પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ના, હોં..પૈસા તો લેવા જ પડશે… August 23, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 3:49 pm

ટ્રેન પ્રવાસ એટલે જાતજાત અને ભાતભાતના અનુભવોનો રસથાળ ! એમાં જીવનના દરેક રસ-રંગ અનુભવવા મળે.”આ તો પંખીનો માળો છે”આ તેનુ કાયમી સ્લોગન છે.પણ આ ક્ષણિક માળા માટે ઘણીવાર લોકો એવા આગ્રહી કે ઝનૂની બની જાય છે..કે ત્યાં પાણિપત કે કુરુક્ષેત્રનું મેદાન સર્જાઇ જતા વાર નથી લાગતી.અને પછી કોઇ કૃષ્ણ ભગવાનની જેમ વિષ્ટિકાર બની ને એમાં સામેલ થાય છે..અને મામલો શાંત થાય છે.

અહીં જીવનના ઘણાં રસ જેવા કે કરૂણરસ,હાસ્યરસ,ભક્તિરસ,વીરરસ,રૌદ્ર રસ, શૃંગાર રસ…વિગેરે છલકતા રહે છે.જુદા જુદા નાટકો ભજવાતા રહે છે.અલબત્ત કલાકારો બદલાતા રહે છે.પણ નાટક તો અવિરત “શો મસ્ટ ગો ઓન”ની જેમ ચાલુ રહે છે.પંખીનો માળો બનતો રહે છે…વિખેરાતો રહે છે.ટ્રેનની અંદર એક આખું વિશ્વ રચાતુ હોય છે.રોજ અપ ડાઉન કરવાવાળા તો ટ્રેનને પોતાની અંગત માલિકી જ માનતા હોય છે.!!

હમણાં જ ગુજરાત મેલમાં મેં માણેલ આ પ્રવાસનો લહાવો આપ સૌ સંગાથે ફરી એકવાર માણવાની લાલચ રોકી શકતી નથી.ગમતાનો ગુલાલ તો કરવો જ રહ્યો ને?વગર પ્રવાસે ઘેર બેઠા શબ્દોની રેલગાડી દ્વારા…
થયું એવું કે મારા ડબ્બામાં (જાણે કેમ ડબ્બો મારા પિતાશ્રીનો હોય ..એમ “મારો “ડબ્બો)બે મિત્રો..જેને કદાચ ફૈબાઓએ બિચારાએ તો રૂડા રૂપાળા નામ આપ્યા હશે..પણ આપણને તેની જાણકારી ન હોવાથી હું તો એને કનુ,મનુ તરીકે જ ઓળખાવીશ.સીધું ને સટ્ટ..ટૂકુ ને ટચ !!

જોકે આમ તો મને પારકાની વાતો સાંભળવાની ટેવ..કુટેવ બિલકુલ નહીં..પણ આ તો હવે કોઇ બાજુમાં બેસીને વાતો કરતું હોય તો કાન બંધ થોડા કરી શકાય છે?કે એને કોઇ ઢાંકણુ થોડુ છે જે ફીટ કરી શકાય?(હા,કાન સરવા રાખવાનો પ્રામાણિક પ્રયત્ન …કોઇને દેખાય નહીં એમ જ કરું હો!!પણ એ યે હું રહી પરદુ:ખભંજન…એટલે જ કદાચ કોઇ લડી પડે તો વિષ્ટિકાર થવાનું માન મળી શકે ને?..)હં..તો શું કહેતી ‘તી હું?મૂળ વાત એ કે મને પારકી પંચાતમાં કોઇ રસ નહીં.કોઇની વાતો સાંભળવી જરાયે ન ગમે.જેને જે બોલવું હોય તે બોલે આપણે શું?ખરું ને?હું તો બસ સાક્ષીભાવે જોયા કરું અર્થાત્ સાંભળ્યા કરું.(અને જોવા જેવું હોય તો યે ત્રાંસી..વાંકી નજરે..કે ગોગલ્સ પહેરીને જ હોં જોઉં હોં)
હા,તો લાગતું હતું એવું કે બંને ની ટિકિટ મનુએ લીધી હશે.ને તેથી કનુ તેના પૈસા આપવાનો આગ્રહ કરતો હતો..(માણસ સારો કહેવાય નહીં?)
કનુ ઉવાચ:”ના,યાર તારે ટિકિટના પૈસા તો લેવા જ જોઇએ હોં! એમ ન ચાલે.!”જોકે એ વાત અલગ હતી કે કનુ ખાલી મૌખિક આગ્રહ જ કરતો હતો ખિસ્સામાં હાથ નાખવાની કોઇ ભવ્ય ચેષ્ટા કરતો નહોતો.(પાછા કોઇ એમ ન કહેતા હો..આમાં નવું શું કહ્યું?હશે અમારો અમદાવાદી..!!)

અને મનુ લાગ્યો મારી જેમ જરા મોઢાનો મોરો..!! તે ન તો હા પાડી શકતો હતો કે ન ના પાડી શકતો હતો !તે મૌન જ રહ્યો. વળી બે મિનિટ થઇ અને ફરી કનુને હુમલો આવ્યો..ને તેણે ચાલુ કર્યું.,”ના,ના..યાર,આવું ન ચાલે હોં.! મને આ જરાયે ન ગમે.હા,15-20 રૂપિયાની વાત હોત તો ..બરાબર છે…પણ આ તો રૂપિયા પૂરા 100 છે..તારે લેવા જ જોઇએ.આપણે મિત્ર છીએ એ વાત સાચી…પણ ભાઇ,હું તો વહેવાર ચોખ્ખો રાખવામાં જ માનું.:બક્ષિસ લાખની અને હિસાબ કોડીનો”એટલે આ પૈસા તો જો તારે લેવા જ પડશે.

હવે મનુને કંઇક આશા બંધાઇ પૈસા પાછા આવવાની.! મનુ મૌન રહી ને કનુ કયારે હિસાબ ચોખ્ખો કરે..કયારે ખિસ્સામાંથી પૈસા કાઢે તેની કદાચ રાહ જોતો હતો.કંઇ બોલીને પૈસા ગુમાવવા કરતા મૌન રહીને થોડી રાહ જોવાનું તેને વધુ મુનાસિબ લાગ્યું હશે.મારી જેમ મોઢાનો મોરો હોવાને લીધે કદાચ ભૂલથી ફોર્માલીટી ખાતર એકાદ વાર ના બોલાઇ જવાય અને પૈસા પાછા મળવાના જે ઉજળા સંજોગો ઉભા થયા છે…તે સરી જાય તો..?એટલે તે કદાચ બોલવાની હિમત નહોતો કરતો.ઉત્સાહમાં આવી ને પોતે બે ટિકિટ તો સાથે લઇ લીધી હતી..કે પૈસા તો મળી જ જવાના છે ને?પણ હવે ભાવિ ધૂન્ધળુ લાગતું હતું.
જોકે કનુની વાતથી વળી તેના મોં પર થોડુ તેજ આવી જતુ હતું..અને આશાની લહેરખી ફરી વળતી.કે હમણાં હવે પૈસા બહાર આવશે..પણ થોડીવારમાં કનુના એ આશાભર્યા વચનો બંધ થઇ જતા.ને વળી પોતે આશા નિરાશાના ખાબોચિયામાં તરવા લાગતો.(મહાસાગર તો બહુ મોટી ઉપમા થઇ જાય નહીં?આવી નાની વાત …પૈસા જેવી ક્ષુલ્લક વાત માટે ખાબોચિયું જ ઠીક રહેશે.)તે આતુરતાથી કનુ તરફ જોવા લાગ્યો.
ત્યાં એક ખારી સીંગ વાળો આવ્યો.કનુ કહે,”મનુ સીંગ ખાશું ને?”અને મનુના જવાબની રાહ જોયા વિના તેણે જાણે બે ચાર કિલો બદામનો ઓર્ડર આપતો હોય તેવા રૂઆબથી પૂરા પાંચરૂપિયાની સીંગ લીધી.અને મનુ સામે ધરી.અને વદયો,,”જો આમાં તારું કંઇ નહીં ચાલે…તેં ટિકિટના પૈસા ન લીધા..હવે મારાથી આના થોડા લેવાય?અને મને કોઇનું રાખવું જરાયે ન ગમે.!!કોઇએ મારું કર્યું હોય તો એનો બદલો ન વાળે ત્યાં સુધી મને ચેન ન પડે..મારો જીવ જ એવો અખજીયો રહ્યો…અરે,જો છો શું?ચાલ,સીંગ ખા સીંગ.તાજી ગરમાગરમ.જોકે વાતો કરતા કરતા અડધી સીંગ તો પોતાથી જ ખવાઇ ગઇ હતી.!! મનુએ દયામણી નજર કનુ સામે નાખી..લાલસાભરી નજર તેના ખિસ્સા સામે નાખી..અને કચવાતા મને બે દાણા સીંગ ના હાથમાં લીધા.અને કનુ ના મોં પર પરમ પ્રસન્નતા છવાઇ ગઇ..હાશ! હવે મને શાંતિ વળી.હવે હિસાબ બરાબર થયો..!! બાકી આમ તું મને કંઇ જ ન કરવા દે એવું થોડુ ચાલે?હા,મિત્ર ખરા…અને મૈત્રી આગળ પૈસાની વળી શું વિસાત?કેમ મનુડા બરાબરને?કરતા હસીને તેણે મનુડાના વાંસે ધબ્બો(પ્રેમથી હો)માર્યો.

મનુડો એ પ્રેમના ભારથી બેવડો વળી ગયો!!અનેજોકે ત્યારે યે તેનું ધ્યાન તો અર્જુનની આંખની જેમ કનુ ના ખિસ્સામાં જ હતું!!!!

 

પ્રથમ સ્પર્શ… August 23, 2007

સ્પર્શ મારો ને તારો,
પ્રથમ ગીત એ સ્પન્દન નું
પ્રથમ મા, તારી ભીતર મેં જોયું
સપનું આખી આલમનું.

હોંશ હતી હરિયાળી થઇને
તારે આંગણ લહેરાવાની
હોંશ હતી એક ગીત બનીને
તારા ઘરમાં ઝૂલવાની

પણ…

શમણાં તૂટયા લોહી નીતરતાં
કાંટા ઉગ્યા સાવ અચાનક
કીધી વેગળી એક જ ઝાટકે
સટાક કરતો સંબંધ તોડયો

નારી તું ને હું પણ નારી
સંસારે દીપક ધરનારી
તો ય સમાજે સર્જયા બંધન
સર્જાઇ ત્યાં તો વિખેરાઇ.

જયશ્રી મહેતા. (સંપાદક: વિચાર વલોણુ પરિવાર )