મૂંગા જીવ.. September 10, 2007
ગામમાં તેમનું સારું નામ હતું. દરેક ફંડફાળામાં ઉદાર હાથે તેમનો ફાળો નોંધાય જ. પાંજરાપોળમાં ગાયો માટે યે બધું કરી છૂટે. તેમની જીવદયા વૃતિ માટે પ્રખ્યાત. અબોલ પ્રાણીઓ માટે તેમને ખૂબ પ્રેમ. લોકો કહેતા. ઇશ્વરે છૂટે હાથે આપ્યું છે અને છૂટે હાથે વાપરી જાણે છે. રમેશભાઇની ધાર્મિક વૃતિ ગામ આખામાં વખણાતી. ખાસ કરીને અબોલ..મૂંગા પ્રાણીઓ માટે તેમના મનમાં ખૂબ અનુકંપા હતી. વરસોથી રોજ સવારે દરિયાકિનારે જાય. એક હાથમાં લોટની મોટી કોથળી અને બીજા હાથમાં રોટલાનો થેલો. રહેતો. કીડીઓના દર શોધી શોધી કીડીયારા પૂરે. અને કૂતરાઓને પ્રેમથી રોટલા ખવડાવે. ઘેર આવી પારેવાને એકાદ કિલો ચણ નાખવાનું યે ન ચૂકે. સવારે તુલસી કયારે દીવો કરી, મંદિરે જાય. દેવદર્શન કરી પછી જ દુકાન ખોલે. વણલખ્યો આ નિયમ વરસોથી અચૂક પળાતો.
ચોમાસાની ઋતુ હતી. બે દિવસથી અનરાધાર વરસાદ સતત વરસતો હતો. બહાર નીકળવાનું શકય જ નહોતું. રમેશભાઇએ નિયમ મુજબ રોટલા તો કરાવેલ. પણ ઘરની બહાર નીકળવું શકય નહોતું . નિયમ ને લીધે ઘરમાં બે દિવસનો લોટ પણ ભેગો થઇ ગયો હતો. પણ રમેશભાઇ લાચાર હતા. આ ધોધમાર વરસતા વરસાદમાં કીડિયારૂ પૂરવા કેમ જાય ? રમેશભાઇ અને તેના પત્ની..રીમાબહેન બાલ્કનીમાં બેઠા બેઠા વરસાદી સાંજનું સૌન્દર્ય માણી રહ્યા હતા. ત્યાં રમેશભાઇને ભજિયા ખાવાનું મન થયું. તેણે પત્નીને કહ્યું, ‘ આવી સરસ મોસમ. અને ગરમાગરમ ભજિયા ન ખાઇએ એ કેમ ચાલે ? પત્નીએ તરત તેમની કામવાળી મંજુ ને બોલાવી અને ભજિયા બનાવવાનું કહ્યું.
મંજુ ભજિયા તો તળતી હતી. પણ તેનું મન તો પોતાના ખોરડામાં પહોંચી ગયું હતું. આ વરસાદમાં પોતાનું ખોરડુ અકબંધ રહ્યું હશે કે કેમ ? એ ચિંતા મગજમાં સતત ઘૂમતી હતી. શેઠને ભજિયાની ચિંતા હતી.. વરસાદને માણવાની મોજ હતી. જયારે પોતાને ? વરસાદનું સૌન્દર્ય માણવા નું તો શ્રીમંતો ને પરવડે..પોતાના જેવાને તો વરસાદ આવે ને પહેલી ચિંતા તૂટયા ફૂટયા ખોરડાની સલામતીની થાય. કે પછી વરસાદમાં ચૂલો કેમ સળગાવવો એની ચિંતા હોય. ઘેર નાના છોકરા વરસાદમાં પલળતા હોય..માંદા થાય તો દવા ના પૈસા કયાંથી કાઢવા ? ગરીબોને તો વરસાદ એટલે જીવતી જાગતી આફત. મુશ્કેલીઓનો પાર નહીં. કયાંકથી વીણી લાવેલ પ્લાસ્ટીક ઢાંકી ઢાંકી ને ખોરડાને કોરું રાખવાના પ્રયત્નો કર્યા કરવાના. આમ વિચાર કરતાં કરતં તેણે ભજિયા તળ્યા. અને ઉપર હીંચકે ઝૂલી વરસાદી સાંજ નું સૌન્દર્ય માણી રહેલ શેઠ..શેઠાણી ને આપી આવી. અંતે સાંજે વરસાદનું જોર થોડું ધીમુ પડતા તેણે ઘેર જવાની રજા માગી. રીમાબહેનને થયું. આ કિડીયારુ પૂરવાનો બે દિવસનો લોટ ઘરમાં એમ જ પડયો છે . અને વરસાદ રહી જશે માની કૂતરા માટે કરાવેલ રોટલા પણ ઘરમાં નકામા પડયા છે..બગડી જશે..એના કરતાં તો આને આપી દઉં તો . બિચારી ગરીબ બાઇ ઘેર જઇ ને ખાઇ તો શકશે. આ વરસતા વરસાદમાં બિચારી શું કરશે ? આમ વિચારી તેણે લોટ અને સવારે કરાવેલ રોટલા મંજુ ને આપવા કાઢયા. મંજુ ને થોડી શાંતિ થઇ. હાશ.! હવે ઘેર પહોંચીને રોટલા ભેગુ તો થવાશે.
પણ ત્યાં રમેશભાઇ તે જોઇ ગયા. અને પત્ની ને તતડાવી નાખી, ‘ આ અબોલ પશુ માટેના રોટલા આમ ગમે તેને આપી દે છે ? મૂકી દે અંદર. બિચારા મૂંગા જીવ ના ભાગનું કોઇને આપી દેતા શરમ નથી આવતી ?
મંજુને થયું..કાશ ! પોતે મૂંગો જીવ હોત !
