એક અનુતર પ્રશ્ન….

“ તેજ દઇ તારા નહીં તો ના તૂટે, સુખ તળે સંતાપના ભણકારા હોવા જોઇએ. “

રાત્રિના અંધકારમાં તેજ લિસોટાની જેમ ખરતા તારા ને જોઇ ઇશાના મનમાં વિચારોના વંટોળ ઉઠી રહ્યા. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ નો સિધ્ધાંત સર્વત્ર સાચો જ છે ને ?

આસમાનમાં છવાયેલ ગોરંભો તો સાંજે જે ધોવાઇને સ્વચ્છ થઇ ગયેલ. પણ મનમાં છવાયેલ આ ગોરંભો તો વરસોથી અકબંધ હતો. એનું શું ? અહીં તો વાદળા વરસોથી ઘેરાયેલ જ હતા. નહોતા વરસતા… નહોતા અદ્રશ્ય થતા. જીવનમાં અંધકાર નહોતો…તો પ્રકાશ નો એહસાસ પણ કયાં હતો ? તેજ તળે સંતાપના ઓછાયા સંતાયેલ હતા..
ચાર વરસની માસૂમ ઉંમરે પહેલી વાર તેના મનમાં ઉગેલ એક પ્રશ્નનો સંતોષકારક જવાબ આજ સુધી તે પામી શકી નહોતી. અને ત્યારથી શરૂ થયેલ તેના અજંપાની સફર આજે ચોવીસ વરસે પણ વણથંભી ચાલુ રહી હતી. હવે તે થાકી હતી..હારી હતી..આ સવાલ પડતો મૂકવાના તેના બધા પ્રયત્નો નાકામ રહ્યા હતા. રહી રહી ને એ સવાલ તેની અંદર સતત સળવળતો રહેતો હતો.

શૈશવના તોફાન, મસ્તી તે કયારેય માણી શકી નહીં. જે ઉંમરે તેના જેવડા બીજા બાળકો રમતમાં મશગૂલ હોય, તેમના અણુ એ અણુ માં ચંચળતા હોય, આંખોમાં વિસ્મય અંજાયેલ હોય. તે સમયમાં ઇશા ના મનમાં અગણિત સવાલો ઉઠતા રહેતા. તે એક અત્યંત મેઘાવી, અત્યંત સંવેદનશીલ , બાળકી હતી.. તેની વિશાળ, પાણીદાર આંખોમાં અનેક પ્રશ્નો ઝલકતા રહેતા. જે પ્રશ્નોના મમ્મી, પપ્પા પાસે કોઇ સંતોષકારક જવાબ….ખુલાસાઓ નહોતા. તેથી તે અંદર ને અંદર વધુ ગૂંચવાતી રહેતી..
કિશોરાવસ્થામાં પહોંચી ત્યારે પણ એ ઉમરની છોકરીઓ ને સામાન્ય રીતે જે પ્રશ્નો થાય..તેને બદલે તેનું ભાવવિશ્વ અલગ જ હતું. તેના મનમાં સતત એક મનોમંથન ચાલતું રહેતું. અને હવે તો થોડી સમજણી થવાથી મમ્મી, પપ્પાને પણ પૂછતી નહીં. પરિણામે અંદર જ હિજરાતી રહેતી. મમ્મી, પપ્પાને પૂછવાથી તેમની વચ્ચે પોતાને લીધે ઝગડા થાય છે..તે જોઇ લેવાથી હવે તે મૌન બની ગઇ હતી. માતા પિતા એક મનગમતા ભ્રમમાં મશગૂલ રહ્યા કે કે હાશ.! હવે પુત્રી બધું ભૂલી ગઇ છે..એક કિશોરી એ થનગનતી આ ઉંમરે હવે જાત પર એક મહોરું પહેરી લીધું હતું. અને ઇશા અંદર..બહાર જુદી જુદી જિંદગી જીવતી થઇ હતી..તેની પીડા ને અંદર જ શમાવી માતા પિતા સામે સ્વસ્થ હોવાનો દંભ કરતાં શીખી ગઇ હતી. પણ કારમી એકલતામાં જયારે મનનો અંચળો ઉતરતો ત્યારે તે વ્યથાથી ઉભરાતી. આંસુ સારવા માટે કોઇ ખભ્ભો પણ તેની પાસે કયાં હતો ?

“ કોણે લખ્યા છે પ્રારબ્ધની કિતાબના ગૂઢ પાના ?
હાસ્યની રૂમઝૂમ છડીઓની વચ્ચે વહે, આંસુઓના પૂર છાનામાના. “

તરુણાવસ્થામાં તેને ઘણાં પ્રશ્નોના જવાબ મળ્યા હતા. હકીકતે તેણે જાતે..પોતાની રીતે શોધ્યા હતા. હવે તે પરિસ્થિતિ નું વિશ્લેષણ કરી શકતી. તે સંજોગો સમજતી થઇ. અને એ સમજણે તેને વધુ અંતર્મુખી બનાવી. અને આજે ચોવીસ વરસની યુવાવસ્થામાં તનમાં સ્વાભાવિક..કુદરતી આવેગો ઉછળતા હતા તો મનમાં ચાલતી આંતરિક મનોમંથનની પ્રક્રિયા પરાકાષ્ઠાએ પહોંચી હતી. તેના પ્રશ્નો તો આજ સુધી અનુત્તર જ રહ્યા
હતા. મમ્મી,પપ્પાનો સ્નેહ તો તેને મળ્યો હતો..પણ બધું અપૂર્ણ હતું.. સતત કંઇક ખૂટતું હતું. એ અહેસાસમાંથી તે મુકત નહોતી થઇ શકતી. તે સામાન્ય છોકરી હોત તો કદાચ આટલી હિજરાતી ન હોત. પણ…નહોતી તે સામાન્ય..નહોતા તેના સંજોગો સામાન્ય.

આજે યે એ દિવસ તેને બરાબર યાદ છે. જયારે ચાર વરસની ઉંમરે પહેલી વાર તેણે સ્કૂલેથી આવી ને મમ્મી પપ્પાને પહેલી વાર એ પ્રશ્ન પૂછયો હતો, ‘ મમ્મી, હું ઇશા છું કે આઇશા ? ‘

મમ્મી, પપ્પા સ્તબ્ધ.! કોઇ સરખો જવાબ આપી ન શકયું. અને ચાર વરસની ઉંમરે શરૂ થયેલ આ પ્રશ્ન વીસ વરસોથી તેના દિલ, દિમાગને ઝકઝોરતો આવ્યો હતો..આજે વીસ વરસોથી તે એ જ મુકામે ઉભી હતી. સમય જાણે આ સવાલ પૂરતો તેના માટે સ્થગિત થઇ ગયો હતો.

યુવાવસ્થામાં તેને સમજણ પડી કે તેના મમ્મી પપ્પાએ બંને ના કુટુંબની વિરુધ્ધ જઇ ને લગ્ન કર્યા હતા.
તેના મમ્મી, પપ્પા…. રાધિકા અને રહીમ બંને કોલેજમાં સાથે ભણતા. બંને ખાનદાન, શ્રીમંત કુટુંબના, હોંશિયાર અને બધી રીતે તેજસ્વી હતા. બંનેના વિચારોમાં રહેલી સમાનતાએ બંને ને નાત જાત, ધર્મના વાડાને ઓળંગવા મજબૂર કર્યા.
આમે ય છોકરીની જિંદગીમાં યૌવનની નદી છલકી ઉઠે ત્યારે જીવન ક્ષિતિજમાં પ્રવેશતો પ્રથમ છોકરો તેને માટે સાગરનો ઘૂઘવાટ બની રહે છે..સાગર અને સરિતાના મિલનને કોઇ રોકી શકયું છે ખરું ? નાતજાતના બંધન પ્રેમ કે યૌવન ને બહું નડતા નથી. અને બંને પરણી ગયા. જોકે લગ્ન પહેલાં બંને એ સમજૂતી ચોક્કસ કરી હતી કે બે માંથી એકે યે એકબીજાના ધર્મની આડે ન આવવું. રાધિકા એનો હિન્દુ ધર્મ પાળશે અને રહીમ પોતાનો મુસ્લીમ ધર્મ પાળશે . ધર્મની બાબતમાં બંને પૂરા સ્વતંત્ર રહેશે. અને ખાવાપીવામાં તો આમે ય રહીમ પહેલેથી શાકાહારી હતો. એટલે એ પ્રશ્ન બહુ ઉપસ્થિત ન થતો.
પરંતુ બંને નો ઉછેર પૂરા ધાર્મિક વાતાવરણમાં થયો હતો. રાધિકાના પપ્પા કટ્ટર હિન્દુ અને રહીમ ના પિતા કટ્ટર મુસ્લીમ હતા. હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે થયેલ ભાગલાના સમયમાં બંને ના દાદાઓએ વેઠેલ યાતના ના મૂળ હજુ યે અંદર મોજુદ હતા. અને છતાં…છતાં બંને એ લગ્ન કર્યા. બંનેના કુટુંબોએ તેમનો બહિષ્કાર કર્યો હતો.

રહીમ રાધિકા બંને સમજુ હતા. ઘણું અનૂકુલન તેમણે સાધ્યું હતું. છતાં લગ્ન પહેલા અને લગ્ન પછી ની દ્રષ્ટિ અને હકીકત બંને માં આસમાન જમીનનો ફરક હોય જ છે ને ? એ હકીકતનો ઇન્કાર કોણ કરી શકે ? ચકી ચોખાનો દાણૉ લાવી હતી અને ચકો મગનો દાણો લાવ્યો હતો. પણ તેની ખીચડી બનવાને બદલે કદાચ બંનેના દાણા અલગ જ રહ્યા હતા.. એક જ ઘરમાં બંને પોતપોતાનો ધર્મ પાળતા..પણ બંને કટ્ટર વાતાવરણમાં ઉછર્યા હોવાથી એકબીજાના ધર્મનો મનથી સ્વીકાર કયારેય ન કરી શકયા..કે એક્બીજાના ધર્મમાં જોડાઇ ન શકયા. ટીકા નહોતા કરતા તો અપનાવી પણ ન શકયા. બંને ને પોતાના ધર્મ માટે મમત હતી.

બંનેના પૂજાના રૂમ અલગ હતા. રહીમ તેના રૂમમાં નમાજ પઢતો. અને રાધિકા બીજા રૂમમાં કનૈયાની પૂજા કરતી. બંને પાછા ધાર્મિક હતા. અને બંને ને પોતાના ધર્મના દાયરામાંથી બહાર આવવું નહોતું ગમતું. કયારેક બંને વચ્ચે ચકમક પણ ઝરતી. છતાં એકંદરે કોઇ મોટો પ્રશ્ન બંને ઉભો ન થવા દેતા.
ઇશાના જન્મ સુધી તો ખાસ કોઇ તકલીફ ન પડી. પણ પુત્રીના જન્મ પછી તરત નામકરણ વખતે જે ભેદ..તફાવત સામે આવ્યો ત્યારે ખબર પડી કે અત્યાર સુધી તફાવતનો એક ભાગ જ બહાર સપાટી પર દેખાતો હતો. બાકી પાણી માં તરતી હિમશીલાના નવ ભાગ તો અંદર જ હતા. જે હવે ધીમે ધીમે બહાર દેખાવા લાગ્યા. પુત્રીજન્મથી બંને ખુશખુશાલ હતા. પણ પુત્રી પપ્પા માટે આઇશા બની . અને મમ્મી માટે ઇશા બની.
મા બાપે તો બે અલગ નામ રાખી સમાધાનકારી વલણ અપનાવી લીધું. પણ નાનકડી ઇશા ના સંવેદનશીલ, ભાવુક અત્યંત મેઘાવી પરંતુ અણસમજુ મનમાં શૈશવથી જ પ્રશ્નોનો અંબાર ખડકાતો હતો. તેને ખીચડીની ભૂખ હતી. અને તેને મળતા હતા …મગ અને ચોખા અલગ અલગ .! તેના દરેક પ્રશ્નોના તેને બે જવાબ મળતા. કે કદાચ ત્રણ જવાબ મળતા. મમ્મી એકલી હોય ત્યારે જુદો જવાબ..પપ્પા એકલા હોય ત્યારે જુદો જવાબ…અને બંને સાથે હોય ત્યારે ત્રીજો જવાબ..તેનું બાળમન એકલું એકલું આ બધા જવાબોનું પોતાની સમજણ પ્રમાણે વિષ્લેષણ કર્યા કરતું. તેને તો મમ્મી પપ્પા બંને વહાલા હતા. અને બંને ને ખુશ કરવા આવડી છોકરીને એક મુખવટો ધારણ કરવો પડતો. એક મહોરું પહેરવું પડતું..!

પપ્પાને ખુશ કરવા તે નમાજ પઢતી અને મમ્મીને ખુશ કરવા તે ભજન ગાતી. જોકે તેને ભજન ગાવા કદાચ વધુ ગમતા તેમ તે અનુભવી શકતી. કદાચ મમ્મી સાથે વધુ સમય ગાળતી હોવાથી એવું થયું હોય. ઘણીવાર તે બંને ને સાથે પૂજા કરવા કે નમાજ પઢવા કે સલામ આલેકુમ કે જેશ્રીકૃષ્ણ કરવા કહેતી. પણ થોડી સમજણી થયા પછી એ છૂટી ગયું કેમકે દર વખતે મમ્મી પપ્પા વચ્ચે એ બાબત અંગે ઝગડો થતો. અને ધીમે ધીમે ઝગડાનું સ્વરૂપ ઉગ્ર બનતું જતું. અને માતા પિતા વચ્ચેના ઝગડા માટે ઇશા પોતાની જાતને ગુનેગાર અનુભવતી…અને અંદર ને અંદર સોસવાતી રહેતી. અને અંતે તેણે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દીધું.

એક કિશોરી….જે ઉમરે કોઇની લાગણી ની હૂંફની સખત જરૂર હોય ત્યારે મનથી બિલકુલ એકાકી બની ગઇ. પોતાની જાતને તેણે કાચબાની જેમ સંકોરી લીધી હતી. મમ્મી,પપ્પા બંને ને ખુશ રાખવા તે પોતાની રીતે મથી રહેતી. અને ઇશા હવે ડાહી…મેચ્યોર બની ગઇ છે..એ મનપસંદ ભ્રમમાં રાચતાં માતા પિતા હરખાતા રહેતા.

અને સમય તો નિસ્પૃહ બની , સાક્ષીભાવે જોતો જોતો વણથંભી ગતિથી સરતો રહેતો….
ઇશા અને આઇશા વચ્ચે અટવાતી એ કિશોરી ધીમે ધીમે મોટી થતી ગઇ. તેની અંદરના પ્રશ્નો કયારેય શમ્યા નહોતા. તેની અંદર એક દ્વન્દ સતત ચાલતું રહેતું. પોતે હિન્દુ છે કે મુસલમાન ? પોતે હિંદુ હોય એ સારું કે મુસ્લીમ હોય તે ? હિંદુ ધર્મ સારો કે મુસ્લીમ ધર્મ સારો ?

મમ્મી પપ્પા તો કહેતા..તારે જે માનવું હોય એ માન..સ્વીકારવું હોય એ સ્વીકાર. ઇશા મમ્મીની દીકરી હતી. અને આઇશા પપ્પાની દીકરી હતી.

અને સ્કૂલ માં પપ્પાએ મુસલમાન જ લખાવેલ..જે મમ્મીએ કયારેય નહોતું સ્વીકાર્યું. અને એટલે ઇશા ઘરમાં હિન્દુ બની ને સ્કૂલમાં મુસલમાન. સ્કૂલમાં પણ ઘણીવાર તેને જાતજાતના પ્રશ્નોનો સામનો કરવાનો થતો. બહેનપણીઓ પણ તેને આ પ્રશ્ન પૂછયા કરતી. અને એટલે અંતે ઇશા એ બહેનપણીઓ નો ..મિત્રો નો સાથ છોડી એકલા રહેવાનું પસંદ કર્યું હતું. પણ પોતાની જાત થી તે કેમ ભાગે ? કયાં ભાગે ?

ઇશા હવે કોલેજમાં આવી હતી. હવે તે નાદાન નહોતી. પણ તેના પ્રશ્નો નો તો આજે યે કયાં અંત હતો ? કોઇ સમાધાન તે જાત સાથે કરી નહોતી શકતી. મમ્મી પપ્પા વચ્ચે પોતાને લીધે ઝગડા થયા કરતા. એટલે તે મૌન રહેવાનું પસંદ કરતી. પરંતુ પોતાની જાત સાથે તેનો સંવાદ, અવિરત ચાલુ રહેતો. એક સંઘર્ષ , એક મથામણ, એક વ્યથા તેની અંદર ઉછરતા રહ્યા..

અને હવે શરૂ થઇ હતી..તેના લગ્નની ચિંતા. સ્વાભાવિક રીતે જ મમ્મી ને તેના લગ્ન હિંદુ કુટુંબમાં કરવા હતા..અને પપ્પાને મુસ્લીમ કુટુંબમાં. પપ્પા મમ્મીને કહેતા, ’ તેં મુસ્લીમ સાથે લગ્ન કર્યા જ છે ને ? તો તારી દીકરી કેમ ન કરી શકે ? ’ દલીલોનો કયાં કદી અંત હોય છે ? અંતે જોકે હંમેશની જેમ નિર્ણય ઇશા ઉપર છોડાયો. અને હમેશ ની જેમ ઇશા માટે એ અનુત્તર પ્રશ્ન બની રહ્યો.
અને મનમાં વસંત ને પાનખરની મોસમની આવનજાવન ચાલુ રહી. જોકે વસંત નો અનુભવ તો દુર્લભ જ રહ્યો. બારી બહાર સામે ઉભેલ વૃક્ષના લીલાછમ્મ પર્ણ અકાળે ખરી રહ્યા હતા. એક કળી ખીલવા ને તૈયાર હતી…આતુર હતી. પણ…….

મમ્મી અને પપ્પા બંનેએ તેને ખૂબ પ્રેમ આપ્યો હતો.. એનો ઇન્કાર થઇ શકે તેમ નહોતો જ. પરંતુ કયો ધર્મ પાળવો ..એનો અર્થ ઇશા માટે એક જ હતો..મમ્મીને પસંદ કરવી કે પપ્પાને ?
જોકે મમ્મી, પપ્પાએ કહ્યું તો હતું કે ઇશાને ગમે તેની સાથે પરણી શકે છે. હિંદુ હોય કે મુસ્લીમ..પણ ઇશા બંને ને હવે બરાબર ઓળખતી હતી. બંનેની ઇચ્છા તે બરાબર જાણતી હતી. પોતાના નિર્ણયની કોની પર શું અસર થશે તેની યે તેને પૂરી સમજ હતી. અને લગ્ન જ ન કરવા..એ વિચાર સાથે તો મમ્મી કે પપ્પા કોઇ સંમત થાય તેમ કયાં હતું ? મમ્મી પપ્પાને તો હતું કે પોતે પુત્રીને પૂરી આઝાદી આપી છે..પછી કોઇ પ્રશ્ન જ કયાં છે ? ઇશાના મનોવ્યાપારથી બંને અજાણ જ રહ્યા. ઇશા એ જ કયારેય જણાવા કયાં દીધું હતું ?

કયારેક ઇશા ને થતું..પોતે હિંદુ કે મુસ્લીમ નહીં..કોઇ ખ્રિસ્તી કે એવા કોઇ અલગ ધર્મના છોકરાની જ પસંદગી કરે..જેથી મમ્મી..પપ્પામાંથી કોને પસંદ કરવા એ પ્રશ્ન જ ન ઉભો થાય. પણ એ માર્ગે જતાં..તેને થતું કે આમ કરી ને ભવિષ્યમાં તે એક નવી ઇશા ને જન્મ આપી બેસસે તો ? ના..ના.. એ માર્ગ પણ તે અપનાવી શકે તેમ નથી જ. હવે ? એક અસમંજસમાં…એક વમળમાં ફસાયેલી ઇશા ને કોણ રસ્તો બતાવે ? કોણ તેના પ્રશ્નોનો જવાબ આપી શકે ? કોણ તેની જીવનનૈયાને પાર ઉતારે ? કયાં હતો કોઇ નાખુદા ? હતો કે નહીં ? કેટકેટલા અનુત્તર પ્રશ્નો. !

ત્યાં અચાનક તેના જીવન આકાશમાં અક્ષતનો પ્રવેશ વીજળીના ચમકારાની જેમ થયો. એક મોતી પરોવાઇ ગયું અને અંતરમાં મેઘધનુષના રંગો લહેરાઇ ઉઠયા. એક આર્ટ ગેલેરીમાં થયેલ મુલાકાત ..પરિચયમાં પરિણમી અને પરિચય દોસ્તીમાં..અને દોસ્તી ગાઢ બની પ્રેમમાં કયારે પરિણમે છે તેની જાણ યુવાન દિલોને થાય છે ખરી ?
સમાન શોખ ને લીધે બંને એકબીજાની નજીક આવ્યા. ઇશા જીવનમાં પહેલીવાર પોતાનો પ્રશ્ન થોડા સમય માટે ભૂલી ગઇ…અને ભ્રમર ના ગુંજારવે એક બંધ કળી ખીલી ઉઠી.

નિર્ભેળ આનંદની અનુભૂતિ જીવનમાં કદાચ પહેલીવાર તે અનુભવી રહી. અક્ષત સાથે સહજીવનના મધુર સ્વપ્નો થી. સુપ્ત બની ગયેલ અરમાન જાગી ઉઠયા. કોરી ..તપ્ત ધરતી પર પ્રથમ વરસાદના અમીછાંટણા છંટાઇ રહ્યા. યૌવન, સ્નેહ ,મનગમતા સાથી નો કેફ….! બેસુરૂ લાગતું જીવન સાત સૂરોની સરગમથી અચાનક સૂરીલુ થઇ ગયું. જીવનવસંત ને વધાવવા…સત્કારવા તે તત્પર બની ઉઠી. અક્ષત નો સ્નેહ તેના જીવનને ઉમંગથી છલકાવી રહ્યો. બે કાંઠે વહેતી નદીની જેમ તે ભરપૂર વહી રહી. જીવનનાવનો નાખુદા મળી જતાં મંઝિલ કયાં દૂર હતી ? મૂરઝાતા મન ને ચૈતન્ય સાંપડયું. કયારેય ન અનુભવેલ અનુભૂતિથી તે લીલીછમ્મ બની ગઇ. પહેલા વરસાદમાં મહેકી ઉઠતી માટીની જેમ તેનું અસ્તિત્વ મહેકી ઉઠયું. અણુ એ અણુમાં એક નવી ચેતનાના સંચાર થી તે છલોછલ છલકી રહી.

દરેક પ્રેમીઓની જેમ તે બંને પણ સાતમા આસમાને વિહરતા હતાં…અને સ્વપ્નોની દુનિયામાં ખોવાતા રહેતા. જીવનમાં પહેલીવાર ઇશા એક આનંદનો..મુકિતનો એહસાસ માણી રહી. પોતાના પ્રશ્નોમાંથી મુક્તિ, અંતરની ગૂંગળામણમાંથી મુક્તિ. તેને થયું..તેના બધા પ્રશ્નો જાણે શમી ગયા છે. હવે તેને કોઇ જવાબ નથી જોતો. તે કયારેય કોઇ પ્રશ્નો માં નહીં અટવાય. પોતાની જાતને મુકત કરી દેશે..બધાથી મુકત. હવે મમ્મી..કે પપ્પા..? તેને સદા મૂંઝવતા આ પ્રશ્નને તે ઊંડે દાટી દેશે. હવે ન તે હિંદુ બનશે..ન મુસલમાન. તે બની રહેશે માત્ર માનવ. તેનો ધર્મ હશે માત્ર અને માત્ર માનવધર્મ. ઇશ્વર કયાં કોઇ શિશુ પર કોઇ ધર્મનું લેબલ લગાડી ને મોકલે છે ? બસ..તેના પ્રશ્ન નો જાણે તેને જવાબ મળી ગયો.

“ હવે કોઇ ના પૂછે, તું હિંદુ કે મુસ્લીમ કોમ નો, હવે બધાએ ભળી જવાનું…હવે જમાનો ડોટ કોમ નો. ”

અને તેના મનની બધી યે મૂંઝવણ..બધો યે પરિતાપ જાણે શમી ગયો હોય..તેમ તે પરમ પ્રસન્નતાનો એહસાસ કરી રહી.
તે સાંજે ઇશા અને અક્ષત બંને ખુશ હતા. ભવિષ્યની મીઠી કલ્પનાઓમાં મગ્ન હતા. ચાંચમાં ચાંચ પરોવી બે પારેવા ઘૂ ઘૂ કરી રહ્યા હતાં. ત્યાં અચાનક અક્ષતને કંઇક યાદ આવતાં તેણે પૂછયું, ‘ ઇશા, લગ્ન પછી તું કયો ધર્મ અપનાવીશ ? હિંદુ કે મુસ્લીમ ? ‘

ઇશા સ્તબ્ધ..! વરસોનો તેનો પ્રશ્ન હજુ અનુત્તર જ હતો ?

10 Comments

  1. 1
    Pinki Says:

    maanavataa no Dharma ?!!

  2. 2
    sunil shah Says:

    હા, માનવધર્મ જ..!

  3. 3
    સુરેશ જાની Says:

    જ્યાં સુધી માબાપો બાળકોની ઉપર પોતાની માન્યતાઓ અને પોતાનો ધર્મ ઠોકી બેસાડતાં રહેશે, ત્યાં સુધી આ પ્રશ્ન અનુત્તર જ રહેશે.
    માનવ જીવનની એ કરુણતા છે કે સૃશ્ટીનું સર્વ શ્રેશ્ઠ સર્જન હોવા છતાં તેને માણસ તરીકે જીવતાં આવડ્યું નથી.
    આપણે સૌ માત્ર મહોંરાઓ પહેરીને જીવવા જ ટેવાયેલા છીએ. આપણા બાળકોને પણ જન્મની સાથે જ કોઈ ને કોઈ મહોરાં પહેરાવી દઈએ છીએ.
    આશા રાખીએ કે એકવીસમી સદીમાં ઉછરેલી પેઢી આ મહોંરાં ફગાવી દેવાની હીમ્મત ધરાવતી હશે.

  4. 4

    કરુણ પણ સાચી વાત. સુરશ દાદાએ કહ્યું એમ આપણે આ મહોરાં ફગાવી શકીએ તો માનવતાના ધર્મ વાળા સમાજની રચના થઈ શકે.

  5. 5
    bharat dalal Says:

    Adjustment in life itself is difficult. When religions differ in observance in life would make very difficult fo Esha. She should not make the mistake her parents made.

  6. 6

    સરસ વાર્તા…

  7. 7

    Nicely raised issue, Nilam bahen! What could be the answer?

    …. Harish Dave Ahmedabad

  8. 8
    jugalkishor Says:

    સ-રસ વાર્તા.
    વાર્તા નેરેશન દ્વારા વહે છે. વાર્તાકાર પોતે વાર્તા કહેતાં બતાવ્યાં છે છતાં તેઓ જાણે વચ્ચે આવતાં જણાતાં નથી. એકાદ-બે સ્થળે તેઓ જાણે વાચકને સવાલ પુછી બેસે છે અને એ રીતે વચ્ચે આવી ગયાં છે ખરાં પરંતુ સમગ્ર કથા જાણે પાત્રોની મનોભુમીમાંથી જ આપોઆપ વહેતી હોય એવો અનુભવ થાય છે જે વાર્તા માટે બહુ જરુરી તત્ત્વ બની રહે છે.
    એક જ બાબત (ઈશાના મનોજગત)ને અરધી વાર્તા સુધી ખેંચ્યાં છતાં મોનોટોનસ બનતી નથી, અને દરેક વખતે લાગણીનો તાર જાણે નવા જ ભાવમાં ઝબકોળાઈને નવેસરથી કંતાતો હોય એમ એકધારો તાર ખેંચાયાં કર્યો છે !

    અરધે રસ્તે વાર્તાનું કેન્દ્રબીંદુ ઈશા તરફથી હઠીને માતાપિતા પર કેન્દ્રિત થતાં જ વાર્તામાં નવી રંગોળી પુરાય છે છતાં ઈશાથી અલગ કોઈ રચના થતી નથી તે આ વાર્તાનું બળવાન પાસું છે. ઈશાનો અનુત્ત્રર પ્રશ્ન સતત વાચકના મનમાં રણકતો રહે છે.

    લગ્ન પછી તારો ધર્મ કયો હશે ? એવો સવાલ આવતાં એક ક્ષણ તો એવું થઈ જાય છે કે આટલી મહેનત પછી વાર્તાને આમ જ પુરી કરવાની હતી ?! તો પછી આટલો તાર ખેંચ્યો શા માટે ? પરંતુ એને પણ નિરુત્તર રાખીને વાર્તાકારે વાતને સાચવી લીધી છે.

    કેટલાક આ સવાલનો જવાબ ઈચ્છશે; પણ જવાબ શા માટે ? જે સવાલ આજ સુધી ઈશાને વલોવી રહ્યો હતો ત્યારે કોઈએ (વાચક સુદ્ધાંએ) એનો જવાબ આપવા પ્રયત્ન કર્યો હતો શું ??? તો હવે શા માટે, જ્યારે ખરેખર ઈશાને ખુદને એનો ‘નક્કર’ જવાબ મળી જ ગયો છે ત્યારે ?!! (કોઈને થશે કે નક્કર જવાબ જેવો પતિ મળી ગયો હોય તો પછી એણે જ સવાલ પુચ્છ્યો શા માટે ?!!

    પરંતુ એનો જવાબ પણ એ બંને પર જ શા માટે ન છોડવો ? અનુત્તર પ્રશ્ન એ વાર્તામાંનાં પાત્રોનો પ્રશ્ન જ નહીં પણ ખુદ વાર્તાનું જ એક અંગ છે ! પ્રશ્ન પણ એક વાર્તાનું તત્ત્વ હોઈ એને ઉકેલવાની ચેષ્ટા એ વાચકની બાબત રહેતી નથી. ખુદ લેખક જ એનો જવાબ જણાવવા ન માંગતાં હોય (કે પછે ખુદ જ જાણતાં ન હોય !!) તો વાચક તો અવાચક રહી જાય એ જ જરુરી અને અ-નિવાર્ય બની રહે છે !

    છતાં કહી શકાય કે જવાબ વાર્તામાં સંતાયેલો જ છે : આ પ્રશ્ન એક કરામત જ છે અને અક્ષત કોઈ ધર્મમાં માને કે નહીં, ઈશાના વ્યક્તિત્ત્વથી, અક્ષતના હિન્દુ હોવાથી અને ખાસ તો એક જગ્યાએ માતા તરફના ઈશાના લગાવના ઉલ્લેખ માત્રથી એ બંનેનો સહજ ધર્મ હિન્દુત્વના સર્વધર્મસમભાવ ભર્યો માનવધર્મ જ હોય જે બંને ધર્મથી નિરાળો છતાં સૌને બાથ ભરતો ધર્મ બની રહે.

    ભાષાકીય પારાવાર ભુલો છતાં સાદ્યંત વાંચીને આ આટલું લખવા પ્રેરનાર તત્વને સલામ !!

  9. 9

    જુગલકાકા…ખૂબ સુન્દર છણાવટ કરી. આભાર. સચોટ વાત કહી દીધી..વાર્તા ના હાર્દ સુધી પહોંચ્યાની જાણે સાબિતિ આપી દીધી. સલામ

  10. 10
    ajit desai Says:

    આપણે સૌ માત્ર મહોંરાઓ પહેરીને જીવવા જ ટેવાયેલા છીએ. આપણા બાળકોને પણ જન્મની સાથે જ કોઈ ને કોઈ મહોરાં પહેરાવી દઈએ છીએ.


RSS Feed for this entry

Leave a Comment