અને દરવાજો ખૂલ્યો…. September 15, 2007
’ અરે, હજુ કેટલી વાર ? મારે મોડુ થાય છે. લાગે છે આજે બસ ચૂકી જવાશે . પણ ઠીક છે તું વધુ દોડાદોડી કરીશ નહીં. આમેય હમણાં આ નવા સાહેબ આવ્યા છે તે બહુ સારા છે. તેઓ બહુ માથા કૂટ કરતા નથી. એટલે બહુ ચિંતા નથી. પણ રોજ આમ નહીં ચાલે હોં. રોજ મોડું થાય એ તો કોઇ ન ચલાવે. ‘ મીનેશભાઇ રોજની જેમ બોલતા રહ્યા.
‘ ના, ના, થઇ જ ગયું છે. ‘ હાથમાં ટિફીન પકડાવતા માયાબેન બોલ્યા. ‘ અને ધ્યાન રાખીને જજો. .મારી ચિંતા ન કરશો. મને તો હવે સાવ સારું છે. ‘ “ હવે તું મારી ચિંતા ન કર. અને આરામ કરજે. ધ્યાન રાખજે દવા બરાબર સમયસર લઇ લેજે.પાછી આળસમાં ભૂલી ન જતી. ‘ કહી ઉતાવળે પગલે મીનેશભાઇ બહાર નીકળી ગયા. તેમને મોડુ થતું હતું તેથી જલ્દી ઘરની બહાર નીકળી ગયા. પણ ઘરની બહાર નીકળ્યા પછી તેમની ગતિ માં ઝડપ આવવાને બદલે ધીમી થઇ ગઇ હતી…એ જુદી વાત હતી. !
કેમ કે આજે કયાં જવું ? એ હજુ નક્કી નહોતું કર્યું. મહિના પહેલા બાય પાસ કરાવેલ પત્નીને પોતે કેમે ય કહી નહોતા શકયા કે અચાનક પોતાની નોકરી છૂટી ગઇ છે. ! છેલ્લા દસ દિવસથી ગામના બગીચાને બાંકડે બેસી ..છાપુ વાંચી, જાહેરખબરો જોઇ ટિફીનમાંથી ખાઇ..ઓફિસ સમય પૂરો થયે ઘેર આવી જવું એ નિત્ય ક્રમ બની ગયો હતો.. અમેરિકામાં સેટ થયેલ દીકરાની આશા રાખવી નકામી હતી. એ સત્ય તો ઘણાં સમયથી સમજાઇ ગયું હતું. અને પી.એફ.ના પૈસા પણ દીકરાને અમેરિકા મોકલી ભણાવવામાં ખર્ચાઇ ગયા હતા.
આજે ચોપન વરસે શું કરવું તે મીનેશભાઇ નક્કી નહોતા કરી શકતા. કોઇ દિશા નહોતી સૂઝતી. જે દીકરાના વિશ્વાસે બધી મૂડી તેની પાછળ ખરચી નાખવાની ભૂલ કરી હતી એની સજા ભોગવવી જ રહી. દીકરાના જન્મ સમયે કેટલી ખુશી, આનંદ અનુભવ્યા હતા. જાણે સ્વર્ગ મળી ગયું હોય..! અને હૈયાના હેતથી દીકરાને ઊછેર્યો હતો. કયારેય પોતાની કોઇ તકલીફની પુત્રને જાણ સુધ્ધાં નહોતી થવા દીધી. અને આજે ? જોકે આ તો કદાચ ઘર ઘરની કહાની છે. આમાં નવું શું છે ? પોતે કોઇ અપેક્ષા દીકરા પાસે કયારેય રાખી નહોતી. પણ હવે સંજોગો એવા આવ્યા કે…..મીનેશભાઇ ના માનસપટ પર એક પછી એક પ્રસંગોની જાણે વણથંભી વણઝાર ચાલી રહી. અતીત બની ગયેલ સમય નવરાશની પળોમાં અંતરમાં છલકી ન રહે તો જ નવાઇ ને ? સુખદ સ્મૃતિઓ સંભારણું બની મનને સભર બનાવી રહે છે. જયારે દુ:ખદ સ્મૃતિઓ મનને ઝકઝોરી રહે છે. બગીચા માં બેસેલ મીનેશભાઇ ના મનમાં ઉથલપાથલ મચી રહી હતી. . આમ ને આમ લાંબો સમય તો નહીં ચાલે. . અને જે ગયું તેનો વિચાર ન કરું તો પણ..આવનાર પળોનો તો વિચાર કરવો જ રહ્યો ને ?
” એક દરવાજો બંધ થાય છે ત્યારે ઇશ્વર બીજો દરવાજો અચૂક ખોલે છે..જરૂર છે એ તરફ દ્રષ્ટિ રાખવાની. “
એવું ઘણી જગ્યાએ વાંચેલ. અને પોતે એ દરવાજાની આશામાં જ પ્રતીક્ષા કરતાં હતા. પણ હજુ સુધી તો કયાં ય એ ખુલ્લો દરવાજો દેખાતો નહોતો. શું આ બધી વાતો હશે ? માનવી નિરાશ ન થઇ જાય માટે કહેવાતી વાતો માત્ર.? ઇશ્વર ખરેખર બીજો દરવાજો ખોલશે કે ? કયારે ? પોતાની શ્રધ્ધા ડગી જાય એ પહેલાં કંઇક થઇ શકશે ?
આવા વિચારમાં ગૂંચવાતા મીંશભાઇ સાંજે ઘેર આવ્યા. ત્યાં ઘર પાસે ગાડી ઉભેલી જોઇ અને પત્ની નો આનંદિત અવાજ સાંભળી તેને નવાઇ લાગી. અંદર ગયા..ત્યાં પત્નીએ કહ્યું, ‘ ઓળખાણ પડે છે ? આ આપણી સવિતાની અનિલા….ભઇ, એ તો હવે બહુ મોટુ માણસ થઇ ગઇ છે. ‘ ત્યાં અનિલા ઉઠીને મીનેશભાઇને પગે લાગી. અને મીનેશભાઇને યાદ આવી ગયું. તેને ત્યાં કામ કરતી સવિતાની આ દીકરી ને દસ વરસ પહેલાં પરણાવીને પોતે કન્યાદાન આપેલ..અને કરિયાવર પણ પોતે જ કરેલ. અનિલાને તેમણે દીકરી જેવી જ માની હતી. .અને આજે તે સુખી હતી. તેથી તે ખુશ થઇ ગયા.
અને એ પછી તો ખબર પડી કે અનિલાના વરે હવે ફેકટરી કરી હતી. સવિતા..તેની મા તો હવે આ દુનિયામાં નહોતી રહી.અને આજે તે તેના આ મા..બાપને પોતાની સાથે તેડી જવા આવી હતી. ‘ કાકા, તમારે કંઇ બોલવાનું નથી. તમારા જમાઇને ધંધામાં તમે મદદ નહીં કરો તો કોણ કરશે ? આપણે બધાએ સાથે જ રહેવાનું છે. અમારે તમારી જરૂર છે…….’ ન જાણે કેટલું યે તે બોલતી રહી.
મીનેશભાઇની આંખો અશ્રુથી છલકતી હતી. પોતાની શ્રધ્ધા તૂટી જાય તે પહેલાં ઇશ્વરે બીજો દરવાજો ખોલી આપ્યો હતો.!
