સંબંધસેતુ….4 February 14, 2008
“ આ સંબંધો જે લાગણીના છે
મહેલ એ ભૂલભૂલામણીના છે.”
અનિલાબહેન અને ગીતાબહેન છેલ્લા પાંચ વરસથી બાજુમાં રહેતા હતા. બંને ના દીકરાઓ સરખી ઉમરના હતા. પાંચ વરસના માધવ અને વિશાલ સાથે જ સ્કૂલે જતા..આવતા..રમતા..છોકરાઓને લઇ ને બંને રોજ સામે બગીચામાં જાય..બંને બાળકો રમ્યા કરે અને ગીતાબહેન અને અનિલાબહેન વાતોએ વળગે.બંને કુટુંબ વચ્ચે એક ઘર જેવો સંબંધ બંધાયેલ.સુખ દુ:ખમાં કે જરૂર પડયે બંને એક બીજાની સાથે જ હોય. વાર તહેવારે..બંને કુટુંબો સાથે જ જમે. “પહેલો સગો પાડોશી..” .એ ઉક્તિ અહીં સાર્થક થતી જણાય..તેવા તેમના સંબંધો.
આજે અનિલાબહેનના વિશાલનો જન્મદિવસ હતો.સ્વાભાવિક રીતે જ ગીતાબહેન મદદ કરાવવા વહેલા જ પહોંચી ગયા હતા. આમે ય ગીતાબહેન બાળકોને જાતજાતની રમતો રમાડવામાં હોંશિયાર હતા. તેમણે બધાને સરસ રમતો રમાડી.બધા ખુશ થઇ ગયા.આખો પ્રસંગ સરસ રીતે પૂરો થયો.અનિલાબહેન ખુશ હતા. ગીતાબહેને બધું સરસ રીતે સંભાળી લીધું હતું.
રાત્રે જમીને જતાં પહેલાં ગીતાબહેન અનિલાબહેનને થોડી મદદ કરાવતા હતા. ત્યાં વિશાલ પોતાને મળેલી ભેટો ના રેપર બાલસહજ ચંચળતાથી ખોલતો હતો. બાજુમાં બેસીને માધવ પણ સ્વાભાવિક ઉત્સુકતાથી જોતો હતો. બંને બાળકો ખુશ થતા હતા.
ત્યાં એક બોક્ષ ખૂલતા તેમાથી સરસ મજાની રીમોટવાળી કાર નીકળતા વિશાલ ખુશખુશાલ થઇ ગયો.કારનો તેને ગાંડો શોખ હતો.તે બધું પડતું મૂકી કાર લઇ દોડી ગયો માધવ ને પણ કાર તેટલીજ ગમતી હતી. તેણે વિશાલ પાસે માગી. વિશાલે બાલસહજ રીતે નવી વસ્તુ આપવાની ના પાડી…બંને વચ્ચે થોડી તકરાર થઇ.વિશાલે કહ્યું, ‘ ના, આ કાર મારી છે. તને નહીં આપું..’ કહી તે અંદર દોડી ગયો.
અનિલાબહેન ત્યાં જ કોઇ સાથે ફોન પર વાત કરતા હતા. તેમનું ધ્યાન બાળકોની વાતોમાં બિલકુલ નહોતું.
માધવને કાર ન મળતા તે રડવા લાગ્યો હતો.ગીતાબહેન ને થયું અનિલા બધું જુએ છે તો પણ કંઇ બોલી નહીં. કે વિશાલને જરા વાર કાર આપવા કહ્યું નહીં.તેમને ખરાબ લાગી ગયું.તરત જ પુત્રનો હાથ પકડી તે ચાલવા લાગ્યા.’ચાલ, માધવ, આપણે કંઇ ભિખારી નથી. હું તને કાલે એના કરતાં પણ સરસ કાર અપાવીશ. આપણને કંઇ નથી મળતું ? ‘ અને અનિલાબહેન પૂરું કંઇ સમજે તે પહેલાં ગીતાબહેન માધવનો હાથ ખેંચી ગુસ્સાના આવેશમાં બહાર નીકળી ગયા.
અને બસ…દૂધમાં ખટાશનું એક બુંદ જ પૂરતું હોય છે ને ? સંબંધો બનતાં વાર લાગે છે…બગડતા કયાં વાર લાગે છે ?
ગીતાબહેને નાની વાતને મોટું સ્વરૂપ આપવાને બદલે શાંતિથી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરી હોત તો ? અનિલાબહેનને થયું..મારો કશો દોષ આખી વાતમાં છે જ નહીં..પછી હું સામેથી જઇ ને નીચી શા માટે પડું ? મારે એક ને જ થોડી ગરજ છે ? વિશાલ તો બાળક છે. નવી વસ્તુ આપવાની એને જલદી ઇચ્છા ન પણ થાય..તો એને સહજ ગણીને સ્વીકારવાને બદલે ગીતાબહેન તો જાણે મેં જાણીજોઇને વિશાલને રમકડું આપવાની ના પડી હોય તેમ દોષનો બધો ટોપલો મારે માથે નાખીને ચાલ્યા ગયા. તેને ઘેર જઇએ છીએ ત્યારે તેમનો માધવ પણ ઘણીવાર વિશાલને પોતાની વસ્તુઓ નથી આપતો..પરંતુ હું કયારેય તેનું ખોટું લગાડું છું ?
આમ અનિલાબહેન મનોમન વિચારતા રહ્યા. અને તેમણે પણ ગીતાબહેનને ત્યાં જવાનું ટાળ્યું. બસ…વાત વટે ચડી ગઇ. હકીકતે બંને ને સંબંધ સુધારી લેવાની ઇચ્છા તો હતી..પરંતુ પહેલ કોણ કરે ?બંનેનો અહમ વચ્ચે આવતો હતો. પરિણામે એક સુંદર સંબંધ મૂરઝાઇ ગયો.
માણસનું મન કયારેક નાની વાતમાં આળુ થઇ જાય છે.ગુસ્સાના આવેશમાં કયારેક સાવ નાની વાતોની ગ્રંથિ મનમાં બંધાઇ જાય ત્યારે સંબંધોને ઝાંખપ લાગતા વાર નથી લાગતી. ગીતાબહેનના મનમાં એક ગાંઠ રહી ગઇ કે અનિલાબહેન તે દિવસે પોતાનો પુત્ર રડતો હતો તો પણ કંઇ બોલ્યા નહીં. બધા સ્વાર્થના સંબંધો છે. ખાલી મૉટી મૉટી વાતો જ માણસ કરે છે. બાકી બધો દંભ છે. અને સંબંધોની મીઠાશ અદ્રશ્ય થઇ ગઇ.
અને બીજાઓને તો આટલું જોતું હોય છે. આવી જ કોઇ તકની રાહ જોવાતી હોય છે. સોસાયટીમાં આવી વાતો જંગલના દાવાનળની જેમ પ્રસરી રહેતી હોય છે.સારી વાતની સુવાસને પહોંચતા સમય લાગે છે. પરંતુ નરસી વાતોની ઝડપ હમેશા અસામાન્ય જ હોય છે.આમ પણ આ બંનેને બહુ સારું બનતું હતું તેની છૂપી ઇર્ષ્યા સોસાયટીમાં સ્ત્રીઓને થતી જ હતી. અને આવું બને ત્યારે મનમાં ખુશ થનારા લોકોની સંખ્યા કંઇ નાની નથી હોતી. અને પછી તો વાતમાં મીઠું મરચુ ઉમેરીને ..જાતજાતના રંગો પૂરીને વાતો વહેતી રહી..અને ગેરસમજની દીવાલ વધુ મજબૂત થતી રહી. સોસાયટીમાં જાણે બે પક્ષ પડી ગયા..એક અનિલાબહેનનો અને એક ગીતાબહેનનો..!
અને સામાન્ય રીતે બને છે તેમ બંને બાળકો..વિશાલ અને માધવ સ્કૂલમાં સાથે રમી શકતા હતા. બાળકના મનમાં કોઇ પૂર્વગ્રહોની ગ્રંથિ કયાં હોય છે ? પરંતુ એકબીજાને ઘેર હવે જઇ શકતા નથી. બંનેની મમ્મીઓની મનાઇ,ગેરસમજનો ભોગ બાળકો ને બનવું પડયું. પરંતુ આ કિસ્સામાં સૌથી સરસ વાત એક બની..
હમણાં સોસાયટીમાં એક નવું કુટુંબ રહેવા આવ્યું હતું. અવનીબહેન કદાચ થોડા વધારે સમજદાર હતા. અને નવા હોવાથી તેમને આગલા પાછલા કોઇ હિસાબ કિતાબ નહોતા.અને સામાન્ય સ્ત્રીઓથી તે કદાચ થોડા અલગ હતા. આવી ને થોડા સમયમાં જ તેમને દરેક વાત જાણવા મળી ગઇ. કોઇ અનિલાબહેનની તરફેણમાં…અને કોઇ ગીતાબહેનની તરફેણમાં વાત કરી ગયું. અવની બહેને થોડા દિવસો તો શાંતિથી મૌન રહીને બંનેની વાતો સાંભળી લીધી. તેમને થયું..મારે સાચી વાત જાણવી જોઇએ..આમાં કોઇ મોટી વાત તેમને દેખાતી નહોતી. તેમને થયું આવી નાની વાતમાં સોસાયટીનું વાતાવરણ કલુષિત થાય એ યોગ્ય ન કહેવાય.
અને તેઓ પહેલા અનિલાબહેનને ઘેર ગયા. શાંતિથી બધી વાત સમજી લીધી…સાચી હકીકત જાણીને તેઓ ગીતાબહેનને ઘેર ગયા.થોડી આડીઅવળી વાતો કરી તેમણે ધીમેથી કહ્યું, ‘ હું કાલે અનિલાબહેનને ઘેર ગઇ હતી.’ ’ઓહ..જરૂર મારી વાતો જ તેણે કરી હશે..’ ગીતાબહેને કહ્યું. અને ઉમેર્યું.’તેની બધી વાત સાચી માનવાની ભૂલ ન કરતાં. તમે હજુ અહીં નવા છો..તેથી તમને એ બધી ખબર ન હોય…’ ’પરંતુ મેં તો તેમની બધી વાત સાચી માની લીધી છે. ‘ ’ઠીક..જેવી તમારી મરજી..સૌ પોતપોતાની મરજીના માલિક છે..મારે શું ? તમને તેની વાત સાચી લાગી હોય તો મારા નશીબ..બીજું શું ? બાકી એક પક્ષની વાત સાંભળીને ન્યાય ન થાય..’ગીતાબહેને ઉભરો ઠાલવતા કહ્યું. ’સાવ સાચી વાત કહી તમે..પરંતુ અનિલાબહેને મને શું કહ્યું એ તમને ખબર છે ? ‘ કલ્પના કરી શકું છું. ગીતાબહેન ઉદાસ સ્વરે બોલ્યા..એમાં તૂટેલ સંબંધનો છાનો અફસોસ સમાયેલ હતો. ’અનિલાબહેન કહેતા હતા કે ગીતાબહેનને મારું ખરાબ લાગ્યું છે. તેમની વાત સાચી છે. તેમની જગ્યાએ હું હોઉં તો મને પણ એમ જ લાગે. પણ ખરેખર મારું ધ્યાન ફોનમાં હતું તેથી મને તો તે દિવસે હકીકતે શું થયું છે તેની જાણ જ નહોતી. જાણ થઇ ત્યારે માધવને પણ હું તો ખીજાણી..’ ’ના, ના, એમાં માધવ શું કરે ? તે તો છોકરું કહેવાય…આ તો તે દિવસે અનિલાબેન બોલ્યા નહીં તેથી મને….” અનિલાબેન પણ કેટલો અફસોસ કરતા હતા…મારી પાસે તમારા કેટલા વખાણ કરતા હતા..કે ગીતાબહેન જેવી બહેનપણી બીજી થાય નહીં. મને તો એના વિના જરાયે ગમતું નથી. પણ શું થાય ? ‘ ’ખરેખર ? ગીતાબહેનના ચહેરા અને અવાજમાં જાણે એક ચમક આવી ગઇ.
‘ખરેખર જ ને..! હું ખોટું શા માટે બોલું ? મેં તો ગીતાબહેને જે વાત કરી તે તમને કરી..મને થયું બંને બહેનપણીઓ નાની વાતમાં આમ દુ:ખી થાવ છો એના કરતાં….’અવનીબહેને વાત જાણીજોઇને અહીં અધૂરી મૂકી. ગીતાબહેન બે દિવસ વિચાર કરતાં રહ્યા…અને બે દિવસ પછી અવનીબહેન સાથે જ અનિલાબહેનને ઘેર ગયા ત્યારે બંનેની આંખમાં સાવન ભાદરવો હતા…
એક મૂરઝાતો સંબંધ કોઇની થોડી સમજદારીથી ફરીથી પાંગરી ઉઠયો.
સમાજમાં આવા અનેક અવનીબહેનોની જરૂર છે તેવું નથી લાગતું ? એક હકારાત્મક અભિગમ..પોઝીટીવ એટીટયુડથી નાના નાના ચમત્કારો જરૂર સર્જાય છે. અને આવા નાના નાના અનેક ચમત્કારો ભેગા મળીને વધુ નહીં તો વ્યક્તિની, કે કુટુંબની કાયાપલટ જરૂર કરી શકે. અને સમાજ આખરે કુટુંબોનો જ બનેલ છે ને ? એક દીપથી અનેક દીપ જરૂર જલી શકે… બાવર્ચી પિકચર યાદ આવે છે ? સંબંધો સુધારવાની કલા કેવી સરસ રીતે દર્શાવાઇ હતી..!
આપણે પણ…
સંબંધોને સેતુ બનાવીશું ને ? સેતુ નું કામ જોડવાનું..તોડે તેને સેતુ ન કહેવાય. સંબંધનો સેતુ એક માનવીને બીજા માનવી સાથે જોડવાની દીવાદાંડી બની રહે. આપણા પોતાના જ વ્યક્તિત્વના નિખાર માટે એટલું આપણે નહીં કરી શકીએ ? સંબંધોને ઉજાળી આપણા મનની સરહદો થોડી..થોડી જ વધારે વિશાળ બનાવીશું ? સંબંધોની ગરિમા જાળવીશું ને ?
( સ્ત્રી માં પ્રકાશિત કોલમ… સંબંધસેતુ..)
