પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

પરફેકટ ટાઇમીંગ… June 10, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

દિવાળી નજીક આવતી હતી.જોકે વિમલાને તો શું દિવાળી કે શું હોળી કોઇ ફરક નહોતો પડતો.સમયની ચક્કીમાં પીસાતી તેની જિંદગીમાં દિવાળીની રોશની કોઇ ઉજાસ લાવી શકે તેમ નહોતી.સૂર્ય તો રોજની જેમ જ પૂર્વમાં ઉગતો હતો.પંખીઓ હમેશની જેમ જ ટહુકતા હતા.પારિજાતની સુગંધ લઇ ને વાયરો પણ વાતો હતો.બધું એ જ હતું.કંઇ બદલ્યું નહોતું.બસ બદલી હતી તો ફકત વિમલાની જિંદગી.છેલ્લા ત્રણ વરસથી સવારનો સૂરજ તેને માટે કોઇ નવી આશા..કે કોઇ શુભ સંદેશ નહોતો લાવ્યો.કોઇ વાયરાએ તેના દિલને શીતળતા નહોતી અર્પી.કોઇ ફૂલોની ખુશ્બુએ તેના મનને મહેકાવ્યું નહોતું.
ત્રણ વરસ પહેલાં તેનો પતિ કમાતો હતો. પૈસા તો ત્યારે યે બહુ નહોતા.પરંતુ ખાવા પીવા ની કોઇ તકલીફ તો નહોતી જ.પણ ઇશ્વરને તેનું ચપટી સુખ પણ કદાચ મંજૂર નહોતું.અને થોડા મહિનાની માંદગી ભોગવી તેનો પતિ ઇશ્વરને પોતાની દારુણ વ્યથા સંભળાવવા ઉપર પહોંચી ગયો.અને એ વ્યથાની કથા સાંભળવામાં ભગવાન કદાચ એટલા મગ્ન થઇ ગયા હતા..કે સાંભળીને પછી કંઇક કરવાનું પણ હોય છે…એ વાત કદાચ વીસરી ગયા હતા.અને પરિણામે વિમલા અને તેના ત્રણ બાળકો અર્ધભૂખ્યા પેટે દિવસો કાપતા હતા. જે થોડા પૈસા હતા..એ પતિની માંદગીમાં ખર્ચાઇ ગયા હતા.અને નાના બાળકોની જવાબદારી..કુટુંબમાં કોઇ નો આધાર નહીં…અને પોતે પણ હવે શારીરિક રીતે એ નબળી તો થઇ જ ગઇ હતી.છતાં જેમતેમ કરી બે ઘરના કામ તેણે ચાલુ કર્યા હતા.જેમાંથી ચાર જણાના પેટની આગ ઓલવવાનો પ્રયત્ન તે કર્યા કરતી.જોકે ઘણીવાર પેટની આગ પૂરી ન ઠરતી.ત્યારે લાચાર મા ની આંખ વરસી રહેતી.
મોટી પુત્રી સાત વરસની હતી.પછી પાંચ અને ત્રણ વરસના બે પુત્રો હતા.નાના પુત્રે તો પિતાનું મોઢું સુધ્ધા નહોતું જોયું.વિમલાને બાળકોને ભણાવવાની બહુ ઇચ્છા થતી.પણ ગરીબની બધી ઇચ્છાઓ પૂરી થોડી જ થાય છે?આસપાસમાં કોઇ સરકારી સ્કૂલ પણ નહોતી.અને ઘરમાં બે ટંક ખાવાના પણ સાંસા હોય ત્યાં બીજું શું થઇ શકે?છતાં હિમત હાર્યા વિના વિમલા એકલે હાથે ઝઝૂમતી રહેતી.ભણાવવાનો વૈભવ પોષાય તેમ નહોતો. પરંતુ પોતાને લખતા વાંચતા થોડું આવડતું હતું..એટલે કયારેક સમય મળ્યે ઘેર જ થોડું શીખડાવવાનો પ્રયત્ન જરૂર કરતી.એક મા પોતાના સંતાન માટે જે કંઇ કરી શકે તે કરવા તે મથી રહેતી.અને એકલે હાથે જીવનનાવ ચલાવવાનો પ્રુરુષાર્થ કર્યા કરતી. પણ નજીક આવતા દિવાળી ના તહેવારે આનંદને બદલે તેની જિંદગીમાં તો ચિંતા જ પ્રગટાવી હતી.રોશનીથી ઝળહળતા શહેરમાં વિમલા જેવા કેટલાયે કુટુંબોની ઓરડીમાં તો અંધકારનું જ સામ્રાજય છવાયેલ રહેતું.સામે જ ઝગમગાટ કરતાં, રોશનીમાં નહાતા બંગલાઓ હતા.તેમનું આકાશ જાતજાતના ફટાકડાઓથી ,રંગીન આતશબાજીથી અવનવા રંગો ધારણ કરતું રહેતું.ત્યારે એ જોઇને ગયે વરસે પણ નાના દીકરાએ ફટાકડા ફોડવાની કેવી જીદ કરી હતી.!! એક લાચાર મા ની પરિસ્થિતિ સમજી શકે..એટલી ઉમર હજુ બાળકોની કયાં થઇ હતી? આ વરસે પણ છોકરાઓ નજર સામે ફૂટતા ફટાકડાઓ જોઇ જીદ કરશે..પોતે તેને કેમ સમજાવશે?પેટની આગ ઠારવી કે મનની… વિકલ્પ પણ કયાં આસાન હતો?
અને તેનો ફફડાટ ખોટો નહોતો જ.વિમલાના છોકરાઓ દિવાળી ને દિવસે સામે ફૂટતા ફટાકડાઓના રંગને,,તેની શોભાને આશ્ર્વર્યમુગ્ધ બની નિહાળી રહ્યા હતા.થોડીવાર તો દૂરથી જોવાનો આનંદ પણ માણી રહ્યા.પછી અચાનક બંને ભાઇ ફટાકડાની જીદ લઇ ને બેઠા.તેમને પણ જાતે ફોડવા હતા.ફટાકડાનો સ્પર્શ માણવો હતો.હાથમાં લઇને જોવા હતા.!!
સાત વરસની છોકરી… શ્રીમંત માતા પિતાની હોય તો સાવ નાની જ કહેવાય.પણ ગરીબની છોકરી ને મોટી થતાં કયાં વાર લાગે છે?નાના ભાઇઓ ફટાકડાની જીદ લઇ ને રડતા હતા.સાત વરસની મોટી બહેન અણસમજુ ભાઇને પટાવતી હતી..મનાવતી હતી.. પણ સામાન્ય રીતે માની જતા બંને ભાઇઓ ન જાણે કેમ આજે જીદે ચડયા હતા.ગરીબ બાળક ને પણ કયારેક બાળહઠ કરવાનો અધિકાર તો હોય જ ને?

બેબસ મા પોતાના આંસુ સંતાડી છોકરાઓને ભૂલાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી હતી.
ત્યાં અચાનક બેન ઉભી થઇ.,બહાર ગઇ.અને થોડીવારમાં ખુશખુશાલ થતી આવી.હાથમાં એક કાગળમાં વીંટાળેલ ફટાકડા હતા.!! વિમલા તો જોઇ રહી.! આ કયાંથી આવ્યા..? તે સમજી ન શકી.આ છોકરી આખરે લાવી કયાંથી?તે પૂછવા જતી હતી….પણ ન જાણે કેમ પુત્રીનો ચહેરો જોઇ કંઇ પૂછયું નહીં.
ત્યાં બહેને ભાઇને કહ્યું,”ચાલો ,બહાર…ફટાકડા ફોડવા છે ને?જુઓ ..હું તમારે માટે કેટલા બધા લાવી છું.!!” બંને ભાઇ ખુશખુશાલ.!! બહેને તો ફટાકડા ફોડવાની ભવ્ય તૈયારી કરી.! બંને ભાઇ બધું ભૂલી હરખાતા હૈયે ફટાકડા સામે જોઇ રહ્યા.બહેને તો મીણબત્તીનો નાનકડો ટુકડો સળગાવ્યો.કયાંકથી લાવેલ અડધી સળગેલ અગરબત્તી જલાવી અને કેટલી યે સૂચનાઓ સાથે નાનકડા ભાઇને હાથમાં આપી .અને કહ્યું,”જો બરાબર પકડી રાખજે હોં..! નહીંતર ફટાકડા નહીં ફૂટે ! “કહી ફટાકડાનો ઢગલો કર્યો.!!
બહેને શીખડાવ્યા મુજબ બંને ભાઇ વારાફરતી એક એક ફટાકડા હાથમાં લઇ..દોડી જતા અને બેન કહે ત્યારે જ અગરબત્તી અડાડતા.અને બહેન જલ્દી બૂમ પાડતી,:ચાલ ,ભાગ જલ્દી… દાઝી ન જવાય.”બંને ભાઇ અગરબત્તી પકડી બહેન પાસે ભાગી આવતા..અને પોતે ફોડેલ ફટકડાને આનંદથી જોઇ રહેતા.અને બહેન તાળી પાડતી..અને સાથે બંને ભાઇ પણ ખુશ થઇ તાળી પાડતા કિલ્લોલ કરી રહેતા,અને બહેન હોંશથી કહેતી,”જો..તેં ફોડેલ ફટાકડો કેવો ઉંચે ગયો..!! કેવો સરસ ફૂટયો..!”અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન થતું રહ્યું…!! અને કયારેક કોઇ ન ફૂટે તો બેન ખીજાઇને કહેતી…”આ જોને ભઇલા,દુકાનવાળાએ સારા ફટાકડા નથી આપ્યા.કાલે એને ખીજાવું પડશે.”અને ભાઇ હા પૂરાવતો રહેતો. ફટાકડા ફોડવાનો આ ખેલ દૂરથી જોઇ રહેલી વિમલાની આંખો વરસી રહી.કયાંકથી વીણી લાવેલ ,ફૂટેલ ફટાકડા બીજી વાર થોડા ફૂટવાના હતા?પણ નાદાન બાળક્ને તો સામે ફૂટતા ફટાકડા જોઇ ને એમ જ લાગતું હતું..કે આ તો પોતે ફોડેલ છે.! આમે ય બહેનનું ટાઇમીંગ પરફેકટ જ હતું..!!

( ઉદ્દેશ દીપોત્સવી અંક 2007 માં પ્રકાશિત રચના. )

 

નાની નાની પણ મોટી વાતો.. June 9, 2007

એક દાદા છે. નામ એમનું રમણભાઇ.. એમનો મોટો સંયુક્ત પરિવાર. બહુ મજાની છે એમની વાતો. એમના ઘરમાં અમુક નિયમો છે. એક નિયમ એવો કે રોજ સવારમાં દીકરાએ પિતાને ભેટવાનું !! છે ને સોનાની વાત !! ભેટવાની અસર કેવી હોય એ ચકાસવું હોય તો ઘરમાં જેની સાથે ઝગડો થયો હોય એને ભેટી જોજો… અને ચમત્કાર જોજો !!! રમણદાદાનું કહેવું એમ છે કે જે ઘરમાં દીકરો રોજ બાપને ભેટે એ બાપને કદી હાર્ટએટેક ન આવે !!! તાણ અને ટેન્શનથી ભરપુર જીવનમાં આ ઉપાય અજમાવવા જેવો !! અરે ઘરમાં બધા જ એકબીજાને ભેટી લે તો કેવું રુડું !! પણ જોજો, એને ઇચ્છા પર નહીં છોડતા નહીંતર થઇ રહ્યું… નિયમ જ કરવો …ક્યારેક યાંત્રિક લાગે તો યે આ અપનાવવા જેવું છે.. નુકશાન કંઇ નહીં.. ફાયદા પાર વગરના….

બીજો નિયમ એમનો એવો છે રોજ સવારમાં ઉઠીને દરેક નાની વ્યક્તિ પોતાનાથી મોટાને પગે લાગે. પાંચ વર્ષની દીકરી હોય તો એણે છ વર્ષના ભાઇને પણ પગે લાગવાનું જ. બહુ શાણપણવાળી વાત છે. આમ કરવાથી એક બીજા માટે કંઇ પણ મનદુખ હોય તો પરસ્પર ભાવ બદલાય. ગુસ્સો ઓછો થઇ જાય અને મન પણ હળવા થાય. નાનાના મનમાં વિવેક અને મોટાના મનમાં ઉદારતા પ્રસરતી જાય.
આ જ કુટુંબની શ્રધ્ધા પણ એક મિસાલ જેવી છે….ધરતીકંપ વખતે દસ માળનું આખું બિલ્ડીંગ ખાલી થઇ ગયું હતું ત્યારે એ એક જ ઘર ભરેલું હતું… “મોતને કોઇ હાથતાળી દઇ શકતું નથી અને જીવન હોય તો ક્યાંય ઊની આંચ આવતી નથી. મરવાનું હશે તો રસ્તા ઉપર પણ બચી નહીં શકાય !!” ડહાપણની વાતો તો આપણે બધા કરીએ છીએ પણ આવો અમલ કરવા જેટલી મજબુત આપણી શ્રધ્ધા છે ખરી ???

બીજા એક અમારા મિત્ર દિનેશભાઇ છે. સવારમાં મોર્નિંગવૉકમાં નિકળે ત્યારે સામે મળતી દરેક વ્યક્તિને સ્માઇલ આપવાનો નિયમ એમણે રાખ્યો છે. જાણીતી હોય કે અજાણી, ઓળખવાની કોઇ જરુર નહીં… સામેવાળાને તો ફાયદો થાય કે ન થાય, આવું કરવાથી આપણું મન સવાર સવારમાં પ્રસન્નતાથી ભરાઇ જાય ખરું. દિનેશભાઇને લાફિંગ ક્લબમાં જવાની જરુર નહીં. સવારમાં મન આવી તાકાતથી ભરી પછી દિવસ આખો પોતાની ફેકટરીમાં ભરપુર કામ કર્યા રાખે !!
વર્ષો પહેલાંની વાત છે. કકુ અંગ્રેજીમાં ફેઇલ થઇ. રીઝલ્ટ લઇને ઘરે આવી. કકુનો જરા રમતિયાળ જીવ. બહુ ચિંતા કરવાનો સ્વભાવ નહીં. ફેઇલ થવાનું દુખ હતું પણ હવે શું થઇ શકે ?? પપ્પાને બતાવ્યું. પપ્પાએ પુછ્યું “બેટા કેમ આવું થયું ?” કકુએ જવાબ આપ્યો, “પપ્પા, મારી પાસે ઘડિયાળ નહોતી એટલે ટાઇમની ન ખબર પડી અને લખવાનું અધુરું છુટી ગયું.” કકુને એ જ દિવસે એના પપ્પાએ ઘડિયાળ ભેટમાં આપી. કકુબહેન પછી ઇંગ્લિશના પ્રોફેસર થયાં !! સલામ એમના પપ્પાને !!

પાર્થનાં લગ્ન વિશાખા સાથે થયાં. વિશાખાના કુટુંબમાં સૌ કહેતાં તો ખરાં કે પાર્થની બહુ હેન્ડસમ પર્સનાલિટી છે. વળી એ બધામાં ખૂબ ભળી જાય. હસમુખો સ્વભાવ એટલે સૌને ગમે. વિશાખાના દાદીમાએ પ્રેમથી કહી દીધું, “પાર્થ, તમે બહુ વહાલા લાગો છો !!!” સામાન્ય રીતે જમાઇ સાથે થોડું અંતર રાખીને જ વર્તાય એવું આપણા સમાજમાં મનાય છે. એક ઘરડા દાદીમા પોતાની પૌત્રીના વરને આમ નિખાલસતાથી વહાલની અભિવ્યક્તિ કરી દે એ કેવું સરસ !!!

નિસર્ગ હજી પાંચમા ધોરણમાં ભણતો ત્યારની વાત. નાનાજીના જન્મદિને સહુ મળવા ગયા ત્યાં એણે પોતાના દફતરમાં સંતાડીને રાખેલી ફાઇલ કાઢી. “બાપુજી, આ તમારી બર્થડે ગીફ્ટ !!” ના પાડવા છતાં દફતર સાથે શું કામ લે છે ?? એ ત્યારે મમ્મીને સમજાયું… હંમેશા કામમાં રહેતા બાપુજીને ગિફ્ટમાં શું આપી શકાય એ એણે બરાબર પારખ્યું !!
બંગલાઓમાં ઘરકામ કરતા લાલજીને કોઇએ પૂછ્યું, “આ ઉપરવાળાની દિકરીને દુબઇ લઇ જવા માટે નોકર જોઇએ છે. તારા યે જાણીતા લોકો છે. તને તારી વહુ સાથે લઇ જાય તો જતો રહે, પૈસા સારા મળશે !!” લાલજીનો જવાબ હતો, “ના મારે નથી જવું. પછી મારા ઘરડા મા-બાપનું કોણ કરે ??” કહેવું પડે લાલજી…..

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કોલમ..”સેતુ”

લતા હિરાણી

 

ભાવવિશ્વ..23..મહેંદી તે વાવી માળવે…. June 8, 2007

Filed under: ભાવવિશ્વ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 2:51 pm

મહેંદી રંગ
ઉઘડતો હાથમાં
હૈયે ઉજાસ.

વહાલી ઝિલ,

“મહિયરના માંડવે મહેંદી મૂકાતી,
મહેંદીમાં ઉઘડયા સાજનના હેત,
રાતાચોળ રંગમાં ઓરતા અકબંધ
કુમકુમ પગલામાં કુંવારી ભાત.”

કેવું મનભાવન દ્રશ્ય છે.! એકીસાથે કેટલા બધા હાથોમાં મહેંદી મૂકાઇ રહી છે.બધા વારે વારે પોતાના હાથની ડિઝાઇન જોતા રહે છે..એકબીજાને બતાવતા રહે છે.કોની વધુ સારી મૂકાણી છે..એની સરખામણી થતી રહે છે.અને કોને વધુ સારો રંગ આવશે એની મસ્તી તો ચાલુ જ છે. જેના સાજનનો પ્રેમ વધારે એને વધુ સરસ, લાલ ..રાતોચોળ રંગ આવે..એવી માન્યતાને આધારે હંસી મજાક થતા રહે છે.મસ્તી મજાક અને મહેંદીના ગીતોથી વાતાવરણ ની પ્રસન્નતાને એક નવો ઓપ મળે છે.આજે તો ઉમંગ સદેહે છલકી રહ્યો છે.
એમાં કોઇએ કહ્યું,”દુલ્હનની વધેલી મહેંદીમાંથી જો કુંવારી છોકરીને મૂકવામાં આવે તો એને જલ્દી દુલ્હન બનાવાનો યોગ આવે..! અને પછી તો ઉમરલાયક કુંવારી દીકરીઓ ના હાથમાં તારી મહેંદીમાંથી ટપકા થતા રહ્યા.અને એ દીકરીઓની આંખમાં પણ મેઘધનુષી સપના ઉગી નીકળ્યા.
ઇશ્વર..એ મેઘધનુષી સપનાઓ ને વાસ્તવિકતાનું રૂપ આપવામાં કંજૂસાઇ કે આળસ ન કરતો હોં.!
આવી બધી માન્યતાઓ કયાંથી..કેમ આવી હશે ? તારા હાથમાં મહેંદીથી શુભમનું નામ લખાયું..અને એનું પ્રતિબિંબ તારી આંખોમાં અને હૈયામાં છલકયું.”શુભમને જલ્દી દેખાય નહીં એમ લખજો હોં…”સૂચનાઓ આવતી ગઇ.

મહેંદીની જેમ જાતે પીસાઇને અન્યને રંગ આપવાનો ,પ્રસન્નતા અર્પવાનો પ્રયત્ન સમાજમાં મુઠ્ઠી ઉંચેરા માનવીઓ કરતા રહે છે.કદાચ એવા થોડા માનવીઓથી જ સમાજ ટકી રહ્યો છે. એવા લોકોની સંખ્યા વધે તો સમાજ ની મૂરત પલટાઇને સોનાની સૂરત બની જાય.સમાજમાં એક પોઝીટીવ પરિવર્તન દેખાય .કુદરત ના દરેક તત્વ માનવજાતને કંઇ ને કંઇ સંદેશ મૌન રહી ને આપે જ છે ને ? જરૂર છે ફકત એ સંદેશ સાંભળવાની…સમજવાની…અને એનો અમલ કરવાની…

બપોરે તને જમાડવા શુભમ આવ્યો હતો.તારા હાથમાં મહેંદી હતી એટલે.! દુલ્હનના લાડ કંઇ ઓછા હોય છે ? આજે તો માનપાન માગવાનો તારો હક્ક હતો ને.! અને તેં હસતા હસતા શુભમને ધમકી યે આપી હતી કે જોજે રંગ નથી આવ્યો તો…તો તારું આવી બન્યુ છે હોં.! શુભમ હસતો હતો.રંગ ન આવે એવું બને જ નહીં ને.! એ તને જમાડતો હતો પ્રેમથી..કોળિયા ભરાવતો હતો.એ ખોરાકના કોળિયા કયાં હતા ? એ તો લાડના,સ્નેહના,લાગણીના ઘૂઘવતા મોજા હતા.એ મોજા સદા ઘૂઘવતા રહેવા જોઇએ.લગ્ન એ પ્રેમનો અંત નથી.શરૂઆત છે.કદાચ એ રોમાન્સનો અંત હોઇ શકે..પણ સાથે સાથે રોમાંચક જિંદગીની શરૂઆત પણ છે..પ્રતીક્ષા નો આનંદ હવે પૂરો..પણ પ્રાપ્તિનો આનંદ ઝાંખો ન પડવો જોઇએ.બસ..ઇશ્વર,આ આનંદમાં ભરતી થતી રહે એટલું જરૂર કરજે.મા ના દિલમાંથી જાણે પ્રાર્થના નીકળતી હતી.
આખો દિવસ ..મોડી રાત સુધી મહેંદી ચાલી.જાતે પીસાઇને અન્યને રંગ,સુગંધ આપતી હીનાની લાલાશ અંતરમાં પણ ઉગતી હતી.

”મહેંદી તે વાવી માળવે ને એનો જોનારો પરદેશ રે..મેંદી રંગ લાગ્યો…”

મહેંદીનું નામ આવે અને આ જૂનુ ને જાણીતું સદાબહાર ગીત યાદ ન આવે
એવું બને જ નહીં ને?

જોકે અહીં તો એનો જોનારો આવી પહોંચ્યો હતો.
રાત્રે છેલ્લે મારો વારો આવ્યો.દીકરીની ખુશાલીમાં સહભાગી થવા મારા હાથમાં પણ મહેંદીના રંગો ખીલી ઉઠયા.અને એ મનહર દ્રશ્યો કચકડાની પટ્ટીમાં કંડારાઇને સ્મૃતિ રૂપે સચવાઇ રહ્યા.

ફૈબા તો આ બધા સમય દરમ્યાન કેટલી યે ધમાલ કરે છે.કાચના કૂંડા માથે મૂકીને જાતજાતની મોનો એકટીંગ કરી બધાને હસાવતા રહે છે.રાત જામતી જાય છે.ઢોલીડાને યે કેફ ચડયો છે.અને એનો અવાજ દૂર સુદૂર રેલી રહે છે.લાઇટોની ઝગમગતી રોશનીમાં દીકરીનું હાસ્ય ચમકતું..રણકતું રહે છે.મારાથી આપોઆપ ઇશ્વરને હાથ જોડાઇ જાય છે.
ઇશ્વરે દીકરીમાં આટલી માયા ,મમતા કેમ મૂકી હશે ?
અને પછી તેં તો પપ્પાને પણ બોલાવ્યા,”મમ્મીના હાથમાં મહેંદી મૂકી છે.ચાલો,તેને ખવડાવો.”અને દીકરીનો ઓર્ડર તો આજે બાપે કોઇ દલીલ વિના જ માનવો રહ્યો ને ? ચારે તરફ હસી ખુશીનું સામ્રાજય છલકાઇ રહ્યું છે.

સામે જ શુભમની ઘેર આજે ગઝલનો કાર્યક્રમ રાખેલ છે.એકએકથી ચડિયાતી ગઝલોના સૂર વાતાવરણને રંગીન બનાવતા રહે છે.રાતને રળિયામણી કરતા રહે છે.કોઇને અટકવાનું મન કયાં થાય છે ? ગઝલના સૂર પર કોઇને તાન ચડે છે..અને પગ થિરકવા લાગે છે.અને પછી તો દરેકના મન અને પગ માં જોશ નો જાણે ઉભરો આવે છે. મોડી રાત સુધી વાતાવરણ મસ્ત સૂરોથી રોશન થતું રહે છે.ચાંદ સિતારા પણ જાણે આ બધું સાંભળવા…માણવા થોડીવાર થંભી ગયા છે.તારી આંખોમાં હવે ઉંઘના વાદળ કદાચ ઘેરાઇ રહ્યા હતા.

”ઝોલે ચડી છે રાજકુમારીની વાર્તા, ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં”

અમિત વ્યાસ ના શબ્દો છે કદાચ.આજે મારી રાજકુમારી પણ ઝોલે ચડી હતી.રોજ વાર્તા માટે ઝંખતી એ આજે એ વાર્તા સાંભળવાના મૂડમાં પણ કયાં છે ? કદાચ અર્ધ ઉંઘમાં વાલમના બોલ સંભળાતા હશે એને.!!

દરેક દીકરીના આ પ્રસંગે મા ના ભાવવિશ્વમાં આવી જ ભરતી આવતી હશે ને ? અને આવી જ સંવેદનાઓ છલકાતી હશે ને?ઉંઘવાનો સમય તો કયારનો યે થઇ ગયો હતો..પણ..આજે ઉંઘ એક મા ના દિલથી કોસો દૂર હોય એ સ્વાભાવિક છે…દિલમાં દિમાગમાં વિચારોનું વાવાઝોડું..અને સંવેદનાનું પૂર છલકતું હોય ત્યારે…નીંદરરાણી ને એ ન જ ગમે ને ? એને તો પોતાનું એકનું અબાધિત આધિપત્ય જ ખપે ને? એના ચાગ કંઇ ઓછા છે ?

“આખું યે આભ મારી આંખમાં જાગે,
લઇ પંખીના સૂરની સુવાસ,
એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ
,ઝાકળ નો ભીનો ઉજાસ”

જગદીશ જોશી.

ઝાકળનો આ ભીનો ઉજાસ મારા અંતરમાં અને આંખોમાં ડોકિયા કરી રહ્યો છે.આજે મારી પાસે કોઇ શબ્દો નથી. આ ક્ષણે તો ખાલી..સાવ ખાલી છું હું. શબ્દો તો કયારના ખૂટી ગયા છે કે પછી શબ્દોમાં એ સામર્થ્ય કયાંથી જે આ પ્રસંગને સંપૂર્ણતાથી વ્યકત કરી શકે?આજે તો શમણાઓએ પણ સાથ છોડી દીધો હતો કે શું? એ પણ દૂર ખસતા રહ્યા.અને મનમાં એક શૂન્યતા છવાઇ રહી.કંઇ પણ વિચારવાને..અનુભવવાને અશક્ત એવી પ્રગાઢ શૂન્યતા.!!!!

“આંખ મીંચી ને હવે જોયું તો દેખાય છે, કયાંક કંઇ ખુલી રહ્યું,કયાંક કૈંક બિડાય છે,
જે ઝળકતું હોય છે તારકોના મૌન માં, એ જ તો સૌરભ બની આંગણે છલકાય છે.”

શ્રી રાજેન્દ્ર શુક્લ.

એ સૌરભ સાથે…
મમ્મી..

બેટા,મનમાં ઘણીવાર ભાવનાના પૂર ઉમટે..કયારેક રોષનો ..ગુસ્સાનો વંટોળ ઉઠે…..પણ મનમાં ઉઠતી દરેક ભાવનાને તાત્કાલિક શબ્દોમાં બહાર કાઢવાની ભૂલ કદી કરીશ નહીં.ક્ષણિક આવેશ ને હમેશા કાબુમાં રાખજે..એક શબ્દ ઉમેરી ગમે ત્યારે શકાશે..પાછો ખેંચી નહીં શકાય. બોલાઇ ગયેલ શબ્દ તમારો માલિક છે.ન બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે.તમારી પાસે માલિક કરતાં ગુલામની સંખ્યા વધારે હોય એ ઇચ્છનીય નથી ? મટે વાણીમાં સંયમ જાળવતા દરેક છોકરીએ શીખવું જ જોઇએ.( છોકરાઓ માટે ..કે કોઇ પણ માનવી માટે આ નિયમમાં કોઇ અપવાદ નથી જ.)ઘણીવાર શબ્દો જે કાર્ય નથી કરી શકતા..એ મૌન કરી જાય છે.અને મૌન પછી ની વાણીમાં આપોઆપ એક નિખાર પ્રગટે છે.મન ના ઘોડાની લગામ આપણા હાથમાં જ રહેવી જોઇએ.મનને તો જે સહેલું હોય તે જ કરવું હમેશા ગમે..મનને જે ઇચ્છા થાય તે દરેક પૂરી થવી જોઇએ..તેવો દુરાગ્રહ રાખવાને બદલે નીરક્ષીર તારવી જીવનના નિર્ણયો પૂરી શાંતિથી…વિચાર કર્યા બાદ જ લેવાવા જોઇએ.જેથી કયારેય પસ્તાવાનો સમય ન આવે.જીવનગણિત ના સમીકરણો ઉલટાવી શકાતા નથી..કે જીવનકિતાબને ફરીથી લખી શકતી નથી જ…માટે એ કિતાબના પાનાઓ આલેખવામાં બેટા,પૂરી સાવધાની રાખવી જ રહી.

 

જન્મદિવસની ભેટ…. June 7, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

પાર્થ ઝવેરી અને પુનિતા ઝવેરી શહેરનું જાણીતું ડોકટર યુગલ હતું.સવારના સૂર્યના પ્રથમ કિરણોનું અભિવાદન કરતા કરતા તેઓ દરિયાકિનારે ચાલી રહ્યા હતા.આજે તેમના આઠ વરસના જોડિયા દીકરાઓ નો જન્મદિવસ હતો.આજે નિયંત અને નિતાંત ને સાંજે શું આપવું તેની મીઠી ચર્ચામાં બંને મશગૂલ હતા.દર વરસે બંને કંઇક સરપ્રાઇઝ આપીને છોકરાઓને ખુશ કરતા.આજે યે કંઇક નવું જ કરવાના વિચારમાં તેઓ હતા.પણ જલ્દી નક્કી નહોતું થતું કે શું કરવું કે શું આપવું?

ત્યાં અચાનક તેમના કાને કોઇ નવજાત શિશુના રૂદનનો અવાજ સંભળાતા બંને ઉભા રહી ગયા..અને આજુબાજુ નજર કરી.ત્યાં પુનિતાનું ધ્યાન અચાનક સામે પડયું.કુદરતના અણમોલ વરદાન સમુ કોઇ શિશુ નીચે પડેલ હતું અને રૂદન કરીને જાણે જનેતાને બોલાવી રહ્યું હતું.બંને એ આસપાસ નજર કરી…થોડે જઇ ને જોયું.પણ કોઇ ન દેખાયું.હવે?બંને એ એકબીજા સામે જોયું એકબીજાની આંખની લિપિ વાંચી…સમજી… પુનિતાએ પરમ સ્નેહથી બાળકી ને ઉપાડી.વાત્સલ્યનું ઝરણુ ઉમટી આવ્યું.

બંને ઘેર પહોંચ્યા.નિતાંત અને નિયંત મમ્મી પપ્પાની રાહ જોતા જ હતા.પુનિતાના હાથમાં કોઇ ને જોઇ બંને ને નવાઇ લાગી.પણ બંને કંઇ પૂછે તે પહેલાં જ પુનિતાએ કહ્યુ,”બેટા,આજે તમારા જન્મદિવસે તમને સરસ મજાની નાનકડી બહેન ભેટ આપીએ તો તમને ગમશે?” ”વાઉ ! “મમ્મા ના હાથમાં નાનકડી સુંદર મજાની ઢીંગલી જેવી બેબી જોઇ બંને ખુશ થઇ ઉઠયા,
”મમ્મા,આ અમારી બહેન છે?આનું નામ શું છે?” ”

નામ? આનું નામ છે..નેત્રી.નિયંત અને નિતાંતની નાનકડી બહેન નેત્રી.બરાબર?તમને ગમી?”

બંને ભાઇ ખુશખુશાલ થઇ ગયા.આજે તેમને જન્મદિવસે નાનકડી બહેનની ભેટ મળી હતી.બંને તેને રમાડવા લાગી ગયા.

અને આ અણમોલ ભેટથી ખુશખુશાલ બનેલ પુત્રોને જોઇ ડોકટર દંપતિએ થોડા દિવસોમાં જ જરૂરી બધી કાનૂની વિધિ પતાવી દીધી. અને નેત્રી ઝવેરી નિતાંત અને નિયંતની નાનકડી..લાડલી બહેન બની ગઇ.

દેવકી અને યશોદાના માતૃત્વમાં ફરક થોડો હતો?

 

ભિખારી નથી…. June 5, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 7:12 am

થાકી ગયેલ માણસની જેમ ટ્રેન પણ ઘડીકમાં ધીમી તો ઘડીકમાં તેજ ગતિથી પોતાની મંઝિલ તરફ જઇ રહી હતી.ડબ્બાની અંદર બેસેલ શંભુમેળાના કલરવથી બેખબર,નિ:સ્પૃહ બની તે ભાગી રહી હતી.અંદર પંખીના માળામાં જાતજાતના પંખીઓ પોતપોતાની આગવી રીતે કલરવ મચાવી રહ્યા હતા.દરેક ડબ્બામાં એક ક્ષણિક દુનિયા રચાઇ હતી.
મલ્હારભાઇ પણ બીજા પ્રવાસીઓ સાથે થોડો પરિચય કેળવાતા ગપાટા મારી રહ્યા હતા.બધાને સમય પસાર કરવાનો હતો ને ! સમાજ,રાજકારણ.ફિલ્મ ,ટી.વી. કોઇ મુદ્દો અહીં અછૂતો નહોતો.દરેક પાસે કંઇક કહેવાનું હતું જ.સાંભળવાવાળા કરતાં બોલવાવાળાની સંખ્યા વધુ હતી.અહીં બધી સમસ્યાઓના ઉકેલ હાજર હતા.દરેકની પોતાની માન્યતા હતી.,અભિપ્રાયો હતા..જે બિન્દાસ રીતે વ્યકત થઇ રહ્યા હતા.
કયા નેતાએ શું કરવું જોઇએ,કે વહીવટ કેમ ચલાવવો જોઇએ,કે બજેટ કેવું હોવું જોઇએ,કે અમિતાભ. શાહરૂખે પોતાની ગરિમા કેવી રીતે જાળવવી જોઇએ..કઇ સીરિયલમાં શું ચાલે છે અને હવે શું થવું જોઇએ..લગભગ દરેક વ્યકિત અહીં દિગ્દર્શક હતી.રોજ એકતા કપૂરની સિરીયલ રસથી જોનાર પણ અહીં વટથી તેની ટીકા કરી રહ્યા હતા.એકતા કપૂર કદાચ સિરીયલનો પર્યાય હતી.અને નવી પેઢી આજે કઇ તરફ જઇ રહી છે.. આજે બધા એ અમેરિકા તરફ કેવી દોટ મૂકી છે…..વિગેરે વિગેરે……! વિષયોની કેવી વિવિધતા હતી..!!
તો સ્ત્રી વર્ગમાં પણ કોના દીકરો વહુ કેવા છે કે કોને કેવું સાસરુ મળ્યું છે.સાસુ નણંદ કેવા છે.પોતાના પિયરમાં કેવું છે..તો કોઇ પોતાના બાળકોના વખાણ કરતા નહોતા થાકતા.અહીં ઉભરા ઠલવાતા હતા.તો કોઇ ચૂપચાપ છાપા માં કે ચોપડીમાં માથુ નાખી ને બેઠુ હતું.સમાજનું સાચુ પ્રતિબિંબ કદાચ અહીં પડતું હતું.કોઇ નેતાને કોઇ સમશ્યાનો ઉકેલ ન મળતો હોય તો વિક્રમરાજાની જેમ વેશ પલટો કરી રાત્રિચર્યાને બદલે ટ્રેનચર્યા માટે નીકળે તો કદાચ તેમના દરેક પ્રશ્નના ઉકેલ અહીં મળી રહે.

ફેરિયાઓ પણ પોતપોતાની રીતે માર્કેટીગ કરી રહ્યા હતા.કયાંક ખારી સીંગ તો કયાંક બટેટાવડાની મહેફિલ જામી હતી.કોઇએ વળી ઘેરથી લાવેલ થેપલા શાક કાઢયા હતા.
”સહનૌભુનક્તુ,સહવીર્યમ્ કરવા વહૈ..”..ની જેમ એકબીજાને આગ્રહ થતો હતો. નાસ્તા એક્ષચેન્જ થતા હતા. કોઇ ઉતરતા જતા હતા,ને કોઇ ચડતા હતા. ને ટ્રેન તો આ બધાથી અલિપ્ત બની પોતાના ગંતવ્ય તરફ દોડી રહી હતી.

ત્યાં પંદર સત્તર વરસના લાગતા બે છોકરાઓ ત્યાં આવ્યા.અને બુલન્દ અવાજે ગીત શરૂ કર્યું..”યે દુનિયા…યે મહેફિલ મેરે કામકી નહીં…મેરે……..”
મલ્હારભાઇ કોઇ સહપ્રવાસી સાથે રાજકારણની ચર્ચાએ ચડયા હતા.અને બધી સમસ્યાઓનો ઉકેલ આપી રહ્યા હતા.! પોતાની વાત સાચી સાબિત કરવા દાખલા દલીલો ઠાલવી રહ્યા હતા.તેમને સ્વાભાવિક રીતે જ આ વિક્ષેપ પસંદ ન આવ્યો.દેશની સમસ્યાઓના ઉકેલ આપવાનું મહત્વનું કામ કરી રહ્યા હોય ત્યાં આવા ફાલતુ લોકો….. તેમણે જરા મોટેથી પેલા છોકરાને કહ્યું,”અરે,ભાઇ,દુનિયા તારે માટે કામની ન હોય તો કંઇ નહીં.પણ અમારે માટે તો કામની રહેવા દે..જા આગળ જા…..” પણ છોકરાઓ કદાચ આવું બધું સાંભળવા ટેવાઇ ગયા હતા.અને તેમને દેશની સમસ્યા ભલે ન ઉકેલવાની હોય..પણ તેમની રોજી રોટીની સમસ્યા તો ઉકેલવાની જ હતી ને..? તેમને માટે આ રોજી રોટીનો સવાલ હતો.એમણે તો ગાવાનું ચાલુ રાખ્યું.

આ ભિખારી જેવા છોકરાઓ આમ પોતાનું કહ્યું ન માને તે મલ્હારભાઇથી સહન કેમ થાય?તેમણે ખિસ્સામાંથી બે ચાર સિક્કા કાઢયા અને ક્રોધભરી નજરે છોકરાઓ તરફ જોઇ તેને આપ્યા અને કહ્યુ,”બસ..હવે ચાલતો થા..તારે આ જ જોઇએ છે ને?જા હવે અહીંથી….”
હવે તે છોકરાનું મગજ પણ ગયું.તેણે વટથી પૈસા પાછા આપી કહ્યું,”સાહેબ,અમે ભિખારી નથી.અમે ગીત લોકોને સંભળાવીને પૈસા લઇએ છીએ.મોટા કલાકારની જેમ અમે સ્ટેજ શો નથી કરી શકતા..એટલે અહીં” ટ્રેન શો “કરી રોજી રોટી કમાઇએ છીએ.અમે ભીખ નથી લેતા.રાખો તમારા પૈસા.”કહી પૈસા મલ્હારભાઇ ના હાથમાં પકડાવી તેઓ ચાલતા થયા…

અને મલ્હારભાઇ મૌન.

નીલમ દોશી

 

હરિયાળી હેલે ચડી… June 5, 2007

ખુશખુશાલી ખેલતી આજે ખોળે
ખીલી છે જાણે ફૂલબિછાત
સૌરભની પાથરી પથારી
હરિયાળી આજે હેલે ચડી….

ફાગણના ફાગ કઇ છલકે,
અત્તરિયા તો મઘમઘ મહેકે
ડાળી ડાળી ને ફૂટયા ટહૂકા
હરિયાળી આજે હેલે ચડી…

કંકાવટીમાં ઘોળાયા કુમકુમ
ઉષા લાવી અબીલ ગુલાલ
વેરાયો ગુલાલ લાલમલાલ
હરિયાળી આજે હેલે ચડી…

વાદળી વરસી સહ્સ્ત્રધારે
માટી મીઠી ખૂબ મહેકી.
રંગો ખીલ્યા પૂર્વાકાશે.
હરિયાળી આજે હેલે ચડી.

નીલમ દોશી.

રહસ્ય છે સમજો તો સાવ સાદું
નથી બદલ્યું જગમાં કંઇ
બદલી છે બસ દ્રષ્ટિ આજે.
હરિયાળી આજે હેલે ચડી……

નીલમ દોશી.

 

આજની ખાટી મીઠી.. June 2, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:28 am

સફળ પત્રકાર થવું એટલે,પોતે જે વિચારે છે તે નહીં,પણ લોકો જે વિચારે છે તે તંત્રીલેખમાં લખવું.

 

હસે તેનું ઘર વસે.. June 2, 2007

એકવાર આપણા બાબુભાઇને હાસ્યલેખ લખવાનો ધખારો ઉપડયો.કેમકે તેણે કયાંક વાંચી લીધું હતું કે,”હસે તેનું ઘર વસે”…અને હજુ તેનું ઘર વસ્યું નહોતું!!!તેને થયું કે હું એકાદ મજાનો હાસ્યલેખ લખું તો મારું તો ઠીક પણ મારો લેખ વાંચી ને કેટલાયે હસે અને તો કેટલાયનું ઘર વસી શકે!!!આ યે એક જાતની સમાજસેવા જ થઇ ને?આવા શુભ આશયથી પ્રેરાઇને બાબુભાઇએ તો હાસ્યલેખ લખવાનું નક્કી કરી લીધું.

નક્કી તો કર્યું…પણ….હવે?હવે હાસ્યલેખ લખવો કેમ?કયા વિશય પર લખવો?એ ન સૂઝયું. અંતે થોડી પ્રેરણા મળે માટે થોડા જાણીતા હાસ્યલેખકોના…જેવાકે શ્રી જયોતીન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,અશોક દવે,વિનોદ ભટ્ટ…અને જાણીતા નહીં..છતાં પોતાની જાતને લેખક માનતા એવા નીલમ દોશી…(???)વિગેરે ના હાસ્યલેખકોના પુસ્તકો લઇ આવ્યા….

પણ એ વાંચ્યા પછી તો તેમની મૂંઝવણ ઘટવાને બદલે વધી..તે જે વાંચે તેમાં થાય કે ઓહ!! મારે યે આવું જ કંઇક લખવું હતું…પણ જોને…આ બધું જ પહેલેથી જ આ લોકોએ લખીનાખ્યું છે…લાગે છે બધાએ સંપીને મારી સાથે કાવતરું કર્યું છે.કે પછી હું થોડો મોડો પડયો છું!!!બાબુભાઇ આશાઅને કરૂણાભરી નજરે..હાસ્યના એ બધા પુસ્તકો સામે જોઇ રહ્યા!!

જોકે એમ હિમત હારે તો બાબુભાઇ શાના?ગમે તે થાય….કોઇ વિષય નહીં બચ્યો હોય..તો વિષય વિના પણ હાસ્યલેખ તો લખવો જ.અને હસવાનું લખવામાં વળી વિષય શેના જોઇએ?(તેમને થોડી ખબર હતી કે કદાચ સૌથી અઘરું કામ જ હાસ્ય લેખ લખવાનું છે.)ડગલું ભર્યું કે ના હટવું…નર્મદ જાતે આવી ને જાણે તેને પ્રેરણા આપી ગયો…અને પછી તો રંગમાં આવી ને બાબુભાઇએ નંક્કી હવે તો કરી જ નાખ્યું કે હિમતે મર્દા તો મદદે ખુદા!!!પણ પોતાનો હાસ્યલેખ લખવાનો પ્રોજેકટ પડતો તો ન જ મૂકવો.!!!

અને હાથમાં પેન લઇને તેઓ બેસી ગયા….”યાહોમ કરીને પડો સૌ જીતવા જંગ…”આમેય તેમને ઇશ્વરમાં અખૂટ શ્રધ્ધા હતી જ કે શરૂઆત કરીશ એટલે બાકેનું કામ તો ઇશ્વર આપોઆપ સંભાળી લેશે!!! મા સરસ્વતીની કૃપા નો વરસાદ મારી પર વરસશે અને પોપકોર્ન માંથી ધાણી ફૂટે તેમ મારી અંદરથી આપોઆપ શબ્દો ફૂટશે!!!

અને તેણે શરૂ કર્યું..પહેલા ઉપર મરોડદાર સરસ મજાના અક્ષરો વડે લખ્યું,”શ્રી સવા….અને અંબે માતકી જય!! ”અને પછી તો શબ્દોની ધાણી માંડી ફૂટવા… :નવા વરસે મેં એક સુપરહીટ સંકલ્પ કર્યો છે..ચિંતાઓ કરવાનો સંકલ્પ…આખુ વરસ ધોધમાર ચિંતાઓ કરવાનો…..”

આટ્લું લખ્યું ત્યાં અચાનક ટ્યુબલાઇટ થઇ….મારું હાળુ…આ તો કયાંક વાંચેલ લાગે છે…(બાબુભાઇનું વાંચન આમેય વિશાળ..!!!!.એટલે જલ્દી યાદ ન આવે )અને જરાક યદશક્તિની કસરત કરતાં પેલી ટયુબલાઇટ થઇ ઝળહળ!!! ઓહ!! આ તો હમણાં પેલા અશોક દવે ને વાંચ્યા તેના જ લેખનું આ વાકય છે.પાછો તાજો જ લેખ હતો નહીંતર તો કદાચે ય ચાલી જાત!!!! તેને અશોક દવે ઉપર એવો ગુસ્સો ચડયો….આ અશોક ને યે શું કહેવું?જે મારે લખવું છે તે પહેલેથી લખી ન નાખતો હોય તો!!! મારી સાથે એને શું દુશ્મનાવટ છે..તે આવું કાવતરું ઘડયું?

ધૂન્ધવાતા બાબુભાઇએ મન શાત કરવા ચા નો ઓર્ડર આપ્યો…ચા આવી ત્યાં થયું કે એકલી ચા માં મજા નથી આવતી!આમેય મન એકદમ પ્રફુલ્લિત હોય તો જ હાસ્યલેખ લખી શકાય ને?અરે હા,પોતે જયારે ભજીયા ખાય છે ત્યારે સારા એવા પ્રફુલ્લિત થઇ જાય છે.તેણે ફટાફટ એકાદ કિલો ભજીયાનો ઓર્ડર આપી દીધો..સારા કામમાં વળી ઢીલ શેની? અને તે ગરમાગરમ ભજીયા ખાવા નિરાંતે બેઠા.અને પ્રફુલ્લિત થવાનો ગંભીર પ્રયત્ન કરતા કરતાં એકાદ કલાક નિરાંતે ભજીયા ખાઇ પેટ પર(કે ફાંદ પર)હાથ ફેરવતા ફેરવતા મલકયા.વાહ! હવે કંઇક મુડ જામતો લાગે છે કહ્રો… પણ પચી તેને થયું કે આ બધું તેલવાળું ખાવાથી મોઢુ ભાંગી ગયું છે….આ બે ભજીયા ખાધા…પણ આ આજકાલના ભેળસેળિયા તેલ!!!!લાવ,એકાદ સરસ મજાનું ગુલકંદવાળું પાન મગાવી લઉં..જરી સારું લાગે…..

અને તો હાસ્યલેખ જરા સારી કવોલીટીનો લખાય!! આપણે તો ભઇ એવું કે લખવું તો સારું જ લખવું ભલે થોડી વાર લાગે …પણ ગમે તેવું..જેવું તેવું લખીને વાચકોને માથે મારવું એ યે એક જાતની સૂક્ષ્મ હિંસા જ છે!!! અને પોતાને આવો સરસ સૂક્ષ્મવિચાર સૂઝવા બદલ બાબુભાઇ પોતાની જાત પર જ ખુશ થઇ ગયા!!વાહ!! જોયો આ ભજીયાનો કમાલ!!કેવા સુંદર વિચારો સ્ફૂરે છે!!!મને મારી ખબર જ હોય ને કે શું ખાવાથી હું પ્રફુલ્લિત થઇ શકું છું?

ત્યાં પાન આવ્યું..અને બાબુભાઇએ પાન ખોલીને જોયું ગુલકંદ બરાબર નાખ્યું છે કે નહીં? બધી ચકાસણી પહેલેથી કરી લેવી સારી..ચેતતા નર સદા સુખી!!! વાહ! બાબુભાઇ વાહ!! તેણે પોતાની જાતને શાબાશી આપતા કહ્યું.તેણે તો હળવે હાથે,,હળવે હૈયે..જાણે દુલ્હનનો ઘૂઘટ પહેલી રાત્રે ઉઠાવતા હોય તેવી નજાકતથી પાન ખોલ્યું…પણ ગુલકંદ ને થયું કે મારું આવડું હળહળતું અપમાન!! મારી પર કોઇ શંકા કરે?તે આ અપમાન સહન ન કરી શકયું અને પાનમાંથી સરકીને રિસામણે બેસેલ નવી વહુની જેમ બાબુભાઇ ના ધોળા ઝગ ઝભ્ભા પર બેસી ગયું.અને બાબુભાઇ તેને પકડવા ગયા ત્યાં આખા ઝભ્ભા પર દોડાદોડી કરી મૂકી અને ઝભ્ભો લાલ કંસુબલ રંગે રંગાઇ ગયો. બાબુભાઇ નો પિત્તો છટકયો…!! ગુસ્સામાં ને ગુસ્સામાં પાનવાળો હાથ તેણે પોતાના ઝભ્ભા પર લૂછી નાખ્યો.. લે..લેતો જા….. અને પછી ભાન આવ્તા કે..આ ઝભ્ભો તો પોતાનો જ છે…એટલે કરૂણાસભર નયને ઝભ્ભા સામે જોઇ રહ્યા…

હવે આવા મૂડમાં હાસ્યલેખ થોડો લખી શકાય?બાબુભાઇ ધૂંધવાઇ ગયા.ત્યાં યાદ આવ્યું…લાવ,એકાદ કોલ્ડ્રીંક મંગાવી મનને ઠંડુ કરું…ગમે તે થાય…અજે હાસ્યલેખ લખ્યે જ છૂટકો કરવો છે!!અને મન જરાક ઠંડુ પડે તો જ લખી શકાય ને?
અને આવી થમ્સ અપની એક લિટરની બોટલ!! જરૂર પડે તો વારે ઘડી એ કયાં કોઇ ને દોડાવવા?આમેય બાબુભાઇ પહેલેથી જ દયાળુ તો ખરા જ!! અડધી બોટલ પીધી ત્યાં અચાનક યાદ આવ્યું..ઓહ!! આ તો ભૂલ થઇ ગઇ..આમાંતો કેટલા બેકટેરીયા છે!! હમણાં જ તો છાપામાં વાંચેલ.આ બધી લપમ્માં મગજમાંથી સાવ નીકળી ગયું.બાબુભાઇ મોટો ગુનો કરી નાખ્યો હોય તેમ બાકી બચેલ થમ્સ અપ સામે સજળ નેત્રે જોઇ રહ્યા.નહીંતર પોતે કયારનું નક્કી કરી નાખ્યું હતું કે હવે નો થમ્સ અપ…નો પેપ્સી…હવે નાળિયેર પાણી કે પછી ઘરનું લીંબુ શરબત કે સરસ મજાની ઠંડી છાશ…લસ્સી…એવું જ પીવું..બાકી બધું બંધ!! તેને બદલે….ખેર! હવે ભૂલ થઇ છે તો પ્રાયસ્ચિત તો કરવું જ રહ્યું..લાવ ઉપર એક ઠંડી મજાની લસ્સી પી લઉં!!….અને તેણે એક સરસ મજાની લસ્સીનો ઓર્ડર આપ્યો……!!!

ત્યાં….ત્યાં અચાનક જોગમાયા પ્રગટે તેમ અંદરથી પત્ની ધૂન્ધવાતી 440 ના વોલ્ટની જેમ ભભૂકતી આવી….આ શું માંડયું છે આજે….??? બાબુભાઇ તો પરમ આશ્ર્વર્યથી તેની સામે જોઇ જ રહ્યા…આ આ કોણ?ત્યાં તો પત્નીની એક સિંહગર્જનાથી(સોરી..સિંહણગર્જનાથી)પૂરેપૂરા ભાનમાં આવી ગયા!! ઓહ!! આ તો મારી સહચરી!!! મારી અર્ધાગિની!! અરે,હું તો ઓલરેડી પરણેલો છું!!! મારું ઘર તો વસેલ જ છે!!! મારે તો હાસ્યલેખ લખીને ઘર વસાવાવાની જરૂર જ કયાં છે?અને નવેસરથી વસી સહકવાની કોઇ શકયતા યે નથી…સાક્ષાત ચંડિકા જ મારા ઘરમાં તો વસી ચૂકયા છે ..ને બીજુ કોઇ મારી જેમ દુ:ખી થાય તેવું હું ન જ ઇચ્છુ ને?હં હવે સમજાયું કેમ મા સરસ્વતી મારી પર પ્રસન્ન નહોતા થતા….!!! અને એવું વિચારતા બાબુભાઇ કિલો ભજીયાના ઘેનમાં ત્યાં સોફા પર જ ઢળી પડયા!!! તેથી હાલ પૂરતો એમનો હાસ્યલેખ લખવાનો પ્રોજેકટ બંધ રાખ્યો છે.ભવિષ્યમાં જરૂર પૂરો થશે!!!!!

તમારે કોઇ ને લખવો હોય તો બાબુભાઇ મદદ કરવા સદા તૈયાર છે!!

નીલમ દોશી.

 

કાવ્ય ગમતું.. June 2, 2007

તારા વાસંતી ટહુકાઓને
મેં ગોપવી રાખ્યા છે
હૈયાની હુંફાળી ધરતીમાં
રાહ જોયા કરું છું
કશુંક નવું ફૂટવાની
તેં આપેલો
ચપટીક સોનેરી તડકો
એના પર રેડ્યા કરું છું
અને
મારા નયન નીતરી જાય
એવો અજવાસ પ્રકટવાની તરસ જીવ્યા કરું છું

(કવિલોક જુલાઇ-ઑગસ્ટ 2002)

લતા હિરાણી

 

આજની ખાટી મીઠી.. June 2, 2007

Filed under: અન્ય — nilam doshi @ 6:06 am

જે કહેવા બદલ અગાઉ બાળકને થપ્પડ પડતી હતી..તે જ કહેવા બદલ આઆઆજે તેમને ચબરાકનું લેબલ લગાડાય છે.