ડાયરીના પાનાઓમાં છલકતું સાસુ વહુનું ભાવવિશ્વ…


અપેક્ષાઓની અવરજવર ઓછી કરી શકીશું ?

અન્યનો તુલસી કયારો,
મહોરી રહે અમ આંગણ.
સદા રહે લીલોછમ્મ..

બેટા જૂઇ,

આજે મારા વહાલા દીકરા…અનુજની સગાઇ થઇ. મારી વહુની સગાઇ થઇ..એમ કહેવું વિચિત્ર લાગે છે. આજે એક દીકરીને સાસરે વળાવી.અને અન્યની દીકરીને ઘરમાં લાવી. દીકરી વળાવ્યાનો આનંદ અને લાવ્યાનો અતિ આનંદ ! દીકરીને વળાવતી વખતે એ આનંદમાં વિદાય અને ઉદાસીની એક આંસુભીની છાંટ પણ હોય છે..વિરહની એક રેખા જાણ્યે ,અજાણ્યે ઉપસતી હોય છે. જયારે અન્યની દીકરી ને આવકારતી વખતે એક નર્યો, નીતરતો ,નિર્ભેળ આનંદ માત્ર.! જીવનનો કેવો વિરોધાભાસ છે ! જોકે મારા મતે આને વિરોધાભાસ કહેવાને બદલે જીવનનો એક શાશ્વત ક્રમ કહી શકાય. દરેક મા એક દીકરીને વળાવે છે. અને અન્યની દીકરીને પોતાને આંગણે લાવે છે. અને આમ સંસારચક્ર ચાલતું રહે છે.

આજે તમે બંને પહેલીવાર સાથે પગે લાગ્યા. અને અંતરમાંથી આનંદની હેલી ની સાથે સાથે આશીર્વાદની અમીધારા પણ વહી રહી. બેટા, ખૂબ ખૂબ સુખી થાવ…ખુશ રહો…અમારા નાનકડા સંસારમાં..અમારા અંતરમાં તારું સ્વાગત છે. મારા દીકરાનું તું પ્રિય પાત્ર છે. અમારી પણ પ્રિયપાત્ર બની રહો. “ દૂધો નહાઓ..પૂતો ફલો…” એવા આશીર્વાદ આપવાને ને તો હજુ વાર છે. જો કે હું તો “ પૂતી નહાઓ…” એવા જ આશીર્વાદ આપીશ. કેમકે હું હમેશા પુત્રીની પક્ષપાતી રહી છું..એ જગજાહેર વાત છે. દીકરી એટલે નિરંતર વહેતું વહાલનું ઝરણુ. તું પણ કોઇની દીકરી છે..વહાલનું ઝરણુ છે. આજે આ ઝરણુ અમારે આંગણે..અમારા ઘરને વહાલના વારિથી ભીંજવવા હોંશે હોંશે આવેલ છે. ત્યારે એનો ક્લરવ…એનો ખળખળ નાદ સદા અખંડ રહે…એ જ પ્રાર્થના.

તારા કુમકુમ પગલાની છાપથી ઘરનું ને અંતરનું બંને આંગણ મેઘધનુષી રંગોથી રંગાઇ ગયા. તારા રણકતા ઝાંઝરના રણકારે ઘર ગૂંજી ઉઠયું. દીકરીના રણકતા ઝાંઝરમાં વિદાયના ભણકારા હોય છે. જયારે વહુના ઝાંઝરના રણકારમાં આગમનનો ઉલ્લાસ છલકે છે..રણકે છે. એ ઉલ્લાસ અખંડ રહેશે એ આસ્થા સાથે બેટા, આજે તને આવકારું છું.

વહુનું સ્વાગત, સત્કાર તો દરેક ઘરમાં હોંશે હોંશે થતા રહે છે. વહુના કુમકુમ પગલાં કરાવાય છે. એ પછી સમયના વહેતા પ્રવાહની સાથે સાથે સાસુ વહુ એકબીજાના સંપર્કમાં..વધારે પરિચયમાં આવે છે. અને કયારે..કઇ પળે બંને વચ્ચે ના સંબંધોના સમીકરણોમાં બદલાવ આવે છે..કયું રસાયણ..કયું તત્વ કામ કરી જાય છે..એ સમજની બહાર લાગે છે. શરૂઆતનો રોમાંચ, લાગણી દરેક સંબંધની જેમ અહીં પણ બંને પક્ષે ઓછા થતાં જાય છે. અને કોઇ દુર્ભાગી ક્ષણે એક નેગેટીવ તત્વ બંનેના માનસમાં પ્રવેશી જાય છે. કઇ અકળ હરિફાઇ બંનેના અજ્ઞાત મનના કોઇ ખૂણેથી જીવનમાં પ્રવેશી જાય છે. તે કદાચ સમજણના ક્ષેત્રની બહાર છે. નાની નાની વાતો ને મૂલવવાની દ્રષ્ટિ બંને પક્ષે બદલાય છે. શરૂઆતનો રોમાંચ અદ્રશ્ય થતો રહે છે. અપેક્ષાઓની અવરજવર વધતી રહે છે. અને જયારે એ સંતોષાય નહીં ત્યારે ગેરસમજણના વાદળો ઘેરાતા રહે છે. ત્યારે હરીન્દ્ર દવેની આ લાઇન જરૂર યાદ કરવી રહી.

“કોઇનો સ્નેહ કયારેય ઓછો નથી હોતો. ફકત આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. “

બાકી સાવ અપેક્ષારહિત તો માનવી થઇ શકે નહીં. માણસ માટે એ શક્ય નથી.

કોઇ મને ચાહે ને સમજે માણસનો એક જ અભિલાષ..”

બીજી કોઇ અપેક્ષાઓ કદાચ છોડીએ તો પણ આ અપેક્ષાથી છૂટવું આસાન નથી જ. એક સામાન્ય ઉદાહરણ આપું ?
અનિતાબહેન ના દીકરાના નવા નવા લગ્ન થયા હતા. વહુનો સ્વભાવ પણ સારો હતો. અનિતાબહેનને વરસોથી સવારે ઉઠીને પહેલાં ચા પીવા જોઇએ. પછી જ તેમની ગાડી પાટા પર ચડે. સાત વાગે તેમની ચા પીવાઇ જ જાય. મનમાં હતું કે વરસોથી જાતે બનાવીને ચા પીધી છે. હવે તો વહુ આવી એટલે નિરાંત. તૈયાર ચા મળશે. અને શરૂઆતમાં થોડો સમય તો વહુએ પણ હોંશે હોંશે ચા બનાવી આપી. પરંતુ પછી ઘણીવાર એવું થાય કે રાત્રે સૂવામાં મોડું થયું હોય કે કોઇ પણ કારણસર સવારે વહુથી સમયસર ઉઠી ન શકાય. અને અનિતાબહેને જાતે ચા બનાવી લેવી પડે ત્યારે મનમાં ધૂન્ધવાય..અને અંતે એ ધૂન્ધવાટ જુદા જુદા સ્વરૂપે બહાર આવે. એક ચા પણ વહુના રાજ્યમાં સમયસર નથી મળતી.. !

અને વહુ વિચારે કે કયારેક ઉઠી ન શકાય તો મમ્મી જાતે એક ચા ન બનાવી શકે ? પછી તો બધું હું જ કરું છું ને ? એક છૂપો અણગમો ઉગતો રહે છે. અને આવી નેગેટીવ લાગણીઓને ખાતર પાણી મળતા સમય નથી જ લાગતો. અને પરિણામ ? માનસિક જુદાઇની શરૂઆત.

તેને બદલે અનિતાબહેન વરસોથી ચા બનાવતા હતા. અને આજે યે એવી કોઇ શારીરિક તકલીફ પણ નહોતી કે જાતે ન બનાવી શકે ત્યારે વહુની અપેક્ષા આવી નાની વાતમાં કેમ છોડી ન શકાય ? સામે થી વહુને કેમ કહી ન શકે કે બેટા, તું તારે મારી ચિંતા કરતી નહીં. હું એટલું કરી લઇશ તો કંઇ ઘસાઇ નહીં જાઉં. “ અને વહુ પણ સાસુના સારાપણાનો ગેરલાભ લેવાને બદલે પછી બીજી વાતોમાં સાસુને ઓછું ન આવે એનો ખ્યાલ રાખે તો કયાંય કોઇ અસંતોષ ન રહે.. પણ અહીં તો સાવ સામાન્ય વાતમાં મોરચા મંડાતા રહે છે. વહુ પિયરમાં જાય છે ત્યારે કે ફોનમાં પોતાની મમ્મીને કહે છે..’મારી સાસુ તો જાતે એક ચા પણ નથી બનાવતા. ‘ અને મા ને મોટે ભાગે કયારેય દીકરીની વાત ખોટી લાગતી જ નથી. અને પરિણામ ? આજે અનિતાબહેન અને તેની વહુ વચ્ચે સતત ચણભણ ચાલતી રહે છે, મોરચા મંડાતા રહે છે. અને એક ચિનગારી કયારે આગનું રૂપ લે તે કોણ કહી શકે ?

બેટા, આપણા સબંધોમાં કોઇ દરાર ન પડે તેનો ખ્યાલ આપણે રાખીશું ને ? હું તારી લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીશ અને બેટા, તું મને સમજવાનો પ્રયત્ન કરીશ ને ?
મારા સાસુની કઇ કઇ વાત મને નહોતી ગમતી.. મારા એ અનુભવો યાદ રાખીને એ વસ્તુ અજાણતા યે હું તારી સાથે ન કરી બેસું તે માટે હું સદા જાગૃત રહીશ. બહાર, વહુ ને દીકરીની જેમ રાખવી જોઇએ..તેવા મોટા ભાષણો કરતી સ્ત્રી પણ ઘરમાં પ્રવેશે છે ત્યારે એ બધું ભૂલી જાય છે. ના, બેટા, હું તારી માતા બની શકીશ કે નહીં એ આ પળે તો ખબર નથી. પણ એક સારી સાસુ..સારી વ્યક્તિ બનવાનો પ્રામાણિક પ્રયત્ન તો જરૂર કરીશ. અને એમાંથી જ કોઇ સુખદ પળે આપણી વચ્ચે સાચા અર્થમાં મા દીકરીનો સંબંધ મહોરી ઉઠશે.

અને ત્યારે તું મને કહેવા ખાતર…રિવાજ ખાતર મમ્મી નહીં..પણ સાચા અર્થમાં મમ્મી માનીશ અને હું તને સાચા અર્થમાં દીકરીનું સ્થાન આપી શકીશ અને હૈયાના હેતથી આપણે ભીના થઇ શકીશું. રાતો રાત તું મને તારી મમ્મી નું સ્થાન નહીં જ આપી શકે તેનો મને ખ્યાલ છે. અને હું પણ કયાં રાતોરાત તને દીકરીનું સ્થાન આપી શકીશ ? મમ્મી સંબોધનથી મમ્મીની લાગણી વહુના હૈયામાં જન્મી શક્તી નથી કે દીકરી કહેવાથી દીકરીની લાગણી સાસુ અનુભવી શકાતી નથી. એ વાસ્તવિકતા છે. સાસુ વહુના સંબંધો તો બીજા દરેક સંબંધ કરતાં વધારે માવજત..વધારે કાળજી માગે છે. વાસણ જેમ ઘસી ઘસીને ચળકી શકે છે. તેમ આપણા સંબંધોને આપણે રોજિન્દા વ્યવહારમાં ઉજાળવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો. આપણી વચ્ચે ગેરસમજણના વાદળૉ ઘેરાવા નહીં દઇએ. અને આમાં મને તારો સાથ અને સહકાર જોઇશે. બેટા, મળશે ને ? આપણે સાથે મળીને એક નવી સમજ વિક્સાવીશું ને અંતરના દ્વાર ઉઘાડા રાખીશું ને ?

10 Comments

  1. 1
    neetakotecha Says:

    સાસુ વહુ નાં સંબધો માટે શુ કહેવુ? પણ ઍટલુ જરુર થી કહીશ કે કોઇ સાસુ એ મા બનવા પ્રયત્ન ન કરવો અને કોઇ વહુ એ દીકરી બનવાનો.મોઢેથી મમ્મી જી અને બેટા બેટા થાતુ હોય પણ અંદર થી એક્બીજાને કતલ કરતા હોય.
    આના કરતા સાસુ ને સાસુ ની જેમ માન આપો.
    અને વહુ ને વહુ ની જેમ તો પણ બસ છે.

  2. 2
    manvant Says:

    બહેના ! સાસુ-વહુનું ભાવચિત્ર સરસ ચીતર્યું છે.
    આશા રાખીએ,એમાંથી ઉપયોગી બોધ લવાય !

  3. 3

    ખૂબ જ સુંદર નવા ભાવવિશ્વની શરૂઆત કરી છે આંટી… અભિનંદન!
    અને મને તો આનું શિર્ષક જ વધુ ગમી ગયું.. “અપેક્ષાઓની અવરજવર ઓછી કરી શકીશું ?”

    મા-દીકરીનાં ભાવવિશ્વ માટે તો ખૂબ ખૂબ અભિનંદન… અને સાથે સાથે સાસુ-વહુનું આ નવું ભાવવિશ્વ પણ મા-દીકરીનાં ભાવવિશ્વ જેવું જ ભાવવાહિ બની રહે, અને એ બધા હપ્તાઓ પણ આટલા જ પ્રચલિત બની મુંબઈ-સમાચાર તેમ જ ગુજરાતનાં છાપાઓમાં પણ આવે એવી હાર્દિક શુભકામનાઓ!

  4. 4
    nalini jatania Says:

    very touching but practical artical.It’s very true that a daughter-in-law cann’t all of asudden becomes daughter.

  5. 5
    Rani Says:

    Mummy…………………

  6. 6
    Pinki Says:

    અપેક્ષાની અવરજવર ઓછી થાય
    એટલે એ ભાવવિશ્વ
    સાસુ – વહુ નું નહિં
    મા – દીકરીનું જ બની રહેશે

    બસ, કોઇ એક કુટુંબ આ ભાવવિશ્વમાં
    વહે અને મા-દીકરી બની રહે !!

  7. 7

    તમારી આ ડાયરી સાસુ ને વહુ બન્ને સાથે બેસીને વાંચે અથવા એકજણ વાંચે ને બીજુ સાંભળે તો કેવી મજા આવે . આપણા સમાજના ઘણાખરા કોયડા ઉકેલી શકાય એમ મારીનમ્ર માન્યતા છે

  8. 8
    સુરેશ જાની Says:

    અનેક નકારાત્મક પરીબળોની વચ્ચે આ લખાણ વાંચવનું ટાળતો હતો. પણ આજે તો વંચાઈ જ ગયું .
    —————

    અને ત્યારે તું મને કહેવા ખાતર…રિવાજ ખાતર મમ્મી નહીં..પણ સાચા અર્થમાં મમ્મી માનીશ અને હું તને સાચા અર્થમાં દીકરીનું સ્થાન આપી શકીશ અને હૈયાના હેતથી આપણે ભીના થઇ શકીશું. રાતો રાત તું મને તારી મમ્મી નું સ્થાન નહીં જ આપી શકે તેનો મને ખ્યાલ છે. અને હું પણ કયાં રાતોરાત તને દીકરીનું સ્થાન આપી શકીશ ? મમ્મી સંબોધનથી મમ્મીની લાગણી વહુના હૈયામાં જન્મી શક્તી નથી કે દીકરી કહેવાથી દીકરીની લાગણી સાસુ અનુભવી શકાતી નથી. એ વાસ્તવિકતા છે. સાસુ વહુના સંબંધો તો બીજા દરેક સંબંધ કરતાં વધારે માવજત..વધારે કાળજી માગે છે.
    ————-
    બહુ જ ગમ્યું. આ વીશય આજના સંદર્ભમાં – ન્યુક્લીયર ફેમીલીના સમયમાં – ભલે પ્રસ્તુત ન હોય, સ્ત્રીમાનસની કેળવણી માટે બહુ જરુરી છે.

  9. 9

    આભાર દાદા, અંતે વાંચવા બદલ..આપ સૌ ના પ્રોત્સાહનથી લખવાની પ્રેરણા મળતી રહે છે.હજુ સાસુ તરીકે અનુભવ થયો નથી.આ તો અન્યના અનુભવ પરથી લખવાનું છે..એટલે અઘરું પડે છે. જોકે એક વહુ તરીકે તો સાસુનો અનુભવ થયો જ છે.પરંતુ સદનશીબે એ ખૂબ સારો અનુભવ છે.
    આપ સૌના નિખાલસ અભિપ્રાય મળતા રહેશે ને ? કેમકે નજીકના ભવિષ્યમાં જ આ પણ છપાવાનું જ છે. આપ સૌના અભિપ્રાય સાથે.
    દાદી (??? !!!!ભાભીજી ) સાથે વાત કરી હતી. આજે ફરીથી કરીશ.

  10. 10
    DARSHANA DESAI Says:

    khub j saras lekh.. darek ghar mate sva-anubhav no vishay !! saasu bhale maa n thay ne vahu dikri n thai, chhata banne saara sasu-vahu bani rahe e khub j jaruri chhe.


RSS Feed for this entry

Leave a Comment