પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

નાનકડી તાન્યા… June 14, 2007

Filed under: અન્ય — nilam doshi @ 6:00 am

કેટલું થાકી જવાય છે નહીં ? જાતજાતની ઉપાધિઓ અને ભાતભાતના ટેન્શન… કાશ, આપણું બાળપણ પાછું આવી શકતું હોત તો !! નારે એ તો ગયું હવે કદી પાછું ન આવે… પણ જરા શોધ કરો.. આપણા બધામાં એક બાળક ક્યાંક છુપાઇને બેઠું છે. એ ક્યારેક ક્યારેક ક્યાંક ઝબકી જાય છે ખરું. એને બહાર આવવું હોય છે પણ મોટે ભાગે તો આપણે જ એને દબાવી ગુંગળાવતા હોઇએ છીએ.. ચાલો આજે નાનકડી તાન્યા સાથે સેતુ જોડીએ…. તાન્યા જેવડા જ બનીને…..
તાન્યા લંડનમાં રહે છે. એની ત્રીજી બર્થ ડે ઉજવાઇ હતી. રાત્રે પાર્ટી થઇ. ખાણી પીણી અને મોજમજા કરી સૌ સુઇ ગયા. સવારે તાન્યાની મમ્મી સીમ્મી જરા મોડી ઉઠી. એ સીધી બાળકોના રુમમાં ગઇ. “ઓ માય ગોડ, તાની, યે ક્યા કર દિયા ??” તાન્યાએ પોતાનો આખો વોર્ડરોબ ખાલી કરી કપડાંનો નીચે ઢગલો કરી નાખ્યો હતો અને બાજુમાં ખુશખુશાલ થતી ઉભી હતી…”ક્યું મમ્મી, આજસે મૈં ફોરકી હો ગઇ. ઔર યે સારે કપડે તો થ્રીકે હૈ !!! ચલો અબ નયે લે આતે હૈં !!!!!

આ તાન્યા હોલીડેઝમાં ઇન્ડિયા આવી. આણંદમાં એના દિપકમામાનું ઘર છે. એના ડેડી આવ્યા ત્યારે એણે બહુ હરખાઇને સમાચાર આપ્યા. “ડેડી આપ ગલત કહતે થે. ઇન્ડિયા કિતના એડવાન્સ હૈ ! આજ બાને મુજે મુવીંગ વેજીટેબલ શોપ દિખાઇ. ઐસા હમારે લંડનમેં કહાં હૈ !!” સવારે એણે શાકભાજીની લારીઓ જોઇ હતી !!!

આણંદમાં એણે ઘર પાસે ગાય, બકરી, કૂતરા વગેરે પ્રાણીઓ ફરતાં જોયા. આમ રસ્તા પર પ્રાણીઓ ફરતા હોય એ એના માટે નવિન હતું. લંડન જઇને એણે એની ફ્રેંન્ડસને કહ્યું… “આપકો પતા હૈ, મેરે મામાકે ઘરકે આસપાસ ઝૂ હૈ !! કિતને સારે એનિમલ્સ ઘુમતે રહતે હૈં !!!
એકવાર તાન્યા ચોમાસામાં આણંદ આવી હતી. ચારેબાજુ નાના ખાડાઓમાં પાણી ભરેલા જોઇને કહે. “મમ્મી યે તો પૂરા લેઇક સીટી હૈ !! છોટે છોટે લેઇક ઔર ઉસમેં હમ અપને પૈર ડૂબો સકતે હૈ !!! પર યે લેઇકકા પાની ગંદા ક્યું હૈ ? ઉસે પ્યુરીફાઇ ક્યું નહીં કરતે ??”

નાસ્તામાં તાન્યાએ ગાંઠિયા જોયા. “યે ક્યા હૈ મોમ ?” “યે નૂડલ્સ હૈ. ઇન્ડિયન નૂડલ્સ !!” “અચ્છા !! ઇન્ડિયામેં ડ્રાય નૂડલ્સ બનતે હૈ !!” પાસ પડોશમાં કોઇ કોઇને બોલ્યું હશે, ‘મીઠા વગરની’ તાન્યાને માટે આ કોયડો હતો. એણે નીલુમાસીને પૂછ્યું,” ‘મીઠા વગરની’ એટલે શું ?” માસીએ સમજાવ્યું. પછી એકવાર મામાના દીકરા સાથે ઝઘડો થયો ત્યારે તાન્યાએ બેધડક પોતાનો ગુસ્સો ઠાલવી દીધો, “જાઓ તુમ તો વિધાઉટ સૉલ્ટ એન્ડ વિધાઉટ બ્લેકપેપર હો !!!

તાન્યાને હરીશઅંકલે ફોન કર્યો અને આમ જ સ્વાભાવિક વાતો થઇ. “કૈસી હો ? પઢાઇ કૈસી ચલ રહી હૈ ? “ “અંકલ અભી તો મેરે ટેસ્ટ ચલ રહે હૈં “ “અચ્છા, ઇન્ડિયા કબ આઓગી ?” “આપ ભી કમાલ કરતે હો અંકલ, જબ મેરે એક્ઝામ ચલ રહે હૈ તો મૈ ઇન્ડિયા કૈસે આ સકતી હું ? તાન્યાની મોટીબહેન પણ છ વર્ષની નાની હિના સરસ કવિતાઓ લખે છે. હિનાને ફ્લ્યુ થયો હતો. એના ખબર પૂછ્યા પછી, “કોઇ પોએમ સુનાઓગી ??”
“હાં, અભી તો મેરા બ્રેક હૈ ઇસલિયે સુના દેતી હું… “ કહીને હિનાએ પોએમ સંભળાવી. “કોઇ નઇ પોએમ લીખી ક્યા ? “ “આપકો માલુમ હૈ મુજે ફ્લ્યુ હૈ, ફ્લ્યુમેં કોઇ નયા પોએમ કૈસે લિખ સકતા હૈ !!!”

બાળકની વાતો સાંભળવાની મજા પડે અને બાળક જેવું બની શકાય તો જીવવાની મજા પડે ને!!!

દિવ્ય ભાસ્કર ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત તા. 23-05-07
લતા હિરાણી.