સંબંધસેતુ..1 February 1, 2008
સુખ,દુ:ખ,આશા,નિરાશા…આંસુ-સ્મિત,રમૂજ કે ચિંતા…વ્યથા કે વલોપાત,આનંદ નો અવસર હોય કે શોક નો પ્રસંગ….માણસને …પોતાની પાસે જે કંઇક પણ છે …કે જે પોતાને ગમે છે ….તે બીજા ને કહેવાની, …વહેંચવાની માનવસહજ વૃત્તિ દરેક મનુષ્ય માં ઓછે વત્તે અંશે હોય જ છે.
“ માનવી સામાજિક પ્રાણી છે.” એવું એરિસ્ટોટલે આજથી વરસો પહેલાં કહેલું. એ કેટલું સત્ય છે.! ફાધર વાલેસે આ માટે તેના પુસ્તક “ વ્યક્તિઘડતર “ માં એક સરસ ઉદાહરણ આપ્યું છે.
“એક વૈજ્ઞાનિક નવલકથાનો નાયક માનવજાતથી રીસાઇને પ્રુથ્વી પર કદી પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઇ પોતાના અવકાશયાન માં એકલો એકલો બ્રહ્માંડ ની અનંત યાત્રાએ ઉપડે છે. ત્યારે આકાશ ની અદભૂત શોભા નું દર્શન થતા એ બબડે છે:
’ આ સૌન્દર્ય ની વાત હવે હું કોને કરું?’ ..
અને ધીરેથી અવકાશયાન ફેરવીને માનવજાતની ગોદ માં તે પાછો આવી જાય છે.
આમ ગમે તેટલો અંતર્મુખી (introvert) માણસ પણ કયાંક તો પોતાનું હ્ર્દય ઠાલવે જ છે. માણસ ને માણસ વિના ચાલતું નથી..ને ચાલવું પણ ન જોઇએ.
દરેક માણસ ને એક અપેક્ષા હોય જ છે. પ્રેમ આપવાની અને પ્રેમ મેળવવાની અનંત ઝંખના દરેક માનવ ની અંદર એક યા બીજી રીતે હોય જ છે. કોઇ પોતાની લાગણી શબ્દો માં વ્યકત કરી શકે છે, તો કોઇ નથી કરી શકતા..એ અલગ વાત છે. બાકી સાચી લાગણી જેને મળી છે એ નશીબદાર છે જ. એવા નશીબદાર બનવાની ઇચ્છા કોને ન હોય?
પરંતુ આ નશીબદાર બનવા માટે શું કરવું જોઇએ ? માનવીને અમુક સંબંધો જન્મથી મળતા હોય છે. જેમ કે માતા, પિતા, ભાઇ બહેન,સગા સ્નેહીઓ…..લોહીના આ સંબંધો આપણને વારસામાં મળે છે. તો મિત્રો,પડોશીઓ,પતિ,પત્ની..વિગેરે કેટલાક સંબંધોની આપણે પસંદગી કરી શકીએ છીએ.
પરંતુ સૌથી અગત્યની વાત છે..આ સંબંધોને જાળવવાની. આજે આપણે સૌ સામાન્ય વાતચીતમાં પણ એકબીજાને કહેતા હોઇએ છીએ..
”સંબંધો બાંધવા સહેલા છે,નિભાવવા ખૂબ અઘરા છે.” આવું શા માટે કહેવું પડે છે ? સંબંધો નિભાવવા એ પણ એક કલા છે…આર્ટ છે. અને જે માનવી એ કલા શીખી શકે તે જીવનમાં સફળતા,આનંદ મેળવી શકે. જીવન સભર બનાવી શકે. સંબંધોની ગલી બહું સાંકડી છે. એમાં જો પ્રવેશતા આવડે તો જ લીલાછમ્મ રહી શકાય..ખુશ રહી શકાય અને અન્યને પણ ખુશ કરી શકાય.
સંબંધોના કેટકેટલા સ્વરૂપો…માતા-પુત્રી, માતા- પુત્ર,પતિ-પત્ની, મિત્રો, પડોશીઓ, બોસ અને કર્મચારી..પિતા અને પુત્ર, દરેક સંબંધનું આગવું સૌન્દર્ય, દરેકની આગવી વિશિષ્ટતા,આગવું મહત્વ.! જીવનયાત્રામાં આપણે ડગલે ને પગલે અગણિત લોકોના સંપર્કમાં આવીએ છીએ. નવા નવા સંબંધો બંધાતા રહે છે..અને કયારેક તૂટતા પણ રહે છે.
આપણા કવિ શ્રી હરીન્દ્ર દવે એ એક બહું સરસ વાત કરી છે.
’ સંબંધો ઝાકળની જેમ ઊગે ત્યારે કદાચ તેની ભીનાશ ન પણ સ્પર્શે…..પરંતુ તે ફ્ટકિયા મોતીની જેમ ફૂટે ત્યારે તેની કરચો વાગ્યા વિના રહેતી નથી…”
એક વાકયમાં કવિએ કેટલું કહી દીધું છે.!
ચાલો, આપણે સંબંધો તૂટે નહીં..તેની કરચો આપણા હૈયાને જખ્મી ન કરે તેની કાળજી લેશું ને ?
આપણે સંબંધોને લીલાછમ્મ રાખીશું ને ? સંબંધોની માવજત કરીશુંને ?
વાર તહેવારે કે થોડા થોડા સમયના અંતરે આપણે ઘર સાફ કરતા રહીએ છીએ, વાસણોને માંજીમાંજીને ચકચકિત કરતા રહીએ છીએ, લોખંડની વસ્તુને રંગ અને લાકડાની વસ્તુઓને પોલીશ કરતા રહેવું પડે છે. જેથી એ ઝાંખા ન પડી જાય અને ચમકતા રહી શકે.
નિર્જીવ વસ્તુઓ માટે પણ આપણે આટલું સાવધાન રહેવું પડે છે. આ નિર્જીવ વસ્તુઓ પણ સમયાંતરે માવજત માગે છે..સંભાળ માગે છે. તો પછી જે સજીવ છે..જેની અંદર ધબકતું હ્રદય છે,સંવેદનાઓ છે, લાગણીઓ છે તેને માટે તો કેટલી માવજત જોઇએ ?
જીવનમાં દરેક સંબંધ માટે આ સનાતન સત્ય છે.દરેક સંબંધ માવજત માગે છે, સંભાળ માગે છે. સંબંધોને કયારેય “ taken for granted “ ન લઇ શકાય. સમયે સમયે તેને પણ ઘસીને માંજવા પડે છે તો જ સંબંધોનું સૌન્દર્ય જળવાઇ રહે..અને સંબંધો પુષ્પની જેમ મહેકી ઉઠે. સંબંધો માંજવા એટલે શું ? સંબંધો માંજવા એટલે પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરવું. કયા સંબંધમાં, કયા સન્દર્ભે પોતે શું ભૂલ કરે છે…. આગ્રહો..પૂર્વગ્રહો, અપેક્ષાઓ, રાગ, દ્વેષ,ઇર્ષ્યા, લોભ..જે જે કચરો મનમાં જમા થયેલ છે તેની શકય તેટલી સાફસૂફી કરી..મનમાંથી એ બધા જાળાઓ હટાવી..મનને સાફ બનાવી ખુલ્લા મન સાથે સામાનું દ્રષ્ટિબિંદુ સમજવાની શક્તિ કેળવવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો…એટલે સંબંધોને માંજવા. અને એકવાર એ આદત પડી જશે તો કોઇ સંબંધ કયારેય નહીં કરમાય કે કયારેય ઝાંખા નહીં પડે.
( સામા પક્ષની ભૂલ જોવાને બદલે પોતે શું કરી શકે છે તે વિચારવાનું શરૂ થશે તો તેનો પડઘો વહેલો કે મોડો પણ સામે પક્ષે પણ આપોઆપ પડશે જ. પરંતુ સંબંધો સુધારવાની પહેલ કોણ કરે એ વિચારતા રહીશું..તો કયારેય એ નહીં થઇ શકે. અને પહેલ કોણ કરી શકે.?.શરૂઆત તો કુશળ વ્યક્તિ જ કરી શકે ને ? તમે કુશળ નથી ? )
રાજ અને સીમા…બંને પતિ પત્ની નોકરી કરતા હતા. તેથી રોજ સવારે સ્વાભાવિક રીતે જ ઘરમાં ઉતાવળનું વાતાવરણ હોય..એમાં પાંચ વરસના પુત્રને તૈયાર કરી સ્કૂલે મૂકવાનો..રસોઇ કરવાની…ટીફીન ભરવાનું..કેટલા કામો..! જો કે રાજ થોડી મદદ જરૂર કરાવતો..પણ એક તો સવારે વહેલા ઉઠવાની આદત નહીં…અને તેને ચા પીતા પીતા નિરાંતે છાપુ વાંચવા જોઇએ. તેમાં ખાસ્સો પોણો કલાક વેડફાઇ જાય એ સીમાને જરાયે ન ગમે. તેથી તેને ખૂબ ગુસ્સો ચડે…પેપર નિરાંતે સાંજે ન વાંચી શકાય ? નાના આદિત્યને બૂટ મોજા પહેરાવવા કે બસ સુધી મૂકવા તે ન જઇ શકે ? પોતે આમ રઘવાયી થઇ ને દોડાદોડી કરે ને રાજ નિરાંતે પગ લાંબા કરીને છાપુ વાંચે!
રોજ સવારે ઘરમાં મહાભારત સર્જાય. રાજ નો ‘જવાબ તૈયાર જ હોય, ’મને વરસોથી નિરાંતે છાપુ વાંચવાની આદત છે. વાસી સમાચાર વાંચવા મને જરાયે ન ગમે. તારાથી ન પહોંચાતુ હોય તો કોઇ નોકર રાખી લે કે પછી નોકરી છોડી દે..હું કમાઉં જ છું ને ? ‘ અને રાજ પણ જાણતો જ હતો કે સવારે વહેલા આવવા કોઇ નોકર તૈયાર નહિ થાય અને નોકરી છોડવી પણ આસાન નથી. બે પૈસા હશે, તો ભવિષ્યમાં કામ આવશે. એ ગણતરીથી તો નોકરી શરૂ કરેલી.આ જમાનામાં પૈસા કેટલા અનિવાર્ય છે તે સત્ય સ્વીકારવું જ રહ્યું ને ?
પરિણામે ઘરમાં સતત તંગ વાતાવરણ રહેતું. અને તેમના વર્તનમાં જાણ્યે અજાણ્યે આ ઉચાટનો પડઘો પડતો રહેતો. પતિ પત્નીના સંબંધોને કાટ ચડવાની શરૂઆત થઇ ચૂકી હતી.સંબંધોનું સૌન્દર્ય ઝંખવાતું જતું હતું. બંનેની જાણ બહાર સ્નેહનો રંગ ફિક્કો પડવાની શરુઆત થઇ ગઇ હતી.
આવે સમયે બંને પોતપોતાની જાતને માંજવાની શરૂઆત કરે, પોતાની જાતનું નિરીક્ષણ કરે તો સમસ્યાનું સમાધાન મળી જ રહે.
રાજ પેપરમાં સમાચાર પર નજર ફેરવી લે અને પછી નિરાંતે અનુકૂળતાએ વાંચે તો કોઇ મોટો ફરક પડી શકે ખરો ? અને તેટલો સમય બચાવી સીમાને મદદ કરાવી શકે.
અને સીમા પણ રોજ સવારે કકળાટ કરવાને બદલે એક દિવસ રાત્રે કે નિરાંતે શાંતિથી..પ્રેમથી પોતાની વાત રાજને સમજાવે..તો શકય છે રાજને ગળે વાત ઉતરે અને ફરી એકવાર સંબંધો મહોરી ઉઠે.
જીવનમાં નાની નાની વાતોમાંથી જ મૉટા પ્રશ્નો સર્જાતા હોય છે. ઘણીવાર આપણે મૉટી વાતોને ..મોટી ભૂલોને સહેલાઇથી અવગણી શકીએ છીએ…માફ કરી શકીએ છીએ..જયારે નાની વાતો ને એમાં શું ? એમ કહી જવા દઇ એ છીએ.
પણ આ નાની નાની વાતો એક્બીજામાંથી interest ઓછો કરતી રહે છે. અને એક દિવસ આ ઉદાસીનતાનું પરિણામ ? મહાસાગર. નાના નાના ટીપાઓ મળીને જ મહાસાગર બને છે એ ભૂલવું ન જોઇએ.
આપણે મિનિટોનું ધ્યાન રાખીશું તો કલાકો એની જાતે સચવાઇ જાય તેની જેમ જ નાની વાતો નું ધ્યાન રાખીએ તો ..મોટી વાતો આપમેળે સચવાઇ જશે.
અને આ માટે જરૂર છે ફકત..થોડી સમજણની..થોડી ધીરજની..નાની નાની વાતો સંબંધોના સૌન્દર્યને ડંખી ન લે તેનું ધ્યાન રાખીશું ને ? સંબંધોને પણ માંજતા શીખીશું ને ?
‘સ્ત્રી’ માં છપાયેલ મારી કોલમનો પ્રથમ હપ્તો..તારીખ..5 જાન્યુઆરી 2008
