મૂલ્યવાન ભેટ February 24, 2007
“લતાબહેન, અહીં આવો તો ! તમને કંઇક સરસ બતાવું” ઉત્સાહથી છલકાતા અવાજે મારી પડોશણ કિન્નરીએ મને બોલાવી..
હું એની પાસે ગઇ. એણે મારા હાથમાં એક પુસ્તક મુક્યું. ટાઇટલ પેજ પર કબુતર અને કબુતરીનો ચાંચમાં ચાંચ ભરાવીને વહાલ કરતો ફોટો હતો. હું પુસ્તકના પાનાં ખોલવા ઉત્સુક થઇ ગઇ. જોકે મને થોડો અંદાજ આવી ગયો હતો. અને એવું જ નિકળ્યું. હવે રોમાંચ અનુભવવાનો વારો મારો હતો. આ છે એક અનોખી વાત.
કિન્નરીની દીકરી વલ્લ્ભીનાં લગ્ન લેવાયાં હતાં. પ્રસંગ તો બધે ઉજવાય છે એમ જ ધામધુમથી ઉજવાયો. એમાં નવતર એ હતું કે આમંત્રણ પત્રિકામાં લગ્નમાં હાજર રહેવાના નિમંત્રણ સાથે એક સ્નેહાળ વિનંતિ હતી..આ વિનંતિમાં લગ્ન નિમિત્તે કોઇપણ પ્રકારની ભેટ, ચાંદલો કે ફૂલોના અસ્વીકારની વિવેકભરી પ્રેમાળ ‘ના’ સાથે એક સરસ મજાની માગણી હતી.‘ આ સાથેના કાર્ડમાં તમારા આશિર્વાદ, શુભેચ્છાઓ લખીને આપશો.’ એ આમંત્રણ પત્ર અને શુભેચ્છાકાર્ડ જોઇને જ હું આનંદિત થઇ ગઇ હતી. અને હવે મારા હાથમાં સહુએ પાઠવેલા પત્રો અને કાર્ડ એક પુસ્તકસ્વરુપે હતાં.
લગ્નમાં જઇએ એટલે ભેટ, ચાંદલો અને ફૂલો આપવાનું કેટલું યાંત્રિક હોય છે ! કોઇપણ સ્વરુપે આવતી ભેટમાં અંગત સ્પર્શ બહુ જ ઓછો હોય છે. ઘણી વખત ઇચ્છા હોવા છતાં એવું બનતું હોય છે કે સમય ન રહે અને છેલ્લે જતાં જતાં રસ્તામાંથી કંઇક ખરીદી લેવું પડે. નજીકના સગાં પરણતી કન્યાને શું લેવાનું બાકી છે એ વિચારતા હોય છે. સંબંધીઓ અને મિત્રોમાં મોટા ભાગે વહેવાર પૂરો કરવાની વાત હોય છે. પોતાને ત્યાં થયેલા પ્રસંગ વખતની ડાયરી પણ ખુલતી હોય છે. “આપણા પ્રસંગમાં એમણે શું આપ્યું હતું કે કેટલો ચાંદલો કર્યો હતો ?” વળી પ્રસંગે આવતી ભેટો એટલી બધી હોય છે કે કેટલીયે ભેટોનાં ગિફ્ટ પેપર જ બદલાતાં હોય છે. ઘણા લોકોને ઘરે આવી ‘સર્ક્યુલેટીંગ ગીફ્ટ’ જુદી મુકી દેવામાં આવતી હોય છે અને એ ધ્યાન રાખવું પડતું હોય છે કે જેમણે ભેટ આપી છે એમને જ ક્યાંક એ ભેટ પાછી અપાઇ ન જાય !
અહીંયા આશિર્વાદ લખીને આપવાની વાત હતી !! કબાટમાંથી કોઇ ભેટ કાઢી નવું પેપર લગાવવું કે પછી કંઇક ખરીદી લેવું બહુ સહેલું છે પણ લખીને આપવાનું છે ?? અઘરું કામ છે. સરસ લખવાનું મન બધાને થાય ! જેમણે ખુશીખબરના પત્રો કે હિસાબ સિવાય જીંદગીમાં કશું નથી લખ્યું એમણે પણ હોંશે હોંશે લેખક કે કવિ બની પોતાની ભાવના વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો. જાતે ન લખી શક્યા એમણે કોઇકની કવિતાની પંક્તિ કે અવતરણો શોધીને લખ્યાં.. તો કોઇએ સાદા શબ્દોમાં પોતાની ભાવના જરુર વ્યક્ત કરી. અને આ બધી મથામણમાં બધાએ વલ્લભીને કેટલી યાદ કરી !! હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે સાવ સાદા બે વાક્યથી માંડીને કંઇપણ લખવામાં સહુએ થોડીક લાગણીભીની ક્ષણો વલ્લભી માટે જરુર અનુભવી !! જે પોતાનાં છે એની લાગણી તો હંમેશા રહેવાની પણ જે દૂરનાં છે એમનું મન પણ સંવેદનાથી છલકાયું. અને છેવટે આ બધું એક પુસ્તક સ્વરુપે વલ્લભીને મળ્યું… કેવો સરસ વિચાર અને કેવી મુલ્યવાન ભેટ !!
લતા હિરાણી.
તા. 21 ફેબ્રુઆરી 2007 ના રોજ દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રકાશિત

સરક્યુલટીં ભેટ અમેરિકન સ્ટાઈલ
મને આ વિચાર તો બહુ ગમ્યો.
પણ ઘરમાં કોઇ પ્રસંગ આવે અને આવો પ્રસ્તાવ મૂકું અને તે મારાં શ્રીમતિ પાસે મૂકું તો તે તેને ગમશે કે નહીં તે કહેવાય નહીં !!
Very good idea.Gifts are appriciated for the time of event and then left away for garbage.A nicy written a line or two or a small ‘Share’ of ghazal will be always remembered thats what i believe and imply.
thanks to all who read this and commented too