પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી.. May 31, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 4:40 pm

પ્રેમીઓ વચ્ચેની તકરારને કારણે તેમના પ્રેમને પુનર્જન્મ સાંપડે છે.

 

જાગશે.? May 31, 2007

ખુશીથી
થિરકતા તારા હોંઠ
અને…
રત્ન સમ
ચળકતી તારી આંખો…
તારી ગરિમા…
સર્વેની હું મૂક સાક્ષી છું

મારા આગમનની
પ્રતીક્ષામાં તેં
તારી દિનચર્યા
ગોઠ્વી દીધી
મારી આસપાસ.

બધામાથી તું
અચાનક પાછી વળી
મારા માટે
સંકોરી લીધી તેં
તારી કેટલીય પ્રવૃતિઓને
બધામાંથી મનવાળી
તું માત્ર બની રહી
મારામય .

અને તારી જીવનચર્યા
દરેક પળે બદલાતી રહી

હું
તારો અંશ
તારામાં
વિકસીત થતી રહી

સાતમા આસમાન માં
મહાલતી હું
એક પળે
અચાનક
અતિ પ્રકાશિત પુંજનો
સામનો કરતા હચમચી ઉઠી
છતાં..
થયું કે તું છે ત્યાં સુધી
મને શાનો ભય ?

તારી ખુશી નું
હું કેંન્દ્ર
ને મારી શ્રધ્ધાનો તું છેડો
આપણે બન્ને અભિન્ન
ને છતાં
મારો સળવળાટ…
મારી ગભરામણ…
ને મારી શ્રધ્ધા..
તારો સાથ છૂટતાજ
ક્યાંક ફંગોળાઈ ગયા

અચાનક પરિવર્તનની આંધી….
મારી લેવાતી સંભાળમાં
ઓટ લાવી
તારા મનમા
ખોટ લાવી

મને બધીજ જરુરિયાતોથી
અળગી કરી
મારા મૃત્યુ નો ….

આજ કદાચ મારો મૃત્યુ દિન છે
મા ,તારી મજબૂરી મને સમજાય છે

માત્ર એક જ વાત કહેવી છે
આ મારુ મૃત્યુ નથી
કોઇ મીરા કે
કોઇ રાધા ના
જન્મ ની
એક શક્યતા નો અંત છે

અને રાધા કે મીરા દ્વારા
એક સશક્ત પ્રજા ના
પ્રસવવાની શક્યતા નો અંત છે

તું પણ સ્ત્રી
ને હું પણ..
છતાં..
ગર્ભ પરીક્ષણ ની સાથે જ
કેમ તું
તારાજ અસ્તિત્વને
મિટાવવા તૈયાર ?

મા,
મારો ચિત્કાર
તને કેમ હચમચાવતો નથી ?
તારા માં
સુસુપ્ત થઇ સૂતેલ
રાણી લક્ષ્મીબાઇ
જાગશે ?

હરીશ દોશી.

 

આજની ખાટી મીઠી…. May 30, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:21 am

ગરીબ હોવાનો એક ફાયદો છે…ડોકટર તમને જલ્દી સાજા કરી દે છે.

 

ક્રિશ્ના…. May 29, 2007

ક્રિશ્ના….
આ કાળી ડીંબાંગ રાત
મને અતિ પ્યારી

કારણ…
કારણ તું

કારણ…
આ કાળી રાત માં
તારા સિવાય કશું જ
ના જોઇ શકાય

અને
અનાયાસે
મનમીત મળી જાય તો….
ધવલ રાતની
પ્યાસ ક્યાં છે મને ?

તું…
તારો સ્પર્શ
તારા ચરણ કમળ નો સ્પર્શ

તારો નિર્વ્યાજ પ્રેમ
અને શ્યામ રાત્રિ
એમાં શ્વેત સિતારા સમ
ચમકતા તારા નેત્રમાં
કેદ થયેલ હું

હવે
શાને શોધું
હું સ્વર્ગને .

હરીશ દોશી.

 

આજની ખાટી મીઠી… May 29, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:41 am

એ વાત ખરી કે એકલા પડી જવામાં માણસને કોઇ લાભ નથી,પણ કેટલીક વાર તેના થી ઘણી રાહત રહે છે.!

 

આજની ખાટી મીઠી… May 28, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:48 am

ભવિષ્યકાળની તકલીફ એ છે કે આપણે એને માટે તૈયાર થઇ એ તે પહેલા એ આવી પહોંચે છે.

 

કાવ્ય ગમતું… May 27, 2007

તેં મને પૂછ્યું

“તારી ઉંમર શું છે ?”

“કોણ જાણે ?”

મારા સઘળા સૂર

એકસામટા બોલી ઉઠયા.

તેં મને પૂછ્યું,

“તું આવી કેમ છે ?”

ને આંખોના અડાબીડમાં

ઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય

“મને કંઇ જ ખબર નથી

તેં જોયું છે કદી ?

મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”

(કવિલોક જુલાઇ-ઑગસ્ટ 2002)

લતા હિરાણી.

 

ભાવવિશ્વ….21…જીન્સમાંથી પાનેતરની સંગે.. May 27, 2007

Filed under: ભાવવિશ્વ — nilam doshi @ 7:39 am

દીકરી….એટલે…

..રંગો ભરતી,
જીવનની સંધ્યાએ
મેઘધનુના.

વહાલી ઝિલ,

રોજ નવી ક્ષિતિજો જાણે ઉઘડતી જાય છે.હું દોડાદોડી કરતી રહું છું.કયારેક વીજળીની જેમ મનમાં વિચાર ઝબકી જાય છે.આ હકીકત છે કે…?કે કોઇ સ્વપ્ન?કેમકે ….

”શૈશવના આંગણે રમતા કલરવ એના,
સાંભળ્યા હતા મેં હજુ હમણાં
હવે યૌવનના ઉંબરે ધીમા પગરવ એના,
શમણા હશે કે મારી ભ્રમણા?”

અંદર આવી કોઇ ભ્રમણા મારા મનમાં પણ જાગે છે. વિચારવાનો તો હમણાં સમય પણ કયાં મળે છે?છતાં રાત પડે એટલે ફરી એકવાર ડાયરી હાથમાં લઇ ને બેસુ છું..મન હળવું કરવા..અને શબ્દો સરતા રહે છે….અને સાથે સાથે સમય પણ…….હવે તો દિવસો જ ગણવાના રહ્યા.અને દિવસો પૂરા થશે..કલાકો..પૂરા થશે..અને પછી…પછી શું ગણીશ?દીકરીના લગ્નની તૈયારી કરતી દરેક મા ને આવું જ થતું હશે ને?આવા જ વિચારો આવતા હશે ને?

જોકે હજુ યે આપણા સમાજમાં ઘણી જગ્યાએ દહેજનો કુરિવાજ હોવાથી ઘણાં માતા પિતા માટે આ ચિંતાનો વિષય પણ બની રહેતો હોય..એવું પણ બની શકે.અને એ રિવાજ સદંતર નાબુદ ન થાય ત્યાં સુધી દીકરીને તુલસીકયારો દરેક માતા પિતા કેમ માની શકે?દીકરીને સાસરે કેવું હશે?માણસો કેવા હશે?દીકરી સુખી તો થશે ને? મા બાપ એની રીતે સારું ઠેકાણું જોઇને જ દીકરી આપતા હોય છે.અને છતાં…છતાં…અગણિત દીકરીઓ જીવનભર ચપટી સુખ માટે ઝંખતી રહે છે.કેટલીયે દીકરીઓ મજબૂર બની આજે 21મી સદીમાં યે અગ્નિસ્નાન કરતી રહે છે કે કોઇ કરાવે છે.આવી ઘટનાઓ આજે પણ બનતી રહે છે.એ સમાજની વિષમતા,કરૂણતા જ છે ને? આવી ઘટનાઓ ઋગ્ણ સમાજનું પ્રતિબિંબ પાડે છે.

આ સાથે જ મારા જ વર્ગમાં ભણતી દુલારી નજર સમક્ષ તાદ્રશ થઇ ગઇ. તું તો ત્યારે નાની હતી.દુલારીએ એક મહિના પહેલાં જ બારમા ધોરણની પરીક્ષા અપી હતી.પ્રેકટીકલની પરીક્ષા વખતે મને હોંશથી કહે,”આવતા મહિને મારા લગ્ન છે. ને હવે તો હું તમારી સામે જ રહેવા આવીશ.ત્યારે મને ખબર પડી કે ગામમાં જ તેનું સાસરું હતું..અને તે પણ આપણા ઘરની સામે જ.મેં કહ્યું,”તું તો હજુ ઘણી નાની છે.ને ભણવામાં હોંશિયાર છે.આગળ નથી ભણવું?”તો કહે “ના, અમારામાં બારમું ધોરણ એટલે તો બહુ કહેવાય.એ તો મારા મમ્મી,પપ્પા સુધરેલા છે એટલે મને આટલું યે ભણવા મળ્યું.”કેટલી સહજતાથી તેણે સ્વીકારી લીધું હતું કે તેમનામાં આગળ ન ભણી શકાય.!! કોઇ વિરોધ નહીં…કોઇ ઇચ્છા નહીં..બસ..હવે લગ્ન..ઘર સંસાર…અને તે પણ એની દીકરી ને તેની નાતમાં ભણાતું હશે એટલું ભણાવશે અને લગ્ન કરી દેશે..ચક્ર ચાલતું રહેશે.
પણ…..ના… એ ચક્ર અહીં આગળ ન ચાલ્યું કેમ કે….

લગ્નના એક જ મહિના પછી એક દિવસ વહેલી સવારે દુલારી સખત દાઝી ગઇ..!! અને બે દિવસની ભયંકર યાતના સહન કરી ઇશ્વર પાસે ફરિયાદ કરવા પહોંચી ગઇ.ત્યાં યે કદાચ નહીં બોલી શકી હોય કે હકીકતે શું થયું હતું?દીકરીની જાત હતી ને..!! બોલવાનો..મોઢુ ખોલવાનો હક્ક સમાજે તેને કયાં આપ્યો છે?
કારણ શું હતું એ તો ખબર ન પડી.દહેજનું કારણ આમાં કદાચ નહોતું કેમકે દહેજ તો દુલારીના માતા પિતા શ્રીમંત હોવાથી ખૂબ આપેલ પણ દુલારીએ કંઇક સામો જવાબ આપેલ કોઇ વાતમાં..અને એમાં બોલાચાલી આગલી રાત્રે ખૂબ થઇ હતી.અને સવારે….. આવું કંઇક સાંભળવા મળ્યુ હતું પછી તો ગામમાં ઘણીવાતો ચાલી.હકીકતે સાસુ અને તેના પતિએ જ આ કામ કરેલ …અને હોસ્પીટલે પણ મરતી વહુને ધમકી આપેલ કે જો એક શબ્દ પણ વિરુધ્ધમાં બોલી છે તો પાછળથી તારા મા બાપ ને હજુ જીવવાનું છે..એ યાદ રાખજે.!! અને એ લોકો ની રાજકીય લાગવગ ખૂબ હતી. એ દુલારી સારી રીતે જાણતી હતી.મરતી દીકરી મા બાપને આંચ ન આવે માટે મૌન રહી ગઇ.!! તેને સાચું બોલાવવાના માતા પિતાના બધા પ્રયત્નો નકામા ગયા.અને સાસરાવાળા તો પૈસા ખવડાવીને છૂટી ગયા.અને બીજે જ વરસે ગામની જ બીજી દીકરી તેની સાથે પરણી પણ ખરી.!!

આ આપણો સમાજ..!! શું લખું? એ દીકરી દેનાર ની પાસે પૈસાનો અભાવ હતો ને તેમની નાતમાં પૈસા સિવાય દીકરી પરણી શકે તેમ નહોતી.તેથી જેવા દીકરીના નશીબ..કરીને મા બાપે પોતાનો..દીકરીનો ભાર ઓછો કરેલ.!! કંઇ દીકરીને કુવારી થોડી રખાય છે?આ સમાજની માન્યતા.!! દીકરી દુ:ખી થાય એનો વાંધો નહીં.કુંવારી તો ન જ રહેવી જોઇએ.!!! આમા દીકરીને તુલસીકયારો કે વહાલનો દરિયો ગણવાના દિવસો કયારે આવશે?આવું કંઇક બને ત્યારે મન ઉદાસ બની જાય એ સ્વાભાવિક છે.

ના,ના.અત્યારે આવા વિચારો કેમ આવે છે?એક દિવસ જરૂર આવશે ને વિશ્વની દરેક દીકરીઓને એનું આકાશ મળશે.અને ઉડવા માટે પાંખો. નિરાશ શા માટે થવું?

શાના દુ:ખ ને શાની નિરાશા?
મુકુલે મુકુલે મુખરિત આશા,.”

ખબર નહીં..કેમ અચાનક આવા વિચારો મનમાં પ્રગટી ગયા?મનમાં કોઇ વિચારો ન આવે અને લગ્નનો માહોલ લાગે માટે તો હું લગ્નગીતોની મારી પસંદની કેટલીયે સી.ડી.ઓ કરાવી ને લઇ આવી છું આખો દિવસ ઘરમાં એ વાગતી રહે છે.અને એમાં યે કોઇ વિદાય ગીતો નહીં..બસ,,હસી મજાકના..હળવા..મસ્તીના..ગીતો..ફટાણાઓ થી ઘર ગૂંજતું રહે છે. આપણા સમાજનો આ કેવો વિચિત્ર રિવાજ નથી લાગતો?જે બે કુટુંબ જોડાવાના છે.તેમની જ મશ્કરી કરતા ગીતો..! કોઇ એને નિખાલસતાથી ન લે તો કયારેક હસવામાંથી ખસવું થઇ જતા વાર થોડી લાગે છે? જોકે હકીકતે આ વિચિત્રતાની પાછળ ભાવના સારી જ છે કે એ બહાને બંને કુટુંબો વચ્ચે હસી મજાકનો વહેવાર રહે..અને હાસ્યમાં તો વેરીને યે વહાલા કરવાની અદભૂત શક્તિ છે.અને એ બહાને માહોલ રંગીન બની રહે .હા, એ ગીતોને ખેલદિલીથી સ્વીકારવા જોઇએ.મજાક મસ્તી કે મનોરંજન તરીકે જ એને જોવા જોઇએ.તો જ સંબંધોમાં કડવાશ ન પ્રવેશે.

આ બધાની વચ્ચે લીસ્ટ બની રહયા છે.ને એમાં સુધારાવધારા થતા રહે છે.કદાચ છેલ્લી મિનિટ સુધી આ સુધારા વધારા ચાલુ જ રહેવાના..ખરીદી થતી રહે છે.મારી પરમ મિત્ર જયશ્રીનો સાથ છે.અમે બંને આખો દિવસ ઘૂમીએ છીએ.તેણે હમણાં જ તેની પુત્રીના લગ્ન સરસ રીતે ઉકેલ્યા છે.એટલે એને અનુભવ છે.અને એ હોય પછી મારે બહુ ચિંતા કરવાની રહેતી નથી.મિત્રો માટે હું આમેય નશીબદાર રહી છું.પાનેતરની પસંદગી શરૂ થઇ અને એક સંવેદના મનમાં છલકી રહી.

“આયખાના ચોક વચ્ચે ઉડતા ફૂવારાઓ.
ઘૂંટાતા અરમાનો ને છલકતા સોણલાઓ”

હવે તો પાનેતરમાં યે કેટકેટલી વિવિધતાઓ આવે છે એ તો આજે જ ખબર પડી. પાનેતરની ખરીદીએ અમારો સારો એવો સમય લઇ લીધો.પાનેતર….તારા પહેલા ફ્રોકની ખરીદી આજે પાનેતર સુધી પહોંચી ગઇ.પાનેતર કેટકેટલા સપનાઓનું પ્રતીક.દરેક દીકરીના શમણાનું સાથીદાર.પાનેતરની તોલે ગમે તેટલી મોંઘી સાડી પણ ન આવી શકે.મનમાં ઉર્મિઓ છલકાય છે.પાનેતર ઓઢીને.ધીમે પગલે ,નીચી નજરે માંડવે સંચરતી દીકરીનું પુનિત દ્રશ્ય મા બાપના જીવનનો એક લહાવો બની રહે છે.જીન્સ પહેરી ને ફરતી દીકરી આજે પાનેતરમાં?ત્યારે દીકરીના મનમાં પણ કેવા ભાવો જાગતા હશે?ગમે તેટલી આધુનિક દીકરીને પણ આજે તો પાનેતર જ વહાલું લાગે છે ને?અને એ જ શોભે છે ને?આજે તો નવી ફેશન પ્રમાણે વેડીંગ ડ્રેસ પણ જાતજાતના નીકળ્યા છે.પણ છતાં યે મોટે ભાગે તો દરેક દીકરી પાનેતર જ પસંદ કરતી હશે તારી જેમ.એવું મને તો લાગે છે.કેમકે પાનેતર સાથે એક પવિત્ર ભાવના સંકળાયેલ છે..એક અનુભૂતિ જોડાયેલ છે… નવજીવનનું એ પ્રતીક છે.અને પાનેતર પાછું મામા ના ઘરનું જ હોય…લગભગ બધા સમાજમાં આ રિવાજ હોય છે એવો ખ્યાલ છે.હવે ના જમાનામાં મામા લેવા તો નથી જતા.બીલ જરૂર ચૂકવે છે.

અને હું તો તારા એ રૂપમાં..પાનેતર પહેરેલ તું કેવી લાગીશ,એ કલ્પનામાં ખોવાઇ ગઇ.!! પાનેતરની ખરીદી પૂરી થઇ..ને અંતરમાં ફડકો થયો..આ તો ખરેખર દીકરી ચાલી જશે..!! આ કંઇ હમેશ થતી સામાન્ય ખરીદી નહોતી..એનો એહસાસ આ પાનેતરની ખરીદી એ કરાવ્યો.! અને પાંપણે મોતી પરોવાઇ રહ્યા.

”કુમકુમ પગલીઓ ઉંબર ઓળંગશે,
પંખીનો ટહુકો લઇ ચાલશે,
પાંચીકા વનના ખોળામાં થંભ્યો છે;
શૈશવનો લીલેરો શ્વાસ.”

બેટા,તારા સૌ અરમાન પૂરા હો.અનંતના આશીર્વાદ વિશ્વની સમસ્ત દીકરીઓ પર સદા વરસતા રહે.અને દરેક દીકરી શ્વસુર ગૃહે ખીલતી રહે..એ જ ઇશ્વર પાસે પ્રાર્થના સાથે આજે આટલું જ….

“જા બહેની,જીવનપથ તવ મંગલ હો.
સપનાઓ સૌ સાકાર બનો
ખુશી તવ આંગણે છલકી રહો”

મા ના આશિષ.

બેટા,તું નશીબદાર છોકે એવી યુગમાં જન્મી છે કે જયાં તારે તદન અપરિચિત માહોલમાં..બિલકુલ અજાણ્યા સાથી સાથે જીવનપ્રવેશ કરવાનો નથી.તું અવારનવાર એ ઘરમાં જઇ આવી છે.જીવનસાથી ને મળી છો.બધાને ઓળખે છે.તેમ છતાં જયારે સતત ચોવીસ કલાક સાથે રહીએ ત્યારે જ બધાની સાચી પહેચાન થાય.ઘરમાં સાસુ,સસરા,કે પતિ સુધ્ધાંના સ્વભાવનો સાચો પરિચય,અનુભવ તો હવે જ થશે.બની શકે એમાં કયારેક ..કોઇ પળે કોઇના અલગ સ્વભાવની તને ઠેસ પણ લાગે.પણ ત્યારે મૂંઝાતી નહીં.. ઠેસ તો થોડીવાર માં ભૂલી જવાય..ભૂલી જવાવી જોઇએ.એને મોટું સ્વરૂપ આપી ને મોટા ઘા માં ફેરવી નહીં નાખતી.નવા ઘરમાં બધાના અલગ સ્વભાવને લીધે એવી નાની નાની વાતો તો બનતી રહેવાની.એને વધુ પડતું મહત્વ કયારેય આપીશ નહીં.એ લોકોએ તારે માટે શું કર્યું એ વિચારવાને બદલે સૌ પ્રથમ તું એમને માટે શું કરી શકે છે..તે વિચારવાનું શરૂ કરીશ તો… જીવન દ્રષ્ટિ બદલાતા સુખ નો સાગર જીવનમાં કયારેય અદ્રશ્ય નહીં રહે.બસ મારી દીકરી એ સુખસાગરમાં હિલોળા લેતી રહે એ પ્રાર્થના સાથે….

 

હાઇકુની સંગતે.. May 26, 2007

મકાન મારું
બન્યું છે ઘર આજે
સ્પર્શે તારા.

ચહેરા પર
અગણિત છે મહોરા
કયો છે સાચો ?

ચાંદ સૂરજ
રમે સંતાકૂકડી
નભઝરૂખે

આંખો સાચવે
મોતી ઝળહળતા
બંધ પાંપણે.

બંધ આંખોમાં
ગૂંગળાતો સમય
અતીત બની

ચકી ચકાને
ખીચડી કયાં ભાવે?
ઝંખે પીઝાને.

રમી રહ્યું એ
ફૂલોની છાતી પર
ઝાકળબિંદુ

હરીશ દોશી.

 

આજની ખાટી મીઠી… May 25, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:24 am

કોઇ પણ નવો આઇડીયા ઉત્તમ ગણાય કે કેમ?તેનો આધાર એ મને સૂઝયો છે કે બીજા ને…તેના પરથી નક્કી થઇ શકે.!!!