આંખ..એક ઝલક..

ઇશ્વરે,
જો આંખ ન બનાવી હોત તો
આ હૈયાનો ભાર
કોણ ઓછો કરત ? !

મધુકાન્ત જોષી.

ફૂલછાબમાં પ્રસિધ્ધ થયેલ “ આંખ ” મોનો ઇમેજ કાવ્યો માંથી મારા મનગમતાં કાવ્યનો રસાસ્વાદ કરવાનું શ્રી મધુકાન્તભાઇ નું ભીનું આમંત્રણ સ્વીકારી આ ટચુકડા કાવ્યની અંદર ડૂબકી મારવાનો લહાવો લઉં છું. આ સુંદર મોનો ઇમેજ લાવ્યો માટે તેઓ અભિનંદનના સાચા હકદાર છે. એક જ કાવ્યને દરેક ભાવક પોતાની દ્રષ્ટિથી અલગ અલગ રીતે માણી શકે છે. અને ઘણી વખત એવું પણ બને છે કે કવિએ ન વિચારેલ અર્થ પણ વિવેચકો કે ભાવકો શોધી કાઢીને કવિને પણ વિસ્મય અર્પે છે.
આંખ…ઇશ્વરનું અણમોલ વરદાન. તેથી જ આંખને..નેત્રને રત્નની ઉપમા આપી છે. દુર્લભ રત્ન. સૃષ્ટિની સુંદરતા સાથે નાતો જોડી આપતાં આ નેત્રો નું મૂલ્ય અમૂલ્ય છે..એ તો સ્વાભાવિક રીતે જ સમજી શકાય તેવી સહજ વાત છે. આંખનું કામ નિહાળવાનું તો ખરું જ. આંખની ઉપયોગિતા લખવાની કે સમજાવવાની વાત નથી જ.

અહીં તો કવિને આંખ અંગે એક અલગ પ્રશ્ન ઉદભવે છે. આંખ ન હોત તો ? પ્રશ્નનો જવાબ પણ જાતે જ કવિ આપી રહે છે. હૈયાનો ભાર હળવો કરવાં માટે આંખથી ઉત્તમ સાધન બીજું કયું હોઇ શકે ? શબ્દો ઘણીવાર લાચાર બની જાય, અસમર્થ બની જાય..પરંતુ આંખ કયારેય નાકામ ન બની શકે. આંખ એ તો અંતરની આરસી છે. મોઢેથી માણસ ગમે તે બોલી શકે..સાચું ખોટું…સારું ખરાબ…! શબ્દો પર એક બુરખો , અંચળો ઓઢાડી શકાય. ઘણીવાર માનવીની જીભ એક વાત કહેતી હોય અને આંખ બીજી વાતની સાક્ષી પૂરાવતી હોય. કેમ કે માનવની આંખ કયારેય ખોટું ન બોલી શકે. આંખ..હૈયાના અતળ ઉંડાણમાં છૂપાયેલ સંવેદનાઓ આંખના માધ્યમ દ્વારા પ્રગટ થઇ શકે છે. આંખથી હૈયાને સહજતાથી વાંચી શકાય છે. અને કોઇ ગાઇ ઉઠે છે.

“ મૂંગામંતર હોઠ તો મારા, પણ બોલકી આ આંખો નું શું ?

અને આંખોની લિપિ ઉકેલી શકવાનું સામર્થ્ય દરેક પાસે થોડું હોય છે ? આંખોની વણકહી લિપિ વાંચવા માટે દિલમાં સંવેદના જોઇએ, સ્નેહ જોઇએ, અને એને ઓળખવાની ભાવના જોઇએ શબ્દોમાં

ઘણી વખત એ તાકાત નથી હોતી કે તે દિલની પ્રત્યેક ભાવના ને વ્યકત કરી શકે..જીવનમાં ઘણાં પ્રસંગોએ શબ્દો વામણા બની રહે છે. અને ત્યારે…ત્યારે આંખ ….એક દ્રષ્ટિ ઘણું કહી જાય છે, સમજાવી જાય છે. મૌન રહીને અંતરની વાત ને ઉજાગર કરી જાય છે. અને આંખની આ તાકાત જોઇને…અનુભવીને જ શ્રી મધુકાન્તભાઇ જેવી કવિજીવને પ્રશ્ન જાગે છે ‘ ઇશ્વરે આંખ ન બનાવી હોત તો ? ‘ જોકે કવિએ જવાબ પણ જાતે જ આપ્યો છે. દરેક ભાવક પોતાનો જવાબ જાતે પણ શોધી શકે છે. અને એવું પણ બની શકે કે દરેક પાસે પોતાનો જવાબ હોય,…અને એ દરેક જવાબ સાચો પણ હોય શકે.. કવિએ તો પોતાનો જવાબ અહીં આપી દીધો છે…ઇશ્વરે આંખ ન બાનાવી હોત તો હૈયાનો ભાર કૉણ ઓછો કરી શકત ?

માનવી રડી ને, હસીને આંસુ કે સ્મિત દ્વ્રારા હૈયાનો ભાર હળવો કરી શકે છે. પાંપણે પરોવાતા એ બે અમૂલ્ય મોતી દિલની વાતને વાચા આપવા સક્ષમ છે જ. એનો ઇન્કાર થઇ શકે તેમ છે ? એ બે બુંદ પરમ વેદના ના પણ હોઇ શકે ,આનંદની પરાકાષ્ઠા ના પણ હોઇ શકે કે પસ્તાવાના પણ હોઇ શકે .

“ મનુષ્યના કર્મની કાલિમા ને સમર્થ ધોવા લઘુ અશ્રુબિંદુ “

દિલના અતલ ઉંડાણમાંથી પ્રગટેલું સ્મિત કે અશ્રુ બંને માં આ તાકાત છે. એ બે બુંદ કોઇ શબ્દોના મોહતાજ નથી જ. કવિ આ વાત સારી રીતે જાણે છે. અને તેથી જ તેમને પ્રશ્ન જાગે છે કે આ બે બુંદનું ઉદભવસ્થાન આંખ, જો ન હોત તો..? તો દિલનો ભાર હળવો કેમ થાત ?

પરમ આનંદ કે પરમ વેદનાની પળે સામાન્ય રીતે આપણે સૌ શબ્દવિહોણા નથી બની જતા ? શબ્દો ઘણીવાર નાકામ બની રહે ત્યારે નાનકડી બે આંખો કેટકેટલું બોલી ઉઠે છે. પોતાના એ ખારા જળથી હૈયાનો ભાર હળવો કરી દિલને મૌન સાંત્વના અર્પી રહે છે. અને અંતરને ટાઢકની અનુભૂતિ અર્પી ભરઉનાળે ગુલમહોરની શીતળતા બક્ષે છે. આંખ વિના એ કામ કોણ કરત? કવિના આ પ્રશ્ન અને જવાબ સાથે સંમત થવું જ રહ્યું ને ?

આંખના અગણિત કાર્યો માં હૈયાનો ભાર હળવો કરવાનું તેનું કાર્ય બીજું કોણ ઉપાડી શકે ?

” શબ્દની હોડલી કોઇ જયારે નથી, લઇ જવા ભાવનો ભાર મારો;
નેન ના નીરના એક એ કિરણમાં, ઉજળું હ્રદય આખું યે થાતું
પ્રેમીનો પ્રેમ, કારૂણ્ય સંતો તણું લઇ જતો અશ્રુનો એક રેલો…”

ઇશ્વરે આંખ ન આપી હોત તો..? એ કલ્પના કરવી પણ કયાં પસંદ આવે તેવી છે ?

હૈયાનો ભાર હળવો ન થાત. અશ્રુ વાટે ન વહી શકેલ સંવેદનાઓ નું શું થાત ? કંઠે ડૂમો અને ગળામાં મૌન થીજી જ જાત ને? અને એ થીજેલ ડૂમો હૈયાને ખળભળાવી જ મૂકે ને ? અને હૈયાનો ખળભળાટ….એની ધ્રૂજારી..એના લાગણીતંત્ર પર થતો હુમલો કેટલો જોખમી બની રહે બધી રીતે એનાથી આપણે અજાણ થોડા જ છીએ ?
ઇશ્વર..તારો લાખ લાખ ઉપકાર..તેં આંખો આપી ને હૈયાનો ભાર હળવો કરવાની સગવડ માનવજાતને અર્પી છે . આંખના નીરને રોકવાની ગુસ્તાખી શા માટે કરવી ?

નીલમ દોશી.

15 Comments

  1. 1
    wafa Says:

    હમારા કસુર કયા હૈ? ..મસલાતો આંખકા થા,
    યે જા કર કહીં ન લડતી, દિલ યે બિમાર હોતા.

  2. 2
    chetu Says:

    આંખે ભી હોતી હૈ દિલ કી ઝુબાન..બિન બોલે કર દેતી હૈ હાલત યે દિલ કી બયાન..!

  3. 3
    સુરેશ જાની Says:

    થોડી અવળચંડાઈ કરું ? !

    અંધ વ્યક્તીને પણ સંવેદના હોય છે. તેને પણ આંસું તો આવતાં જ હશે ને? આંસુંનું કેન્દ્ર આંખ નહીં, પણ મગજ છે. આંખ તો તેને બહાર નીકળવાનો રસ્તો માત્ર આપે છે.
    હૃદય, આંખ. પેટ ( ભુખ) આ બધાં અંગોને ખરેખર કોઈ સંવેદના પોતાની હોતી નથી. માત્ર મનના સંવેદનોની તે અભીવ્યક્તી જ કરે છે.
    સોરી ટુ ડીફર !!

  4. 4
    ધવલ Says:

    સરસ રસાસ્વાદ !

  5. 5
    manvant Says:

    “An eye is the index of the soul “. આમ કોઇકે કહ્યું ,તે સાચું જ છે.
    આપે કરેલ રસદર્શન-રસાસ્વાદ અભિનંદનને યોગ્ય છે જ ! તમે ગુર્જર
    નીલમ (ઘરેણું ) છો !

  6. 6

    તમે તો ભાઇ ગાગરમાઁ સાગર ભરી દીધો, બહુ જ સરસ

  7. 7
    neetakotecha Says:

    ખુબ જ સુંન્દર .

  8. 8
    vijayshah Says:

    ઘણો જ સરસ રસાસ્વાદ…
    આપનુ વાંચન પણ ઘણું જ બહોળુ છે તેથી મુખ્ય કવિતા સાથે ટાંકેલી દરેક કાવ્ય પંક્તિઓ ઘણી સુંદર છે
    મઝા આવી ગઇ

  9. 9
    Ramesh Shah Says:

    Khoob sunder Rasaswad.Abhinandan.

  10. 10
    saru Says:

    quite nice!
    I thank my eyes which enabled me to read the rasaswad!
    saru

  11. 11

    આંખો જે કામ કરી શકે છે તે ઘણીવાર ખંજર પણ
    કરવા નાકામ બને છે.

  12. 12

    સુંદર રચના અને એવો જ મધુરો આસ્વાદ… ખૂબ ખૂબ આભાર…

  13. 13
    ashalata Says:

    nice one !
    no word—–

  14. 14
    Pinki Says:

    khub saras rasaasvad ! !

    ane rachana pan ati sunder ! !

  15. 15

    વાહ… ખૂબ જ સુંદર આસ્વાદ!


RSS Feed for this entry

Leave a Comment