બોનસાઇ
તેં મને રોપી હતી તારા જતનથી
હું ઉછરતી ગઇ
મને યાદ છે
મારા પહેલા પાંદડે
તું કેવો લીલોછમ થયો ‘તો
ને દિવસો સુધી ઝૂમ્યો ‘તો
પછી મારી ખિલતી વિસ્તરતામાં
તારી ખુશી સંકોચાતી ગઇ
હવે તું રોજ
મારા પાંદડા કાપે છે
ડાળીઓ તોડે છે ને
મુળિયાં કાતરે છે
મારે ઉગવાનું માપમાં
મારે ખીલવાનું માપમાં
મારા તાંતણે તાંતણે
આકાશનો શ્વાસ પડઘાય છે
મારા પાંદડે પાંદડે
વાયુનો વ્યાપ વમળાય છે
હું તને કેમ સમજાવું ?
મારાં મુળિયાં કેટલાં સજ્જડ પથરાયાં છે
તારી ભુમિમાં
મારે જીવવું છે ને મારે ખીલવું યે છે………..
લતા હિરાણી(”કલમ”માં પ્રકાશિત)
