આજે અમેરિકાથી સમાચાર આવ્યા..અનુજને મીશીગન યુનીવર્સીટીમાં અમેરિકન હાર્ટ એસોશીએશન તરફથી બેસ્ટ ડોકટરનો એવોર્ડ મળ્યો છે. તેના જન્મ પહેલાંથી સેવેલ એક સ્વપ્ન આજે સાકાર થતાં સમયનું ચક્ર અચાનક પચ્ચીસ વરસ પાછળ ઘૂમી ગયું. એક આખો અંતરાલ વચ્ચેથી જાણે અદ્રશ્ય થઇ ગયો. અનુજના જન્મ પહેલાની અનુભૂતિની નાજુક ક્ષણો …એ મખમલી અહેસાસ..આજે યે મારી છાતીમાં એટલો જ જીવંત છે એની જાણે પ્રતીતિ થઇ.
વરસો પહેલાની એ ક્ષણો સાથે તુરત એક તાર જોડાઇ ગયો…. આપમેળે એક અનુસન્ધાન રચાઇ ગયું. અને અનાયાસે એ ક્ષણૉમાં સરી જવાયું.
ત્યારે હજુ અનુજનો જન્મ પણ કયાં થયો હતો ? ઉદરમાં પાંગરતાં એ શિશુ માટે કેવાં કેવાં અને કેટકેટલા સ્વપ્નો જોયા હતા !
દરેક શિશુના જન્મ પહેલાં ઇશ્વર એ અદીઠ શિશુ માટે માનવીના હ્રદયમાં એક નિષ્ઠા..એક સ્નેહનું ઝરણુ રોપે છે. જે તેને ભાવિ બાળકના સત્કાર માટે માનસિક રીતે તૈયાર કરે છે. સ્નેહના એ પરિબળે સ્ત્રી કોઇ પણ પીડા સહન કરવા તત્પર બની ને આનંદની અનુભૂતિ કરી શકે છે. તેની આંખોમાં ને અંતરમાં બાળકના સ્વપ્નો જાગૃત થાય છે. કુદરતની આ સ્વાભાવિક પ્રેરણા છે. કુદરતે જો આ માયા.. મમતા ન મૂકી હોત તો કદાચ આ અનુભવ કોઇ પણ સ્ત્રી માટે ફકત કષ્ટદાયક જ બની રહેત. અને તો કદાચ એ પીડા માટે તૈયાર થાત કે કેમ એ પણ પ્રશ્ન છે. વાત્સલ્યના આ ઝરણાને લીધે જ સ્ત્રી પીડાની નહીં… સર્જનની સંવેદના અનુભવી શકે છે. હું એમાંથી બાકાત કેમ રહી શકું ?
પ્રથમ શિશુના આગમનના સમાચારે “ સારા પ્યાર તુમ્હારા, બાંધ લિયા મૈને આંચલમેં …”. એક નવો એહસાસ, એક અકલ્પ્ય રોમાંચ …. અને અનેક કલ્પનાઓ..એક છોકરીનું સ્ત્રીમાં અને એક સ્ત્રીનું માતા માં થતું રૂપાંતર..! નિતનવા ભાવોની ભરતી. તન, મનમાં પ્રગટતા ફેરફારો..મન:ચક્ષુ સમક્ષ ઉઘડતી કલ્પનાઓનું ભાવ વિશ્વ…!
ખળખળ વહેતું ઝરણું કેવી સહજતાથી કલકલ કરતું ભેખડો કૂદાવતું જાય, ખડકો વચ્ચેથી રસ્તો કરતું જાય, ગીતો ગાતું જાય,મસ્તીમાં ઝૂમતું જાય અને માર્ગમાં જે મળે તેને પ્રસન્નતાની લહાણી કરતું જાય..એની ગતિને ન કોઇ રોકી શકે, ન કોઇ ટોકી શકે. નિર્બંધ રીતે ખળખળ વહેવું એ જ એકમાત્ર એનું જીવનકર્તવ્ય.
પણ.. એ જ ઝરણું ખડકમાંથી નીકળી સપાટ મેદાનમાં પ્રવેશે ત્યારે તેની ગતિ, તેનો લય સહેજે બદલાઇ જાય. જાણે જીવનનો એક ટર્નીંગ પોઇન્ટ…! એની રફતાર બદલાઇ જાય. હજુ પણ એ વહે તો છે જ. પણ હવે નાચવા કૂદવાને બદલે ધીર,ગંભીર ગતિએ..શાંત રીતે વહે છે. એની ચંચળતાને જાણે અચાનક બ્રેક લાગી ગઇ. કોલેજમાં અલ્લડ, બિન્દાસ ગણાતી,પતંગિયાની માફક ઉડાઉડ કરતી છોકરી લગ્ન થાય એટલે ધીર ગંભીર ગૃહિણી બની જાય..એક ઝરણું નદી બની જાય. બંને કાંઠે એ છલોછલ વહી રહે. એની સઘળી ચંચળતા, ઊછળકૂદ શાંત પ્રવાહમાં પરિવર્તિત થઇ જાય. ઝરણું ડાહ્યું ડમરું બની જાય !
અને પછી એ ધસમસતી નદીને પણ અચાનક કોઇ પળે ફરી એકવાર “ રુક જાવ ” નો આદેશ મળે…હવે દોડાય નહીં, કૂદાય નહીં. વહેવાનું તો ખરું..પણ એકદમ શાંત ગતિ..એક નવી જવાબદારીની સતર્કતાપૂણ ગતિ. જેમાં હવે પોતાનો નહીં, પોતાની અંદર પાંગરતા એક અન્ય જીવનો વિચાર કરવાનો છે. પોતાની જિંદગી પર હવે કોઇ બીજાનો હક્ક છે.
મારે પણ હવે મારા ઉદરમાં પાંગરતા શિશુનો વિચાર કરીને મારી દિનચર્યા ગોઠવવાની હતી. મારી પ્રત્યેક ક્ષણ પર હવે તેનો અબાધિત અધિકાર હતો. તેનું અસ્તિત્વ મારા પર નિર્ભર છે.. એ ખ્યાલ જ મને જાગૃત કરી દેવા પર્યાપ્ત હતો.
શરીરરૂપી સરોવરમાં એક નાજુક પુષ્પ ખીલવાની વેળાએ સમગ્ર અસ્તિત્વ જાણે એક અબોટી સુવાસથી છલકી ઉઠયું હતું. કયા જન્માંતરોનો..કયા ઋણાનુબંધનનો સંબંધ આવનાર શિશુ લાવશે ? કુદરતની કેવી કમાલ ! સર્જનહારની કેવી અદભૂત લીલા..!
” નાનુ અમથુ તે સાવ જીવતર ,
ને આખું આકાશ મારી પાંખમાં
આમ ટપકુ હું અમથુ બ્રહ્માંડમાં “
કયારેક કોઇ નાનકડી ઘટનાથી પણ જીવનની અસીમતાનો અનાયાસે એહસાસ થાય છે. જાણે એક ટપકામાંથી અસીમ બ્રહ્માંડ અસ્તિત્વમાં વિસ્તરી ન ગયું હોય ! કોઇ નવી અણજાણ ક્ષિતિજ અચાનક ઉઘડે.. પરમ પ્રકાશથી મન ઝળાહળા બની રહે… જીવનમાં એક નવી જ ભૂમિકાના પગરવ ગૂંજી ઉઠે…થોડું સમજાય અને થોડું ન પણ સમજાય… પરંતુ એક તદન નવો એહસાસ..નવો રોમાંચ…બધુ જ નવું…અલગ…!
જીવનના સોળમે ચોમાસે નયનના ગર્ભમાં કોઇ અજાણ, અદીઠા પ્રેમીની પ્રતીક્ષા ઉછરતી હતી. એકવીસમે વરસે તેમાં વહાલમની પ્રતીક્ષા ઉગેલી હતી. અને આજે…આજે વહાલમના એક અંશના અવતરવાની પ્રતીક્ષાની પળો આવી પહોંચી ?
મારી અન્દર એક શિશુના પ્રાગટયની પુનિત પળ સ્થાપિત થઇ ચૂકી છે.. એ સમાચાર… ! અને હું સુગંધ સુગંધ..! અલય ખુશખુશાલ. પ્રથમ સંતાનના આગમનના સમાચારે પુરુષમાં મનમાં સૌથી પહેલી કઇ લાગણી ઉદભવતી હશે ? નર્યા પિતૃત્વની ? કે પોતાનો વંશજ…વારસદાર આવશે એ ઉલ્લાસની ? કે પછી એનું મન દીકરી કે દીકરાના લેખાજોખામાં પડી જતું હશે..? કે પછી ખાસ કોઇ ફરક નહીં પડતો હોય ? અને સ્ત્રીમાં ?
મારા શરીરની અંદરથી એક શિશુનું સર્જન થશે..એક જીવંત વ્યક્તિ અવતરશે…!! એ વાત જ મને અદભૂત રોમાંચકારી લાગે છે.! હું આયના સામે મારા શરીરને એક અલગ દ્રષ્ટિથી નીરખતી રહું છું. ચિરપરિચિત શરીર આજે મારા માટે અપરિચિત બની ગયું છે કે શું ? થોડી પળો આયનામાં મારી જાતને..મારા શરીર સામે જોઇ રહી. કયાંય કંઇ કળાય છે ? ના, હજુ તો કયાંય કોઇ ફરક નહોતો દેખાતો. એક રૂંવાડું યે કયાં બદલાયું હતું ? અને છતાં….
છતાં હવે બદલાશે અસ્તિત્વ…શારીરિક., માનસિક, ચૈતસિક સ્તરે ઘણું બધું બદલાશે ..જીવનનો ધોરીમાર્ગ બદલાશે, મૂલ્યો બદલાશે, વિચારવાની દ્રષ્ટિ બદલાશે, રુટીન બદલાશે, પ્રાથમિકતાઓ બદલાશે અને…અને બદલાઇશ હું…!
લગ્ન થયા ત્યારે એક છોકરીમાંથી હું સ્ત્રી માં રૂપાંતર પામી હતી. અને હવે સ્ત્રી માંથી માતૃત્વની દીક્ષા પામી એક ‘મા’ માં રૂપાંતર પામવાની આ શરૂઆત છે. ચૈતસિક સ્તરે, મનમાં ફેરફાર થવાની શરૂઆત શું આ ક્ષણથી જ થઇ ગઇ ? હું કોને પૂછું ? ઘરમાં તો બીજું કોઇ છે નહીં. અમે બે …! અને અમને બે માંથી કોઇને કયાં કંઇ ગતાગમ પડે છે ? અને મા બાપ થવા નીકળી પડયા !!! જાણે રસ્તાની જાણ વિના… ભોમિયા વિના અમે ડુંગરા ભમવા નીકળી પડયા હોઇએ એવા વિચારો આવવા લાગ્યા.
જોકે આ સમાચાર મળતાં જ હરખઘેલા અલયે તો રૂમની દીવાલો નાનકડાં ભૂલકાઓના સુંદર ચિત્રોથી શણગારી દીધી. હમણાં આમાંથી કોઇ તેના કાલાઘેલા, મીઠા, અવાજે અમને પોકારી ઉઠશે…! હું તો એ ચિત્રોમાંથી મારા શિશુની પસંદગી કરતી હોઉં તેમ નીરખતી રહું છું. ગર્ભસ્થ શિશુ પર આસપાસના વાતાવરણની , મનમાં ચાલતા વિચારોની અસર થાય છે..એ ભાને મને સતર્ક બનાવી દીધી હતી. મારું બાળક સર્વોત્તમ થવું જોઇએ..એ ભાવના કઇ મા ના અંતરમાં ન હોય ? મારું બાળક કોના જેવું હશે ? મારા જેવું ? અલય જેવું ? કે પછી બંનેના મિશ્રણરૂપ ?
“ થોડા હમારા, થોડા તુમ્હારા…આયેગા ફિર સે બચપન હમારા…” જીવનની બગિયા મહેકવાની એ પરમ ક્ષણો….!
કઇ પેઢીના ..કયા જીન્સ નો વારસો લઇ ને એ અવતરશે ? વિજ્ઞાનનું થોડું જ્ઞાન અને અનેક નવા સંવેદનો મનમાં અગણિત પ્રશ્નો જગાવતું રહે છે. રૂપાળું હશે કે કાળુ ? બુધ્ધિશાળી થશે કે સામાન્ય ? હું એને શું બનાવીશ ? શું ભણાવીશ ? મનમાં અત્યારથી કલ્પનાઓના વેગીલા ઘોડા દોડવા માંડયા છે. દૂધ વધારે પીવાય તો છોકરું ધોળુ આવે ને રીંગણ વધારે ખાઇએ તો કાળુ આવે..! કોઇ અનુભવી મારા કાનમાં ફૂંક મારતું રહે છે..અને હું જાણ્યે અજાણ્યે એને અનુસરતી પણ રહું છું. ના, હવે મારાથી કોઇ રીસ્ક ન લેવાય..હું માનું કે નહીં..પણ …મારા આવનાર બાળક માટે બધું કરતી રહું છું. એ મારો અંશ હશે..મારા લોહી માંથી એનું સર્જન થવાનું છે. એના અસ્તિત્વનો બધો યે આધાર મારી પર છે. હું કોઇ જોખમ કેમ લઇ શકું ?
સગાસ્નેહીઓની વિવિધ સૂચનાઓનો અવિરત ધોધ વહેતો રહે છે. કોઇ રામાયણ, ગીતા જેવા ગ્રંથો વાંચવાની સૂચના આપે છે. કોઇ ખુલ્લી હવામાં ચાલવા જવાની સૂચના આપે છે. ખાવા પીવાની સૂચનાઓનો તો આરો કે ઓવારો નથી. અને અલય આ બધી સૂચનાઓનું ચુસ્ત પાલન કરાવવામાં જરાયે ઉણો ઉતરે તેમ નથી જ.
આવનાર શિશુને હું કઇ રીતે ઉછેરીશ ? મને આવડશે ? ફાવશે ? મેં તો કુટુંબમાં કયારેય કોઇના નવજાત શિશુને જોયું સુધ્ધાં નથી. આખા કુટુંબમાં આ પહેલો પ્રસંગ છે. મનમાં એક રોમાંચ ની સાથે સાથે ડર પણ છે. પહેલે મહિને તો માનસિક સ્તર સિવાય કોઇ ખાસ શારીરિક ફરક અનુભવી શકી નહીં. પણ બીજે મહિને રોજ સવારે એક બેચેની જેવું ફીલ થાય…કંઇ ખાવા પીવાનું મન નહોતું થતું. બસ..એમ જ પડી રહું. બધા કહે કે સવારે કદાચ થોડું વોમીટ જેવું થાય કે વોમીટ થાય તો ગભરાવાનું નહીં..પરંતુ સદનશીબે મને એવું તો કંઇ નહોતું થતું. જાણું છું આ બધું હોરમોન્સ ના પરિવર્તનને લીધે છે. પરંતુ મન તો બાલિશ વિચારો કરતું રહે છે. મારું શિશુ મારું ધ્યાન અત્યારથી રાખે છે !! હું મારી જાત પર હસું છું. છતાં આવી અનેક કલ્પનાઓ કરવી ગમે છે.
ડોકટર તો મારા ખાસ મિત્ર છે. તેથી તેનું માથુ ખાતી રહું છું. કદાચ તે પણ અંદર તો મારા બહાવરાપણા પર હસતા હશે..પણ મારા સવાલોથી કંટાળ્યા કે થાકયા સિવાય ધીરજથી જવાબ આપતા રહે છે. આયર્ન, કેલ્શિયમની ગોળીઓ, નિયમિત વજન કરાવવું, બરાબર ખાવું પીવું , પ્રસન્ન રહેવું, ચાલવા જવું થોડી કસરત કરવી..સારું વાંચન, સારા વિચારો કરવા…એક આખું ટાઇમટેબલ મારી આસપાસ ગોઠવાઇ ગયું છે. બધાના કેન્દ્રમાં આવનાર શિશુ જ છે. મોટા થયા પછી કોઇ બાળક આ બધું કયારેય જાણી શકે ખરો ? અનુભવી શકે ખરો ? એક મા શિશુના આવ્યા પહેલાથી દરેક વાતમાં તેનો અને ફકત તેનો જ વિચાર કરતી રહે છે. એ કયારેય તે સમજી શકે ખરો ?
ત્રીજા મહિનાથી શરીરમાં ફેરફાર થયો છે તેની સાબિતિ આયનાએ આપી. શરીરના ઘાટઘૂટ ફરવા લાગ્યા.બધા કહે છે..આ અવસ્થામાં કોઇ પણ સ્ત્રીનું રૂપ નીખરે છે. કદાચ સાચું પણ હશે..મને પણ મારો અરીસો એ જ કહેતો હતો.કદાચ ખાવા પીવામાં લેવાતી સંભાળ પણ કારણરૂપ હોઇ શકે..કે માનસિક પ્રસન્નતા પણ એક કારણ હોઇ શકે. મનની અસર શરીર પર થાય જ છે ને ?
હું આ અવસ્થામાં થતાં ફેરફારો, ગર્ભસ્થ બાળકનો થતો વિકાસ વિગેરે અંગે જાતજાતના પુસ્તકો વાંચતી રહું છું. કેટલાયે કુતુહલો, આશ્ર્વર્યો મારા મનમાં પ્રગટતા રહે છે. પુસ્તકમાં લખેલી વાતો સાથે મારા અનુભવોને સરખાવતી રહું છું. એમાં બતાવેલ ચિત્રો સાથે મારા શરીરની સરખામણી કરતી રહું છું. અને જરા પણ ફરક લાગે તો ગભરાઇને ડોકટર પાસે અમે બંને દોડતા રહીએ છીએ. કયારેક બહાવરી બની એક જ પ્રશ્ન દસ વ્યક્તિને પૂછતી રહું છું અને એ બધા પોતપોતાના અનુભવ મુજબ અલગ અલગ જવાબ આપે છે ત્યારે મૂંઝાતી રહું છું.
કયારેક યુગો ના યુગો એક પળમાં સંકોચાઇ જતાં લાગે છે. તો કયારેક કોઇ એક પળ યુગ જેવી લંબાતી રહે છે. હવે પ્રતીક્ષા કયારે પૂર્ણ થશે અત્યારથી એક અધીરતા વીંટળાઇ વળે છે. સમય થંભી ગયો છે કે શું ? ગતિ નો અર્થ જાણે હવે સમજાતો હતો.
સમય તો એની રીતે જ સરતો રહે છે. મનની અવસ્થા મુજબ આપણને એ કયારેક ધીમો કે કયારેક ઝડપી લાગે છે. સમયની સાથે મારા શરીરમાં પણ ફેરફારો થતાં રહે છે. શારીરિક, માનસિક અને ચૈતસિક સ્તરે વિવિધ અનુભવો થતાં રહે છે.
કયારેક વિના કારણ એક ઉદાસી ઘેરી વળે છે. તો કયારેક કારણ વિના મન ખુશીથી રણઝણી રહે છે. કયારેક કોઇ વસ્તુ ખાવાની અદમ્ય ઇચ્છા જાગે છે. તો કયારેક મારી અતિ પ્રિય વસ્તુ ખાવાની પણ તીવ્ર અનિચ્છા ,અરુચિ જાગે છે. પ્રત્યેક સવારે ઉદિત થતાં સૂર્યની સાથે એક નવો અનુભવ…એક નવો રોમાંચ..! સમય કેટકેટલા પરિવર્તનો સાથે સરતો જાય છે. મારી અંદર રહેલ શિશુ ની પ્રગતિનો ગ્રાફ ડોકટર માપતા રહે છે. વીટામીન અને કેલ્શિયમની ગોળીઓ..ખાવા પીવાની સૂચનાઓ મળતી રહે છે. મારું અદીઠ શિશુ મારી અંદર ઉછરતું રહે છે, વિકસતું રહે છે, કરવટ બદલતું રહે છે. હું ધીમે ધીમે એના પ્રત્યેક હલનચલનને અનુભવી શકું છું. તેના નાનકડા પગની લાત કેવી મીઠી લાગે છે. મારી એક એક પળમાં હવે એનો અહેસાસ છે. અને એ અહેસાસ મને મારા કર્તવ્યનું જાણે ભાન કરાવતો રહે છે.
કયારેક મારી અંદર રહેલ શિશુ કરવટ બદલે છે અને હું આકુળવ્યાકુળ…તેનો તીવ્ર ફરફરાટ હું માણી રહું છું. તેનો એ સ્પર્શ મારી અંદર કેટકેટલા સંવેદનો જગાડી જાય છે ! કયારેક પ્રાણમાં એક ન સમજી શકાય…ન સમજાવી શકાય તેવી વ્યાકુળતા ઉગે છે. તન , મનમાં કોઇ અદીઠ સજાવટ થતી રહે છે. હું કયારેક પુલકિત થતી રહું છું. કયારેક કોઇ અજ્ઞાત ભયની આશંકા પણ અંતરમાં ઉગતી રહે છે. અલબત્ત પુત્ર કે પુત્રી એવો કોઇ પ્રશ્ન અમારા બે માંથી કોઇના મનમાં ઉપસ્થિત નથી થતો. જે પણ હશે તે અમારે માટે તો દેવશિશુ જ હશે. પગલીનો પાડનાર, ખોળાનો ખૂંદનાર.. પુત્ર કે વહાલના દરિયા સમ દીકરી..જે હોય તે શો ફરક પડે છે ? એ અમારા પ્રેમનું પ્રતીક…અમારા જીવનબાગનું અણમોલ પુષ્પ હશે એટલું જ અમારે માટે પર્યાપ્ત છે. તેના ભવિષ્યની મીઠી કલ્પનાઓના પ્રદેશમાં ઘૂમવાનું પણ કંઇ ઓછું આનંદદાયક નહોતું જ.
અલય પણ પિતૃત્વના એહસાસથી સભર હતો. હમેશા તે પેટ ઉપર કાન માંડીને મારી અંદર સૂતેલ શિશુની ધડકન સાંભળતો રહેતો અને પોતે જ જાણે એ નાનું બચ્ચું હોય એવો રોમાંચ અનુભવતો. તેની સાથે સંવાદ કરતો રહેતો. હું ઉપરથી તેની મશ્કરી કરવાનું ન ચૂકતી. પણ અંદરથી અચૂક હરખાતી રહેતી. અલય કયાંકથી સાંભળી આવેલ સૂચનાઓ મને આપતો રહેતો કે બાળકના સ્વસ્થ વિકાસ માટે આમ કરવું જોઇએ અને આ ન કરવું જોઇએ.. વિગેરે વિગેરે… તેના અચાનક ઉમટી આવેલ આ “જ્ઞાન “ ની મસ્તી કરવાની મોજ થોડી ગુમાવાય ? તે કહેતો, ‘ આ કંઇ તારી કાળજી નથી લેતો..આ તો મારા બાળકનું ધ્યાન મારે રાખવું રહ્યું ને ? ‘
સામાન્ય સંજોગોમાં ઓફિસમાં સતત બીઝી રહેનાર અલય આ મહિનાઓમાં સતત મારી સાથે હતો. મારી નાની નાની દરેક ઇચ્છાઓ કહ્યા સિવાય પણ તે સમજી જતો. મારી કાળજી લેવાની એક ક્ષણ પણ તે ચૂકતો નહીં. આજે શું ખાધું ? શું કર્યું ? વિગેરે પ્રશ્નો પૂછતો રહે છે. કુટુંબમાંથી પણ બધાના આ જ પ્રશ્નો આવતા રહ્યા છે.
સીમંત સંસ્કાર તો સાતમા મહિનાની શરૂઆતમાં જ ખૂબ સરસ રીતે સંપન્ન થઇ ગયેલ. સ્ત્રીના જીવનની આ પરમ પવિત્ર અવસ્થાને આપણી સંસ્કૃતિએ કેટલું ગૌરવ, કેટલું સન્માન પ્રદાન કર્યું છે. એ આ સીમંતના પ્રસંગથી અનુભવ્યું. સ્ત્રી ના આ સ્વરૂપને આપણી સંસ્કૃતિએ સૌથી પવિત્ર ગણ્યું છે. તે એક શિશુની જન્મદાત્રી બનવાની છે. એ કંઇ સામાન્ય વાત નથી જ. કવિવર ટાગોર કહે છે તેમ ‘ નવજાત શિશુનું આગમન સૂચવે છે કે ઇશ્વરને હજુ માનવજાતમાંથી સાવ શ્રધ્ધા ઉઠી નથી ગઇ.’ કોઇ લેખક શિશુને ઇશ્વરે માનવજાત પર લખેલ પ્રેમપત્ર કહે છે.
“ પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઉઘડે ,
કમળ જ નહી આખું સ્વયં જાણે સરોવર ઉઘડે;
આ શ્વાસ અને ઉચ્છશ્વાસ સાથે કોણ મંથર ઉઘડે ?
જન્મ જન્માંતરના બધા આ થર પછી થર ઉઘડે “
આયખું જાણે મઘમઘી ઉઠયું હતું. ધીમે ધીમે શરીર બહારથી બેડોળ બનતું જતું હતું. પણ આ અવસ્થાને નિરખવાની આપણી દ્રષ્ટિ તેને બેડોળ ને બદલે ગૌરવવંતું બનાવે છે. આ બેડોળતામાં પણ એક સૌન્દર્ય નિખરી રહે છે.
આ નાનકડા, ટપકા જેવા જીવતરમાંથી જે સર્જન થાય છે તેની તોલે બીજું શું આવી શકે ? દેવોને દુર્લભ આ અનુભવ છે. પીડા છે..પણ એ પીડા વાંઝણી નથી. એ સર્જનની પીડા છે. એક અબોધ શિશુ એની નાનકડી આંખ ખોલે છે અને બધી યે પીડા પળવારમાં ગાયબ થઇ જાય છે. આ અનુભવ સર્જનહારે ફકત સ્ત્રીને જ આપી તેના સ્ત્રીત્વને એક આગવું ગૌરવ પ્રદાન કર્યું છે. એ અદભૂત,રોમાંચકારી અનુભવથી પુરુષ ને વંચિત જ રાખ્યો છે.
ઓફિસેથી હમેશાં મોડો આવતો અલય આ દિવસોમાં સમયસર આવી જાય છે. અમે સાથે દરિયાકિનારે ચાલવા જઇએ છીએ..ઊછળતા મોજાને સથવારે કે સમુદ્રમાં ડૂબકી મારી અદ્રશ્ય થતાં સૂર્યની સાક્ષીએ અમે આવનાર શિશુની મધુર કલ્પનાનો રોમાંચ લેતા રહીએ છીએ. મારા ઉદરમાં સૂતેલ શિશુ પણ જાણે દરિયાની સુગંધથી જાગી જાય છે અને મારી અંદર ફરકી રહે છે. હું એને સ્પષ્ટ રીતે મહેસૂસ કરી રહું છું. એક નાજુકાઇથી અનાયાસે મારો હાથ ઉદર પર ફરી રહે છે. અલય મારી સામે જુએ છે અને ધીમેથી પૂછે છે, ’ફરકે છે ? ‘ હું મંદ મંદ મરકી રહું છું. અલયનો હાથ પણ…! તે પણ પોતાના સંતાનને મહેસૂસ કરવા આતુર બન્યો છે.
રોજ એક નવા અનુભવથી મન છલકાતું રહ્યું છે. મારી અંદર નિતનવી ક્ષિતિજો ઉઘડતી જાય છે. ધીમેધીમે મારા શરીરમાં થતાં પરિવર્તનો આયનામાં દેખાતા રહે છે. અને મારી અંદર એક રોમાંચ જગાડતા રહે છે. મારું પોતાનું શરીર મારી સમક્ષ રોજ નવા રૂપ ધારણ કરીને આવે છે. હું મુગ્ધ કે આશ્ર્વર્યચકિત બની જોતી રહુ છું. એક પરમ મૃદુતાથી..પીંછાની હળવાશથી મારા ઉદરને સ્પર્શ કરતી રહું છું. મારા ન જન્મેલ શિશુ સાથે અવિરત ગોષ્ઠિ ચાલુ છે. અમારો સંવાદ અમારા બે નો જ છે. તેમાં અન્ય માટે આ ક્ષણે તો પ્રવેશ નિષેધ છે. આ અમારું એકદમ અંગત ભાવવિશ્વ છે.
ન જાણે મારી અંદર આ કયું પૂર ઉમટયું છે.! કઇ કેસર કયારી મહોરી ઉઠી છે.! મારામાં આ શું પ્રગટી રહ્યું છે ? કયારેક ન સમજાતા સ્પન્દનોનો રોમાંચ માણી રહું છું. ..
કુદરતનો કરિશ્મા કે સર્જનહારની અદભુતલીલા તો જુઓ.! આવનાર શિશુના આવકારની..એના ભરણપોષણની કેટલી ખેવના એ રાખે છે ! મા ના શરીરના અમૃતકુંભને એ અગાઉથી અમૃતથી સભર બનાવી રાખે છે.
‘ બેટા, તું સાંભળે છે મને ? તારી મા ને ? હવે તારી નાનકડી આંખોથી હું દુનિયા જોઇશ. તારા નાના પગ સાથે તાલ મિલાવી હું તને દુનિયામાં પ્રવેશ કરાવીશ. તને કયારેય દુ:ખનો, કોઇ પીડાનો ઓછાયો સુધ્ધાં ન સ્પર્શે એ જ ઇશ્વરને મારી પ્રાર્થના હશે. દસે દિશાઓથી તારું મંગળ થાવ એ એક મા નો આશીર્વાદ હશે. બેટા, તારી આ મા હમેશા તારી સાથે છે..હશે.. તું કયારેય રાંક, કે ગરીબડો નહીં હોય.. દુનિયામાં ઘણી સારી અને ઘણી ખરાબ બાબતો પણ છે. પણ બેટા, તું જયાં જઇશ..ત્યાં દ્રશ્ય કે અદ્રશ્ય રીતે એક મા નું સુરક્ષા કવચ તારી આસપાસ મોજુદ હશે જ. ‘
ન જાણે કેટકેટલી વાતો હું મારા ન જન્મેલ શિશુ સંગાથે કરતી રહું છું..! એક મા જ આ અહેસાસ સમજી શકે..પુરુષનું એ ગજુ નહીં.
તું મોટો થઇ ને શું બનીશ..શું કરીશ ? આ પળથી મન હવાઇ કિલ્લા બાંધતું રહે છે.! કુદરતે કેવા માયા, મમતા મૂકી છે..! આ માયા મમતાને સથવારે તો સ્ત્રી બધી પીડા હસતે હૈયે જીરવી જાય છે. નવ મહિનાની એક એક ક્ષણ અદીઠ શિશુનો વિચાર કરીને જીવાતી રહે છે. શું ખાઇશ તો તારી ત્વચા રૂપાળી થશે..શું કરીશ તો તને પૂરતું પોષણ મળશે…અમારી બધી દિનચર્યા અત્યારથી જ તારી આસપાસ ગોઠવાઇ ગઇ છે.! બેટા, તને કયારેય ખ્યાલ પણ નહીં આવે કે બાળકના જન્મ પહેલાથી એક સ્ત્રી..એક માતા બાળકનો વિચાર કેટકેટલી નાની નાની વાતોમાં પણ કરતી રહે છે. ભાવતી વસ્તુઓ ન ખવાય…વાંધો નહીં…મારા બાળક માટે છે ને ? ન ભાવતી વસ્તુઓ પણ પ્રેમથી ખવાય છે. મારા બાળક ને ફાયદો થાય છે ને ? કોઇ ભોગ આપે છે એવી કોઇ ભાવના ..એવા કોઇ ખ્યાલ વિના પણ કેટકેટલી કાળજી એક મા લેતી રહે છે. આ બધાની ગણતરી જો કરવામાં આવે ને તો ઇશ્વર પણ દેવાળિયો બની જાય. એટલું દેવું દરેક માતાનું હોય છે.! આ નિર્વ્યાજ સ્નેહનું કોઇ મૂલ્ય હોઇ શકે ખરું ? આ ઋણ કયારેય રૂપિયા,આના, પાઇથી ચૂકવી શકાય ખરું ?
ધીમેધીમે તારું લાતો મારવાનું..ફરકવાનું વધતું જાય છે. અને તારા એહસાસે હું રોમાંચિત થઇ ઉઠુ છું. અમારા બંનેનો હાથ ઉદર પર ફરી રહે છે. જાણે તને સ્પર્શવાનો લહાવો લઇએ છીએ. અલય મારા ઉદર પર હાથ ફેરવી તને શોધવાનો પ્રયત્ન કરે છે. હું તેનો હાથ પકડી મારા ઉદર પર ધીમેથી મૂકી એ જગ્યા બતાવતી રહું છું . જયાં તું હોવાનો મને એહસાસ છે..! એ નાજુક ક્ષણો મારી અંદરથી કયારેય વિલીન થઇ શકે ખરી ? તારા એક હાસ્યે મારું વિશ્વ ઝગમગ થઇ ઉઠશે..એ ખ્યાલ જ રોમાંચકારી લાગે છે. જાણે તું સાંભળતો ને સમજતો હોય એ રીતે તારી સાથે અવિરત સંવાદ ચાલતો રહે છે.
તન અને મનમાં સજાવટ વધતી રહે છે. દિવસો અને મહિનાઓ પસાર થતાં રહે છે. દરેક પળ તને અનુલક્ષીને જ હવે જીવાય છે. એ તું કયારેય જાણી શકીશ ?
મારી આસપાસ…મારી અંદર જાણે અગણિત વિશ્વો પસાર થઇ રહ્યા છે. આંખોમાં તારા આગમનના અણસાર ઉગતા રહે છે, રગરગમાં એક લીલપ વછૂટતી રહે છે. અણુ અણુ માં ટહુકા ફૂટતા રહે છે
“ તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારુ ઝોલે ચડયું. “
હું ઝોલે ચડતી રહું છું. સમયનું ધન જલદી ખૂટતું નથી. હવે તો રાત્રે આરામથી સૂઇ નથી શકાતું. એક બેચેની , એક અજંપો કયારેક મનને ઘેરી વળે છે. કયારેક થોડો ડર પણ લાગે છે. શું થશે ? કેમ થશે ? કેટલીયે વાતો બધા પાસેથી સાંભળી છે. એ અનુભવ કેવો હશે ? અલય સાંત્વના આપતો રહે છે. બધું સહજતાથી લેવા સમજાવતો રહે છે. જોકે એના મનમાં પણ ઉંડે ઉંડે એક અજ્ઞાત ડર તો કદાચ છે જ..એવું હું મહેસૂસ કરી શકું છું. પરંતુ બહારથી તો મને એ હિંમત આપતો રહે છે, હસાવતો રહે છે.
સમયની પાંપણ જાણે પલકતી નથી. એને શા માટે ઉતાવળ હોય ? ઉતાવળ,અધીરતા હવે મારા અણુ એ અણુમાં છે. આ નવ મહિનામાં જાણે મેં કેટલાયે યુગ જીવી લીધા છે. ભીતરે એક અદીઠ આભાસ થતો રહ્યો છે.
“ નર્યા નીતર્યા સ્પન્દન, સ્પન્દન રુંવે રુંવે ચિતવન,
ચિતવન મબલખ મબલખ મનખો મબલખ”
અવનવી અનુભૂતિઓથી અંતર છલકતું રહ્યું છે. કયારેક તને હાલરડા સંભળાવું છું. કયારેક ભણાવું છું, કયારેક રમાડું છું. ઝૂલે ઝૂલાવું છું. હસાવું છું, જમાડું છું, નવડાવું છું..કઇ મા યશોદામૈયા નથી હોતી ?
“ પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી;
મૃદુ,મલિન મોં માં બ્રહ્માંડો અનંત અવલોકતી..”
બેટા, અમારી નાનકડી દુનિયા તારું સ્વાગત કરવા હવે તત્પર બની છે, અધીર બની છે. દિલમાંથી આપોઆપ પ્રાર્થના સરતી રહે છે. નાસ્તિક વ્યક્તિ પણ જીવનના પ્રાગટ્યની આ પરમ પળે અનાયાસે આસ્તિક બની જાય છે.
બસ..હવે કોઇ પણ ક્ષણે તારું આગમન થશે..!! દિલના છલકતા વહાલથી હું તારું સ્વાગત કરીશ..તારું લાલનપાલન કરીશ. મારી એક એક ક્ષણ પર સૌ પ્રથમ તારો અધિકાર હશે. આ દુનિયા જીવવા જેવી છે..બેટા, કોઇ ગમે તે કહે હું તને આ સુંદર દુનિયાનો પરિચય કરાવીશ..મારી આંખે તને દુનિયા બતાવીશ..અને ધીમે ધીમે તારી સમજણની ક્ષિતિજો ઉઘડતી જશે ત્યારે તારી દ્રષ્ટિથી તું દુનિયા જોઇશ..અને ત્યારે કદાચ મને..તારી આ મા ને એ દુનિયા તારી આંખો..તારી દ્રષ્ટિથી તારી રીતે બતાવીશ. અને ત્યારે મારી આંખો વિસ્મયથી જોઇ રહેશે. શૈશવમાં તારી નાનકડી આંખો વિસ્મયથી અંજાયેલ હશે..અને પછી જીવનસંધ્યાએ તારી વૃધ્ધ બની ગયેલ મા ની આંખોમાં એ વિસ્મય પ્રગટે એવું પણ બને. બેટા, તારી નાનકડી આંખોને દુનિયા હું બતાવીશ. પરંતુ બેટા, મારી જૂની આંખોને નવી દુનિયા તું બતાવીશ ને? મારા કરચલીવાળા ચહેરાને, મારા સફેદ થયેલ વાળને તારા વહાલની ઝંખના હમેશ રહેશે..એ તું યાદ રાખીશને ? મારા ધૂજતા હાથ ને તારો સહારો મળી રહેશે ને ? તારા નાનકડા પગને હું ચાલતા શીખવાડીશ. બેટા, કયારેક ડગુમગુ થતાં મારાપગની તું ટેકણલાકડી બનીશ ને ? તને કયારેય વહાલની ખોટ નહીં લાગવા દઉ. બેટા, તારા વહાલની ઓછપ મને કયારેય નહીં સાલે ને ?
અને પરમ આસ્થાથી, શ્રધ્ધાથી સઘળી શંકાઓ, ભય, ને અવગણી તને આવકારવા મારું તન,મન ઝંખી રહ્યું છે. મારી અંદર મખમલી એહસાસ ઉગી રહ્યો છે. પુષ્પની સુવાસ છે,પંખીના ટહુકાર છે, મોજાનો ઘૂઘવાટ છે. ઇશ્વર પ્રત્યે અખૂટ આસ્થા છે. દસે દિશાઓથી મંગલ સૂરો ગૂંજી રહ્યા છે. મારા બાળ, તારા અવતરવાની વેળા આવી પહોંચી છે. પ્રતીક્ષાની પળો પૂરી થવાની તૈયારી છે. તન મનમાં તારા આગમનનો ભણકાર છે. અને દૂર દૂરથી રવીન્દ્ર સંગીતનો નવજાત શિશુને આવકારતો કોઇ સૂર મારા અંતરે ઊગી રહે છે.
” ઓ રે નવીન અતિથિ, તુમિ નૂતન કે તૂમિ ચિરંતન ?
યુગે યુગે કોથા તૂમિ છિલે સંગોપન ? “
મારી પાંપણો છલકાઇ જાય છે. હાથ જોડાય જાય છે. અને મારી બંધ આંખો સમક્ષ મારા અદીઠ શિશુની મનોહારી છબી જીવંત બની રહે છે. !
(” શબ્દસૃષ્ટિ ” મેગેઝિનમાં પ્રકાશિત લલિત નિબંધ… ફેબ્રુઆરી 2008 )