પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આપણી મૂળભૂત ઝંખના… October 23, 2007

એક સાસુની ડાયરી…3

વહુના કુમકુમ પગલાની છાપ હજુ આંગણામાં ને અંતરમાં અકબંધ છે. લગ્નની શરણાઇ ગૂંજવાને તો હજુ એક વરસનો સમય બાકી છે. પ્રતીક્ષાનો, વિરહનો લાંબો પંથ કાપવાનો બાકી છે.
અહીં ઘરમાં વહુરાણીના ઝાંઝરનો મીઠો રણકાર સાંભળવાની પ્રતીક્ષા માં દિવસો દોડતા રહે છે. બેટા, સમયની ગતિ બહુ ધીમી લાગે છે ને ? પણ એનો સીધો સંબંધ માનવીના મન સાથે છે. બાકી સમય તો બધાથી અલિપ્ત..બધાથી બેખબર, ને છતાં બધા સાથે સંકળાઇને રેતીની જેમ સરકતો રહે છે.
બેટા જૂઇ, આવનાર દિવસોમાં આપણે કયાં..કયારે..કેટલું..કેવી રીતે સાથે રહીશું..તેની આ પળે તો કંઇ જ ખબર નથી. તારા મીઠા શબ્દો આજે તો મનને ભીંજવતા રહે છે. વાણી ને વર્તનનો સુમેળ જીવનમાં સધાય તો જીવન સ્વર્ગ સમાન બની રહે. અને મને તારામાં વિશ્વાસ છે ..મારામાં શ્રધ્ધા છે અને આપણામાં આસ્થા છે ! શ્રધ્ધા, વિશ્વાસ અને આસ્થા દિલની મંગલ ભાવનાના પ્રતીક છે. જેમાં કયાંય કોઇ કચાશ, ઓછપ ન રહે એ પ્રાર્થના અંતરમાં થી સરતી રહે છે. કોઇ કહે છે. ’ અત્યારથી હરખાઇ ન જાવ..એ તો નીવડે વખાણ…અત્યારે તો બધા સારા જ દેખાય. એ તો હમેશ સાથે રહો તો..અને ત્યારે જ સાચી જાણ થાય….’ કહેવાવાળાને કોઇ રોકી શકયું છે ? મને કોઇ અસર નથી થતી. મનમાં કોઇ આશંકા હું રાખવા નથી માગતી. કોઇ પૂર્વગ્રહની દીવાલો વિના મારી વહુને મારે દિલથી અમારા ઘરમાં આવકારવી છે. એવું મારી જાતને હું કહેતી રહું છું. સાસુ વહુના સંબંધો વિશે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે, જોયું છે. પરંતુ જાતે અનુભવ્યું નથી. સ્વામી વિવેકાનંદે કહેલ એક વાકય મનમાં ડોકિયુ કરી જાય છે. “ જે બીજાના અનુભવમાંથી શીખે તે સાચો માનવ. “
દરેક અનુભવ જીવનમાં જાતે થવા જરૂરી નથી.
આપણી બાજુમાં રહેતા માલા બહેન અને તેની વહુ નમિતા લગભગ રોજ આપણે ઘેર આવીને પોતપોતાના મનનો ઉભરો ઠાલવતા રહે છે. બંને નીવાત મારે સાંભળવી પડે છે. સાંભળી ને હું સમજતી રહું છું. અને મારી સમજ મુજબ તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરતી રહું છું. બંને વચ્ચે નું અંતર કેમ ઘટે.. બંને એકબીજાની કેમ નજીક આવે તે માટે બનતી કોશિશ કરતી રહું છું. બીજાઓના પણ આવા તો કેટલાયે અનુભવો આસપાસમાંથી…સમાજમાંથી કાને અથડાતા રહે છે. ત્યારે મને વિચાર આવે છે..આ બધા અનુભવો હું મારી ડાયરીના પાનાઓમાં ટાંકતી રહું.. કયારેક તેમાંથી કંઇક હાર્દ પકડવાનો પ્રયત્ન કરી રહીશ. દરેકના અનુભવો જુદા, સંજોગો જુદા, સ્વભાવ જુદા..છતાં સૂર તો એક જ રહે છે..” મને કોઇ સમજતું નથી..મારા માટે કોઇ ને લાગણી નથી..વહુને લાગે છે દીકરો મા નો પક્ષ જ લે છે. અને મા ને લાગે છે દીકરો વહુનો થઇ ગયો છે. “ અને પરિણામ….??

પ્રેમ અને આનંદ મેળવવાની માણસની મૂળભૂત ઝંખના છે. એના વિના જીવન અપૂર્ણ છે. આજે સંયુકત કુટુંબો ઘણાં કારણો ને લીધે ઓછા થતાં જાય છે. વિભકત કુટુંબોના પ્રશ્નો વધતા જાય છે. મૂળે માનવી સામાજિક પ્રાણી છે. એ એકલો રહી નથી શકતો ને સારી રીતે સાથે રહેતાં એને આવડતું નથી. એકલતા એને પીડે છે. અને એકાંત માણવું એને અઘરું લાગે છે.કોઇ પણ તહેવાર ,ઉત્સવ આવે એટલે એ કોઇની કંપની..કોઇ નો સાથ ઝંખે છે. સગાવહાલાઓ ન મળે તો એ મિત્રોમાં ફરતો રહે છે. દુ;ખ કે આનંદ..દરેક પ્રસંગે એને કોઇનો સાથ જોઇએ છે.

” એકલ ફરવું , એકલ રમવું,
એકલ વિચરવું, કરમ કદી ન લખીશ..”

આવું કયાંક વાંચેલ…કેટલું સાચું છે. ! સાંપ્રત સમયમાં આપણે ઘણાં પાસેથી સાંભળીએ છીએ..’સગા કરતાં તો મિત્રો સારા..કોઇ ટેન્સન નહીં..સાચું ખોટું લાગવાનો કોઇ પ્રશ્ન નહીં..સંબંધનો કોઇ ભાર નહીં..”
આંશિક રીતે આ વાત સાચી પણ લાગે છે. છતાં કયારેક એક પ્રશ્ન જરૂર જાગે છે. મિત્રતા સાચવવા..જાળવી રાખવા આપણે જે ધ્યાન રાખીએ છીએ એટલું સગાસ્નેહીઓને જાળવી રાખવા કરીએ છીએ ખરા ? કોઇ પૂર્વગ્રહની ગ્રંથિ… એકાદ કટુ અનુભવ, કોઇના બે કડવા શબ્દો.નો ભાર આપણે જીવનભર વહ્યા કરીએ છીએ તેવું નથી લાગતું ? જેટલું મિત્રોમાં let go..કરીએ છીએ..તેટલું સગાઓમાં કરીએ છીએ ખરા ? જવાબની કોઇ અપેક્ષા નથી..દરેકનો જવાબ અલગ જ હોય. આ તો ફકત એક વિચાર છે.
કહેવાનો મતલબ એટલો જ કે દરેક સંબંધને નિભાવતા શીખવું પડે છે. સંબંધને માંજીમાંજી ને ચળકાવતા રહેવું પડે છે. વધુ નહીં તો થોડો સ્વાર્થ જતો કરવો પડે છે. સમાધાન કરતા રહેવું પડે છે. એક આંખ મીંચેલી રાખવી પડે છે…ત્યારે સંબંધો જાળવી શકાય છે. કોઇ પણ સંબંધ માટે આ સનાતન સત્ય છે. ફકત સાસુ વહુ જ નહીં..પતિ પત્ની, માતા પુત્ર, ભાઇ બહેન..કે મિત્રો… !

હા, ઘણીવાર કોઇ સંબંધોનું સાચું સૌન્દર્ય પ્રગટતું હોય છે. અને જીવન મઘમઘી ઉઠે છે. એવા નશીબદારની સંખ્યા જોકે બહું ઓછી હોય છે. એક્વાર જો સંબંધોનું સૌન્દર્ય ખીલી શકે તો જીવન સુરભિત બની જાય. બેટા, આપણે સંબંધોના એ સૌન્દર્ય ને એક ઉંચાઇએ પહોંચાડવા સદા જાગૃત રહીશું ? અન્યના અનુભવમાંથી આપણે કંઇ શીખીશું ?
આપણે કોઇ ના પગલે ચાલવાને બદલે આપણી અલગ કેડી બનાવીશું ? બીજાને પ્રેરણારૂપ બનીશું ? તારામાં પૂર્ણ આસ્થા સાથે… કાલે ફરી આ પાનાઓમાં મળીશું ને ?

 

5 Responses to “આપણી મૂળભૂત ઝંખના…”

  1. neetakotecha Says:

    ..મારામાં શ્રધ્ધા છે અને આપણામાં આસ્થા છે !

    દરેક સંબંધને નિભાવતા શીખવું પડે છે.

    એક્દમ સાચ્ચી વાત તો આ જ છે.

    ફકત સાસુ વહુ જ નહીં..પતિ પત્ની, માતા પુત્ર, ભાઇ બહેન..કે મિત્રો… !

    કોઇ પણ સંબધ માં જ્યારે મારુ તારુ આવે ત્યારે તકલીફ સર્જાય ,
    આપણુ હોય ત્યા તો કાંઇ થાય જ નહી.

  2. pravinash1 Says:

    સાસુ - વહુના સંબધો ખૂબ નાજુક છે. ભૂલ તો બ્રહ્માથી પણ
    થાય. પૂર્વાગ્રહો ત્યજીને એ પવિત્ર ઝરણું અંતરમાં વહેવું
    અગત્યનું છે.

  3. nalini jatania Says:

    Interesting.Carry on

  4. Rani Says:

    મને તારામાં વિશ્વાસ છે ..મારામાં શ્રધ્ધા છે અને આપણામાં આસ્થા છે ! This will remain throughout the life.

  5. સુરેશ જાની Says:

    અન્યના અનુભવમાંથી આપણે કંઇ શીખીશું ?

    આના પરથી મને એક વાક્ય યાદ આવ્યું -

    બીજાના અનુભવ પરથી શીખે તે શ્રેશ્ઠ
    પોતાના અનુભવ પરથી શીખે તે મધ્યમ
    અને કોઈ અનુભવ પરથી પણ ન શીખે તે કનીશ્ઠ .

Leave a Reply