પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

દંભ… July 25, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 7:11 am

પરણીને સાસરે આવ્યે હજુ બે મહિના થયા હતા. આ ટૂંક સમયમાં ધ્રુવાએ બધા ના દિલ જીતી લીધા હતા. તે પણ ધ્રુવાને બધાથી ખુશ હતી.અને બધા તેનાથી ખુશ હતા.ઘરમાં સુખ અને શાંતિ હતા.આમેય સ્ત્રી જે ઘરમાં ખુશ હોય ત્યાં શાંતિ અને સુખ આપોઆપ આવી જ જવાના ને?
ધ્રુવાની સાસુનો સ્વભાવ સારો હતો..પણ ધ્રુવાને એક વાતની હમેશા નવાઇ લાગતી.તેને કંઇ સમજ નહોતી પડતી.ઘણીવાર તેને પૂછવાનું મન થતું.પણ પછી ખરાબ લાગશે તો?એ બીકે તે પૂછતી નહીં. વાત તો જોકે બહુ નાની હતી..પણ તેની નવાઇનું કારણ બની ગઇ હતી.અને તેને મનમાં થતું હતું કે કે સાસુનો સ્વભાવ દંભી કે કંજુસ છે. તેના સાસુ રોજ સવારે મહાદેવના મંદિરે દૂધ ચડાવવા જતા.એમાં એક પણ દિવસ ન ચૂકે. અને કયારેક મોટો લોટો ભરીને,ક્યારેક નાની લોટી લઇ ને કે કયારેક ગ્લાસ ભરીને દૂધ લઇ જતા.જોક આમાં તો કંઇ નવું નહોતું. તેના પિયરમાં યે તેની મમ્મી ને આ જ ટેવ હતી.પણ નવું તેને એક વાતનું લાગતું કે તેની સાસુ રોજ દૂધ લઇ ને તો જતા.પણ મહાદેવજી ને ચડાવવાને બદલે રોજ એમ જ ભરેલ લોટો પાછો લાવતા.ધ્રુવાને નવાઇ આ વાતની લાગતી કે જો દૂધ ચડાવવું જ નથી ..તો પછી લઇ શા માટે જાય છે?એવો દંભ કરવાની શી જરૂર છે ! કે પછી સાસુજી કંજુસ છે….?અને એક દિવસ નહીં રોજ પાછુ લાવે છે..!! શું બધાને મંદિરમાં બતાવવા લઇ જાય છે?તેના મનમાં પ્રશ્નો ઉઠતા.તેને પૂછવાનું મન થતું..કહેવાનુ મન થતું કે મમ્મી, તમારે મંદિરમાં દૂધ ચડાવવું જ નથી તો પછી રોજ ઉંચકીને લઇ જ ન જાવ ને ! સાસુજી આવે એટલે જોઇ લેવાની, ચેક કરી લેવાની તેને આદત પડી ગઇ હતી કે આજે દૂધ ચડાવ્યું છે કે કેમ?પણ લોટો હમેશા ભરેલો જ પાછો આવતો.. એમાં એક વખત એવું થયું કે સવારે દૂધવાળો રોજ નો સમય થઇ ગયો તો પણ હજુ આવ્યો નહોતો.સાસુજી ઉંચા નીચા થતા હતા.તેને મંદિરે જવાનો સમય થઇ ગયો હતો.પણ તે દૂધની રાહ જોતા હતા.ધ્રુવાને થયુંકે પોતે કહી દે, કે આમેય તમારે કયાં દૂધ ચડાવવું છે?તમે તમારે જઇ આવો ને ! પણ મૌન રહી ને હવે સાસુજી શુ કરે છે તે જોઇ રહી.
ત્યાં તો સાસુજી એ કોઇક ને બોલાવી ને પૈસા આપ્યા અને દૂધ મગાવી લીધું.અને દૂધ આવતા જ હાશ કરીને મંદિરે ગયા.ધ્રુવાને નવાઇ લાગી.આજે તો સાસુજી આવે એટલે બરાબર જોઇ જ લેવું અને પછી પૂછવું જ છે.એમ તેણે નક્કી કર્યું. સાસુના આ દંભને તે ઉઘાડો પાડશે જ !

અને તે પાછા આવ્યા ત્યારે ધ્રુવાએ જોયું કે દૂધ નો લોટો આજે યે આખો ભરેલો જ છે.હવે તેનાથી ન રહેવાયું.અને તેણે હિમત કરી સાસુજી ને પૂછી જ લીધુ.,”મમ્મી,દૂધ પાછું કેમ લાવ્યા? ભગવાનને ચડાવ્યું નહીં?”સાસુ એક મિનિટ મૌન બની તેની સામે જોઇ રહ્યા.ધ્રુવાને થયું કે પોતા થી પૂછવામાં કંઇ ભૂલ થઇ ગઇ કે?
ત્યાં સાસુજીએ ધીમેથી જવાબ આપ્યો..
કે પોતે શ્રધ્ધાના પ્રતીક રૂપે લોટામાંથી ફકત એકાદ – બે ટીપા દૂધ નો જ શિવલિંગ પર અભિષેક કરે છે.અને બાકીનું દૂધ પ્રસાદરૂપે કામવાળી બાઇના નાના છોકરાને પીવા માટે આપી દે છે. !
અને હવે ધ્રુવા મૌન..!!!