પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી…… November 30, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 2:37 pm

કેટલાયે યુવક અને યુવતીઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડે છે..તેમને પાછળથી સમજાય છે કે બીજી વાર દ્રષ્ટિ નાખી લીધી હોત તો સારું થાત..!

 

આજની ખાટી મીઠી.. November 29, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:39 am

જો વિચારો વાંચી શકાતા હોત તો બધાના ચહેરાઓ લાલઘૂમ થઇ જાય.!

 

બસ..મજા આવે છે ..!! November 28, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 10:32 am

નિલય અને નીલાક્ષી..જીવનના પચાસ વરસો આ દંપતિ વટાવી ચૂકયા હતા. લક્ષ્મીજીની તેમની પર અસીમ કૃપા હતી. ઇશ્વરે ખોબે ખોબે સુખ વરસાવ્યું હતું. અંતરને ઠારે તેવો પુત્ર અને વહાલના દરિયા જેવી પુત્રીથી જીવન સભર હતું. શહેરમાં ઝવેરાતનો ધીકતો ધંધો હતો.

તેમના સ્ટેટસ પ્રમાણે હાઇ સોસાયટી ની લગભગ પાર્ટીઓમાં તેમને નિમંત્રણ જરૂર આવતું..પરંતુ કયારેય તેઓ તેમાં જતા નહીં કે પોતે એવી કોઇ પાર્ટીઓ આપતા નહીં. લોકો ખાનગીમાં તેમને કંજૂસ કહેતા. નિલય અને નીલાક્ષીને કદાચ આ વાતની જાણ પણ હતી જ. પણ એવી બહુ દરકાર તેઓ કરે તેમ નહોતા.

જોકે આમ છતાં તેમનું મિત્રવર્તુળ મોટું હતું. તેમનો સરળ, આનંદી સ્વભાવ, સહજતા, દરેકને મદદરૂપ થવાની ભાવના, મોટાઇનો અભાવ, નિરાભિમાનીપણુ…આ બધા ગુણોને લીધે તેઓ સ્વાભાવિક રીતે જ મિત્રોમાં પ્રિય હતા. તેમના ઘરના અને દિલના દરવાજા મિત્રો માટે હમેશા ખુલ્લા રહેતા.

આ દંપતિને એક વિચિત્ર ટેવ હોય તો તે એ કે ઘરમાં ત્રણ ત્રણ ગાડીઓ હોવા છતાં દર રવિવારે બંને લોક્લ ટ્રેનમાં આખો દિવસ ફરતા. અને ટ્રેનમાં જે પણ ફેરિયાઓ વેચવા આવે તેમની પાસેથી વસ્તુઓ ખરીદતા રહેતા. નાની મોટી વસ્તુઓથી તેમણે સાથે રાખેલ થેલો ભરાઇ જતો. વસ્તુઓ પણ કેવી ? જે કદાચ તેમને કયારેય કામ ન લાગે..કે પોતે કયારેય તેનો ઉપયોગ પણ ન કરતા હોય તેવી બિનજરૂરી વસ્તુઓ ભેગી કરી તેનો આનંદ માણતા..તેમની પાસે આવતો કોઇ ફેરિયો તેમને કંઇ વેચ્યા સિવાય પાછો ન ફરતો. હવે તો દર રવિવારે ફેરિયાઓ તેમની આતુરતાથી પ્રતીક્ષા કરતા. એ આશા સાથે કે આ શેઠ કંઇક તો જરૂર ખરીદશે જ. અને શેઠ તેમને કયારેય નિરાશ કરતા નહીં .

તો કયારેક જુહુના દરિયાકિનારે ફુગ્ગાવાળા પાસેથી બંને ફુગ્ગા લેતા દેખાય. અને પછી એ ફુગ્ગાઓ ત્યાં રમતાં નાના બાળકોને આપી..તેમની સાથે પોતે પણ ફુગ્ગા ઉડાડી આનંદ માણતા. ફાઇવ સ્ટાર હોટેલ કે કોઇ કલબમાં પણ આટલો આનંદ તેમને મળતો નહીં. અહીં જાણે તેઓ જીવન સાચ અર્થમાં માણતા હતા.આ ચંદ પળોમાં તેઓ જીવન જીવતા હતા.
અને તેમના જાદુઇ થેલામાં પીન, બકલ, છરી, ચપ્પુ, કાતર, કીચેઇન, દાંતિયા, અરીસા..ફૂલના ગજરા, ચોકલેટ, બિસ્કીટ…વિગેરે બધું જ નીકળે. જાણે સાંતાકલોઝ નો જાદુઇ થેલો જોઇ લો. મિત્રોને તેમની આ આદત કયારેય સમજાતી નહીં. કોઇ પૂછતું તો હસી ને જવાબ આપતા કે , ‘ બસ..મજા પડે છે. અને જેમાં મજા પડે એ કામ કરવા જેવું ખરું કે નહીં ? ગાડીમાં તો રોજ ફરીએ છીએ..રવિવાર ટ્રેન માટે..’

’ એ તો ઠીક…પણ આ તમારા અદભૂત સંગ્રહ નું શું કરો છો ? ‘
પણ જવાબ એક જ મળે..’બસ..મજા પડે છે. ‘ જોકે તેની બહુ નજીકના મિત્રોને એટલી ખબર હતી કે એ બધી વસ્તુઓ ઘરના કામવાળા, નોકરો, માળી કે ડ્રાઇવરના બાળકો સુધી પહોંચે છે.

પણ એમને એ ન સમજાતું કે જો એ બાળકોને આપવું હોય તો એ માટે ટ્રેનમાં જઇ જાતે હેરાન થવાની શી જરૂર છે ? બીજા કોઇ પાસે આસાનીથી મંગાવી શકાય છે. કે પછી વસ્તુ લેવા માટે એના પૈસા પણ આપી શકાય છે..તો પછી આવો દુરાગ્રહ શા માટે ?
પણ નિલય કે નીલાક્ષી ને પૂછવાનો કે આ બધું કહેવાનો કોઇ અર્થ કયાં હતો ? તેમનો તો હમેશા એક જ જવાબ રહેતો..તેમનું ધ્રુવ વાકય એક જ હતું..’ બસ..મજા આવે છે..’ હવે મિત્રો એ પણ તેમની આ આદતને શ્રીમંતોની એક ધૂન ગણી ને તેને સમજવાનો પ્રયત્ન છોડી દીધો હતો.

અને આમેય તેમને સમજાય તેમ પણ કયાં હતું ?

નિલય ના પિતા એક જમાનામાં જુહુ પર ફુગ્ગા વેચતા હતા કે કયારેક ટ્રેનમાં નાની નાની વસ્તુઓ વેચતા હતા. અને બાળક નિલય તેમની સાથે મદદ માટે રહેતો તેની કોઇ ને કયાં જાણ હતી ? ત્યારે એ જરૂરિયાત હતી….. પેટની આગ ઓલવવા માટેની એ મજબૂરી હતી.

અને આજે હવે તેમને એમાં એક મજા આવતી હતી. અનોખી મજા.!
કદાચ મનની આગ આ રીતે ઓલવાતી હશે..!!

આ એક સત્ય પ્રસંગ છે. જરાયે અતિશયોક્તિ વિના.

 

આજની ખાટી મીઠી.. November 27, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 10:57 am

જે ભાષણકર્તામાં ઉંડાણ નથી હોતું તેમાં લંબાણ જરૂર હોય છે.

 

આજની ખાટી મીઠી.. November 25, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 1:41 pm

કેટલાક લોકો બીજાઓથી દૂર જવા સેંકડો માઇલો દૂર ફરવા જાય છે.અને પછી લખે છે..અથવા ફોનમાં કહે છે ” તમે સાથે હોત તો કેવો આનન્દ આવત. ! “

 

આજની ખાટી મીઠી.. November 24, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:42 am

કુદરત પણ ઘણીવાર છબરડા વાળતી હોય છે. ..જેમની પાસે કશું જ કહેવાલાયક ન હોય તેમને લાંબી જીભ આપે છે.

 

સોનુ…બાલવાર્તા… November 22, 2007

સોનુ ઘરમાં બધાનો લાડલો ને ચાગલો.ઘરમાં બધું સોનુ ને ભાવતું જ બને.અને સોનુભાઇની દાદાગીરી કંઇ ઓછી હતી?આમ બધી રીતે ડાહ્યા સોનુ ને જમવામાં અમુક જ વસ્તુઓ જોઇએ..અને તેને ભાવે..ને ન ભાવે તેનું લીસ્ટ બહું મોટું હતું. ને તો યે જમવામાં તેના નખરા ઉભા જ હોય!!તેની મમ્મી રોજ સોનુ માટે જુદુ..તેને ભાવે તેવું જ બનાવતી હતી.તેથી સોનુભાઇને વાંધો નહોતો આવતો.

પણ..એક વખત વેકેશનમાં સોનુ તેના કાકી ને ઘેર ગયો.કાકા,કાકી ખૂબ પ્રેમાળ હતા…સોનુ ને તો મજા આવી.સાંજે બધા સાથે જમવા બેઠા.ને બધાની થાળીઓ પીરસાણી એટલે સોનુએ તો પોતાના ઘરની આદત મુજબ પૂછ્યું,

”કાકી,મારે માટે શું બનાવ્યું છે?”

કેમકે તેના ઘરમાં તો બધા માટે જે બને તે પણ સોનુ ને ભાવતી વસ્તુ તો તેની મમ્મીએ જુદી બનાવી જ હોય! એટલે તેણે તો અહીં પણ પૂછયું.

કાકી કહે,”આ બધું તારા માટે અને આપણા બધા માટે જ છે.જે બધા ખાય તે તારે પણ ખાવાનું.” સોનુ ને તો જરાયે મજા ન આવી.રીંગણનું શાક?

સોનુ કંઇ રીંગણનું શાક ખાતો હશે?અને સાથે કંઇ ભજિયા,ઢોકળા..કે કંઇ ફરસાણ પણ નહોતું…!!! સોનુ શું જમે?દાળ,ભાત,શાક,રોટલી….બસ?પીઝા નહીં… મેગી કે નુડલ્સ નહીં..ભેળ કે પાણીપૂરી નહીં….!! ઘેર તો મમ્મી પોતા માટે રોજ એવું કંઇક જુદુ બનાવતી!!પણ કાકાને ઘેર તે કંઇ બોલી ન શકયો.તે સાવ જરાક ખાઇને ઉઠી ગયો.તેના કાકા બધું સમજી ગયા.તેમણે સોનુ ને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો.પણ..સોનુભાઇને સમજવાનો કોઇ મુડ નહોતો.તે તો અડધો ભુખ્યો જ સૂઇ ગયો.અને નક્કી કરી લીધું કે પોતે કાલે જ પાછો મમ્મી પાસે ચાલ્યો જશે.અહીં મજા તો આવે છે..પણ કાકી કંઇ પોતાના માટે જુદુ જમવાનું બનાવે તેમ લાગતા નથી!!!

બીજે દિવસે સોનુ ને તો નાસ્તામાં યે મજા ન આવી.ખાખરા,થેપલા અને બટેટાપૌઆકે ઉપમા અને એવું બધું સોનુભાઇ ને તો ભાવતું જ નહોતું.અને અહીં તો વેફર,ચેવડો કે કુરકુરે કે એવું કંઇ જ નહોતું.હવે તો તેણે પાછું ઘેર જવાનું પાક્કુ જ કરી નાખ્યું.કે રાત્રે કાકા આવશે એટલે કહી દેશે કે મને ઘેર મૂકી જાવ. ત્યાં થોડીવાર પછી..કાકીએ તેને બોલાવ્યો.અને કહ્યું કે ચાલ,સોનુ બેટા,આપણે બહાર જઇએ.

સોનુ ને કાકી ગયા.કાકી એ તો ઘેરથી થેલામાં ઘણું બધુ ખાવાનું પણ સાથે લીધું હતું.સોનુ ને સમજાયું નહીં કે કાકીએ આવડો થેલો ભરીને આ બધું શું કામ સાથે લીધું છે?

પણ તેણે કંઇ પૂછયું નહીં. કાકી તો તેને લઇને દૂર દૂર ગયા.ત્યાં એક ચાલી જેવી ઝૂંપડપટ્ટી આવી.કાકીએ તો ગાડી ત્યાં ઉભી રખાવી.સોનુ ને થયું કે ફરવા જવાને બદલે કાકી આવી ગન્દી જગ્યાએ કેમ આવ્યા?તો યે તે કંઇ બોલ્યો નહીં.

ત્યાં તો જેવી ગાડી ઉભી રહી ..અને કાકી બહાર નીકળ્યા કે કેટલા બધા નાનકડા છોકરા..છોકરીઓ કાકી ને વીંટળાઇ વળ્યા.બધા કાકીને ઓળખતા હતા.એમાં કેટલાક તો સોનુ જેવડા જ હતા.તો કેટલાક સોનુથી યે નાના હતા.સોનુ તો તેમને જોઇ જ રહ્યો.નહોતા કોઇના કપડાના ઠેકાણા…કેટલાક તો અડધા ઉઘાડા જેવા હતા.

કાકીએ તો તેના થેલામાંથી બિસ્કીટના પેકેટ..અને ડબ્બામાંથી બટેટાપૌવા…જે પોતે ઘરેથી બનાવી ને લાવ્યા હતા…તે અને ખાખરા બધું કાઢયું.અને સાથે લાવેલી પેપર પ્લેટ માં બધાને આપવા માંડયું. બધા ખુશખુશાલ થઇ ને ખાવા માંડયા.સોનુ તો જોઇ જ રહ્યો.હવે તેનાથી રહેવાયું નહીં એટલે તેણે કાકી ને પૂછયું,

”આ બધું શું છે?અને આ બધા કોણ છે?” કાકીએ જવાબ આપ્યો,”બેટા,કોણ છે..તે તો મને યે પૂરી ખબર નથી.પણ..બેટા,બધા તારા જેવા નશીબદાર નથી હોતાકે જે બે ટાઇમ જમી પણ શકે.આ બાળકોના મા- બાપ મજૂરી કરે છે અને તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ બે ટાઇમ પૂરુ જમી શકે કે તેમના બાળકોને જમાડી શકે….જો સામે…..”

સોનુ એ સામે જોયું તો…એક નાનું બાળક હાથમાં ખાલી રોટલાનો સૂકો કટકો લઇ ને હોંશથી..હસતા હસતા ખાતું હતું.!!! તો કોઇ બાળક પાસે તો રોટલો યે કયાં હતો? સોનુ તો બધું જોઇ જ રહ્યો.મૂળ તો તે હોંશિયાર અને સંસ્કારી હતો.પણ દુનિયામાં ખરેખર આવું યે હોઇ શકે તેની તેને તો કયારેય ખબર જ કયાં હતી?મમ્મી વાર્તા કહેતી પણ તેને તો એમ જ થતું કે એ બધું તો ખાલી વાર્તામાં જ હોય.રાક્ષસ અને પરીની જેમ જ!!! બાકી કોઇને ખાવા ન મળે એવું થોડું જ હોય? પણ….આજે નજરે જોયું!!!

અને સોનુ ને પોતાના ખાવાના બધા નખરા યાદ આવી ગયા!! તે કંઇ બોલ્યો નહીં કે કાકી પણ કંઇ બોલ્યા નહીં.સોનુ તો હોંશથી બધાને ખાખરા ને પૌઆ..બધું પીરસવા લાગ્યો.બધાને ખાતા જોઇ ને ન જાણે કેમ પણ તેને ખૂબ આનંદ થતો હતો. તે રાત્રે કાકા ઘેર આવ્યા ત્યારે જવાની વાત કરવાને બદલે સોનુએ તો કાકા સાથે બેસીને હોંશથી ખીચડી ને કઢી ખાધા.જે તે કયારેય પહેલા નહોતો ખાતો!!

અને ન જાણે કેમ આજે પહેલી વાર સોનુ ને જમવાની એવી તો મજા આવી….એવી તો મજા આવી કે ન પૂછો વાત!!!! શા માટે?

નીલમ દોશી.

 

આજની ખાટી મીઠી…. November 22, 2007

Filed under: અન્ય — nilam doshi @ 10:04 pm

સ્ત્રી માટે આદર્શ પતિ કોણ હોઇ શકે ? જે પૂરતા પૈસા કમાવા જેટલો હોંશિયાર હોય અને તેને ખરચવા જેટલો મૂરખ.!

 

આજની ખાટી મીઠી…… November 21, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:04 am

લોકો ગમે તે કહે..તમે લગ્ન તો કરો જ….તમને સારી પત્ની મળશે તો સુખી થશો અને ખરાબ મળશે તો ફિલોસોફર.

 

બોનસ…! November 21, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 8:59 am

દિવાળી ની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી. શ્રાધ્ધપક્ષ અને નવલા નોરતાની વિદાય પછી તહેવારોની મહારાણીના સ્વાગતની તૈયારી બધાના ઘરની જેમ અનિતાબહેનના ઘરમાં પણ શરૂ થઇ ગઇ હતી.

રસોડામાં વાસણો ચમકી ઉઠયા હતા. દીવાલો નવા રંગના વાઘા પહેરી શોભી ઉઠી હતી. ઘરની લાદી ઘસાઇ ઘસાઇને ઝગારા મારી રહી હતી. ફલાવરવાઝમાં નવા ફૂલો ખીલી ઉઠયા હતા. બધું નવું..જાણે કંઇ જૂનુ પુરાણુ ઘરમાં રહેવું જ ન જોઇએ. જૂની વસ્તુઓ પર નવો ઓપ અપાઇ ગયો હતો.

અને સાફસફાઇ પૂરી થતાં નાસ્તાનો વારો આવ્યો. મઠિયા, ઘૂઘરા, ચક્રી, ચોરાફળી, ભાખરવડી, ચવાણા, દાળમૂઠ..વિગેરેથી ડબ્બાઓ ભરાવા માંડયા. બોનસની આશાએ નોકરો પણ કામમાં સાથ પૂરાવતા રહ્યા.

અને ફટાકડાના અવાજો..દીવાઓની રોશનીઓ, ઝગમગતી લાઇટો થી ઓપતી રૂમઝૂમ પગલે આવેલ દિવાળી કયારે પૂરી થઇ તેનો પણ જલદીથી ખ્યાલ ન આવ્યો.

પણ આજે અનિતાબહેન સવારથી ગુસ્સાથી ધમધમતા હતા. આ નોકરો ને ગમે તેટલું આપીએ ને તો પણ ઓછું જ પડે. કંઇ આખો પગાર બોનસમાં અપાતો હશે ? માગતા શરમ પણ નથી આવતી. બધાને બસ..દિવાળી આવી એટલે લાવ..લાવ અને લાવ…! જાણે અહીં તો રૂપિયાનું ઝાડ ઊગ્યું છે. કચરાવાળાથી માંડીને ટપાલી સુધ્ધા ને બોનસ માગવાની આદત પડી ગઇ છે.!

રાત્રે પતિ આવ્યા ત્યાં સુધી તેમનો બબડાટ ચાલુ રહ્યો. પતિએ કારણ પૂછતા તો ગાજવીજ સાથે વરસી જ પડયા. હું તો બધાને બોનસ આપી આપીને થાકી ગઇ. માગવાની તો કોઇને શરમ રહી જ કયાં છે ?

પછી જરા શાંત થતાં..હળવેથી પતિને પૂછી રહ્યા..’ પછી શું થયું તમારા બોનસનું ? આપ્યું કે નહીં ? જરા જોર દઇ ને કહો ને…ન શું આપે ?

બાર મહિને એક બોનસની આશા તો માણસ કરે કે નહીં ????? ‘