સાસુ, વહુના વહાલની ભીની યાત્રા…
પારકુ પંખી,
ઉજાળી રહે અમ
આંગણ સ્નેહે.
બેટા, જૂઇ,
આજે આપણા સાસુ, વહુની આ સહિયારી યાત્રાનો પ્રથમ દસકો પૂરો થાય છે. અનુભવે આપણને બંને ને સતત ઘડયા છે. મને સાસુ તરીકે અને તને વહુ તરીકે. ! પરિવર્તન એ તો સમયની માગ છે. અને સદનશીબે આપણે બંને સતત પરિવર્તન પામી શકયા છીએ.. અને એકબીજાને અનુકૂળ થતા રહ્યા છીએ એનો આનંદ છે..કયારેક પ્રેમથી, કયારેક ગુસ્સાથી, લાડથી, રિસાઇને,ખીજાઇને…બધા જ ભાવોની ભરતી ઓટમાં સતત ભીંજાતા રહ્યા છીએ.પણ એ બધા ભાવોની પાછળ સતત વહાલનું એક ઝરણું વહેતું રહ્યું છે. આપણા બે માંથી કોઇના પક્ષે એ સૂકાયું નથી.. આપણું ભાવવિશ્વ વિકસતું રહ્યું છે. લીલુછમ્મ રહી શકયું છે. તેનો આનંદ અનન્ય છે.
અને આજે હવે આપણા બનેના મનમાં કોઇ શંકા , કુશંકા, પ્રશ્નો નથી. બંને પક્ષે એક પૂર્ણ શ્રધ્ધા,વિશ્વાસ પ્રગટી શકયા છે એ શું ઓછી વાત છે ? એક સાસુ, વહુનું સાચા અર્થમાં મિત્રોમાં રૂપાંતર થઇ શકયું છે. એથી વિશેષ રૂડી વાત બીજી કઇ હોઇ શકે ? ગુણવંત શાહના કહ્યા મુજબ આપણે મૈત્રીયુગમાં પ્રવેશી શકયા છીએ એનું મહત્વ, આનંદ ઓછો નથી જ.આજે મારી ટીકા કે જરાક પણ ખરાબ કોઇ બોલે તો તું સહન નથી કરી શકતી..મારી પર ગુસ્સો આવ્યો હોય ત્યારે પણ.! અને એવું જ મારા પક્ષે છે. તારી કોઇ ભૂલ થઇ હોય તો પણ ખીજાવાનો હક્ક તો ખાલી મારી એકલીનો જ હોં.! કોઇની તાકાત છે મારી લાડકી વહુરાણી ને ખીજાઇ શકે ? કે બે શબ્દ તેના વિશે ગમે તેમ બોલી શકે ?
આજે મારી ડાયરીના પાછલા પાનાઓ સહેજે ફેરવવાની ઇચ્છા જાગે છે. એક દાયકા પહેલાના એ અતીતની ખાટી મીઠી યાદોંની ગલીઓમાં ફરી એકવાર ….. પણ અતીતની એ કુંજગલીઓના દરવાજા ખોલું તે પહેલાં બે ચાર વાતો આજે મનમાં જાગે છે.
વહુને દીકરી માનવી જોઇએ…એવું દીકરાના લગ્ન સમયે બધા કહેતાં આવ્યા છે. પણ વ્યવહારમાં જૂજ અપવાદ સિવાય એ શકય બની શકે છે ખરું ? જવાબ ઘણું કરી ને “ના” માં આવશે. કારણૉ ઘણાં છે. બંને પક્ષે છે.
દીકરીનો મા સાથેનો નાળસંબંધ છે. એના અસ્તિત્વનો એક અંશ છે.મા એ પોતાનું દૂધ પીવડાવી એને ઉછેરી છે. એના શૈશવની એક એક ક્ષણ ની એ સાક્ષી છે. એક એક ક્ષણ તેણે માણી છે, સંવારી છે. સ્વીકારી છે.. જયારે વહુને હજુ જાણવાની, સમજવાની બાકી છે. એ અલગ માહોલમાં ઉછરીને આવી છે. એની દરેક વાત તમારે માટે અજાણી છે. દીકરી કોઇ ભૂલ કરે તો મા વિચારે છે કે મારા જ ઉછેરમાં કોઇ ખામી રહી ગઇ હશે. મારી જ કયાંક ભૂલ થઇ હશે. હું જ તેને શીખડાવી ન શકી.! આમ દીકરીના દોષનો ટોપલો પણ મા પોતાના શિરે લઇ શકે છે.
જયારે વહુની બાબતમાં આ શકય નથી બનતું. વહુના મા બાપે તેને કંઇ શીખડાવ્યું નથી..સંસ્કાર નથી આપ્યા..એ વિચાર તરત જાણ્યે અજાણ્યે બિલાડીના ટોપની જેમ મનમાં ઊગી જાય છે. મનમાં સતત એક શંકા, કુશંકા રહે છે. જીવનસંધ્યાએ આ છોકરી અમને સાચવશે ? સ્નેહ આપી શક્શે ? મારા દીકરાને મારાથી દૂર તો નહીં કરી દે ને ? સમાજમાં એવા અસંખ્ય ઉદાહરણો તેણે નજરે જોયેલ છે. સાંભળેલ છે. સદીઓથી સાસુ વહુના સંબંધો સમાજ માટે એક પ્રશ્નચિન્હ બની રહ્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ એક મા ના દિલમાં આવા અનેક પ્રશ્નો ઉઠે..અને હોંશે હોંશે ઘરમાં લાવેલ એક દીકરીને તે અલગ દ્રષ્ટિથી જુએ છે. તેના દરેક વર્તનને જાણ્યે અજાણ્યે તેનું મન કસોટીની એરણે ચડાવતું રહે છે. તર્કના ત્રાજવે તોલતું રહે છે. કયારેક કોઇ પાસે વહુના વખાણ કરે તો તરત સાંભળવા મળે છે…’ એ તો નીવડે વખાણ..! બહું માથે ચડાવશો તો પસ્તાવાનો વારો આવશે. બહું છૂટ આપશો તો તેનો દુરુપયોગ કરશે.આ આજકાલની છોકરીઓ આમે ય સ્વતંત્ર મિજાજની હોય જ છે. અને તમારી તો પાછી ભણેલ ગણેલ…તમારો કાંકરો કાઢી નાખતાં વાર નહીં લાગે. પહેલેથી સાવચેત રહેજો. દીકરાને યે બદલી નાખતાં વાર નહીં લાગે….’ અને પછી તો આસપાસના, પરિચિતોના અનેક ઉદાહરણોનો રસથાળ વગર માગ્યે પીરસાઇ જાય.
આ અને આવા કેટલાયે સલાહ સૂચનોથી સાસુનું મન અનાયાસે શંકા કુશંકાઓના વિષચક્રમાં ઘેરાતું રહે છે. ને જાણ્યે અજાણ્યે દરેક વાતમાં તેના એ માનસનો પડઘો પડતો રહે છે.
સામે પક્ષે પણ સ્થિતિ કંઇક એવી જ હોય છે. છોકરી નાની હોય ત્યારથી જ તેના માસૂમ મનમાં સાસુ નામના પ્રાણીનો એક અદ્રશ્ય ‘ હાઉ ‘ ઊભો કરાયેલ હોય છે. સાસરે જશો ત્યારે ખબર પડશે..સાસુ ધોકો લેશે..ત્યાં મા નહીં હોય….’ આમ સાસુ કોઇ ખરાબ પ્રાણી છે. મા જેવી તો નથી જ. એ પૂર્વગ્રહની એક ગ્રંથિ બંધાતી રહે છે.તેને સમયાંતરે ખાતર પાણી પણ મળતા રહે છે..અને એ ગ્રંથિ મજબૂત બનતી રહે છે. કદાચ છોકરીની યે જાણ બહાર.
અને સગાઇ પછી કે લગ્ન સમયે પણ જાતજાતની સલાહો બિનઅનુભવી પુત્રીને મળતી રહે છે. ‘ જો..વરને તારો કરી રાખજે હોં.! એ આપણો હોય પછી કોઇ ચિંતા નહીં. તારી સાસુ તો જબરી લાગે છે ! પહેલેથી ધ્યાન રાખજે હોં..’ અને દીકરી મા ની સલાહ બરાબર યાદ રાખે છે.
બિન અનુભવી દીકરી ઘરની નાની નાની વાત મા ને કહે છે. અને મા તેનું અર્થઘટન..પોતાની સમજણ મુજબ..પોતાના અનુભવોને આધારે કરતી અને કહેતી રહે છે. અને દીકરીને શિખામણ આપતી રહે છે. અને તેમાં સામાન્ય રીતે સાસુથી સાવચેત રહેવાની વાત જ વધારે હોય છે. ભણેલ ગણેલ દીકરી પણ એ વાત ભૂલી જાય છે કે જે ઘરની વાત એ કરે છે તે ઘર જ પોતાનું છે. પોતાના ઘરની જ વાત પોતે કરે છે.! કદાચ દીકરીએ વરને જ પોતાનો માન્યો છે. ઘરને સાચા અર્થમાં પોતાનું માન્યું હોય તે દીકરી સાસરાના ઘરની નાની કે મોટી કોઇ વાત કયારેય પિયરમાં કરતી નથી. હા, કોઇ મોટી વાત હોય..મોટો પ્રશ્ન હોય અને માર્ગદર્શનની જરૂર હોય્ ત્યારે દીકરી મા ને વાત ન કરે તો કોને કરે ? એ સમજાય તેવી વાત છે. પણ….
અને સાસુની જેમ વહુના મનમાં પણ શંકા, કુશંકા થતી રહે છે. મા ગમે તેટલું ખીજાય તો વાંધો નહીં. સાસુ કંઇ કહે તો સાસુ જબરી ગણાય.!
આમ સાસુ અને વહુ બંનેના માનસમાં રોપાયેલ પેલી પૂર્વગ્રહની ગ્રંથિને ખાતર પાણી મળતા રહે છે. અને સંબંધોની મીઠાશ, ગરિમા,લાગણી, સ્નેહ આદર બધું સૂકાઇ જાય છે. અને શરૂ થાય છે રાજકારણના આટાપાટા. સાસુ વહુના સામસામા મોરચા. એકતા કપૂરની સીરિયલની જેમ.! એક જ ઘરમાં મંડાય છે બે મોરચા. બંને પોતાના ત્રાજવે એક્બીજાના વર્તનને તોલ્યા કરે છે..અને બંને વચ્ચે જનરેશન ગેપ તો કુદરતી છે જ. બંનેના વિચારમાં..વાતાવરણમાં થોડો ઘણો તફાવત તો રહેવાનો જ ને ? અને દ્રષ્ટિ બદલાવાથી ઘણું બધું બદલાય છે એ તો સત્ય છે જ. દરેક વાતને નેગેટીવ કે પોઝીટીવ કઇ રીતે મૂલવીએ છીએ તેના પર જ બધો આધાર છે ને ? સાસુ કે વહુ એકવાર જો પોઝીટીવ દ્રષ્ટિ છોડીને નેગેટીવ રીતે વિચારવાનું શરૂ કરે તો પછી તેનો કયાંય આરો કે ઓવારો નથી.
અને સંબંધોના આ આટાપાટા વચ્ચે સેન્ડવીચ થઇ ને ભીંસાતો રહે છે બિચારો છોકરો. એક તરફ જેણે જન્મ આપ્યો છે તે જનેતા છે. જેણે પોતાના જીવનના શ્રેષ્ઠ પચ્ચીસ થી વધારે વરસો પુત્ર પાછળ ખર્ચ્યા છે. અને બીજી તરફ બધું છોડીને તેની સાથે આવનાર સ્ત્રી છે. બંને તેના પ્રેમના અધિકારી છે..બંને માટે તેને લાગણી છે. બંને તરફ તેનું કર્તવ્ય છે. અને ત્યારે કોઇ પણ સંવેદનશીલ યુવક ગૂંગળાઇ જાય તે સ્વાભાવિક છે. અને આશ્ર્વર્યની વાત તો એ છે કે સાસુ અને વહુ બંને ને પતિ કે દીકરા માટે તો પ્રેમ જ છે. અને છતાં….
આમ સાસુ વહુના સંબંધો કદાચ ઇશ્વરની યે સમજની બહારની વાત છે..પણ્ જો થોડી સમજણ કેળવવામાં આવે બંને પક્ષે..બંને પોઝીટીવ દ્રષ્ટિ રાખી વિચારી શકે તો હકીકતે કોઇ પ્રશ્ન હોતા જ નથી. બંને નું એક ચોક્કસ સ્થાન છે. સાસુ વહુ કંઇ હરીફ નથી જ.
સાસુ વિચારે કે આની જગ્યાએ મારી દીકરી હોત તો હું શું કરત ? અને વહુ વિચારે કે આની જગ્યાએ મારી મમ્મી એ મને ગુસ્સે થઇ ને કંઇ કહ્યું હોત તો હું શું કરત ? કે મારી ભાભી મારી મમ્મી સાથે આવું વર્તન કરે તો ? બસ…આટલું જ જો વિચારી શકાય તો ઘણાં પ્રશ્નો સોલ્વ થઇ શકે. ધૂમકેતુએ સાચું જ કહ્યું છે. “ માનવી પોતાની દ્રષ્ટિ છોડી,,બીજાની દ્રષ્ટિથી જોતા શીખે તો અડધું જગત શાંત થઇ જાય. “ અને તો પૂર્વગ્રહની ગ્રંથિ તૂટી શકે અને સ્નેહ, લાગણી આપોઆપ અનુભવી શકાય.
પુત્રીના માતા પિતા આમાં ઘણો ફાળો ભજાવી શકે છે. સારી કે ખરાબ બંને રીતે..! હકીકતે દીકરી પોતાના ઘરની કોઇ નબળી વાત કરે ત્યારે સમજુ માબાપ દીકરીને પોઝીટીવ વાત જ કરે તો દીકરીને એ સ્વીકારતા વાર ન લાગે કેમકે મા બાપ પર સ્વાભાવિક રીતે જ કોઇ પણ દીકરીને એક વિશ્વાસ હોય છે. કે તેઓ પોતાનું કયારેય અહિત ન જ કરે. એટલે જ પુત્રીના માતા પિતાનું કર્તવ્ય વધી જાય છે. પણ આજે તો મોટે ભાગે દરેક મા બાપ ખોટી રીતે પણ દીકરીનો પક્ષ લઇ તેને પોતાના જ ઘરથી અજાણતા વિમુખ કરે છે. હકીકતે કોઇ મોટી વાત ન હોય ત્યારે પુત્રીના મા બાપે તેના સંસારથી થોડા દૂર જ રહેવું જોઇએ.
સામાન્ય રીતે કોઇ છોકરી કયારેય નક્કી કરીને નથી આવતી કે સાસરે જઇ ને સાસુને કે કોઇને હેરાન કરીશ. કે કોઇ પણ સાસુ એમ નક્કી નથી કરતી હોતી કે વહુ આવશે એટલે તેને હું આમ હેરાન કરીશ. અને છતાં પ્રશ્નો સર્જાતા રહે છે. વાતાવરણ કલુષિત થતું રહે છે. મોરચા મંડાતા રહે છે.. અને ઘરનું કુરૂક્ષેત્રમાં રૂપાંતર થતું રહે છે.
અપવાદ રૂપે સમાજમાં એવા ઉદાહરણો પણ છે જ કે જયાં સાસુ વહુ વચ્ચે મીઠાશનો, સ્નેહનો સમંદર છલક્તો હોય. બંને વચ્ચે સમજણનો સેતુ હોય..ઉદાર પોઝીટીવ દ્રષ્ટિ હોય..પણ આ બધાનું પ્રમાણ કેટલું ? ઘણીવાર ઉપરછલ્લા સારા સંબંધો દેખાતા હોય..મોટી મોટી વાતો થતી હોય અને અંદર લાગણીની ગેરહાજરી હોય. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે છોકરાની હાજરીમાં સાસુ, વહુ બંને નું વર્તન અલગ હોય અને તેની ગેરહાજરીમાં અલગ હોય..અને છોકરાને બિચારાને કયારેય જાણ થતી નથી કે કોણ સાચું ? અને કોણ ખોટું ? આમે ય સ્ત્રીને સમજવી કંઇ આસાન તો નથી જ.
પણ બેટા, આ તો સામાન્ય પ્રસ્તાવના થઇ. સામાન્ય વાત થઇ. આપણા સંબંધને આજે પૂરા દસ વર્ષ વીતી ગયા છે. અને આપણૉ સંબંધ બધી કસોટીઓમાંથી પાર ઉતરીને નીખરી ચૂકયો છે. જેનું આપણને બંનેને ગૌરવ છે. આનંદ છે. સંતોષ છે. હવે એમાં કોઇ દરાર પાડી શકે તેમ નથી.
બેટા, એ માટે હું તને ધન્યવાદ આપું છું. મારી એકલીથી કંઇ જ ન થઇ શકયું હોત. તારા સહકાર અને સમજણથી જ આપણૉ સંબંધ સુરભિત બની શકયો છે. તારા જેવી વહુ મળવા બદાલ હું ગૌરવ અનુભવું છું. તારા નામ જૂઇને તેં સાર્થક કરી બતાવ્યું છે. જૂઇની મહેકથી તેં અમારા ઘરને મહેકાવ્યું છે.
“ ગીત જેવું ઘર અને વહાલના લય તાલ;
કોણ પછી મંજિરા લે, કોણ લે કરતાલ ? “
વરસો પહેલાં આ પંક્તિ આપણા ઘરની દીવાલો પર મેં લખી હતી. ત્યારે તારો પ્રવેશ હજુ ઘરમાં નહોતો થયો. ત્યારે વિચારતી હતી..કે આટલા વરસો સુધી અમે આ ઘરને ગૂંજતું રાખ્યું છે. વહુ આવશે ત્યારે એ રહી શકશે ખરું ? મનમાં આવા વિચારો..શંકાઓ ઉઠતા રહેતા. આજે મને સંતોષ છે કે આપણું ઘર ગૂંજતું રહી શકયું છે. આપણા કિલ્લોલતા કુટુંબને તેં લાગણીઓથી લીલુછમ્મ રાખ્યું છે. એકસૂત્રે બાંધ્યું છે. એ તારે માટે પણ ગૌરવની વાત છે. અમારા દિલના આશીર્વાદ છે. તને પણ તારા જેવી જ સમજણવાળી વહુ મળે. અને અમારા જેવો જ સંતોષ પ્રાપ્ત થાય.
બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય..પેલી કથા વાર્તની જેમ કે જેવા અમને અમારા જૂઇરાણી ફળ્યા તેવા તમારા વહુરાણી તમને ફળે. દરેક સાસુ પોતાની વહુને આ જ આશીર્વાદ આપે અને તે વાત જ સાચી પડતી હોય તો ? તો કદાચ દરેક સાસુ વહુનું વર્તન આપોઆપ બદલાઇ ન જાય ? આપોઆપ પરિવર્તન ન આવે ?
” મુજ વીતી તુજ વીતશે..” એવું શા માટે કહેવું ? “ મેં માણ્યું તું માણશે..” એમ કેમ ન કહી શકાય ?
બેટા, તારો અમારા ઘરમાં પ્રવેશ થયો તે ક્ષણથી મેં એક ડાયરી લખવાની શરૂઆત કરી હતી. એ આસ્થા સાથે કે સમય મળ્યે હું મારી લાગણીઓને શબ્દદેહ આપીશ તો સારી રીતે સમજી શકીશ. તને કોઇ અન્યાય કરતી હોઇશ તો મારી જાતને ટકોરી શકીશ અને તું કોઇ ભૂલ કરતી હોઇશ તો નિખાલસતાથી તને મારા મનની વાત કહી શકીશ.
“ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે..”
તેની જેમ જ સાસુ વહુના સંબંધોમાં પણ સ્નેહ અને મૈત્રીભાવનું ઝરણું નિરંતર વહી શકે એ સ્વસ્થ સમાજ માટે અતિ આવશ્યક છે.
અને મને ખુશી છે કે મારા આ પ્રયોગમાં હું સફળ થઇ છું. અને આજે આપણી વચ્ચે અનેક વાર ખાટી મીઠી તકરાર થવા છતાં સ્નેહનું ઝરણું અકબંધ રહી શકયું છે. એક સાસુ વહુ વચ્ચેના સંબંધોની આ વિકાસ યાત્રા છે. જે અન્યને પણ પ્રેરણાદાયી બની શકશે. એ ભાવના સાથે…કાલથી અતીતના વૃન્દાવનની કુંજગલીઓમાં સહિયારી યાત્રા નો ગુલાલ કરીને વહેંચીશું ? કેમકે આપણા સાંઇ કવિ શ્રી મકરંદ દવે એ કહ્યું છે ને
“ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ..”
તો કાલથી ગમતાનો ગુલાલ કરીશું ને ?
You have always been my friend ………..You have always been my mummy………….. love u………………….
સાસુ-વહુને શુભેચ્છા !
એકદમ સરસ. પ્રિન્ટ કઢાવીને સાસુ-વહુ બન્નેને આપવા જેવું લખાણ. હું આજે જ આપુ છું..
Nilam you have rocked.awesome ….
awesome…..you have rocked
tame lakhichhe temanu thodu pan aachran maa hoy to svarg aaghu nathi
ખુબ જ સુંદર વાત
નીલમ બેન આપની વાતો ખુબ જ સરસ હોય છે. અને સાચ્ચી પણ.
કે કોઈ સાસુ નક્કી કરી ને નથી રાખતી કે વહુ ને હેરાન કરીશ્ અને વહુ નક્કી કરી ને નથી આવતી કે સાસુ ને હેરાન કરીશ.
તો પણ…….
એક ઘર માં રહેતી બે સ્ત્રી જો એક થઈ જાય તો મને લાગે છે કે એ ઘર જ ઘર કહેવાય.
ક્યારેક મને એમ વિચાર આવે કે આ બે સ્ત્રી ઓ વચ્ચે થી જો એ દીકરા અને પતિ નામનો પુરુષ હટી જાય તો એમની વચ્ચે મગજ મારી થાય જ નહી. એ પુરુષ જ્યારે કોઇ પણ એક નો પક્ષ લે ત્યારે જ વાંધા શુરુ થાય.
nilambahen,
tamara lekho khub bhavnatmak hoy chhe. jagat ne prem ane lagni thi j vadhu sundar banavi shakay. darek sasu pote pan ek vakhat vahu banine aavi hati etlu yaad rakhe toy ekta kapoor no dhandho bhangi pade ane “ardhu jagat shant thi jay !” saras ! maja aavi.
ખારા સંસારે આ વિચાર ધારા મીઠી વીરડી છે.
આપનુ લખાણ ખરેખર માર્ગદર્શક અને અદભુત છે.
અભિનંદન…
ઘણી બધી વાતો જે મેં વીચારી હતી , તે આ ભાગમાં તમે લઈ લીધી છે.
આશા રાખું કે આનો ઘણો પ્રસાર થાય અને વાચક તેને હકારાત્મક અભીગમથી વાંચે.