ચોર..!! November 3, 2007
શિખાનું ધ્યાન કયારનું જાળી બહાર જતું હતું. પાંચ છ વરસની કોઇ છોકરી અને તેની સાથે ત્રણેક વરસનો લાગતો એક છોકરો કયારના જાળીમાંથી ઘરની અંદર ડોકિયા કરતાં હતાં. શિખાની નજર પડે ને દોડી ને ભાગી જાય…ફરીથી થોડી વારમાં આવી ને ડોકિયા કરી જાય. આ સિલસિલો કયારનો ચાલુ હતો.
શિખાને ડર લાગ્યો નક્કી કોઇ ચોરીનો ઇરાદો લાગે છે. મા બાપે કે કોઇએ મોકલ્યા લાગે છે. આવડા છોકરાઓ પણ હવે તો કેવા ચાલાક હોય છે ! નિર્દોષ દેખાવાનો ડોળ કરીને…. તેણે ઉભી થઇ ને જાળી ખોલી…છોકરાઓને ધમકાવી ને કાઢી મૂકયા. બંને છોકરાઓ ડરીને ભાગી ગયા.
પરંતુ બીજે દિવસે ફરી પાછો એ જ ક્રમ. છોકરા મધમાખીની જેમ જાળી આગળ મંડરાતા રહે. હવે શિખાને બરાબર ગુસ્સો ચડયો. જાળી ખોલી તે બહાર આવી. અને છોકરીને જોશથી ધમકાવી. ‘ ચોરી કરવા આંટાફેરા કરો છો ? એક લગાવી દઇશ .હવે જો આ તરફ ફરકયા છે તો…….’
નાનો છોકરો તો ગભરાઇને બહેનની સોડમાં ઘૂસી ગયો. છોકરી પણ આરોપ સાંભળી મૂઢ બની ગઇ. પણ નાનો ભાઇ આમે ય ઠંડીથી ધ્રૂજતો હતો..અને હવે ગભરાઇ ગયો હતો તેને આશ્વાસન આપવા પોતાની ફાટેલ ઓઢણીથી ઢબૂરી હૂંફ આપી. તેની ચમકતી આંખો પાણી થી છલકાઇ ઉઠી. પરંતુ છતાં હિમત કરી ધીમેથી તેણે જવાબ આપ્યો,
“અમે ચોરી કરવા નહીં..પણ અમે તો આ જાળીમાંથી ટી.વી. દેખાય છે તે મારા આ ભાઇને ટી.વી. કેવું હોય તે બતાવવા હું આવું છું. તેને રંગીન ચિતર જોવા બહુ ગમે છે અને મા કામે જાય છે તે રડતો હોય છે ને અહીં આ જોઇને રડતો બંધ થઇ જાય છે એટલે…….
કહી આંખના પાણી લૂછી ધીમેથી રડતા ભાઇને ઓઢણીથી ઢાંકી, ફોસલાવતી કાંખમાં તેડી ખુલ્લા પગે તડકામાં ચાલવા લાગી.
શિખા સ્તબ્ધ..! તેની નજર અનાયાસે સોફા પર પલોંઠી મારી ટી.વી. જોતા જોતા ભાઇ સાથે કોઇ નાની વસ્તુ માટે ઝગડી રહેલ પોતાની પુત્રી પર પડી. !
