પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

જીવનનું ગીત.. June 18, 2007

Filed under: અન્ય — nilam doshi @ 6:00 am

એક નવજાત ચહેરો
પ્રભાતના પુષ્પની જેમ ખીલે
અને માનું બદન બાગ થઇ જાય
આંખ થઇ જાય આખું યે અસ્તિત્વ…..
છાતીમાં સંતાય એ હૂંફાળો સુરજ
અને ગરદનમાં હાર થઇને ઝૂલે
ઉપવનના સારા યે ટહુકાઓ……
ખોળામાં ખીલી જાય
ગુચ્છેગુચ્છા ફૂલોના
કોમળ હથેળીઓનો સોનલ સ્પર્શ
રોમ રોમ ભરી દે
ઢગલે ઢગલા પારિજાતના
માના ચહેરા પર સ્થગિત સમયની
આરપાર
કોમળ ટેરવાં પરોવ્યા કરે
મોરપીંછનું ઘેઘુર વન
પવનની રુપેરી પાંખમાં જડેલાં
વાસંતી સપનાઓ
ચાંચમાં ભરીને પંખીઓ આંગણમાં ઠલવ્યા જ કરે
ને ઊઘડેલા ગગનની બારીએથી
વહ્યા જ કરે… સર્યા જ કરે…
જીવનની મોસમનું માસુમ ગીત ……………

(વિચાર વલોણું માર્ચ 2006)
લતા હિરાણી