પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

જીત…. July 31, 2007

પૂ.મમ્મી,
કાલે તારો પત્ર મારી બહેનપણી ઇશા આપી ગઇ.ઘણાં વખતે ઇશાને મળીને અને તારો પત્ર વાંચીને મન ભરાઇ આવ્યું.ખૂબ આનંદ થયો.તમારા બધાના ખુશી સમાચાર ઇશા પાસેથી મળ્યા.

મમ્મી,ખાસ વાત એક જ લખવા માટે બેઠી છું અત્યારે.કે તું મારી જે ચિંતા કરે છે તે સાવ ખોટી કરે છે.તને જે સમાચાર મળ્યા છે કે મારા સાસુ બહુ કડક સ્વભાવના છે.અને મને હેરાન કરે છે…કચકચ કરે છે.સંભળાવ્યા કરે છે…ને હું આખો દિવસ નવરી જ નથી થતી..મને કયાંય જવા નથી દેતા….વિગેરે બધી વાતો સાવ ખોટી છે.મમ્મી,તું મારી જરાયે ચિંતા કરીશ નહીં.તને કોઇએ મીઠુ મરચુ ઉમેરીને બધુ કહ્યું લાગે છે.બાકી મારા સાસુ ખરેખર બહુ સારા સ્વભાવના જ છે.મને અહીં કોઇ વાતની તકલીફ નથી.

હા,તું પડી ગઇ હતી હતી ત્યારે હું તારી ખબર કાઢવા નથી આવી શકી…પણ તેનું કારણ તું ધારે છે એવું કંઇ જ નથી.હકીકતે ત્યારે મારા સાસુએ તો ખૂબ કહ્યુ હતુ કે તારી મમ્મી પાસે એક આંટો જઇ આવ.પણ મમ્મી,ત્યારે તારા જમાઇની એટલે કે સચિનની તબિયત જરા સારી નહોતી.થોડો તાવ જેવુ હતું એટલે મારું જ મન ન માન્યું.એટ્લે મારા સાસુએ બહુ કહ્યુ તો પણ હું આવી નહીં.મમ્મી,બરાબર કર્યું ને?મનથી તો હું તારી પાસે જ હતી.અને તારી જ શિખામણ યાદ કરીને મનને સમજાવ્યું કે “બેટા,હવે તારું સાચુ ઘર એ જ છે.એ જ તારા સાચા સગા છે.અને હમેશા પહેલું સ્થાન..તારી પહેલી ફરજ એ ઘર માટે જ છે.”

આવું તેં જ કહ્યું હતું ને મમ્મી?એટલે તારા એ શબ્દો જ મેં યાદ રાખ્યા.અને હું ન આવી.મમ્મી,તને ખરાબ તો નથી લાગ્યું ને?ભાભી તારી પાસે હતા એટલે મને બીજી કોઇ ચિંતા હતી નહીં.ભાભી તારું કેટલુ ધ્યાન રાખે છે..એ હું જાણુ જ છું..હું પણ મારી ભાભી જેવી જ બનવાનો પ્રયત્ન કરું છું.બાકી મારા સાસુ વિષે તેં જે કઇ વાતો સાંભળી હોય તે મનમાંથી કાઢી નાખજે.એવું કંઇ જ નથી.એ તો ઉલ્ટુ મારું એટલુ ધ્યાન રાખે છે.હજુ નવી સવી છું તો કયારેક કંઇ ખબર ન પડે તો પ્રેમથી સમજાવે છે.ને દરેક કામમાં મારી સાથે સાથે જ હોય છે.મને એકલીને કંઇ જ નથી કરવા દેતા.જો,અત્યારે સવારના 8 વાગ્યામાં આ કાગળ લખવા બેસી ગઇ છું ને?હમણાં 9 વાગ્યે ઇશા આવવાની છે .એટલે.બાકી મમ્મી,મારી જરાયે ચિંતા કરીશ નહીં.અહીં તો “પોપટ ભૂખ્યો નથી ને તરસ્યો નથી.આંબાની ડાળે લહેર કરે છે.લગ્ન પછી મારાથી અવાયું નથી એટલે મા તરીકે તને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે.પણ હવે આ મહિનામાં અનુકૂળતાએ હું જરૂર આવીશ.અરે,તારે તો ખુશ થવુ જોઇએ કે તારી દીકરી સાસરામાં સેટ થઇ ગઇ છે.
બાકી મમ્મી,બીજા કોઇને વાતો સાંભળીને માની ન લેતી અને મારી જરાયે ચિંતા કરીશ નહીં. હા, કયારેક ભૂલ થાય અને સાસુ કંઇક કહે એટલે એ ખરાબ થઇ ગયા?કેમકે એ સાસુ છે એટલે?એમ તો ભૂલ થાય ત્યારે તું અમને નહોતી ખીજાતી?મમ્મી,તારા કરતા તો ઓછુ ખીજાય છે હોં !મારા સાસુજી.! તું સ્ટ્રીક નહોતી?મમ્મી,આપણો સમાજ જ એવો છે..મા ખીજાય તો કહેશે દીકરીના ભલા માટે.. અને સાસુ જરાક ખીજાય તો કહેશે..કચકચ કરે છે ,દુ:ખ આપે છે…એટલે સાસુને બિચારી ને કંઇ કહેવાનો હક્ક જ નહીં?વહુથી ડરીને તેણે રહેવાનું?કે વહુને શું લાગશે?લોકો..સમાજ શું કહેશે?જે પ્રેમ કરે તેને ખીજાવાનો હક્ક ખરો કે નહીં?સંસારમાં સાથે રહેતા કઇ બે વ્યક્તિના વાસણ કયારેય ખખડતા નથી?
એટલે કોઇની એવી વાતો સાંભળીને માની ન લેતી અને દુ:ખી બિલકુલ ન થતી.હું તો મમ્મી,હવે એટલી ડાહી થઇ ગઇ છું ..કે તને ય નવાઇ લાગશે..જોને આજે કાગળમાં યે કેવી ડાહી ડાહી વાતો નથી લખી?દીકરી તો તારી જ ને?માટે સો વાતની એક વાત…મારી મા,મારી જરાયે ચિંતા કરીશ નહીં.ને તારી તબિયતની સંભાળ રાખજે.
બાકી તમારા બધાની યાદ તો બહુ આવે છે.ને કયારેક આંખો છલકાઇ પણ આવે છે…એની ના નહીં.કેવા આખો દિવસ રખડતા..જલસા કરતા…બહેનપણીઓ સાથે ફરતા…એ બધા દિવસો ભૂલાય છે થોડા?ત્યારે કોઇ જવાબદારી કયાં હતી?પણ ત્યારે હું એક છોકરી હતી…અને આજે એક ગૃહિણી છું તો એટલો તો ફેર પડે જ ને?બરાબરને મમ્મી?
બાકી મમ્મી,આ તો સારું છે કે મારા સાસુ તેં સાંભળ્યું છે…એવા હકીકતે નથી..પણ મમ્મી,ખરેખર એવો કોઇ પ્રોબ્લેમ હોય ને તોયે તારી દીકરીને વાંધો ન આવે …તેં તારી દીકરી ને જે સંસ્કાર આપ્યા છે..એમાં તને શ્રધ્ધા હોવી જોઇએ કે મારી દીકરી કયાં ય પાછી ન જ પડે.તેં દાદીમાના આવા આકરા સ્વભાવ છતાં તેમને કેવા સાચવ્યા હતા..એ મેં નજરે જોયું જ છે ને?અને એ જ દાદીમા ને અંતે તારા વખાણ કરતાયે અમે જ જોયા છે.આ તો સારું છે..મારે એવો કોઇ પ્રોબ્લેમ નથી.બાકી હું તારી દીકરી છું…હોં ! એમ કંઇ ગભરાઉ તેમ નથી જ.
બસ ચાલ.હવે…સવારના પહોરમાં બધું છોડી ને લખવા બેસી ગઇ છું ને મારા સાસુજી બિચારા એકલા કામ કરે છે.નહીંતર કોઇ વહુ અત્યારમાં કાગળ લખવા બેસી શકે ખરી?પપ્પાને પણ કહેજે મારી ચિંતા ન કરે.ભાઇ,ભાભીને પછી નિરાંતે બીજીવાર કાગળ લખીશ.વહાલી પીંકીને ખૂબ ખૂબ પ્યાર.તે તો બહુ જ યાદ આવે છે.તે ફૈબાને યાદ કરે છે કે નહીં?મારા સાસુ પણ યાદી લખાવે છે.

ચાલ,આવજે.હમણાં ઇશા આવવી જ જોઇએ.પાછી એ યે છે થોડી ચીકણી હોં..એ કહે એ યે બધુ સાચુ માની ન લેતી.
શચીના પ્રણામ.

અનિલાબેન ની આંખ અને હૈયુ બંને ભરાઇ આવ્યા.પોતે શું માની ને કેટલા કાવાદાવા કરીને કાગળ મેળવ્યો હતો વાંચવા માટે.. પોતાના મનમાં જ ગુનાની… અપરાધની લાગણી હતી તેથી.અને પોતે તો એમ જ વિચારતા હતા…માનતા હતા..કે પોતાના વિષે કેવું યે ખરાબ લખેલ હશે..(અને જે કદાચ સાચું યે હતું) પણ અહીં તો બધુ ઉલ્ટુ જ લખેલ હતું…
કાગળ તો કાલે રાત્રે લખેલ હશે..અને લખ્યું હતું કે સવારે લખ્યો છે…જલ્દી જલ્દી તેમણે કાગળ હતો ત્યાં એમ જ ફરીથી રાખી દીધો.શચીને ખબર ન પડવી જોઇએ કે પોતે કાગળ વાંચ્યો છે.!!

પોતાની સાસુએ તેમને હેરાન કરેલ અને પોતે જાણ્યે..અજાણ્યે વહુ સામે એનો બદલો લઇ રહ્યો હતા કે શું?આજે શચીના પત્રે તેની આંખો ઉઘાડી દીધી.. વહુને હેરાન કરવાની એકે તક પોતે જવા નહોતા દેતા.કેટલા ઉણા ઉતર્યા હતા પોતે.! અને વહુ જીતી ગઇ હતી.પોતે હારી ગયા હતા.પોતે તો પોતાની સાસુ હેરાન કરતા ત્યારે પિયરમાં મા ને કેટલી વાતો સાસુની કરી આવતા..! જયારે શચી તો…પોતાના વખાણ કરે છે! હવે પોતે આ વખાણને લાયક બનવું જ રહ્યું. શું પોતે આ કાલે આવેલ છોકરી પાસે હારી જશે?ના, એ જીતશે..જરૂર જીતશે.અને સાચી રીતે જીતશે.
અને એ હળવાફૂલ બની ગયા.અને થોડા દિવસ પછી શચી પિયર ગઇ ત્યારે તેને સાસુના ખોટા વખાણ કરવાની જરૂર નહોતી.રહી.અલબત્ત આ પરિવર્તનનું રહસ્ય તો એ કયારેય ન જાણી શકી.

અખંડ આનંદમાં પ્રકાશિત વાર્તા

 

મૂળ…. July 28, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 8:41 am

શાલ્વી હાઇસ્કૂલમાં શિક્ષિકા હતી.આ વ્યવસાય તેની કોઇ મજબૂરી કે જરૂરિયાત નહીં ,પણ તેનો શોખ હતો.બાળકો સાથે કામ કરવું તેને ગમતું.ભણાવવું તેની મનપસંદ પ્રવૃતિ હતી.પોતાને શિક્ષકો પાસેથી જે મળ્યું હતું તે પાછું વાળવાની એક શુભ નિષ્ઠા હતી તેનામાં.અને તેથી સ્વાભાવિક રીતે જ તે ખૂબ ઉત્સાહ અને ઉમંગ થી પોતાનું કામ કરતી હતી.

બાળકોમાં… તેના માનસને સમજવામાં,તેને ઓળખવામાં તેને ઉંડો રસ હતો.દરેક બાળકમાં તે અંગત રસ લેતી.તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય માટે તે બધું કરી છૂટતી.સ્વાભાવિક રીતે જ આવા શિક્ષક વિધ્યાર્થીઓને પણ પ્રિય હોય જ.તેના માટે બાળકોને પણ ખૂબ લાગણી હતી.શિક્ષક અને વિધ્ધાર્થીઓ વચ્ચે અહીં સ્નેહનો સેતુ અનાયાસે રચાયેલ.તેના પિરિયડની આતુરતાથી રાહ જોવાતી.

પણ તેના કલાસમાં પંકજ એક એવો છોકરો હતો.જેણે આખા કલાસને તોબા પોકારાવેલ.તેને તોફાન સિવાય બીજા કશામાં રસ નહોતો.બધા શિક્ષકોએ તેનાથી કંટાળીને તેને પડતો મૂકેલ.વર્ગમાં તે ન ભણે કે ન ભણાવવા દે..તેથી બધા શિક્ષકો આવતાની સાથે જ પહેલું કામ તેને વર્ગમાંથી બહાર કાઢવાનું કરે.જેથી બીજા ને શાંતિથી ભણાવી શકાય.અને પંકજ પણ હવે તો એવો રીઢો થઇ ગયો હતો કે શિક્ષક આવે એટલે બહાર નીકળી જ જાય અને બે પિરિયડ વચ્ચેની પાંચેક મિનિટમાં અંદર આવી ને થોડી ધમાલ,મસ્તી કરી જાય.કોઇ માર,કોઇ શિક્ષા તેને સુધારી શકતી નહીં. શાલ્વી સ્કૂલમાં નવી હતી.બધાએ તેને પહેલેથી ચેતવી હતી.પંકજ માટે.પણ શાલ્વીને પોતામાં વિશ્વાસ હતો કે પોતે જરૂર એને સુધારી શકશે.અને તેણે પોતાની રીતે પ્રયત્નો પણ ચાલુ કર્યા.અહીં ધાક,ધમકીની કોઇ અસર નહીં થાય એની તેને ખાત્રી હતી.કેમકે એ બધું તો બધા કરી ચૂકયા હતા.તેણે પ્રેમથી તેને જાણવાની કોશિશ કરી.પણ પંકજ જેનું નામ….એ કોઇ પ્રેમને ગણકારે શેનો?સીધી વાત જ ન કરે ને ! શિક્ષા કરવી હોય તે કરો..મારવું હોય તે મારી લો..બાકી તેના વર્તનમાં કોઇ ફરક નહીં જ.
શાલ્વીએ તેની માતા પિતાને બોલાવવાનું કહ્યું તો જવાબ મળ્યો કે એ નહીં આવે..તમારે જે કરવું હોય તે કરો.શાલ્વીને બહુ નવાઇ લાગી.તેણે પંકજની બાજુમાં રહેતા છોકરાને બોલાવી તેના વિશે પૂછપરછ આદરી પંકજ ના આ વર્તનના મૂળ કયાંક તો હશે ને?પંકજ કંઇ બુધ્ધિ વિનાનો નહોતો.તેની બાજુવાળાએ કહ્યું કે ઘરમાં તેની મમ્મી નથી.સાવકી મા છે.અને તેને રોજ મારે છે.શાલ્વીએ તેના પિતા વિશે પૂછયું.પણ તેને તે અંગે ખાસ માહિતિ નહોતી. શાલ્વી ને કારણ તો સમજાયું. મા નો સ્નેહ ન મળવાથી પંકજ આવો થઇ ગયો લાગે છે.તેણે પંકજ ને રોજ બોલાવી તેની સાથે તેની મા વિશે વાત શરૂ કરી.પણ તેની વાત પરથી તેને મા માટે કોઇ ખાસ રોષ હોય તેવું લાગ્યું નહીં કદાચ સાવકી મા તો આવી જ હોય તે તેણે સ્વીકારી લીધું હતું.પણ તેના પિતા વિષે તેને વધુ રોષ, અણગમો હોય તેવું તે તારવી શકી. હવે શાલ્વીએ પંકજના પિતાને મળવાનું નક્કી કર્યું.તેણે તેના પિતાને ચિઠ્ઠી મોકલી.પણ એમ ચિઠ્ઠીથી તે આવે તેવું લાગ્યું નહીં.વારંવાર બોલાવવા છતાં પરિણામ શૂન્ય.પંકજ હસતો હતો.શિક્ષકની મજાક ઉડાવતો હતો.તેને જાણે ખાત્રી હતી કે ભલે ને ટીચર બોલાવે પપ્પા કયાં આવવાના છે..!!
શાલ્વી જલ્દી લીધી વાત છોડે તેમ નહોતી.તે એક દિવસ અચાનક રાત્રે પંકજ ને ઘેર પહોંચી ગઇ.જેથી તેના પપ્પા મળી શકે.અને સદનશીબે તે મળી પણ ગયા.તે પહોંચી ત્યારે પંકજ કયાંક બહાર રખડતો હતો.ટીચર ને ઘેર આવેલ જોઇ તેને વિચિત્ર તો લાગ્યું.પણ તે કંઇ બોલ્યો નહીં.શાલ્વીએ તેના પપ્પાસાથે વાત શરૂ કરી .હજુ તો તે કંઇ બોલે તે પહેલાં જ તેના પપ્પા બોલ્યા,”તમારે પંકજ ની ફરિયાદ કરવી છે ને?તો સાંભળી લો..મને એનામાં કોઇ રસ નથી.ને મારી પાસે એની પાછળ બગાડવા માટે સમય નથી.! તમને કદાચ ખબર નહીં હોય.હું બહુ વ્યસ્ત માણસ છું.અને સોસ્યલ વર્કર છું.અમારી આખી નાતના બધા પ્રશ્નો હું સોલ્વ કરું છું.આવા છોકરા માટે હું નવરો નથી.તમારે એનું જે કરવુ હોય તે કરી શકો છો.ન માને તો મારવો હોય કે પોલીસમાં સોંપવો હોય તો પણ અમને વાંધો નથી. અમે કોઇ ફરિયાદ લઇ ને નહીં આવીએ.ને મારું માનો તો એની પાછળ પડવાને બદલે તમારું ભણાવવાનું કામ કરો.
અને ત્યાં કોઇ નો ફોન આવતા તે ફોન પર કોઇ ને શિખામણ આપવા લાગી ગયો..!!

પંકજે ફિક્કુ હસી,શાલ્વી સામે જોયું.!!!!

 

આજની ખાટે મીઠી… July 26, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:21 am

પ્રેમ વિના આપવાનું શકય છે. પરંતુ આપ્યા વિના પ્રેમ કરવાનું શકય નથી.

 

દંભ… July 25, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 7:11 am

પરણીને સાસરે આવ્યે હજુ બે મહિના થયા હતા. આ ટૂંક સમયમાં ધ્રુવાએ બધા ના દિલ જીતી લીધા હતા. તે પણ ધ્રુવાને બધાથી ખુશ હતી.અને બધા તેનાથી ખુશ હતા.ઘરમાં સુખ અને શાંતિ હતા.આમેય સ્ત્રી જે ઘરમાં ખુશ હોય ત્યાં શાંતિ અને સુખ આપોઆપ આવી જ જવાના ને?
ધ્રુવાની સાસુનો સ્વભાવ સારો હતો..પણ ધ્રુવાને એક વાતની હમેશા નવાઇ લાગતી.તેને કંઇ સમજ નહોતી પડતી.ઘણીવાર તેને પૂછવાનું મન થતું.પણ પછી ખરાબ લાગશે તો?એ બીકે તે પૂછતી નહીં. વાત તો જોકે બહુ નાની હતી..પણ તેની નવાઇનું કારણ બની ગઇ હતી.અને તેને મનમાં થતું હતું કે કે સાસુનો સ્વભાવ દંભી કે કંજુસ છે. તેના સાસુ રોજ સવારે મહાદેવના મંદિરે દૂધ ચડાવવા જતા.એમાં એક પણ દિવસ ન ચૂકે. અને કયારેક મોટો લોટો ભરીને,ક્યારેક નાની લોટી લઇ ને કે કયારેક ગ્લાસ ભરીને દૂધ લઇ જતા.જોક આમાં તો કંઇ નવું નહોતું. તેના પિયરમાં યે તેની મમ્મી ને આ જ ટેવ હતી.પણ નવું તેને એક વાતનું લાગતું કે તેની સાસુ રોજ દૂધ લઇ ને તો જતા.પણ મહાદેવજી ને ચડાવવાને બદલે રોજ એમ જ ભરેલ લોટો પાછો લાવતા.ધ્રુવાને નવાઇ આ વાતની લાગતી કે જો દૂધ ચડાવવું જ નથી ..તો પછી લઇ શા માટે જાય છે?એવો દંભ કરવાની શી જરૂર છે ! કે પછી સાસુજી કંજુસ છે….?અને એક દિવસ નહીં રોજ પાછુ લાવે છે..!! શું બધાને મંદિરમાં બતાવવા લઇ જાય છે?તેના મનમાં પ્રશ્નો ઉઠતા.તેને પૂછવાનું મન થતું..કહેવાનુ મન થતું કે મમ્મી, તમારે મંદિરમાં દૂધ ચડાવવું જ નથી તો પછી રોજ ઉંચકીને લઇ જ ન જાવ ને ! સાસુજી આવે એટલે જોઇ લેવાની, ચેક કરી લેવાની તેને આદત પડી ગઇ હતી કે આજે દૂધ ચડાવ્યું છે કે કેમ?પણ લોટો હમેશા ભરેલો જ પાછો આવતો.. એમાં એક વખત એવું થયું કે સવારે દૂધવાળો રોજ નો સમય થઇ ગયો તો પણ હજુ આવ્યો નહોતો.સાસુજી ઉંચા નીચા થતા હતા.તેને મંદિરે જવાનો સમય થઇ ગયો હતો.પણ તે દૂધની રાહ જોતા હતા.ધ્રુવાને થયુંકે પોતે કહી દે, કે આમેય તમારે કયાં દૂધ ચડાવવું છે?તમે તમારે જઇ આવો ને ! પણ મૌન રહી ને હવે સાસુજી શુ કરે છે તે જોઇ રહી.
ત્યાં તો સાસુજી એ કોઇક ને બોલાવી ને પૈસા આપ્યા અને દૂધ મગાવી લીધું.અને દૂધ આવતા જ હાશ કરીને મંદિરે ગયા.ધ્રુવાને નવાઇ લાગી.આજે તો સાસુજી આવે એટલે બરાબર જોઇ જ લેવું અને પછી પૂછવું જ છે.એમ તેણે નક્કી કર્યું. સાસુના આ દંભને તે ઉઘાડો પાડશે જ !

અને તે પાછા આવ્યા ત્યારે ધ્રુવાએ જોયું કે દૂધ નો લોટો આજે યે આખો ભરેલો જ છે.હવે તેનાથી ન રહેવાયું.અને તેણે હિમત કરી સાસુજી ને પૂછી જ લીધુ.,”મમ્મી,દૂધ પાછું કેમ લાવ્યા? ભગવાનને ચડાવ્યું નહીં?”સાસુ એક મિનિટ મૌન બની તેની સામે જોઇ રહ્યા.ધ્રુવાને થયું કે પોતા થી પૂછવામાં કંઇ ભૂલ થઇ ગઇ કે?
ત્યાં સાસુજીએ ધીમેથી જવાબ આપ્યો..
કે પોતે શ્રધ્ધાના પ્રતીક રૂપે લોટામાંથી ફકત એકાદ – બે ટીપા દૂધ નો જ શિવલિંગ પર અભિષેક કરે છે.અને બાકીનું દૂધ પ્રસાદરૂપે કામવાળી બાઇના નાના છોકરાને પીવા માટે આપી દે છે. !
અને હવે ધ્રુવા મૌન..!!!

 

મંગલ ત્રિકોણ….. July 23, 2007

શુભમ અને શચી જ્યારે સાથે જીવવા-મરવા ના ખ્વાબ જોતા હતાં ત્યારે જ સમય જાણે તેમની પર હસતો હતો.આવું તો કેટકેટલું સમયે જોઇ નાખ્યું હતું,,સાંભળી લીધુ હતું ને તે પછી ના દ્રશ્યો પણ તેણે ક્યાં ઓછા જોયા હતાં?ભલભલા પ્રેમ ના રંગ ફિક્કા પડતા સમયે જોયા હતા.પોતે બધાથી અલગ છે એવા દાવા ઉપર તો હવે તેને દયા આવતી હતી. શુભમ અને શચી જાણે..’’ made for each other ‘’.બને ના મિત્રો પણ એવું માનતા હતાં ને સ્વીકારતા હતાં. કેવા સુંદર દિવસો હતા!!સમય કેવી ઝડપથી ભાગતો હતો કે ઉડતો હતો.પ્રેમી ઓના સમય ને આમે ય હમેશા પાંખ હોય જ છે ને?વધુ માં વધુ સમય સાથે કેમ રહી શકાય એ જ પ્લાનીંગ બંને કર્યા કરતા. અને ચોરીછૂપી થી મળવાનો જે આનંદ,,જે મસ્તી,,જે ખુમારી હોય છે એ કદાચ officially મળવા માં નહી મળતો હોય!!માતાપિતા ના વિરોધ નો સામનો કરી…નિયમો નો ભંગ કરી ને મળવા માં યૌવન ને જે ઉત્સાહ,જે આનંદ આવે છે ..એ તો અનુભવે જ સમજી શકાય. જ્ઞાતિ ના તફાવત ને લીધે બંને ના કુટુંબ નો વિરોધ હતો.અને કદાચ એ વિરોધ ના પ્રતિકાર રૂપે ..બંને નો પ્રેમ વધુ ને વધુ મજબૂત બનતો રહ્યો.નવા નવા રંગો એમાં ઉમેરાતા રહ્યા.એ રંગ આગળ બીજા બધા રંગ ફિક્કા હતા.એક્બીજા વિના નહી જીવી શકાય એવો એક એહસાસ બધા પ્રેમીઓની જેમ તેમને પણ સ્વાભાવિક રીતે જ હતો.યૌવન સહજ આકર્ષણ થી ..એકબીજા માટે આકાશ ના તારા તોડી લાવવા યે બંને તૈયાર હતા.રંગીન સ્વપ્નો ને રંગીન દુનિયા હતી.અલૌકિક..સ્વર્ગીય સુખ ના ફિલ્મી ખ્વાબો હતાં.દરેક ની સામે લડી લેવાની વૃતિ હતી.

અને પગભર થતા જ બંને એ બધાના વિરોધ વચ્ચે કોર્ટ માં મેરેજ કરી લીધા.મિત્રો નો સાથ આવા વખતે તૈયાર જ હોય છે.

અને લગ્ન નું એકાદ વરસ તો ક્યાં દોડી ગયું એ ખબર પણ ન પડી.બંને પાસે સારી નોકરી હતી.સહિયારા સ્વપ્નો હતા.જીવન ની રંગીનીઓ હતી.ને સમય તો દોડતો હતો.ને હરિફાઇ ના આ યુગ માં..સતત સ્પર્ધા માં ટકી રહેવાસમય ની સાથે સાથે તેઓ પણ દોડતા હતા.બને પ્રતિભાશાળી હતા.સ્માર્ટ હતા.સફળતા સામેથી આવતી હતી.શુભમ ને પણ ખૂબ સારી તક મળી ગઇ.ને બે વરસ માં તો તે પૈસા અને પ્રસિદ્ધિ ના શિખરે હતો.શુભમે શચી ને એકાદ વાર કહી જોયું..નોકરી છોડી દેવા માટે..જેથી બાળક ના આગમનનું પ્લાનીંગ થઇ શકે.પણ શચી ને તેની કેરીયર છોડવી મંજૂર નહોતી.થોડી ચકમક બંને વચ્ચે થતી રહેતી….પણ પ્રણય નો રંગ હવે ધીમે ધીમે ફિક્કો પડવા લાગ્યો હતો પ્રેમીનું કદાચ પતિમાં રૂપાંતર થઇ રહ્યું હતું..દ્રષ્ટિ બદલતી ગઇ ને જે આંખો એક્બીજા ની ખૂબીઓ જોવા ટેવાયેલી હતી..એ હવે એક્બીજાની ખામીઓ જોવા ટેવાવા લાગી.અને દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે જેને જે જોવું હોય તે મળી જ રહે છે.નાની નાની વાત માં બંને ને હવે એકબીજા ના દોષ દેખાવા લાગ્યા.ટીકાઓ થવા લાગી…ને ટીકા ઓ તો પાળેલા કબૂતર જેવી હમેશા હોય છે.પાછી તે પોતાની પાસે જ આવી જાય.હવે એક્બીજા ને સહન કરવા પણ અઘરા લાગ્યા.સાવ નજીવી વાત પણ હવે મોટી દેખાતી હતી.રાઇ નો પર્વત બની ચૂકયો હતો.ને સર્વગુણસંપન્ન તો દુનિયામાં બે જ વ્યક્તિ હોઇ શકે ને?એક ન જન્મેલ ને બીજી મરી ગયેલ.શોધવા જ હોય તો દૂધ માંથી પણ પોરા મળી જ રહે ને?

છતાં આમ ને આમ સમાધાન કરી કરી ને ત્રણ વરસ કાઢ્યા.પણ હવે કદાચ બંને થાકી ગયા હતાં બને એજ્યુકેટેડ હતાં,,નવા વિચારોવાળા હતા.ને સતત સાથે રહી ને સહન કરવા કરતાં છૂટા પડવું વધારે સારું એમ બંને માનતા હતા.અલબત્ત હજુ આ તો વિચાર જ હતો.અમલ માં કેમ મૂકવો,ક્યારે મૂકવો..કોણ કહેવાની પહેલ કરે વિગેરે પ્રશ્નો તો હજુ વણઉકેલ્યા જ હતા.પણ એક્વાત બંને ના મનમાં પથ્થર ની લકીર ની જેમ થઇ ગઇ હતી કે હવે સાથે તો નહી જ રહી શકાય.જેમ હમેશાં બનતું આવ્યુ છે તેમ સાથે જીવવા મરવાની વાતો તો કયાંય ભૂલાઇ ગઇ હતી.

ત્યાં શુભમ ને કંપની ના કામે કેરાલા જવાનું થયું.શચી પણ ત્યારે થોડી free હતી.તેથી બંને એ સાથે ફરી આવવાનું નક્કી કર્યું.ત્રણ- ચાર દિવસ છેલ્લી વાર સાથે જઇ આવીએ ને સારી રીતે છૂટા પડીએ.એવું કદાચ બને ના અજ્ઞાત મનમાં હોઇ શકે.

ઘણી વખત માણસ ધારે છે કંઇ ને કુદરત કરે છે કંઇ.વિધિ નું નિર્માણ કોના માટે..ક્યારે..શું..કેવી રીતે નિર્માયુ છે ..કે ભાવિ ના ગર્ભ માં શું છૂપાયેલું છે તે કોણ જાણી શકયું છે?

કેરાલા ના રમણીય દરિયાકિનારે ..ઉછળતા મોજા ની મસ્તી બંને માણી રહ્યા હતાં.ત્યાં ..ત્યાંજ ..ક્ષણવાર માં જાણે કોપાયમાન કુદરતે તેનું ત્રીજુ નેત્ર ખોલ્યું ને સેંકડો માણસો ની સાથે સાથે શુભમ અને શચી પણ ક્યાંય ફેંકાઇ ગયા.ઝઝૂમવાની મહેનત કરી બંને એ ,,પણ સુનામી ના પ્રચંડ મોજા આગળ કેટલુ ટકી શકે?આમેય કુદરત આગળ માનવી હમેશા વામણો જ રહ્યો છે ને?બંને એ એક્બીજા ના હાથ સખત રીતે પકડી રાખ્યા હતાં પાણી ના જોર આગળ તેઓ સમતુલન તો ન જાળવી શક્યા.પણ કુદરત ની કરામત ની જેમ બંનેના હાથ ના આંગળા મડાગાંઠ ની જેમ ભીડાયેલા જ રહ્યા….

અને જ્યારે શુભમ ને ભાન આવ્યું ત્યારે એક ઝાડ માં બંને અટવાઇ ને પડયા હતાં.ક્યાં..ક્યારે..કેવી રીતે..કેટલો સમય થયો ?પ્રશ્નો બધા નિરુત્તર હતા.બાજુ માં જ શચી પણ અર્ધબેભાનાવસ્થા માં કણસતી હતી.ધીમે ધીમે મનોબળ મક્કમ કરી શુભમ બેઠો થયો.શું થયુ હતું અ યાદ કરવાનો પ્રયત્ન કર્યો ..ને તે ધ્રૂજી ઉઠયો..ઓહ!!..આભ ને આંબતા ઉછળતા પાણી ની થપાટો……તે અને શચી જાણે હજુ યે ગબડતા હતા..ખેંચાતા હતાં!!!! તેણે શચી ને જોશથી હલબલાવી.શચી…શચી… શચી ના દર્દ ભર્યા ઉંહકારા ચાલુ હતાં.પણ તે ઉંહકારા શુભમ ને આજે વહાલા લાગતા હતાં તેની શચી જીવંત હતી ..તેનો એ એહસાસ આપતા હતાં.પણ હવે શું કરવું?તેઓ ક્યાં હતા?શુભમ ધીમેધીમે ઉભો થયો.ચારે બાજુ મોત ના તાંડવ ના…તોફાન ના ચિન્હો નજરે પડતા હતાં.પોતે કેટલા સમયથી અહીં હતા તે પણ ખબર નહોતી પડતી.હાથમાં થી ઘડિયાળ ક્યાંક નીકળી ગયું હતું.તેના મન માં એક માત્ર વિચાર ઘૂમતો હતો.શચી…ને કેમ ભાન માં લાવવી?’તેના અંત:સ્તલ માં અત્યારે એક જ પોકાર હતો” શચી……શચી….શચી….!!!!”

ચારે બાજુ પાણી જ પાણી દેખાતુ હતું .વચ્ચે નાનકડા ગામડા જેવી..કોઇ ટાપુ જેવી જગ્યાએ પોતે પહોંચી ગયા હોય તેવું લાગ્યું.આજુબાજુ થોડા ભાંગેલા-તૂટેલા ઝૂંપડા..કે ઝૂંપડા ના અવશેષો દેખાતા હતા.કોઇ વ્યકિત ના ચિન્હો નજરે નહોતા પડતા.હવે શું કરવું? તે મૂંઝાઇ રહ્યો.તેને શચી ની ચિંતા થવા લાગી.ઇશ્વર ને અનાયાસે પ્રાર્થના થઇ ગઇ.આપત્તિ માં હમેશાં એ જ યાદ આવે છે ને બધા ને?એમાં એ થોડો અપવાદ હોઇ શકે?તેણે જોરથી શચી ને હચમચાવી.અને..અને અચાનક શચીની આંખો ખૂલી.ઇશ્વરે જાણે તેની પ્રાર્થના નો જવાબ આપ્યો.શચી ને જાણે કંઇ સમજાતું ન હતું.તે શુભમ ને એક મિનિટ જોઇ રહી.જાણે ઓળખવાનો પ્રયત્ન કરી રહી.શુભમે ફરી થી તેને હલબલાવી .ને અચાનક શચી ની આંખોમાં જાણે ઓળખાણ ઉતરી આવી.તે શુભમ ને જોશથી વળગી પડી……

બંને એક્બીજા ની હૂંફ માં ક્યાંય સુધી પડી રહ્યા.વચ્ચે વચ્ચે શચી ના હીબકા ચાલુ હતાં.શુભમ મૌન બની ..વહાલભર્યા સ્પર્શથી તેને સાંત્વન આપવા મથતો હતો.શબ્દો અત્યારે વામણા બની ગયા હતાં.કુદરત ના કોપ આગળ બંને બધું ભૂલી ને એકાકાર થઇ ગયા હતાં.ફક્ત વહાલ નું..પ્રેમ નું સામ્રાજય ત્યાં છવાયેલું રહ્યું.સમય જાણે થંભી ગયો હતો.

અચાનક ક્યાંકથી નાના બાળકનો રડવાનો અવાજ જોરશોરથી તેમના કાન માં અથડાયો.બને ચોંકી ઉઠયાં અહીં આ અવાજ શેનો?બંને ની ભાવ સમાધિ તૂટી.આ ભ્રમ છે કે શું?ના,,,નાના બાળકનો રડવાનો અવાજ ક્રમશ:મોટો થતો જતો હતો.બંને સફાળા ઉભા થઇ અવાજ ની દિશામાં ગયા.

“સર્જન ને સંહાર ઉભા હારોહાર,
અનંત ને દરબાર…..”!!!!

ની જેમ, એક ભાંગેલ તૂટેલ ઝૂંપડા ની વચ્ચે નાનકડું બાળક હાથ હલાવતું રડી રહ્યું હતું.કુદરતે તેના પરમ પાવક સર્જન ને જાણે ટિટોડી ના ઇંડા ની જેમ બચાવી લીધુ હતું.તેમણે આસપાસ જોયું કોઇ જ દેખાયું નહીં.કદાચ આ તોફાન માં આ અભાગી બાળક ના માતાપિતા કયાંક તણાઇ ગયા હતા.જે હોય તે..અત્યારે એ બધું વિચારવાનો સમય કયાં હતો?શચી એ બાળકને ઉપાડ્યું ને શાંત કરવા પ્રયત્ન કરવા લાગી.રડી રડી ને બાળક કદાચ થાકયું હતુ.શચી ના ખોળા ની હૂંફ મળતા જ ..તેની છાતી માં તે પોતાનું નાનકડું મોં નાખવા લાગ્યું.કદાચ હવે તેને અહીં દૂધ મળશે….પણ……! શચી સ્તબ્ધ થઇ ગઇ.બાળક ની ભૂખ ને તે સમજી…પણ તે લાચાર બની ગઇ.તેના દિલ માં વાત્સલ્ય નું..કરૂણા નું ઝરણું વહી રહ્યું હતું.પણ લાચાર શચી શું કરે?તેની કુંવારી છાતી માં દૂધ કયાંથી લાવે?

શચી અને શુભમ ને પણ ભૂખ તો લાગી હતી.ખાધે કેટલો સમય થઇ ગયો હતો,, કોને ખબર હતી?પણ આ બાળક ની વેદનામાં પોતાનું બધું ભૂલાઇ ગયું.અત્યારે તો બાળકની ભૂખ કેમ સમાવવી?એ જ એક માત્ર પ્રશ્ન હતો.કુદરતે માનવ મનમાં કેવી અદભૂત માયા મૂકી છે….!!!

બંને આજુબાજુ માં તપાસ કરવા કરવા લાગી ગયા…કંઇ મળી શકે તેમ હોય તો..રડી રડી ને ..થાકી ને બાળક બિચારું અત્યારે તો ભૂખ્યું..તરસુ જ સૂઇ ગયુ હતું..શચી ના ખોળા માં.પણ કેટલી વાર?જાગશે એટલે પાછું ભૂખથી રડશે…શું કરવું?

કોઇ ઝૂંપડા માં કાંઇ બચ્યું કયાંથી હોય?કોઇ માણસો યે નહોતા બચ્યા .ત્યાં ખાવા નું તો ક્યાંથી બચ્યું હોય?ચારે તરફ વિનાશ ની..તોફાન ની દાસ્તાન દેખાતી હતી.વિનાશ ના અવશેષો વેરવિખેર થઇ ને ચારે તરફ વેરાયેલા હતા.શુભમ શોધતો રહ્યો.જીજીવિષા જાગ્રુત હતી ને મરણિયો માણસ શું ન કરે?જીવવું ને જીવાડવું એ જ એક માત્ર ધ્યેય રહ્યું હતું.તે અને શચી પણ થાકયા હતાં..હાથે-પગે કેટલાયે ઉઝરડા પડયા હતાં. શરીર આખું તૂટતું હતું બંનેનું…ફકત વીલપાવર..મનોબળ ના જોરે જ ..બાળક ને ગમે તેમ કરી ને બચાવવાનું છે એ એક જ ખ્યાલે બંને ઝઝૂમતા હતાં.કુદરતે જાણે બંને ને અચાનક અખૂટ શકિત આપી દીધી હતી.

અચાનક શુભમ નું ધ્યાન ગયું..તેણે જોયું કે ઝાડ ની વચ્ચે ..કાદવ માં ઘણાં નાળિયેર રખડતા પડયા હતા.તેની આંખો ચમકી.દોડી ને તેણે એક નાળિયેર ઉપાડયું.ઓહ…યસ!!!!..પાણી થી ભરેલ અમ્રૂત સમાન નાળિયેર હતાં.કુદરતે જાણે તેના માટે જ ગોઠવણ કરી રાખી હતી.નાળિયેર પછાડી..કોપરું કાઢીતેણે શચી ને ખવડાવ્યું ને પછી પોતે પણ ખાધું.ને પાણીને અણમોલ ખજાનો સાચવતા હોય તેમ નાળિયેર ની કાચલી માં જ સાચવીને રાખી દીધું.બાળક જાગે ત્યારે ટીપેટીપે તેને પીવડાવી શકાય.બનેં એક્બીજા સામે જોઇ ને હસતા હતાં.નિર્ભેળ.. મુકત હાસ્ય….!

પછી તો આજુબાજુમાં થી ..દૂરદૂર થી..જેટલા મળ્યા એટલા નાળિયેર તેણે એક્ઠા કર્યા.જાણે દુનિયા માં એ એક જ કરવા જેવું કામ રહ્યું હતું.નાળિયેર મળતાં તે ખુશખુશાલ થઇ જાતો.શચી પણ તેની આ ખુશી જોઇ રહી.બધા નાળિયેર તેણે ભેગા કરી લીધા.અને એક તૂટેલા ઝૂંપડામાં થોડું સરખુ કરી,,થોડો આધાર મેળવી બંને બેઠા.

નાળિયેર ખાતા ખાતા બંને એક્બીજા સામે જોઇ હસી પડયા.આંખ માં આંસુ છલકાતા હતા..ને બંને હસતા હતા.થોડી વારે બાળક જાગ્યું ને ભૂખ શમાવવાની ચેષ્ટા નિષ્ફળ જતા રૂદન શરૂ કર્યું.શુભમે રૂમાલ નાળિયેર ના પાણી માં બોળ્યો,ને શચી ધીમેધીમે ટીપું ટીપું પાણી બાળક ના મોં માં રેડતી રહી.થોડી આનાકાની પછી બાળકે જાણે તે સ્વીકારી લીધું.જાણે તે પણ કુદરત ને..પરિસ્થિતિ ને અનુકૂળ થઇ ગયું.થોડું પાણી પેટ માં જતા બાળક ખિલખિલાટ કરતું હસી ઉઠયું.ને સાથે સાથે શુભમ ને શચી પણ.

બંને જાણે બધું વિસરી ગયા હોય ને આના સિવાય જાણે તેમને દુનિયામાં કંઇ હતું જ નહીં.કોઇ સંતાપ નહી,,દુ:ખ નહીં..ચિંતા નહી..મન ની પળોજણો નહી.નિર્ભેળ સુખ,સંતોષ …અહીં કોઇ સગવડતા નહોતી.ખાવાપીવાનું નહોતું..કંઇ જ નહોતું .છતાં બધું..બધું જ હતું.
તે રાત ત્રણે એ એક્બીજા ની હૂંફ માં કાઢી.બીજે દિવસે સવારે ફરી નાળિયેર ને એ જ ક્રમ.નાળિયેર ને સહારે પેટ ની ભૂખ ને એક્બીજા ની હૂફ માં મન ની અલૌકિક શાંતિ..જેનો અનુભવ જિંદગી માં કદાચ પહેલીવાર થઇ રહ્યો હતો.કેટલી ઓછી જરૂરિયાત વડે પણ જિંદગી ચાલી શકે છે..એનો અહેસાસ જાણે બંને ને થતો હતો.

મૃત્યુ નો અનુભવ કરી ને બંને જાણે નવજીવન પામ્યા હતા.જીવન નું ઘણું સત્ય અનાયાસે વગર બોલ્યે પામ્યા હતા. કોઇ ફરિયાદ,કોઇ ટીકા.કોઇ દોષારોપણ ,કોઇ દોડાદોડી કંઇ જ નહોતુ.દોડીદોડી ને હાંફી ગયેલ સમય જાણે થોડી વાર થાક ખાવા થંભી ગયો હતો.પરમ શાંતિ ને સંતોષ નો આ આહલાદક અનુભવ નવો જ હતો.બાળક પણ જાણે તેમને અનૂરૂપ થઇ ગયુ હતું.રે કુદરત!!..તારી લીલા યે અપરંપાર છે ! ચમત્કાર જો દુનિયા માં થતા હોય તો આ પણ એક ચમત્કાર જ હતો ને?

શચીતો જાણે સદીઓથી બાળક ની મા જ હતી….!!.તે બાળકને ઝૂલાવતી,,હસાવતી, આવડે તેવા હાલરડા ગાતી.સુવડાવતી .ઉછાળતી.તેની સાથે હસતી.તેને સાફ કરતી.બાળક માં તે ઓતપ્રોત થઇ ગઇ હતી.

આખરે બે દિવસ બાદ ..કંઇક હલનચલન થતું દેખાયું.ઓહ!! આ તો સરકારી મદદ હતી.અને પછી તો એ મદદ વડે ..બને અંતે સહીસલામત પોતાને ઘેર પહોંચ્યા.ત્યારે તેઓ બે જ નહોતા,સાથે નાનકડું બાળક પણ હતું.સરકારી રેકોર્ડ મુજબ તેના માતા પિતા આ તોફાન માં ક્યાંક મ્રુત્યુ પામ્યા હતા,,ને બીજું કોઇ સગુ તેનો કબજો લેવા આવ્યું નહીં.તેથી શુભમે બધી જરૂરી કાનૂની વિધિ પતાવી..બાળક ને અપનાવી લીધુ હતું .આમે ય શચી તેને છોડવા કયાં તૈયાર હતી?જનેતા તે નહોતી પણ ‘મા’તો જરૂર હતી જ.તેના માં રહેલું સુપ્ત માત્રુત્વ જાગી ઉઠયું હતું.હવે તે રહી ગઇ હતી..’યશોદા” માત્ર યશોદા….ને રચાયો હતો મંગલ ત્રિકોણ..જેના ત્રણે ખૂણા સાચા અર્થ માં જીવંત હતા.

અને..અને પેલા છૂટાછેડા..ને એ બધુ શું??એ બધું શું હતું??એ તો બે માંથી કોઇ ને યાદ પણ કયાં હતું?

ક્યાંકથી સંભળાઇ રહ્યુ હતું,

‘’કયાંક મળવું.કયાંક હળવું.કયાંક ઝળહળવું હવે…
કયાંક લીલા ત્રુણ નું ખડક તોડી પાંગરવું હવે….’’

નીલમ દોશી.
15-7-22 દિવ્ય ભાસ્કર, ‘મધુરિમા ‘ માં છપાયેલ વાર્તા.

 

લીલોછમ્મ ખડક.. July 20, 2007

કાળમીંઢ
કેમ કહેવાય
ખડકને?
આ નાની અમથી કૂંપળ
એને તોડી ને,
કેવી વટથી…
બહાર આવી મલકી રહી છે!!
એની લીલીછમ્મ લાગણીથી…
શું ખડકનું હૈયું પણ બની ગયું
લીલું છમ્મ?

 

મહેમાન… July 19, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 8:44 am

દીવાબહેનનો એક નો એક પુત્ર લય આજે વરસો બાદ અમેરિકાથી આવવાનો હતો.જોકે ફકત બે જ દિવસ રોકાવાનો હતો.એ તેણે સ્પષ્ટ શબ્દોમાં પહેલેથી કહી દીધું હતું.જેથી મમ્મી તેને ખોટો..ઇમોશનલ આગ્રહ ન કરે.મમ્મીને તે સારી રીતે ઓળખતો હતો.! તે થોડી લાગણીશીલ હતી.વાતવાતમાં રડી પડતી.એટલે ચોખવટ કરી લેવી સારી.!

દીવાબહેન અને દિનકરભાઇ એ પુત્રની ઇચ્છા આગળ પોતાની લાગણી જતી કરી ને ગમે ત્યાંથી પૈસાની સગવડ કરી એક ના એક દીકરાને અમેરિકા મોકલ્યો હતો.પછી દીકરાએ ગ્રીનકાર્ડવાળી છોકરી સાથે ત્યાં જ લગ્ન કરી લીધા હતા.છોકરીના માતા પિતા તો ત્યાં હતા જ.ફોનથી આશીર્વાદ મંગાવી લીધા હતા.!! અને અનુકૂળતાએ આવી જઇશું..એમ કહ્યું હતું.પણ એ અનુકૂળતા આજે બાર વરસો બાદ આવી હતી. વહુના સગામાં કોઇના લગ્ન હતા.તો બે દિવસ દીવાબહેન પાસે પણ આવવાના હતા.
જોકે આમાં કયાં કંઇ નવું હતું?આ તો ઘર ઘરની કહાની જેવું સામાન્ય જ હતું ને?આજે તો દીકરો મા બાપ માટે કંઇ કરતો હોય..લાગણી છલકતી હોય તો એ અસામાન્ય કહેવાય.
એક વરસ પહેલાં અચાનક દિનકરભાઇ ને એટેક આવી ગયો. હતો..ને હોસ્પીટલમાં સૂતા સૂતા તેઓ દીકરાને એકવાર જોવા માટે ઝંખતા હતા ત્યારે દીવાબહેને લય ને ફોન કરીને બધું કહ્યું હતું.પણ લય નો જવાબ હતો,”હું કંઇ ડોકટર થોડો છું?હું આવી ને શું કરી શકીશ?પૈસા ન હોય તો મોકલાવી આપુ.”અને દીવાબહેન મૌન બની ગયા હતા.લય ને તો એમ જ લાગેલ કે પૈસા માટે જ મમ્મીએ ફોન કર્યો છે. વહુની આંખે જોતા દીકરાને એમ જ લાગે ને?
અને પછી અંતે દિનકરભાઇએ અંતિમ શ્વાસ લીધો…ફરી પાછો એકવાર દીવાબહેને ફોન કર્યો…પણ હવે તો આમે ય પપ્પા છે નહીં…તો પોતે આવી ને શું કરી લેવાનો છે?અને પોતે એવી કોઇ વિધિમાં માનતો નથી.એટલે કોઇ ક્રિયા કે એવું કંઇ કરવાની જરૂર નથી.પૈસા જોતા હોય તો કહેજો.!
દીવાબહેન કેમે ય કહી ન શકયા કે ભાઇ,તું ભલે નથી માનતો…પણ મૃત્યુ તારા બાપ નું થયું છે..અને તે માનતા હતા તેનું શું?દીકરાના હાથે અગ્નિદાહ દેવાય એવી તેમની કેટલી ઇચ્છા હતી…!!

આજે તો એ વાતને યે એક વરસ વીતી ગયું હતું..કોઇ ફરિયાદ વિના સ્વમાની દીવાબહેન પૂરી ખુમારીથી એકલા હાથે જિંદગી સામે ઝઝૂમતા હતા.બાજુમાં પાડોશીઓ સારા હતા.તેના દીકરા વિનીતે જ દિનકરભાઇને અગ્નિદાહ દીધો હતો. દિનકરભાઇ સ્કૂલમાંથી રીટાયર થયા બાદ ઘેર ટયુશન કરતા..મૂડી તો કંઇ હતી નહીં.જે થોડું ઘણું હતું તે પુત્રની પાછળ ખરચાઇ ગયું હતું..હવે પતિના ટયુશન દીવાબહેન કરતા.શરૂઆતમાં થોડી તકલીફ પડી.પરંતુ પોતે એમ તો અભણ થોડા હતા?અને દ્રઢ નિશ્વયથી તેમણે પતિના ટયુશન ચાલુ રાખ્યા.શીખતા ગયા અને શીખડાવતા ગયા.કોઇ પાસે હાથ લાંબો ન કરવો પડયો એનો સંતોષ હતો. પોતાને પુત્ર હતો એ તેમણે પોતાની જાતને જ ભૂલાવી દીધું હતું.અને હવે દિનકરભાઇના મોત પછી તો પુત્ર જાણે તેને માટે અજનબી બની ગયો હતો..પતિની અંતિમ ઇચ્છા પોતે પૂરી ન કરી શકયા..એ માટે દીકરાને માફ કરી શકે તેમ નહોતા. આજે પુત્રના આવવાના સમાચારે દીવાબહેન થોડી પળો માટે ઢીલા પડી ગયા.વરસો પછી દીકરાને જોવા પામવાના હતા.ગમે તેમ તો યે મા હતા ને?પણ પછી તો સ્વસ્થ બની ને તેમણે દીકરા માટે રસોઇ બનાવી.તે એકલો જ આવવાનો હતો.વહુ ને સમય ન મળવાથી આવી શકે તેમ નથી..એમ જણાવ્યું હતું.દીવાબહેન મનમાં વિચારતા હતા…વહુને જુએ તો યે શું?ને ન જુએ તો યે શું?હવે શો ફરક પડે છે?પતિને કેટલી હોંશ હતી..વહુ નું મોં જોવાની…દીકરાને છેલ્લે મળવાની…..!! પણ….
રસોઇ બનાવતા બનાવતા દીવાબહેનના મન માં વિચારોના વંટોળ ઉઠતા હતા.ત્યાં અલય આવ્યો..દીવાબહેન બે ચાર પળો પુત્ર સામે જોઇ રહ્યા.પુત્રના” કેમ છો?”પ્રશ્ન ના જવાબમાં મૌન,ધીમુ સ્મિત કર્યું. આગળ શું બોલવું..કે પૂછવું એ પુત્રને સમજાયું નહીં..અને દીવાબહેનને કંઇ પૂછવાનું હતું નહીં. વરસોથી વાતચીતનો તંતુ તૂટી જવાથી બંને જાણે અજનબી બની ગયા હતા.દીવાબહેનના અંતરમાં તો ઘણું યે તોફાન ચાલતું હતું..પણ મન ઉપર સંયમ રાખી રહ્યા.
થોડી વાર પછી દીવાબહેને પુત્રને પૂછયું,”શીખંડ હજુ ભાવે છે કે કેમ?”જવાબ હા માં આવતા બાજુમાંથી વિનીતને બોલાવી કહ્યું,”વિનીત બેટા,મહેમાન આવ્યા છે .જરા બજારમાંથી શીખંડ લાવી આપીશ?”વિનીત તો લય ને કયાં ઓળખતો હતો?તેને નવાઇ તો લાગી.પણ કંઇ બોલ્યા સિવાય તેણે શીખંડ લાવી ને પૂછયું.”માસી,બીજુ કંઇ કામ છે?” પૂછી ને તે ઘેર ગયો.
લયને આશ્ર્વર્ય થયું.પોતે કયાં મહેમાન હતો?તેને તો હતું કે મમ્મી કંઇક રડશે..ને ઘણી ફરિયાદો કરશે……પપ્પા ના મૃત્યુ વખતે પોતે કેમ ન આવ્યો..વિગેરે..વિગેરે…અને .પોતે બધી વાતો..બધી ફરિયાદોના શું જવાબ આપવા ..તે પણ નક્કી કરીને આવેલ.પણ…. અહીં તો કોઇ ફરિયાદ જ કયાં હતી?તે અજાણ્યો મહેમાન હોય તેવી દીવાબહેનની સ્વસ્થતાથી તે મનમાં અકળાતો હતો.તેણે મૂંગા મૂંગા જમી લીધું .મમ્મી કેમ કંઇ પૂછતી નથી.પોતાને યે શું બોલવું..શું પૂછવું..એ સમજાતું નહોતું.જે બે ચાર પ્રશ્નો પૂછયા તેના જવાબ એક- બે વાકયમાં જ મળ્યા. આમ તો તે બે દિવસ તે માટે આવેલ .પણ સાંજ પડતાં તે કંટાળી ગયો.તેને થયું..જવાની વાત કરીશ એટલે મમ્મી વાત કરશે કે બની શકે પૈસા માગશે..પૈસા તો પોતે લઇ ને જ આવ્યો હતો. તેણે કહ્યું,”તો મમ્મી,હું જાઉં?કંઇ કામ નથી ને મારું?” ”ના રે.મારે શું કામ હોય?જેવી તારી ઇચ્છા.અત્યારે સાત વાગ્યે બસ જાય છે.હજુ તો છ વાગ્યા છે .એટલે શાંતિથી પહોંચી જવાશે. “
લય તો મા નું આ રૂપ જોઇ જ રહ્યો.તેને ઘણું બોલવાનું મન થયું..પણ શબ્દો ન મળ્યા.વરસોથી છૂટી ગયેલ શબ્દો આજે એમ સહેલાઇથી કેમ મળે? સાંજે છૂટા પડતી વખતે તે અચકાતા અચકાતા મા ને પગે લાગ્યો.આવ્યો ત્યારે તો નહોતો લાગ્યો..પણ અત્યારે તેનાથી અનાયાસે લગાઇ ગયું.મા કંઇ બોલી કે નહીં..એ તેને ખબર ન પડી. જતી વખતે મા એ તેના હાથમાં એક કવર મૂકયું.તેણે પૂછયું..તો કહે..જે તારું છે..એ જ છે.અમારું કંઇ નથી.તું નિરાંતે જોઇ લેજે. દીવાબહેન તો ઢીલા ન બન્યા.રોતલ પણ ન બન્યા.પણ ન જાણે કેમ લયની આંખો છલકાઇ આવી ……!!
લય ઘરમાંથી બહાર નીકળ્યો.ન જાણે કેમ તેના પગ ભારે થઇ આવ્યા.મમ્મી ગુસ્સે થઇ હોત તો સારું હતું..પણ…આ નીરવતા ….. દીવાબહેન જતા લય ને જોઇ રહ્યા.ગુસ્સે તો પુત્ર પર થવાય..આ તો મહેમાન..!! તેમની અંદર કંઇક તૂટી રહ્યું હતું આજે…ભીની આંખે તે અંદર જતા રહ્યા. અને લયે જયારે કવર ખોલ્યું ત્યારે તેમાં પોતે પપ્પાની બીમારી વખતે મોકલેલ ડોલર અકબંધ હતા.!! લય ડોલરની નોટો સામે જોઇ રહ્યો.!! આ નૉટો નો આજે ભાર કેમ લાગતો હતો?એ નોટમાં આજે પોતાને પપ્પા..મમ્મીની ભીની આંખો કેમ દેખાતી હતી!!???

નીલમ દોશી

 

આજની ખાટી મીઠી… July 18, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:16 am

જો ઇશ્વરની ઇચ્છા એવી જ હોત કે માનવીએ પરિશ્રમ ન કરવો, તો તે આપણને ગાય આપવાને બદલે સીધું ઘી જ આપી દેત.!

 

સોદો… July 17, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 8:45 am

રવિનભાઇ આજે ખુશ હતા.ખૂબ મોટો સોદો આજે પાર પડવાનો હતો.કેટલા વખતથી વાટાઘાટ ચાલતી હતી.અને અંતે આજે સહી સિક્કા થવાના હતા.લાખો રૂપિયાનો નફો હતો.ડ્રાઇવરની રાહ જોતા તે આંટા મારતા હતા.જવાનું ઘણે દૂર હતું.અને એ એન,આર.આઇ.સમયના બહુ પાબંદ હતા.જો સમયસર ન પહોચે તો સોદો કેન્સલ થઇ જાય તેમ હતું તેના જેવા ઘણાં ટાંપીને બેઠા જ હતા. બે કલાક માટે જ તે ભાઇ મુંબઇ આવવાના હતા.સમય સાચવવો બહુ જરૂરી હતો.અને આ ડ્રાઇવરનો કયાં ય પતો નહોતો. ત્યાં લગભગ દોડતો દોડતો ડ્રાઇવર આવી પહોચ્યો.ખીજાવામાં સમય બગાડવાને બદલે તેણે જલ્દી ચાવી આપી અને ગાડી કાઢવા કહ્યું. અને ડ્રાઇવરે ગાડી ભગાવી.તે મનોમન મલકાવા લાગ્યા ને આજના સોદા વિષે વિચારવા લાગ્યા.ત્યાં અચાનક ગાડી અટકતા તેની વિચારમાળા તૂટી.
”શું થયું?”મણે પૂછયું,.ત્યાં રસ્તામાં ચાર છ જણા ઉભા હતા.તપાસ કરતા ખબર પડી કે અકસ્માત કરીને એક ટ્રક ભાગી છૂટયો હતો.દસ થી બાર વરસનો એક છોકરો લોહી નીતરતી હાલતમાં બેભાન થઇ પડયો હતો.તાત્કાલિક હોસ્પીટલે લઇ જવો પડે તેમ હતું એ સ્પષ્ટ દેખાતું હતું.ભેગા થયેલ લોકો કોઇ વાહનની રાહ જોતા ત્યાં ઉભા હતા.પણ આ સૂમસામ રસ્તા પર કોઇ દેખાતું નહોતું.છોકરાની મા રડતી હતી .તે ગાડી ઉભી રહેતા દોડી ને શેઠને વિનવવા લાગી.અશ્રુભરી આંખે આજીજી કરવા લાગી. રવિનભાઇને આમે ય મોડુ થતું હતું.એમાં આ..થયું.હવે શું કરવું?ડ્રાઇવરે શેઠ સામે જોયું.રવિનભાઇ મૂંઝાયા.એક તો આમે ય મોડુ થતું હતું ને હવે જો આને હોસ્પીટલ પહોંચાડવા જાય તો સોદો કેન્સલ જ થઇ જાય.ને લાખો રૂપિયાની ખોટ જાય.અને સામે કોઇ માસૂમના જીવન મૃત્યુનો સવાલ હતો.આ બેનની વિનંતિ તેના હૈયાને ઢંઢોળતી હતી.તે એટલા પથ્થર દિલ પણ નહોતા.તેણે આજુબાજુ નજર કરી.પણ આ સૂમસામ જગ્યાએ કોઇ વાહન જલ્દી આવે એવું લાગતું નહોતું.તેણે મોબાઇલથી ફોન કરવાનો પ્રયત્ન કર્યો.પણ અહીં મોબાઇલમાં કવરેજ નહોતું આવતું. હવે?હવે શું કરવું?પેલી બેન આશાભરી નજરે તેને સતત વિનંતિ કરી રહી હતી.નિર્ણય લેવા માટે વધુ સમય કયાં હતો?છોકરાને કંઇ થઇ જાય તે પહેલા હોસ્પીટલ પહોંચે તો જ એનો અર્થ રહે. ખેર ! જે થાય તે ખરું.મારા નશીબમાં એ પૈસા નહીં હોય.બીજુ શું?બાકી આમ કોઇને રઝળતો મૂકી ને જાઉ તો મારી માનવતા લાજે.જઇ જઇ ને પૈસાનું જ નુકશાન જશે ને?એવા તો કેટલાયે નફા ખોટ જિંદગીમાં જોઇ નાખ્યા છે.એવું વિચારી ખુમારીથી રવિનભાઇએ ડ્રાઇવરને ઇશારો કર્યો.પોતે નીચે ઉતર્યા.છોકરાને અને તેની મા ને ગાડીમાં લીધા આને ગાડી હોસ્પીટલ તરફ ભગાવી.

અને છોકરાને હોસ્પીટલમાં પહોંચાડી,ડોકટરને સોંપી,બધી વ્યવસ્થા કરી તે બેન ના આભાર સામે સ્મિત ફરકાવી તે પાછા ફરતા હતા.ત્યાં તેનો મોબાઇલ રણકયો.પેલા એન.આર.આઇ.નો ફોન હતો કે ખરાબ હવામાનને લીધે તેમની ફલાઇટ આજે કે ન્સલ થઇ હોવાથી હવે તે આવતી કાલે આવશે ને સોદો એક દિવસ મોડો થશે.!!!!

 

આજની ખાટી મીઠી… July 16, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 10:38 am

“ હું તારા હાથને લાયક નથી..” એમ પ્રેમી યુવક પ્રેમિકાને કહેશે તો તો તે એને ગળે નહીં ઉતરે..પરંતુ.. લગ્ન કર્યા બાદ એ જ વાત તે સરળતાથી સ્વીકારી લેશે.!