પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

સોનુ…બાલવાર્તા… November 22, 2007

સોનુ ઘરમાં બધાનો લાડલો ને ચાગલો.ઘરમાં બધું સોનુ ને ભાવતું જ બને.અને સોનુભાઇની દાદાગીરી કંઇ ઓછી હતી?આમ બધી રીતે ડાહ્યા સોનુ ને જમવામાં અમુક જ વસ્તુઓ જોઇએ..અને તેને ભાવે..ને ન ભાવે તેનું લીસ્ટ બહું મોટું હતું. ને તો યે જમવામાં તેના નખરા ઉભા જ હોય!!તેની મમ્મી રોજ સોનુ માટે જુદુ..તેને ભાવે તેવું જ બનાવતી હતી.તેથી સોનુભાઇને વાંધો નહોતો આવતો.

પણ..એક વખત વેકેશનમાં સોનુ તેના કાકી ને ઘેર ગયો.કાકા,કાકી ખૂબ પ્રેમાળ હતા…સોનુ ને તો મજા આવી.સાંજે બધા સાથે જમવા બેઠા.ને બધાની થાળીઓ પીરસાણી એટલે સોનુએ તો પોતાના ઘરની આદત મુજબ પૂછ્યું,

”કાકી,મારે માટે શું બનાવ્યું છે?”

કેમકે તેના ઘરમાં તો બધા માટે જે બને તે પણ સોનુ ને ભાવતી વસ્તુ તો તેની મમ્મીએ જુદી બનાવી જ હોય! એટલે તેણે તો અહીં પણ પૂછયું.

કાકી કહે,”આ બધું તારા માટે અને આપણા બધા માટે જ છે.જે બધા ખાય તે તારે પણ ખાવાનું.” સોનુ ને તો જરાયે મજા ન આવી.રીંગણનું શાક?

સોનુ કંઇ રીંગણનું શાક ખાતો હશે?અને સાથે કંઇ ભજિયા,ઢોકળા..કે કંઇ ફરસાણ પણ નહોતું…!!! સોનુ શું જમે?દાળ,ભાત,શાક,રોટલી….બસ?પીઝા નહીં… મેગી કે નુડલ્સ નહીં..ભેળ કે પાણીપૂરી નહીં….!! ઘેર તો મમ્મી પોતા માટે રોજ એવું કંઇક જુદુ બનાવતી!!પણ કાકાને ઘેર તે કંઇ બોલી ન શકયો.તે સાવ જરાક ખાઇને ઉઠી ગયો.તેના કાકા બધું સમજી ગયા.તેમણે સોનુ ને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો.પણ..સોનુભાઇને સમજવાનો કોઇ મુડ નહોતો.તે તો અડધો ભુખ્યો જ સૂઇ ગયો.અને નક્કી કરી લીધું કે પોતે કાલે જ પાછો મમ્મી પાસે ચાલ્યો જશે.અહીં મજા તો આવે છે..પણ કાકી કંઇ પોતાના માટે જુદુ જમવાનું બનાવે તેમ લાગતા નથી!!!

બીજે દિવસે સોનુ ને તો નાસ્તામાં યે મજા ન આવી.ખાખરા,થેપલા અને બટેટાપૌઆકે ઉપમા અને એવું બધું સોનુભાઇ ને તો ભાવતું જ નહોતું.અને અહીં તો વેફર,ચેવડો કે કુરકુરે કે એવું કંઇ જ નહોતું.હવે તો તેણે પાછું ઘેર જવાનું પાક્કુ જ કરી નાખ્યું.કે રાત્રે કાકા આવશે એટલે કહી દેશે કે મને ઘેર મૂકી જાવ. ત્યાં થોડીવાર પછી..કાકીએ તેને બોલાવ્યો.અને કહ્યું કે ચાલ,સોનુ બેટા,આપણે બહાર જઇએ.

સોનુ ને કાકી ગયા.કાકી એ તો ઘેરથી થેલામાં ઘણું બધુ ખાવાનું પણ સાથે લીધું હતું.સોનુ ને સમજાયું નહીં કે કાકીએ આવડો થેલો ભરીને આ બધું શું કામ સાથે લીધું છે?

પણ તેણે કંઇ પૂછયું નહીં. કાકી તો તેને લઇને દૂર દૂર ગયા.ત્યાં એક ચાલી જેવી ઝૂંપડપટ્ટી આવી.કાકીએ તો ગાડી ત્યાં ઉભી રખાવી.સોનુ ને થયું કે ફરવા જવાને બદલે કાકી આવી ગન્દી જગ્યાએ કેમ આવ્યા?તો યે તે કંઇ બોલ્યો નહીં.

ત્યાં તો જેવી ગાડી ઉભી રહી ..અને કાકી બહાર નીકળ્યા કે કેટલા બધા નાનકડા છોકરા..છોકરીઓ કાકી ને વીંટળાઇ વળ્યા.બધા કાકીને ઓળખતા હતા.એમાં કેટલાક તો સોનુ જેવડા જ હતા.તો કેટલાક સોનુથી યે નાના હતા.સોનુ તો તેમને જોઇ જ રહ્યો.નહોતા કોઇના કપડાના ઠેકાણા…કેટલાક તો અડધા ઉઘાડા જેવા હતા.

કાકીએ તો તેના થેલામાંથી બિસ્કીટના પેકેટ..અને ડબ્બામાંથી બટેટાપૌવા…જે પોતે ઘરેથી બનાવી ને લાવ્યા હતા…તે અને ખાખરા બધું કાઢયું.અને સાથે લાવેલી પેપર પ્લેટ માં બધાને આપવા માંડયું. બધા ખુશખુશાલ થઇ ને ખાવા માંડયા.સોનુ તો જોઇ જ રહ્યો.હવે તેનાથી રહેવાયું નહીં એટલે તેણે કાકી ને પૂછયું,

”આ બધું શું છે?અને આ બધા કોણ છે?” કાકીએ જવાબ આપ્યો,”બેટા,કોણ છે..તે તો મને યે પૂરી ખબર નથી.પણ..બેટા,બધા તારા જેવા નશીબદાર નથી હોતાકે જે બે ટાઇમ જમી પણ શકે.આ બાળકોના મા- બાપ મજૂરી કરે છે અને તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ બે ટાઇમ પૂરુ જમી શકે કે તેમના બાળકોને જમાડી શકે….જો સામે…..”

સોનુ એ સામે જોયું તો…એક નાનું બાળક હાથમાં ખાલી રોટલાનો સૂકો કટકો લઇ ને હોંશથી..હસતા હસતા ખાતું હતું.!!! તો કોઇ બાળક પાસે તો રોટલો યે કયાં હતો? સોનુ તો બધું જોઇ જ રહ્યો.મૂળ તો તે હોંશિયાર અને સંસ્કારી હતો.પણ દુનિયામાં ખરેખર આવું યે હોઇ શકે તેની તેને તો કયારેય ખબર જ કયાં હતી?મમ્મી વાર્તા કહેતી પણ તેને તો એમ જ થતું કે એ બધું તો ખાલી વાર્તામાં જ હોય.રાક્ષસ અને પરીની જેમ જ!!! બાકી કોઇને ખાવા ન મળે એવું થોડું જ હોય? પણ….આજે નજરે જોયું!!!

અને સોનુ ને પોતાના ખાવાના બધા નખરા યાદ આવી ગયા!! તે કંઇ બોલ્યો નહીં કે કાકી પણ કંઇ બોલ્યા નહીં.સોનુ તો હોંશથી બધાને ખાખરા ને પૌઆ..બધું પીરસવા લાગ્યો.બધાને ખાતા જોઇ ને ન જાણે કેમ પણ તેને ખૂબ આનંદ થતો હતો. તે રાત્રે કાકા ઘેર આવ્યા ત્યારે જવાની વાત કરવાને બદલે સોનુએ તો કાકા સાથે બેસીને હોંશથી ખીચડી ને કઢી ખાધા.જે તે કયારેય પહેલા નહોતો ખાતો!!

અને ન જાણે કેમ આજે પહેલી વાર સોનુ ને જમવાની એવી તો મજા આવી….એવી તો મજા આવી કે ન પૂછો વાત!!!! શા માટે?

નીલમ દોશી.

 

5 Responses to “સોનુ…બાલવાર્તા…”

  1. manvant@aol.com Says:

    પરસેવા વગરનાં પણ સ્વાનુભવનાં ખીચડી-કઢી સારાં લાગ્યાં !

  2. સુરેશ જાની Says:

    આપણાં બાળકોના શીક્ષણ માટે બહુ જ જરુરી વાત તમે કહી.
    આપણે જ તેમને આવા અનુભવો આપી વાસ્તવીકતાથી માહેર કરવા જોઈએ.
    ‘ચાગલો’ શબ્દ નવો લાગ્યો. સૌરાશ્ટ્રનો છે?

  3. readsetu Says:

    sonuni mammy shu khaay chhe ?

  4. ashalata Says:

    lad to jarur ladavie parantu sathe sathe
    sureshbhaie kaheli vaat pun balakone
    gharmathi j aapavi joie.
    ghani sunder varta badal jayshreeben
    aapno khuba khuba abhar——

  5. ashalata Says:

    sorry naam ma bhul thayee gaye
    neelamben .

Leave a Reply