પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

શૈશવની માવજત…2 December 31, 2007

“ દરેક નવજાત શિશુનું આગમન દર્શાવે છે કે ઇશ્વરને હજુ માનવજાતમાંથી શ્રધ્ધા સાવ ઉઠી નથી ગઇ..”

ચોથા ધોરણમાં ભણતો યશ ન જાણે કેમ અચાનક મૌન બની ગયો હતો. તેની સહજ ચંચળતા,. મસ્તી મજાક, આનંદ ઉત્સાહ ન જાણે કયાં ગૂમ થઇ ગયા હતા. તે ગૂમસૂમ બની ગયો હતો. તેની ઉંમરને ન છાજે તેવો મૌન તે કેમ બની ગયો હતો ?

આજે યુગ્મા બહારથી ઘરમાં આવતી હતી.. ત્યાં તેને કાને અચાનક પુત્રનો અવાજ સંભળાતા તે બહાર જ ઉભી રહી ગઇ. યશ કોની સાથે વાતો કરતો હતો ? તેણે ધીમેથી અંદર ડોકિયુ કર્યું. ઓહ..! આ તો યશનો ખાસ મિત્ર અંશ આવ્યો હતો. યશ શું વાત કરે છે..તે જાણવા યુગ્મા છાનીમાની ત્યાં જ ઉભી રહી .

યશ ઉશ્કેરાટથી અંશને કહેતો હતો, ‘ આ બધી ચોપડીઓ ફાડી નાખવી જોઇએ. બધી નકામી છે. બધું ખોટું ખોટું લખેલ છે. ! અંશને કંઇ સમજ ન પડવાથી તેણે પૂછયું, ’ કેમ શું ખોટું લખ્યું છે ? ‘
‘ અરે, બધું જ..! રોજ આપણે પાકું કરીએ કે સાચું બોલવું જોઇએ…ઘરમાં મમ્મી..પપ્પા પણ કહે કે સાચું બોલો…અને પછી…પછી સાચું બોલીએ ત્યારે શું થાય ખબર છે ? ” ’ શું થાય ? ‘ અંશે પૂછયું, અને જવાબમાં યશ તેની વ્યથા ઠાલવી રહ્યો..અને ….અને યુગ્માને થોડા સમય પહેલાનો એ પ્રસંગ મન:ચક્ષુ સમક્ષ તરવરી રહ્યો.

તે દિવસે યુગ્માની બહેનપણી રુદ્રા આવી હતી. યુગ્માને રુદ્રા કયારેય ન ગમે. તેની વાતો હમેશાં તેને ખૂંચે. શ્રીમંતાઇની છાંટ અનાયાસે તેની વાતોમાં ડૉકિયા કરે..અને યુગ્માને એ ચિબાવલી જ લાગે અને હમેશા ઘરમાં તે એને ચીબાવલી જ કહેતી. પણ શ્રીમંત હોવાને લીધે તે કંઇ બોલી નહોતી શકતી. અને મોઢે તો મસકા જ મારતી રહેતી. કેમકે હમેશા કલબમાં જવા તેની ગાડી જ તેને લેવા આવતી. અને રુદ્રા ની બહેનપણી હોવાને નાતે પોતાને બીજા પણ ઘણાં લાભો મળતા. જે જતા કરવા તેને પોષાય તેમ નહોતા.

એક દિવસ સવારે તે ફોનમાં કોઇ સાથે રુદ્રા ની જ વાતો કરતી હતી..તે કેવી ચાંપલી છે..ને કેવી દંભી છે..વિગેરે..વિગેરે….અને યશ ત્યાં જ બેઠો બેઠો રમતો હતો.
અને તે દિવસે સાંજે અચાનક રુદ્રા તેને ઘેર આવી હતી..યુગ્મા તેને મીઠો આવકાર આપી મસકા મારી રહી. ત્યાં રુદ્રાએ યશને કહ્યું, ‘ બેટા, લે આ ચોકલેટ..’ કહી તેણે પર્સમાંથી કેડબરી કાઢી..યશને આપવા હાથ લંબાવ્યો. પણ ત્યાં અચાનક યશ ન જાણે કેમ બોલી ઉઠયો, ‘ ના, તમે તો કેવા ચીબાવલા છો..! મારી મમ્મી ને જરાયે નથી ગમતા…! મારે તમારી ચોકલેટ નથી જોઇતી……’ અને યશે મોં ફૂલાવ્યું.

રુદ્રા….એ ગુસ્સાથી યુગ્મા સામે જોયું. યુગ્માએ અચાનક ઉભા થઇ યશને એક જોરદાર થપ્પડ મારી, ’ અત્યારથી આવું ખોટું..ગમે તેમ બોલતા શીખી ગયો છે ? આન્ટી ને ગમે તેમ કહે છે ? આવું કોની પાસેથી શીખ્યો ? ચાલ, આંટીને સોરી કહે…’ યશ કંઇક બોલવા જતો હતો..પણ મમ્મી સામે નજર પડતાં તે ચૂપ થઇ ગયો…અને સોરી કહી અંદર ચાલ્યો ગયો. બસ…અને ત્યારથી…યશ મૌન હતો….!

યશ મિત્રને આ વાત કહેતો રહ્યો અને યુગ્માની નજર સામે આખું દ્રશ્ય તરવરી રહ્યું..

આવા અગણિત યશ અને યુગ્મા સમાજમાં હોય છે. વાણી અને વર્તનમાં ફરક હોય ત્યારે સંવેદનશીલ, અણસમજુ બાળક મનમાં ને મનમાં કેવા મૂંઝાતા હોય છે તેનો માતા પિતાને ખ્યાલ હોય છે ખરો ? તમારા ઘરમાં આવો કોઇ યશ તો નથી ને ? તમે આ યુગ્મા તો નથી ને ?

બાળકને માત્ર સારા શબ્દો કહેવા..સારી શિખામણો આપવી તેનો કોઇ અર્થ નથી. કયા મા બાપ બાળકને ખરાબ વાતો કહેતા હોય છે ? અને છતાં… આપણે માનીએ છીએ કે બાળકને શું ખબર પડે ? પણ આપણે માનીએ છીએ તેટલું અબૂધ તે કયારેય હોતું નથી. અરે, નવજાત બાળક પણ સ્પર્શની ભાષા ઓળખે છે. સાચા સંસ્કાર બાળકને વર્તનથી મળે છે. બાળક મોટાઓ કહે તેમ નહીં…. પરંતુ તેઓ કરે તેમ વર્તે છે. તો આપણી ફરજ શું છે ?

બાળક માટે માતા પિતાના વર્તન જેવું અસરકારક ઉદાહરણ બીજું કોઇ નથી. આદર્શ બાળક જોતું હશે તો પહેલા આદર્શ માતા પિતા બનવું જ રહ્યું.

 

આજની ખાટી મીઠી.. December 28, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:39 pm

જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.

 

આજની ખાટી મીઠી… December 27, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:16 pm

સત્ય આગળ માનવી બરફ જેવો છે. અને જૂઠાણા આગળ અગ્નિ જેવો.!

 

એક સાસુની ડાયરી..6 December 27, 2007

અન્યના અનુભવમાંથી શીખીશું ?

તારો સાથ ને
મારી સમજણ
વિસ્તરતી ક્ષિતિજો…

બેટા, તારા કુમકુમ પગલાની છાપ હજુ આંગણામાં ને અંતરમાં અકબંધ છે. લગ્નની શરણાઇ ગૂંજવાને તો હજુ એક વરસનો સમય બાકી છે. પ્રતીક્ષાનો, વિરહનો લાંબો પંથ કાપવાનો બાકી છે.

અહીં ઘરમાં વહુરાણીના ઝાંઝરનો મીઠો રણકાર સાંભળવાની પ્રતીક્ષા માં દિવસો દોડતા રહે છે. બેટા, સમયની ગતિ બહુ ધીમી લાગે છે ને ? પણ એનો સીધો સંબંધ માનવીના મન સાથે છે. બાકી સમય તો બધાથી અલિપ્ત..બધાથી બેખબર, અને છતાં બધા સાથે સંકળાઇને રેતીની જેમ સરકતો રહે છે.

બેટા જૂઇ, આવનાર દિવસોમાં આપણે કયાં..કયારે..કેટલું..કેવી રીતે સાથે રહીશું..તેની આ પળે તો કંઇ જ ખબર નથી. તારા મીઠા શબ્દો આજે તો મનને ભીંજવતા રહે છે. વાણી અને વર્તનનો સુમેળ જીવનમાં સધાય તો જીવન સ્વર્ગ સમાન બની રહે. અને મને તારામાં વિશ્વાસ છે ..મારામાં શ્રધ્ધા છે અને આપણામાં આસ્થા છે ! શ્રધ્ધા, વિશ્વાસ અને આસ્થા દિલની મંગલ ભાવનાના પ્રતીક છે. જેમાં કયાંય કોઇ કચાશ, ઓછપ ન રહે એ પ્રાર્થના અંતરમાં થી સરતી રહે છે. કોઇ કહે છે. ’ અત્યારથી હરખાઇ ન જાવ..એ તો નીવડે વખાણ…અત્યારે તો બધા સારા જ દેખાય. એ તો હમેશ સાથે રહો તો..અને ત્યારે જ સાચી જાણ થાય….’ કહેવાવાળાને કોઇ રોકી શકયું છે ? મને કોઇ અસર નથી થતી. મનમાં કોઇ આશંકા હું રાખવા નથી માગતી. કોઇ પૂર્વગ્રહની દીવાલો વિના મારી વહુને મારે દિલથી અમારા ઘરમાં આવકારવી છે. એવું મારી જાતને હું કહેતી રહું છું. સાસુ વહુના સંબંધો વિશે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે, જોયું છે. પરંતુ જાતે અનુભવ્યું નથી. સ્વામી વિવેકાનંદે કહેલ એક વાકય મનમાં ડોકિયુ કરી જાય છે. દુનિયામાં ત્રણ પ્રકારના માણસો હોય છે.

1..) જે પોતાને જાતે અનુભવ થાય ત્યારે જ શીખે.
2 ) જે બીજાના અનુભવમાંથી શીખે

3 ) જે પોતાના કે બીજા કોઇના અનુભવમાંથી શીખે જ નહીં.
હકીકતે જે બીજાના અનુભવમાંથી શીખીને અમલ કરી શકે તે જ સાચો માણસ.
દરેક અનુભવ જીવનમાં જાતે થવા જરૂરી નથી.

આપણી બાજુમાં રહેતા આશા બહેન અને તેની વહુ અનિતા લગભગ રોજ આપણે ઘેર આવીને પોતપોતાના મનનો ઉભરો ઠાલવતા રહે છે. બંનેની વાત મારે સાંભળવી પડે છે. સાંભળી ને હું સમજતી રહું છું. અને મારી સમજ મુજબ તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરતી રહું છું. બંને વચ્ચે નું અંતર કેમ ઘટે.. બંને એકબીજાની કેમ નજીક આવે તે માટે બનતી કોશિશ કરતી રહું છું. બીજાઓના પણ આવા તો કેટલાયે અનુભવો આસપાસમાંથી…સમાજમાંથી કાને અથડાતા રહે છે. અને હું તો ખાસ ધ્યાન દઇને એ સાંભળું છું.સમજવાનો પ્રયત્ન કરતી રહું છું. એમાંથી નીરક્ષીર તારવતી રહું છું. કેમકે મારે બીજાના અનુભવમાંથી શીખવું છે, ઘડાવું છે. વહુ શું વિચારે છે અને સાસુ શું વિચારે છે તે બંને વાત સાંભળી બંનેની દ્રષ્ટિ સમજવાનો પ્રયત્ન ખુલ્લી આંખે કરતી રહું છું. કોઇ અનુભવ જીવનમાં કયારેય નકામો જતો નથી.

ત્યારે મને વિચાર આવે છે..આ બધા અનુભવો હું મારી ડાયરીના પાનાઓમાં ટાંકતી રહું.. કયારેક તેમાંથી કંઇક હાર્દ પકડવાનો પ્રયત્ન કરી રહીશ. કયારેક કોઇ અનુભવ મારે માટે જીવનપાથેય બની રહે એવી શકયતા નકારી કેમ શકાય ? ભાવિની ભીતરમાં શું છૂપાયેલું છે તે કોણ કહી શકે ?

જો કે દરેકના અનુભવો જુદા, સંજોગો જુદા, સ્વભાવ જુદા..છતાં મને લાગે છે.દરેકનો મુખ્ય સૂર તો એક જ છે.

“ મને કોઇ સમજતું નથી..મારા માટે કોઇ ને લાગણી નથી.. “

વહુને લાગે છે દીકરો મા નો પક્ષ જ લે છે. અને મા ને લાગે છે દીકરો વહુનો થઇ ગયો છે. અને પરિણામ….?

પ્રેમ અને આનંદ મેળવવાની માણસની મૂળભૂત ઝંખના છે. એના વિના જીવન અપૂર્ણ છે. આજે સંયુકત કુટુંબો ઘણાં કારણો ને લીધે ઓછા થતાં જાય છે. વિભકત કુટુંબોના પ્રશ્નો વધતા જાય છે. મૂળે માનવી સામાજિક પ્રાણી છે. એ એકલો રહી નથી શકતો ને સારી રીતે સાથે રહેતાં એને આવડતું નથી. એકલતા એને પીડે છે. અને એકાંત માણવું એને અઘરું લાગે છે.કોઇ પણ તહેવાર ,ઉત્સવ આવે એટલે એ કોઇની કંપની..કોઇ નો સાથ ઝંખે છે. સગાવહાલાઓ ન મળે તો એ મિત્રોમાં ફરતો રહે છે. દુ;ખ કે આનંદ..દરેક પ્રસંગે એને કોઇનો સાથ જોઇએ છે.

” એકલ ફરવું , એકલ રમવું,
એકલ વિચરવું, કરમ કદી ન લખીશ..”

આવું કયાંક વાંચેલ…કેટલું સાચું છે. !
સાંપ્રત સમયમાં આપણે ઘણાં પાસેથી સાંભળીએ છીએ..’સગા કરતાં તો મિત્રો સારા..કોઇ ટેન્સન નહીં..સાચું ખોટું લાગવાનો કોઇ પ્રશ્ન નહીં..સંબંધનો કોઇ ભાર નહીં..”

આંશિક રીતે આ વાત સાચી પણ લાગે છે. છતાં કયારેક એક પ્રશ્ન જરૂર જાગે છે. મિત્રતા સાચવવા..જાળવી રાખવા આપણે જે ધ્યાન રાખીએ છીએ,પ્રયત્નો કરીએ છીએ. તેટલા પ્રયત્નો સગાસ્નેહીઓને જાળવી રાખવા કરીએ છીએ ખરા ? કોઇ પૂર્વગ્રહની ગ્રંથિ… એકાદ કટુ અનુભવ, કોઇના બે કડવા શબ્દો.નો ભાર આપણે જીવનભર વહ્યા કરીએ છીએ તેવું નથી લાગતું ? જેટલું મિત્રોમાં let go..કરીએ છીએ..તેટલું સગાઓમાં કરીએ છીએ ખરા ? જવાબની કોઇ અપેક્ષા નથી..દરેકનો જવાબ અલગ જ હોય. આ તો ફકત એક વિચાર છે.સર્વગુણસંપન્ન આ દુનિયામાં કોણ છે ?

કહેવાનો મતલબ એટલો જ કે દરેક સંબંધને નિભાવતા શીખવું પડે છે. સંબંધને માંજીમાંજી ને ચળકાવતા રહેવું પડે છે. વધુ નહીં તો થોડો સ્વાર્થ જતો કરવો પડે છે. સમાધાન કરતા રહેવું પડે છે. એક આંખ મીંચેલી રાખવી પડે છે…ત્યારે સંબંધો જાળવી શકાય છે.
કોઇ પણ સંબંધ માટે આ સનાતન સત્ય છે. ફકત સાસુ વહુ જ નહીં..પતિ પત્ની, માતા પુત્ર, ભાઇ બહેન..કે મિત્રો… !

હા, ઘણીવાર કોઇ સંબંધોનું સાચું સૌન્દર્ય પ્રગટતું હોય છે. અને જીવન મઘમઘી ઉઠે છે. એવા નશીબદારની સંખ્યા જોકે બહું ઓછી હોય છે. એક્વાર જો સંબંધોનું સૌન્દર્ય ખીલી શકે તો જીવન સુરભિત બની જાય. બેટા, આપણે સંબંધોના એ સૌન્દર્ય ને એક ઉંચાઇએ પહોંચાડવા સદા જાગૃત રહીશું ? અન્યના અનુભવમાંથી આપણે કંઇ શીખીશું ?

આપણે કોઇ ના પગલે ચાલવાને બદલે આપણી અલગ કેડી બનાવીશું ? સાસુ કે વહુ માટે પ્રેરણારૂપ પ્રેરણારૂપ બનીશું ?
હજુ તો મન વિચારોના ચગડોળે ઝૂલી રહ્યું હતું ત્યાં બાજુના ઘરમાંથી આશાબહેનનો મોટો અવાજ મારા કાને અથડાઇ રહ્યો.

“ અરે,અનિતા, હજુ મારા ઠાકોરજી માટે ભોગ તૈયાર નથી કર્યો ? મારા લાલાને ભૂખ્યો રાખવાનો છે ? ભગવાનનું કામ પણ સમયસર નથી થતું. ને ફૂલ, તુલસીની માળા બનાવી કે નહીં ? કે હજુ એનું પણ ઠેકાણું નથી ? અને આ ભગવાનના વાસણો પાછા કામવાળી ને સાફ કરવા ન આપી દેતી.! એ તો જાતે જ કરવા જોઇએ. ગમે તેનાથી એ વાસણ ને ન અડાય. અને લાલાના દૂધમાં સૂકો મેવો ને સાકર જરા સરખા નાખજે. કાલે સાવ ઓછા હતા. ઠાકોરજીના કામમાં જરાયે વેઠ કેમ ચલાવી લેવાય ?

અને સૂચનાઓનો વરસાદ વરસાવી આશાબહેન એકલાં એકલાં બોલતા રહ્યા. આજ કાલની વહુઓમાં કંઇ વેતા જ ન મળે ને ! ભગવાનનું કામ કરવામાં પણ આળસ..એટલું પણ સમયસર ન થઇ શકે ? આ તો હું છું તે ચાલે છે. બાકી મારી સાસુ જેવી સાસુ મળી હોત ને તો ખબર પડત ! અમારાથી જરાક મોડું થાય કે કોઇ ભૂલ ચુક થાય તો સાસુજી નો પારો સાતમે આસમાને જ હોય. બાકી આજકાલ તો હવે વહુ ને કંઇ કહેવાય છે જ કયાં ? જરાક કહ્યું નથી ને મોઢું બગડયું નથી..છોકરાઓ તો અમારે યે કયાં નહોતા ? આ તો જાણે નવી નવાઇના..!

જેવા નશીબ…બીજું શું ? મારે તો ચલાવવું જ રહ્યું ને બધું. આપણે તો રામ રાખીએ એમ રહીએ..મને તો જરાયે કચકચ કરવી ગમે જ નહીં ને..! એને ફાવે એમ કરે..મારે તો હું ભલી ને મારી માળા…મને તો બે ટાઇમ જમવા મળી જાય..એટલે બસ..માથું મારવું જ નહીં ને શેમાં યે…
હવે થોડું આપણું રાજ છે ? “
અને અનિતાની વાત..તેનો ઉભરો કાલે સાંભળવા મળશે જ. એની ખાતરી છે.

હું મૌન…તેમની આ રોજની રામાયણથી આમ તો આસપાસના સૌ પરિચિત છીએ.પરંતુ આજ સુધી મને કયારેય બહું સ્પર્શતું નહીં. હું કયાં સાસુ હતી ? કે મારે કયાં વહુ હતી ? પણ આજે..રેલો પગ નીચે આવવાનો સમય આવી ગયો હતો…હું તેમાંથી પાર ઉતરીશ ને ?
આજે આ લખતા લખતા મનમાં આ આશંકા શા માટે ? ના,ના, કોઇ પૂર્વગ્રહ વિના સંપૂર્ણ શ્રધ્ધાથી હું મારી વહુને આવકારીશ.

 

શૈશવની માવજત…1 December 23, 2007

સ્વામી વિવેકાનંદે એક જગ્યાએ સરસ વાત કહી છે. “ બાળક એ કંઇ કોઇ પટારો નથી. કે તેને ગમે તેમ ભરી દઇએ…એ તો એક જયોત છે….એક મશાલ છે, જેને ધીમે ધીમે પ્રગટાવવાની છે..તો જ એ સ્વયં પણ પ્રકાશી શકે અને અન્યને પણ પ્રકાશ આપી શકે. “

કેટલી સાચી વાત બહું ઓછા શબ્દોમાં કહેવાઇ છે.!

આજે સાત વરસના બે મિત્રો..અપૂર્વ, અને લયની થોડી વાત સાંભળીશું ? બંને ઉચ્ચ મધ્યમ વર્ગના બાળકો છે.
લય તેના મિત્રને કહેતો હતો, ‘ અપૂર્વ, તું બરાબર પાંચ વાગ્યે મારે ઘેર આવજે.’ અપૂર્વ કહે,’ કેમ પાંચ વાગ્યે ? ‘
‘ અરે, યાર..મારી મમ્મી પાંચ વાગ્યા પહેલાં બહાર જતી જ નથી. એ ઘરમાં હોય તો જરાયે મજા ન આવે. ‘ લયે જવાબ આપ્યો. ’હા, તારી વાત તો સાચી છે. મારી મમ્મી તો પોતે આખો દિવસ બસ પોતાની બહેનપણીઓ સાથે ફોનમાં વાતો કરતી હોય.. કે ટી.વી.જોતી હોય.. પરંતુ જો હું કંઇ પૂછું તો તરત કહે,’ એ બધી તને ખબર ન પડે..મારું માથુ ન ખા. કાલે ટીચરને પૂછી લેજે. આ બે ટયુશન તો રાખી દીધા છે. ‘
બંને બાળકોની વાત તો લાંબી ચાલી. પણ એના પરથી એટલું તો ચોક્કસ સાબિત થતું હતું કે બંને બાળકોને પોતાની મમ્મી માટે કોઇ ઉંચો અભિપ્રાય તો નહોતો જ.

આ કંઇ કોઇ એક અપૂર્વ કે કોઇ એક લયની વાત નથી. આ તમારા બાળકો પણ હોઇ શકે.
તમારા બાળકો તમારી ગેરહાજરીમાં તમારા વિશે શું વાત કરે છે તે તમે જાણો છો ?

ન જાણતા હો તો જાણવાનો પ્રયત્ન જરૂર કરશો.એ જ એક માતા તરીકે તમારી સફળતાનો માપદંડ છે. તમારું બાળક તમારે માટે કેવો અભિપ્રાય ધરાવે છે..એ જો જાણશો તો બની શકે કયારેક તમે ચોંકી ઉઠો…કેમકે એ તદન પ્રામાણિક અને નિખાલસ અભિપ્રાય હશે…બની શકે એ સાંભળ્યા પછી તમને તમારી જાતનું નિરીક્ષણ કરવાની જરૂર લાગે. બાળક તમારી સમક્ષ સાચો આયનો ધરશે. અને આયનો કયારેય ખોટું નથી બોલતો..તે આપણે સૌ જાણીએ છીએ.

બાળક કંઇ તમારા ઘરમાં આપમેળે…અચાનક આવી ચડેલ વણજોઇતું અતિથિ નથી, તમે પૂરા દિલથી તેને આવકાર્યું છે.

તમે સાધન સંપતિ તમારી આર્થિક શક્તિ મુજબ આપો..એ બરાબર છે. પણ તમારા સમય પર સૌ પ્રથમ એ શિશુનો હક્ક છે તેવું નથી લાગતું ?

દરેક મા બાપ પોતાના બાળકને આપી શકે તેવી સૌથી કીમતી ગીફટ હોય તો તે છે સમય. આપી શકશો તમારા બાળકને એ અમૂલ્ય ગીફટ ? પછી જુઓ..તમારું સંતાન કેટલું હસી ઉઠે છે..ફૂલની જેમ ખીલી ઉઠે છે. અને એની મહેકથી તમે મઘમઘ થશો જ. એના ખિલખિલ હાસ્યમાં એક વાર સામેલ થઇ તો જુઓ. જિંદગી હસી ઉઠશે. એની આખોમાં અંજાયેલ વિસ્મયને ઓળખી તેની અજાયબ દુનિયામાં પ્રવેશો અને જુઓ….તમારી દુનિયા ઝગમગી રહેશે.

કોઇ પણ શિશુ તેના પાંચ વરસમાં જેટલું શીખી શકે છે તેટલું પછી કયારેય શીખી શકતું નથી. તેવું વિજ્ઞાને સાબિત કર્યું છે. એ પ્રથમ પાંચ વરસમાં જે બીજ વવાય છે..તેના પર જ ભવિષ્ય ની ઇમારત ચણાય છે. એ પાયો જ શું આપણે નબળો રહેવા દેશું ?

અને આ બધું કેવી રીતે કરવું ? જો અમલ કરવાની તૈયારી હોય તો જવાબ કંઇ બહુ અઘરો નથી. અને ઘણાં જવાબ આપવા અમે પણ આજથી આપ સૌની સાથે છીએ..જવાબ જાણીશું ને ?

હા, એનો અમલ કરવાનો તમારે..તમારા બાળકને તમે એ અણમોલ ગીફટ આપવા ઇચ્છો છો ? તમે વધુ માં વધુ કેટલો સમય તમારા સંતાન માટે ફાળવી શકો તેમ છો ?

થોડું ટાઇમ મેનેજમેન્ટ કરીશું તો તમને પણ કદાચ આશ્ર્વર્ય થશે…ઓહ..! આટલો સમય હતો મારી પાસે ? ઘણીવાર એવું બને છે..કે આપણી યે જાણ બહાર આપણો કીમતી સમય કયાં કેવી રીતે વેડફાઇ જાય છે..તેની આપણને જાણ સુધ્ધાં નથી થતી. આપણે ઘણું બચાવવાનો પ્રયત્ન કરતા હોઇએ છીએ..પણ સૌથી અગત્યની વસ્તુ..સમય બચાવવાની વાતને વીસરી જઇએ છીએ..એ કેમ ચાલે ?

હા, એ પછી બીજું સ્ટેપ…

એ ગીફટ ગમે તેમ આપી દેવાની નથી. એ કઇ રીતે આપવી…એ પણ જાણીશું અને માણીશું આપ સૌ સાથે..અહીં જ. આ પાનાઓ પર શબ્દોના સથવારે.

અંતે… આજની એક ટીપ :

” તમારું બાળક તમને માન આપે તેવું ઇચ્છતા હો તો…દર ક્ષણે તમે એક માનયોગ્ય વ્યક્તિ બની રહો..”

 

આજની ખાટી મીઠી.. December 23, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:21 pm

માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!

 

આમ્રપાલી.. December 16, 2007

નખશિખ સૌન્દર્ય બની ગયું,
એનો અભિશાપ..
એ નગરવધૂ જ બની શકે
કૂળવધૂ નહીં…
રાજ્ય આખાનું મનોરંજન કરી શકે..
પોતાનું નહીં!
લોકો પોતાનો થાક ઉતારવા..
ગમ ભૂલાવવા…
એના સપ્તભૂમિપ્રાસાદે પધારે..
આમ્રપાલી એનો ગમ
કયાં જઇને ભૂલાવે?
એનું અંતર કયાં જઇને ખોલે?
એના સૌન્દર્યનો થાક કયાં ઉતારે?

 

આજની ખાટી મીઠી.. December 16, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:03 pm

આળસુ માણસને જો સૌથી ઝડપથી કંઇ સાંપડતું હોય તો તે છે થાક…

 

આજની ખાટી મીઠી… December 14, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 10:19 pm

પ્રેમિકા અને પત્ની નો તફાવત…: પ્રેમિકા રોમેન્ટીક લાગે છે.પત્ની નું રોમરોમ એન્ટીક લાગે છે.!

 

આજની ખાટી મીઠી… December 13, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:14 am

માત્ર મરેલાઓ અને મૂરખાઓ પોતાના મંતવ્યો કદી બદલતા નથી.