એકવાર આપણા બાબુભાઇને હાસ્યલેખ લખવાનો ધખારો ઉપડયો.કેમકે તેણે કયાંક વાંચી લીધું હતું કે,”હસે તેનું ઘર વસે”…અને હજુ તેનું ઘર વસ્યું નહોતું!!!તેને થયું કે હું એકાદ મજાનો હાસ્યલેખ લખું તો મારું તો ઠીક પણ મારો લેખ વાંચી ને કેટલાયે હસે અને તો કેટલાયનું ઘર વસી શકે!!!આ યે એક જાતની સમાજસેવા જ થઇ ને?આવા શુભ આશયથી પ્રેરાઇને બાબુભાઇએ તો હાસ્યલેખ લખવાનું નક્કી કરી લીધું.
નક્કી તો કર્યું…પણ….હવે?હવે હાસ્યલેખ લખવો કેમ?કયા વિશય પર લખવો?એ ન સૂઝયું. અંતે થોડી પ્રેરણા મળે માટે થોડા જાણીતા હાસ્યલેખકોના…જેવાકે શ્રી જયોતીન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,અશોક દવે,વિનોદ ભટ્ટ…અને જાણીતા નહીં..છતાં પોતાની જાતને લેખક માનતા એવા નીલમ દોશી…(???)વિગેરે ના હાસ્યલેખકોના પુસ્તકો લઇ આવ્યા….
પણ એ વાંચ્યા પછી તો તેમની મૂંઝવણ ઘટવાને બદલે વધી..તે જે વાંચે તેમાં થાય કે ઓહ!! મારે યે આવું જ કંઇક લખવું હતું…પણ જોને…આ બધું જ પહેલેથી જ આ લોકોએ લખીનાખ્યું છે…લાગે છે બધાએ સંપીને મારી સાથે કાવતરું કર્યું છે.કે પછી હું થોડો મોડો પડયો છું!!!બાબુભાઇ આશાઅને કરૂણાભરી નજરે..હાસ્યના એ બધા પુસ્તકો સામે જોઇ રહ્યા!!
જોકે એમ હિમત હારે તો બાબુભાઇ શાના?ગમે તે થાય….કોઇ વિષય નહીં બચ્યો હોય..તો વિષય વિના પણ હાસ્યલેખ તો લખવો જ.અને હસવાનું લખવામાં વળી વિષય શેના જોઇએ?(તેમને થોડી ખબર હતી કે કદાચ સૌથી અઘરું કામ જ હાસ્ય લેખ લખવાનું છે.)ડગલું ભર્યું કે ના હટવું…નર્મદ જાતે આવી ને જાણે તેને પ્રેરણા આપી ગયો…અને પછી તો રંગમાં આવી ને બાબુભાઇએ નંક્કી હવે તો કરી જ નાખ્યું કે હિમતે મર્દા તો મદદે ખુદા!!!પણ પોતાનો હાસ્યલેખ લખવાનો પ્રોજેકટ પડતો તો ન જ મૂકવો.!!!
અને હાથમાં પેન લઇને તેઓ બેસી ગયા….”યાહોમ કરીને પડો સૌ જીતવા જંગ…”આમેય તેમને ઇશ્વરમાં અખૂટ શ્રધ્ધા હતી જ કે શરૂઆત કરીશ એટલે બાકેનું કામ તો ઇશ્વર આપોઆપ સંભાળી લેશે!!! મા સરસ્વતીની કૃપા નો વરસાદ મારી પર વરસશે અને પોપકોર્ન માંથી ધાણી ફૂટે તેમ મારી અંદરથી આપોઆપ શબ્દો ફૂટશે!!!
અને તેણે શરૂ કર્યું..પહેલા ઉપર મરોડદાર સરસ મજાના અક્ષરો વડે લખ્યું,”શ્રી સવા….અને અંબે માતકી જય!! ”અને પછી તો શબ્દોની ધાણી માંડી ફૂટવા… :નવા વરસે મેં એક સુપરહીટ સંકલ્પ કર્યો છે..ચિંતાઓ કરવાનો સંકલ્પ…આખુ વરસ ધોધમાર ચિંતાઓ કરવાનો…..”
આટ્લું લખ્યું ત્યાં અચાનક ટ્યુબલાઇટ થઇ….મારું હાળુ…આ તો કયાંક વાંચેલ લાગે છે…(બાબુભાઇનું વાંચન આમેય વિશાળ..!!!!.એટલે જલ્દી યાદ ન આવે )અને જરાક યદશક્તિની કસરત કરતાં પેલી ટયુબલાઇટ થઇ ઝળહળ!!! ઓહ!! આ તો હમણાં પેલા અશોક દવે ને વાંચ્યા તેના જ લેખનું આ વાકય છે.પાછો તાજો જ લેખ હતો નહીંતર તો કદાચે ય ચાલી જાત!!!! તેને અશોક દવે ઉપર એવો ગુસ્સો ચડયો….આ અશોક ને યે શું કહેવું?જે મારે લખવું છે તે પહેલેથી લખી ન નાખતો હોય તો!!! મારી સાથે એને શું દુશ્મનાવટ છે..તે આવું કાવતરું ઘડયું?
ધૂન્ધવાતા બાબુભાઇએ મન શાત કરવા ચા નો ઓર્ડર આપ્યો…ચા આવી ત્યાં થયું કે એકલી ચા માં મજા નથી આવતી!આમેય મન એકદમ પ્રફુલ્લિત હોય તો જ હાસ્યલેખ લખી શકાય ને?અરે હા,પોતે જયારે ભજીયા ખાય છે ત્યારે સારા એવા પ્રફુલ્લિત થઇ જાય છે.તેણે ફટાફટ એકાદ કિલો ભજીયાનો ઓર્ડર આપી દીધો..સારા કામમાં વળી ઢીલ શેની? અને તે ગરમાગરમ ભજીયા ખાવા નિરાંતે બેઠા.અને પ્રફુલ્લિત થવાનો ગંભીર પ્રયત્ન કરતા કરતાં એકાદ કલાક નિરાંતે ભજીયા ખાઇ પેટ પર(કે ફાંદ પર)હાથ ફેરવતા ફેરવતા મલકયા.વાહ! હવે કંઇક મુડ જામતો લાગે છે કહ્રો… પણ પચી તેને થયું કે આ બધું તેલવાળું ખાવાથી મોઢુ ભાંગી ગયું છે….આ બે ભજીયા ખાધા…પણ આ આજકાલના ભેળસેળિયા તેલ!!!!લાવ,એકાદ સરસ મજાનું ગુલકંદવાળું પાન મગાવી લઉં..જરી સારું લાગે…..
અને તો હાસ્યલેખ જરા સારી કવોલીટીનો લખાય!! આપણે તો ભઇ એવું કે લખવું તો સારું જ લખવું ભલે થોડી વાર લાગે …પણ ગમે તેવું..જેવું તેવું લખીને વાચકોને માથે મારવું એ યે એક જાતની સૂક્ષ્મ હિંસા જ છે!!! અને પોતાને આવો સરસ સૂક્ષ્મવિચાર સૂઝવા બદલ બાબુભાઇ પોતાની જાત પર જ ખુશ થઇ ગયા!!વાહ!! જોયો આ ભજીયાનો કમાલ!!કેવા સુંદર વિચારો સ્ફૂરે છે!!!મને મારી ખબર જ હોય ને કે શું ખાવાથી હું પ્રફુલ્લિત થઇ શકું છું?
ત્યાં પાન આવ્યું..અને બાબુભાઇએ પાન ખોલીને જોયું ગુલકંદ બરાબર નાખ્યું છે કે નહીં? બધી ચકાસણી પહેલેથી કરી લેવી સારી..ચેતતા નર સદા સુખી!!! વાહ! બાબુભાઇ વાહ!! તેણે પોતાની જાતને શાબાશી આપતા કહ્યું.તેણે તો હળવે હાથે,,હળવે હૈયે..જાણે દુલ્હનનો ઘૂઘટ પહેલી રાત્રે ઉઠાવતા હોય તેવી નજાકતથી પાન ખોલ્યું…પણ ગુલકંદ ને થયું કે મારું આવડું હળહળતું અપમાન!! મારી પર કોઇ શંકા કરે?તે આ અપમાન સહન ન કરી શકયું અને પાનમાંથી સરકીને રિસામણે બેસેલ નવી વહુની જેમ બાબુભાઇ ના ધોળા ઝગ ઝભ્ભા પર બેસી ગયું.અને બાબુભાઇ તેને પકડવા ગયા ત્યાં આખા ઝભ્ભા પર દોડાદોડી કરી મૂકી અને ઝભ્ભો લાલ કંસુબલ રંગે રંગાઇ ગયો. બાબુભાઇ નો પિત્તો છટકયો…!! ગુસ્સામાં ને ગુસ્સામાં પાનવાળો હાથ તેણે પોતાના ઝભ્ભા પર લૂછી નાખ્યો.. લે..લેતો જા….. અને પછી ભાન આવ્તા કે..આ ઝભ્ભો તો પોતાનો જ છે…એટલે કરૂણાસભર નયને ઝભ્ભા સામે જોઇ રહ્યા…
હવે આવા મૂડમાં હાસ્યલેખ થોડો લખી શકાય?બાબુભાઇ ધૂંધવાઇ ગયા.ત્યાં યાદ આવ્યું…લાવ,એકાદ કોલ્ડ્રીંક મંગાવી મનને ઠંડુ કરું…ગમે તે થાય…અજે હાસ્યલેખ લખ્યે જ છૂટકો કરવો છે!!અને મન જરાક ઠંડુ પડે તો જ લખી શકાય ને?
અને આવી થમ્સ અપની એક લિટરની બોટલ!! જરૂર પડે તો વારે ઘડી એ કયાં કોઇ ને દોડાવવા?આમેય બાબુભાઇ પહેલેથી જ દયાળુ તો ખરા જ!! અડધી બોટલ પીધી ત્યાં અચાનક યાદ આવ્યું..ઓહ!! આ તો ભૂલ થઇ ગઇ..આમાંતો કેટલા બેકટેરીયા છે!! હમણાં જ તો છાપામાં વાંચેલ.આ બધી લપમ્માં મગજમાંથી સાવ નીકળી ગયું.બાબુભાઇ મોટો ગુનો કરી નાખ્યો હોય તેમ બાકી બચેલ થમ્સ અપ સામે સજળ નેત્રે જોઇ રહ્યા.નહીંતર પોતે કયારનું નક્કી કરી નાખ્યું હતું કે હવે નો થમ્સ અપ…નો પેપ્સી…હવે નાળિયેર પાણી કે પછી ઘરનું લીંબુ શરબત કે સરસ મજાની ઠંડી છાશ…લસ્સી…એવું જ પીવું..બાકી બધું બંધ!! તેને બદલે….ખેર! હવે ભૂલ થઇ છે તો પ્રાયસ્ચિત તો કરવું જ રહ્યું..લાવ ઉપર એક ઠંડી મજાની લસ્સી પી લઉં!!….અને તેણે એક સરસ મજાની લસ્સીનો ઓર્ડર આપ્યો……!!!
ત્યાં….ત્યાં અચાનક જોગમાયા પ્રગટે તેમ અંદરથી પત્ની ધૂન્ધવાતી 440 ના વોલ્ટની જેમ ભભૂકતી આવી….આ શું માંડયું છે આજે….??? બાબુભાઇ તો પરમ આશ્ર્વર્યથી તેની સામે જોઇ જ રહ્યા…આ આ કોણ?ત્યાં તો પત્નીની એક સિંહગર્જનાથી(સોરી..સિંહણગર્જનાથી)પૂરેપૂરા ભાનમાં આવી ગયા!! ઓહ!! આ તો મારી સહચરી!!! મારી અર્ધાગિની!! અરે,હું તો ઓલરેડી પરણેલો છું!!! મારું ઘર તો વસેલ જ છે!!! મારે તો હાસ્યલેખ લખીને ઘર વસાવાવાની જરૂર જ કયાં છે?અને નવેસરથી વસી સહકવાની કોઇ શકયતા યે નથી…સાક્ષાત ચંડિકા જ મારા ઘરમાં તો વસી ચૂકયા છે ..ને બીજુ કોઇ મારી જેમ દુ:ખી થાય તેવું હું ન જ ઇચ્છુ ને?હં હવે સમજાયું કેમ મા સરસ્વતી મારી પર પ્રસન્ન નહોતા થતા….!!! અને એવું વિચારતા બાબુભાઇ કિલો ભજીયાના ઘેનમાં ત્યાં સોફા પર જ ઢળી પડયા!!!
તેથી હાલ પૂરતો એમનો હાસ્યલેખ લખવાનો પ્રોજેકટ બંધ રાખ્યો છે.ભવિષ્યમાં જરૂર પૂરો થશે!!!!!
તમારે કોઇ ને લખવો હોય તો બાબુભાઇ મદદ કરવા સદા તૈયાર છે!!
નીલમ દોશી.

વાહ, વહેલી સવારે મજા આવી ગઇ.
જસ્ટ મેઈલ ચેક કરવા માટૅ જ P.C. પર આવી હતી પણ આપનો મેસેજ જોઇ ને તરત આખો હાસ્ય લેખ વાચી લીધૉ..આમ પણ સવારે હસીઍ તો આખો દિવસ ફ્રેશ પસાર થાય ..! આભાર દીદી..!
=========================================
હાસ્ય-લેખ તો લખાય ત્યારે લખાય પણ લખવાનો વિચારમાત્ર કેવો લાભપ્રદ છે?
ગરમાગરમ ભજિયાં,કોકાકોલાની આખી બોટલ અને ગુલકંદનું પાન લખ્યા પહેલાં
સહુ ભગવાનની જેમ હાજરાહજૂર.અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે ને યાદ
પાછી આણે છે કે ઘરમાં પત્ની હાજરાહજૂર છે,હાસ્ય લેખ લખીને લાવવાની જરુર
નથી.
ચાલો ત્યારે;આપણે પરણેલાઓ હાસ્યલેખો લખવાનું વિચારવાનું પણ બંધ કરીએ
અને એ કામ જરુરતમંદ કુંવારાઓને સોંપી દઈ નિવૃત્ત થઈએ.
જિંદગી આખી હાસ્યલેખો લખ્યા કર્યા અને ભૂલ સમજાઈ ગઈ કે પોતે પરણેલા છે
તો નિવૃત્ત થવાને બદલે સ્વયં સ્વર્ગે ચાલ્યા ગયા.ના સમજ્યા આ કોની વાત કરી
મેં?
અરે તારી,તમેતો ખરા છો.સ્વ. જ્યોતીંદ્ર દવેની વાત કરતો’તો.
શ્રી સુરેશ જાનીએ કહ્યું તેમ “મજા આવી ગઈ,નીલમબહેન.”
અભિનંદન.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
===================================
જુનમાં બહાર પડેલ આ લેખની પુન:આવૃતિ રસપ્રદ રહી
બાબુભાઇ અને બચીબહેન અમેરીકા જવા નીકળ્યા છે તે ખબર છેને?
Please visit
http://gadyasarjan.wordpress.com
બાબુભાઇ તો ભજીયાના ઘેનમાં છે…. તમે મદદ કરશો ?
http://www.readsetu.wordpress.com
This week end I wrote here about your article but don’t see it?! So, my time was wated!
chimanbhai, cant understand..what u mean to say ?pl.clarify..