પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

શૈશવની માવજત…3 February 17, 2008

“ બાળક એ ઇશ્વરે માનવજાત પર લખેલ પ્રેમપત્ર છે. “ શ્રી ટાગોર.

આજે રોમાને ” બાળ ઉછેર “ વિષય પર કલબમાં ભાષણ આપવાનું હતું. તેની બહેનપણી શૈલાએ લખી આપ્યું હતું. તે ગોખવાનો તે પ્રયત્ન કરી રહી હતી. પણ તેને અઘરું લાગતુ હતું. આ શૈલા પણ ખરી પંતુજી છે..આવું બધું અઘરુ લખવાની શી જરૂર હતી ? તે કંટાળી હતી. ત્યાં જ દેવીબહેન તેની રડતી બેબીને લઇ ને ત્યાં આવ્યા. અને તે ગુસ્સે થઇ ગઇ. ‘ અરે , દેવી, આ બેબી ને અહીંથી લઇ જા. બહાર જઇ ને રમાડ. અહીં શું લાવી ? જોતી નથી.. હું કામમાં છું..’ વાંચતા વાંચતા રોમા એ બૂમ પાડી.
’ બહેન, એ તમને જોઇ ગઇ છે તેથી એને તમારી પાસે જ આવવું છે . એટલે રડે છે. ‘ .

‘ અરે, એ તો છોકરું છે. એને શું ખબર પડે ? એ યે જીદ્દી થઇ ગઇ છે. મા જ જોઇએ. ! કાલે પણ કેવું ‘મીસબીહેવ’ કરતી હતી. કોઇ પાસે જતી જ નહોતી. બસ..એક મારી પાસે જ રહેવું હતું તેને તો. બધા બિચારા કેવા પ્રેમથી બોલાવી બોલાવી ને થાકી ગયા પણ…! હવે અત્યારથી ટેવ નહીં પાડું તો બગડી જશે ને રોજ મારું જ માથું ખાશે..

એક કામ કર.જા.. એને બહાર લઇ જા. લે આ પૈસા..જોઇએ તો ચોકલેટ…આઇસ્ક્રીમ લઇ આપજે. એને તો મમ્મી નો કેડો જ નથી મૂકવો ને ! હવે તેની બધી આદતો સુધારવી પડશે . મારે હજું કેટલું કામ બાકી છે. સાંજે કીટ્ટી પાર્ટી છે ને અત્યારે કલબ માં જવાનું છે. ઉપરથી આ બધુ ગોખવાની લપ ! ચાલ,જલ્દી પાકું કરવા માંડુ. હમણા ટાઇમ થઇ જશે..

બેબીનું રડવાનું ચાલુ હતું. તેને મમ્મી પાસે જ જવું હતું. મમ્મીની વાત સાવ સાચી હતી. બેબી બગડી ગઇ હતી.!

’ દેવી, હજી અહીં શું ઉભી છે ? જા,જલ્દી…ને રડે છે કહી ને પાછી ન આવતી. તને રાખી છે શા માટે ? હું જલ્દી થોડું પાકુ કરી લઉં.’
આયા રડતી બાળકી ને લઇ ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગઇ.

” બાળક એ ઇશ્વરે માનવજાત પર વરસાવેલ પ્રેમ છે. કુદરતનું એ અણમોલ વરદાન છે. એના આંખોમાં છવાયેલ વિસ્મયને માણવું એ એક અનોખો લહાવો છે. બાળઉછેર એ ફુલ ટાઇમ પણ નહીં whole time જોબ છે. મા-બાપ બાળક ને કંઇ પણ આપી શકે તો તે સમય છે. બાળકને તમે તમારી “ આજ ”નહી આપો તો તમને એની ‘ કાલ ‘ નહીં મળી શકે. બાળક ને વાર્તા ની અવેજી માં ચોકલેટ એટલે ભવિષ્ય માં આદર ને બદલે ઉપેક્ષા….”
ઓહ ! આ શૈલા એ તો શું નું શું લાંબુ લાંબું લખ્યું છે. ચાલ, કાગળ જ સાથે લઇ જવો પડશે.
બબડતી બબડતી, રોમા ‘ બાળઉછેર ‘ પર ભાષણ આપવા રવાના થઇ..

તમે શું માનો છો… બે વરસની બેબી બગડી ગઇ હતી ? બાળઉછેર વિશે ભાષણ આપવું આસાન છે. બાળઉછેર કંઇ આસાન નથી જ.
બાળક ને આપવા માટેની સૌથી અમૂલ્ય ગીફટ જો કોઇ હોય તો તે સમય છે તેવું નથી લાગતું ?

આજે સ્ત્રી પોતાની કારકિર્દી પ્રત્યે વધુ સભાન, વધુ જાગૃત બની છે. આજે તેનું સ્થાન ફકત ઘરમાં રહ્યું નથી..અને રહેવું પણ ન જોઇએ. પરંતુ આ બધી હોડમાં કોઇના શૈશવનો ભોગ લેવાય છે.. એવું નથી લાગતું ? જરૂરિયાત હોય..આર્થિક મજબૂરી હોય ત્યાં વાત અલગ હોઇ શકે..પરંતુ જયાં એવો કોઇ પ્રશ્ન નથી ત્યાં બાળકને એનો હક્ક મળવો જ જોઇએ. બાળક કંઇ વણનોતર્યું અતિથિ નથી . બાળકના આવકારનું પ્લાનીંગ કરો ત્યારે તેના ઉછેરનું..તેને ફાળવવાના સમયનું પ્લાનીંગ કરવું પણ આવશ્યક નથી લાગતું ? અને આ જવાબદારી ફકત મા ની જ નહીં..પિતાની પણ એટલી જ છે.

હા, આપણા બાળક માટે આપણને પ્રેમ નથી તેવું નથી. પરંતુ આપણો પ્રેમ લોહીની સગાઇનો છે.સાચી સમજદારીમાંથી જન્મેલ હોય તેવું ઘણીવાર નથી લાગતું. બાળકો તરફ ઘણીવાર આપણે બેધ્યાન રહીએ છીએ..અને તે માટે આપણું દિલ ડંખે પણ છે.પરંતુ આપણે એવું આશ્વાસન લઇએ છીએ કે આખરે આ બધી દોડધામ બાળકના સુખ માટે જ છે ને ? હકીકતે આ આપણું બચાવનામુ છે. શિશુ માટે સમય કે સગવડ ન હોય ત્યારે તેને આ વિશ્વમાં આવવાનું આમંત્રણ આપવાનો કોઇ હક્ક આપણને નથી જ.

બાળક તમારી મારફત આવે છે. પણ તમારામાંથી નથી આવતા. તેથી બાળકની શક્તિઓને ઓળખી, તેને તે માટેની યોગ્ય તક આપવી એ દરેક મા બાપનો ધર્મ છે.