પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

જડયા છો… August 31, 2007

કોઇ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડયા છો,
આપમેળે સૂર ઉમટે તમે હોઠની ઉપર એમ ચડયા છો.

એમ તો અમે નીરખ્યું હતું
સાંજને સમે સૂરનું આખું ગામ,
ગામને કશી ગમ નહીં ને
ગણગણે બસ ગમતું એક નામ;

સીમમાં ખેતર કયારડે રેલા જળના દડે એમ દડયા છો !
કોઇ ખોવાયા ગીતનો અંતરો જડે તમે એમ જડયા છો.

આપણું એમાં કંઇ ન ચાલે
દીપ કહે તો દીપ ને કહે તો થાવું ધૂપ,
એમને કારણ ગીત ગાવાનું એમને કારણ
તાલ દેવાનો આપણે કારણ ચૂપ;

રોજ સવારે જોઇને ઝાકળ પૂછવું કોને આટલું બધું શીદ રડયા છો ?
કોઇ ખોવાયા ગીત નો અંતરો જડે તમે એમ જડયા છો.

(હર્ષદ ત્રિવેદી: સંપાદક શબ્દ સૃષ્ટિ)

 

આજની ખાટી મીઠી… August 31, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:09 am

કેટલાક લોકો , કેટલેક સ્થળે ન જવાને કારણે જ ત્યાં ખુશાલી પ્રગટાવી શકે છે.

 

આજીજી સાવિત્રીની….!! August 30, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 4:54 pm

પ્રીતિ ની આંખોમાં આંસુ હતા.અંતરમાં મૌન આજીજી હતી.અને દિલમાં એક ડર હતો.કોઇ તેના મનની વાત જાણી તો નથી જતું ને?ધૂંધળી બનેલ આંખો આગળથી પાંચ વરસનો અતીત ચલચિત્રના દ્રશ્યની માફક પસાર થઇ રહ્યો હતો. પરણીને આવી ત્યારથી શરૂઆતના એક મહિના સિવાય પોતે કયારે જીવનમાં સુખની ક્ષણો અનુભવી હતી?.પરણ્યાના એક જ મહિનામાં હજુ તો સ્વપ્નિલ આંખના સ્વપ્ના પૂરા માણ્યા યે નહોતા અને રાખ બનીને કયારે ઉડી ગયા..એ ખબર ન પડી.એક જ મહિનામાં નિરલ તેના મૂળ સ્વરૂપમાં આવી ગયો.દારૂ,જુગાર અને પત્ની માટે સતત શંકા..વહેમ..કોઇ પણ પત્ની નું જીવન નરક બનાવવા પૂરતા નથી?. દારૂના નશામાં આવી પ્રીતિને બેફામ ગાળો આપવી કે જાતજાતના આક્ષેપો મૂકી મારવી એ તો જાણે રોજિન્દો ક્રમ બની ગયો હતો અને હવે તો કયારેક ગુસ્સામાં આવી સિગરેટના ડામ દેતાં પણ તે અચકાતો નહીં.થોડુઘણું જે કમાતો તે દારૂમાં કયાંય ઉડી જતું.પિયરમાં ફરિયાદ સાંભળે તેવું કોઇ નહોતું.દીકરી તો સાસરે જ શોભે.પડયુ પાનુ નિભાવી જ લેવું રહ્યું…તેવી શિખામણોથી તંગ આવી હવે તેણે ત્યાં જવાનું યે બંધ કરી દીધું હતું.
ભૂખ અને ત્રાસથી બેહાલ બનેલ ,થોડુ ભણેલ પ્રીતિએ માંડ માંડ એક સ્કૂલમાં પટાવાળા ની નોકરી મેળવી.પણ તેમાં યે નિરલે શાંતિ ન લેવા દીધી.સ્કૂલમાં આવી ને ગમે ત્યારે તે બેફામ ગાળો બોલતો.માનસિક અને શારીરિક અત્યાચાર કરવામાં તે બેફામ બન્યો.અને તેમાં યે જયારે પુત્રીનો જન્મ થયો ત્યારે તો તેણે જાણે માઝા મૂકી દીધી.આ પુત્રી પોતાની નથી.એ વહેમ તેના મનમાં ઘૂસી ગયો.અને વહેમનું કોઇ ઓસડ હોય છે ખરું?
અને હવે એ અત્યાચારનો ભોગ માસૂમ પુત્રી સુધ્ધાં બનતી.!પતિ તેને જીવવા નહોતો દેતો અને માસૂમ પુત્રીનો વિચાર તેને મરવા નહોતો દેતો. કોઇ પગલુ ભરવાની તેની હિમત નહોતી.સમય તો સરતો રહેતો પણ તેની સહનશીલતાની હદ આવી ગઇ હતી.દોઢ વરસની પુત્રીને મારતા પણ તે અચકાતો નહોતો.
ત્યાં આજે અચાનક દારૂના નશામાં ધૂત બની ને ચાલતા તેને અકસ્માત થયો હતો.કોઇએ દયા ખાઇ તેને હોસ્પીટલ ભેગો કર્યો હતો.તેની જાણ થતાં પ્રીતિ હોસ્પીટલે તો આવી.ખાટલામાં સૂતેલ આ માણસને જોઇ તેના મનમાં કોઇ ભાવ ઉમટયા નહીં.તેની સંવેદનાઓ બુઠ્ઠી બની ગઇ હતી. આ…આ માણસે તેની જિંદગી બરબાદ કરી હતી.અને હવે કદાચ પોતાની પુત્રીના પણ એ જ હાલ થવાના હતા. તેના હાથની મુઠ્ઠી અનાયાસે સખત બની.આંખમાં રતાશ પ્રગટી.અને તેનાથી ઇશ્વર સમક્ષ બે હાથ જોડાઇ ગયા..બંધ આંખોમાંથી વહેતા ખારા પાણીમાં જાણે એક મૂક આજીજી હતી.

સાવિત્રી જાણે યમરાજને વીનવતી હતી.તેના સત્યવાનનો જીવ બચાવવા નહીં પણ……..????

 

ગમતાનો ગુલાલ.. August 30, 2007

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 7:41 am

જેણે સ્વપ્નો વાવ્યા એને તો ભાઇ,
આ દુનિયાએ ખરાખરીના તાવ્યા…

મકરંદ દવે.

આપણે તો આકાશને ખેડવું છે,
આ તારાઓ સરખા નથી વવાયા.

પ્રિયકાંત મણિયાર

અમે તો જશું અહીંથી..
પણ આ….
અમે ઉડાડયો ગુલાલ રહેશે.

મકરંદ દવે

સપનાનો વાણો
ને સ્નેહનો તાણો
બે નું ગૂંથેલું જીવન જાણો.

ઉમાશંકર જોશી

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ?
આ બેઠો છે કયાં બજવૈયો? કૈં સૂર નથી કંઇ સાજ નથી.

મકરંદ દવે

ટહુકી ઉઠે પ્રાણનું પંખી,
માંડ મળ્યું છે ટાણુ,
જવ થશે એ જાણુ નહીં
ભય નથી એ જાણુ
ભીતર મારો પ્રાણ ઊગે ને
ભીતર વાય છે વ્હાણું…

બાંધો મને તો બળવો કરું,અને
જો મુક્તિ દો,માથુ ઉતારી આપું

 

આજની ખાટી મીઠી.. August 30, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:31 am

કોમેડીમાં ભજવવાનું સૌથી મુશ્કેલ પાત્ર હોય તો તે મૂરખનું છે. તે ભજવવા માટે તે ઘણો બુધ્ધિશાળી હોવો જોઇએ.

 

આજની ખાટી મીઠી… August 29, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:11 am

ગેરહાજર હોય તેઓ કદી વાંક વિનાના હોતા નથી. અને હાજર હોય તેઓ બહાના વિનાના .!

 

વિધવા… August 28, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 7:48 am

નેહલના મનોઆકાશમાં જાણે વીજળી પડી.આ તેનો પતિ બોલે છે?આવું તે વિચારી જ કેમ શકે?નેહલનું આખું અસ્તિત્વ ધ્રૂજી ઉઠયું.તેના પોતાના અંશનો તે નિકાલ કરે?પતિ પત્ની ના પ્રેમના પ્રતીક ને આ દુનિયામાં અવતરવા જ ન દે?ફકત એટલા માટે કે તે છોકરી છે.!
અને કારણ ફકત એટલું જ કે તેમના કુટુંબમાં બધાને પ્રથમ સંતાન છોકરો જ છે..અને તે જ હોવો જોઇએ.આ તેમના ઘરની પરંપરા છે.જે તૂટવી ન જોઇએ.નેહલ તો પહેલા બાળકની જાતિની તપાસ માટે જ તૈયાર નહોતી.પણ અંતે તેને તેમાં તો સમાધાન કરવું પડયું. સ્ત્રી સદીઓથી સમાધાન કરતી જ આવી છે ને.!
ગર્ભમાં છોકરી છે તે જાણ્યા પછી ઘરમાં બધાની સાથે જયારે પતિએ પણ ગર્ભપાત માટે સાથ પૂરાવ્યો.ત્યારે તેનુ મન વિદ્રોહ કરી ઉઠયું.એક મા થઇ ને તે….અને આમેય નેહલને તો છોકરી જ જોતી હતી.જયારે અહીં…
તે રડી,કકળી..ઘણી દલીલો કરી..પણ અંતે પૂરુષનું હમેશનું બ્રહ્માસ્ત્ર છૂટયું.અમારા ઘરનો આ રિવાજ છે,પરંપરા છે.ને તારે તે જાળવવી જ રહી.જો તારે આ ઘરમાં……..!!!
અને નેહલને જ્ઞાન આવ્યું. જે ઘરને તે મારું મારું કહી ને તેના માટે તૂટી મરતી હતી.તે ઘર કયારેય તેનું હતું જ નહીં.પૂરુષને ગમે ત્યાં સુધી તેમાં રહેતી તે આશ્રિત માત્ર હતી..છે,અને રહેવાની છે.
અને એ બ્રહ્માસ્ત્ર સામે ઝૂકવાને..કે તૂટવાને બદલે ગર્ભમાં રહેલ પુત્રીને બચાવવા તેણે ઘર છોડયું.તેના મા બાપે સુધ્ધાં તેને સમજાવી.તેને પાગલ ગણાવી.આવી “નાની” વાતમાં તે ઘર છોડાતું હશે? પણ “પાગલ “નેહલ ન જ માની . અને કેટલાયે સંઘર્ષો સામે એકલે હાથે ઝઝૂમી અંતે તેણે પુત્રીને જન્મ આપ્યો એટલું જ નહીં..એક વિધવાની જેમ જીવન વીતાવી દીકરી ને સરસ રીતે ઉછેરી તેને ડોકટર બનાવી નેહલે આત્મસંતોષનો અનુભવ કર્યો.
પુત્રીના લગ્ન એક ડોકટર છોકરા સાથે થયા હતા.અને હવે દીકરી જમાઇની મોટી હોસ્પીટલ હતી.જેમાં નેહલ પણ પોતાથી થાય તે સેવા કરતી.

આજે હોસ્પીટલમાં એક અકસ્માતનો કેસ આવ્યો હતો.નેહલ તેને જોઇ ને ચોંકી.પણ કંઇ બોલી નહીં.તેનુ ઓપરેશન થયું અને પૂરા બે દિવસે તે ભાનમાં આવ્યો.ત્યારે તેની બાજુમાં નેહલ હતી.પેશન્ટની નજર નેહલ પર પડતા તે બોલી ઉઠયો,”નેહલ,..” હા,તે તેનો પતિ હતો.નેહલ તટસ્થતાથી તેની સામે જોઇ રહી.અને પતિની આંખનો પ્રશ્ન વાંચી તેણે શાંતિથી કહ્યું,’તમને વધુ બોલવાની મનાઇ છે.તમારું ઓપરેશન થયું છે.અને મારી દીકરીને અપયશ મળે તેવું હું નથી ઇચ્છતી.
“તારી…આપણી દીકરી…ડોકટર …?”તે તૂટક તૂટક બોલ્યો…
“આપણી નહીં..મારી..મારી ફકત મારી જ દીકરી ..જે ડોકટર છે જેણે તમારો જીવ બચાવ્યો છે.”

:નેહલ,મારી ..મારી ભૂલ..મને માફ…..”
વચ્ચે જ નેહલ બોલી,”મને અતીતની કોઇ વાતમાં રસ નથી.અને મને કોઇ અતીત યાદ નથી.હું એક વિધવા છું વરસોથી.”
અને પતિ મૌન બની પત્ની ને..ના, નેહલને જતી જોઇ રહ્યો.

 

ગઝલ ગમતી… August 27, 2007

પ્રીતનું સૂરીલું નજરાણું નથી,
હોઠ પર અવ ગીત કે ગાણું નથી,
સોનવરણું સાંજનું ટાણું નથી,
રાતમાં યે કંઇ ઠેકાણું નથી.
યાદને જોવા ગમે છે
અશ્રુઓ યાદને સમજાવો એ આણુ નથી
લોકલાજે એમને લેવું પડયું
સાચું આ સાચે જ ઉપરાણું નથી
. માનવીના કદ નિહાળી થાય છે
માનવીનું નક્કી પરમાણું નથી
શબ્દ ખખડાવે નહીં તો શું કરે?
કોઇની પાસે નગદ નાણું નથી,
દેવદુર્લભ દર્દની છે દેણગી,
શાયરી શબ્દોનું ઉઘરાણું નથી

“ઘાયલ”

અમે ધર્મમાં નથી માનતા… અમે તો માત્ર માનવધર્મમાં જ માનીએ છીએ.તેમ કહીને ધર્મનો સમૂળગો છેદ ઉડાડનાર સામે વિનોબાજી લાલબત્તી ધરે છે.”આપણે માનવતાનું..કરૂણાનું કામ કરીએ એટલે ધર્માચરણ થઇ ગયું એવી ભૂમિકા આપણી ન હોવી જોઇએ.માનવતા તો ઓછામાં ઓછો ધર્મ છે.દરેક ધર્મ તેમાંબતાવવામાં આવેલી માનવતા અને કરૂણાથી વિશેષ છે.દરેક ધર્મમાં માનવતા ઉપરાંત કેટલાક ગૂઢ આધ્યાત્મિક અનુભવો હોય છે…
દુ:ખની વાત એ છે કે ધર્મના અનુયાયીઓ વચ્ચેનો ઝગડો ધર્મના મૂળભૂત સત્યો માટે નથી હોતો પરંતુ દેવસ્થાન,ઉપાસના પધ્ધતિ,વેશભૂષા,ભાષા, જુદા જુદા કાયદા વિગેરે ક્ષુલ્લક તત્વો છે ધર્મના નથી તેના માટે છે.તેઓ ધર્મના આત્મા ને છોડી,ધર્મના કલેવર પાછળ દોડે છે.ધર્મનું આ બાહ્ય કલેવર અત્યારે આ વિજ્ઞાન યુગમા નકામં અને બોજારૂપ છે. ધર્મ અને રાજકારણનોયુગ સમાપ્ત થઇ ગયો છે.હવે વિજ્ઞાન અને અધ્યાત્મનો યુગ છે.. ખરું જોતા હજી સુધી ધર્મની સ્થાપના થઇ જ નથી.આજે આપણે જેને ધર્મ કહીએ છીએ,તે બધા ધર્મ નથી,પંથ છે,સંપ્રદાય છે,મજહબ છે.માનવીએ સંપ્રદાયોથી ઉપર ઉઠવાનુ છે અને એક માનવધર્મ વિકસાવવાનો છે.વિજ્ઞાનની ભૂમિકા પર સાચા ધર્મની સ્થાપના થવી જોઇએ.

અને આ સ્થાપના ત્યારે જ થઇ શકે જો માણસ તેના અંતરાત્માને એટલે કે” અંતર ની વાણી” ને સાંભળી શકે…સાંભળવાની સમજવાની સાધના અવિરત ચાલુ રાખે તો જ..ત્યારે જ…!!!

 

આજની ખાટી મીઠી…. August 27, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:09 am

કોઇ માણસ ભૂખ્યે પેટે કદી દેશપ્રેમી નીવડી શકે નહીં

 

આજની ખાટી મીઠી.. August 26, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:08 am

પૈસાનો જાદુ જુઓ તો ખરા….! શ્રીમંત માણસની દરેક મજાક હમેશા કેટલી બધી રમૂજી હોય છે !!