મા…

મા! જગતભરના કવિઓએ

પ્રશંસાના પુષ્પોમાં દાટી દીધી તને.
સુગંધના એ દરિયામાં તણાઇ ગઇ તું
ને ભૂલી ગઇ કે તું માત્ર માતા નથી..
છે..એક વ્યક્તિ જેનું કંઇક કર્તવ્ય છે
પોતાની જાત પ્રત્યે
તેમાં યે ઋષિમુખે સાંભળ્યું
”કુપુત્રો જાયેત્ કવચિદપિ કુમાતા ન ભવતિ”
ત્યારે તો સાત જનમનો નશો ચડયો તને!
અન્યાય,અપમાન ને અવહેલનાની વર્ષા
છો ને કરે સદાયે –
ખમ્મા મારા લાલને!
”સુમાતા” નું કાષ્ઠફલક ગળે લટકાવીને
કંગાલિયતથી જીવ્યા કરીશ સદાયે
કે ખોલીશ કદી નયન?
વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા
નથી નથી એ પ્રકૃતિની દેણ
છે જટિલ માનવ સંસ્કૃતિની વધુ એક બેડી
ચકચકિત..રૂપાળી.. ચાંદીની.. સોનાની. તો યે બેડી!!!
રુધિરનો પ્રવાહ પણ એકમાર્ગી નથી
હોય તો જીવન અટકી જાય
સ્નેહનો પ્રવાહ શા સારુ એકમાર્ગી?

ધીરુબહેન પટેલ.

Leave a Comment