પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

સંબંધસેતુ..5 February 28, 2008

“ છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.”

સંબંધોની ભીની માટીમાંથી જો ભેજ….અર્થાત ઉષ્મા…સંવેદન ઊડી જાય તો તેને કોરી રેતી સમાન બની રહેતા વાર નથી લાગતી. અને પછી કોરી રેતી જેમ હાથમાંથી સરી જાય છે તેમ જ જીવનમાંથી સંબંધો સરી જાય છે. સંબંધોની સુવાસ ને સાચવવી આસાન નથી..પરંતુ અશકય પણ નથી જ. કયારેક થોડું જતું કરવાની વૃતિ જો બંને પક્ષ દાખવી શકે તો સંબંધો વરસો સુધી લીલાછમ્મ રહી શકે છે.

સંબંધોના કેટકેટલા સ્વરૂપો..! પતિ, પત્ની, ભાઇ બહેન,માતા પુત્રી, દેરાણી જેઠાણી, સાસુ, વહુ,નણંદ ભાભી, મા દીકરો, બે મિત્રો, બોસ અને તેના કર્મચારી, પડોશીઓ..! અગણિત સંબંધોમાંથી કેટલાક જીવનભર સાચવવા જેવા હોય છે. કેટલાક પ્રોફેશનલ સંબંધો હોય છે. કેટલાક ઘડીભરના સંબંધો હોય છે. ઓફિસ ફલાવર જેવા..સવારે ખીલે ને સાંજે કરમાય..દરેક માણસ સંબંધો બનાવવા તો આતુર હોય છે. પરંતુ તેને જાળવવાની કલા દરેક પાસે નથી હોતી. તેથી નવા સંબંધો બનતા રહે છે. જૂના વિસરાતા કે તૂટતા રહે છે.

ગિરાબહેન અને નિશાબહેન બને પાડોશીઓ વચ્ચે સારો સંપ હતો. રોજ દિવસમાં એકાદ વાર તો બંને વચ્ચે વાતો થાય જ. જેમાં કુટુંબની, ઘરની બાળકોની સાસુ ની, સગાઓથી માંડીને રાજકારણ સુધીના વિષયો હોય. આમે ય બે સ્ત્રીઓ ભેગી થાય ત્યારે વિષયની ખોટ ભાગ્યે જ નડે છે.

જોકે પાડોશીઓ વચ્ચે સામાન્ય રીતે હોય છે તેવો વાટકી વ્યવહાર બંને કયારેય નહોતો રાખ્યો. કેમકે નિશાબહેન હમેશા બોલતા રહેતા…’ મને તો એ ટેવ ગમે જ નહીં..વસ્તુ ન હોય તો હું તો ચલાવી લઉં..પણ માગવાની વાત ખોટી…સંબંધો એમાંથી જ બગડે. ગિરાબહેનની માન્યતા જોકે જરા જુદી હતી. તેમને થતું કે જરૂર પડયે પડોશીઓ ને ન કહે તો કોને કહે ? પરંતુ તે કંઇ બોલતા નહીં. એવામાં અચાનક એક દિવસ સંજોગો એવા આવ્યા કે નિશાબહેનને ઘેર કોઇ મહેમાન અચાનક આવ્યા.અને ઘરમાં કંઇ શાક નહોતું.અને આજુબાજુમાં કંઇ મળતું નહોતું.તેથી પહેલીવાર ન છૂટકે ગિરાબહેનને ત્યાં બે ચાર બટેટા માગવા જવું પડયું. ગિરાબહેને તો તરત આપ્યા..અને નિશાબહેન ના આભારના જવાબમાં કહ્યું પણ ખરું,’આવી નાની વાતમાં શું ? આપણે એકબીજાને કામ ન આવીએ તો કોણ આવશે ? તમે જરાયે અચકાતા નહીં..બીજુ કંઇ પણ જોઇએ તો જરૂર કહેજો.’ નિશાબહેન કહે, ‘ મને માગવું જરાયે ન ગમે.કાલે પાછા આપી જઇશ હોં.’ ; ના રે, બે બટેટામાં પાછું શું આપવાનું ? આપણે કયાં રોજ માગીએ છીએ ?કયારેક મારે જરૂર પડશે તો હું પણ તમને જ કહેવાની ને ? આપણે ગામથી દૂર રહીએ છીએ..તેથી કયારેક આવું તો થાય..તેમાં શું ? ‘ બીજે દિવસે નિશાબહેન ચાર ને બદલે સાત આઠ બટેટા લઇ ને ગિરાબહેનને પાછા આપવા આવ્યા.ગિરાબહેને ઘણી ના પાડી.પણ નિશાબહેનનો તો એક જ જવાબ ..’ મને તો કોઇનું લેવું ગમે જ નહીં.અને સંજોગોવશાત્ લેવું પડયું તો વ્યાજ સાથે પાછું આપું. કોઇનો ઉપકાર મારી પર રહી જાય એ મને ન પોષાય.’

કહી હસતા હસતા આઠ બટેટા ત્યાં મૂકી ને ચાલ્યા ગયા. ગિરાબહેનનું મન ખાટું થઇ ગયું. પોતાના મનમાં તો ઉપકાર કે એવી કોઇ ભાવના નો ખ્યાલ સુધ્ધાં નહોતો આવ્યો. આ તો પાડોશીઓ વચ્ચે ની એક સામાન્ય વાત હતી. તેને નિશાબહેન અભિમાની લાગ્યા. બહુ એવું હતું તો લેવા જ નહોતા ને ?મારે કંઇ વ્યાજની જરૂર નહોતી.મને શું સમજે છે એ ?ગિરાબહેન ને પણ ગુસ્સો આવ્યો. અને તેમણે પોતે આપ્યા હતા તેટલા બટેટા રાખી બાકીના પાછા મોકલાવી દીધા કે ‘ અમે કોઇનું વ્યાજ લેતા નથી.વેપારી તમે છો ..અમે નથી..’ મને વેપારી કહી ? આવું અપમાન ? બસ…વાતનું વાતેસર થતાં કેટલી વાર લાગે ? તે દિવસથી બંને વચ્ચે વાતોનો વ્યવહાર બંધ થઇ ગયો.કયારેક બોલવું પડે તો એકાદ બે વાકય ની આપ લે કરી લે.

કેટલી નાની વાત..પણ પરિણામ ?

હું કોઇનું કંઇ લઉં જ નહીં.. નિશાબહેનનું આ સૂક્ષ્મ અભિમાન તેમના સંબંધોને ગ્રહણ લગાડી ગયું.

જીવનમાં આપણા પર જાણ્યે અજાણ્યે કેટકેટલા લોકોનું ઋણ ચડતું જ હોય છે. જે કદાચ કયારેય ચૂકવી શકાતા નથી. અને કેટલાક ઋણ પૈસાથી ચૂકવી શકાતા પણ નથી કે ચૂકવવાના હોતા પણ નથી..તેનો તો કૃતજ્ઞતાપૂર્વક મૌન સ્વીકાર જ હોય. તો જ સંબંધોની ગરિમા જળવાઇ રહે. વસ્તુની કિમત માનવી ચૂકવી શકે..તેની પાછળ દિલની જે ભાવના હતી તેનું મૂલ્ય પૈસામાં આંકી શકાય ખરું ? સંબંધોને હમેશા તર્કને ત્રાજવે તોલતા રહીએ તે શું યોગ્ય છે ? દરેક વસ્તુની કંમત હોઇ શકે..મૂલ્ય ન હોઇ શકે..કોઇની સાચા હ્રદયની ભાવનાનું મૂલ્ય રૂપિયા, પૈસામાં કેવી રીતે આંકી શકાય ? નિશાબહેને બટેટા પાછા આપવાને બદલે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરી ગિરાબહેનનો આભાર માન્યો હોત તો વધુ સારું થાત..તેમ નથી લાગતું ? અને આપવા જ હોત તો પણ આભાર માની ને જેટલા લીધા હોય તેટલા જ આપવા જોઇએ ને ? વાતનું વતેસર થતાં કેટલી વાર લાગે ?

અને તેથી જ સંબંધોને સમજ્દારીપૂર્વક માંજતા રહેવાનું જરૂરી નથી લાગતું ?

જોકે આનાથી બિલકુલ વિપરીત કિસ્સો દિશા બહેનનો છે. દિશાબહેને તો “ પહેલો સગો પડોશી “ એ સૂત્રને બરાબર અપનાવી લીધું છે. જોકે આ વાત દ્વિપક્ષી હોય તે પાછા સિફતથી ભૂલી જાય છે. તેમના ઘરમાં રોજ કશું અચાનક જ ખૂટી જાય..અને, ‘અરે, નેહાબહેન ચા ની ભૂકી અચાનક ખલાસ થઇ ગઇ. અને ચા વિના તો ઘરમાં કોઇની સવાર પડશે નહીં. આવે સમયે પડોશી યાદ ન આવે તો કોણ આવે ? બરાબર ને નેહાબહેન ? આ તો તમે ઘર જેવા રહ્યા એટલે માગતા સંકોચ ન થાય..બાકી મને તો માગતાનું જરા પણ ગમે નહીં હૉં. ‘ કહી હસીને વાટકો લંબાવે. નેહાબહેન બિચારા..! તેમને તો આ રોજનું થયું. અઠવાડિયામાં બે –ચાર વાર તો દિશાબહેન ઉભા જ હોય. અરે ઘણી વાર તો નેહાબહેન ઓસરીમાં હીંચકે બેઠા હોય તો કહેશે..’ તમારે ઉભા થવાની જરાયે જરૂર નથી. તમે તકલીફ લો એ મને ન ગમે.. મને ખબર જ છે..તમારા ફ્રીઝમાં લીંબુ હશે જ. હું મારી જાતે જ લઇ લઇશ.. તમે હેરાન થાવ તે મને જરાયે ન ગમે. આ કાલે બજારમાં ગઇ હતી..તો પણ જુઓને લીંબુ લાવતા જ ભૂલી જવાયું. ઉમ્મર થઇ ને..હું તો ભઇ બહુ ભૂલકણી..” કહી ખડખડાટ હસી પડે અને નેહાબહેનને કશું બોલવાની તક આપ્યા સિવાય અંદર જઇ બે લીંબુ ને સાથે બે ટામેટા કે એકાદ બે મરચા..લઇ ને આવે. લો, આ ટામેટા જોયા એટલે યાદ આવી ગયું..એ પણ ખલાસ થઇ ગયા છે…પણ જુઓ પાછા લેવા પડશે હોં. નહીંતર મને ન ગમે..ચાલો, આવજો…’ કહી દિશાબહેન ચાલતા થાય. અને વસ્તુ પાછી આપવાની હોય તેવું તેમને કયારેય યાદ ન જ આવે.બહુ થાય ત્યારે કોઇ દિવસ એકાદ વસ્તુ આપી જાય અને બીજી બે લેતા જાય. બધા તેનાથી કંટાળી ગયા હતા..પણ તેમની કુશળતા એવી કે કોઇ તેને પહોંચી શકતું નહીં. અને જો તેમને ઘેર કોઇ લેવા જાય તો ત્યારે તેમને ઘેર એ વસ્તુ કયારેય હોય જ નહીં.

હવે આવા સંબંધો ટકી શકે ખરા ? ટકાવવાની જરૂર પણ કોઇને લાગે ખરી ? આવા સંબંધો ફકત સ્વાર્થ પૂરતા જ હોય છે.આમાં સંબંધોનું સૌન્દર્ય કયારેય પ્રગટી શકે નહીં એ સ્વાભાવિક છે. સમાજમાં આવી વ્યક્તિઓ પણ હોય જ છે.જેનાથી દૂર રહેવામાં જ ભલાઇ છે. સંબંધો બાંધતા પહેલા…વિકસાવતા પહેલા વ્યક્તિને ઓળખવી જ રહી. નકામા સંબંધો આપમેળે ઉગી નીકળતા નિંદામણ જેવા હોય છે. જે અન્યમાંથી જ પોષણ મેળવતા હોય છે. અને જાતે કોઇને કશા કામમાં નથી આવતા. બલ્કે અન્યને નુકશાન જ પહોંચાડે છે. આવા નિંદામણને તો દૂર કરવું જ રહ્યું ને ?

વ્યક્તિને ઓળખી..જાણી..તેમના રસ, રુચિ, વિચારથી માહિતગાર થઇ પછી યોગ્ય લાગે તેની સાથે જ સંબંધો વિકસાવવા રહ્યા..જેથી સંબંધો તૂટવાનો અફસોસ કયારેય કરવો ન પડે. કેટલાક વાસણને જેમ ગમે તેટલા માંજીએ તો પણ ચળકાટ લાવી શકાતો નથી..એમ આવા સંબંધોને માંજી ન શકાય તેવું પણ બની શકે..અને તો એનાથી દૂર જ રહેવું જોઇએ. બાકી સર્વગુણસંપન્ન તો દુનિયામાં કોઇ જ નથી.. આપણે પણ નહીં જ. એ સત્ય યાદ રાખવું રહ્યું.

 

શૈશવની માવજત…3 February 17, 2008

“ બાળક એ ઇશ્વરે માનવજાત પર લખેલ પ્રેમપત્ર છે. “ શ્રી ટાગોર.

આજે રોમાને ” બાળ ઉછેર “ વિષય પર કલબમાં ભાષણ આપવાનું હતું. તેની બહેનપણી શૈલાએ લખી આપ્યું હતું. તે ગોખવાનો તે પ્રયત્ન કરી રહી હતી. પણ તેને અઘરું લાગતુ હતું. આ શૈલા પણ ખરી પંતુજી છે..આવું બધું અઘરુ લખવાની શી જરૂર હતી ? તે કંટાળી હતી. ત્યાં જ દેવીબહેન તેની રડતી બેબીને લઇ ને ત્યાં આવ્યા. અને તે ગુસ્સે થઇ ગઇ. ‘ અરે , દેવી, આ બેબી ને અહીંથી લઇ જા. બહાર જઇ ને રમાડ. અહીં શું લાવી ? જોતી નથી.. હું કામમાં છું..’ વાંચતા વાંચતા રોમા એ બૂમ પાડી.
’ બહેન, એ તમને જોઇ ગઇ છે તેથી એને તમારી પાસે જ આવવું છે . એટલે રડે છે. ‘ .

‘ અરે, એ તો છોકરું છે. એને શું ખબર પડે ? એ યે જીદ્દી થઇ ગઇ છે. મા જ જોઇએ. ! કાલે પણ કેવું ‘મીસબીહેવ’ કરતી હતી. કોઇ પાસે જતી જ નહોતી. બસ..એક મારી પાસે જ રહેવું હતું તેને તો. બધા બિચારા કેવા પ્રેમથી બોલાવી બોલાવી ને થાકી ગયા પણ…! હવે અત્યારથી ટેવ નહીં પાડું તો બગડી જશે ને રોજ મારું જ માથું ખાશે..

એક કામ કર.જા.. એને બહાર લઇ જા. લે આ પૈસા..જોઇએ તો ચોકલેટ…આઇસ્ક્રીમ લઇ આપજે. એને તો મમ્મી નો કેડો જ નથી મૂકવો ને ! હવે તેની બધી આદતો સુધારવી પડશે . મારે હજું કેટલું કામ બાકી છે. સાંજે કીટ્ટી પાર્ટી છે ને અત્યારે કલબ માં જવાનું છે. ઉપરથી આ બધુ ગોખવાની લપ ! ચાલ,જલ્દી પાકું કરવા માંડુ. હમણા ટાઇમ થઇ જશે..

બેબીનું રડવાનું ચાલુ હતું. તેને મમ્મી પાસે જ જવું હતું. મમ્મીની વાત સાવ સાચી હતી. બેબી બગડી ગઇ હતી.!

’ દેવી, હજી અહીં શું ઉભી છે ? જા,જલ્દી…ને રડે છે કહી ને પાછી ન આવતી. તને રાખી છે શા માટે ? હું જલ્દી થોડું પાકુ કરી લઉં.’
આયા રડતી બાળકી ને લઇ ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગઇ.

” બાળક એ ઇશ્વરે માનવજાત પર વરસાવેલ પ્રેમ છે. કુદરતનું એ અણમોલ વરદાન છે. એના આંખોમાં છવાયેલ વિસ્મયને માણવું એ એક અનોખો લહાવો છે. બાળઉછેર એ ફુલ ટાઇમ પણ નહીં whole time જોબ છે. મા-બાપ બાળક ને કંઇ પણ આપી શકે તો તે સમય છે. બાળકને તમે તમારી “ આજ ”નહી આપો તો તમને એની ‘ કાલ ‘ નહીં મળી શકે. બાળક ને વાર્તા ની અવેજી માં ચોકલેટ એટલે ભવિષ્ય માં આદર ને બદલે ઉપેક્ષા….”
ઓહ ! આ શૈલા એ તો શું નું શું લાંબુ લાંબું લખ્યું છે. ચાલ, કાગળ જ સાથે લઇ જવો પડશે.
બબડતી બબડતી, રોમા ‘ બાળઉછેર ‘ પર ભાષણ આપવા રવાના થઇ..

તમે શું માનો છો… બે વરસની બેબી બગડી ગઇ હતી ? બાળઉછેર વિશે ભાષણ આપવું આસાન છે. બાળઉછેર કંઇ આસાન નથી જ.
બાળક ને આપવા માટેની સૌથી અમૂલ્ય ગીફટ જો કોઇ હોય તો તે સમય છે તેવું નથી લાગતું ?

આજે સ્ત્રી પોતાની કારકિર્દી પ્રત્યે વધુ સભાન, વધુ જાગૃત બની છે. આજે તેનું સ્થાન ફકત ઘરમાં રહ્યું નથી..અને રહેવું પણ ન જોઇએ. પરંતુ આ બધી હોડમાં કોઇના શૈશવનો ભોગ લેવાય છે.. એવું નથી લાગતું ? જરૂરિયાત હોય..આર્થિક મજબૂરી હોય ત્યાં વાત અલગ હોઇ શકે..પરંતુ જયાં એવો કોઇ પ્રશ્ન નથી ત્યાં બાળકને એનો હક્ક મળવો જ જોઇએ. બાળક કંઇ વણનોતર્યું અતિથિ નથી . બાળકના આવકારનું પ્લાનીંગ કરો ત્યારે તેના ઉછેરનું..તેને ફાળવવાના સમયનું પ્લાનીંગ કરવું પણ આવશ્યક નથી લાગતું ? અને આ જવાબદારી ફકત મા ની જ નહીં..પિતાની પણ એટલી જ છે.

હા, આપણા બાળક માટે આપણને પ્રેમ નથી તેવું નથી. પરંતુ આપણો પ્રેમ લોહીની સગાઇનો છે.સાચી સમજદારીમાંથી જન્મેલ હોય તેવું ઘણીવાર નથી લાગતું. બાળકો તરફ ઘણીવાર આપણે બેધ્યાન રહીએ છીએ..અને તે માટે આપણું દિલ ડંખે પણ છે.પરંતુ આપણે એવું આશ્વાસન લઇએ છીએ કે આખરે આ બધી દોડધામ બાળકના સુખ માટે જ છે ને ? હકીકતે આ આપણું બચાવનામુ છે. શિશુ માટે સમય કે સગવડ ન હોય ત્યારે તેને આ વિશ્વમાં આવવાનું આમંત્રણ આપવાનો કોઇ હક્ક આપણને નથી જ.

બાળક તમારી મારફત આવે છે. પણ તમારામાંથી નથી આવતા. તેથી બાળકની શક્તિઓને ઓળખી, તેને તે માટેની યોગ્ય તક આપવી એ દરેક મા બાપનો ધર્મ છે.

 

સંબંધસેતુ….4 February 14, 2008

“ આ સંબંધો જે લાગણીના છે
મહેલ એ ભૂલભૂલામણીના છે.”

અનિલાબહેન અને ગીતાબહેન છેલ્લા પાંચ વરસથી બાજુમાં રહેતા હતા. બંને ના દીકરાઓ સરખી ઉમરના હતા. પાંચ વરસના માધવ અને વિશાલ સાથે જ સ્કૂલે જતા..આવતા..રમતા..છોકરાઓને લઇ ને બંને રોજ સામે બગીચામાં જાય..બંને બાળકો રમ્યા કરે અને ગીતાબહેન અને અનિલાબહેન વાતોએ વળગે.બંને કુટુંબ વચ્ચે એક ઘર જેવો સંબંધ બંધાયેલ.સુખ દુ:ખમાં કે જરૂર પડયે બંને એક બીજાની સાથે જ હોય. વાર તહેવારે..બંને કુટુંબો સાથે જ જમે. “પહેલો સગો પાડોશી..” .એ ઉક્તિ અહીં સાર્થક થતી જણાય..તેવા તેમના સંબંધો.

આજે અનિલાબહેનના વિશાલનો જન્મદિવસ હતો.સ્વાભાવિક રીતે જ ગીતાબહેન મદદ કરાવવા વહેલા જ પહોંચી ગયા હતા. આમે ય ગીતાબહેન બાળકોને જાતજાતની રમતો રમાડવામાં હોંશિયાર હતા. તેમણે બધાને સરસ રમતો રમાડી.બધા ખુશ થઇ ગયા.આખો પ્રસંગ સરસ રીતે પૂરો થયો.અનિલાબહેન ખુશ હતા. ગીતાબહેને બધું સરસ રીતે સંભાળી લીધું હતું.
રાત્રે જમીને જતાં પહેલાં ગીતાબહેન અનિલાબહેનને થોડી મદદ કરાવતા હતા. ત્યાં વિશાલ પોતાને મળેલી ભેટો ના રેપર બાલસહજ ચંચળતાથી ખોલતો હતો. બાજુમાં બેસીને માધવ પણ સ્વાભાવિક ઉત્સુકતાથી જોતો હતો. બંને બાળકો ખુશ થતા હતા.

ત્યાં એક બોક્ષ ખૂલતા તેમાથી સરસ મજાની રીમોટવાળી કાર નીકળતા વિશાલ ખુશખુશાલ થઇ ગયો.કારનો તેને ગાંડો શોખ હતો.તે બધું પડતું મૂકી કાર લઇ દોડી ગયો માધવ ને પણ કાર તેટલીજ ગમતી હતી. તેણે વિશાલ પાસે માગી. વિશાલે બાલસહજ રીતે નવી વસ્તુ આપવાની ના પાડી…બંને વચ્ચે થોડી તકરાર થઇ.વિશાલે કહ્યું, ‘ ના, આ કાર મારી છે. તને નહીં આપું..’ કહી તે અંદર દોડી ગયો.

અનિલાબહેન ત્યાં જ કોઇ સાથે ફોન પર વાત કરતા હતા. તેમનું ધ્યાન બાળકોની વાતોમાં બિલકુલ નહોતું.
માધવને કાર ન મળતા તે રડવા લાગ્યો હતો.ગીતાબહેન ને થયું અનિલા બધું જુએ છે તો પણ કંઇ બોલી નહીં. કે વિશાલને જરા વાર કાર આપવા કહ્યું નહીં.તેમને ખરાબ લાગી ગયું.તરત જ પુત્રનો હાથ પકડી તે ચાલવા લાગ્યા.’ચાલ, માધવ, આપણે કંઇ ભિખારી નથી. હું તને કાલે એના કરતાં પણ સરસ કાર અપાવીશ. આપણને કંઇ નથી મળતું ? ‘ અને અનિલાબહેન પૂરું કંઇ સમજે તે પહેલાં ગીતાબહેન માધવનો હાથ ખેંચી ગુસ્સાના આવેશમાં બહાર નીકળી ગયા.
અને બસ…દૂધમાં ખટાશનું એક બુંદ જ પૂરતું હોય છે ને ? સંબંધો બનતાં વાર લાગે છે…બગડતા કયાં વાર લાગે છે ?

ગીતાબહેને નાની વાતને મોટું સ્વરૂપ આપવાને બદલે શાંતિથી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરી હોત તો ? અનિલાબહેનને થયું..મારો કશો દોષ આખી વાતમાં છે જ નહીં..પછી હું સામેથી જઇ ને નીચી શા માટે પડું ? મારે એક ને જ થોડી ગરજ છે ? વિશાલ તો બાળક છે. નવી વસ્તુ આપવાની એને જલદી ઇચ્છા ન પણ થાય..તો એને સહજ ગણીને સ્વીકારવાને બદલે ગીતાબહેન તો જાણે મેં જાણીજોઇને વિશાલને રમકડું આપવાની ના પડી હોય તેમ દોષનો બધો ટોપલો મારે માથે નાખીને ચાલ્યા ગયા. તેને ઘેર જઇએ છીએ ત્યારે તેમનો માધવ પણ ઘણીવાર વિશાલને પોતાની વસ્તુઓ નથી આપતો..પરંતુ હું કયારેય તેનું ખોટું લગાડું છું ?

આમ અનિલાબહેન મનોમન વિચારતા રહ્યા. અને તેમણે પણ ગીતાબહેનને ત્યાં જવાનું ટાળ્યું. બસ…વાત વટે ચડી ગઇ. હકીકતે બંને ને સંબંધ સુધારી લેવાની ઇચ્છા તો હતી..પરંતુ પહેલ કોણ કરે ?બંનેનો અહમ વચ્ચે આવતો હતો. પરિણામે એક સુંદર સંબંધ મૂરઝાઇ ગયો.

માણસનું મન કયારેક નાની વાતમાં આળુ થઇ જાય છે.ગુસ્સાના આવેશમાં કયારેક સાવ નાની વાતોની ગ્રંથિ મનમાં બંધાઇ જાય ત્યારે સંબંધોને ઝાંખપ લાગતા વાર નથી લાગતી. ગીતાબહેનના મનમાં એક ગાંઠ રહી ગઇ કે અનિલાબહેન તે દિવસે પોતાનો પુત્ર રડતો હતો તો પણ કંઇ બોલ્યા નહીં. બધા સ્વાર્થના સંબંધો છે. ખાલી મૉટી મૉટી વાતો જ માણસ કરે છે. બાકી બધો દંભ છે. અને સંબંધોની મીઠાશ અદ્રશ્ય થઇ ગઇ.

અને બીજાઓને તો આટલું જોતું હોય છે. આવી જ કોઇ તકની રાહ જોવાતી હોય છે. સોસાયટીમાં આવી વાતો જંગલના દાવાનળની જેમ પ્રસરી રહેતી હોય છે.સારી વાતની સુવાસને પહોંચતા સમય લાગે છે. પરંતુ નરસી વાતોની ઝડપ હમેશા અસામાન્ય જ હોય છે.આમ પણ આ બંનેને બહુ સારું બનતું હતું તેની છૂપી ઇર્ષ્યા સોસાયટીમાં સ્ત્રીઓને થતી જ હતી. અને આવું બને ત્યારે મનમાં ખુશ થનારા લોકોની સંખ્યા કંઇ નાની નથી હોતી. અને પછી તો વાતમાં મીઠું મરચુ ઉમેરીને ..જાતજાતના રંગો પૂરીને વાતો વહેતી રહી..અને ગેરસમજની દીવાલ વધુ મજબૂત થતી રહી. સોસાયટીમાં જાણે બે પક્ષ પડી ગયા..એક અનિલાબહેનનો અને એક ગીતાબહેનનો..!

અને સામાન્ય રીતે બને છે તેમ બંને બાળકો..વિશાલ અને માધવ સ્કૂલમાં સાથે રમી શકતા હતા. બાળકના મનમાં કોઇ પૂર્વગ્રહોની ગ્રંથિ કયાં હોય છે ? પરંતુ એકબીજાને ઘેર હવે જઇ શકતા નથી. બંનેની મમ્મીઓની મનાઇ,ગેરસમજનો ભોગ બાળકો ને બનવું પડયું. પરંતુ આ કિસ્સામાં સૌથી સરસ વાત એક બની..

હમણાં સોસાયટીમાં એક નવું કુટુંબ રહેવા આવ્યું હતું. અવનીબહેન કદાચ થોડા વધારે સમજદાર હતા. અને નવા હોવાથી તેમને આગલા પાછલા કોઇ હિસાબ કિતાબ નહોતા.અને સામાન્ય સ્ત્રીઓથી તે કદાચ થોડા અલગ હતા. આવી ને થોડા સમયમાં જ તેમને દરેક વાત જાણવા મળી ગઇ. કોઇ અનિલાબહેનની તરફેણમાં…અને કોઇ ગીતાબહેનની તરફેણમાં વાત કરી ગયું. અવની બહેને થોડા દિવસો તો શાંતિથી મૌન રહીને બંનેની વાતો સાંભળી લીધી. તેમને થયું..મારે સાચી વાત જાણવી જોઇએ..આમાં કોઇ મોટી વાત તેમને દેખાતી નહોતી. તેમને થયું આવી નાની વાતમાં સોસાયટીનું વાતાવરણ કલુષિત થાય એ યોગ્ય ન કહેવાય.

અને તેઓ પહેલા અનિલાબહેનને ઘેર ગયા. શાંતિથી બધી વાત સમજી લીધી…સાચી હકીકત જાણીને તેઓ ગીતાબહેનને ઘેર ગયા.થોડી આડીઅવળી વાતો કરી તેમણે ધીમેથી કહ્યું, ‘ હું કાલે અનિલાબહેનને ઘેર ગઇ હતી.’ ’ઓહ..જરૂર મારી વાતો જ તેણે કરી હશે..’ ગીતાબહેને કહ્યું. અને ઉમેર્યું.’તેની બધી વાત સાચી માનવાની ભૂલ ન કરતાં. તમે હજુ અહીં નવા છો..તેથી તમને એ બધી ખબર ન હોય…’ ’પરંતુ મેં તો તેમની બધી વાત સાચી માની લીધી છે. ‘ ’ઠીક..જેવી તમારી મરજી..સૌ પોતપોતાની મરજીના માલિક છે..મારે શું ? તમને તેની વાત સાચી લાગી હોય તો મારા નશીબ..બીજું શું ? બાકી એક પક્ષની વાત સાંભળીને ન્યાય ન થાય..’ગીતાબહેને ઉભરો ઠાલવતા કહ્યું. ’સાવ સાચી વાત કહી તમે..પરંતુ અનિલાબહેને મને શું કહ્યું એ તમને ખબર છે ? ‘ કલ્પના કરી શકું છું. ગીતાબહેન ઉદાસ સ્વરે બોલ્યા..એમાં તૂટેલ સંબંધનો છાનો અફસોસ સમાયેલ હતો. ’અનિલાબહેન કહેતા હતા કે ગીતાબહેનને મારું ખરાબ લાગ્યું છે. તેમની વાત સાચી છે. તેમની જગ્યાએ હું હોઉં તો મને પણ એમ જ લાગે. પણ ખરેખર મારું ધ્યાન ફોનમાં હતું તેથી મને તો તે દિવસે હકીકતે શું થયું છે તેની જાણ જ નહોતી. જાણ થઇ ત્યારે માધવને પણ હું તો ખીજાણી..’ ’ના, ના, એમાં માધવ શું કરે ? તે તો છોકરું કહેવાય…આ તો તે દિવસે અનિલાબેન બોલ્યા નહીં તેથી મને….” અનિલાબેન પણ કેટલો અફસોસ કરતા હતા…મારી પાસે તમારા કેટલા વખાણ કરતા હતા..કે ગીતાબહેન જેવી બહેનપણી બીજી થાય નહીં. મને તો એના વિના જરાયે ગમતું નથી. પણ શું થાય ? ‘ ’ખરેખર ? ગીતાબહેનના ચહેરા અને અવાજમાં જાણે એક ચમક આવી ગઇ.

‘ખરેખર જ ને..! હું ખોટું શા માટે બોલું ? મેં તો ગીતાબહેને જે વાત કરી તે તમને કરી..મને થયું બંને બહેનપણીઓ નાની વાતમાં આમ દુ:ખી થાવ છો એના કરતાં….’અવનીબહેને વાત જાણીજોઇને અહીં અધૂરી મૂકી. ગીતાબહેન બે દિવસ વિચાર કરતાં રહ્યા…અને બે દિવસ પછી અવનીબહેન સાથે જ અનિલાબહેનને ઘેર ગયા ત્યારે બંનેની આંખમાં સાવન ભાદરવો હતા…

એક મૂરઝાતો સંબંધ કોઇની થોડી સમજદારીથી ફરીથી પાંગરી ઉઠયો.

સમાજમાં આવા અનેક અવનીબહેનોની જરૂર છે તેવું નથી લાગતું ? એક હકારાત્મક અભિગમ..પોઝીટીવ એટીટયુડથી નાના નાના ચમત્કારો જરૂર સર્જાય છે. અને આવા નાના નાના અનેક ચમત્કારો ભેગા મળીને વધુ નહીં તો વ્યક્તિની, કે કુટુંબની કાયાપલટ જરૂર કરી શકે. અને સમાજ આખરે કુટુંબોનો જ બનેલ છે ને ? એક દીપથી અનેક દીપ જરૂર જલી શકે… બાવર્ચી પિકચર યાદ આવે છે ? સંબંધો સુધારવાની કલા કેવી સરસ રીતે દર્શાવાઇ હતી..!

આપણે પણ…

સંબંધોને સેતુ બનાવીશું ને ? સેતુ નું કામ જોડવાનું..તોડે તેને સેતુ ન કહેવાય. સંબંધનો સેતુ એક માનવીને બીજા માનવી સાથે જોડવાની દીવાદાંડી બની રહે. આપણા પોતાના જ વ્યક્તિત્વના નિખાર માટે એટલું આપણે નહીં કરી શકીએ ? સંબંધોને ઉજાળી આપણા મનની સરહદો થોડી..થોડી જ વધારે વિશાળ બનાવીશું ? સંબંધોની ગરિમા જાળવીશું ને ?

( સ્ત્રી માં પ્રકાશિત કોલમ… સંબંધસેતુ..)

 

સંબંધસેતુ..3 February 11, 2008

એક મોતી જેમ છીપમાં બંધ છે
આપણો સંબંધ એમ અકબંધ છે. “

સમયની છીપમાં સંબંધને અકબંધ રાખવા માટે સમજણની કેડીમાંથી પસાર થયે જ છૂટકો.. સમયની તાવણીમાં ભલભલા સંબંધો પોલા સાબિત થતાં હોય છે. સંબંધો બાંધવા અને ટકાવી રાખવા ઘણીવાર એક આંખ બંધ રાખવી પડતી હોય છે. થોડું જતું કરવાની ભાવના જીવનમાં કયા સંબંધોમાં જરૂરી નથી હોતી ? માનવજીવનમાં જાતજાતના સંબંધોના અનુભવો થતાં રહે છે. સુખમાં સાથ આપનારા અને દુ:ખના વાદળો ઘેરાય એટલે અદ્રશ્ય થનાર કેટલાક સંબંધો સામાન્ય હોય છે. તો દુ:ખમાં પણ પડછાયાની માફક સતત સાથે આપનાર સંબંધો માનવજીવનની મોંઘેરી મૂડી જેવા બની રહે છે. તો કેટલાક સંબંધો ગુલમહોરની માફક ભરઉનાળે પણ જીવનમાં…અંતરમાં લાલાશ ભરી દે છે. એવા થોડા સંબંધો પર ઘણીવાર જીવન નભી જતું હોય છે… ટકી જતું હોય છે. અને અંતર સભરતાનો અનુભવ કરી ધન્યતા અનુભવી શકે છે.

પરંતુ કયારેક જીવનમાં સાવ સામાન્ય બાબતો પર સંબંધો છૂટી જતા હોય છે. એક નાનકડી ગેરસમજ સંબંધોના સૂર્યને ઢાંકી દે છે. સમયના અલગ અલગ પડાવે નવા સંબંધો બંધાતા રહે છે.જૂના સંબંધો ઘણીવાર વિસરાતા કે વિખેરાતા રહે છે. તો કયારેક જીવનના અંત સુધી સંબંધો સાચવનારના ઉદાહરણો પણ ઓછા નથી.
હકીકતે માનવમન કયારે શું વિચારે એ કોણ કહી શકે છે ? ઘણીવાર એ મોટી વાતો હસતાં હસતાં સહન કરી જાય છે.તો કયારેક સાવ ક્ષુલ્લ્ક વાત માં મન વિફરી બેસે છે…અને સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઇ જાય છે. આવું જ શગુન અને નૂપુરની બાબતમાં બનેલું.

શગુન અને નૂપુર બંને ખાસ બહેનપણીઓ. દિવસમાં એક વખત તો બંને મળે જ. બંનેને એકબીજા વિના ચાલે નહીં. કોલેજ સમયથી શરૂ થયેલ તેમની દોસ્તી આજે વરસો પછી પણ એવી જ લીલીછમ્મ રહી હતી. બંનેને એનું ગૌરવ હતું.

નૂપુરનો પુત્ર અમેરિકા હતો. અને તેની વહુની ડીલીવરી કરવા નૂપુર ત્યાં ગઇ હતી. હવે બંને મેઇલથી મળતા રહેતા. અને એક દિવસ નૂપુરના દાદી બનવાના સમાચાર આવ્યા.તેણે હરખથી શગુનને પણ ફોનથી સમાચાર આપ્યા. તેને ઘેર પૌત્ર આવ્યો હતો. તે ખુશખુશાલ હતી. શગુન પણ જાણે પોતે દાદી બની હોય તેમ આનંદથી છલકી રહી. તેને થયું નૂપુરની વહુ હોસ્પીટલથી ઘેર આવશે ત્યારે પોતે ફોન કરશે.

પરંતુ બન્યું એવું કે તેને ઘેર ઘણાં વરસો બાદ તેના નણંદ અને તેનું આખું કુટુંબ પંદર દિવસ માટે આવ્યા.અને તેમાં નણંદનો નાનો દીકરો બીમાર પડયો અને હોસ્પીટલમાં દાખલ કરવો પડયો. અને શગુન ધમાલમાં પડી ગઇ.એક તરફ હોસ્પીટલની દોડાદોડી અને બીજી તરફ ઘરની જવાબદારી.

આ બધામાં તે નૂપુરની વહુને ફોન કરવાનું ભૂલી ગઇ.તેના મગજમાંથી એ વાત જ જાણે વીસરાઇ ગઇ.

અને નૂપુરને તેના દીકરા કે વહુએ ન જાણે શું કહ્યું કે તું શગુન શગુન કર્યા કરે છે પણ તારી બહેનપણી એક ફોન પણ કરે છે ? અમેરિકા ફોન કરવાનો આવ્યો એટલે તારી બહેનપણી પૈસાનો વિચાર કરે છે. નૂપુરને પણ ખૂબ ખરાબ લાગ્યું. તેનાથી રહેવાયું નહી. તેણે શગુનને ફોન કર્યો અને શગુન કંઇ ખુલાસો કરે તે પહેલાં જ બોલી ઉઠી. ‘ તારાથી એક ફોન પણ નથી થતો ? તારે લીધે મારે કેટલું સાંભળવું પડે છે ખબર છે ? અને શગુન કંઇ ખુલાસો કરે તે પહેલાં જ તેણે ફોન મૂકી દીધો. શગુન સ્તબ્ધ થઇ ગઇ. નૂપુર તેના માટે આવું વિચારી જ કેમ શકે ? તેને ખૂબ ખરાબ લાગ્યું. અને તેને થયું..પોતાના કોઇ વાંક સિવાય નૂપુરે તેને આરોપીના પિંજરમાં ઉભી કરી દીધી. અને પોતે ખુલાસાઓ કર્યા કરવાના ? બસ…આટલો જ વિશ્વાસ ! આજ સુધી ફકત દોસ્તીની..મિત્રતાની મોટી મોટી જે વાતો કરેલ…તે ફકત કોરા શબ્દો જ હતા ? પોતાના કોઇ સંજોગો જાણવાની નૂપુરે દરકાર કરી નહીં..મારે પણ હવે કોઇ ખુલાસાઓ કરવા નથી..તેને જે વિચારવું હોય તે ભલે વિચારે…તેનું મન આળુ બની ગયું. તે થોડી વધારે સંવેદનશીલ અને ભાવુક હતી..તેણે કોઇ ખુલાસાઓ કરવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યું.

અને નૂપુરે વિચાર્યું..જો કંઇ પડી છે તેને..? પોતે ભૂલી ગઇ તેનો કોઇ અફસોસ પણ કયાં છે ?

અને મનમાં વિચારે…મનમાં રાંડે ને મનમાં પરણે તેની જાણ કોને કેવી રીતે થઇ શકે ?

બસ…અને આ નાની વાતે બંનેના મનમાં એક દૂરી ઉત્પન્ન કરી દીધી. બંને ના મન ખાટા થઇ ગયા.

વાત કેટલી નાનકડી હતી. પરંતુ એક નાની વાતે સંબંધોમાં એક દરાર ઉભી કરી દીધી. એક તણાવ ઊભો થઇ ગયો. હવે આ સંબંધોને માંજવા જ રહ્યા ને ?
નૂપુરે આવેશમાં આવી ને શગુનને કહેવાને બદલે આટલા વરસોની દોસ્તીમાં વિશ્વાસ રાખીને વિચાર્યું હોત..કે જરૂર કોઇ કારણ હશે તો જ શગુન ભૂલી જાય. અને થોડું મન મોટું રાખ્યું હોત તો સંબંધોનું સૌન્દર્ય જળવાઇ રહ્યું હોત. અને શગુને ખોટું લગાડયા સિવાય સાચી વાત જણાવી દીધી હોત તો..! કયારેક સંબંધોમાં સ્પષ્ટતા કરવી પડતી હોય છે. તે સત્ય સ્વીકારવું જ રહ્યું. યાદ રાખવું જ રહ્યું કે સંબંધો સાચવવાની જવાબદારી કયારેય કોઇ એક વ્યક્તિની ન હોઇ શકે…કયારેક એક વ્યકિત ભૂલ કરે તો બીજા એ ઉદારતા દાખવવી જ રહી..જો સંબંધો જાળવવા હોય તો…! બાકી સંબંધો તો નાજુક કાચ જેવા છે.તૂટતા કેટલી વાર ? અને તૂટે ત્યારે તેની કરચ લાગે પણ ખરી..અને ઉઝરડા પણ પડે. એ ઉઝરડા ની પીડાથી બચવું હોય તો ખેલદિલી દાખવવી જ રહી.

જયારે કોઇ સંબંધ અંગે શંકા જાગે કે મનમાં કડવાશ જન્મે ત્યારે તટસ્થતાથી..શાંતિથી એક વાર વિચાર જરૂર કરવો. સારા સંબંધો જીવનની અણમોલ મૂડી છે. તેને સાચવવાનો સંભાળવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. અહીં નૂપુરે પણ થોડી સ્વસ્થતા દાખવી ને વિચાર્યું હોત અથવા એ જ વાત હસી ને પણ પૂછી શકી હોત,’’ કેમ શગુન, તું બહું કામમાં પડી ગઇ હતી ? ચાલ, મને વધાઇ તો આપ..તારી મિત્ર દાદીમા બની ગઇ હોં..! ‘આ કે આવું કશું પણ તે કહી શકી હોત તો તેને સાચી વાત જાણવા મળત…અને ખરેખર કયારેક કોઇ કારણ વિના પણ આપણે ઘણી વાતો ભૂલી નથી જતા ? એટલે શું સ્નેહ ઓછો થઇ ગયો ? સ્નેહના સંબંધોમાં પણ શું ગણિતના દાખલાઓ જ ગણ્યા કરીશું ? નફા તોટાના હિસાબો જ ગણ્યા કરીશું ? દરેક વાતને તર્કને ત્રાજવે જ તોલતા રહીશું તો સંબંધોની સુગંધથી જીવનભર અપરિચિત રહી જઇએ તેવું પણ બને.

જયારે જયશ્રી અને નીતા બંને બહેનપણીઓ ની મૈત્રી આજે ત્રીસ વરસો પછી પણ એવી જ લીલીછમ્મ રહી છે. કારણ ફકત એટલું જ..બંને વચ્ચે સંબંધનો કોઇ ભાર નથી. બંને કયારેય એકબીજાને જન્મદિવસે કે એવા કોઇ પ્રસંગે ફોન સુધ્ધાં નથી કરતા. કયારેક યાદ આવી જાય તો પૂરા ઉમળકાથી જરૂર કરી લે. પરંતુ ન થાય તો કોઇ ભાર નહીં. કોઇ જ વાતનું કયારેય ટેન્સન નહીં.. જેને મન થાય.. અનુકૂળ હોય ત્યારે ફોન કરી લે. ન થાય તો પણ કશો ફરક નહીં. જયારે મળે ત્યારે એવા જ લીલાછમ્મ..લાગણીથી છલકતા…! એકવાર જયશ્રી ફોન કરે ને પછી એકવાર નીતા કરે..એવા વારા તો વહેવારમાં હોય.મૈત્રીમાં નહીં જ..એ વાત બંને સારી રીતે સમજે છે. અને તેથી કયારેય કોઇ ખુલાસાઓની જરૂર જ નથી પડતી. અને હિસાબકિતાબના કોઇ ભાર વિના બંનેના સંબંધો સુખડની જેમ મહેકતા રહે છે.

ચાલો, આપણે પણ ભાર વિનાના..સમજપૂર્વકના સંબંધોને આવકારવા સજ્જ બનીશું ને ?

(સંબંધસેતુ..3 સ્ત્રી માં પ્રકાશિત કોલમ )

 

“ પુનર્લેખન અને સંપાદનની માયાજાળ…” February 6, 2008

Filed under: અન્ય — nilam doshi @ 12:24 pm

મુંબઇ સમાચારમાં આ લેખ દ્વારા આપણા સન્માનન્નીય લેખિકા ધીરુબહેન પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી છે.સાહિત્યજગતને ધીરુબહેનનો પરિચય આપવાનો ન હોય. સંગીતક્ષેત્રે રિમીકસની બોલબાલા છે તો સાહિત્યમાં કેમ નહીં ? એ માટે જોઇએ ફકત સાહસ વૃતિ…તમે જે કંઇ કરો તેને વાહ! વાહ ! થી વધાવી લેનારા ચાર,ચૌદ કે ચોવીસ કાંધિયા. જોઇએ…બસ સવારી ઉપડી..આડુઅવળુ જોવાની, જરીકે થંભવાની કે પાછળ ઊડતા ધૂળના ગોટા ગણવાની કશી જરૂર નહીં. આત્મનિરીક્ષણ ને એવી તેવી નમાલી પંચાતમાં પડો જ નહીં… બસ..આગે બઢો…દુનિયા તમારી જયજયકાર કરશે. પ્રેરણા, પ્રતિભા અને પ્રચંડ પુરુષાર્થથી જે સાહિત્યકૃતિ જન્મી તેનું પુનર્લેખન કરતા વાર કેટલી ? થોડી કાપકૂપ કરો, ભાષાના વાઘા બદલો,કોઇ દયાળુ પ્રકાશક શોધી કાઢો..બસ બેડો પાર. હવેથી એ કૃતિ તમારી. એના પર સમગ્ર અધિકાર તમારા. મૂળ લેખક કયા ખૂણામાં બેઠો બેઠો ઝોકા ખાય છે એ જોવાનું કામ તમારું નથી.

પુનર્લેખન કેવો જાદુઇ શબ્દ છે.! આહા! જેને એ કળા આવડી તેને વિક્રય અને વિતરણ આપોઆપ આવડે જ. અરે, ભાઇ, પેલા દળદરી મૂળ લેખકને પનારે પડી રહી હોત તો એ કૃતિ સફળતાના આવા ઉંચા આભને સ્પર્શી શકી હોત ? તમે તો પરાક્રમ કર્યું છે.,પરોપકાર કર્યો છે..મૂળ લેખકનું નામ ખોવાઇ જાય એમાં કશો વાંધો નહીં. સાહિત્યકારને વળી કીર્તિનો મોહ હોતો હશે ? એનું મન ધનમાં નહીં લેખનમાં જ અટવાયેલું રહેવું જોઇએ. વેરાગીની કંથામાંથી તમે એકાદ બે ચીંદરડી ખેંચી લીધી એમાં કશો દોષ નથી. એટલું તમારી જાતને અને જગતને સમજાવી દો એટલે બસ..મામલો પતી ગયો.મગદૂર છે કોઇની કે તમારી સામે આંગળી ચીન્ધે ?

આ કામ તમે ધારો છો તેટલું મુશ્કેલ નથી. કારણકે પ્રકાશકો પણ તમારા જેવા ઉધ્યમી અને અંતરાત્માની ખટપટ વિનાના લહિયા…સોરી..લેખકોની શોધમાં જ હોય છે. એમને એમનો વ્યાપાર ચાલુ રાખવાનો હોય છે. એટલે માલની અછત પાછી પરવડે નહીં. તેથી કેટલીક વાર તેઓ પોતે જ અંગુલિનિર્દેશ કરતા હોય છે કે ક ઇ નધણિયાતી જમીનમાં ખોદકામ કરવાથી કીમતી ધાતુ મળી આવશે. પ્રકાશકો જાણતા હોય છે કે લેખકોને તેમના વિના ચાલવાનું નથી. તેથી તેમની શરતો મોટે ભાગે મંજૂર થઇ જતી હોય છે.

હવે સંચયનો વિચાર કરીએ..કુશળ મુકાદમ જેમ મજૂરોને પકડી લાવે છે અને સાંજ પડયે દનિયુ આપીને રવાના કરી દે છે તેમ સંચયકાર કેટલાક લેખકોને શોધી કાઢે છે અને પ્રકાશકો દ્વારા પાંચ પચાસનું ફરફરિયુ અને છપાયેલી કૃતિની એકાદ નકલ મોકલી આત્મસંતુષ્ટિ અનુભવે છે. અહીં એક વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવના લખવાનો શ્રમ લેવો પડે છે. પણ બદલામાં પોતાની જીવનઝરમરમાં બે ચાર નવા પુસ્તકોના નામ ઉમેરાય છે તે ફાયદો કંઇ જેવો તેવો છે ? આખરેતો યાદી જેટલી લાંબી તેટલા તમે મહાવિદ્વાન..! જોકે આ સંચયકારો પાપ કરતા પાછુ વાળીને જોવાના સંપ્રદાયના છે. તે લેખકોના નામનો સમૂળગો લોપ થવા દેતા નથી. કદાચ એ નામોના ઉંજણ વડે તેમની ગાડી સડસડાટ દોડે છે. સંપાદન એટલે સંચયના કાકાનો દીકરો. કુળ એક મૂળ એક. પ્રથમાક્ષર એક..અને એને માથે મૂકાતું મીંડુ એક. કોઇ કહેશે કાળગ્રસ્ત થઇ ગયેલ કૃતિઓ શોધી,એના હાલી ગયેલ હાડકા- પાંસળા ઠીક કરી એમાં રહેલ સાહિત્યતત્વ તરફ ધ્યાન દોરવું અને હાલના વાચકો તથા લેખકોને એના અમૂલ્ય વારસાથી અવગત કરવા એ શું સારું કામ નથી ?છે..સાડી સાત વાર છે. પણ આમાં શબ્દ બદલાઇ જાય છે. અલબત્ત આમાં ત્રણ સ્થાને “સ “ બિરાજે છે. અને તે પણ બિંદુરૂપી મુગટ સાથે.,પરંતુ ‘સંશોધક’ નામ પડતાની સાથે આપણો અભિગમ બદલાઇ જાય છે. આ તો વિદ્વાનો છે. એમની પ્રીતિ ભાષા પ્રત્યે, સાહિત્ય પ્રત્યે અને દિવંગત લેખકો પ્રત્યે છે. પોતાની કીર્તિ ના વિસ્તાર પ્રત્યે નહીં. તેઓ પરિશ્રમ કરી જાણે છે. અને એકાગ્રતા એ તેમનો સ્વભાવ છે. આપણે તેમને પ્રણામ કરીએ અને એમનું પ્રદાન મૂલવતા શીખીએ.

આપણે ચેતતા રહેવાનું છે તે સૂંઠને ગાંગડે ગાંધી થઇ બેસેલા સંચયકારો અને સંપાદનકારોથી. આપણે ઓળખી લેવાના છે પુનર્લેખનના કલાધરોને..જો આપણે વેળાસર નહીં જાગીએ તો આપણી રસાળ,ફળદ્રૂપ જમીન પર આ વિરાટ સ્ટીમ રોલરો ફરી વળશે અને એક વખત એવો આવશે કે આનંદ,આંસુ ,રુધિર અને એકલતાથી રચાયેલ સર્જનાત્મક સાહિત્યના રાજમાર્ગને સમજુ માણસો દૂરથી જ નમસ્કાર કરી દેશે. અને જીવવા માટેના અનેક શાણપણ ભર્યા વિકલ્પોમાંથી એકાદ પસંદ કરી લેશે. આપણને એ પોસાશે ?

ધીરુબહેન પટેલ.

 

આજની ખાટી મીઠી…… February 6, 2008

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:14 am

ખાનદાન તરીકે જન્મવું એ એક અકસ્માત છે. પણ તેવા મરવું એ એક સિધ્ધિ…!

 

એક રેશમી એહસાસ… February 6, 2008

Filed under: અન્ય, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

આજે અમેરિકાથી સમાચાર આવ્યા..અનુજને મીશીગન યુનીવર્સીટીમાં અમેરિકન હાર્ટ એસોશીએશન તરફથી બેસ્ટ ડોકટરનો એવોર્ડ મળ્યો છે. તેના જન્મ પહેલાંથી સેવેલ એક સ્વપ્ન આજે સાકાર થતાં સમયનું ચક્ર અચાનક પચ્ચીસ વરસ પાછળ ઘૂમી ગયું. એક આખો અંતરાલ વચ્ચેથી જાણે અદ્રશ્ય થઇ ગયો. અનુજના જન્મ પહેલાની અનુભૂતિની નાજુક ક્ષણો …એ મખમલી અહેસાસ..આજે યે મારી છાતીમાં એટલો જ જીવંત છે એની જાણે પ્રતીતિ થઇ.

વરસો પહેલાની એ ક્ષણો સાથે તુરત એક તાર જોડાઇ ગયો…. આપમેળે એક અનુસન્ધાન રચાઇ ગયું. અને અનાયાસે એ ક્ષણૉમાં સરી જવાયું.

ત્યારે હજુ અનુજનો જન્મ પણ કયાં થયો હતો ? ઉદરમાં પાંગરતાં એ શિશુ માટે કેવાં કેવાં અને કેટકેટલા સ્વપ્નો જોયા હતા !

દરેક શિશુના જન્મ પહેલાં ઇશ્વર એ અદીઠ શિશુ માટે માનવીના હ્રદયમાં એક નિષ્ઠા..એક સ્નેહનું ઝરણુ રોપે છે. જે તેને ભાવિ બાળકના સત્કાર માટે માનસિક રીતે તૈયાર કરે છે. સ્નેહના એ પરિબળે સ્ત્રી કોઇ પણ પીડા સહન કરવા તત્પર બની ને આનંદની અનુભૂતિ કરી શકે છે. તેની આંખોમાં ને અંતરમાં બાળકના સ્વપ્નો જાગૃત થાય છે. કુદરતની આ સ્વાભાવિક પ્રેરણા છે. કુદરતે જો આ માયા.. મમતા ન મૂકી હોત તો કદાચ આ અનુભવ કોઇ પણ સ્ત્રી માટે ફકત કષ્ટદાયક જ બની રહેત. અને તો કદાચ એ પીડા માટે તૈયાર થાત કે કેમ એ પણ પ્રશ્ન છે. વાત્સલ્યના આ ઝરણાને લીધે જ સ્ત્રી પીડાની નહીં… સર્જનની સંવેદના અનુભવી શકે છે. હું એમાંથી બાકાત કેમ રહી શકું ?

પ્રથમ શિશુના આગમનના સમાચારે “ સારા પ્યાર તુમ્હારા, બાંધ લિયા મૈને આંચલમેં …”. એક નવો એહસાસ, એક અકલ્પ્ય રોમાંચ …. અને અનેક કલ્પનાઓ..એક છોકરીનું સ્ત્રીમાં અને એક સ્ત્રીનું માતા માં થતું રૂપાંતર..! નિતનવા ભાવોની ભરતી. તન, મનમાં પ્રગટતા ફેરફારો..મન:ચક્ષુ સમક્ષ ઉઘડતી કલ્પનાઓનું ભાવ વિશ્વ…!

ખળખળ વહેતું ઝરણું કેવી સહજતાથી કલકલ કરતું ભેખડો કૂદાવતું જાય, ખડકો વચ્ચેથી રસ્તો કરતું જાય, ગીતો ગાતું જાય,મસ્તીમાં ઝૂમતું જાય અને માર્ગમાં જે મળે તેને પ્રસન્નતાની લહાણી કરતું જાય..એની ગતિને ન કોઇ રોકી શકે, ન કોઇ ટોકી શકે. નિર્બંધ રીતે ખળખળ વહેવું એ જ એકમાત્ર એનું જીવનકર્તવ્ય.

પણ.. એ જ ઝરણું ખડકમાંથી નીકળી સપાટ મેદાનમાં પ્રવેશે ત્યારે તેની ગતિ, તેનો લય સહેજે બદલાઇ જાય. જાણે જીવનનો એક ટર્નીંગ પોઇન્ટ…! એની રફતાર બદલાઇ જાય. હજુ પણ એ વહે તો છે જ. પણ હવે નાચવા કૂદવાને બદલે ધીર,ગંભીર ગતિએ..શાંત રીતે વહે છે. એની ચંચળતાને જાણે અચાનક બ્રેક લાગી ગઇ. કોલેજમાં અલ્લડ, બિન્દાસ ગણાતી,પતંગિયાની માફક ઉડાઉડ કરતી છોકરી લગ્ન થાય એટલે ધીર ગંભીર ગૃહિણી બની જાય..એક ઝરણું નદી બની જાય. બંને કાંઠે એ છલોછલ વહી રહે. એની સઘળી ચંચળતા, ઊછળકૂદ શાંત પ્રવાહમાં પરિવર્તિત થઇ જાય. ઝરણું ડાહ્યું ડમરું બની જાય !

અને પછી એ ધસમસતી નદીને પણ અચાનક કોઇ પળે ફરી એકવાર “ રુક જાવ ” નો આદેશ મળે…હવે દોડાય નહીં, કૂદાય નહીં. વહેવાનું તો ખરું..પણ એકદમ શાંત ગતિ..એક નવી જવાબદારીની સતર્કતાપૂણ ગતિ. જેમાં હવે પોતાનો નહીં, પોતાની અંદર પાંગરતા એક અન્ય જીવનો વિચાર કરવાનો છે. પોતાની જિંદગી પર હવે કોઇ બીજાનો હક્ક છે.

મારે પણ હવે મારા ઉદરમાં પાંગરતા શિશુનો વિચાર કરીને મારી દિનચર્યા ગોઠવવાની હતી. મારી પ્રત્યેક ક્ષણ પર હવે તેનો અબાધિત અધિકાર હતો. તેનું અસ્તિત્વ મારા પર નિર્ભર છે.. એ ખ્યાલ જ મને જાગૃત કરી દેવા પર્યાપ્ત હતો.

શરીરરૂપી સરોવરમાં એક નાજુક પુષ્પ ખીલવાની વેળાએ સમગ્ર અસ્તિત્વ જાણે એક અબોટી સુવાસથી છલકી ઉઠયું હતું. કયા જન્માંતરોનો..કયા ઋણાનુબંધનનો સંબંધ આવનાર શિશુ લાવશે ? કુદરતની કેવી કમાલ ! સર્જનહારની કેવી અદભૂત લીલા..!

નાનુ અમથુ તે સાવ જીવતર ,
ને આખું આકાશ મારી પાંખમાં
આમ ટપકુ હું અમથુ બ્રહ્માંડમાં “

કયારેક કોઇ નાનકડી ઘટનાથી પણ જીવનની અસીમતાનો અનાયાસે એહસાસ થાય છે. જાણે એક ટપકામાંથી અસીમ બ્રહ્માંડ અસ્તિત્વમાં વિસ્તરી ન ગયું હોય ! કોઇ નવી અણજાણ ક્ષિતિજ અચાનક ઉઘડે.. પરમ પ્રકાશથી મન ઝળાહળા બની રહે… જીવનમાં એક નવી જ ભૂમિકાના પગરવ ગૂંજી ઉઠે…થોડું સમજાય અને થોડું ન પણ સમજાય… પરંતુ એક તદન નવો એહસાસ..નવો રોમાંચ…બધુ જ નવું…અલગ…!

જીવનના સોળમે ચોમાસે નયનના ગર્ભમાં કોઇ અજાણ, અદીઠા પ્રેમીની પ્રતીક્ષા ઉછરતી હતી. એકવીસમે વરસે તેમાં વહાલમની પ્રતીક્ષા ઉગેલી હતી. અને આજે…આજે વહાલમના એક અંશના અવતરવાની પ્રતીક્ષાની પળો આવી પહોંચી ?

મારી અન્દર એક શિશુના પ્રાગટયની પુનિત પળ સ્થાપિત થઇ ચૂકી છે.. એ સમાચાર… ! અને હું સુગંધ સુગંધ..! અલય ખુશખુશાલ. પ્રથમ સંતાનના આગમનના સમાચારે પુરુષમાં મનમાં સૌથી પહેલી કઇ લાગણી ઉદભવતી હશે ? નર્યા પિતૃત્વની ? કે પોતાનો વંશજ…વારસદાર આવશે એ ઉલ્લાસની ? કે પછી એનું મન દીકરી કે દીકરાના લેખાજોખામાં પડી જતું હશે..? કે પછી ખાસ કોઇ ફરક નહીં પડતો હોય ? અને સ્ત્રીમાં ?

મારા શરીરની અંદરથી એક શિશુનું સર્જન થશે..એક જીવંત વ્યક્તિ અવતરશે…!! એ વાત જ મને અદભૂત રોમાંચકારી લાગે છે.! હું આયના સામે મારા શરીરને એક અલગ દ્રષ્ટિથી નીરખતી રહું છું. ચિરપરિચિત શરીર આજે મારા માટે અપરિચિત બની ગયું છે કે શું ? થોડી પળો આયનામાં મારી જાતને..મારા શરીર સામે જોઇ રહી. કયાંય કંઇ કળાય છે ? ના, હજુ તો કયાંય કોઇ ફરક નહોતો દેખાતો. એક રૂંવાડું યે કયાં બદલાયું હતું ? અને છતાં….

છતાં હવે બદલાશે અસ્તિત્વ…શારીરિક., માનસિક, ચૈતસિક સ્તરે ઘણું બધું બદલાશે ..જીવનનો ધોરીમાર્ગ બદલાશે, મૂલ્યો બદલાશે, વિચારવાની દ્રષ્ટિ બદલાશે, રુટીન બદલાશે, પ્રાથમિકતાઓ બદલાશે અને…અને બદલાઇશ હું…!

લગ્ન થયા ત્યારે એક છોકરીમાંથી હું સ્ત્રી માં રૂપાંતર પામી હતી. અને હવે સ્ત્રી માંથી માતૃત્વની દીક્ષા પામી એક ‘મા’ માં રૂપાંતર પામવાની આ શરૂઆત છે. ચૈતસિક સ્તરે, મનમાં ફેરફાર થવાની શરૂઆત શું આ ક્ષણથી જ થઇ ગઇ ? હું કોને પૂછું ? ઘરમાં તો બીજું કોઇ છે નહીં. અમે બે …! અને અમને બે માંથી કોઇને કયાં કંઇ ગતાગમ પડે છે ? અને મા બાપ થવા નીકળી પડયા !!! જાણે રસ્તાની જાણ વિના… ભોમિયા વિના અમે ડુંગરા ભમવા નીકળી પડયા હોઇએ એવા વિચારો આવવા લાગ્યા.

જોકે આ સમાચાર મળતાં જ હરખઘેલા અલયે તો રૂમની દીવાલો નાનકડાં ભૂલકાઓના સુંદર ચિત્રોથી શણગારી દીધી. હમણાં આમાંથી કોઇ તેના કાલાઘેલા, મીઠા, અવાજે અમને પોકારી ઉઠશે…! હું તો એ ચિત્રોમાંથી મારા શિશુની પસંદગી કરતી હોઉં તેમ નીરખતી રહું છું. ગર્ભસ્થ શિશુ પર આસપાસના વાતાવરણની , મનમાં ચાલતા વિચારોની અસર થાય છે..એ ભાને મને સતર્ક બનાવી દીધી હતી. મારું બાળક સર્વોત્તમ થવું જોઇએ..એ ભાવના કઇ મા ના અંતરમાં ન હોય ? મારું બાળક કોના જેવું હશે ? મારા જેવું ? અલય જેવું ? કે પછી બંનેના મિશ્રણરૂપ ?

“ થોડા હમારા, થોડા તુમ્હારા…આયેગા ફિર સે બચપન હમારા…” જીવનની બગિયા મહેકવાની એ પરમ ક્ષણો….!

કઇ પેઢીના ..કયા જીન્સ નો વારસો લઇ ને એ અવતરશે ? વિજ્ઞાનનું થોડું જ્ઞાન અને અનેક નવા સંવેદનો મનમાં અગણિત પ્રશ્નો જગાવતું રહે છે. રૂપાળું હશે કે કાળુ ? બુધ્ધિશાળી થશે કે સામાન્ય ? હું એને શું બનાવીશ ? શું ભણાવીશ ? મનમાં અત્યારથી કલ્પનાઓના વેગીલા ઘોડા દોડવા માંડયા છે. દૂધ વધારે પીવાય તો છોકરું ધોળુ આવે ને રીંગણ વધારે ખાઇએ તો કાળુ આવે..! કોઇ અનુભવી મારા કાનમાં ફૂંક મારતું રહે છે..અને હું જાણ્યે અજાણ્યે એને અનુસરતી પણ રહું છું. ના, હવે મારાથી કોઇ રીસ્ક ન લેવાય..હું માનું કે નહીં..પણ …મારા આવનાર બાળક માટે બધું કરતી રહું છું. એ મારો અંશ હશે..મારા લોહી માંથી એનું સર્જન થવાનું છે. એના અસ્તિત્વનો બધો યે આધાર મારી પર છે. હું કોઇ જોખમ કેમ લઇ શકું ?

સગાસ્નેહીઓની વિવિધ સૂચનાઓનો અવિરત ધોધ વહેતો રહે છે. કોઇ રામાયણ, ગીતા જેવા ગ્રંથો વાંચવાની સૂચના આપે છે. કોઇ ખુલ્લી હવામાં ચાલવા જવાની સૂચના આપે છે. ખાવા પીવાની સૂચનાઓનો તો આરો કે ઓવારો નથી. અને અલય આ બધી સૂચનાઓનું ચુસ્ત પાલન કરાવવામાં જરાયે ઉણો ઉતરે તેમ નથી જ.

આવનાર શિશુને હું કઇ રીતે ઉછેરીશ ? મને આવડશે ? ફાવશે ? મેં તો કુટુંબમાં કયારેય કોઇના નવજાત શિશુને જોયું સુધ્ધાં નથી. આખા કુટુંબમાં આ પહેલો પ્રસંગ છે. મનમાં એક રોમાંચ ની સાથે સાથે ડર પણ છે. પહેલે મહિને તો માનસિક સ્તર સિવાય કોઇ ખાસ શારીરિક ફરક અનુભવી શકી નહીં. પણ બીજે મહિને રોજ સવારે એક બેચેની જેવું ફીલ થાય…કંઇ ખાવા પીવાનું મન નહોતું થતું. બસ..એમ જ પડી રહું. બધા કહે કે સવારે કદાચ થોડું વોમીટ જેવું થાય કે વોમીટ થાય તો ગભરાવાનું નહીં..પરંતુ સદનશીબે મને એવું તો કંઇ નહોતું થતું. જાણું છું આ બધું હોરમોન્સ ના પરિવર્તનને લીધે છે. પરંતુ મન તો બાલિશ વિચારો કરતું રહે છે. મારું શિશુ મારું ધ્યાન અત્યારથી રાખે છે !! હું મારી જાત પર હસું છું. છતાં આવી અનેક કલ્પનાઓ કરવી ગમે છે.

ડોકટર તો મારા ખાસ મિત્ર છે. તેથી તેનું માથુ ખાતી રહું છું. કદાચ તે પણ અંદર તો મારા બહાવરાપણા પર હસતા હશે..પણ મારા સવાલોથી કંટાળ્યા કે થાકયા સિવાય ધીરજથી જવાબ આપતા રહે છે. આયર્ન, કેલ્શિયમની ગોળીઓ, નિયમિત વજન કરાવવું, બરાબર ખાવું પીવું , પ્રસન્ન રહેવું, ચાલવા જવું થોડી કસરત કરવી..સારું વાંચન, સારા વિચારો કરવા…એક આખું ટાઇમટેબલ મારી આસપાસ ગોઠવાઇ ગયું છે. બધાના કેન્દ્રમાં આવનાર શિશુ જ છે. મોટા થયા પછી કોઇ બાળક આ બધું કયારેય જાણી શકે ખરો ? અનુભવી શકે ખરો ? એક મા શિશુના આવ્યા પહેલાથી દરેક વાતમાં તેનો અને ફકત તેનો જ વિચાર કરતી રહે છે. એ કયારેય તે સમજી શકે ખરો ?

ત્રીજા મહિનાથી શરીરમાં ફેરફાર થયો છે તેની સાબિતિ આયનાએ આપી. શરીરના ઘાટઘૂટ ફરવા લાગ્યા.બધા કહે છે..આ અવસ્થામાં કોઇ પણ સ્ત્રીનું રૂપ નીખરે છે. કદાચ સાચું પણ હશે..મને પણ મારો અરીસો એ જ કહેતો હતો.કદાચ ખાવા પીવામાં લેવાતી સંભાળ પણ કારણરૂપ હોઇ શકે..કે માનસિક પ્રસન્નતા પણ એક કારણ હોઇ શકે. મનની અસર શરીર પર થાય જ છે ને ?

હું આ અવસ્થામાં થતાં ફેરફારો, ગર્ભસ્થ બાળકનો થતો વિકાસ વિગેરે અંગે જાતજાતના પુસ્તકો વાંચતી રહું છું. કેટલાયે કુતુહલો, આશ્ર્વર્યો મારા મનમાં પ્રગટતા રહે છે. પુસ્તકમાં લખેલી વાતો સાથે મારા અનુભવોને સરખાવતી રહું છું. એમાં બતાવેલ ચિત્રો સાથે મારા શરીરની સરખામણી કરતી રહું છું. અને જરા પણ ફરક લાગે તો ગભરાઇને ડોકટર પાસે અમે બંને દોડતા રહીએ છીએ. કયારેક બહાવરી બની એક જ પ્રશ્ન દસ વ્યક્તિને પૂછતી રહું છું અને એ બધા પોતપોતાના અનુભવ મુજબ અલગ અલગ જવાબ આપે છે ત્યારે મૂંઝાતી રહું છું.

કયારેક યુગો ના યુગો એક પળમાં સંકોચાઇ જતાં લાગે છે. તો કયારેક કોઇ એક પળ યુગ જેવી લંબાતી રહે છે. હવે પ્રતીક્ષા કયારે પૂર્ણ થશે અત્યારથી એક અધીરતા વીંટળાઇ વળે છે. સમય થંભી ગયો છે કે શું ? ગતિ નો અર્થ જાણે હવે સમજાતો હતો.

સમય તો એની રીતે જ સરતો રહે છે. મનની અવસ્થા મુજબ આપણને એ કયારેક ધીમો કે કયારેક ઝડપી લાગે છે. સમયની સાથે મારા શરીરમાં પણ ફેરફારો થતાં રહે છે. શારીરિક, માનસિક અને ચૈતસિક સ્તરે વિવિધ અનુભવો થતાં રહે છે.

કયારેક વિના કારણ એક ઉદાસી ઘેરી વળે છે. તો કયારેક કારણ વિના મન ખુશીથી રણઝણી રહે છે. કયારેક કોઇ વસ્તુ ખાવાની અદમ્ય ઇચ્છા જાગે છે. તો કયારેક મારી અતિ પ્રિય વસ્તુ ખાવાની પણ તીવ્ર અનિચ્છા ,અરુચિ જાગે છે. પ્રત્યેક સવારે ઉદિત થતાં સૂર્યની સાથે એક નવો અનુભવ…એક નવો રોમાંચ..! સમય કેટકેટલા પરિવર્તનો સાથે સરતો જાય છે. મારી અંદર રહેલ શિશુ ની પ્રગતિનો ગ્રાફ ડોકટર માપતા રહે છે. વીટામીન અને કેલ્શિયમની ગોળીઓ..ખાવા પીવાની સૂચનાઓ મળતી રહે છે. મારું અદીઠ શિશુ મારી અંદર ઉછરતું રહે છે, વિકસતું રહે છે, કરવટ બદલતું રહે છે. હું ધીમે ધીમે એના પ્રત્યેક હલનચલનને અનુભવી શકું છું. તેના નાનકડા પગની લાત કેવી મીઠી લાગે છે. મારી એક એક પળમાં હવે એનો અહેસાસ છે. અને એ અહેસાસ મને મારા કર્તવ્યનું જાણે ભાન કરાવતો રહે છે.

કયારેક મારી અંદર રહેલ શિશુ કરવટ બદલે છે અને હું આકુળવ્યાકુળ…તેનો તીવ્ર ફરફરાટ હું માણી રહું છું. તેનો એ સ્પર્શ મારી અંદર કેટકેટલા સંવેદનો જગાડી જાય છે ! કયારેક પ્રાણમાં એક ન સમજી શકાય…ન સમજાવી શકાય તેવી વ્યાકુળતા ઉગે છે. તન , મનમાં કોઇ અદીઠ સજાવટ થતી રહે છે. હું કયારેક પુલકિત થતી રહું છું. કયારેક કોઇ અજ્ઞાત ભયની આશંકા પણ અંતરમાં ઉગતી રહે છે. અલબત્ત પુત્ર કે પુત્રી એવો કોઇ પ્રશ્ન અમારા બે માંથી કોઇના મનમાં ઉપસ્થિત નથી થતો. જે પણ હશે તે અમારે માટે તો દેવશિશુ જ હશે. પગલીનો પાડનાર, ખોળાનો ખૂંદનાર.. પુત્ર કે વહાલના દરિયા સમ દીકરી..જે હોય તે શો ફરક પડે છે ? એ અમારા પ્રેમનું પ્રતીક…અમારા જીવનબાગનું અણમોલ પુષ્પ હશે એટલું જ અમારે માટે પર્યાપ્ત છે. તેના ભવિષ્યની મીઠી કલ્પનાઓના પ્રદેશમાં ઘૂમવાનું પણ કંઇ ઓછું આનંદદાયક નહોતું જ.

અલય પણ પિતૃત્વના એહસાસથી સભર હતો. હમેશા તે પેટ ઉપર કાન માંડીને મારી અંદર સૂતેલ શિશુની ધડકન સાંભળતો રહેતો અને પોતે જ જાણે એ નાનું બચ્ચું હોય એવો રોમાંચ અનુભવતો. તેની સાથે સંવાદ કરતો રહેતો. હું ઉપરથી તેની મશ્કરી કરવાનું ન ચૂકતી. પણ અંદરથી અચૂક હરખાતી રહેતી. અલય કયાંકથી સાંભળી આવેલ સૂચનાઓ મને આપતો રહેતો કે બાળકના સ્વસ્થ વિકાસ માટે આમ કરવું જોઇએ અને આ ન કરવું જોઇએ.. વિગેરે વિગેરે… તેના અચાનક ઉમટી આવેલ આ “જ્ઞાન “ ની મસ્તી કરવાની મોજ થોડી ગુમાવાય ? તે કહેતો, ‘ આ કંઇ તારી કાળજી નથી લેતો..આ તો મારા બાળકનું ધ્યાન મારે રાખવું રહ્યું ને ? ‘

સામાન્ય સંજોગોમાં ઓફિસમાં સતત બીઝી રહેનાર અલય આ મહિનાઓમાં સતત મારી સાથે હતો. મારી નાની નાની દરેક ઇચ્છાઓ કહ્યા સિવાય પણ તે સમજી જતો. મારી કાળજી લેવાની એક ક્ષણ પણ તે ચૂકતો નહીં. આજે શું ખાધું ? શું કર્યું ? વિગેરે પ્રશ્નો પૂછતો રહે છે. કુટુંબમાંથી પણ બધાના આ જ પ્રશ્નો આવતા રહ્યા છે.

સીમંત સંસ્કાર તો સાતમા મહિનાની શરૂઆતમાં જ ખૂબ સરસ રીતે સંપન્ન થઇ ગયેલ. સ્ત્રીના જીવનની આ પરમ પવિત્ર અવસ્થાને આપણી સંસ્કૃતિએ કેટલું ગૌરવ, કેટલું સન્માન પ્રદાન કર્યું છે. એ આ સીમંતના પ્રસંગથી અનુભવ્યું. સ્ત્રી ના આ સ્વરૂપને આપણી સંસ્કૃતિએ સૌથી પવિત્ર ગણ્યું છે. તે એક શિશુની જન્મદાત્રી બનવાની છે. એ કંઇ સામાન્ય વાત નથી જ. કવિવર ટાગોર કહે છે તેમ ‘ નવજાત શિશુનું આગમન સૂચવે છે કે ઇશ્વરને હજુ માનવજાતમાંથી સાવ શ્રધ્ધા ઉઠી નથી ગઇ.’ કોઇ લેખક શિશુને ઇશ્વરે માનવજાત પર લખેલ પ્રેમપત્ર કહે છે.

“ પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઉઘડે ,
કમળ જ નહી આખું સ્વયં જાણે સરોવર ઉઘડે;
આ શ્વાસ અને ઉચ્છશ્વાસ સાથે કોણ મંથર ઉઘડે ?
જન્મ જન્માંતરના બધા આ થર પછી થર ઉઘડે “

આયખું જાણે મઘમઘી ઉઠયું હતું. ધીમે ધીમે શરીર બહારથી બેડોળ બનતું જતું હતું. પણ આ અવસ્થાને નિરખવાની આપણી દ્રષ્ટિ તેને બેડોળ ને બદલે ગૌરવવંતું બનાવે છે. આ બેડોળતામાં પણ એક સૌન્દર્ય નિખરી રહે છે.

આ નાનકડા, ટપકા જેવા જીવતરમાંથી જે સર્જન થાય છે તેની તોલે બીજું શું આવી શકે ? દેવોને દુર્લભ આ અનુભવ છે. પીડા છે..પણ એ પીડા વાંઝણી નથી. એ સર્જનની પીડા છે. એક અબોધ શિશુ એની નાનકડી આંખ ખોલે છે અને બધી યે પીડા પળવારમાં ગાયબ થઇ જાય છે. આ અનુભવ સર્જનહારે ફકત સ્ત્રીને જ આપી તેના સ્ત્રીત્વને એક આગવું ગૌરવ પ્રદાન કર્યું છે. એ અદભૂત,રોમાંચકારી અનુભવથી પુરુષ ને વંચિત જ રાખ્યો છે.

ઓફિસેથી હમેશાં મોડો આવતો અલય આ દિવસોમાં સમયસર આવી જાય છે. અમે સાથે દરિયાકિનારે ચાલવા જઇએ છીએ..ઊછળતા મોજાને સથવારે કે સમુદ્રમાં ડૂબકી મારી અદ્રશ્ય થતાં સૂર્યની સાક્ષીએ અમે આવનાર શિશુની મધુર કલ્પનાનો રોમાંચ લેતા રહીએ છીએ. મારા ઉદરમાં સૂતેલ શિશુ પણ જાણે દરિયાની સુગંધથી જાગી જાય છે અને મારી અંદર ફરકી રહે છે. હું એને સ્પષ્ટ રીતે મહેસૂસ કરી રહું છું. એક નાજુકાઇથી અનાયાસે મારો હાથ ઉદર પર ફરી રહે છે. અલય મારી સામે જુએ છે અને ધીમેથી પૂછે છે, ’ફરકે છે ? ‘ હું મંદ મંદ મરકી રહું છું. અલયનો હાથ પણ…! તે પણ પોતાના સંતાનને મહેસૂસ કરવા આતુર બન્યો છે.

રોજ એક નવા અનુભવથી મન છલકાતું રહ્યું છે. મારી અંદર નિતનવી ક્ષિતિજો ઉઘડતી જાય છે. ધીમેધીમે મારા શરીરમાં થતાં પરિવર્તનો આયનામાં દેખાતા રહે છે. અને મારી અંદર એક રોમાંચ જગાડતા રહે છે. મારું પોતાનું શરીર મારી સમક્ષ રોજ નવા રૂપ ધારણ કરીને આવે છે. હું મુગ્ધ કે આશ્ર્વર્યચકિત બની જોતી રહુ છું. એક પરમ મૃદુતાથી..પીંછાની હળવાશથી મારા ઉદરને સ્પર્શ કરતી રહું છું. મારા ન જન્મેલ શિશુ સાથે અવિરત ગોષ્ઠિ ચાલુ છે. અમારો સંવાદ અમારા બે નો જ છે. તેમાં અન્ય માટે આ ક્ષણે તો પ્રવેશ નિષેધ છે. આ અમારું એકદમ અંગત ભાવવિશ્વ છે.

ન જાણે મારી અંદર આ કયું પૂર ઉમટયું છે.! કઇ કેસર કયારી મહોરી ઉઠી છે.! મારામાં આ શું પ્રગટી રહ્યું છે ? કયારેક ન સમજાતા સ્પન્દનોનો રોમાંચ માણી રહું છું. ..

કુદરતનો કરિશ્મા કે સર્જનહારની અદભુતલીલા તો જુઓ.! આવનાર શિશુના આવકારની..એના ભરણપોષણની કેટલી ખેવના એ રાખે છે ! મા ના શરીરના અમૃતકુંભને એ અગાઉથી અમૃતથી સભર બનાવી રાખે છે.

‘ બેટા, તું સાંભળે છે મને ? તારી મા ને ? હવે તારી નાનકડી આંખોથી હું દુનિયા જોઇશ. તારા નાના પગ સાથે તાલ મિલાવી હું તને દુનિયામાં પ્રવેશ કરાવીશ. તને કયારેય દુ:ખનો, કોઇ પીડાનો ઓછાયો સુધ્ધાં ન સ્પર્શે એ જ ઇશ્વરને મારી પ્રાર્થના હશે. દસે દિશાઓથી તારું મંગળ થાવ એ એક મા નો આશીર્વાદ હશે. બેટા, તારી આ મા હમેશા તારી સાથે છે..હશે.. તું કયારેય રાંક, કે ગરીબડો નહીં હોય.. દુનિયામાં ઘણી સારી અને ઘણી ખરાબ બાબતો પણ છે. પણ બેટા, તું જયાં જઇશ..ત્યાં દ્રશ્ય કે અદ્રશ્ય રીતે એક મા નું સુરક્ષા કવચ તારી આસપાસ મોજુદ હશે જ. ‘

ન જાણે કેટકેટલી વાતો હું મારા ન જન્મેલ શિશુ સંગાથે કરતી રહું છું..! એક મા જ આ અહેસાસ સમજી શકે..પુરુષનું એ ગજુ નહીં.

તું મોટો થઇ ને શું બનીશ..શું કરીશ ? આ પળથી મન હવાઇ કિલ્લા બાંધતું રહે છે.! કુદરતે કેવા માયા, મમતા મૂકી છે..! આ માયા મમતાને સથવારે તો સ્ત્રી બધી પીડા હસતે હૈયે જીરવી જાય છે. નવ મહિનાની એક એક ક્ષણ અદીઠ શિશુનો વિચાર કરીને જીવાતી રહે છે. શું ખાઇશ તો તારી ત્વચા રૂપાળી થશે..શું કરીશ તો તને પૂરતું પોષણ મળશે…અમારી બધી દિનચર્યા અત્યારથી જ તારી આસપાસ ગોઠવાઇ ગઇ છે.! બેટા, તને કયારેય ખ્યાલ પણ નહીં આવે કે બાળકના જન્મ પહેલાથી એક સ્ત્રી..એક માતા બાળકનો વિચાર કેટકેટલી નાની નાની વાતોમાં પણ કરતી રહે છે. ભાવતી વસ્તુઓ ન ખવાય…વાંધો નહીં…મારા બાળક માટે છે ને ? ન ભાવતી વસ્તુઓ પણ પ્રેમથી ખવાય છે. મારા બાળક ને ફાયદો થાય છે ને ? કોઇ ભોગ આપે છે એવી કોઇ ભાવના ..એવા કોઇ ખ્યાલ વિના પણ કેટકેટલી કાળજી એક મા લેતી રહે છે. આ બધાની ગણતરી જો કરવામાં આવે ને તો ઇશ્વર પણ દેવાળિયો બની જાય. એટલું દેવું દરેક માતાનું હોય છે.! આ નિર્વ્યાજ સ્નેહનું કોઇ મૂલ્ય હોઇ શકે ખરું ? આ ઋણ કયારેય રૂપિયા,આના, પાઇથી ચૂકવી શકાય ખરું ?

ધીમેધીમે તારું લાતો મારવાનું..ફરકવાનું વધતું જાય છે. અને તારા એહસાસે હું રોમાંચિત થઇ ઉઠુ છું. અમારા બંનેનો હાથ ઉદર પર ફરી રહે છે. જાણે તને સ્પર્શવાનો લહાવો લઇએ છીએ. અલય મારા ઉદર પર હાથ ફેરવી તને શોધવાનો પ્રયત્ન કરે છે. હું તેનો હાથ પકડી મારા ઉદર પર ધીમેથી મૂકી એ જગ્યા બતાવતી રહું છું . જયાં તું હોવાનો મને એહસાસ છે..! એ નાજુક ક્ષણો મારી અંદરથી કયારેય વિલીન થઇ શકે ખરી ? તારા એક હાસ્યે મારું વિશ્વ ઝગમગ થઇ ઉઠશે..એ ખ્યાલ જ રોમાંચકારી લાગે છે. જાણે તું સાંભળતો ને સમજતો હોય એ રીતે તારી સાથે અવિરત સંવાદ ચાલતો રહે છે.

તન અને મનમાં સજાવટ વધતી રહે છે. દિવસો અને મહિનાઓ પસાર થતાં રહે છે. દરેક પળ તને અનુલક્ષીને જ હવે જીવાય છે. એ તું કયારેય જાણી શકીશ ?

મારી આસપાસ…મારી અંદર જાણે અગણિત વિશ્વો પસાર થઇ રહ્યા છે. આંખોમાં તારા આગમનના અણસાર ઉગતા રહે છે, રગરગમાં એક લીલપ વછૂટતી રહે છે. અણુ અણુ માં ટહુકા ફૂટતા રહે છે

“ તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારુ ઝોલે ચડયું. “

હું ઝોલે ચડતી રહું છું. સમયનું ધન જલદી ખૂટતું નથી. હવે તો રાત્રે આરામથી સૂઇ નથી શકાતું. એક બેચેની , એક અજંપો કયારેક મનને ઘેરી વળે છે. કયારેક થોડો ડર પણ લાગે છે. શું થશે ? કેમ થશે ? કેટલીયે વાતો બધા પાસેથી સાંભળી છે. એ અનુભવ કેવો હશે ? અલય સાંત્વના આપતો રહે છે. બધું સહજતાથી લેવા સમજાવતો રહે છે. જોકે એના મનમાં પણ ઉંડે ઉંડે એક અજ્ઞાત ડર તો કદાચ છે જ..એવું હું મહેસૂસ કરી શકું છું. પરંતુ બહારથી તો મને એ હિંમત આપતો રહે છે, હસાવતો રહે છે.

સમયની પાંપણ જાણે પલકતી નથી. એને શા માટે ઉતાવળ હોય ? ઉતાવળ,અધીરતા હવે મારા અણુ એ અણુમાં છે. આ નવ મહિનામાં જાણે મેં કેટલાયે યુગ જીવી લીધા છે. ભીતરે એક અદીઠ આભાસ થતો રહ્યો છે.

“ નર્યા નીતર્યા સ્પન્દન, સ્પન્દન રુંવે રુંવે ચિતવન,
ચિતવન મબલખ મબલખ મનખો મબલખ”

અવનવી અનુભૂતિઓથી અંતર છલકતું રહ્યું છે. કયારેક તને હાલરડા સંભળાવું છું. કયારેક ભણાવું છું, કયારેક રમાડું છું. ઝૂલે ઝૂલાવું છું. હસાવું છું, જમાડું છું, નવડાવું છું..કઇ મા યશોદામૈયા નથી હોતી ?

“ પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી;
મૃદુ,મલિન મોં માં બ્રહ્માંડો અનંત અવલોકતી..”

બેટા, અમારી નાનકડી દુનિયા તારું સ્વાગત કરવા હવે તત્પર બની છે, અધીર બની છે. દિલમાંથી આપોઆપ પ્રાર્થના સરતી રહે છે. નાસ્તિક વ્યક્તિ પણ જીવનના પ્રાગટ્યની આ પરમ પળે અનાયાસે આસ્તિક બની જાય છે.

બસ..હવે કોઇ પણ ક્ષણે તારું આગમન થશે..!! દિલના છલકતા વહાલથી હું તારું સ્વાગત કરીશ..તારું લાલનપાલન કરીશ. મારી એક એક ક્ષણ પર સૌ પ્રથમ તારો અધિકાર હશે. આ દુનિયા જીવવા જેવી છે..બેટા, કોઇ ગમે તે કહે હું તને આ સુંદર દુનિયાનો પરિચય કરાવીશ..મારી આંખે તને દુનિયા બતાવીશ..અને ધીમે ધીમે તારી સમજણની ક્ષિતિજો ઉઘડતી જશે ત્યારે તારી દ્રષ્ટિથી તું દુનિયા જોઇશ..અને ત્યારે કદાચ મને..તારી આ મા ને એ દુનિયા તારી આંખો..તારી દ્રષ્ટિથી તારી રીતે બતાવીશ. અને ત્યારે મારી આંખો વિસ્મયથી જોઇ રહેશે. શૈશવમાં તારી નાનકડી આંખો વિસ્મયથી અંજાયેલ હશે..અને પછી જીવનસંધ્યાએ તારી વૃધ્ધ બની ગયેલ મા ની આંખોમાં એ વિસ્મય પ્રગટે એવું પણ બને. બેટા, તારી નાનકડી આંખોને દુનિયા હું બતાવીશ. પરંતુ બેટા, મારી જૂની આંખોને નવી દુનિયા તું બતાવીશ ને? મારા કરચલીવાળા ચહેરાને, મારા સફેદ થયેલ વાળને તારા વહાલની ઝંખના હમેશ રહેશે..એ તું યાદ રાખીશને ? મારા ધૂજતા હાથ ને તારો સહારો મળી રહેશે ને ? તારા નાનકડા પગને હું ચાલતા શીખવાડીશ. બેટા, કયારેક ડગુમગુ થતાં મારાપગની તું ટેકણલાકડી બનીશ ને ? તને કયારેય વહાલની ખોટ નહીં લાગવા દઉ. બેટા, તારા વહાલની ઓછપ મને કયારેય નહીં સાલે ને ?

અને પરમ આસ્થાથી, શ્રધ્ધાથી સઘળી શંકાઓ, ભય, ને અવગણી તને આવકારવા મારું તન,મન ઝંખી રહ્યું છે. મારી અંદર મખમલી એહસાસ ઉગી રહ્યો છે. પુષ્પની સુવાસ છે,પંખીના ટહુકાર છે, મોજાનો ઘૂઘવાટ છે. ઇશ્વર પ્રત્યે અખૂટ આસ્થા છે. દસે દિશાઓથી મંગલ સૂરો ગૂંજી રહ્યા છે. મારા બાળ, તારા અવતરવાની વેળા આવી પહોંચી છે. પ્રતીક્ષાની પળો પૂરી થવાની તૈયારી છે. તન મનમાં તારા આગમનનો ભણકાર છે. અને દૂર દૂરથી રવીન્દ્ર સંગીતનો નવજાત શિશુને આવકારતો કોઇ સૂર મારા અંતરે ઊગી રહે છે.

” ઓ રે નવીન અતિથિ, તુમિ નૂતન કે તૂમિ ચિરંતન ?
યુગે યુગે કોથા તૂમિ છિલે સંગોપન ? “

મારી પાંપણો છલકાઇ જાય છે. હાથ જોડાય જાય છે. અને મારી બંધ આંખો સમક્ષ મારા અદીઠ શિશુની મનોહારી છબી જીવંત બની રહે છે. !

(” શબ્દસૃષ્ટિ ” મેગેઝિનમાં પ્રકાશિત લલિત નિબંધ… ફેબ્રુઆરી 2008 )

 

સંબંધસેતુ…2 February 4, 2008

Filed under: સંબંધસેતુ.. — nilam doshi @ 11:12 am

કોઇ મને ચાહે ને સમજે
માણસનો એક જ અભિલાષ;
માનવમાં માધવનો વાસ.

અને આ અભિલાષ જ માનવી