પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ભાવવિશ્વ…11 April 20, 2007

Filed under: ભાવવિશ્વ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

દીકરી…

જયોતે ઝબૂકતી દીવી,
ઉજાળે ખોરડું.
નીતર્યા વહાલે.

વહાલી ઝિલ,

“મનમાં અતલ ઉદાસી ને આંખોમાં ચૈત્રતા,
જાણે વરસાદમાં અંધારાયેલ કોઇ દિવસ.!”

કાલે શુભમ ગયો.અને આટલા દિવસથી થિરકતી,નાચતી,કૂદતી..તું બે દિવસ ઉદાસ બની ને મૌન થઇ ગઇ.કદાચ શુભમ સાથે ગાળેલ ક્ષણોને ફરી એકવાર મનમાં જ માણતી રહી.એ ક્ષણોને ફરી એકવાર અંતરમાં ઉજાગર કરતી રહી.મને ખબર હતી..વહેલી મોડી તું આ ક્ષણોમાં મને ભાગીદાર બનાવીશ.કેમકે આપણે ફકત મા દીકરી જ થોડા હતા? આપણે તો હતા..(ને છીએ)પરમ મિત્રો ! પણ.તું યે કદાચ મારા પૂછવાની જ રાહ જોતી હતી..! અને તું કહેતી રહી..હું અખૂટ રસથી તારા ભાવવિશ્વ માં તારી સાથે વિહરતી રહી.

શુભમે આમ કહ્યું..અમે આમ કર્યું.અમે અહીં ફર્યા..આ ખરીદી કરી..’અમારા ‘ઘરમાં આમ કરે ને ‘અમારા’ ઘરમાં બધાને આ ગમે ને આ ન ગમે..!!!! તારી યે જાણ બહાર તારી વાતોમાં આપણા ઘરને બદલે “અમારું ઘર “ શબ્દ આવી ગયો હતો.!

“વહાલમ,તારે ફળિયે હું તો વહાલ થઇ ને વરસું,
પારિજાતના ખરખર ખરતા ફૂલ બની ને મહેકું.”

એક દિવસમાં પારકાના ઘરને પોતાનું ગણી શકે તે સમજણ દરેક ભારતીય પુત્રીમાં કયાંથી ઉગી નીકળતી હશે?મારી પુત્રી આજે બીજાને શું ગમે ને શું ન ગમે….એની વાતો કરતી હતી.! હું તારી મુગ્ધતામાં ખોવાઇને તારી એ થનગનતી ક્ષણો માણતી હતી.આવા દિવસો એકવાર મેં પણ માણ્યા હતા.અને આજે મારી પુત્રી દ્વારા ફરી એકવાર એ રોમાંચક દુનિયામાં હું યે ગુમ થઇ હતી.અને આશીર્વાદની અમીધારા તો હમેશની જેમ વહેતી જ હતી,”બેટા,તારા સપના સૌ અખંડ સૌભાગ્યવંતા બની રહો.તારા શમણાને સમયની નજર કયારેય ન લાગે.”

આ નજર શબ્દની સાથે જ એક દ્રશ્ય “હાજીર હૂં..”કરતું મારી સામે દોડી આવ્યું. તું એક વરસની હતી.તારા કિલકિલાટથી અમે ગૂંજતા હતા.ત્યારે તને બે ચાર દિવસ તાવ આવ્યો.અને દવા આપવા છતાં જલ્દી ઉતરતો નહોતો.ત્યારે ઘણાં એ મને કહ્યું કે “છોકરીને કોઇની નજર લાગી ગઇ છે.કાળા દોરા…નજરિયા નથી બાંધ્યાને એને એટલે.! બા પણ ખીજાણા..અને કાળા દોરા હાથમાં અને ગળામાં બાંધવા કહ્યું. હું તો આ બધામાં જરાયે ન માનું.અને જે ન માનું તે કરું પણ નહીં જ કયારેય..(મારો આ સ્વભાવ પહેલેથી જ રહ્યો છે.અને મારા પપ્પાએ તો એટલે મારું નામ “મનચલ્લી”પાડેલ.)

એટલે દોરા ..ને એવી બધી વાતોમાં જરા પણ વિશ્વાસ ન હોવા છતાં..તે દિવસે એક “મા “એ બધી જીદ મૂકીને એકવાર તો તારા ગળામાં”નજરિયા”પહેલી ને છેલ્લી વાર જરૂર બાંધ્યા હતા.મા ની લાગણીને કયાં કોઇ માન્યતા હોય છે?તાવ તો અલબત્ત દવાથી જ ઉતર્યો.અને ત્યાર પછી કયારેય એ બધું સ્વીકાર્યું નથી.

તારી સગાઇ વખતે પણ ઘણાં એ કહેલ કે આજે ઝિલ બહું સરસ દેખાય છે.કાન પાછળ એક કાળુ ટપકુ કરી દેજો કહેનાર .વડીલ હોવાથી મેં દલીલ તો ન કરી.પણ કંઇ કર્યું પણ નહીં.મેં તો મૂરત,ચોઘડિયું પણ કયાં જોવડાવ્યા હતા?ઇશ્વરને જો ખરેખર માનતા હોઇએ તો ઇશ્વર નિર્મિત એક પણ ક્ષણ ખરાબ…અશુભ કેમ હોઇ શકે?

બેટા,જન્મથી અત્યાર સુધીમાં તારા કેટકેટલા સ્વરૂપો જોયા છે,જાણ્યા છે ,માણ્યા છે.અને હજુ કેટલાય જોવાના બાકી છે.તું ચાલતા શીખી,બોલતા શીખી.સ્કૂલે જતી થઇ..દરેક અવસ્થાની આગવી ક્ષણો મનના કેમેરામાં એવી તો કંડારાઇ ગઇ છે કે જે સમયની સાથે ઝાંખી થવાને બદલે વધુ ઘેરી બની રહી છે.

ધીમે ધીમે તારું વર્તુળ વિસ્તરતું ગયું..અને આજે એના કેન્દ્રમાં મારી જગ્યાએ શુભમ કયાંથી,,કેમ..કયારે આવી ગયો..તેની મને તો ખબર સુધ્ધાં ન પડી..તને પડી હતી કે કેમ અ યે કદાચ પ્રશ્ન છે..જેનો પૂરો જવાબ કદાચ તારી પાસે યે નહીં હોય.એ તકાજો યૌવનનો,પ્રકૃતિનો હોય છે કદાચ..અને દરેક દીકરીના આકાશમાં અનાયાસે એ છાના પગલે આવી જ જાય છે.

”તારીખ ,વાર એના હું નહીં આપી શકું,
મલકયું’તુ એક ફૂલ,એટલું બસ યાદ છે.”

મા ને કેન્દ્ર સ્થાને રાખી ને ફરતી તું હવે શુભમની આસપાસ ફરતી થઇ.એ સ્વાભાવિક પરિવર્તન દરેક મા એ હોંશે હોંશે સ્વીકારવું જ રહ્યું.દરેક દીકરી ને એક દિવસ પોતાનો આગવો સંસાર,આગવું ઘર હોય છે.બસ… એ ઘરમાં તું ખીલતી રહે,ને જીવનમાં આવતી સારી નરસી દરેક ક્ષણોમાં પણ અંતરની અમીરાત અકબંધ જળવાઇ રહે..એ જ પ્રાર્થના દરેક મા ની દીકરી માટે હોય ને?

મારા મનમાં તો અત્યારે રમી રહે છે..કયાંક વાંચેલી આ સુંદર પંક્તિઓ.

”મોરલીની માધુરીને માથે ધરીને રાજ,
મારગ થઇ મથુરાના ચાલશું,
ગોરસ થઇ વ્હાણે વલોણે છલકાઇશું
કે કળીઓ કદંબની થઇ મહોરશું,
વહાલપના વેણે વનરાવન થઇ મલકીશું.”

તારા અને દરેક દીકરીના જીવનમાં વહાલપના વનરાવનની ખોટ કયારેય ન રહે.
એ જ આશિષ સાથે…..

મા.

 

આજની ખાટી મીઠી April 19, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

કેટલાક લોકો ફરિયાદ કરે છે..કે ઇશ્વરે ગુલાબ પર કાંટા મૂકયા છે.તો કેટલાક ઇશ્વરનો પાડ માને છે કે કાંટા વચ્ચે ગુલાબ મૂકયું છે.

 

તું જાય ત્યારે… April 18, 2007

તું જાય ત્યારે
ભાતું આપવાનું મારું કેટલું મન !!
તારા પાછાં વળતાં સુધી
ફોર્યા કરે એવી સુગંધ
તને વીંટળાયેલી રહે એવી નજર
અને ઓસરે નહીં એવો સ્પર્શ
પણ તેં તો
પ્રવાસની આગોતરી તૈયારી કરી છે
તારો સામાન પેક છે
એમાં તલભારે ય જગ્યા નથી
પાછાં વળતાં યે એ ભરચક્ક જ હશે
છો રહી
આ ભાતાની પોટલી મારી પાસે જ………

લતા હિરાણી

 

પોશ એરિયા… April 17, 2007

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

આજે વરસો પછી ઉર્જાનું સપનુ પૂરુ થયું હતું.સ્વાભાવિક રીતે જ તે ખુશ હતી.મધ્યમવર્ગના વિસ્તારમાંથી બહાર નીકળી પોશ વિસ્તારમાં રહેવા જવાનું તેને ખૂબ મન હતું.ઘણાં સમયથી થોડા થોડા કરી તેણે પૈસા બચાવ્યા હતા.અને અંતે શહેરના આ સૌથી સમૃધ્ધ વિસ્તારમાં તે ભલે નાનકડું પણ પોતાનું ઘર લઇ શકયા હતા. જોકે તેના પતિ અનૂપ ને તો જૂનો મહોલ્લો છોડવો જરાયે ગમ્યો નહોતો.પણ અંતે ઉર્જાની ઇચ્છાને,કે પછી જીદને તેણે માન આપ્યું હતું.ઉર્જા હરખાતી હતી..હાશ ! હવે તે અને તેનો સાત વરસનો પુત્ર ઉજાસ મીડલ કલાસ મેન્ટાલીટી થી છૂટશે.! ત્યાં તો ઉજાસના મિત્રો પણ કેવા હતા.! બધા મધ્યમ વર્ગના સામાન્ય માણસો.!!એની પાસેથી શું શીખી શકાય?અહીં હાઇ સોસાયટીમાં રહેશે એટલે મેનર્સ ને બધું શીખશે.

થોડા દિવસો તો નવા વાતાવરણમાં સેટ થવામાં ગયા.ઉજાસની સ્કૂલ અહીંથી દૂર હતી.જોકે રીક્ષા બંધાવેલ હતી.તેથી એવી ચિંતા તો નહોતી.પણ અહીં રીક્ષા બહુ મોંઘી પડતી હતી.કેમકે અહીંથી તો લગભગ બધા પોતાની કારમાં જવાવાળા હતા.એટલે એક માટે સ્પેશ્યલ રીક્ષા સ્વાભાવિક જ મોંઘી પડે.પણ એનો કોઇ ઉપાય નહોતો.

અહીં પણ સાંજે ઉજાસની ઉમરના મિત્રો ભેગા થઇ ને રમતા.ઉજાસને આવા સારા ઘરના છોકરાઓ સાથે રમતો જોઇ ઉર્જા હરખાતી.હાશ ! હવે તેના દીકરાને લાયક કંપની મળી.! પણ થોડા દિવસમાં ઉજાસની માગણીઓ વધવા લાગી.”મમ્મી,આપણી પાસે તો કંઇ નથી.મારા બધા મિત્રો પાસે કેવી બધી સરસ ગેઇમ અને કોમ્પયુટર અને બધું છે.મમ્મી,મને લઇ આપ ને.! બધા રોજ કેવા સરસ કપડા પહેરે છે.તેમની સ્કૂલ બેગ તો જો મમ્મી,કેવી સરસ છે ! “
રોજ દિવસે દિવસે ઉજાસની ફરમાઇશો વધવા લાગી.સ્વાભાવિક રીતે જ ઉર્જા બધી માગણીઓ પૂરી કરી શકે તેમ નહોતી.તે ઉજાસને સમજાવવાનો પ્રયત્ન કરતી.પણ તે પોતે યે અહીં આવી ને હીન ભાવના કયાં નહોતી અનુભવતી?બધાની જેમ તેની પાસે ગાડી,ડ્રાઇવર કે મોંઘા મોંઘા કપડા દાગીના કયાં હતા?કે કલબમાં આપવા માટે ફંડ ફાળાના પૈસા કયાં હતા? નહીં.તે સતત લઘુતાગ્રંથિ અનુભવતી. .અહીં બધા પોતપોતાની જિંદગીમાં મસ્ત હતા.કોઇ સામેથી કયારેય ઘેર આવતું નહીં કે બાજુમાં કોણ રહે છે એની દરકાર કરતું નહીં.એ પોતે સામેથી કોઇને ઘેર જવાની હિમત કરતી નહીં.કેમકે એકાદ વાર એવી હિમત કરી હતી.પણ બહુ રીસ્પોન્સ મળ્યો નહીં.અહીં તે બધાથી ઉતરતી હતી.
અને હવે આવો જ અનુભવ તેના પુત્રને થઇ રહ્યો હતો.તેના બાળમાનસમાં જો અત્યારથી આવી લઘુતાગ્રંથિ ઘૂસી ગઇ તો? જૂના ઘરમાં હમેશા હસતો રહેતો ઉજાસ હવે ઉદાસ અને ચિડિયો બની ગયો હતો.પોતાની પાસે કંઇ નથી.પોતે ગરીબ છે એ ખ્યાલ તેના બાળમનમાં પણ ઘૂસતો જતો હતો.અહીં કોઇ તેને માનથી કે સ્નેહથી નહોતું જોતું.તે સમજણ સાત વરસના ઉજાસને પણ પડી ગઇ હતી.
એકાવાર તેણે મમ્મીને કહ્યું,”મમ્મી,ચાલને આપણે આપણા જૂના ઘરમાં પાછા જતા રહીએ.અહીં મને જરાયે ગમતું નથી.અને તે રડી પડયો.જૂના ઘરમાં તે રાજા હતો અહીં રંક બની ગયો હતો.! ઉર્જાના મનમાં પણ આ જ વાત ઘોળાતી હતી.પણ પોતે જ જીદ કરીને અહીં આવી હતી.હવે શું મોં લઇ ને તે પતિને કહે? પણ કહ્યા સિવાય બીજો ઉપાય પણ કયાં હતો?પોતે તો ચાલો,ચલાવી લે બધું.પણ નાનકડા દીકરાને કેમ સમજાવવો?તેના બાળમાનસને કેમ મનાવવું?અને આમ જો વધુ સમય ચાલ્યું તો ઉજાસ…..

અને અંતે એક રાતે તેણે અનૂપ આગળ ફરી એક્વાર જીદ કરી…પોતાના જૂના ઘરમાં રહેવા જવાની…!!!

 

આંખમાં સાંજ ભરાતી જાય છે…. April 16, 2007

આંખમાં સાંજ ભરાતી જાય છે
મેં ખુલ્લી રાખી છે એને
જેથી દિવસનું અજવાળું
એમાં અંજાયેલું જ રહે
માત્ર અજવાળું સંકોરીને
હું એને બીડી શકીશ નહીં
કેમ કે કાળું ડિબાંગ વાસ્તવ
ઉવેખી શકાય નહીં
ભલે એ ખુલ્લી જ રહે
ત્યાં સુધી અજવાળું સલામત રહેશે…..
હથેળીમાં મેં રોપ્યા છે
થોડાક માસુમ સપનાં
એને નવજાત રાખવા માટે
મેં મારી આખી સવાર ઉલેચી છે
એમાં થોડા તણખા યે છે ભરી બપોરના,
એના ગરમાવાથી
સપનાં હૂંફાળા રહે છે……
હથેળીની કરચલીઓ
ઊંડી થતી જાય છે
કેમ કે મુઠી મજબુત થતી જાય છે
ભલે એ બંધ જ રહે
ત્યાં સુધી સપનાં સલામત રહેશે
મુઠી બંધ રહેશે
ને સપનાં જીવ્યા કરશે
આંખ બંધ થતાં સુધી…………….

લતા હિરાણી

જન્મભૂમિ પ્રવાસીમાં પ્રકાશિત.તા.11-12 -2006

 

સાસુની સંભાળ….!!!! April 16, 2007

સાસુ વહુની તુ તુ મેં મેં..તો આપણે જાણીએ છીએ કે સદીઓથી ચાલી આવી છે.કોઇ યે અપવાદ વિના!!(પછી એ ઇન્દિરાબેન હોય કે મેનકાબેન…..સોનિયાબેન ની આપણને ખબર નથી હજી.એ તો સમય આવ્યે ખબર પડે.)એકતાકપૂર ને યે બિચારી ને એ વિષય પર સીરીયલો બનાવવી પડે છે..અને લંબાવવી યે પડે છે!!!કેમકે એ ખૂબ જોવાય છે.ને એમાંથી નવા નવા પેંતરા…યુક્તિઓ રેડીમેડ મળે રહે છે.શોધવાની લપ નહીં!!આમે ય આ જમાનો જ રહ્યો.. ”instant” નો ને?સાસુ વહુની જુગલબંદીનો જવાબ નહીં હોં!!

પણ….આ અમારા બાબુભાઇ ના ઘરમાં જરાયે એવું ન ચાલે હો!બાબુભાઇએ તો પરણ્યાને પહેલે દિવસે(રાત્રે નહીં હોં)જે પત્નીને અર્થાત્ બચીબેન ને કહી દીધું હતું….કે જો મારી મા એ પેટે પાટા બાંધી ને મને ઉછેર્યો છે.પોતે ભૂખી રહી ને મને જમાડયો છે.હવે એનું ધ્યાન રાખવું..એ તારી..મારી..એટલે કે આપણી ફરજ છે.

અને પતિવ્રતા પત્નીએ કહ્યું,”પ્રાણનાથ,,તમે જરાયે ચિંતા ન કરો…હવે એ તમારી યે નહીં મારી એકલીની જ ફરજ છે!!.તમે એ ચિંતામાંથી છુટ્ટા!!!”અને બાબુભાઇ તો ખુશ થઇ ગયા…આવી પત્ની મળવા બદલ!!

અને બચીબેન રહ્યા પતિવ્રતા સ્ત્રી!!આર્યનારી!! તેમણે બરાબર ધ્યાન રાખ્યું કે સાસુને પેટે પાટા બાંધવાની પ્રેકટીસ છે…તો તેમની વરસોની ટેવ જાળવવી તો રહી ને!!એટલે આજે યે તેમની સાસુને પેટે પાટા બાંધવાની ટેવ છૂટી નજાય તેનું બરાબર ધ્યાન રાખે છે!!અને બા ને એમ જ જીવવું ગમતું હશે,,…ફાવી ગયું હશે..માની ને થોડા ભૂખ્યા રહે એનું એ પૂરતું ધ્યાન રાખે છે!!

આમેય આ ઉમરે થોડુ ઓછું ખવાય…તે તો તન્દુરસ્તી માટે સારું જ છે ….એવું તેમણે કયાંક વાંચ્યું કે સાંભળ્યું છે જ.(વાંચ્યું તો જોકે ઘણું યે છે…પણ બધીવાતોનો અમલ થોડો જ થઇ શકે છે જીવનમાં?એટલે અમલ કરવા જેવી બાબતો નો જ એ કાળજીપૂર્વક અમલ કરે છે!!!)

બા ની એકે ય ટેવ બદલાય નહીં..તેનું પૂરતું ધ્યાન રાખે છે.!! આ ઉમરે એ થોડા બદલાઇ શકે?એ બચીબેન સમજે છે.બદલાવું તો નાના એ જ જોઇએ ને?

અન એટલે જ બા ની વહેલા ઉઠવાની વરસોની ટેવ બગડે નહીં અને જળવાઇ રહે માટે…સવારે વહેલા ઉઠી ને દૂધ લેવું,,કે પીવાનું પાણી ભરવું…એવા બીજા થોડા નાના મોટા કામ પતાવવાનું તેણે બા ને માથે જ રાખ્યું છે!!અને એ બધા કામ પતી જાય પછી દર્શને જવાની બા ને પૂરી છૂટ હો!!

પણ પછી જોકે બને એવું કે..ત્યારે ડ્રાઇવર નવરો ન હોય…તેને છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું હોય…એટલે બા ને ચાલતા જ જવું પડે એ સ્વાભાવિક જ છે ને? ને આમ પણ બા તો ચાલતા જવા જ ટેવાયેલી છે.પણ શું છે હવે કે….બા જરાક આળસુ થઇ ગઇ છે..!!(ઉમર થઇ ને?હોય હવે એ તો વાન્ધો નહીં)તેથી થાકી ગઇ છું એવું બહાનુ કાઢી ને દેવદર્શને ન જાય!હવે આ ઉમરે દેવદર્શન નહીં કરે તો ક્યારે કરશે? પણ ખેર!! જેવી તેમની ઇચ્છા!

બચીબેન એમની કોઇ વાતમાં માથું ન મારે હોં!! અને શાકભાજી લેવા યે બા ને ધક્કો ન ખાવો પડે એટલે એ પોતે જાતે જ જાય!અને ત્યાં સુધીમાં તો ડ્રાઇવર પણ આવી ગયો હોય…એટલે રસોઇનું થોડું ઘણુ કામ પતાવવાનું બા ને સોંપી પોતે બિચારી શાક લેવા જાય!!ડ્રાઇવર છેક ગામમાં શાક લેવા લઇ જાય..ત્યાંથી સસ્તુ પડે ને તેથી!! તેમને તો પાછો બધો વિચાર કરવાનો ને?બા ઉપર થોડી જવાબદારી છે કંઇ?એ બધુ તો બિચારા બચીબેન ને જ કરવું ને?હા,,દૂર જાય એટ્લે થોડું પેટ્રોલ વધારે બળે…પણ એની બધી બહેન પણીઓ ને યે શાક લેવું હોય..એટલે સરવાળે મોંઘું ન પડે!!!(કોને? એવું બધું નહીં પૂછવાનું આપણે….)

હા,બા ઘર માં હોય…પણ બા ઉપર કંઇ પૂરી રસોઇ બનાવવાની જવાબદારી નહીં હોં!ખાલી કૂકર મૂકી દે… અને લોટ બાંધી ને રોટલી કરી રાખે એવા પરચૂરણ કામ જ બા ને પતાવવાના!!!

બચીબેન બિચારા આવી ને થાકી જાય..એટલે બા એ થોડી મદદ કરાવવાની…એટલું જ!! એક જરાક લીંબુ શરબત બનાવી આપવાનું અને એ થાક ઉતારે એટલીવાર થેલામાંથી જરા શાક છૂટુ પાડે…ફ્રીઝમાં ગોઠવી દે અને શાક..સલાડ જે કંઇ સુધારવાનું હોય તે સુધારી આપે!!!પછી બા સાવ નવરા!!અને બચીબેન બા ને જમાડયા પહેલા કયારેય ન જમે!!
“બા,તમને ભૂખ લાગી હશે..હવે તમારે કોઇની રાહ નથી જોવાની!ચાલો,તમે જમવા બેસી જાવ!દાળ શાક તો કયારે થાય….?આ રોટલી તો થઇ જ ગઇ છે ને?અથાણું ને છાશ પણ છે હોં!!તમે તમારે નિરાંતે જમી લો…દાળ શાક હું જ બનાવી નાખીશ”.

અને વહુના આવા પ્રેમ આગળ બા ની તાકાત છે કે બા ના પાડે?પ્રેમ આગળ બા લાચાર!!આમ બા ની થાળી સૌ પહેલાં પીરસાય…બા શાંતિથી જમી લે.!!!બાબુભાઇ આવે ત્યારે બરાબર બા જમી ને ઉભા થતા હોય…બચીબેન નું ટાઇમીંગ પરફેકટ હોં!! અને બાબુભાઇ ખુશ થઇ જાય…બા ની થાળી પોતાની પહેલા પીરસાય છે!!

જમી ને બા યે કંઇ નહીં કરવાનું હોં!!ખાલી છોકરાઓ સ્કૂલેથી આવે એટલે એને કપડા બદલાવી ને વાર્તા કરતા કરતા જમાડવાના!!મૂડીનુ વ્યાજ કોને વહાલું ન હોય હેં?સાચી વાત ને?બચીબેન જરાવાર સૂઇ જાય…બા ઉપર તેને પૂરો ભરોસો!!ભલે બા છોકરાઓ સાથે થોડા ફ્રેશ થતા!તેમને યે મજા આવે ને થોડું સારું લાગે ને? બા ખુશ રહેવા જોઇએ..એજ એનું ધ્યેય! પતિએ જવાબદારી સોંપી છે..તે કરવું જ રહ્યું ને?

સાંજે યે બચીબેન ની બહેનપણીઓ આવે કે ગમે તે આવે…પણ બધા બા ના જ ચમચા!! બધાને બા ના હાથનો જ નાસ્તો ભાવે..ને બા જેવી ચા તો કોઇની ન થાય હોં!! બધા બા ના કેટકેટલા વખાણ કરે!!ને બા ને સારું લાગે માટે અવારનવાર આવી તક બા ને આપતા જ રહે!! પીરસે યે બધાને બા જ હોં!! કોઇને બા વિના ગમે જ નહીં ને!!! બધાનો પ્રેમ જોઇ બા તો ગદગદ્ થઇ જાય!!!

પણ સાંજ પડે ને ત્યાં બા બિચારી થાકી જાય!! ઉમર થઇ ને એટલે!!! બહાર જવાનું નામ જ ન લે!!!સાંજે યે બધાની પહેલાં જ બાને જમાડી લેવાની બચીબેન ની ભાવનાનો ઇંન્કાર બા કેવી રીતે કરી શકે?બા ને તો જોકે દીકરા સાથે જ જમવું હોય…!!પણ દીકરાને તો વહેલું મોડું યે થાય…ત્યાંસુધી બા ને બચીબેન બા ને ભૂખ્યા થોડા રાખે?અને આમેય બા એ બપોરે દાળ શાક જમવાની ઉતાવળને લીધે ન ખાધા હોય…તો અત્યારે વધ્યા હોય.. તો બા નિરાંતે ખાઇ શકે ને?બા ને થોડુ આડું અવળુ આ ઉમરે હવે દેવાય?કામ તો ઠીક બા ને ટેવ છે એટલે કરી શકે બાકી આવું બધું ખાવાની થોડી ટેવ છે બા ને?

રાત્રે બધા ગાડીમાં આઇસ્ક્રીમ કે પાન કે જયુસ પીવા કે એમ જાય..પણ બા ને રાત્રે કંઇ સદે નહીં..તેથી શું થાય?બચીબેન નો જીવ તો બહુ બળે ..પણ શું થાય?પોતાનું ગમે તે થાય….બા નું ધ્યાન રાખવાનું તો એણે પહેલે દિવસે જ પતિને વચન આપ્યું છે ને?

આમ બિચારા બચીબેન તો બા નું ધ્યાન રાખી રાખીને થાકી જાય.અને બા નો દિવસ આમ જ ઘરમાં જ પૂરો થ ઇ જાય.બા છે જ એવા..બહાર નીકળવું ગમે જ નહીં ને?? નહીંતર ભગવાને હવે આટલું સુખ આપ્યું છે…ગાડી છે..સગવડ છે..પણ….જુઓનેતો યે બા દેવદર્શને ય ન જાય!!!!!!

હવે તમે જ કહો બચીબેન બિચારા શું કરે?છે કોઇ જવાબ?

બા બદલાયા જ નહીં!!!!!!!!

નીલમ દોશી.

 

ભાવવિશ્વ…10 April 16, 2007

Filed under: ભાવવિશ્વ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

”દીકરી…

વહાલનો પર્યાય,
વહાલનો દરિયો
ઓટ વિનાનો..”

વહાલી ઝિલ,

“બારી ખોલો ! ચોઘડિયું બેઠું ફૂલોનું,
ઘર આખું આકળ વિકળ છે,
લો શુકન થયા.”

આજે તો સવારથી હું પરમ આશ્ર્વર્યથી તારી દોડાદોડી,જોઇ રહી હતી.આજે શુભમ યુ.એસ. પાછો જવાનો હતો અને હવે એક વરસ પછી લગ્ન માટે આવવાનો હતો.આજે તો તને મારી સાથે વાત કરવાનો યે સમય કયાં હતો?હું સોફા પર બેઠી બેઠી પતંગિયાની જેમ ઉડતી પુત્રીને નીરખી રહી હતી.ઘડીકમાં શુભમની ચિંતા કરતી,ઘડીકમાં શુભમને પ્રેમથી ખીજાતી…”તારે રૂમાલ લઇ જવાના હતા ને?ભૂલાઇ ગયા ને?હવે છેલ્લી મિનિટે દોડાદોડી કરશે.! કપડા બધા ધોબી ને ત્યાંથી આવી ગયા?એકે ય ભૂલાઇ નથી ગયા ને?કંઇ રહી નથી જતું ને?”

હું તો બસ મૌન રહી સાંભળી જ રહી.”અરે,આ બધા તો મારા રુટિન ડાયલોગ હતા ! વેકેશન પૂરુ થાય અને તું હોસ્ટેલે જતી હોય ત્યારે બોલાતા મારા શબ્દો..સમજદારીનું આ મૂળ કયાંથી ઉગી નીકળ્યું?આ અંકૂર કયારે ઉગી ગયા?કયા ખાતર પાણી એને મળ્યા હશે?કદાચ શુભમના પ્રેમના ખાતર પાણી હશે !મનમાં એક વિચાર ખબર નહીં કેમ ઝબકી ગયો…આજે તો બંને એકબીજાને સર્વગુણ સંપન્ન દેખાય છે.બસ..આ જ દ્રષ્ટિ હમેશ માટે જ્ળવાઇ રહેવી જોઇએ.! ગુણ વ્યક્તિ કરતાં દ્રષ્ટિમાં વધુ હોય છે ને?

ત્યાં અચાનક શુભમને ન જાણે શું સૂઝયું.મારી પાસે આવી ને કહે,” .”મમ્મી,મારી ઝિલનું ધ્યાન રાખજો..” ”હા,બેટા,તું ચિંતા ન કર…!

(અને કદાચ મનમાં જ બોલી કે આટલા વરસો તું જ એનું ધ્યાન રાખતો હતો ને..!!!)અને હું હસી પડી…

હજુ કાલ સુધી હું જેની બેગ પેક કરી આપતી હતી..તે આજે કોઇની બેગ પેક કરી રહી હતી.હં..તો બેન ને બધું આવડતું હતું…આ તો મમ્મી કરી આપે એના નખરા હતા બેન ના…મારી લાડલી ના.

“હતી સાયબી કંઇ અમારી નવાબી;
હવે એ યાદના થોડા સિક્કાઓ બચ્યા છે.”

અને “લાડલી” શબ્દની સાથે જ મને યાદ આવી ગયા..દીકરાના…મીતના શબ્દો..

નાનપણમાં ભાઇ બેનને ઘણીવાર કોઇ વસ્તુ માટે કે કોઇ વાત માટે ઝગડા થતા..ત્યારે પુત્ર મીત હમેશા મને ફરિયાદકરતો,”મમ્મી,આ તારી લાડલી ને કહી દેજે હોં.! અને તું પણ આવું જ કહેતી,”મમ્મા, આ તારા લાડલાને કહી દેજે..”
અને હું હમેશા ગૂંચવાતી રહેતી બંને ની વચ્ચે..અને હસીને કહેતી,:”મને કયારેય નથી સમજાયું કે મારા લાડલી અને લાડલા કોણ છે?” અને આજ સુધી એ પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે.કે મને કોણ વધારે ગમે છે?આજે યે બંને ભાઇ બહેન વચ્ચે આ મીઠો ઝગડો ઉભો જ રહ્યો છે.ને ઉભો જ રહેશે તેની ખાત્રી છે.કયારેય આ વાતનો મારી પાસે જવાબ નહીં હોય.. કેમકે કોઇ મા પાસે જવાબ ન હોય કે તેને ડાબી આંખ વધુ ગમે કે જમણી?

યાદ છે..?જોકે આ તો તને બહુ યાદ છે…એની મને ખબર છે.તમારા માટે પહેલીવાર બે પૈડાની નાની સાઇકલ પપ્પા લાવ્યા હતા.અને પહેલા કોણ ચલાવે તે માટે તમારા બંને ની લડાઇ ચાલતી હતી.તમારે જ તમારું ફૉડી લેવાનું હતું.કેમકે મેં તો હમેશની જેમ કહી દીધું હતું કે હું કંઇ ન જાણું..તમે બંને નક્કી કરી લો.”

કેમકે મારે તો લાડલા ને લાડલી….બંને ને સાચવવાના હોય ને?એટલે એવું કોઇ જોખમ હું તો કયારેય લેતી જ નહીં.

અંતે તેં તારા ભાઇલાને કેવીયે સરળતાથી પૂછયું,”ભાઇલા,તને પ્લેન ગમે કે સાઇકલ?” અને ભોળા ભાઇલાએ નિર્દોષતાથી જવાબ આપ્યો,”પ્લેન..!!” અને તેં તરત કહ્યું,”તો જો તું પ્લેન આમ ચલાવ..અને હું સાઇકલ ચલાવું.”આમ કહી તેં પ્લેન ચલાવવાની એક્શન કરી બતાવી.

અને તારો ભોળો ભાઇલો પ્લેનની ઘરઘરાટી બોલાવતો કમ્પાઉન્ડમાં આંટા મારવા લાગ્યો.અને તું સાઇકલ લઇ ઉપડી ગઇ.!!

પણ પછી મારાથી ન રહેવાયું..મેં મીતને ઉભો રાખી પૂછયું, બેટા,શું કરે છે?”તે કહે,”પ્લેન ચલાવું છું” મેં કહ્યું,”પણ પ્લેન કયાં?” અને……….અને અચાનક તેને ખ્યાલ આવ્યો કે બેન તેને ઉલ્લુ બનાવી ગઇ છે..!! અને પછી..પછી તો…..

પણ ત્યાં તો તું સાઇકલ લઇ ને આવી ગઇ હતી..અને પ્રેમથી ભાઇલાને આપી દીધી.!!!!

આજે યે તારા જીનીયસ ભાઇલાને એ વાત યાદ કરાવીને તું એની મસ્તી કરવાનો મોકો ચૂકતી નથી હોં !

શુભમને આમ કયારેય ઉલ્લુ ન બનાવતી હોં ! ના,ના, આજે તો તું ડાહી થઇ ગઇ છે.(મતલબ ત્યારે…..?????)

અને આજે તો તારો ભાઇલો યે તને ઉલ્લુ બનાવે એવો થઇ ગયો છે.!!!!

આજે શુભમની બેગ પેક કરતી તને જોઇને એક મા ના આશીર્વાદ સરી પડે છે..”બેટા,હમેશા આવા જ પ્રેમથી છલકતા રહો.સાચા અર્થમાં સહપ્રવાસી ..મિત્ર બની રહો. અને તમારા મધુર કલરવથી અમારું જીવન છલકી રહો.

રાત્રે એરપોર્ટ પર તો તે બે સિવાય જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું.ચાંચ માં ચાંચ નાખી ઘૂ ઘૂ કરતાં પારેવાની જેમ બંને એકબીજાને બાય કહેવામાં, ગુફતુગુ કરવામાં જ ખોવાઇ ગયા હતા.અમે બધા વડીલો બંને ની ઘૂસપૂસને દૂરથી માણી રહ્યા હતા.અને અંતે છૂટા પડવાનો સમય આવ્યો..અને શુભમને ખ્યાલ આવ્યો..આવીને તેની મમ્મીને અને મને પગે લાગ્યો અંતરમાંથી આશીર્વાદની ધારા આપમેળે વહી જ રહે ને?

“છૂટા પડતી વખતે બોલવાનું શું?
શબ્દોમાં હૈયાને ખોલવાનું શું?”

બસ….

”શિવાસ્તે તવ પંથા:..”
મમ્મીના આશિષ.

 

ભાવવિશ્વ….9 April 14, 2007

Filed under: ભાવવિશ્વ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 1:51 pm

દીકરી…

એકલતા મિટાવતી
મધુરતાથી સજાવતી
સૂનકારને સદા…

વહાલી ઝિલ,

આજે ફોનમાં તારી સાથે કેટલી યે વાતો કરી.હવે આપણી વાતોનું કેન્દ્ર શુભમ બની ગયો છે.એ તને ખ્યાલ પણ કદાચ નહીં આવ્યો હોય.પણ મને તો બરાબર ખ્યાલ આવે છે.તારી વાતો ફરીફરી ને કેન્દ્ર પાસે અનાયાસે પહોંચી જાય છે.અને હું મનોમન મલકાઉ છું.પણ એવું તને મોઢે જલ્દી થોડું કહેવાય?તો તું ગુસ્સે થઇ ને તરત કહે,”જાવ,નહીં કરું એની વાતો બસ…?અને મારી લાડલી રિસાઇ જાય એ મને કેમ પોષાય?હું તો તારી મિત્ર પણ ખરી ને?

“મળે જીવનને તાલ, ઉડે જો પ્રેમનો ગુલાલ”

તારા જીવનને પ્રેમનો શુભમરૂપી તાલ મળવાથી ગુલાલના રંગો જીવનમાં ઉડી રહ્યા છે.એ રંગોની સુરભિથી જીવનઝરણું ખળખળ નહીં ..પણ ધસમસતું વહી રહ્યું છે.અને એના કાંઠે ઉભીને યે ભીંજાઇએ છીએ.
મનમાં તો કંઇક ઘોડા દોડતા હોય છે.(તું એમ ન કહેતી કે ઘોડા જ કેમ?ગધેડા કેમ ન દોડે?અને કહી ને હાઆઆઆઆઆઆ..કરતી હસી પડીશ.) અને એ હસવાની સાથે હું યે મલકી રહું છું.મનમંડપમાં પ્રસંગોના મેળા ઉભરાય છે.અને હું એ મનમેળામાં મહાલી રહું છું.(રમેશ પારેખનો મનપાંચમ નો મેળો અનાયાસે ડોકિયુ કરી જાય છે.)
પણ મને તો અત્યારે …

”સજયો કેસરિયો સીમે શણગાર જો,
ના ગમતું ગનાન,વાત વહાલપની માંડ”

કયાંક થી વાંચેલ આવું કંઇક હું અનુભવી રહું છું.

તો વહાલપની વાત કરીશું ને?અને યાદ કરીશ મારા મલકાટ ના રહસ્યની.

તારી સ્કૂલના પહેલા વરસનો પહેલો દિવસ તને તો કયાંથી યાદ હોય?ત્યારે તું પૂરા ત્રણ વરસની પણ નહોતી.
પહેલે દિવસે બીજા બધા બાળકોની જેમ સ્કૂલે તો તું રડી નહીં.મને થયું કે અમે તને સ્કૂલ માટે પહેલેથી મેન્ટલી તૈયાર કરેલી.. એટલે વાંધો ન આવ્યો.અને હું મનોમન એને મારી સફળતા ગણી હરખાતી હતી.! ત્યાં….ત્યાં ઘેર આવી ને તેં તો કર્યો ભેંકડો ચાલુ.અને મેં કારણ પૂછયું તો કેવી યે નિર્દોષતાથી જવાબ આપ્યો,”મને યે સ્કૂલમાં રડવું આવતું હતું..પણ ટીચરની બીક લાગતી હતી.એટલે ન’તી રડી..! હવે ઘેર તો રડું ને?…”

અને અમે કેમે ય હસવું રોકી નહોતા શકયા.સ્કૂલમાં રડવાનું રહી ગયું હતું..એટલે ઘેર આવી ને પૂરુ
તો કરવું ને?વાહ બેટા,શાબાશ..!! હું નકામી મારી પર હરખાતી હતી.!!

જોકે ઘર પોતાનું છે..અહીં પોતે ધારે તે કરી શકે..સલામતીની આ કુદરતી ભાવના દરેક બાળકના મનમાં રહેલી હોય જ છે.બહારગામથી આવતા તમે ભાઇ બહેન થોડી વાર તો ઘરમાં બધા રૂમમાં ફરતા ફરતા કેવા કૂદકા મારતા..! એ મને બરાબર યાદ છે.ઘરમાં તો દરેક બાળક રાજાપાઠમાં હોય ને?

અને એકવાર મને જોન્ડીસ થયેલ..હું હોસ્પીટલમાં હતી.ત્યારે તું સીનીયર..કે.જી.માં અને મીત એલ.કે.જી. માં હતા.ત્યારે તમને બંને ને મમ્મીની ચિંતા થયેલ.! કેવી ચિંતા?લાકડાની ચિંતા.!!અને પપ્પા અગળ એ ચિંતા વ્યકત પણ કરેલ,”પપ્પા.મમ્મી મરી જાય તો આપણે યે કેટલા બધા લાકડા લેવા પડે ને?”અને પપ્પાને તો હસવું કે રડવું એ યે સમજ ન પડી.ટી.વી.માં કયાંક તમે જોઇ લીધેલ અને હોસ્પીટલ.મરવા અને લાકડાનો સંબંધ તમારી રીતે જોડી લીધેલ.બાકી મરી જવું એટલે શું ?એ તમને કયાં ખબર હતી?(આજે મને યે કયાં ખબર છે?મરી જવાનો સાચો અર્થ)

અને કયા શિશુ પાસેથી આવું કંઇ ને કંઇ કયા મા બાપે નહીં સાંભળ્યું હોય?”શિશુમુખેથી” એ નિર્દોશ ચંચળતા વાંચી ને અનુભવીને મલકયા વિના રહી શકાય?સ્મિત…સાચા આનંદની શીતળ લહેરખીઓ આંતરમનને સ્પર્શ્યા વિના રહે જ નહીં ને?દરેક મા બાપ માટે…ખાસ..તો જીવન સંધ્યાએ.. એ સ્મૃતિઓ જીવનનો ઉલ્લાસ બની રહે છે.જે જીવનને સભર..લીલુછમ્મ રાખે છે.અને એ સ્મરણોને વાગોળવાનો આનંદ તો આ ઉમરે જ સમજાય.ખાસ કરીને બાળકો જયારે ભૌતિક રીતે દૂર હોય..ઘરમાં એકાંત કે એકલતા હોય..ત્યારે દરેક મા બાપ માટે આ યાદો અણમોલ ખજાનો બની રહે છે.આજે અમે યાદ કરીએ છીએ..ત્યારે મને તો એમ કહેવાનું મન થાય છે..

”મુજ વીતી તુજ વીતશે…નહીં..પણ…મેં માણ્યું..તું માણશે…”

આજે તારી સૃષ્ટિ ..તારું વિશ્વ સ્વાભાવિકતાથી બદલાઇ ગયું છે.પરિવર્તન જીવનનો સહજ ,કુદરતી ક્રમ છે.તારી આંખોમાં આજે ભાવિના..જીવનસાથીના સપના ડોકાય છે.અને અમારી આંખે અતીતની યાદો ઉઘડે છે.દરેક અવસ્થાનું એક ગૌરવ..એક આગવું સૌન્દર્ય હોય છે. એ સ્વીકારી ને માણી શકીએ તો કયારેય કોઇ અવસ્થાનો અફસોસ ન રહે.

”આયખુ જમનાજળ,
વહેવાનું ખળખળ,
મારગડે મળે કોઇ પળ બે પળ”

જીવનવાટમાં કેટલાયે લોકો મળતા રહે છે.સારા નરસા અનુભવો થતા રહે છે.દરેક અનુભવ આપણને કંઇક શીખડાવતો જાય છે.અને અત્યારે કદાચ એનું મહત્વ ન સમજાય પણ એક દિવસ જીવનસંધ્યા ના સમયે એ અનુભવો જીવનપાથેય બની રહે છે.

શું વાતો કરી આજે શુભમ સાથે?ભણવાનું કેમ ચાલે છે..એ પૂછીશ તો હમેશની જેમ તારો એ જ જવાબ હશે..રીઝ્લ્ટ આવે એટલે જોઇ લેવાનું.”અને રીઝલ્ટ જોયા પછી કયારેય મારે કંઇ પૂછવાનું તમે ભાઇ બહેને રાખ્યું નથી જ.એટલે એ જવાબ મને ચાલી જાય છે.
પત્રના જમાના તો ગયા હવે.બારસાખે ઉભી ટપાલી ની પ્રતીક્ષા કરતી યુવતી ની વાતો તો કોઇ કવિના કલ્પના પ્રદેશમાં જ..કાવ્ય માં જ જોવા મળે ને?

હવે તો ..ફોનની ઘંટડીઓ રણકતી રહે અને કી બોર્ડની ચાંપો દબાતી રહે…

અને હાય…અને બાય….છલકતા રહે… બસ..ખુશ રહો…બેટા,ખુશહાલ રહો..

”આંગણામાં વાવ્યું છે વૃક્ષ મેં કદંબનું,
એ છે પ્રતીક આપણા સ્નેહના પ્રસંગનું.”

મમ્મીનું વણખૂટયું વહાલ.

 

આજ ની ખાટી મીઠી… April 14, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:00 am

ગેરહાજર હોય તેઓ કદી વાંક વિનાના હોતા નથી.ને હાજર હોય તેઓ બહાના વિનાના નથી હોતા.!!

 

આજની ખાટી મીઠી…. April 13, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:58 am

જે ઉપદેશ આપણે આપતા હોઇએ તે આચરતા રહીએ તો ઉપદેશ આપવાનો સમય રહે નહીં.!