પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી… September 7, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 5:04 am

પર્વતની પેલે પાર અતિ રળિયામણું દ્રશ્ય છે, પણ તે જોવા તમારે તે ચડવો તો પડે જ !

 

ભવિષ્ય…. September 7, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 5:02 am

દીપાનો પુત્ર તનય હજુ તો એક વરસનો થયો અને એક અકસ્માતમાં તેણે પતિ ગુમાવ્યો. દીપા બે દિવસે ભાનમાં આવી ત્યારે તો પતિની રાખ જ રહી ગઇ હતી. તે સૂનમુન બની ગઇ. . શમણાઓ હજુ તો સાકાર બને એ પહેલાં જ વિખેરાઇ ગયા. વિધાતાને તેનું ચપટી જેટલું સુખ પણ કદાચ પસંદ ન આવ્યું. પતિના મૃત્યુએ તેને એકલવાયી કરી દીધી. પિયરમાં મા બાપ હતા નહીં અને ભાઇ ભાભી હતા એ ન હોવા જેવા. થોડા દિવસ લોકે લાજે આવી ગયા. સાસરામાં પણ લગભગ એવું જ હતું. હમેશ માટે કોઇ સહારો બને તેમ નહોતું. અને દીપા બહુ જલ્દી સમજી ગઇ કે હવે જીવનનાવ એકલા જ હંકારવાની છે. અને તે યે સામા પ્રવાહે જ.
પોતાની લડાઇ પોતે એકલાએ જ લડવાની છે..એ સત્ય બધા સગાઓએ તેને બહુ જલ્દી સમજાવી દીધું.

હજી તો દીપાએ હમણાં જ ચોવીસ વરસ પૂરા કર્યા હતા. ત્યાં જ…..!! દીપાના સૌન્દર્યથી અભિભૂત થઇ કેટલાયે દીપા ને ફરી લગ્ન કરવાની દરખાસ્ત મૂકી. આમ અત્યારથી આયખુ કેમ વીતાવશે ? કેટલાયે ભય સ્થાનો સમાજે બતાવ્યા. દીકરા સાથે પણ સ્વીકારવા ઘણાં તૈયાર હતા. પણ દીપાને ડર લાગ્યો કે પુત્રને કયાંક પિતાનો પ્રેમ ન મળે તો ? પુત્રને અન્યાય થાય તો ? પુત્રને ભોગે તે પોતાની જિંદગી બનાવવા તૈયાર નહોતી. પોતાના ભવિષ્યનું જે થાય તે..પણ દીકરાનું ભવિષ્ય તે દાવ પર ન લગાડી શકે.

મા એ પુત્રના ભવિષ્ય માટે ભોગ આપવો જ રહ્યો. સદીઓથી કોઇ પણ સ્ત્રી સંતાન માટે ભોગ આપતી જ અવી છે ને ? એમાં કોઇ મોટી કે આશ્ર્વર્યની વાત નથી હોતી.

અને એકલે હાથે ઝઝૂમવાનું શરૂ થયું. એકલી સ્ત્રી, પાછી યુવાન અને સુંદર..! કેટકેટલું સહન કરી..આકરી મહેનત પછી..કેટલા સંઘર્ષોનો સામનો કરી તેણે દીકરાને ભણાવ્યો. દીકરો પણ સદનશીબે ભણવામાં હોંશિયાર હતો. સફળતાની એક પછી એક સીડી ચડતો ગયો. પુત્રની પ્રગતિ જોઇ મા હરખાતી. ગૌરવ અનુભવતી. પોતાની મહેનત, તપસ્યા સાર્થક થતી લાગી. અને પુત્ર સી.એ.થયો ત્યારે દીપાની પાંપણે જાણે આંસુના તોરણ બંધાયા..ખુશીના આંસુ…હાશ !! તેની મહેનત રંગ લાવી હતી.
તેને થયું હવે તે પોતાની જિંદગી જીવશે. હવે તેને કોઇ જવાબદારી નથી રાખવી. તે હવે થાકી ગઇ હતી. વિસામો ઝંખતી હતી. બહુ ઝઝૂમી લીધું એકલે હાથે. હવે તો બસ..પુત્રને પરણાવી વહુ આવે એટલે બધું તેને સોંપી દેવું છે. તે જાણે ને તેનું ઘર. કોઇ પણ સામાન્ય મા ની જેમ સામાન્ય અરમાન તેના હતા.

હવે પૈસાની પણ કોઇ કમી નથી. હવે પોતે ફરશે.. સુખના દિવસો આટલા વખતે આવ્યા છે. અને હજુ પોતે કંઇ એવડી મોટી નથી થઇ ગઇ. હજુ તો પચાસ પણ નથી થયા. મનમાં કેટલાયે મનસૂબા તે ઘડતી હતી. ખુલ્લી આંખે સપના જોતી હતી..

તેણે પુત્ર માટે છોકરીઓ જોવાનું નક્કી કર્યું. ત્યાં… ત્યાં એક દિવસ અચાનક પુત્રે આવી ને કહ્યું, ‘ મમ્મી ,મેં અમેરિકા જવાનું નક્કી કર્યું છે. બધી વ્યવસ્થા થઇ ગઇ છે ને એકાદ મહિનામાં મારે જવાનું થશે…’
પણ..બેટા, ’
મમ્મી, પ્લીઝ,મારા ભવિષ્યનો સવાલ છે. કોઇ દલીલો ન કરતી ’ પુત્રના અવાજમાં આદેશ હતો કે શું ?
દીપા શું બોલે ?

મા એ પુત્ર માટે જે કંઇ કર્યું એમાં નવાઇ થોડી હતી ? એની ફરજ હતી ને કર્યું. એમાં શું ?
અને ફરજ તો હમેશાં મા માટે જ હોય ને ?

અને મા ને કયારેય પોતાનું ભવિષ્ય..પોતાનું આગવું આકાશ હોય છે ?

નીલમ દોશી.