પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

મમ્મીજી… February 27, 2007

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 7:47 am

ઇલા બહુ જ આનંદી અને પ્રેમાળ. જ્યારે પણ મળે ત્યારે ખુશીના ફુવારા છુટે. એના ઘરના પ્રોબ્લેમ્સ ઘણાં પણ એને રોદણાં રોવાની જરાય ટેવ નહીં. એક વાર સવારના પહોરમાં એ સરલામાસીને ત્યાં જઇ ચડી. કોઇપણ સમયે એનું આગમન કોઇને પણ ગમે જ. એક તો એનો આનંદી સ્વભાવ અને બીજું એની સતત મદદરુપ થવાની ટેવ. એના આવવાથી કદી કોઇને અડચણ ન લાગે. થોડીવાર વાતો થઇ. સરલામાસી એના માટે ચા બનાવવા ઉઠયાં.
ઇલા કહે, ”અત્યારે તો તમારે ત્યાં તાજું દૂધ હશે ને ! હું એમાંથી આપણા બંને માટે ચા બનાવું છું. મને તાજા દૂધની ચા બહુ ભાવે.” ”તેં સારી ટેવ પાડી છે. બાકી હવે આ ફ્રીઝ યુગમાં વાસી દૂધ જ વાપરવાનું થાય છે..” ઇલા કહે, “ આપણે તાજું દૂધ વાપરવું હોય તો વાપરી શકાય ને ! એ પ્રમાણે આયોજન કરવું પડે. આ જુઓને, મને વાસી દૂધની ચા જરાય ન ભાવે પણ રોજ એ જ….” ”એમ કેમ? રસોડું તો તું સંભાળે છે.. હમણાં તો આયોજનની વાત કરતી હતી…” ”અરે વાત જવા દો. મમ્મીજીને જરાય ન ગમે. તાજું દૂધ વપરાય જ નહીં. જો ચામાં વાપર્યું તો બોલ્યા વગર ન રહે. એનાં કરતાં વાસી દૂધની ચા પી લેવી સારી.” ”પણ તું તારી મરજી મુજબની ચા ન બનાવી શકે ??” ”માસી…. ચાની કયાં વાત કરો છો ?

મારે ઓફિસમાંથી રજા લેવી કે નહીં એમાં ય મમ્મીજીની માથાકુટ ચાલે જ. રજા લેવાનું જરુરી છે કે નહીં એ મમ્મીજી નક્કી કરે. થાકી હોઉં અને આરામ કરવાનું મન હોય ત્યારે તો ભુલથી યે ઘરે ન રહેવાય. રજા લઇને મારી ફ્રેંડના ઘરે જતી રહું. અને ઓફિસમાં કહી રાખવું પડે કે મમ્મીજીનો ફોન આવે તો હું કામથી બહાર ગઇ છું એવું જ કહેજો. ઓફિસમાં હવે બધા જાણે છે એટલે વાંધો નથી આવતો. મમ્મીજી છે ત્યાં સુધી તો મારા ઘરમાં મારી મરજી મુજબ કંઇ નહીં થાય. એટલે તો તમને અત્યારે ફરમાઇશ કરી.”

સરલામાસી ચુપ થઇ ગયાં.
“ચાલો માસી ચા પીને મારે ભાગવું પડશે. આ તો ફ્રેશ દૂધની ચા પીવાનું મન થયું એટલે તમારે ત્યાં ટપકી પડી. માસીને મળવાની યે મજા અને ચાની યે મજા.. મારે પછી ફ્રુટ લેવા જવું છે. મમ્મીજીને આજે અગિયારસ છે ને !” ”એમ કર ઘરમાં પપૈયું પડ્યું છે. તું લેતી જા. તારો ધક્કો બચી જશે.” ”ના માસી મમ્મીજીને પપૈયું જરાય નથી ભાવતું. એક તો એમને જરાય લોહી ચડતું નથી એમાં પાછો ઉપવાસ છે. કંઇક એમને ભાવતું લઇ જઉં તો ખાઇ શકે ને !!” સરલામાસીએ ચા બનાવી ત્યાં સુધીમાં ઇલાએ નાના રાહુલ સાથે ધમાલ મસ્તી કરીને ઘર ગજવી મુક્યું.

                                 લતા હિરાણી.

તા. 8 ફેબ્રુઆરી 2007ના દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રકાશિત

 

આજની ખાટી મીઠી… February 27, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

કેટલીક વાર મૂરખાઓ પૈસો બનાવે છે, તો પૈસો મૂરખ.