“કોઇ સવારના ઉગતા સૂર્યને અર્ઘ્ય આપતું હતુ .કોઇ તુલસીકયારે પાણી રેડતું હતું કે દીવો પ્રગટાવતુ હતું. મંગળાની આરતીના મધુર સ્વર અને ઘંટનાદનો મંજુલ નાદ વાતાવરણને એક પ્રસન્નતા થી સભર બનાવતા હતા.કયાંકથી વળી બુલંદ સ્વરે પ્રભાતિયા ના અવાજ આવી રહ્યા હતા.કયાંકથી સવારના રોજીન્દા કામની બૂમો સંભળાતી હતી.તો કયાંક સ્કૂલે જતા શિશુના કલરવથી સવાર ગાજતી હતી.
પણ મધુરાબેન ને જાણે આજે કઇ સ્પર્શતું નહોતુ.તેનું સમગ્ર અસ્તિત્વ મૌન બની ગયુ હતુ.કે પછી અંદર વધુ પડતો ઘોંઘાટ હતો!! અને મન અંદરથી ઉઠતા અવાજને જાણે સાંભળવા ન માગતું હોય..સમજવા ન માગતું હોય તેમ તેની અવગણના કરી રહ્યું હતું..!!તે સૂનમૂન બની ગયા હતા.જાણે કોઇ તેને હચમચાવી રહ્યું હતું.રહી રહી ને એક જ વાકય…જે તે કદાચ વરસોથી સાંભળતા આવ્યા હતા…અને ટેવાઇ પણ ગયા હતા…આજે એ વાકયે તેને કેમ હચમચાવી મૂકયા હતા…એની તેમને યે સમજ નહોતી પડતી..પણ આજે કદાચ તે પોતાની જાતને પૂછી રહ્યા હતા.જાણે જાત પાસેથી જવાબ માગી રહ્યા હતા.આમ તો સાવ સામાન્ય વાકય હતુ..એ..કદાચ દરેક ઘરમાં કયારેક તો કોઇ ને કોઇ એ વાકય બોલતુ જ હશે.
આજે સવારે જ શૈલજાએ તેને કહી દીધું હતું..કદાચ અલ્ટીમેટમ આપી દીધું હતું..”મારા ઘરમાં રહેવું હોય તો આવું બધું મને નહીં ચાલે.”આમ તો પછી તેનું ઘણું યે લેક્ચર ચાલ્યું હતુ.પણ મનથી અચાનક બહેરા બની ગયેલ મધુરાબેન બીજું કંઇ સાંભળવા..સમજવા કયાં સમર્થ રહ્યા હતા?વરસોથી આ વાકય પતિ પાસેથી તો સાંભળતા આવ્યા હતા…અને સહન કરતા આવ્યા હતા..આજે વહુ પાસેથી પણ તે જ વાકય સાંભળી તે જાણે હચમચી ગયા હતા.અને તેના મનમાં સતત આ વાકય હથોડાની જેમ વાગી રહ્યું હતુ.અને અંદર જાણે કોઇ તેને સતત પ્રશ્ન કરી રહ્યું હતું,”મધુરા,તારું ઘર કયું છે?તારું ઘર કયાં છે? વરસોથી તુ જાત ને છેતરતી આવી છે..”મારું ઘર..મારું ઘર”..!! ઘર માટે તું ભોગ આપે છે..એમ તું માનતી આવી છે..કયા ઘર માટે?કોના ઘર માટે?તારો એ ભ્રમ જ હતો..જેને તું સત્ય માની ને ..આંખમીંચામણા કરીને જીવી રહી હતી…હકીકતે તારે કોઇ ઘર નથી..તું છે આશ્રિત માત્ર.તને રહેવા મળે છે..ખાવા પીવા અને પહેરવા ઓઢવા મળે છે..પણ ……ઘર તો તારે નથી જ…!!
મધુરાબેન સમક્ષ વીતેલ વરસો ચલચિત્ર ના દ્રશ્યની જેમ પસાર થઇ રહ્યા…
તેના અને રાજન ના પ્રેમલગ્ન હતા.એ પ્રેમ જે લગ્ન પછી બહું ટૂંક સમયમાં વરાળ ની જેમ ઉડી ગયો હતો.કયાં..કયારે અદ્રશ્ય થઇ ગયો ..એ ખબર સુધ્ધાં ન પડી.અને હમેશ બનતું આવ્યું છે તેમ ખૂબીઓ જોવા ટેવાયેલી આંખને હવે ખામીઓ જ દેખાવા માંડી.દ્રષ્ટિ બદલે ત્યારે જગત આખું બદલી જ જાય છે ને?
મધુરા લગ્ન પહેલાં થી જ કોલેજમાં ભણાવતી હતી.તે એમ.એસ.સી.. ફર્સ્ટ કલાસ હતી .અને ભણાવવામાં તેને ખૂબ આનંદ મળતો..માનસિક સંતોષ મળતો.વિધાર્થીઓમાં તેમને જીવંત રસ હતો.અને વિધાર્થીઓમાં તે ખૂબ પ્રિય હતા.ભણવા સિવાયના એમના પ્રશ્નોમાં પણ એ અંગત રીતે રસ લેતા. એ ક્ષણોમાં તે સાચા અર્થમાં જીવન માણતા હતા.અને લગ્ન પહેલાં જ એણે આ વાત બહુ સ્પષ્ટ રીતે કહી દીધી હતી.
પણ લગ્નના છ જ મહિનામાં તેની કોલેજ ની નોકરી છોડાવી દેવાઇ.અલબત્ત એવા શબ્દો સાથે કે હવે હું સારુ કમાઉ જ છું ને?હવે તારે નોકરી કરવાની કયાં જરૂર છે?અને ત્યારે પોતે કહી કયાં શકયા હતા કે પોતે પૈસા માટે જ નોકરી નથી કરતા..તેને ગમે છે.કોલેજમાં ભણાવવું કે છોકરા છોકરીઓ સાથે કામ કરવું તેમે ગમે છે.કંઇક કર્યાનો માનસિક સંતોષ તેને મળે છે. એ સમયમાં તે જીવંત બની ઉઠે છે. છે.ઘણું ઘણું કહેવું હતું..મનની વાત કરવી હતી..પણ કોને કહે?રાજનને એવી “લપ” એવા ‘વેવલાવેડા ‘સાંભળવા હવે ગમતા નહોતા.અને “નોકરી ન કર….”આ કંઇ સૂચન થોડુ હતું? આ તો આદેશ હતો..અવગણના ન થઇ શકે તેવો આદેશ.! .જેનું ફકત કોઇ દલીલ વિના પાલન જ થઇ શકે..અને તે જ કરવાનું હતું..અને જયારે થોડુ કહેવા ગયા ત્યારે પહેલીવાર આ વાકય સાંભળેલ”મારા ઘરમાં હું કહું એ જ થવું જોઇએ.મને દલીલો પસંદ નથી જ…”
અને મધુરા સ્તબ્ધ બની ગઇ હતી.મૂઢ બનેલ તેના હૈયાને કળ વળી ત્યારે..મનને મનાવેલ..જવા દે…એને નથી ગમતું..પોતાના ઘર માટે માણસે કયારેક કયાંક બાંધછોડ કરવી જ રહી ને?આ વિચારી પોતે જરાયે ન ગમતો નિર્ણય સ્વીકારી લીધો હતો..જોકે તેને એ સત્ય સમજાઇ જતા..જરાયે વાર નહોતી લાગી કે જે કંઇ પણ બાંધ છોડ કરવાની આવશે..તે પોતાને જ ભાગે આવશે.”મારું ઘર”અને “મારા ઘર” હવે આ બે શબ્દોથી તે ટેવાવા માંડયા હતા.ઘરમાં રહેવા માટે તેણે શું કરવુ જોઇએ અને શું નહીં..એની સ્પષ્ટ ગાઇડલાઇન જાણે તેમને આપી દેવામાં આવી.જેનું પોતે પાલન કરવાનુ જ હતું.અને સ્ત્રીને શું શું ખબર નથી પડતી..એની પણ પૂરી જાણકારી રાજન પાસે હતી જ..જેમાં સુધારા વધારાને કોઇ અવકાશ નહોતો..
અને ફકત ઘર જ તેનું નહોતું..બાકી ઘરની ફરજો બધી તેની જ હતી.!! અપેક્ષાઓ બધી તેની પાસેથી જ રખાતી.કયારેય પાણીનો ગ્લાસ પણ જાતે ભરી લેવાની રાજનને આદત નહોતી.એવી કોઇ કુટેવ તેણે પહેલેથી રાખી જ નહોતી.તેના એક સાદે મધુરા ફફડતી.કયારેક તબિયત સારી ન હોય,કયારેક કામવાળી આવી ન હોય…પણ એકેય વ્યવસ્થામાં ફેર ન જ પડવો જોઇએ.એ બધા મધુરાના પ્રોબ્લેમ હતા..જેની સાથે રાજનને કયારેય કંઇ ખાસ લાગતું વળગતુ નહીં આખો દિવસ કરવાનું શું હોય છે તારે?મોટાભાગના પુરૂષોની જેમ રાજનની પણ આ જ પાક્કી માન્યતા હતી.મધુરાને કયારેક ઠીક ન હોય(મૂડ ન હોય..એમ તો બોલાય જ નહી ને?)ને કયાંક બહાર જમવા જવા નું સૂચન કરે તો..ત્યારે રાજનને મધુરાના હાથનું જ ખાવું હોય !અને વળી તેના મિત્રોને પણ ટાણે કટાણે ભાભીના હાથની સરસ વાનગીઓ ખાવાનું બહું મન થાય..પસંદગી ના પસંદગી..ગમા અણગમા..સ્ત્રી ને હોય એવું કદાચ રાજન શીખ્યો જ નહોતો.કે માનતો યે નહોતો.અને ચર્ચા તો તેને ગમતી જ નહોતી ને?એની તો એને સખત નફરત હતી.અને સખત સૂચના હતી કે તેની સાથે ચર્ચા કરવી જ નહીં કે સલાહ આપવી જ નહીં…મધુરાએ જે રાજન ને પ્રેમ કરેલ તે રાજન તો બહુ જલ્દી ન જાણે કયાંયે ખોવાઇ ગયો હતો .રાજન ઘરમાં હોય એટલી વાર મધુરાના નામના પોકાર ચાલુ જ હોય.અને મધુરા રઘવાયી થઇ ને દોડતી જ હોય.જરાક ભૂલ થાય કે વાર લાગે એટલે રાજનનુ કેટલું યે લેકચર આવી પડે. તેની પ્રતિભા બધી કરમાઇ ગઇ હતી.કેટકેટલા ઉઝરડાઓ…ઘસરકાઓ જીવનમાં પડી ચૂક્યા હતા..જે તેમના સિવાય કોઇને દેખાતા નહોતા.ઘ્ણીવાર મન બંડ પોકારી ઉઠતું.પણ હમેશ બને છે તેમ સંતાન માટે ભોગ તેમણે પણ આપવો જ પડયો.મનમાં ઉઠતા વિદ્રોહના વંટોળને વાચા સુધ્ધાં ન આપી શકાઇ.
શુભમ ના જન્મ પછી તેમણે મન દીકરા તરફ વાળી લીધું.પોતાને તો એક દીકરીની ખુબ હોંશ હતી.પણ….એમાં યે તેમનું કંઇ ચાલ્યું નહીં.એક દીકરો છે..બસ…!! દીકરીનું કોઇ જોખમ,જવાબદારી રાજનને નહોતી જોતી.અને મધુરાને શુ જોઇએ છે…તેની શું ઇચ્છા છે..પ્રશ્ન જ અસ્થાને હતો.!! થોડા વરસો શુભમના ઉછેરમાં કયાં પસાર થઇ ગયા..ખબર ન પડી..અને જે ખબર પડી…એને અવગણીને તે શુભમમય બની રહ્યા.પણ ધીમે ધીમે શુભમની દુનિયા સ્વાભાવિક રીતે જ વિસ્તરવા માંડી.પોતે એમાં ગૌણ બનતા ગયા..પણ એ તો કદાચ સ્વાભાવિક ક્રમ હતો જીવનનો..જેની સામે તેમને કોઇ ફરિયાદ નહોતી.
સમયના આ ગાળા માં પણ”મારું ઘર” શબ્દ તો કાને અથડાતો જ રહ્યો. તેનું વ્યક્તિત્વ કચડાતું રહ્યું.મન મૂરઝાતું રહ્યું.ઘણીવાર થતું કે એક દીકરી હોત તો..પોતે મનની વ્યથા તેની આગળ ઠાલવી હળવા થઇ શકત..કદાચ દીકરીને કહેવાની જરૂર પણ ન પડત.દીકરી કદાચ તેનો વિસામો બની રહેત…!! પણ આ બધી તો રહી ગઇ હતી કોરી કલ્પનાઓ.ન ફળેલ શમણાઓ….અધૂરી રહેલ ઇચ્છાઓ.હવે જેનો કોઇ અર્થ નહોતો.
શૈલજા ઘરમાં આવી..કયારે અને કેમ એ તેમને તો પૂરી ખબર પણ ન પડી.પસંદગી દીકરાએ કરી હતી..અને મંજુરીની મહોર…તો રાજને જ મારવાની હતી.એમાં ‘બૈરા’ને શું ખબર પડે?અને શૈલજા શ્રીમંતની એક ની એક દીકરી હતી.જેથી રાજને પણ તરત સ્વીકારી લીધી.અને ઘરમાં આવ્યા પછી ચતુર શૈલજાને પારખતા જરાયે વાર ન લાગી..કે સાસુનું આ ઘરમાં શું સ્થાન છે.!! અને થોડા જ સમયમાં એ ઘરની સર્વેસર્વા બની ગઇ.સસરાને એ સાચવી લેતી.અને સાસુને ચતુરાઇથી વાતવાતમાં ઉતારી પાડતા એ જરાયે અચકાતી નહીં..અને હવે તો જાણે સ્થાપિત થઇ ગયું હતું કે કરી દેવામાં આવ્યું હતું..કે મધુરાબેન ને ઘરમાં કંઇ ગતાગમ પડતી જ નથી.!!
એક સ્ત્રીનું…સ્ત્રીની પ્રતિભાનું શોષણ થઇ રહ્યું હતું અને તે યે તેની પોતાની વ્યક્તિઓ વડે.પણ ..કોઇ ઉપાય દેખાતો નહોતો..કે પછી દેખાતો તો હતો પણ અમલમાં મૂકવાની હિમત નહોતી.
અને મધુરાબેને કદાચ સ્વીકારી પણ લીધુ હતું.છૂટકો યે કયાં હતો?જયાં પતિને જ કંઇ કિમત નહોતી ત્યાં… અને તેમણે અનિચ્છાએ જ ભગવાનમાં જીવ પરોવ્યો હતો.મન તો કોલેજમાં હજુ યે પહોચી જતું પણ તન માટે તો મંદિર સિવાય જાણે કોઇ વિકલ્પ જ નહોતો રહ્યો. કોઇએ નહોતો રહેવા દીધો.પોતે એમ.એસ.સી.સુધી ભણ્યા હતા…એ યે ભુલી ગયા હતા.આજે 50 વરસની ઉમરે મન તો કદાચ હજુ યે 25 વરસનું જ રહ્યું હતું..જેને તાળુ લગાવી ને ચાવી ન જાણે કોણે..કયાં ફેંકી દીધી હતી.
આજે યે કદાચ આ અજંપો ઘેરી ન વળત..અને આમ જ કદાચ જીવન પૂરુ થઇ જાત…પણ આજે સવારમાં પોતે રોજની જેમ ઘરમાં પૂજા કરવા બેઠા.હવે એ સિવાય તો કરવા જેવું કંઇ કોઇએ રહેવા કયાં દીધુ હતું?પણ આજે કદાચ રોજ કરતા ઘંટડી વધારે મોટે થી વગાડાઇ ગઇ.અને શૈલજાની ઉંઘમાં ખલેલ પહોચી.તે રૂમમાંથી બહાર આવી અને તરત જેમ ફાવે તેમ બોલવા લાગી..કે જાણી જોઇને પોતાને ડીસ્ટર્બ કરવા જ મોટે થી અવાજ કરે છે.મધુરાબેન જવાબ આપવા ગયા ત્યાં જ શૈલજાએ અલ્ટીમેટમ આપી દીધું..”મારા ઘરમાં રહેવું હોય તો મને આવું બધું નહીં ચાલે..નહીં પોષાય……”
અને બસ..ત્યારથી મધુરાબેન સૂનમૂન બની ગયા હતા.વરસોથી ભલે ટેવાઇ ગયા હતા..પણ ઘણીવાર મન કયારે કયાં એક શબ્દથી ચોટ ખાઇ જાય..કેમ ખબર પડે?અને અત્યાર સુધી પતિ પાસેથી સાંભળતા આવ્યા હતા…આજે વહુ પાસેથી ફરી એકવાર ……
અને તે મંદિરે આવી ને બેઠા હતા..મંગળાની આરતી કયારની પૂરી થઇ ગઇ હતી.જેની તેમને ખબર સુધ્ધાં નહોતી પડી.ઘેર જવાનું કેમે ય મન નહોતું થતું…પોતાનું ઘર કયાં હતું?કોઇને ઘેર કયાં સુધી રહેશે?પણ આ ઉમરે હવે જાય પણ કયાં?આંખો અને મન બંને છલકી રહ્યા હતા.અણુ એ અણુ માંથી જાણે આજે આટલા વરસો બાદ વિદ્રોહ ઉઠતો હતો…બસ..બહુ થયું હવે…હવે નહીં..શૈલજાના શબ્દોએ આજે ચિનગારીનું કામ કર્યું હતું..અને સળગતા અંગાર પરથી જાણે રાખ ઉડી ગઇ હતી.ચિનગારી પ્રજવલિત થઇ ઉઠી હતી.એક જ ચિનગારી…બસ…..! હવે તે રહેશે તો પોતાના જ ઘરમાં..જે ઘર માટે તેણે સ્વપ્નો જોયા હતા તે ઘરમાં.!!મન ઉપર ફરી વળેલી રાખ ઉડી જતા જાણે વિચારોનું વાવાઝોડુ ફૂંકાતું હતું…હવે તે જીવશે ફકત પોતાના માટે.આટલા વરસો કુટુંબને આપ્યા..બસ હવે..!
અને સમય થતાં ઘેર તો ન છૂટકે જવું પડયું….શું કરવું…તેનું મનોમંથન ચાલતું રહ્યું.કોઇને કશી ખબર પડે તેમ તો હતું જ નહીં.કોની પાસે તેના મનની ભીતર ઝાંકવાનો ..ડોકિયુ કરવાનો સમય, સૂઝ કે જરૂર હતા?
અને અચાનક એક દિવસ સવારે ગયેલ મધુરાબેન પાછા ઘેર ન આવ્યા..અને આવ્યો તેનો પત્ર.જેમાં જણાવ્યુ હતું કે પોતાને કોઇ પ્રાઇવેટ કોલેજમાં ફરી એકવાર નોકરી મળી ગઇ છે. અને કોલેજનું કવાર્ટર પણ મળ્યું છે.અને ઘેરથી કોલેજ દૂર પડતી હોવાથી તે હવે ત્યાં જ રહેવા માગે છે.જેને”પોતાને ઘરે “આવવું હોય તે આવી શકે છે.અને નીચે લખેલ હતું.” મારા ઘર”નું સરનામુ આ પ્રમાણે છે..
વરસો બાદ મધુરાબેન ને સરનામુ મળ્યું હતું પોતાના ઘરનું…જેને તે ખોવા નહોતા માગતા…!!
તારીખ…15-07-2007 ના જન્મભૂમિ પ્રવાસીમાં છપાયેલ વાર્તા.
નીલમ દોશી..
Throuhout our life
we keep on stugling
to
estblish our
identity
and
one fine day
every thing
gets finished
without any
prior notification
what remains behind ?
still we need to search
really a nice story
Story is good but sounds un-realistic. In today’s world,highly educated lady (Msc passed) can not express her wish? What is the use of education then?
અભિનંદન, નીલમબેન…
માનવીની અનેક નબળાઈઓમાંની જ એક આ પણ છે કે તે પોતાનાં હોય તેના ભલા માટે થઈને સહન કરવાનું સ્વીકારી લે છે. આ ભાવના કોઈ સમજી ન શકે તો એને સહજતાથી સ્વીકારી લઈને સૌ ટેવાઈ જાય છે. સહન કરનારનેય સામે થવાનું જરુરી લાગતું નથી એ પણ પેલી સાલસતાનું જ કારણ છે !
પણ ક્યારેક, હા ક્યારેક તો એ સ્ફોટક બનીને જ રહે છે !
અને એ જ બાબત આ વાર્તાના પાયામાં છે; ભલે એ શીર્ષકમાં પ્રગટતી ન હોય.
સાત પગલાં આકાશમાં. બહુ જ સરસ અભીવ્યક્તી.
saras congrats
એમ.એસ. સી. પાસ નહીં ડોકટર યુવતીઓને પણ આ પરિસ્થિતિ માં મૂકાયેલ મેં જોઇ છે.અને છતાં પડયું પાનુ નિભાવી લેતા પણ જોઇ છે.મધુરા જેવી કોઇક જ આ પગલું લઇ શકે છે. સમાજમાં આજ એદરેક પ્રકારના ઉદાહરણો જોવા મળે જ છે. શૈલજા કે મધુરા એકે ની સંખ્યા વધે એ કોઇ રીતે ઇચ્છનીય નથી જ ને ?
I agree with the writer.The reality is much more horrible than the story.
saval degree no nathi. savar vyakti na swabhav, ena sanskar, eni pasandagi no chhe. Degree kadach vichar aapi shake, sanskar ane swabhav ne bahu badalavi na shake. em to Rajan ane Shailaja pan sara educated hashe. Shu fark padyo enathi ? svajan ni samvedana janavani aavdat mali emathi ?
Man has regarded woman as a mean to his happiness; never realizing that she is a human and has same needs as the man has. Bravo; she should have done this in very first year of marraige; and should not have compromised.
Excellent story. an eye-opener towards our social structures. Sacrifices and the results. Keep writing.