા નથી. અને કેટલાક ઋણ પૈસાથી ચૂકવી શકાતા પણ નથી કે ચૂકવવાના હોતા પણ નથી..તેનો તો કૃતજ્ઞતાપૂર્વક મૌન સ્વીકાર જ હોય. તો જ સંબંધોની ગરિમા જળવાઇ રહે. વસ્તુની કિમત માનવી ચૂકવી શકે..તેની પાછળ દિલની જે ભાવના હતી તેનું મૂલ્ય પૈસામાં આંકી શકાય ખરું ? સંબંધોને હમેશા તર્કને ત્રાજવે તોલતા રહીએ તે શું યોગ્ય છે ? દરેક વસ્તુની કંમત હોઇ શકે..મૂલ્ય ન હોઇ શકે..કોઇની સાચા હ્રદયની ભાવનાનું મૂલ્ય રૂપિયા, પૈસામાં કેવી રીતે આંકી શકાય ? નિશાબહેને બટેટા પાછા આપવાને બદલે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરી ગિરાબહેનનો આભાર માન્યો હોત તો વધુ સારું થાત..તેમ નથી લાગતું ? અને આપવા જ હોત તો પણ આભાર માની ને જેટલા લીધા હોય તેટલા જ આપવા જોઇએ ને ? વાતનું વતેસર થતાં કેટલી વાર લાગે ?
અને તેથી જ સંબંધોને સમજ્દારીપૂર્વક માંજતા રહેવાનું જરૂરી નથી લાગતું ?
જોકે આનાથી બિલકુલ વિપરીત કિસ્સો દિશા બહેનનો છે. દિશાબહેને તો “ પહેલો સગો પડોશી “ એ સૂત્રને બરાબર અપનાવી લીધું છે. જોકે આ વાત દ્વિપક્ષી હોય તે પાછા સિફતથી ભૂલી જાય છે. તેમના ઘરમાં રોજ કશું અચાનક જ ખૂટી જાય..અને, ‘અરે, નેહાબહેન ચા ની ભૂકી અચાનક ખલાસ થઇ ગઇ. અને ચા વિના તો ઘરમાં કોઇની સવાર પડશે નહીં. આવે સમયે પડોશી યાદ ન આવે તો કોણ આવે ? બરાબર ને નેહાબહેન ? આ તો તમે ઘર જેવા રહ્યા એટલે માગતા સંકોચ ન થાય..બાકી મને તો માગતાનું જરા પણ ગમે નહીં હૉં. ‘ કહી હસીને વાટકો લંબાવે. નેહાબહેન બિચારા..! તેમને તો આ રોજનું થયું. અઠવાડિયામાં બે –ચાર વાર તો દિશાબહેન ઉભા જ હોય. અરે ઘણી વાર તો નેહાબહેન ઓસરીમાં હીંચકે બેઠા હોય તો કહેશે..’ તમારે ઉભા થવાની જરાયે જરૂર નથી. તમે તકલીફ લો એ મને ન ગમે.. મને ખબર જ છે..તમારા ફ્રીઝમાં લીંબુ હશે જ. હું મારી જાતે જ લઇ લઇશ.. તમે હેરાન થાવ તે મને જરાયે ન ગમે. આ કાલે બજારમાં ગઇ હતી..તો પણ જુઓને લીંબુ લાવતા જ ભૂલી જવાયું. ઉમ્મર થઇ ને..હું તો ભઇ બહુ ભૂલકણી..” કહી ખડખડાટ હસી પડે અને નેહાબહેનને કશું બોલવાની તક આપ્યા સિવાય અંદર જઇ બે લીંબુ ને સાથે બે ટામેટા કે એકાદ બે મરચા..લઇ ને આવે. લો, આ ટામેટા જોયા એટલે યાદ આવી ગયું..એ પણ ખલાસ થઇ ગયા છે…પણ જુઓ પાછા લેવા પડશે હોં. નહીંતર મને ન ગમે..ચાલો, આવજો…’ કહી દિશાબહેન ચાલતા થાય. અને વસ્તુ પાછી આપવાની હોય તેવું તેમને કયારેય યાદ ન જ આવે.બહુ થાય ત્યારે કોઇ દિવસ એકાદ વસ્તુ આપી જાય અને બીજી બે લેતા જાય. બધા તેનાથી કંટાળી ગયા હતા..પણ તેમની કુશળતા એવી કે કોઇ તેને પહોંચી શકતું નહીં. અને જો તેમને ઘેર કોઇ લેવા જાય તો ત્યારે તેમને ઘેર એ વસ્તુ કયારેય હોય જ નહીં.
હવે આવા સંબંધો ટકી શકે ખરા ? ટકાવવાની જરૂર પણ કોઇને લાગે ખરી ? આવા સંબંધો ફકત સ્વાર્થ પૂરતા જ હોય છે.આમાં સંબંધોનું સૌન્દર્ય કયારેય પ્રગટી શકે નહીં એ સ્વાભાવિક છે. સમાજમાં આવી વ્યક્તિઓ પણ હોય જ છે.જેનાથી દૂર રહેવામાં જ ભલાઇ છે. સંબંધો બાંધતા પહેલા…વિકસાવતા પહેલા વ્યક્તિને ઓળખવી જ રહી. નકામા સંબંધો આપમેળે ઉગી નીકળતા નિંદામણ જેવા હોય છે. જે અન્યમાંથી જ પોષણ મેળવતા હોય છે. અને જાતે કોઇને કશા કામમાં નથી આવતા. બલ્કે અન્યને નુકશાન જ પહોંચાડે છે. આવા નિંદામણને તો દૂર કરવું જ રહ્યું ને ?
વ્યક્તિને ઓળખી..જાણી..તેમના રસ, રુચિ, વિચારથી માહિતગાર થઇ પછી યોગ્ય લાગે તેની સાથે જ સંબંધો વિકસાવવા રહ્યા..જેથી સંબંધો તૂટવાનો અફસોસ કયારેય કરવો ન પડે. કેટલાક વાસણને જેમ ગમે તેટલા માંજીએ તો પણ ચળકાટ લાવી શકાતો નથી..એમ આવા સંબંધોને માંજી ન શકાય તેવું પણ બની શકે..અને તો એનાથી દૂર જ રહેવું જોઇએ. બાકી સર્વગુણસંપન્ન તો દુનિયામાં કોઇ જ નથી.. આપણે પણ નહીં જ. એ સત્ય યાદ રાખવું રહ્યું.

“ છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.”
wow!
વ્યક્તિને ઓળખી..જાણી..તેમના રસ, રુચિ, વિચારથી માહિતગાર થઇ પછી યોગ્ય લાગે તેની સાથે જ સંબંધો વિકસાવવા રહ્યા
kyarek ketlu pan sathe rahiye to pan vyakti ne odkhi j sakatu nathi..
have badha ne ander thi kaik ane bahar thi kaik batavine jivta aavdi gayu chee.
લેખ બહુ જ ગમ્યો.
પણ આશા રાખું કે વાચકો આને જીવનમાં ઉતારે અને આત્મનીરીક્ષણ કરતાં શીખે.