પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

રત્નકણિકાઓ… October 31, 2007

નહીં બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે.અને બોલાયેલ શબ્દ તમારો માલિક.

વાદળ અને વાવાઝોડા વિના મેઘનુષ્ય હોઇ શકે નહીં.

જીવનમાં કોઇ કામ કર્યા પછી જો તમને થાય કે “આજે મજા આવી ગઇ.” ત્યારે માનવું કે તમે સાચે જ કામ કર્યું છે.બાકી તમે કામ પતાવ્યું છે.

ભાગ્યશાળી કેમ ના ખુદને ગણુ? કોકના આંસુ અગર લૂછવા મળે.

કેટલાક લોકોને એવો વહેમ હોય છે..કે એમને કોઇ સમજતું નથી.હમેશા ફરિયાદ કરતા રહેવું એ એમનો જન્મસિધ્ધ હક્ક છે.પણ એમણે કયારેય એવું વિચાર્યું છે..કેહું ખુદ કેટલાને સમજુ છું?

જિંદગી રેતી પર લખાયેલ નામ જેવી છે.એક નાની અમથી લહેરખી ને એ ભૂંસાઇ જશે.

દરેક નવો દિવસ સુખની શાશ્વતી નો પયગામ છે.સાવ સામાન્ય વસ્તુઓને પણ પ્રેમ કરતા શીખો.

શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે.જેને લીધે અનેક મહાભારત સર્જાય છે.એક કઠોર શબ્દ,એક ધારદાર વાગ્બાણ..કોઇના દિલને લંબો સમય સુધી કોતર્યા કરશે..અને મૂકી જશે એક કાયમી જખ્મ.

શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઇએ.શબ્દો શાંતિ પમાડે..સુખ ચેનનો એહસાસ કરાવે એવા હોવા જોઇએ. શબ્દો જયારે શસ્ત્રો બને છે ત્યારે લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે.

પ્રેમ એ એકલો હક્ક નથી.પણ બીજા પ્રત્યેની જવાબદારી છે.

સુખદ સ્મૃતિઓની તમામ બારીઓ ખુલ્લી રાખું..અને દુ:ખદની બંધ

નાની નાની બાબતોમાં ખુશ થઇ જતા આવડે એ જ ચિરંતન આનંદનું રહસ્ય.

 

આજની ખાટી મીઠી.. October 31, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:40 am

જે માણસ બેધડક નિખાલસપણે પોતે જે વિચારતો હોય તે કહે તે આપણને પ્રિય લગે છે….જો આપણે તેના વિચારો સાથે સહમત હોઇએ તો…!!

 

રત્નકણિકાઓ… October 30, 2007

Filed under: રત્નકણિકાઓ — nilam doshi @ 9:27 am

માણસ ધર્મ માટે લડશે,લખશે,તેને માટે મરશે..પણ તેને માટે જીવશે નહીં.

આપણે જેટલું વધારે કામ કરીએ તેટલી વધુ કામ કરવાની શક્તિ આપણામાં આવે.અને આપણે જેટલા વધુ કાર્યશીલ થઇએ તેટલો વધુ આરામ મળે છે.

હાલ તુરત જે નાના કામ તમારી સામે આવ્યા હોય તે શરૂ કરો.પછી મોટા કામો જાતે તમને શોધતા આવશે.

દરેક કાર્યને માટે સમય હોય છે.અને દરેક સમયને માટે કાર્ય….બાઇબલ

કોઇ પણ માણસ સાવ ન ગમે એવું તો કેમ બને?માણસ સામે મતભેદ હોઇ શકે.પણ એ વાંધાવચકાને એનેસ્થેશિયા આપતા આવડવું જોઇએ.પૂર્ણતા તરફ જવાનો રસ્તો એક જ..બીજાની અપૂર્ણતા તરફ આંખમીંચામણા કરવા અને પોતાની અપૂર્ણતા તરફ ધ્યાનબહેરા ન રહેવું,સારામાં સારા માણસમાં પણ કયાંક કોઇક ઓછપ હોય જ છે.અને ખરાબમાં ખરાબ માણસમાં પણ કયાંક કોઇ સારું તત્વ હોય જ છે.જરૂર છે..એક શોધી કાઢવાની..અને બીજા ને અણદેખી કરવાની.

એકલી શ્રધ્ધા વડે બહું ઓછું સિધ્ધ કરી શકાય છે.પણ સાવ શ્રધ્ધા વિના તો કશું સિધ્ધ નથી થતું.

 

આજની ખાટી મીઠી.. October 30, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:21 am

કહે છે કે આજની બચત આવતી કાલની મૂડી છે, હા, આજે બચાવેલ દરેક રૂપિયો આવતીકાલના પચાસ પૈસાની મૂડી બની જાય છે.

 

આજની ખાટી મીઠી… October 29, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 11:04 am

કેટલીક વાર મફત મળી ગયેલ વસ્તુની આપણે સૌથી વધુ કિમત ચૂકવવી પડતી હોય છે. !

 

કાશ…!! October 27, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 8:29 am

‘ અમી, દરિયાના ઊછળતા મોજાઓની વચ્ચે સંતાતો આ સૂર્ય કેવો અદભૂત દેખાય છે નહીં ? ‘

’ હા, શૈલ, દિવસે અગ્નિના ગોળા જેવું તેનું રૌદ્ર રૂપ અને અત્યારનું આ સૌમ્ય રૂપ..! બંને ની આગવી છટા..’ અત્યારે સૂરજ જાણે સાગર સાથે સંતાકૂકડી ન રમતો હોય..! અને આકાશમાં પોતાના અસ્તિત્વની નિશાની રૂપે વેરેલ એની આ રંગછટા તો જો..કોઇ ચિત્રકારનું દ્રશ્ય આની તોલે આવી શકે ખરું ?

’ હા, કુદરતની તોલે તો માનવી વામણો જ ને ? ‘

’ અમી, ‘અંધકાર અને અજવાસની વચ્ચેની આ ક્ષણો જાણે જીવનનું પ્રતીક હોય તેવું નથી લાગતું ? ‘

’હા, શૈલ, જીવનમાં યે અંધકાર અને ઉજાસની સંતાકૂકડી અવિરત ચાલતી જ રહે છે ને ? ’ અને જીવનમાં આવતી અંધકારની ક્ષણોને ઓગાળી ઉજાસ પ્રગટાવવો એ જ માનવીનું કર્તવ્ય ને ? ‘

ન જાણે કેમ અમીનો અવાજ શૈલને ભીનો લાગ્યો.

‘ અમી , તને અંધકાર ગમે કે ઉજાસ ? ‘

‘શૈલ, મને તો ઉજાસભર્યો અંધકાર વહાલો લાગે. ‘

’ અમી, આ આકાશ અને ધરતીનું મિલન ખરેખર કયાંય થતું હશે ખરું ? ક્ષિતિજ એ કેવળ દ્રષ્ટિભ્રમ હશે કે પછી ?

‘ ’શૈલ, કેટલાક ભ્રમ જીવનમાં સુખદ નથી હોતા ? જાળવી રાખવા જેવા નથી હોતા ? બધા રહસ્યો જાણવા જ જોઇએ એવો આગ્રહ કે દુરાગ્રહ શા માટે ? કયારેક અજ્ઞાન પણ આશીર્વાદરૂપ ન બની શકે ?

‘ હા, અમી, આ ઊછળતા મોજાનું સંગીત, એમાં ખોવાવાનો..ઓગળવાનો એક આનંદ દરેક વ્યક્તિ માણી કયાં શકે છે ? પર્વતની પેલે પારથી ઊગતા સૂરજનું ધીમે ધીમે ડોકિયુ કરતાં કરતા પ્રગટતા જવું.. જાણે સબ સલામત હૈ..ની ખાત્રી કરીને આગળ ન વધતો હોય..!! ‘ ’ ઉગતી ને આથમતી બંને વખતનું સૌન્દર્ય અદભૂત !

‘ માનવી ઉગતી કે આથમતી વખતે સમાન રીતે સ્વસ્થ રહી શકે ખરો ?

‘ ના, માનવી ને એની સંવેદનાઓ હોય છે ને ? ‘ સામાન્ય માનવી એટલો અલિપ્ત ન રહી શકે . ‘

જવા દે એ બધી ફિલોસોફી ની વાતો..’ શૈલ, તને યે મારી જેમ રોજ દરિયાની સાથે વાતો કરવી ગમે છે ? હું તો અહીં આવું એટલે મારી બધે ક્ષણો જીવંત બની જાય…! દરિયાને જોતા હું કયારેય ન થાકું.

‘ હા, અમી, દરેક ઊછળતા મોજા જાણે પોતાની વાતો કહેતા ન હોય.. દરેક પાસે પોતાનો આગવો મિજાજ..આગવી મસ્તી… ! માનવી ની માફક તેમની પણ કોઇ કથા કે વ્યથા હશે જ ને ? જો આપણે એ સાંભળી શકીએ..સમજી શકીએ તો…

શૈલ, આ મોજાઓ કયારેય થાકતા નહીં હોય ? ‘

’ના, અમી, ગતિ એ જ એનું જીવન..! થોભે એ મોજું નહીં…ઊછળે એ જ મોજુ..! ‘

આમ શૈલ અને અમીની વાતો અવિરત ચાલુ રહે. પૂરા ઉત્સાહથી રોજ દરિયાની, ઊગતા ..આથમતા સૂર્યની, ઊછળતા તરંગોની, કયારેક તારલાની લે ફૂલોની, ખુશ્બુની, રાત્રિની..અખૂટ વાતો ને એવો જ અખૂટ રસ..ઉત્સાહ..નાની નાની જીવંત વાતોના ફુવારા ઉડતા રહે,બંને એમાં ભીંજાતા રહે. કયારેક બંને બિલકુલ મૌન બની બેસી રહે. તો કયારેક અંતાક્ષરીની મહેફિલ જામે. બંને કલાકો સુધી ગાતા રહે.

એક માનવી સાથે મેળો એટલે શું ..તે શૈલ, અમીની વાતો સંભળીને જ સમજાય.

આજે પણ નિત્યના ક્રમ મુજબ શૈલ દરિયાકિનારે એ જ બેન્ચ પર આવી ને અમીની પ્રતીક્ષા કરતો હતો. હમેશા સમયસર આવતી અમી આજે કેમ હજુ આવી નહોતી. ? તે ઉદાસ બની ગયો. બે મહિના અચાનક અહીં જ થયેલ પહેલાં થયેલ પરિચયમાંથી મૈત્રી પાંગરી હતી. આજે અમી વિના…..

ત્યાં એક યુવતી આવી ને પૂછયું,’તમે જ શૈલ ને ? ‘ જવાબ હકારમાં આવતા તેણે કહ્યું,
‘અમી ના પપ્પાની અચાનક બદલી થતાં તેઓ કાલે જ અહીંથી ચાલ્યા ગયા છે. જતા જતા અમી મને તમને મેસેજ આપવાનું કહી ગઇ છે. હું અમીની ખાસ બહેનપણી છું. એકાદ ક્ષણ થંભી શૈલની ઉદાસ આંખો સામે જોતા તેણે ઉમેર્યુ,’ તમે ઉદાસ નહીં થતા. એમ અમીએ ખાસ કહ્યું છે. ‘

‘ ઉદાસ ? અમી ને જાણ હતી કે તેના વિના હું ઉદાસ થઇ જઇશ ? ‘

’જાણ ? અમી તમને કેટલો પ્રેમ મનોમન કરતી હતી..તે તમને જાણ છે ? ‘

’ પ્રેમ મને ? મને તો કયારેય…’ ’કહ્યું નહીં ..એમ જ ને ?શૈલભાઇ બધી વાતો કહેવાની થોડી જ હોય છે ?

‘ ’અમે તો હમેશા દરિયાની, એના તરંગોની, ઉગતા કે આથમતા સૂર્યની ને સંગીતની જ વાતો કરતા હતા. કયારેય કોઇ અંગત વાત કરી જ નથી..’ ’ હા, કયારેય ન જોયેલ દુનિયાની વાતો કલ્પનાની પાંખે ચડીને તેને કરવી ખૂબ ગમતી..એ વાતો દ્વારા બંધ આંખે તે કુદરત ને જોયાનો એહસાસ કરતી. ‘

‘ એટલે ? ‘

‘જન્મથી તેની દુનિયા અંધકારમય હતી. પણ કોઇની દયા તેને કયાં કબૂલ હતી ? કયારેય કોઇને જાણ થવા દેવી તેને ગમતી નહીં..અને કોઇ દેખતી વ્યક્તિ કરતાં તે મનની આંખોથી વધારે…..’

યુવતીનો અવાજ ભીનો થયેલ શૈલે અનુભવ્યો.
‘અને તમને ખૂબ ચાહતી હોવા છતાં તમારા પર કોઇ બોજ બનવા તે ઇચ્છતી નહોતી. કોઇ અંધ માણસ સાથે જ પોતે લગ્ન કરશે..જેથી તેને સમજી શકેને કોઇ તેની દયા ન ખાય..તેથી કયારેય તમને અણસાર સુધ્દ્ધાં ન આવવા દીધો. મારી પાસે તે પોતાનું હૈયુ ઠાલવતી રહેતી. તમારા માટે કેટલો સ્નેહ હતો તેને..! ખેર ! જવા દો..તમે ખૂબ સુખી થાવ..એવું કહેતી ગઇ છે. ..’ ગળગળા અવાજે એટલું કહી યુવતી ના ચાલી જવાનો પગરવ શૈલ સાંભળી રહ્યો.’

હા, ફકત સાંભળી રહ્યો..જોઇ તો તે પણ કયાં શકવાનો હતો ?

એકબીજાને સુખી કરવાની ભાવનાથી બંને …….

તેને થયું..કાશ ! પોતે અમીને સાચી હકીકત જાણવા દીધી હોત તો…?

 

આજની ખાટી મીઠી… October 27, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:18 am

રૂપિયો….તમે મંદિરે જાઓ છો ત્યારે તમને બહું મૉટો જણાય છે. અને બજારમાં જાઓ છો ત્યારે બહુ નાનો. !

 

આજની ખાટી મીઠી… October 26, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:37 am

ઘણાં લોકો પોતાના ફાજલ સમયનો ઉકેલ એ રીતે કરી લેતા હોય છે. તેઓ જૂથ જમાવીને બેસે છે. અને પછી જે લોકો કામ કરતાં હોય છે તેમની ટીકા કરે છે. !!

 

પહેચાન… October 25, 2007

માતા પિતાની
પુત્રી લાડકી,
ભાઇની વહાલી બેની..
પતિની પ્રિયા ને,
સંતાનની વત્સલ માતા..
કાકી, મામી, ભાભી..
કેટકેટલા સ્વરૂપોની
પહેચાન મારી.!!

પણ….
માન્ય છે કોઇને
વ્યક્તિ તરીકેની મારી પહેચાન ?

નરને આપું પૂર્ણતા
નારી હું સદા અધૂરી ?

ઉછેરી શકું ગર્ભમાં
નિજ સંતાન…
આપી શકું પહેચાન
મારા જ અંશ ને ?

 

આજની ખાટી મીઠી.. October 25, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:11 am

માણસ એક પ્રવૃતિમાં સોએ સો ટકા સફળ થઇ શકે…અન્યના દોષ શોધવાની..!!