પૂ.મમ્મી,
કાલે તારો પત્ર મારી બહેનપણી ઇશા આપી ગઇ.ઘણાં વખતે ઇશાને મળીને અને તારો પત્ર વાંચીને મન ભરાઇ આવ્યું.ખૂબ આનંદ થયો.તમારા બધાના ખુશી સમાચાર ઇશા પાસેથી મળ્યા.
મમ્મી,ખાસ વાત એક જ લખવા માટે બેઠી છું અત્યારે.કે તું મારી જે ચિંતા કરે છે તે સાવ ખોટી કરે છે.તને જે સમાચાર મળ્યા છે કે મારા સાસુ બહુ કડક સ્વભાવના છે.અને મને હેરાન કરે છે…કચકચ કરે છે.સંભળાવ્યા કરે છે…ને હું આખો દિવસ નવરી જ નથી થતી..મને કયાંય જવા નથી દેતા….વિગેરે બધી વાતો સાવ ખોટી છે.મમ્મી,તું મારી જરાયે ચિંતા કરીશ નહીં.તને કોઇએ મીઠુ મરચુ ઉમેરીને બધુ કહ્યું લાગે છે.બાકી મારા સાસુ ખરેખર બહુ સારા સ્વભાવના જ છે.મને અહીં કોઇ વાતની તકલીફ નથી.
હા,તું પડી ગઇ હતી હતી ત્યારે હું તારી ખબર કાઢવા નથી આવી શકી…પણ તેનું કારણ તું ધારે છે એવું કંઇ જ નથી.હકીકતે ત્યારે મારા સાસુએ તો ખૂબ કહ્યુ હતુ કે તારી મમ્મી પાસે એક આંટો જઇ આવ.પણ મમ્મી,ત્યારે તારા જમાઇની એટલે કે સચિનની તબિયત જરા સારી નહોતી.થોડો તાવ જેવુ હતું એટલે મારું જ મન ન માન્યું.એટ્લે મારા સાસુએ બહુ કહ્યુ તો પણ હું આવી નહીં.મમ્મી,બરાબર કર્યું ને?મનથી તો હું તારી પાસે જ હતી.અને તારી જ શિખામણ યાદ કરીને મનને સમજાવ્યું કે “બેટા,હવે તારું સાચુ ઘર એ જ છે.એ જ તારા સાચા સગા છે.અને હમેશા પહેલું સ્થાન..તારી પહેલી ફરજ એ ઘર માટે જ છે.”
આવું તેં જ કહ્યું હતું ને મમ્મી?એટલે તારા એ શબ્દો જ મેં યાદ રાખ્યા.અને હું ન આવી.મમ્મી,તને ખરાબ તો નથી લાગ્યું ને?ભાભી તારી પાસે હતા એટલે મને બીજી કોઇ ચિંતા હતી નહીં.ભાભી તારું કેટલુ ધ્યાન રાખે છે..એ હું જાણુ જ છું..હું પણ મારી ભાભી જેવી જ બનવાનો પ્રયત્ન કરું છું.બાકી મારા સાસુ વિષે તેં જે કઇ વાતો સાંભળી હોય તે મનમાંથી કાઢી નાખજે.એવું કંઇ જ નથી.એ તો ઉલ્ટુ મારું એટલુ ધ્યાન રાખે છે.હજુ નવી સવી છું તો કયારેક કંઇ ખબર ન પડે તો પ્રેમથી સમજાવે છે.ને દરેક કામમાં મારી સાથે સાથે જ હોય છે.મને એકલીને કંઇ જ નથી કરવા દેતા.જો,અત્યારે સવારના 8 વાગ્યામાં આ કાગળ લખવા બેસી ગઇ છું ને?હમણાં 9 વાગ્યે ઇશા આવવાની છે .એટલે.બાકી મમ્મી,મારી જરાયે ચિંતા કરીશ નહીં.અહીં તો “પોપટ ભૂખ્યો નથી ને તરસ્યો નથી.આંબાની ડાળે લહેર કરે છે.લગ્ન પછી મારાથી અવાયું નથી એટલે મા તરીકે તને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે.પણ હવે આ મહિનામાં અનુકૂળતાએ હું જરૂર આવીશ.અરે,તારે તો ખુશ થવુ જોઇએ કે તારી દીકરી સાસરામાં સેટ થઇ ગઇ છે.
બાકી મમ્મી,બીજા કોઇને વાતો સાંભળીને માની ન લેતી અને મારી જરાયે ચિંતા કરીશ નહીં. હા, કયારેક ભૂલ થાય અને સાસુ કંઇક કહે એટલે એ ખરાબ થઇ ગયા?કેમકે એ સાસુ છે એટલે?એમ તો ભૂલ થાય ત્યારે તું અમને નહોતી ખીજાતી?મમ્મી,તારા કરતા તો ઓછુ ખીજાય છે હોં !મારા સાસુજી.! તું સ્ટ્રીક નહોતી?મમ્મી,આપણો સમાજ જ એવો છે..મા ખીજાય તો કહેશે દીકરીના ભલા માટે.. અને સાસુ જરાક ખીજાય તો કહેશે..કચકચ કરે છે ,દુ:ખ આપે છે…એટલે સાસુને બિચારી ને કંઇ કહેવાનો હક્ક જ નહીં?વહુથી ડરીને તેણે રહેવાનું?કે વહુને શું લાગશે?લોકો..સમાજ શું કહેશે?જે પ્રેમ કરે તેને ખીજાવાનો હક્ક ખરો કે નહીં?સંસારમાં સાથે રહેતા કઇ બે વ્યક્તિના વાસણ કયારેય ખખડતા નથી?
એટલે કોઇની એવી વાતો સાંભળીને માની ન લેતી અને દુ:ખી બિલકુલ ન થતી.હું તો મમ્મી,હવે એટલી ડાહી થઇ ગઇ છું ..કે તને ય નવાઇ લાગશે..જોને આજે કાગળમાં યે કેવી ડાહી ડાહી વાતો નથી લખી?દીકરી તો તારી જ ને?માટે સો વાતની એક વાત…મારી મા,મારી જરાયે ચિંતા કરીશ નહીં.ને તારી તબિયતની સંભાળ રાખજે.
બાકી તમારા બધાની યાદ તો બહુ આવે છે.ને કયારેક આંખો છલકાઇ પણ આવે છે…એની ના નહીં.કેવા આખો દિવસ રખડતા..જલસા કરતા…બહેનપણીઓ સાથે ફરતા…એ બધા દિવસો ભૂલાય છે થોડા?ત્યારે કોઇ જવાબદારી કયાં હતી?પણ ત્યારે હું એક છોકરી હતી…અને આજે એક ગૃહિણી છું તો એટલો તો ફેર પડે જ ને?બરાબરને મમ્મી?
બાકી મમ્મી,આ તો સારું છે કે મારા સાસુ તેં સાંભળ્યું છે…એવા હકીકતે નથી..પણ મમ્મી,ખરેખર એવો કોઇ પ્રોબ્લેમ હોય ને તોયે તારી દીકરીને વાંધો ન આવે …તેં તારી દીકરી ને જે સંસ્કાર આપ્યા છે..એમાં તને શ્રધ્ધા હોવી જોઇએ કે મારી દીકરી કયાં ય પાછી ન જ પડે.તેં દાદીમાના આવા આકરા સ્વભાવ છતાં તેમને કેવા સાચવ્યા હતા..એ મેં નજરે જોયું જ છે ને?અને એ જ દાદીમા ને અંતે તારા વખાણ કરતાયે અમે જ જોયા છે.આ તો સારું છે..મારે એવો કોઇ પ્રોબ્લેમ નથી.બાકી હું તારી દીકરી છું…હોં ! એમ કંઇ ગભરાઉ તેમ નથી જ.
બસ ચાલ.હવે…સવારના પહોરમાં બધું છોડી ને લખવા બેસી ગઇ છું ને મારા સાસુજી બિચારા એકલા કામ કરે છે.નહીંતર કોઇ વહુ અત્યારમાં કાગળ લખવા બેસી શકે ખરી?પપ્પાને પણ કહેજે મારી ચિંતા ન કરે.ભાઇ,ભાભીને પછી નિરાંતે બીજીવાર કાગળ લખીશ.વહાલી પીંકીને ખૂબ ખૂબ પ્યાર.તે તો બહુ જ યાદ આવે છે.તે ફૈબાને યાદ કરે છે કે નહીં?મારા સાસુ પણ યાદી લખાવે છે.
ચાલ,આવજે.હમણાં ઇશા આવવી જ જોઇએ.પાછી એ યે છે થોડી ચીકણી હોં..એ કહે એ યે બધુ સાચુ માની ન લેતી.
શચીના પ્રણામ.
અનિલાબેન ની આંખ અને હૈયુ બંને ભરાઇ આવ્યા.પોતે શું માની ને કેટલા કાવાદાવા કરીને કાગળ મેળવ્યો હતો વાંચવા માટે.. પોતાના મનમાં જ ગુનાની… અપરાધની લાગણી હતી તેથી.અને પોતે તો એમ જ વિચારતા હતા…માનતા હતા..કે પોતાના વિષે કેવું યે ખરાબ લખેલ હશે..(અને જે કદાચ સાચું યે હતું) પણ અહીં તો બધુ ઉલ્ટુ જ લખેલ હતું…
કાગળ તો કાલે રાત્રે લખેલ હશે..અને લખ્યું હતું કે સવારે લખ્યો છે…જલ્દી જલ્દી તેમણે કાગળ હતો ત્યાં એમ જ ફરીથી રાખી દીધો.શચીને ખબર ન પડવી જોઇએ કે પોતે કાગળ વાંચ્યો છે.!!
પોતાની સાસુએ તેમને હેરાન કરેલ અને પોતે જાણ્યે..અજાણ્યે વહુ સામે એનો બદલો લઇ રહ્યો હતા કે શું?આજે શચીના પત્રે તેની આંખો ઉઘાડી દીધી.. વહુને હેરાન કરવાની એકે તક પોતે જવા નહોતા દેતા.કેટલા ઉણા ઉતર્યા હતા પોતે.! અને વહુ જીતી ગઇ હતી.પોતે હારી ગયા હતા.પોતે તો પોતાની સાસુ હેરાન કરતા ત્યારે પિયરમાં મા ને કેટલી વાતો સાસુની કરી આવતા..! જયારે શચી તો…પોતાના વખાણ કરે છે! હવે પોતે આ વખાણને લાયક બનવું જ રહ્યું. શું પોતે આ કાલે આવેલ છોકરી પાસે હારી જશે?ના, એ જીતશે..જરૂર જીતશે.અને સાચી રીતે જીતશે.
અને એ હળવાફૂલ બની ગયા.અને થોડા દિવસ પછી શચી પિયર ગઇ ત્યારે તેને સાસુના ખોટા વખાણ કરવાની જરૂર નહોતી.રહી.અલબત્ત આ પરિવર્તનનું રહસ્ય તો એ કયારેય ન જાણી શકી.
અખંડ આનંદમાં પ્રકાશિત વાર્તા
Excellent story. Very touching and moivating.
Why we always wait for some one
who shows mirror to us
and then we realise ……
very touchy
very true
and still unbelievable
in todays society
હમણાં એક સ્થળે સાંભળ્યું હતું કે જે મા પોતાની દીકરીને વાતવાતમાં, ‘અત્યારે તો હું બધું ચલાવી લઉં છું, એક વાર સાસરે જઈશ પછી સાસુના રાજમાં બધી ખબર પડશે’ એમ સંભળાવતી રહે છે એ જાણે-અજાણે દીકરીના મનમાં સાસુની એક ચોક્કસ, અણગમતી વ્યક્તિની છાપ ઊભી કરી દે છે. જો આમ ન થાય – અને જો સાસુ અને વહુ બંને એકમેકની સારી બાજુ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે – તો આ સંબંધ પણ લાગણીભીના બની શકે.
એક આડવાત, પરમ સમીપે ખરેખર સરસ બ્લોગપ્રવૃત્તિ છે. આટલું બધું કેવી રીતે લખી શકો છો!
હિમાંશુ
લખી શકાય છે.. તમારા જેવા વાચકોની લાગણીને લીધે..અને સુન્દર પ્રતિભાવને લીધે. આભાર.
Himanshubhai ni vat sachi che……Ghani var sasu ni khoti chhap ubhi karvama ave che……
Didi, i like dis story so much……
Truly, daughter’s letter to her mother filled tears in my eyes.Very touchy!