આંખોમાં ક્ષિતિજ ભરી લઇએ
ને છાતીમાં આકાશ
પછી પ્રકટ્યા જ કરે
દસે દિશાઓથી ઝળહળતો સૂર્ય
લિપિ કે શબ્દકોશથી સાવ અજાણ
પૃથ્વીના કોઇપણ પડમાં
મહોરતી જ રહે છે
સ્પર્શની ભાષા
ઇચ્છાઓના વનની સરહદ કોઇએ જોઇ ?
ઊગ્યા કરે અડાબીડ
ને દળ્યા કરે હૈયે હૈયાં, સઘળાં, સઘળે
વૃક્ષોના પાન પાસે કોઇ નિયમાવલિ નથી
બસ ખુલે છે, ખીલે છે, ખરે છે
મથી મથીને હારી જશો
કે ડિગ્રીઓ કુરબાન કરી દેશો તો યે
નહીં કરી શકો ફૂલોના હાસ્યનો અનુવાદ
ઝાડનો છાંયો કે માનવીનો પડછાયો
એમાં ક્યાંય ન હોય વિખવાદ
ને તો યે આ વાડો, આ સરહદો
કોણ વાવ્યા કરે છે ?
કોણ ખેડ્યા કરે છે
જંગલિયતની ખેતી ?
(‘કવિ’ ઑગસ્ટ 2006)
લતા હિરાણી
