પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ડોહા કરડયા… January 31, 2008

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 8:26 am

નવ વાગી ગયા હતા. નવીનભાઇ વ્યગ્રતાથી આંટા મારી રહ્યા હતા. કદાચ આજે પણ ચા મળવાના કોઇ આસાર દેખાતા નહોતા. હવે તો આ જાણે રુટીન બની ગયું હતું. અઠવાડિયામાં બે વાર તો કોઇ ને કોઇ બહાના હેઠળ વહુ તેમની ચા ભૂલી જતી હતી. જોકે પોતે જાણતા હતા..કે હજુ સુધી મકાન દીકરાના નામે કર્યું નહોતું. તેની સજા ભોગવી રહ્યા હતા.આજે તો થોડો તાવ જેવું પણ હતું. ગરમ ગરમ ચા મળે તો થોડું સારું લાગે..પણ કહેવું કોને ? શરૂઆતમાં કયારેક કહેતા ત્યારે જવાબમાં જે શબ્દો સાંભળવા પડ્યા હતા..તે પછી મન મારીને ચા વિના ચલાવતા શીખી ગયા હતા…કે પછી કયારેક પૈસાની સગવડ હોય તો બહાર જઇને ચા ની લારી શોધી લેતા..પણ હવે તો હાથમાં પૈસા કશા બચ્યા નહોતા. એક યા બીજા કારણસર..પૈસાની જરૂર છે…એમ દીકરાની રજૂઆતને લીધે બધા પૈસા ઘરમાં વપરાઇ ગયા હતા. ત્યારે તો હજુ પ્રેમાળ પપ્પા હતા..ડોહા તો પછી બન્યા.

મકાન હજુ દીકરાને નામે નહોતું કર્યું. તેથી આ રોજની રામાયણ..મહાભારત જે કહો તે થતું રહેતું. ડોહાને હેરાન કરી તેને “ સીધા” કરવાના અવનવા ઉપાયો ચાલતા રહેતા. જેથી પોતે કંટાળી ને….! અને પોતાને ખરેખર કયારેક કંટાળીને ..થાકી ને મકાન દીકરાના નામે કરી દેવાની ઇચ્છા પણ થઇ આવતી હતી. એક જ પુત્ર હતો. અને મકાન થોડું સાથે બાંધી જવાના હતા ? પત્નીનો સાથ ચાર વરસ પહેલા છૂટી ગયો હતો..હવે કયો મોહ રાખવો ? પરંતુ મનમાં એક ડર હતો..કે પૈસા આપી દીધા પછી પપ્પામાંથી ડોહા બની ગયા હતા..તો મકાન આપી દીધા પછી ઘરમાંથી બેઘર તો નહીં બની જાય ને ? એ આશંકાને લીધે……પોતે અચકાતા હતા.. નવીનભાઇના મનમાં વિચારોના વંટૉળ ઉઠતા હતા. દિવસો કપાતા જતા હતા..જોકે હવે ધીરજ ખૂટવા આવી હતી…કયાં સુધી ? આખરે કયાં સુધી આ બધું સહન કરવાનું ? કયારેક ચા ન મળતી.કયારેક નાસ્તો ભૂલી જવાતો. જમવાના શોખીન નવીનભાઇ હવે તો જીભના સ્વાદ કયારના ભૂલી ગયા હતા.. જે મળે તે ચલાવી લેતા શીખી ગયા હતા. જમવામાં પણ હવે લીમીટેડ કવોટા..ફીક્ષ થાળી થઇ ગઇ હતી… કોને ફરીયાદ કરે ? પોતાનો રૂપિયો જ ખોટો હતો ત્યાં વહુની આશા કેમ રાખવી ? ઘેર ઘેર આજ કહાની છે ને ? દીકરાથી સંતોષ હોય એવા નશીબદાર કેટલા ? તો પણ લોકો દીકરાનો મોહ કેમ છોડી શકતા નથી ? નવીનભાઇ વિચારી રહ્યા..પોતે પણ રાખ્યો જ હતો ને ? અને હજુ સુધી કયાં છોડી શકયા હતા ? ખેર..! વિચારોથી થાકી નવીનભાઇ એ લંબાવ્યું..હમેશની માફક ઇશ્વરેચ્છા…! બોલી મન મનાવ્યું.

ત્યાં અચાનક ઘરમાંથી કૂતરાનો ભસવાનો અવાજ સંભળાતા તે તન્દ્રામાંથી બહાર આવ્યા. હમણાં ઘરમા એક કૂતરો..પોમેરિયન રાખવાનો શોખ વહુને થયો હતો. બહાર થી વહુનો અવાજ સંભળાતો હતો..’ આને દૂધ બ્રેડ હજુ આપ્યા નથી ? બિચારા મૂંગા પ્રાણી થોડા માગી શકવાના હતા ? તેનો સમય થાય એ આપણે જ યાદ રાખવાનું હોય.! વહુ ઘણું બોલતી હતી.

નવીનભાઇ ના મનમાં એક વિચાર ઝબકી ગયો..કાશ..! પોતે પણ……! ત્યાં પુત્રનો અવાજ સંભળાયો, ’ અને મીતા, આજે તેને દવાખાને લઇ જઇ રસી મૂકાવતા ભૂલી ન જતી. ભૂલથી કયાંક વળી કરડશે તો ? એવું જોખમ લેવાનું નહીં.
’પોતે આમ કરડી શકે ? તો તેની સંભાળ પણ…’ પરંતુ પોતે તો માણસ હતા…!!

બે દિવસ એમ જ પસાર થયા. ત્રીજે દિવસે સવારે નવીનભાઇને તૈયાર થઇ બહાર જતાં જોઇ વહુએ જોયા..પણ જયાં જાય ત્યાં મારે શું ? એમ વિચારી કશું પૂછવાની પરવા કરી નહીં. અને અઠવાડિયા પછી દીકરાને જાણ થઇ કે ડોહા એ મકાન વેચી નાખ્યું છે..અને એમાંથી પૈસા “શાંતિધામ” માં ભરી દીધા છે. જયાં તેના જેવા અનાથોને શાંતિથી ,સારી રીતે..બધી સગવડ સાથે રહેવા મળે છે.

ડોહામાં કરડવાની હિમત કયાંથી આવી તે દીકરા,વહુને સમજાયું નહીં.

 

આજની ખાટી મીઠી.. January 31, 2008

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:12 am

જયાં મગજ સાવ ખાલી હોય ત્યાં ખરાબ વિચારોને ઘૂસી જવા માટે બહું મોકળુ મેદાન મળી રહે છે.

 

એક મોજુ… January 28, 2008

ઉછળકૂદ કરતું
એક મોજુ
તાણી ગયું…
રેતી પર લખેલ
એક નામ..
અને….
અસ્તિત્વ એક મિટાવ્યાનો
ઉછળે એને વહેમ!!!

 

આજની ખાટી મીઠી.. January 28, 2008

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 12:18 pm

‘આગ આગ ‘ શબ્દ કાને પડે કે ઘર ખાલી થઇ જાય. ..’સેલ સેલ’ શબ્દ કાને પડે ત્યારે ઘર ભરાઇ જાય.!

 

ગમતી પંકિતઓ… January 6, 2008

સપરમી કોઇ ક્ષણ ઝાલીને મહેફિલથી ઉઠી જશું
પછી તમ ગાલ પર થીજેલ પશ્તાપમા મળશું

પછી ભીંત પર ફોટા ટાંગ્યા કરે,
વચન કૈકેયી તો ય રોજ માગ્યા કરે છે.

વિભિષણ ને લંકાપતિ બનતા જોઇ
હવે કુંભકર્ણો જાગ્યા કરે છે.

ફરી સાંજ પડશે ને ઝાલર રણકશે,

ફરી પથ્થરોને નમન થઇ રહેશે.

વાયરા ઊના ને ભીંજવતો વિસામો આપજે,
જાત સાથે પણ લડુ એવો તકાજો આપજે

જિંદગીના ભલે અઘરા સવાલો આપજે
પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે

અશ્વિન ચંદારાણા.

 

આજની ખાટી મીઠી.. January 4, 2008

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:19 am

જે રમૂજો આપણે હેતુપૂર્વક કરતાં હોઇએ છીએ, તેવી રમૂજો રાજકારણીઓથી અનાયાસે થઇ જતી હોય છે.

 

ગમતી પંકિતઓ…. January 3, 2008

Filed under: કાવ્યસંગીત, ગમતાનો ગુલાલ — nilam doshi @ 10:05 am

રૂડા કલ્પન રૂપકમાં ખોખલી હર એક વાતો છે,
મનુભાઇના સમયથી એ જ અહીં યા નાતજાતો છે.

મળે જો પ્રેમભાવે તો અમારે ચાખવા તાન્દુલ,
નહીં તો ઠોકરે આ ખલ્કની સારી મિરાતો છે.

સમયને કયાં સમય છે કે ઉભો રહીને સમય જુએ
એ દોડયો જાય છે પાછળ કરગરતી જમાતો છે.

તણખલે તણખલે સજાવીને માળો
વિખાતા રહ્યા જે ઉભા’તા અડોઅડ

તમે છો ને હું છું ને અવઢવ હૂંફાળી
સમી સાંજે દીવડી મૂકી છે ઝરૂખે

મથાળુ બની ને છપાવુ અલગ છે
સુગંધે સુગંધે છવાવું અલગ છે.

મીનાક્ષી ચંદારાણા..

 

આજની ખાટી મીઠી.. January 1, 2008

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:15 am

આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!