પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

જન્મદિવસની ભેટ…. June 7, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

પાર્થ ઝવેરી અને પુનિતા ઝવેરી શહેરનું જાણીતું ડોકટર યુગલ હતું.સવારના સૂર્યના પ્રથમ કિરણોનું અભિવાદન કરતા કરતા તેઓ દરિયાકિનારે ચાલી રહ્યા હતા.આજે તેમના આઠ વરસના જોડિયા દીકરાઓ નો જન્મદિવસ હતો.આજે નિયંત અને નિતાંત ને સાંજે શું આપવું તેની મીઠી ચર્ચામાં બંને મશગૂલ હતા.દર વરસે બંને કંઇક સરપ્રાઇઝ આપીને છોકરાઓને ખુશ કરતા.આજે યે કંઇક નવું જ કરવાના વિચારમાં તેઓ હતા.પણ જલ્દી નક્કી નહોતું થતું કે શું કરવું કે શું આપવું?

ત્યાં અચાનક તેમના કાને કોઇ નવજાત શિશુના રૂદનનો અવાજ સંભળાતા બંને ઉભા રહી ગયા..અને આજુબાજુ નજર કરી.ત્યાં પુનિતાનું ધ્યાન અચાનક સામે પડયું.કુદરતના અણમોલ વરદાન સમુ કોઇ શિશુ નીચે પડેલ હતું અને રૂદન કરીને જાણે જનેતાને બોલાવી રહ્યું હતું.બંને એ આસપાસ નજર કરી…થોડે જઇ ને જોયું.પણ કોઇ ન દેખાયું.હવે?બંને એ એકબીજા સામે જોયું એકબીજાની આંખની લિપિ વાંચી…સમજી… પુનિતાએ પરમ સ્નેહથી બાળકી ને ઉપાડી.વાત્સલ્યનું ઝરણુ ઉમટી આવ્યું.

બંને ઘેર પહોંચ્યા.નિતાંત અને નિયંત મમ્મી પપ્પાની રાહ જોતા જ હતા.પુનિતાના હાથમાં કોઇ ને જોઇ બંને ને નવાઇ લાગી.પણ બંને કંઇ પૂછે તે પહેલાં જ પુનિતાએ કહ્યુ,”બેટા,આજે તમારા જન્મદિવસે તમને સરસ મજાની નાનકડી બહેન ભેટ આપીએ તો તમને ગમશે?” ”વાઉ ! “મમ્મા ના હાથમાં નાનકડી સુંદર મજાની ઢીંગલી જેવી બેબી જોઇ બંને ખુશ થઇ ઉઠયા,
”મમ્મા,આ અમારી બહેન છે?આનું નામ શું છે?” ”

નામ? આનું નામ છે..નેત્રી.નિયંત અને નિતાંતની નાનકડી બહેન નેત્રી.બરાબર?તમને ગમી?”

બંને ભાઇ ખુશખુશાલ થઇ ગયા.આજે તેમને જન્મદિવસે નાનકડી બહેનની ભેટ મળી હતી.બંને તેને રમાડવા લાગી ગયા.

અને આ અણમોલ ભેટથી ખુશખુશાલ બનેલ પુત્રોને જોઇ ડોકટર દંપતિએ થોડા દિવસોમાં જ જરૂરી બધી કાનૂની વિધિ પતાવી દીધી. અને નેત્રી ઝવેરી નિતાંત અને નિયંતની નાનકડી..લાડલી બહેન બની ગઇ.

દેવકી અને યશોદાના માતૃત્વમાં ફરક થોડો હતો?