પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

સંઘર્યો સાપ… April 30, 2007

“મુંડે મુંડે મતિર્ભિન્ના:”…..માનવી અનંત અવકાશનો તાગ મેળવી શકે.સમુદ્રના પેટાળને યે જાણી શકે…પણ માનવીના નાનકડા મનનો તાગ ભલભલા માટે અશકય છે.કાળા માથાનો માનવી કયારે શું કરી બેસે ..કે કરાવી બેસે તેનું કંઇ કહેવાય નહીં.તેમાં કોઇ નિયમો કામ કરે નહીં..કે કાર્યકારણ ના કોઇ સિધ્ધાંત તેમાં ચોક્કસપણે લાગુ પડી શકે નહીં.એક જ પરિસ્થિતિમાં પણ દરેકનું મન અલગ વિચારે..અલગ રીતે કામ કરે…

કેટલાક એવી જાડી ચામડીના હોય કે કોઇ વાતની અસર જ ન થાય.તો કોઇ વળી એવી સુંવાળી ચામડીના પણ હોય કે નાની વાતમાં યે તેને હિમાલય જેવડો વાંધો આવી જાય…કોઇ જિંદગી આખી થોથા વાંચ્યા કરે..ઉથલાવ્યા કરે…પણ એમાનું કંઇ જ સ્પર્શે નહીં..તો કોઇ જે કંઇ વાંચે..એ બધાના અખતરા કર્યા કરે…અને કોઇને વળી એકાદ નાનકડું વાકય પણ એવું હચમચાવી જાય કે જિંદગી આખી બદલાવી નાખે…

જવા દો આ બધી તો ફિલોસોફીની મોટી મોટી વાતો થઇ..પણ આપણા બાબુભાઇ આવા જ પ્રયોગવીર હતા.કઇક વાંચ્યું નથી કે ગમે તેવો ખતરો લઇને પણ એકવાર તો અખતરો ચાલુ કર્યે જ છૂટકો કરે.

આ બાબુભાઇએ હમણાં કયાંક વાંચી લીધું કે”સંઘર્યો સાપ પણ કયારેક કામમાં આવે..”બસ….!! બાબુભાઇના મગજમાં આ વાત એકદમ ફીટ થઇ ગઇ…ફેવીકવીકથી જાણે ચીપકી ગઇ.અને બાબુભાઇને થયું કે પોતે આજ સુધીમાં કેટકેટલી વસ્તુઓ નકામી છે..કરીને તેનો વિનાશ કરીને મૂર્ખાઇ કરી નાખી.જીવનમાં કયારે કઇ વસ્તુની જરૂર પડે તેની કેમ ખબર પડે?બાબુભાઇ તો જાણે મોટો ગુનો કરી નાખ્યો હોય તેવો ભાવ અનુભવી રહ્યા.અને આ મોટી ભૂલનું સાટું વાળવુ હોય તેમ તેમણે બમણા ઉત્સાહથી અદ્ભભૂત વસ્તુઓનો સંગ્રહ ચાલુ કર્યો.

પહેલાં તો તેમને થયું કે આ દુનિયામાં સંઘરવા જેવી કોઇ વસ્તુ હોય તો તે સાપ છે.તો જ વરસોથી આ કહેવત પડી હોય ને?કહેનાર વડવાઓ કંઇ મૂરખતો ન જ હોય ને?તો મારે સૌ પ્રથમ તો સાપનો સંગ્રહ જ કરવો રહ્યો.પણ…આ સાપ શોધવો કયાં?મળે તો સંગ્રહ કરી શકાય ને?
પણ..બાબુભાઇ જેનું નામ…એમ હિમત થોડી હારે?તેમણે તો તપાસ…મહાન શોધખોળ આદરી.આમેય બચીબેન હમણાં પિયર ગયા હતા.તેથી મેદાન મોકળુ હતું.તેને થયું સાપ તો જંગલમાં હોય.એને ગોતવા કયાં જવો?વેચાતો કયાં મળે એ તપાસ કરવી પડશે.

અને અચાનક તેમના ફળદ્રૂપ ભેજામાં ચમકારો થયો…મદારી….યસ સાપ તો મદારી પાસે હોય.એટલે હવે તેણે મદારી ની શોધખોળ આદરી.કોલંબસ કરતાયે વધુ ઉત્સાહથી તેણે શોધ શરૂ કરી.સમય મળે ત્યારે ગલીઓમાં ઘૂમવાનું ચાલુ કર્યું.કેમકે મદારી કંઇ દુકાનમાં વેચાતો ન જ મળે એની બાબુભાઇને પાક્કી ખાત્રી હતી.અને શોધનાર ને સાચી લગન હોય તો ઇશ્વર પણ મળી રહે છે.તો મદારીની શું વિસાત? અંતે બાબુભાઇએ એક ગલીમાં ડુગડુગી વગાડતા..વાંદરાને નચાવતા મદારીને પકડી જ પાડયો.અને જાણે ઉત્તર ધ્રુવની શોધ કરી નાખી હોય.. કે કોઇ નવો ગ્રહ મળી આવ્યો હોય તેમ બાબુભાઇ ખુશખુશાલ થઇ ગયા.અને ભકતને જોઇ ને ભગવાન દોડે…..સોરી ..સોરી…ભગવાનને જોઇ ને ભકત દોડે(જોકે આ જમાનામાં હવે કંઇ પણ શકય છે જ…સાચા ભક્તનો ભયંકર દુકાળ હોવાથી ભૂલથી કોઇ એકાદ સાચો ભકત..રડયો ખડયો મળી જાય તો ભગવાને ય કદાચ દોડે…!! )એમ મદારીને જોઇને બાબુભાઇ તીવ્ર ગતિથી દોડયા.અને વળી તેની બાજુમાં રાખેલ મોટા કરંડિયામાં સાપને જોઇને તો બાબુભાઇ હર્ષથી મદારીને ભેટવા ધસી ગયા.અને હજુ મદારી કંઇ સમજે તે પહેલાતો એવા ઉત્સાહથી..જોશથી તેને ભેટી પડયા..કે મદારી બિચારો ગબડી પડયો.અને તેના હાથમાં રહેલ દોરી છૂટી ગઇ.અને દોરીમાં બાંધેલ વાંદરાને અચાનક ગુલામીમાંથી આઝાદી મળતા તેણે દોટ મૂકી…અને તેની કૂદાકૂદથી સાપની ટોપલી પણ ઉન્ધી વળી.અને સાપને પણ મોકળુ મેદાન મળતા…તે યે ભાગ્યો.એક તરફ સાપ..બીજી તરફ વાંદરો. બંને ને જોઇ ચારેતરફ ઉભેલા ટોળામાં નાસભાગ શરૂ થઇ ગઇ.વચ્ચે બાબુભાઇએ ગબડાવી પાડેલ મદારી ઉભો થવાનો પ્રયત્ન કરતો રહ્યો..પણ સાપ અને વાંદરાથી ડરેલા…ભાગતા ટૉળાની હડફેટે ચડતા ઉભા થવાનું તેને માટે મુશ્કેલ થઇ પડયું.નાના બાળકો ચીસાચીસ કરવા લાગ્યા.અને આ શોરબકોર સાંભળી દૂર ઉભેલ હવાલદાર દોડી આવ્યો.તેને થયું કંઇક ગુંડાગીરી…તોફાન ચાલી રહ્યું છે…અને તેણે જોશથી પોતાનો દંડો..કૃષ્ણ ભગવાન ના સુદર્શનની જેમ ચારે તરફ ગોળગોળ વીંઝવા માંડયો..મદારી માંડ માંડ બેઠો થઇ.બાબુભાઇને સરસ્વતી ચોપડાવતો એક જોરદાર ધક્કો મારી પોતાના સાપ અને વાંદરાને પકડવા દોડયો.

તે જોઇ હવાલદારને થયું કે કોઇ ગુંડો આનું કંઇક ઝૂંટવી ને ભાગ્યો.અને તે કદાચ આ નોકરીમાં નવો હશે તેથી ગઠિયાને પકડવાના ઉત્સાહથી તે મદારીની પાછળ પડયો.બાબુભાઇ હતપ્રભ બની એકલવીરની જેમ યુદ્ધ પછીના વેરવિખેર ખાલી મેદાનમાં ઉભા રહી ગયા.શું થઇ ગયું કે શું થઇ રહ્યું છે…તેની યે તેમને સમજણ પડી નહીં.પોતાને જોઇને મદારી કેમ ભાગ્યો કે ટોળુ કેમ વિખેરાઇ ગયું તે વિચારતા તે તો નિર્દોષભાવે વિચારતા જ રહી ગયા.પડવાથી પોતાને યે સારું એવું લાગ્યું હતું..તેથી અંતે લંગડાતા લંગડતા ઘેર પહોંચી બાભુભાઇ સાપ ન લાવી શકયાનો અફસોસ કરી રહ્યા.

પણ ખેર! સાપને ન સંઘરી શકયા તો શું થયું?એનો મેળ જયારે પડે ત્યારે.અત્યારે પહેલા બીજી વસ્તુઓની તો શરૂઆત કરી દઉં.એમ વિચારી તેમણે બીજી તરફ નજર દોડાવી.કઇ વસ્તુઓનો સંગ્રહ કરવો એ જલ્દી નક્કી ન થઇ શકયું.કેમકે હવે તો તેમને દરેક વસ્તુ સંગ્રહ કરવા જેવી જ અદભૂત લાગ્ગતી હતી!! સૌ પ્રથમ તો તેમણે ઘરમાંથી નીકળતી નકામી વસ્તુઓ જે અત્યાર સુધી ફેંકી દેતા હતા…તેનો સંગ્રહ ચાલુ કરી જે દીધો.દૂધની કોથળીઓ,પ્લાસ્ટીકની ખાલી બોટલો,ખાલી બાકસો કે અડધી બળેલી દિવાસળીઓ કોલ્ડ્રીંકની બોટલોના ઢાંકણાઓ,કોઇ વાયરના કટકાઓ,પ્લાસ્ટીકના તૂટેલ ફૂટેલ ડબલા ડૂબલીઓ..અને એવી તો કેટલીયે “અમૂલ્ય” ચીજોનો સંગ્રહ તાત્કાલિક ચાલુ થયો.પણે તેમને થયું કે આમ થોડો થોડુ કરીને તો કયારે સંગ્રહ અદભૂત બને?કંઇક જલ્દી કરવું જોઇએ.કયારે કૈ વસ્તુની જરૂર પડી જાય તે કેમ ખબર પડે?તે વિચારી રહ્યા.હવે કરવું શું?પણ..આ તો બાબુભાઇ…આઇડીયાઓની તેમના ફળદ્રૂપ ભેજામાં કયાં ખોટ હતી?તરત જ તેને યાદ આવી ગુજરીબજાર…!! યસ..આવી વસ્તુઓ માટે ગુજરીબજારથી વધુ લાયક બીજી કઇ જગ્યા હોઇ શકે?

અને પછીતો ગુજરીબજારમાંથી અદભૂત વસ્તુઓએ દોડી દોડીને બાબુભાઇના ઘરમાં પોતાનો અડ્ડો જમાવ્યો.હરખાતા હૈયે ને આશાભરીનજરે બાબુભાઇ તેના આ અમૂલ્ય સંગ્રહ તરફ જોઇ પ્રતીક્ષા કરતા રહ્યા…કયારે કઇ અદભૂત ચીજની તેમને જરૂર પડશે?
પણ આ બધો ભવ્ય સંગ્રહ નો કાર્યક્રમ આગળ વધે તે પહેલા બચીબેન ની પિયરથી રી એંટ્રી થઇ..અને આવતાની સાથે જ તેણે જે અનોખુ દ્રશ્ય ઘરમાં…સોફા પર,રસોડામાં,ઘરની ફરસ પર..કબાટ પર કે દરેક જગ્યાએ જોયુ..તેના હોશકોશ ઉડીગયા…માંડ માંડ જાતને સંભાળી…(ઇશ્વરની મહેરબાનીથી બાબુભાઇના નશીબે સારા હતા કે એ સમયે તેઓ ઘરમાં હાજર નહોતા.)તેમણે નોકરોની મદદથી બધુ ઉપડાવી..બહાર નખાવી…બાબુભાઇ આવે તે પહેલાં ફરીથી ઘર સાફસૂફ કરી નાખ્યું.તે તો એમ જ માનતા હતાકે પોતે હતા નહીં તેથી કોઇએ ઘરનું ધ્યાન રાખ્યું નથી તેથી જ ઘરની આવી હાલત થઇ છે!! બાકી બાબુભાઇના સંગ્રહની તો તેમને સારું થયુ કે કલ્પના પણ ન આવી!!! નોકરોએ પણ કંઇ કહેવાની હિમત કરી નહીં.

અને સાંજે બાબુભાઇઅ આવ્યા ત્યારે મેદાન સાફ હતું.ટકા મુંડા ટાંઉ ટાંઉ ની જેમ લીસી ચમકતી ટાલની જેમ ચમકતું હતું!!!! અને આ જોઇ હવે બાબુભાઇના હોશકોશ….કયાં ઉડી ગયા..તે યે ખબર ન પડી.પોતાના અદભૂત સંગ્રહનો વિનાશ સગી આંખે સજળ નયને બાબુભાઇ જોઇ રહ્યા…બસ..અવાચક બની જોઇ રહ્યા…!!!!

નીલમ દોશી.

 

આજની ખાટી મીઠી… April 29, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

કોઇ કવિ હજુ કુદરતનો મહિમા એટલો મુકતપણે ગાઇ શકયો નથી,જેટલો વકીલોએ સત્યનો ગાયો હોય.

 

ભાવવિશ્વ…..14 April 28, 2007

Filed under: ભાવવિશ્વ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

દીકરી..
રજનીગંધાની મહેક,
મેઘધનુષી રંગો,
સંધ્યાની સુરખિ..

વહાલી ઝિલ,

“જિંદગીની બીના એક સોગાદ છે,
મન વલોવાયું છે,ઉલ્કાપાત છે.”

આજે આ સાંજ ઉદાસી પહેરી આભના ઝરૂખે ઉભી છે.ડાયરી ને પેન હાથમાં છે.પણ અંતરમાંથી શબ્દો સરતા નથી.મન આજે ઉદાસ છે.પરાણે શબ્દો ગોઠવવા ગમે નહીં તે સ્વાભાવિક છે.ડાયરી તો અંતરનું પ્રતિબિંબ છે.પૂરી સચ્ચાઇ અને શ્રધ્ધા હોય તો જ એ સાર્થક થઇ ને દીપી ઉઠે.અને તો જ અન્યના અંતરને રણઝણાવી શકે.દિલમાંથી ઉઠતા સહજ સ્વયંસ્ફૂરિત શબ્દોની સરવાણી જ એને વિશ્વસનીય બનાવી શકે.ડાયરીના પાને પાને સહજ છલકતી સાચી સંવેદના હોય એ એની પ્રથમ શરત છે.અન્યથા એ ખાલી અહેવાલ બની રહી જાય.

તું કહીશ..જનરલી કયારેય ઉદાસ…નિરાશ વાતો ન કરનાર મારી મમ્મી આજે કેમ આવું કહે છે? કાલે આપણા પડોશી શિરિન અંકલની નાનકડી પુત્રી નિક્કી રમતાં રમતાં ખાડામાં પડી જતાં…મૃત્યુ પામી.! મન અપસેટ થઇ જાય એ સ્વાભાવિક જ છે ને?મોત હમેશા છાના પગલે..કયારે..કયાં ,,..કોને..કેવી રીતે આવે છે.. એ કોણ કહી શકે?જન્મ તેનું મૃત્યુ એ નિશ્વિત છે જ… એ આપણે સૌ જાણીએ છીએ.અને છતાં છતાં એનો સ્વીકાર એટલો આસાન નથી જ.અને ખાસ કરીને આવા ઉગતા ફૂલનું અકાળે ખરી જવું..!.મૃત્યુ સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ છે. એનો લેખ લખવો જેટલો સરળ છે..એટલો સ્વીકાર સરળ નથી જ.


“આ જિંદગી
એટલે….
અનેક અનિશ્તતાનો સરવાળો”

શબ્દો ખૂટી જાય,શ્વાસ થંભી જાય..એવી વેદના સાથે આંખમાંથી સરતા અશ્રુમાં પડતું એક પ્રતિબિંબ ..એક યાદ આજે યે મને હચમચાવી મૂકે છે.

બપોરે બાર વાગ્યા હતા.પપ્પા જમવા ઘેર આવ્યા હતા.અને કોઇનો ફોન આવ્યો,”સર,પેલો મેકવાન અગાશી પરથી પડી ગયો છે.” અને હું ગભરાઇ ગઇ.મેકવાન તો તને અને મીત ને રમાડવા હમણાં જ મારી પાસેથી લઇ ગયો હતો.હું ને પપ્પા ચોથે માળે થી દોડયા.નીચે આવ્યા ત્યાં ખાસ્સુ ટોળુ જમા થયેલ.અને …અને અમે જોયું તો તું ભાઇ પાસે ઉભી ઉભી રડતી હતી.તું ત્યારે પૂરા ત્રણ વરસની નહોતી.અને મીત મેકવાનની છાતી પર ખુલ્લી આંખે પડયો હતો.મેકવાનના હાથ મડાગાંઠની જેમ મીતની આસપાસ વીંટળાયેલ હતા.મીત રડતો નહોતો.તેની આંખોમાં ભયના ઓથારની એક શૂન્યતા છવાયેલ હતી.મારી દશા તો…..

મેકવાન બેભાન હતો.તાત્કાલિક ડોકટર આવ્યા.મીતને કયાંય કશું લાગ્યું નહોતું.એક ખરોંચ સુધ્ધાં નહોતી આવી.એક વરસનું બાળક ચોથા માળની અગાશી પરથી પડે અને છતાં…એક ઘસરકો સુધ્ધાં નહીં?”રામ રાખે તેને કોણ ચાખે?”યાદ આવી જ જાય ને?

પણ મીત મને કે કોઇને ઓળખતો નહોતો કે રડતો પણ નહોતો.ડોકટરે તેને ચોવીસ કલાક માટે ઘેનનું ઇન્જેક્શન આપી ને સૂવડાવી દીધો..અમે ગભરાતા હતા.પણ ડોકટરે કહ્યું કે”બાળક હેબતાઇ ગયો છે.આટ્લે ઉંચેથી પડયો છે તેથી.તે સૂઇ જશે એટલે એ ભૂલી જશે.જો ઉઠે પછી તેનું વર્તન નોર્મલ ન હોય તો મને કહેજો..તો આપણે કંઇક આગળ વિચારવું પડશે.
એ ચોવીસ કલાક એક મા ના કેવા નીકળ્યા હશે..! એક મટકુ યે માર્યા સિવાય હું ને પપ્પા આખી રાત એની પાસે બેઠા હતા.ને ઇશ્વરને પ્રાર્થના કરતા રહ્યા.અને તું પૂરુ સમજી નહોતી શકતી કે શું થયું છે.તું પણ ભાઇ પાસે નિમાણુ મોં કરીને ઉભી હતી.એકદમ શાંત બની ને..મારો હાથ પકડી ને.! સવારે મીત રાબેતા મુજબ જાગ્યો.મારી સામે જોઇ હસી ઉઠયો.ને એ મને વળગી રહ્યો કે હું એને? એ ખબર ન પડી.ખાત્રી કરવા દૂધ આપ્યું.તેણે રોજની જેમ જ પીધું.ડોકટર આવ્યા..અને ચેક કરીને કહ્યું,”બધું નોર્મલ છે.”મીતને તો ખબર સુધ્ધાં નહોતી કે આવું કંઇ તેનીસાથે થયું હતું. ઇશ્વરનો ચમત્કાર જ હતો ને આ?ટિટૉડી ના ઇંડા જેમ ભગવાને બચાવ્યા હતા.એમ જ પરમાત્માએ મારા લાડલા ને બચાવ્યો હતો.એક ઉઝરડો પણ નહોતો પડવા દીધો.પેલા મેકવાનને બિચારાને પાંચ જગ્યાએ ફ્રેકચર થયા હતા.અને નાનકડું બાળક ચોથે માળે થી પડવા છતાં હેમખેમ ઉગરી ગયું હતું.

આજે નિક્કી ના સમાચારે મને ઉદાસ બનાવી દીધી.અને મનમાં આ પ્રસંગ ફરી એક્વાર જીવિત થઇ રહ્યો.ઇશ્વરની કૃપા કેવી વરસી રહી હતી આપણી પર.!! એ અનુભવ કયારેક ભૂલી શકાય ખરો?

“તરબતર આંખો પ્યાસી નીકળી,
રાતરાણીની ઉદાસી નીકળી.”

અંતરમાંથી દુવાઓ સરી રહે છે “હે ઇશ્વર આવા કૂમળા ફૂલની તારે કોઇ જરૂર નથી.કોઇ મા પાસેથી આવા ફૂલ આપી ને ન ઝૂંટવીશ..ઇશ્વર એટલો નિષ્ઠુર ન થઇશ.બસ…. રુંધાયેલ મને આજે આગળ કંઇ જ નહીં..

“જનારી રાત્રિ જતા જતા કહેજે,
સલૂણી એવી સવાર આવે,
કળીકળી માં સુવાસ મહેકે
ફૂલો ફૂલો માં બહાર આવે.”

મમ્મીના આશીર્વાદ

 

પ્રિયની પ્રતીક્ષામાં… April 27, 2007

હે પ્રિય,

આંખમાં આવકારનું આંજણ આંજી,હૈયામાં આસ્થાનો દીપ જલાવી,મેઘની રાહ જોતા ચાતક જેમ હું તારી પ્રતીક્ષા કરી રહી છું.પ્રિય,તું આવીશને?તારા ઇંતજારમાં નયનો બિછાવી,તારા પુનિત પદરવ સાંભળવા..મારા કાન જ નહીં…મારા અસ્તિત્વનો પ્રત્યેક અણુ અધીર બની ગયો છે.મારી આશાભરી આંખો રસ્તા પર દૂર દૂર સુધી દોડતી રહે છે…તારી એક ઝાંખી કરવા માટે હું જલ બિન મછલીની જેમ તડપી રહી છું.તારી ફકત તારી જ પ્રતીક્ષામાં .. જન્મજન્માંતરથી હું ઝૂરતી રહી છું તારા માટે જ…પ્રિય…તારા માટે જ…!!!

હે પ્રિય,તારા વિરહમાં..મેં અનેક કાવ્યો લખી નાખ્યા…જેના કરૂણરસથી દ્રવિત થઇને ભીની થયેલ આંખો વડે કદક વિવેચકોને પણ તે કાવ્યોના વખાણ લખવા પડયા.ને કદાચ ટૂંક સમયમાં તેને બે- ચાર નાના મોટા એવોર્ડ મળવાની શકયતા પણ નકારી શકાય નહીં!.જોકે એમ તો સમયાંતરે તારા અદ્ભૂભૂત મિલનનું સન્નિધ્ય મને મળતું રહે છે…તેનો મારે સહર્ષ સ્વીકાર કરવો જ રહ્યો.મિલન પછી વિરહ અને ઇંતજાર…પ્રતીક્ષાના આ અગાધ મહાસાગરમાં હું વારાફરતી હિલોળા લેતી રહુ છું.

હે પ્રિય,તારું મિલન મને પરમ આનંદની અનુભૂતિ કરાવે છે.આનંદરસના એ મોજા પર સવાર થઇને મારી ઉર્મિઓ છલકતી રહે છે.ને સંવેદનાના એ નીરમાં નહાઇને સદ્વ્: સ્નાતા બનેલ શબ્દો કયારેક અનાયાસે ગીત, ગઝલ કે કાવ્યનું કલેવર ધારણ કરી બહાર આવે છે.આમ જીવનના અદભૂત આનંદરસનું પાન કરાવવા બદલ હે પ્રિય,હું તારી ઓશિંગણ છું.

હે પ્રિય,તો કયારેક અચાનક તું તારા વિરહથી અણધાર્યા, આકસ્મિક, અણચિંતવ્યા વિરહથી મને કરૂણરસના ઘેરા મહાસાગરમાં ડૂબાડી ..જીવનના સૌથી અમૂલ્ય રસનો પરિચય…અનુભવ કરાવી આપે છે.દરિયામાં યે ભરતી ઓટ છે,તો માનવજીવનમાં મિલનના માધુર્ય પછી વિરહની વેદના હોય જ ને?એ મહાન વેદના સાથે કાયમનો અતૂટ નાતો બંધાવી આપવા માટે હે પ્રિય,હું તારી ભવોભવની ઋણી છું ને રહીશ..અને વિરહની મારી ગઝલો તો હવે વિશ્વમાં પ્રખ્યાત થવા માંડી છે.શુધ્ધ વેદનાની શાહીમાં ઝબોળાઇને લખાયેલ એ કાવ્યોમાંથી ટપકતા કરૂણરસથી ભલભલા કઠોર હ્રદયો મીણની જેમ પીગળી ગયા છે.હે પ્રિય,આ માટે હું તારો આભાર ન માનું એટલી કૃતઘ્ન..કે નિર્દય તો હું ન જ થઇ શકું ને?

અને મિલન અને વિરહ વચ્ચે વહેતી પરમ ઇંતજાર…પ્રતીક્ષાની પુનિત ..પરમ પળોનું તો કહેવું જ શું?કોઇ કહેનારે કહ્યું છે કે”પ્રાપ્તિ કરતા પ્રયત્નનો આનંદ વધુ હોય છે…”જોકે મને તો એ કયારેય સાચુ લાગ્યુ જ નથી.તારી પ્રાપ્તિનો જે અદભૂત આનંદ છે એ હું કેમેય જતો કરી શકુ તેમ નથી જ.

પણ પ્રિય.મારી તને એક જ વિનંતિ છે…આજીજી છે..કે પ્રતીક્ષાની આ પળો મહેરબાની કરી હવે બહુ લંબાવીશ નહીં.મારી ધીરજનો..દોર ,આશાનો તંતુ પતંગની જેમ કપાઇ જાય,,,તૂટી જાય, બટકી જાય..એ પહેલા હે પ્રિય,તું આવીશને?મારાથી તારો વિરહ હવે સહન નથી થતો…નથી થતો…

પ્રતીક્ષાની આ પળો મને પરમની સમીપે પણ લઇ જાય છે એની ના નહીં.તારી પ્રતીક્ષામાં મારા બે હાથ અનાયાસે ઇશ્વરને જોડાઇ જાય છે. આ રીતે જીવનના બીજા એક અમૂલ્ય રસ..ભક્તિરસનો પણ તેં મને લાભ આપ્યો છે.
જોકે ભગવાન ના દર્શન કરતીવખતે પણ મારા મનમાં તો તારું જ રટણ હોય છે..એનો સ્વીકાર મારે ખાનગી ધોરણે પણ કરવો જ રહ્યો.

હે પ્રિય,તારો ઇંતજાર કરતી હું અનિમેષ નયને આવતી જતી દરેક વ્યક્તિને નીરખી રહું છું.કાલિદાસના કયા મેઘ સાથે હું તને સંદેશો પાઠવું? એ યે મને સૂઝતું નથી. આવતી જતી દરેક વ્યક્તિમાં તારા દર્શન કરવાની મને તડપ જાગે છે..મારા અસ્તિત્વનો પ્રત્યેક અણુ .તીવ્ર આતુરતાથી તને ઝંખી રહે છે.અને મારી આ ઝંખના નિષ્ફળ જવાથી કયારેક હું રૌદ્ર રસનો પણ અનુભવ કરી કે બીજાને યે કરાવી દઉ છું.પણ હું જાણું છું…મારૂ આ રૌદ્ર રૂપ.મારો આ ગુસ્સો વાંઝિયો છે..કેમકે મારો પ્રેમ એકપક્ષી છે.મારા પ્રેમના કોઇ પડઘા તારા કઠોર હ્રદયમાં નથી પડતા.અને છતાં….છતાં તારા એક દર્શન અને..અને હું બધું જ ભૂલી જાઉ છું.હે પ્રિય તું આમ કઠોર શા માટે થાય છે?તારી ઉપર ગુસ્સો કરવાની મારી હિમત કે શક્તિ નથી જ….!!અને મારી આ મજબૂરી.. પ્રેમની મજબૂરી તું બરાબર જાણે છે…સમજે છે…પ્રિય તું ખૂબ સારી રીતે જાણે છે કે તારા વિના મારી જીવનનાવ સરળતાથી આગળ ચાલી શકે તેમ નથી જ.

પણ હે પ્રિય,મારા આ મજબૂર પ્રેમથી મગરૂર થઇ ને એનો તું ગેરલાભ ન ઉઠાવીશ…પ્રિય ,ન ઉઠાવીશ.તારી દરેક શરત મને મંજૂર છે…મને તારાવિના નહીં ચાલે એનો હું જાહેરમાં સ્વીકાર કરું છું.આ મિથ્યા જગતમાં..તારા વિના મારે બધું જ મિથ્યા છે.આ સકળ વિશ્વમાં મને સૌથી વધુ કોઇ પ્રિય હોય તો એક તું જ છે.”તારા વિના મને જગ લાગે ખારો રે…..”મીરાબાઇની જેમ હું યે આ ગાઇ શકું તેમ છું.

તારો વિરહ મને જેટલી અપસેટ કરી નાખે છે…તેટલુ અપસેટ બીજુ કોઇ કરી શકતું નથી.તારા વિરહનો પ્રતાપ મારા જીવનની એક એક ક્ષણમાં સંકળાયેલ છે,તાણાવાણાની જેમ વણાયેલ છે.હું બધું યે સહન કરી શકુ છુ..જો એક તારો સાથ મળે તો….”બાકી તો યે દુનિયા અગર મિલ ભી જાયે તો કયા ?”ના,ના, હે પ્રિય…હવે ઇંતજાર સહન નથી થતો. અને “ઇંતજારકે એક એક પલકા બદલા લૂંગી”એમ પણ હું નથી કહી શકતી.પ્રેમમાં બદલાની ભાવના તો પામર લોકો રાખે..!!હું તો તારી સાચી ચાહક!! એવો કુવિચાર મારા દિલમાં કેમ પ્રવેશે?(પ્રવેશે તો યે કંઇ કરી શકું તેમ નથી..!! મારી આ મજબૂરીની મને હે પ્રિય,જાણ છે જ.! અને તેથી જ લાચાર છું..).

પણ હે પ્રિય,હવે તું મને વધુ તડપાવીશ નહીં..જીવનના ઘણા રસો નો વારંવાર અનુભવ કરાવવા બદલ હું તારી ઋણી છું ને રહીશ.લાગણીઓના લાખ લબાચાથી લથપથ થયેલ હું અત્યારે..આ પળે પણ તારી પ્રતીક્ષામાં તરફડી રહી છું.જળ વિનાની માછલીની જેમ ટળવળી રહી છું તારા વિરહમાં તારા પરનો ગુસ્સો ઘરની દરેક વ્યક્તિ પર અનાયાસે મારાથી નીકળી જાય છે.તારી ગેરહાજરીમાં મારા રૌદ્રરૂપના દર્શન ઘરમાં બધાને થાય છે.માટે હે પ્રિય,મને આમ તું વિરહવેદનામાં તડપાવીશ નહીં.કવિવર ટાગોરની પરમને પામવાની જે ઝંખના ગીંતાજલિમાં વ્યકત થઇ છે.એટલી જ ઉત્કટતા..પ્રબળ ઝંખના હું તારા માટે અનુભવી રહી છું.

તારા માટે ના મારા પ્રેમના પુરાવા તો મારા ઘરની દરેક વ્યક્તિ આસાનીથી આપી શકશે.”અબ તો બાત છીપે ના….”પ્રેમના જોકે પુરાવા ન હોય…છતાં….મારો પ્રેમ દિવ્ય છે ..અલૌકિક છે…બધાથી ઉપર છે.
પ્રિય,હવે તો તું મને તડપાવીશ નહી ને?પ્લીઝ…”એક તું ના મિલી..સારી દુનિયા મિલે ભી તો ક્યા હૈ?”દુનિયા તો મારી પાસે છે..જરૂર છે ફકત તારી અને માત્ર તારી જ…કયારેક કયારેક તું તારી ઝલક દેખાડી જાય છે અને એ દિવસ મારા માટે ઉત્સવ બની જાય છે.કેમકે સામાન્ય રીતે…દિવાળી..હોળી કે કોઇ પણ ઉત્સવ..તહેવારમાં તારા દર્શન દુર્લભ જ હોય છે.મારા માટે તો તારી ઉપસ્થિતિ એ જ પરમ ઉત્સવનું ટાણુ!! એ જ મારો તહેવાર..! બાકી પ્રિય,તારા વિનાના ઉત્સવો મને હમેશા ફિક્કા જ લાગ્યા છે.(અને બીજાને પણ ફિક્કા લગાડયા છે..એ જુદી વાત છે.)

આ વિનંતિ…આજીજી હું હમેશા તને કરતી રહી છું.”અરજી અમારી સુણજો પિયુજી….,આવજે તું મારા ધામમાં…”પણ રે નિર્દય ,મારી અરજી તે હમેશા નિષ્ઠુર બનીને ફગાવી છે..”દુનિયા રૂઠે તો ભલે રૂઠે,પણ તું ના રૂઠીશ મારા પ્રિય…”હું ગાતી રહુ છું.

અરે, મારી પ્રાર્થના ફળી કે?દૂરદૂરથી તારી ઝાંખી મને થઇ રહી છે.તારા પદરવને હું આટલે દૂરથી યે ઓળખી લઉ છું.મને તારા ભણકારા સંભળાઇ રહ્યા છે…ઓહ! આખરે તું આવી…મારી અરજી સ્વીકારાઇ…અને તું આવી…..!!! બસ બસ હવે આ આનંદના અતિરેકમાં મારાથી આગળ નહી લખી શકાય…

અંતે મારી કામવાળી..એકની એક કામવાળી.. ચંપા આવી ખરી !!!!!

આજ મારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો ખરો! વધામણા..વધામણા!!એને ચોખાથી વધાવું કે કંકુના છાંટણાં છંટાવું?

મિત્રો,તમે તો એની પ્રતીક્ષા કરતા કરતા આ નથી વાંચી રહ્યા ને?

ચિંતા ન કરશો..જે આ લેખ બે વાર વાંચશે તે સૌને મને ફળ્યા તેમ ફળશે.

નીલમ દોશી.

 

આજની ખાટી મીઠી…. April 26, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

જૂઠો એટલે? જે કદાચ ન બન્યું હોય તેને વિષે સાચું કહી દે તે.તે કવિ,પ્રેમી કે રાજકારણી ગમે તે હોઇ શકે.

 

પંચતંત્ર..સિન્હ અને સસલુ…. April 25, 2007

જંગલનો રાજા સિંહ.હવે રાજાને તો ફાવે તેમ કાયદા કરે.તેને થયું કેહું રાજા…ને જાતે શિકાર કરવા જાઉં એ કંઇ સારું ન કહેવાય.તેથી તેણે કાયદો કર્યો કે રોજ જંગલના એક પ્રાણીએ વારાફરથી તેના પાસે આવવાનું.બધા પ્રાણીઓને પણ થયુ કે આમેય રોજ આટલા બધાને મારે છે..તેના કરતા દરેક ઘરમાંથી રોજ એક જ જણે જવું.આમ નક્કી થયું. સિંહને તો જલસા પડી ગયા.
વારા પ્રમાણે એક વાર સસલાનો વારો આવ્યો.સસલાને જરાયે ન ગમ્યું.એમ મરવા જવું કોને ગમે?પણ…લાચાર હતો..તે વિચારવા લાગ્યો આમાથી કોઇ ઉપાય શોધવો જોઇએ…તો બધાને બચાવી શકાય.પણ…શું? એમ વિચારતો વિચારતો તે સિંહ પાસે પહોંચ્યો ત્યારે થોડુ મોડુ થઇ ગયું હતું. સિંહ ગુસ્સાથી આંટા મારતો હતો.

સસલાને જોતા જ ત્રાડ પાડી…”કેમ આટલું મોડું?” સસલુ કહે,”રસ્તામાં…………………….” સિંહ વચ્ચે જ કહે,”હવે એ બધી વાર્તા રહેવા દે..મારા દાદા મૂરખ હતા ને પોતાનો જીવ ગુમાવ્યો હતો….હું મૂરખ નથી.તને કૂવામાં બીજો સિંહ દેખાયો…અને એવી બધી વાર્તામાં ચાલાકીમાં હું નહીં ફસાઉં…”

સસલુ કહે,”હા,નામદાર….મને યે એ ખબર છે.ને એ માટે હું દિલગીર છું.મારે તો મારા દાદાએ આપના દાદા સાથે કરેલ છેતરપિંડીનું પ્રાયશ્વિત કરવું છે.અને હું તમને મૂરખ બનાવી શકું એવી મારી હેસિયત કયાં છે?”

સિંહ થોડો શાંત અને ખુશ થયો.પછી કહે,”તો મોડું કેમ થયું?”

સસલુ કહે,”આ તો હું આવતું હતું..ત્યાં તળાવ ને સામે કિનારે એક વૃધ્ધ સિંહ અને તેની પત્ની મળ્યા.રાજાજી શું સુંદર સિંહણ…!!યુવાન સિંહણ અને એ ઘરડો સિંહ…..!!! સિંહણ ને એ ખૂબ હેરાન કરે છે…પણ બિચારી કોને કહે?બાકી નામદાર,એ તો આપ જેવા સિંહની રાણી તરીકે જ શોભે હોં!!”

કહી સસલાએ તો સિંહણના એટલા બધા વખાણ કર્યા..અને કહ્યું કે તમે જ એને આ લુચ્ચા સિંહના ત્રાસમાંથી છોડાવી શકો તેમ છો. સિંહ ને તો પોતાના વખાણ સાંભળી પોરસ ચડયો,”મારા રાજયમાં એ સિહણ દુ:ખી થાય એ કેમ ચાલે?ચાલ,મને બતાવ….”

સસલુ તો સિંહને નદી કિનારે લઇ ગયું.એને તો સામે કોઇ દેખાયું નહીં.સસલુ કહે,” સિંહણને લઇ ગયો લાગે છે.બહું સરસ છે ને એટલે બહુ બહાર જ નથી નીકળવા દેતો બિચારીને!!”

સિંહ કહે ,”એમ?તો હવે શું કરવું?” સસલુ કહે,”અરે,એ સિંહ બિચારો છે વૃધ્ધ.તમારી એક ઝાપટ નો જ ઘરાક છે.અને આ કંઇ ઉંડો કૂવો થોડો છે?છીછરું તળાવ છે…એક છલાંગ મારશો ને સીધા સામે કિનારે…તમારા જેવાને વાર કેટલી?”

સિંહ ને તો આવે ગયો જુસ્સો…તે તો હમણાં બહુ બહાર નીકળતો નહોતો..તેને તો ખબર પણ નહોતી કે હમણાં આ તળાવ માં કેટલો કાદવ જમા થયો છે ને જરાક પગ મૂકશે અને..પૂરું… સિંહે તો વગર વિચાર્યે એવો જોશથી કૂદકો માર્યો તળાવ માં….હવે તળાવમાં એટલો કાદવ હતો કે સિહરાજા તો કાદવમાં ફસાઇ ગયા…અને જેમ બહાર નીકળવાનું જોર કરે તેમ વધારે ને વધારે ફસાતો જાય…અને અંતે એમાં જ ફસાઇ ને કાદવમાં જ ડૂબી ને મરી ગયો.

અને મિત્રો,જંગલમાં તો તે દિવસે જોરદાર પાર્ટી થઇ. અને મુખ્ય મહેમાન કોણ હતું?તે તો તમને ખબર પડી જ ગઇ હશે ને?

આપણું નાનકડું સસલુ જ તો..!!નાનું ભલે ને હતું..બુધ્ધિ થોડી નાની હતી?

નીલમ દોશી.

 

ભાવવિશ્વ….13 April 24, 2007

Filed under: ભાવવિશ્વ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

દીકરી…
મોરપીંછ સંગાથે ,
વનરાવનમાં વાગતી
શ્યામની વેણુ”

બેટા,ઝિલ,

“ખડકાય રોજ ગંજ સ્મરણના ,
અણસાર આગમનનો લાગે છે.! “

વ્યક્તિ હાજર ન હોય..અને તેનું નામ મનઝરુખામાં પડઘાયા કરે..તેમ આજે બાવીસ વરસનો..તારા જન્મ થી અત્યારસુધી નો સમય મનમાં ઉમટી રહ્યો છે.ચલચિત્રની જેમ અનેક દ્રશ્યો નજર સામેથી સરી રહ્યા છે. કાલે ફોનમાં કેટલી યે વાતો કરી નહીં?અને અહીં આ ડાયરીના પાનાઓમાં જે વાતો કરું છું..તારી સાથે સફર કરું છું..તેની તો તને હજુ ખબર સુધ્ધાં નથી.અત્યારે તો ખાલી તારા સ્મરણો ઉભરાય છે ..એટલે કાગળ પર ઉતારું છું..બની શકે કયારેક એ તને આપું.

આમે ય આપણા ઘરમાં બધાને એકબીજાને સરપ્રાઇઝ્ આપવા ની ટેવ છે ને?એટલે કયારેક..બની શકે કોઇ જન્મદિવસે આ ડાયરી સાત સાગર પાર કરી ભેટ તરીકે તારી પાસે આવી પહોંચી તને સરપ્રાઇઝ આપે.અને ત્યારે તારા ચહેરા પર કેવા ભાવ હશે..એ હું આજે અહીં બેઠા યે કલ્પી શકું છું.અને એ ખુશી આ ક્ષણે માણી રહું છું.અને ત્યારે કદાચ આવું કંઇક ગાઇ ઉઠીશ….

“પવન રે,લઇ જા..મારો પ્રેમ,
.સાત સાગર પાર,
વિશ્વ અખિલે વેરતો જાજે
ઢોળજે ફાવે તેમ”

જન્મદિવસ….!!! એ સાથે એક મધુર યાદ મનને તરોતાજા બનાવી રહે છે.તે રાત્રે..તું ને મીત..છાનામાના કંઇક ઘૂસપુસ કરી રહ્યા હતા.કેમકે બીજે દિવસે મારો બર્થ ડે હતો.તમે બંને ત્રીજા.ચોથા ધોરણમાં ભણતા હતા.અને તમારે તૈયારી કરવી હતી..મારા બર્થ ડે ની.અને તેથી અમારા સૂઇ જવાની રાહ જોતા હતા.પણ અમે હજુ સૂતા નહોતા.અને મને ટયુબ લાઇ ટ થઇ.તેથી અમે ખોટાખોટા ..આંખ બંધ કરી.અમારા રૂમની લાઇટ બંધ કરી ઘસઘસાટ (!)સૂઇ ગયા..!!

અને શરૂ થઇ તમારી રાત્રિ ચર્યા.!!

તમે બંને એ કંઇક ચિત્રો દોરેલ..કાર્ડ બનાવેલ..ઘરમાંથી ખાંખાખોળા કરી ડેકોરેશનની કેટલીયે વસ્તુઓ ભેગી કરી રાખેલ.તે તમારી રીતે બધે ચોંટાડવા માંડયા.તું લગાવતી જતી હતી.અને મીત એમાં લખતો જતો હતો.સવારે ઉઠી ને સૌથી પહેલા હું બ્રશ કરવા જાઉં..તેથી તમે સૌ પહેલા વોશ બેઝિન પર..કાગળ ચોંટાડયો ..કંઇક દોરી ને સરસ લખીને. અને એમ ગણતરી કરી..બધી જગ્યાએ બધું શણગાર્યું ને લખ્યું.મોડી રાત સુધી તમારી ભાઇ બહેનની મીઠી નોક્ઝોક ચાલતી રહી.મને થતું..કહી દઉં…કે બસ બેટા,હવે સૂઇ જાવ..પણ તો તમને ખબર પડી જાય,અને તમારો ઉત્સાહ ઓછો થઇ જાય.એટલે ચૂપચાપ સૂતા રહ્યા.!!

(જોકે એક એકરાર આજે જાહેરમાં કરી લઉ?તે રાત્રે મારાથી રહેવાયું નહોતું..એટલે તમારા બંને ના સૂઇ ગયા પછી છાનીમાની ઉઠીને જોઇ લીધું હતું કે તમે શું શું કર્યું છે?અને હું છલકાઇ ગઇ હતી..એ લખવાની જરૂર ખરી ?અને સવારે અજાણી થઇ ને ફરી એક વાર તમે બતાવ્યું ત્યારે જોયું.ચીટીંગ ને?સોરી…આજે વરસો પછી.)

અને સવારે..તમે બંને “મમ્મા..આજે શું છે?”મારા જ વાકયો..જે હું હમેશા તમારા બર્થડે પર બોલતી…તે મને પૂછી રહ્યા. ”શું છે?મને તો કંઇ યાદ નથી.” (તમારી જેમ મારો” હેપી બર્થડે છે…!!! “એમ ન કહ્યું મેં)

મીત ઉતાવળો રહ્યો..એટલે જલ્દી હરખાઇને બોલી દેવા જતો હતો ત્યાં તું બોલી ઉઠી..”કંઇ નથી..અમે તો ખાલી પૂછતા હતા.જા તારે લેઇટ થશે..બ્રશ કરી લે જલ્દી.અને એમ કહી મને બેઝિન તરફ ધકેલી.હું અજાણ બની બ્રશ કરવા ગઇ…અને..અને ત્યાં તમે બંને મારી પાછળ આવ્યા.અને હું…. હું છલકાઇ ગઇ..ઢોળાઇ ગઇ. ઉભરાઇ ગઇ..!! પાંખોનો ખળભળાટ અને ટહુકાઓનો ઝળહળાટ..!!!ભીનાશથી યે વધુ ભીની મારી આંખો અને હૈયુ.!!

શું બોલુ?શું લખું?મારા છોકરાઓએ આટલી મહેનત કરી કેટકેટલું લખ્યું હતું..એની સૂઝ પ્રમાણે..મમ્મી માટે…જે ભાવના એ કાલાઘેલા શબ્દોમાં વ્યક્ત થઇ હતી તે કોઇ મસમોટા શબ્દો માં ન થઇ શકે.મારી આંખોનું છલકવું સ્વાભાવિક નથી?આનાથી મોટી ગીફટ એક મા માટે બીજી કઇ હોઇ શકે?તમે ત્રણે પાછળ ઉભા ઉભા તાળી પાડતા હતા.અને “હેપી બર્થ ડેનું ગીત ગાતા હતા.અને પછી તો તમે આખા ઘરમાં..બધા રૂમમાં જે જે કર્યું હતું..તે હોંશથી બતાવતા જતા હતા.અને વર્ણન કરતા જતા હતા.

સાંજે પપ્પા સાથે જઇને તમે ઘણું લાવ્યા મારા માટે..પણ સવારની એ અણમોલ ભેટની તોલે બીજું કંઇ આવી શકે તેમ કયાં હતું? મારા બર્થ ડે ને તે દિવસે તમે બંને ખરા અર્થમાં “હેપી”બનાવી દીધો હતો.!

“એક ભીની યાદ આવે
ને પછી વરસાદ આવે, ફૂલ જેવી લાગણીના
મહેક જેવા સાદ આવે.”

પ્રત્યેક મા બાપ..પોતાના બાળકનો જન્મદિવસ પોતપોતાની રીતે ઉજવતા જ હોય છે.અને બાળકની ખુશી માટે શકય બધું કરી છૂટતા હોય છે.કોઇ અપેક્ષા વિના.સહજતાથી.પણ બાળક જ્યારે કોઇ નાની વસ્તુ પણ મા બાપ માટે કરે છે ત્યારે તેમની આંખો ભીની થયા સિવાય રહી શકે ખરી?તે દિવસે મારી ખુશી જોઇ ને તમે કેવા છલકયા અને મલકયા હતા.!!

આજે યે તમે બંને કોલેજમાંથી..હોસ્ટેલમાંથી મારા જન્મદિવસે કયારેક આવી ન શકો તો..કાર્ડ મોકલો છો..પણ કયારેય તૈયાર લખાણ નહીં..જાતે લખો છો.દિલની સાચી લાગણી થી છલક્તું કાર્ડ અમને મળે છે ત્યારે એ ચન્દ પળોમાં અમે જીવી જઇ એ છીએ.એ લખાણ..એ કાર્ડ આજે યે અમૂલ્ય ખજાનાની જેમ મારી પાસે સાચવેલ છે.મા બાપને બાળકોની લાગણી સિવાય બીજું શું જોઇએ?અમે એવા નશીબદાર છીએ..માટે ઇશ્વરના આભારી છીએ..અને બેટા,તમારા બંને ના તો ખરા જ.

”જેટલા ઠલવાઇ જશો,કોળશો બમણાં
મહોરવા માટે ફકીરી કામ આવે છે.”

જીવનમાં જયાં જાવ ત્યાં બધાના આનંદનુ કારણ બની રહેજો.દરેકને પ્રસન્નતા આપી શકો એવા ઉત્સાહી બની રહેજો.અને એક વાત હમેશા યાદ રાખજો..પ્રેમ..આનંદ..પ્રસન્નતા..બીજાને આપવાથી,,એને મળે છે..એ કરતાં બમણી તમને મળશે.પ્રેમ અને લાગણી કયારેય માગવાથી ન મળે..આપવાથી એની જાતે મળે.

”આપતા રહો ને પામતા રહો…
સંબંધોના સોનેરી સૂત્રમાં,
દિવ્યતાની માળા પોરવતા રહો.”

“અંગત અંગત કોક મળે છે, લોક મળે છે મેળે મેળે”

એ ‘અંગત’ની ખોટ જીવનમાં કયારેય ન સાલે….

બસ….એટલું જ…

મા ના આશિષ.

 

આજની ખાટી મીઠી…. April 23, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

દરેક વિષય પર એટલુ બધુ લખાઇ ચૂકયું છે કે તેને કયાં શોધવું તેની જ મુશ્કેલી થઇ પડે છે.

 

કાવ્ય ગમતું… April 22, 2007

કોઇ માંદુ છે
મળવા જાવ
હોસ્પિટલમાં છે
ટિફિન લઇને જાવ

બાબો આવ્યો છે
બોલાવવા જાવ
બેબી આવી છે રમાડવા જાવ

વાસ્તુ છે
વધાવવા જાવ
નવા ઘર માટે ભેટ લઇને જાવ
સગાઇ છે શુકનમાં જાવ
લગ્ન છે ચાંદલો લઇને જાવ

જમણમાં તહેવારે જાવ
મરણમાં વહેવારે જાવ
ક્યારેક અમસ્તા જાવ
જાવ, જાવ ને જાવ

પગને તો બસ ઉપાડો એવું ક્યાં
જ્યાં પગ ઉપડે આપોઆપ !!
મને કોઇ તો સમય આપો
મારા સુધી જવાનો !!

લતા હિરાણી

 

ભાવવિશ્વ…..12 April 21, 2007

Filed under: ભાવવિશ્વ, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

દીકરી…

પંખી નો ટહુકો,
સંગીતનો મલ્હાર
છલકતી ખુશી.

લાડલી ઝિલ,

આજે…આજે પરમ આશ્ર્વર્ય..!!આનંદ …આનંદ..

”આજે તારો કાગળ મળ્યો,
ગોળ ખાઇ ને સૂરજ ઉગે
એવો દિવસ ગળ્યો.”

આજે તેં હોસ્ટેલમાંથી ઘણાં સમય બાદ મને કાગળ લખ્યો.લાંબો મજાનો..તારા અંતરની ઉર્મિઓ વ્યકત કરતો..! એ કાગળ એક મા માટે અમૂલ્ય સંભારણુ સ્વાભાવિક રીતે જ બની રહે.અને સાચું કહું તો મને તો આ ફોન કયારેય ગમતા નથી.ફોનથી તો સમાચાર પૂછી શકાય કે સમાચાર મળી શકે.ભાવની ભીનાશ એમાં કયાં?કાગળ તો મન થાય એટલી વાર…ગમે ત્યારે વાંચી શકાય..માણી શકાય.અને એક જ લાગણી મનફાવે ત્યારે તેટલીવાર અનુભવી શકાય.કોઇ ઉદાસ પળનો એ સથવારો બની રહે.

એટલે ટપાલીએ લેટર હાથમાં મૂકયો..અને તારા અક્ષર જોયા ત્યારે આ લાઇન મનમાં રમી રહી.

“એક ટપાલી મૂકે હાથમાં, વહાલભરેલો અવસર
થાય કે બોણી આપું? કે પહેલાં છાંટુ અત્તર?”

કેવી સરસ પંક્તિ છે નહીં?કોની લખેલી છે.. એ તો આજે યાદ નથી.પણ લખનાર ને સલામ કર્યા સિવાય કેમ રહેવાય?
કાગળમાં તેં પણ કેટલી યે યાદો લખી હતી.તું ત્યાં બરોડામાં છલકતી હતી..અને હું અહીં..દૂર રહી ને…! આપણું ભાવવિશ્વ એક સાથે અલગ અલગ જગ્યાએ સાથે ઉજાગર થયુ હતું.!! તારી પરીક્ષાઓ પાસે આવતી હતી.એવું પણ તેં લખેલ.

અને પરીક્ષાની સાથે..મારા મનમાં તારી સ્કૂલની પહેલી પરીક્ષા …એલ.કે.જી.ની પરીક્ષાની યાદ આવી ચડી.ત્યારે તારે ઓરલ પરીક્ષામાં ફૂલના અને ફળના પાંચ નામ બોલવાના હતા.અને તને પાંચ તો શું દસ આવડતા હતા.પણ ઘેર આવી ને મેં પૂછયું..ત્યારે આરામથી કહી દીધું”મારે થ્રી જ બોલવા હતા.!”!! મારે તો શું કહેવું તને એ યે સમજ નપડી.ખીજાવાનો કોઇ અર્થ કયાં હતો?ત્રણ વરસની બાળકી ને શું પરીક્ષા ને શું પરિણામ?

નંબરની અમને મા બાપ ને પડી હોય..તમે તો ત્યારે એ બધાથી પર હતા.હજુ સંસારનો પવન સ્પર્શ્યો નહોતો.અને બીજે દિવસે મેથ્સની પરીક્ષા આપવા જતી વખતે તેં કેવી યે નિર્દોષતાથી પૂછેલ, હેં મમ્મી,મેથ્સ એટલે શું?” અને મારી પાસે જવાબ કયાં હતો?

અને તારા ટીચરે તમને કોર્ષ લખેલ કાગળ આપેલ અને સાચવવા કહેલ હશે એટલે ઘેર આવી ને,”મમ્મી,આને કબાટની અંદર મૂકી દે. સાચવવાનો છે.”હું એમાં જોતી હતી.કે કોર્ષમાં શું છે…ત્યાં તો તેં જોવાની ચોખ્ખી ના પાડી દીધી.”મારા ટીચરે સાચવવાનું કહ્યું છે.. કંઇ બધું જોઇ લેવાનું નથી.!!!” અને તને કેટલો યે વાંધો પડી ગયો હતો.! અને અંતે મારે “સાચવીને” કબાટમાં મૂકી દેવો પડયો હતો.અને પછી તું સૂઇ ગઇ ત્યારે કોર્ષ જોવો પડયો હતો.
પ્રસંગોની વણઝાર આજે વણથંભી આગળ ચાલે છે.અને આંખો સામે ઉલેચાય છે આખો યે અતીત.

અને એલ.કે.જી.નું વરસ પૂરુ થયું ત્યારે તો તું કેવી યે ખુશખુશાલ થઇ ઉઠી હતી અને મને કહ્યું હતું,”મમ્મી,હવે ભણવાનું પૂરુ ને.!? હવે મને આખી એ.બી.સી.ડી.અને વન ટુ હંડ્રેડ(1 થી 100) આવડી ગયા છે ને?શૈશવના એ બધા પ્રશ્નોના જવાબ કોઇ પણ મા બાપ માટે આસાન થોડા જ હોય છે?અને બેટા,એક એક રીતે કહું તો આમે ય આજે પણ તું એ વન ટુ હંડેર્ડ અને એ.બી.સી.ડી. માં જ રમે છે ને?અમે તને સીધી શીખવાડી હતી. હવે તું એને આડી અવળી કરીને લખે છે..! બસ આટલો જ ફરક છે ને?નવો એકે ય અક્ષર તેં કયાં શીખ્યો છે ?હા..હા..હા..હા..! મજા આવી ગઇ ને?

“કોઇએ ગીત છેડયું ને જાગી ગયું આખું યે તળાવ.”

શૈશવ માટે દુનિયા કેટકેટલા વિસ્મયથી ભરેલી હોય છે?આ તો જોકે 20 થી 22 વરસ પહેલાની વાતો છે.પણ મને લાગે છે..આ આટલા વરસોમાં યે દુનિયા ઘણી આગળ વધી ગઇ છે.!

આજે 21મી સદીનું બાળક ટી.વી..મોબાઇલ..કોમ્પ્યુટર..વિગેરેથી એટલું બધું પરિચિત થઇ ચૂકયું છે..કે તેની વિસ્મયની દુનિયા સાંકડી થતી જાય છે.એની આંખોનું અચરજ ઓછું થતું જાય છે.મને તો એ જરાયે નથી ગમતું..પણ મારા ગમા,અણગમા પર દુનિયા થોડી ચાલે છે? અમે ચાર પાંચ વરસના હતા ત્યારે…તું ચાર પાંચ વરસની હતી ત્યારે..અને આજનું બાળક એ ઉમરનું..અને કાલે તમારા છોકરા એ ઉમરના થશે ત્યારે કેટલો વિશાળ તફાવત પડી ગયો લાગે છે.આજે તો પાંચ વરસના બાળકનું જ્ઞાન..માહિતી જોઇ ને આશ્ર્વર્યચકિત થઇ જવાય છે.! અમે તો કેવા ઘોઘા જેવા હતા.!! આજે શિશુ જ્લદી મોટુ થઇ જાય છે.પાંચ વરસનું બાળક ટી.વી.માં કેમેરાનો સામનો જે નિર્ભયતાથી કરે છે.. જે પ્રોગ્રામો આપે છે.તે જોઇને હું તો છ્ક્ક થઇ જાઉં છું.સતત સ્પર્ધાના આ યુગમાં..ટકી રહેવાની કે આગળ આવવાની અગણિત મથામણો ચાલતી રહે છે.ડાર્વિનના” સર્વાઇવલ ઓફ ફીટેસ્ટ”ના સિધ્ધાંત નો બધાને ડર લાગ્યો છે કે શું?શૈશવનો ગાળો આજે બહું ટૂંકો થઇ ગયો લાગે છે. ખેર..! જરા આડી વાતે ચડી ગઇ.પણ શિશુની વાત આવે ત્યારે હમેશા….હું.. જોકે અહીં કોઇ ટીકા કે નારાજગી નથી..જે હકીકત છે..એની વાત છે.સાચા ખોટાની ચર્ચા નથી.દરેક વાતના જમા અને ઉધાર પાસા હોય જ છે ને?સમય સમયની બલિહારી છે.

આજે લેકચર કરી નાખ્યું તેવું લાગે છે ને?કયારેક બેટા,એ પણ ચલાવવું પડે હોં.! મમ્મીને તો જે મનમાં આવે એ ડાયરીમાં લખ્યે જાય છે.વિચાર્યા સિવાય..તને ગમે એ તારું ને બાકીનું ન ગમે એ મારું…!!

ચાલ.આજે અહી જ અટકી જવું જોઇએ મારે..એવું તને લાગે છે ને?મને યે લાગે છે. બેટા,
કાલે મળીશું?ફરી એકવાર આ સફરે સાથે નીકળીશું ?

“કોણ આવી ટાંગી ગયું અહીં
સૂરજનું ઝળહળતું ઝુમ્મર?”

હા,તારી સાથે વાત કરતી હોઉં ત્યારે અંતરમાં સૂરજનો ઉજાસ આપમેળે પ્રગટી જાય છે ને?

બસ…અને હવે બોલકા આ મૌન સાથે…..
મા ના આશીર્વાદ